વિપસના શિબીર
નીલેશ એન. શાહની નજરે.
મન હોય તો માળવે જવાય તે સચોટ કહેવત છે.
-: પ્રસ્તાવ :-
લગભગ ૨ વર્ષ પહેલા જયારે મને ખબર પડી કે વિપસના શું છે અને તેની શિબીર ક્યાં અને કેવી રીતે થાય છે. તો મનમાં ઇચ્છા થઇ હતી કે આમાં જવા જેવું છે. ગયા વર્ષે બુક કરાવ્યું પણ જઈ ન શક્યો. મારા આ વર્ષનાં ગોલમાં નક્કી હતું કે વિપસના ચોક્કસ કરવું છે.
* શિબીર વિષે *
આ શિબિર ૧૨ દિવસની હોય છે. દુનિયામાં ઘણી જગ્યાએ શિબીર ચાલે છે. અને તમને ગમે ત્યાં રજીસ્ટર્ડ કરાવી શકો. તમારે એક પણ પૈસો આપવાનો નથી અને તમને મન થાય તો દાન કરવું. કોઈપણ ઠેકાણે દાન ની સુચના કે નોંધ કરેલી નથી. ઘણું અઘરું છે. કારણકે આ શિબીર માં ત્રણ વસ્તુનો સામનો કરવાનો છે.
(1) આર્યમૌન (Nobel Silence)
મતલબ કે બોલવાનું / વાંચવાનું / લખવાનું નહી. ઉપરાંત તમે ઇશારાથી પણ વાત ન કરી શકો. આંખથી આંખ પણ મલાવી શકાય નહી ( કોઈપણ જાતનું કોમ્યુંકેશન નહી. )
(2) ‘સંત’ ની જેમ જીવવું
મતલબ કે જાતે રૂમ સાફ રાખવો. ઓછી સગવડમાં જીવવું. જરૂરીઆત પુરતું ખાવું. જીવન જીવવા માટે ખાવું. સૌથી અગત્યનું ૧૦ કલાક ધ્યાન કરવું. તે પણ back support (ટેકા) વગર નીચે નાની ગાદી પર બેસીને. ઘણું અઘરું છે.
- ધર્મ અને આધ્યાત્મિક સાંભળવું, સમજવું અને જીવનમાં ઉતારવું ઘણું અઘરું છે.
- * સમય રૂપરેખા / કાર્યક્રમ ( થોડો ફરક હોઈ શકે )
- સવારે ૦૪:૦૦ થી ૦૪:૩૦ વચ્ચે ઉઠી તૈયાર થઇ પેગોડા ( Meditation Hall ) માં જવું.
- સવારે ૦૪:૩૦ થી ૦૬:૩૦ લગભગ ૨ કલાક સમૂહ સાધના કરવાની.
- સવારે ૦૬:૩૦ થી ૦૭:૦૦ શુદ્ધ સાત્વીક ગરમા ગરમ સવારનો નાસ્તો સાથે ચા, કોફી, દૂધ. ( નાસ્તો કરતી વખતે બધાની ખુરશીઓ દીવાલ ની સામે હોય કે જેથી એક બીજાને જોઈ ન શકો. )
- સવારે ૦૭:૦૦ થી ૦૮:૦૦ સવારનો નિત્યક્રમ પતાવી તૈયાર થવું.
- સવારે ૦૮:૦૦ થી ૦૯:૩૦ સમૂહમાં સાધના હોલ માં કરવી.
- સવારે ૦૯:૩૦ થી ૧૧:૦૦ સાધના - Meditation તમે નિવાસ સ્થાન, હોલમાં કે શુન્યાગર માં કરી શકો.
- સવારે ૧૧:૦૦ થી ૧૧:૩૦ બપોરનું જમવાનું. જેમાં દાળ-ભાત, શાક, સલાડ, છાશ, રોટલી, (શુદ્ધ સાત્વીક ભોજન)
- સવારે ૧૧:૩૦ થી બપોરે ૦૧:૦૦ આરામ, પોતાના નિવાસ સ્થાન (રૂમમાં) કરી શકો. પોતાનું સાફ-સફાઈ નું કામ પણ પતાવી શકો.
- બપોરે ૦૧:૦૦ થી ૦૨:૦૦ સાધના, (તમારા રૂમમાં/હોલમાં/શુન્યાગરમાં કરી શકો )
- બપોરે ૦૨:૦૦ થી ૦૩:૩૦ સમૂહમાં સાધના ( ફરજીયાત હોલમાં કરવી )
- બપોરે ૦૩:૩૦ થી ૦૫:૦૦ સાધના, (તમારા રૂમમાં/હોલમાં/શુન્યાગરમાં કરી શકો )
- સાંજે ૦૫:૦૦ થી ૦૫:૩૦ નાસ્તા માં મમરા, ચા - કોફી - દૂધ અને એક ફળ.
