Svatinu jagat in Gujarati Short Stories by Mahendra Bhatt books and stories PDF | સ્વાતિનું જગત

Featured Books
Categories
Share

સ્વાતિનું જગત

સ્વાતિનું જગત

આઝાદમાં ચાર મિત્રો ઘણા વર્ષો પછી ભેગા થઇ રહ્યા હતા, સ્વાતિને પણ આમંત્રણ મળ્યું હતું, બે છોકરાઓને માજી પાસે મુકવાના હતા, પહેલા એક વખત રોહને માજીને ક્યાંક જવાનું હતું અને કહ્યું હતું ત્યારે તમારા છોકરા માનતા નથી, બહુ તોફાની છે ને મારે ખુબ દોડાદોડી થઇ જાય છે હવે આ ઉંમરમાં તકલીફ પડે છે, રોહને પણ માન્યું હતું એટલે સ્વાતિને સીધે સીધું માજીને કહેવું ભારે પડે તેવું હતું, બા કૂંડાપો કરશેજ તેવી તેને ખાતરી હતી, હવે જ્યા જવાનું હતું ત્યાં સહુને લઈને જવાય તેવું નહોતું, શાંતિ રોજ કામ કરવા આવે તે પણ આજે કોઈ કારણસર આવી નહોતી એટલે શું કરવું તેની સમસ્યા સ્વાતિને સતાવતી હતી, તેને એક વખત બાને હળવેથી સમજાવી જોવાનો વિચાર આવ્યો, અને તે તરફ તેણે કદમ માંડયા, ના ની ખાતરી હોવા છતાં એક પ્રયત્ન તેને મક્કમતા તરફ દોરી ગયો, બાર વાગે પહોંચવાનું હતું, અને હજી બે કલાકનો સમય હતો, જો તે પહેલા વ્યવસ્થા ન થાય તો ક્યાં તો છોકરાઓને સાથે લઈને જવું પડે અથવા જવાનું ટાળવું પડે, કારણકે રોહનને ફોન કરે તો પાછો બીજા પ્રશ્નોને ઉપજાવેને કહે છોકરા પહેલા, બાને પૂછી જો, ના પાડે ને વ્યવસ્થા ન થાય તો ન જવાય, બે છોકરાઓ પછી પણ સ્વાતિને કોઈ તેને શું કરવું તેની સલાહ આપે તે ગમતું નહોતું, પછી તે રોહન કેમ ન હોય, જોકે સ્વાતિના સ્વભાવ સાથે રોહનને ફિટ થતા સમય થયો હતો, પણ તે સ્વભાવે ખુબ શાંત હતો, માજી ને સ્વાતિ વચ્ચે ક્યારેક માથાકૂટ થઇ જાય તો સમજાવવામાં તે અત્યાર સુધી સફળ રહ્યો હતો, સ્વાતિ એક ભણેલી સમજદાર પત્ની હતી જે બે બાળકોની માતા હતી, શરૂઆતમાં માજી પણ નવી વહુ સાથે ખુબજ સારું રાખતા, પણ સાસુ તરીકેની થોડીક ટેવોમાં પહેલા ક્યાંક ક્યાંક થતી ચિનગારી, જયારે અગનમાં ફેરવાતી ત્યારે ખુશીના સંવાદો બગડી સમજદાર ભણેલી વહુ પણ સહન કરવાને બદલે સામે થઇ જતી ત્યારે માજી થોડા આકરા પ્રહારો કરી, પોતાના રૂમમાં જતા રહેતા, કારણકે તેમને સાંભળવા વાળું હવે કોઈ રહ્યું ના હતું, અને છોકરાઓ પણ માજી સામે ચાળા કરતા ત્યારે પોતાના પતિના હાર ચઢાવેલા ફોટા તરફ ટાંકી ફરિયાદ કરતા કરતા કહેતા હવે તો ભગવાન ઉઠાવી લે, હવે બહુ થયું, પણ મન ઓરડાના બારણાં તરફ રહેતું ક્યાંક વહુ સાંભળેને વધારે સાંભળવું પડે, શરૂઆતમાં તો રોહન સાંભળતો પણ હવે તે પણ તેમને જ સમજાવવા માંડ્યો હતો એટલે, માજીને પોતાને સદાયે પ્યાર કરવાવાળા પોતાના પતિ ના ફોટા તરફ સાંભળે કે ન સાંભળે પણ પોતાનો બળાપો કહેવાની ફરજ પડતી હતી, છેલ્લે માજી પલંગ પર બેસી જતા, રૂમમાં ભગવાનને ભજવાનું એક નાનું મંદિર હતું, તેમાં જીવનભર તે દીવો કરીને કુટુંબની ભલાઈ માટે પ્રાર્થના કરતા આવ્યા હતા , પોતાના પતિ હયાત હતા ત્યારે તેઓ પણ રોહન માટે તેની ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરતા, પણ નામ તેનો નાશ તે મહા સત્યના આવરણમાં રાહુલને સુકાન સોંપી અહીંની સફર પુરી કરી બધાથી વિદાય થયા હતા, હવે ફક્ત તેમના નામ ની યાદ માટે સુખડના હારથી શણગાયેલો સુંદર ફોટો મોજુદ હતો જે માજીને ક્યાંક ક્યાંક શાંત કરવામાં અને રહ્યું સહ્યું તેમનું જીવન શાંતિમાં પસાર કરવામાં મદદગાર થતો હતો.માજી જો શાંત થઇ ઊંઘી શકતા હોય તો તે તેમના પતિની મહેરબાની હતી કે મર્યા પછી પણ ફોટામાં રહી માજીને શાંત રહેવા આદેશ આપતા.સુંદર જીવન જીવ્યા હતા રાહુલના પિતાજી પણ ભગવાનને પણ જીવન લીધા પછી મૃત્યુ અનિવાર્ય હોય તો તેમાંથી કોણ બાકાત રહી શકે, બસ ફોટાને જોઈ સંતોષના બે ઘૂંટડા ગળી લેવા સિવાય માજી પાસે બીજો કોઈ વિકલ્પ ના હતો.રાહુલ કયારેક માજીને ખબર પૂછવા રૂમમાં આવતો તો પોતાના પિતાની સંવત્સરી પર પગે લાગવા આવતો, સ્વાતિ પણ છોકરાઓને લઈને આવતી પણ ઘડીક વારમાં પગે લાગીને જતી રહેતી, માજીને થોડોક સંતોષ થતો પણ સ્વાતિની આ રીત તેમને દેખાવા જેવી લાગતી પણ પ્રણામ કર્યા પછી રોહનના ઈશારે તેઓ શાંત રહેતા, તેઓ કદાચ જાણતા હતા કે દરેક ઘરમાં આવી સ્થિતિ હશે પણ પોતાના ઘરમાં રહેતું સત્ય પ્રશ્નોના ઘેરાવામાં માજીને શાંત થવા નહોતું દેતું, આજે પણ રોહન તેના કામ પર ગયો હતો, અને તે પોતાના રૂમમાં આરામ કરતા હતા ..ત્યારે સ્વાતિ ત્યાં આવી,