- સાંજે ૦૫:૩૦ થી ૦૬:૦૦ ચાલવું અથવા આરામ કરવો.
- સાંજે ૦૬:૦૦ થી ૦૭:૦૦ સમૂહ સાધના હોલમાં કરવી.
- સાંજે ૦૭:૦૦ થી ૦૮:૩૦ શ્રી એસ. એન. ગોએન્કા નું પ્રવચન સાંભળવું. જેમાં ધર્મ, અધર્મ, રૂઢી, વ્યવહાર, સાંપ્રદાય, વગેરે વિષય પર રોજ ચર્ચા હોય અને ઘણું જ્ઞાન મળે.
- રાત્રે ૦૮:૩૦ થી ૦૯:૦૦ સમુહમાં સાધના.
- રાત્રે ૦૯:૦૦ થી ૦૯:૩૦ આચાર્ય સાથે પ્રશ્નોત્તર
- રાત્રે ૧૦:૦૦ પછી સૂઈ જવું.
- ભગવાન બુદ્ધ જયારે સિધ્ધાર્થ હતા અને તેમાંથી ભગવાન બુદ્ધ થયા પછી લોકો ને કેવી રીતે સમજાવવું કે ધર્મ શું છે. તે સમજાવવા વિપસનાનો ઉપયોગ કર્યો. લગભગ ૨૭૦૦ વર્ષ જુની પધ્ધતિ ભારતમાં ૭૦૦ વર્ષ ચાલી અને લગભગ છેલ્લા ૨૦૦૦ વર્ષથી લુપ્ત થઇ ગઈ હતી. તે પાછી લાવવાનો સફળ પ્રયત્ન શ્રી. એસ. એન. ગોએન્કા કરી રહ્યા છે. તેઓ આ પધ્ધતિ બર્મા માંથી શીખી ને આયા હતા અને અત્યારે પૂરી દુનિયામાં શીખવી રહ્યા છે.
- * સાચું કરો તે ધર્મ અને ખોટું કરો તે અધર્મ.
- * જેમ કુદરતનો નિયમ કોઈ બદલી શકતું નથી તેમ ધર્મ અને અધર્મ ને પણ કોઈ બદલી શકતું નથી.
- * જેમ કુદરતના નિયમ મુજબ જે બીજ વાવો તેવું ફળ મળે છે. અને જેવું તમે કરો તેવુ તમને ફળ મળે. સારું કરો તો સારું ફળ મળે અને ખરાબ કરો તો ખરાબ ફળ મળે.
- * સાચું - સારું અથવા ખોટું - ખરાબ કરો તે આપણા મનને પહેલા ખબર પડે છે અને પછી તેની પ્રતિક્રિયા - વાણી (બોલવાની) અથવા શરીરની (હાથ-પગ ચલાવવાની) આપણે કરીએ છીએ.
- * પ્રતિક્રિયા કરતા પહેલા મનને સમતા ભાવે રાખી ક્રિયા કરીએ તેનું નામ વિપસના.
- * ભોગતા ભાવને બદલે દ્રષ્ટા ભાવથી જીવન જીવીએ તેનું નામ વિપસના.
- * મનને ખુશ કે દુઃખી કર્યા વગર જીવન જીવવું તેનું નામ વિપસના.
- * અંધશ્રદ્ધા, ક્રિયા, કાંડ અને રૂઢીચુસ્ત નિયમો વગર ધર્મને અનુસરવું તેનું નામ વિપાસના.
- * ધર્મ, રીત અને રીવાજ છોડવાના નથી પણ ભગવાન અથવા તો ધર્મગુરુ ના ગુણનું અનુકરણ કરવું તેનું નામ વિપસના.
- વિપસના ને શીખવાની પધ્ધતિ :
- દિવસ ૦ :- દરરોજ સાંજે ૦૭:૦૦ વાગ્યા પછી આર્યમૌન પાળવો પછી લગભગ ૧૦ દિવસ સુધી તમારે તમારા જાતને તમારી રીતે જોવાની, સાંભળવાની, સમજાવવાની અને કાબુમાં લાવવાની છે.
- દિવસ 1 :- પહેલા દિવસે શ્વાસ લેવો અને છોડવો. તે જ શીખવાનું છે. તમારા શ્વાસ ને જાણો, માણો, નિહાળો અને અનુભવો. આખો દિવસ શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરો કે જેથી તમારી રોજીંદા જીવનની દોડને થોડી શાંત રાખી શકો.