તેમને સ્વાતિને જોતા તાજ્જુબ થયું, મન કામે લાગી ગયું, સ્વાર્થી, સ્વાર્થ વગર આ રૂમમાં પગલાં ના ભરે, આંખોની ભ્રમર સ્વાતિની દિશામાં મંડાઈ, પથારીમાં બેઠેલી સ્થિતિમાં વહુના કઈ કહેવાનો ઇન્તજાર થયો, .અને શબ્દ આવ્યો,

"બા" માજી સાંભળી રહ્યા હતા શબ્દ બહુ નાજુક હતો, ઘડીક વાર શ્વાસ થંભ્યો, તેઓ આ ઉંમરમાં પણ ખૂબ જ તંદુરસ્ત હતા, પણ ખબર નહિ સાસુના પ્રભાવમાં મન આવી ગયું અને કહ્યું

"બોલો"સ્વાતિ થોડો આંચકો ખાઈ ગઈ, કેમકે માજીની ભ્રુકુટી પર તે વાંચી શકતી હતી કે માજી ખુશ ન હતા, પણ છૂટકો ન હતો એટલે કહી દીધું,

"બા, મારે બે ત્રણ કલાક માટે બહાર જવું છે અને..."સ્વાતિ વાત પુરી કરે તે પહેલા સાસુના સ્વાંગમાં માજી બોલી પડ્યા,

"ને છોકરાને સાચવશો, ખરુંને, જો વહુ, હવે મારાથી તેમની સંભાળ નહિ લેવાય, કેમકે તે માનતા નથી, ને એવું તે શું છે કે તું તેમને સાથે લઇને નથી જતી..?"

હવે સ્વાતિએ કહ્યું,

"બા તમને હું પૂછું છું, અને તમે તરત મને સલાહ આપો છો, જો થઇ શકે તો આજનો દિવસ રાખો આજે શાંતિ પણ આવી નથી, નહિ તો તેની પણ થોડી મદદ મળતે"

અને ખબર નહિ પણ માજી ને આજે સંમત થવા જેવું લાગ્યું કેમકે હજુ સુધી સ્વાતિએ રજુ કરેલી વાતમાં ફક્ત અને ફક્ત વિનંતી હતી, તો થોડું મોટું મન કરીને સાચવી લેવું તેમને યોગ્ય લાગ્યું , છોકરા પજવશે તો એકાદ દિવસ માટે સહન કરવામાં વાંધો નહિ, હકારમાં જવાબ મળતા સ્વાતિને પણ થોડો સંતોષ થયો અને ચહેરા ઉપર ક્યાંક ખુશી છવાઈ ગઈ, સ્વાર્થ હતો પણ માજીનો જે રીતનો જવાબ તે અનુભવતી હતી તેનાથી સારો જવાબ તેને ખુશ કરતો ગયો, તેના ચહેરા ઉપરની ખુશીથી માજીને અનેક પ્રશ્નો ઉપજ્યાં, તે ઘણું બધું કહી શક્યા હોત, વહેલી આવી જજે, કે રોહન સાથે વાત થઇ છે, વગેરે પણ હકાર સિવાય તેમણે વધુ કઈ કહ્યું નહિ, પણ સ્વાતિને આજે માજી માટે માન થયું અને તેણે જાતેજ કહ્યું

"બા, આજે અમે કોલેજ સમયના મિત્રો ભેગા થવાંના છીએ, " અને છોકરાઓને થોડીક સલાહ આપી બાને જય શ્રી કૃષ્ણ કહી તે નીકળી ત્યારે માજીને બહુજ ઝડપથી બદલાતા સંબંધોની સમજ ન પડી પણ તેના ચહેરા પરની ખુશીએ તેમને વિચારોમાં ઝકડી લીધા, એક સોપારીનો કટકો મોઢામાં મૂકી તેમણે છોકરાઓના રૂમમાં આંટો માર્યો, છોકરા શાંતિથી રમતા હતા, કદાચ મમ્મીના એકલા જવાથી તેઓ પણ શાંત થઇ ગયા હતા, સાંજે રોહન સમય થશે એટલે આવશે, પણ તે પહેલા તો કદાચ સ્વાતિ આવી જશે, ગમે એમ પણ તેમણે પહેલી વખત કૈક શાંતિ અનુભવી, તેમને સ્વાતિનો ચહેરો કૈક વધારે પડતો શાંત અને ખુશ દેખાયો, પણ બહુ વિચારવાનું પડતું મૂકી તેઓ એક તાજું આવેલું ધાર્મિક માસિક લઇ ચશ્મા ચઢાવી વાંચવા બેઠા,

અત્યાર સુધીના ભારને ઘર પર જ છોડી સ્વાતિએ રીક્ષા પકડી મીટર ઓન થતા ગેરમાં પડેલી રીક્ષા સાઈડ ઉપરથી જનરલ રોડ પર ટ્રાફિકમાં ભળી ગઈ, કોણ સ્વાતિ કોણ રિક્ષાવાળો કે કેવી રીક્ષા બધુજ ટ્રાફિકના પ્રવાહમાં વિલીન થઇ ગયું, હવે એ ટ્રાફિકમાંથી ફરીથી છૂટું ન પડે ત્યાં સુધી આ વાર્તા ની સ્વાતિનું કોઈ મહત્વ નહિ કોણ ઓંરખે છે સ્વાતિને, સમાજના ટોળામાં કેટલી કિંમત તમારી, છુટા ના પડો ત્યાં સુધી કોઈ ન ઓંરખે, દુનિયાના બધા જીવોના ટોળા હોય છે, તેમાં ફક્ત અને ફક્ત માનવીને પોતાની ઓરખ જોઈએ છે, સંતોષ નથી, પોતા માટે અને પોતાના માટે આ દુનિયામાંથી ભરી લેવું છે, અને ભરવાની પંચાતમાં સુખે જીવી પણ નથી શકતો, એવી સ્વાતિની રીક્ષા સ્થાન આવી પહોંચતા રોકાઈ અને ભાડું ચુકવાતા રીક્ષા ફરીને પ્રવાહમાં ભળી ગઈ, રીક્ષાવાળાને શું પડી કોણ સ્વાતિ, તે તો ફક્ત અને ફક્ત પ્રવાસી, કેટલા બેસે ને દિવસમાં કેટલાય ઉતરે, રીક્ષાવાળાને ભાડું મળે એટલે બહુ, તેટલા પૂરતોજ સબંધ, અને સ્વાતિ પણ પાકીટમાં પૈસા સેરવતી આજુબાજુ જોતી. રેસ્ટોરન્ટના દરવાજા ઉપર વારે ઘડી જોતી ચાલવા માંડી, એકવીસમી સદીમાં પોતાની સેફટી પહેલી બધું બરાબર હોય તો કોઈ વાહન ટક્કર મારી જાય, ગમે ત્યારે ગમે તે ગમે તેને ઉડાવી દે, જ્યા સુધી સેફ સ્થાનમાં પહોંચો નહિ ત્યાં સુધી જીવ અધ્ધર.

પણ સ્વાતિના હોઠ ઉપર મુસ્કાન આવતા વાર ન લાગી, સુધીર દરવાજા ઉપર જ રાહ જોતો ઉભો હતો, કેટલા વર્ષો પછી સહુ ભેગા થઇ રહ્યા હતા, સુધીર એકલો જ હતો એટલે સ્વાતિને કોઈ મોડું થયું ન હતું, કારણકે સ્વાતિ એકલી જ સ્ત્રી હતી બાકી સહુ મિત્રો પુરુષ હતા, એટલે સામાન્ય નિયમ પ્રમાણે આજે સ્વાતિ માટે સુખદાયી દિવસ હતો, તે બે બાળકોની માતા હતી પણ કોલેજ કાળના મિત્રો હતા, એટલે ભલેને ત્યારની મસ્તી ન આવે પણ સ્વાતિ આજે તેટલીજ ઉપર હશે જેટલી કોલેજ કાળમાં હતી, સુધીરની નજર મળતા હાથ હવામાં હાલ્યા અને હળવા હાસ્યે હવાને ભેદી મિત્રોની યાદ તાજી થઇ, મિનિટમાં તો બંને મળ્યા અને જોત જોતામાં તો એકબીજાં ના હાલ હવાલ પૂછાઈ ગયા, રેસ્ટોરન્ટના સ્ટાફ મળતા મિત્રોને જોઈ રહ્યા, સબંધો વગરના આવી રીતે ભેગા થતા તેને સમાજ મિત્રો તરીકે ઓંરખે છે કેમકે, ત્યાં સુધી તો મિત્રતાનો ભાવજ દેખાતો હોય છે, અને મિત્રતાનું માધ્યમ તે સારા સમાજની નિશાની છે. આવા મિત્રોને તેમનાજ સ્માઈલમાં સર્વ કરવાના હોય તો સામાન્ય રીતે હસતા રહેવું પડે તે જ તો ધંધાની રીત છે, મૉટે ભાગે આવા ધંધામાં હાસ્ય એ સર્વોપરી સ્થાન ધરાવે છે.કદાચ જીવન જીવવામાં માણસ હસતો રહે તો લાંબા સુખમયી જીવનની મઝા લઇ શકે પણ શક્યતાઓ ઘણી ઓછી છે.