- દિવસ 2 :- બીજા દિવસે નાક ના છિદ્રો ને કેન્દ્રમાં રાખી શ્વાસ ને જાણો અને માણો. મનનું ધ્યાન ખાલી નાક ના છિદ્રો પર રહે છે. મન ને ધીરે ધીરે ઓછા વિચારો અને એક જગ્યા પર કેન્દ્રિત કરવાના પ્રયત્નો કરો.
- દિવસ 3 :- ત્રીજા દિવસે નાકના છિદ્રો અને હોઠના ઉપરના ભાગમાં ધ્યાન કેન્દ્રિત કરી જાણો, માણો અને નિહાળો. ધ્યાન કેન્દ્રિત કરતા તમને સંવેદના હોઠના ભાગ પર આવશે. સંવેદના ( પરસેવો - ઝણઝનાહટ - ખંજવાળ - ગલીગલી કે ગમે તે હોઈ શકે ). તે સંવેદનાની પ્રતિક્રિયા ન કરવી. સંવેદના આવે તેને જાણી સહન કરો. કારણ કે નિયમ મુજબ તે જતી રહેવાની છે. Change is Constant અને તે થવાનો છે. તો મનને મક્કમ કરો અને પ્રતિક્રિયા ન કરો તેનું નામ વિપાસના.
- દિવસ 4 :- ચોથા દિવસે સંવેદતા વધુ જાણો. અને પ્રયત્ન કરો કે તમે અંદર સંવેદતા માણી શકો. મનને કાબુમાં રાખી કોઈ પ્રતિક્રિયા ન કરવાનો અભ્યાસ કરો. મતલબ કે મનને કાબુમાં કરીને કહો કે સુખ દુઃખ જે આવે છે તે અત્યારે અનુભવ કરી રહ્યો છું. પણ તે જતું રહેશે. જેમ શ્વાસ ઉપર - નીચે થાય છે. તેમ સુખ દુઃખ પણ આવતું જતું રહેશે.
- દિવસ 5 :- પાંચમાં દિવસે આખા શરીરની સંવેદનાનો અનુભવ કરો. માથાથી માંડી પગના અંગુઠા સુધી બધા અંગ ને જાણો - માણો અને સંવેદનાનો અનુભવ કરી પ્રતિક્રિયા ન કરો. દિવસમાં ત્રણ વાર અધિષ્ઠાન ( જે સ્થિતિ માં બેઠા છે ) તે બદલવી નહી અને મનને કાબુમાં રાખો. દિવસમાં 3 વાર ( સવારે, બપોરે અને સાંજે ) અધિષ્ઠાન નો નિયમ પાળો અને મન પર કાબુ લાવવા પ્રયત્ન કરો. સંવેદતા ને માણી પ્રતિક્રિયા ન કરો. તમારા જુના દુઃખો - રોગ ધીરે ધીરે બહાર આવશે અને તમારા મગજમાંથી નીકળશે.
- દિવસ 6 :- છઠ્ઠા દિવસે તમને આના-પાત ( શ્વાસ લેવાની પધ્ધતિ જે પહેલા ત્રણ દિવસ શીખવી તે ) સાથે વિપસના ( જે ચોથા અને પાંચમા દિવસે શીખવી તે ) આવડી ગઈ માટે અભ્યાસ કરો તમે શુન્યાગર ( 4 X 3 ની નાની ઓરડી જેમાં સંપૂર્ણ શાંતિ હોય. ઉપર પ્રકાશ માટે નાનું છિદ્ર હોય ) માં મેડીટેશન કરો. તમને કોઈ દેખાય નહી. તમારા મનને જાણો, અનુભવો અને વિપસના કરો.
- દિવસ 7 :- સાતમાં દિવસે વિપસનાનો અભ્યાસ કરવો. તમારા જીવનના ગયેલા દિવસોમાંથી દ્રેષ - દુઃખ નીકળતા જાય. બંધન ખુલતા જાય કે જેથી મુક્તિના માર્ગ તરફ જઈ શકો. અધિષ્ઠાન - વિપસનાનો અભ્યાસ કરી સત્ય ને સ્વીકારો. કુદરતનો નિયમ અને તે વખતનું તે જ સત્ય છે તે સ્વીકારી - અપનાવી સાક્ષી ભાવથી જાણો. પ્રતિક્રિયા કરી મનને કાબુમાં રાખો.