સુધીર અને સ્વાતિ બે કોલેજકાળના મિત્રો મળ્યા, હાસ્યની આપલે વચ્ચે કોલેજના સમય અને તેની ઘટનાઓમાં બંનેની વાત ચાલતી રહી તે દરમ્યાન બીજાઓની રાહ જોતા તેઓ રેસ્ટોરન્ટની સોફા જેવી બેઠક ઉપર બેઠા, હાલના એકબીજાના અંગત પ્રશ્નો વિષેની માહિતી આપલે થઇ, તેમાં પોતાની વાત કહેતાઁ બે નાના બાળકો સાથે રોહન સાથેના સુખી દામ્પત્યની વાત થઇ, બીજા બે મિત્રો આવવાના હતા, પ્રવીણ અને પ્રકાશ જેઓના જીવન અંગે સુધીર જે જાણતો હતો તેટલી વાત થઇ, જ્યારે પ્રકાશની વાત આવી ત્યારે સ્વાતિના ચહેરા ઉપર ખીલેલા સ્માઈલમાં કોઈક ઉણપ અનુભવાઈ, સુધીરે તેની નોંધ લીધી અને તેનું મન કોલેજકાળમાં સ્વાતિ સાથેની મુલાકાતોમાં થોડોક સમય ખોવાઈ ગયું , પણ પ્રકાશના દ્રશ્યોમાં ક્યાંય સ્વાતિનું એવું દ્રશ્ય નહોતું જેમાં તેના ચહેરા ઉપર ફેરફાર થાય પણ ફેરફાર થયો તે હકીકતને તેણે માર્ક કરી, ખોવાઈ ગયેલો ભૂતકાળ હતો પણ આજની મુલાકાત પ્રકાશના આવ્યા પછી કોઈ મુસીબત ઉભી ન કરે, સ્વાતિ તો આજનું મુખ્ય પાત્ર હતું, સુધીરને થોડી ચિંતા થઇ, ઘણી વખત ચહેરાનો સામાન્ય ફેરફાર પણ ભયંકર ચાડી ખાતો હોય છે, પછી તેમાં ઉમેરાતા ચહેરા પણ બદલાતા જાય છે, આ એક હકીકત છે, પણ આ મુલાકાત મિત્રોની હતી અને જો મુક્તપણે ચર્ચા ન થાય તો મિત્ર શબ્દ કે મિત્રની વ્યાખ્યા નો શું અર્થ, ખાલી નાસ્તો પાણી કરી થોડા ખુશ થઇ છુટા પડવું, કોને ખબર કેટલી વાતો થશે પણ ઉભો થયેલો ફેરફાર સુધીર માટે જરૂર ચેલેન્જ માંગે તેવો હતો, સ્વાતિને સુધીરની વાતોમાં પ્રવીણ જોડાયો ને આવતાજ ત્રણેય મળ્યા, સહુ ખુશ હતા તેવું પ્રવીણે અનુભવ્યું અને માથે હાથ ફેરવતા પ્રકાશની ન આવ્યાની નોંધ લીધી, પણ થોડીવારમાં એક રીક્ષા અટકી અને તેમાંથી પ્રકાશ આવતો દેખાયો, સ્વાતિના સ્માઈલમાં ઘટાડો ચાલુ રહ્યો પણ આવતા પ્રકાશને જોઈ ત્રણેય મિત્રોએ તેનું અભિવાદન કર્યું, હાલ હવાલ પુછાયા, પ્રકાશે પોતે મોડો તો નથીને તેની ખાતરી કરી અને એક નજર સ્વાતિ તરફ ફેરવી, સુધીર તેને જોતો રહ્યો પણ અત્યારે તો બધું બરાબર દેખાયું, તો સ્વાતિ કેમ માયૂષ થઇ, પણ તો નો ઘણો ભાર હોય છે, એટલે વધારે વિચારો ને ત્યાંજ છોડી સુધીર બીજા મિત્રો સાથે સ્ટાફે બતાવેલા ટેબલ ઉપર સ્થાન લીધું, મેનુની જરૂર નહોતી કેમકે ચાને સમોસા માટે ઓર્ડર અપાયો હતો, પછી મિત્રો ની વાતો સ્વીટ થાય તો કદાચ આઈસ ક્રીમનો ઓર્ડર બને, બધાજ મિત્રો ચાલીસ ઉપરના હતા, તંદુરસ્ત હતા કોઈને મીઠાશ ખાવા ઉપર પ્રતિબંધ નહોતો, પૈસા બાબતમાં કોઈને તકલીફ નહોતી એટલે બિલ ગમે તેટલું થાય તેનો વાંધો નહોતો, વાતો ચાલતી રહી સમોસા ચા આવ્યા પછી સહુએ તેને ન્યાય આપ્યો અને પ્રવીણે સહુને આઈસ ક્રીમ અંગે પૂછ્યું અને બધા સંમત થયા પણ પ્રકાશે ના પાડી,

તો સ્વાભાવિક રીતે કારણ પુછાયું અને તેનો ચહેરો બદલાયો અને સુધીરે પૂછી લીધું શું વાત છે પ્રકાશ, સ્વાતિ પણ ગંભીર બની, તખ્તો બદલાયો હસતા ચહેરા થોડા ગંભીર બન્યા, પ્રકાશે કોઈ ખાસ ગંભીર વાત નથી તેમ કહી સહુ મિત્રોને ચિતા મુક્ત કરવાનો પ્રયત્ન કર્યો પણ મિત્રો હતા, પ્રકાશની સમશ્યા આજનો ખાસ વિષય બન્યો, બીજી બધી વાતો પર પૂર્ણવિરામ લાગી ગયું, ખાલી ડીશો લઇ વેઈટરે ટેબલ વ્યવસ્થિત કર્યું, એટલે પ્રવીણે થોડીવારમાં બીજું કઈ ઓર્ડર કરવું હશે તો કરીશું એમ કહ્યું અને વેઈટર ગયો , વાતાવરણમાં પ્રકાશની સમશ્યામા જ્યારે ગંભીરતા ઉભી થઇ એટલે સ્વાતિ હસતા બોલી

"પ્રકાશ, જૂની સ્વાતિ માટેની કોઈ સમશ્યા નથીને!!, હવે તો તે બે બાળકોની માતા છે."અને પ્રવીણ અને સુધીર શું વાત છે તમે બંને છુપા રુસ્તમ નીકળ્યા એમ કહી સ્વાતિને જોતા રહ્યા, અને સ્વાતિ ખુલ્લા મને હસી પડી, સ્વાતિ હજુ પણ એવી ને એવી જ હતી , કઈ પણ ખુલ્લી રીતે કહેવાની તેની રીત બદલાઈ નહોતી, પણ સમયની ગંભીરતા તો જો, આ બધા શું વિચારશે, પ્રકાશને પોતાની વાત કહેવી હતી હવે બીજું બધું જોડાવા માંડ્યું, પ્રકાશ મનોમન સબડતો રહ્યો, પછી તો જોકસ જોડાયા હોય તેમ પ્રવીણ ને સુધીર બંનેના આવા સબંધો પર ટોક ટકોર કરતા રહ્યા, સ્વાતિને જાણે કોઈ પરવા નહોતી, જે હકીકત હતી, મિત્રો જાણતા ન હતા , તે આજે જાણતા થયા પ્રકાશને રંજ થયો પણ વાત સુધારતા તેણે કહ્યું

"આઈસ ક્રિમ માટેની 'ના' એ આ બીમારી ઉભી કરી તો હવે મારો ઓર્ડર તૂટી ફૂટી માટેનો છે તેની નોંધ લઇ વાત પુરી કરો, "પણ સ્વાતિ હસવાનું ચાલુ રાખતી બોલી