- દિવસ 8 :- આઠમા દિવસે અધિષ્ઠાન અને વિપસનાનો અભ્યાસ કરતા મનમાં રહેલા રાગ - દ્રેષ ધીરે ધીરે કાઢવા સમતા ભાવમાં રહેવું. સુખ કે દુઃખ ભોગવવા કરતા સાક્ષી ભાવથી વાપરો. મતલબ કે સુખ આવે ત્યારે વિચારો કે સારા કર્મ કર્યા છે માટે સુખ છે. તો હજી સારા કર્મ કરું. અને દુઃખ આવે તો મારા જુના કર્મ ખરાબ હશે માટે દુઃખ છે. બંને સમય સાથે જતા રહશે. વિચારો, પ્રકાશ તરફ ભાવના રાખો.
- દિવસ 9 :- નવમાં દિવસે અધિષ્ઠાન અને વિપસના કરવી. મોક્ષ મેળવવા માટે માનવ દેહ મળ્યો છે. ધર્મ કરો. ( સારું કામ - સારા કર્મ કરો ) Control on Mind & Be Equanomed સંવેદનાથી સ્વભાવો સમજો. અંતર્મુખી થઇ દરેક પરિસ્થિતિમાં સમતા ભાવ રાખો. શાંત અને સજાગ મનથી ધીરે ધીરે મગજને કંટ્રોલ કરો. મગજ ને ધીરે ધીરે કંટ્રોલ કરી વાણી અને શરીર પર કાબુ મેળવો. સ્વસ્થ મુક્તિ પામો. સાધના - વિપસનાની આ છેલ્લી રાત હતી.
- દિવસ 10 :- દસમાં દિવસે સમુહ સાધના કરી બપોરે મોંન તોડવાનું હોય અને રાત્રે મૈત્રી દિવસ ઉજવવો. મતલબ કે લોકોને મળો, વાતો કરો, જાણો, માણો અને સારો વ્યવહાર કરો કે જેથી ભવિષ્યમાં બધાને મદદ કરી શકો. સાંજે અને રાત્રે ગોયંકાતા જીવન યાત્રા ઉપર વિડીઓ જોઈ અને ધર્મ ને કેવી રીતે આગળ વધારાય તેની શિખામણ આપતા. તેઓ ફક્ત ધર્મની વાત કરતા અને કોઈપણ સંપ્રદાયની ક્યારેય અવગણના કે ખરાબ ન બોલતા. સબકા મંગલ હો તે જ સુત્ર રાખતા.
- દિવસ 11 :- અગિયારમાં દિવસે સવારે સમૂહ સાધના અને નાસ્તો કરી એકબીજાને મળી ને છુટા પડતા. જીવનમાં કઈક નવું જ શીખ્યા હોય તેવો અનુભવ થયો.
- * વિપસનાના ફાયદા ( અનુભવ )
- મને પોતાને શિબીર અઘરી લાગી હતી. લોકોની જેમ છોડવાની ઈચ્છા ત્રીજા દિવસે અને સાતમાં દિવસે થતી હતી પણ મન મક્કમ રાખવાથી ઘણા ફાયદા થયા હતા.
- હું શાંત જ હતો પણ વધુ શાંત થયો.
- કોઈના વિષે જરાય ખરાબ વિચાર આવતો નથી. થોડા પ્રસંગો જે થયા હતા તે યાદ કરી માફ કર્યા.
- મન ઘણું મજબુત કરી સારી રીતે કોઈપણ કામમાં ધ્યાન આપી શકું છું.
- અંધશ્રદ્ધા છોડી દીધી ( 9 નો આંકડો મગજ માં હતો તે છોડી દીધો )
- આમેય હું લોકોને સમાન ભાવથી જોતો અને હવે વધુ જોતો થઇ ગયો.
- મારા છોકરાને સાચા ધર્મ નું શિક્ષણ આપીશ. કારણ કે કુટેવ પડવાની શરૂઆત યુવાન ઉમરે વધુ હોય છે.
- ગમે તેવી તકલીફમાં પણ ઉદાર થવું. સારા બીજનું ફળ સારું મળે છે.
- કુદરતનો નિયમ સમજવાનું સચોટ ઉદાહરણ :- લીમડો અને શેરડી ને બાજુબાજુમાં ઉગાડો. બંને ને સરખી માવજત કરો છતાં લીમડો કડવો રહેશે અને શેરડી મીઠી રહેશે. ( ક્રિયા, કર્મ, કાંડ કરીને લીમડાને ૧૦૮ વાર પાઠ બોલો, ભગવાનનું નામ કરો, દોરો કે ધાગો બાંધો, પૂજા કરાવો છતાં કડવાશ કદી નહી જાય )