"વાત પુરી કેમ થાય, ચાલુ તો થઇ ગઈ પછી પુરેપુરી પુરી કેમ ન કરવી, કેમ સુધીર...."વચ્ચે સુધીરને ઘસેડતા સ્વાતિએ તેનો હાથ સુધીરના ખભે મુક્યો, હવે પ્રકાશ પણ જોડાયો,

"સ્વાતિ ગાંડી થઇ ગઈ છે"અને સ્વાતિએ તેને ચૂપ કરતા કહ્યું

"મિત્રોમાં તને કોનો ડર લાગે છે, આજે ખુલ્લો થઇ જા પ્રકાશ..." અને સ્વાતિને પ્રકાશે કહ્યું

" આપણી કેમેસ્ટ્રી એટલી બધી ખરાબ નહોતી જેટલી તું આજે ગાંડી થઇ છે" અને તે પણ હસ્યો વાત વધુ વણસે તે પહેલા વેઈટરને બોલાવી બધા માટે તૂટી ફૂટી નો ઓર્ડર કરાયો, પણ વચ્ચે સ્વાતિ બોલી

"મારા માટે વેનીલા" પણ પ્રકાશ બોલ્યો

"આજે તો તૂટી ફૂટી જ ખાવો પડે નહિ તો બધાને અન્યાય થાય "અને છુટા વાળને સરખા કરતી સ્વાતિએ સંમતિ આપી, અવનવી વાતોના ચકડોળમાં તૂટી ફૂટી આવીને ખવાઈ ગયો ને બિલ આવી ગયું, બિલ માટેની ખેંચતાણ શરુ થઇ અને સ્વાતિ બોલી,

"એ બધું મારા તરફથી કોઈએ વચ્ચે બોલવાની જરૂર નથી, "અને હસતા ચહેરા સ્માઈલમાં અટક્યા પણ સુધીર પ્રકાશ તરફ જોતા બોલ્યો,

"તારો પ્રશ્ન ગંભીર હતો અને તે સ્વાતિ તો નથી, તો મિત્ર, છુટા પડીએ તે પહેલા અમે જાણવા માંગીએ છીએ" અને સ્વાતિ અને પ્રવીણ ગંભીર બન્યા ત્યારે પ્રકાશે કહ્યું

"મારા ઉપર કોર્ટમાં એક કેસ થયો છે, ને તેમાં સામે લેડીસ છે, સારો વકીલ ના હોય તો તકલીફ થાય તેમ છે, " સહુ મિત્રો ગંભીર થયા

"શું થયું હતું પ્રકાશ..?" સ્વાતિએ પૂછ્યું

"આપણી સાથે ભણતી મિસ મંદાકિની, કદાચ તું યાદ કરશે તો ચહેરો યાદ આવશે, "

"અત્યારે યાદ નથી આવતું "સ્વાતિની સાથે બીજા બધા કોઈ મિત્રને યાદ ન હતું

"હા, તો તે એક દિવસ મોલમાં તેના પતિ સાથે મળી હતી, તેનો પતિ સાઉથ ઇન્ડિયન હતો, અમીર લાગતો હતો, એટલે પૈસાના અભિમાનમાં હોય કે ગમે તેમ પણ મને જોઈને તેના પતિ સાથે મારી મઝાક ઉડાવવા માંડી, એટલે મેં તેની પાસે જઈને પૂછ્યું "

“શું વાત છે, " એટલે મઝાકમાં ટોન્ટ મારતી બોલી,

"ક્યાં હુઆ લવ કી નૈયા પાર લગી કે ડૂબ ગયી "એટલે મેં કાબુ ગુમાવ્યો ને વોર્ન કરી પણ પછી તેનો પતિ મારી સામે આવી ગયો, અને ઝપાઝપીમાં મારા મારી થઇ ને તે વચ્ચે આવી તો તેને પણ એક લાફો મારી દીધો બસ પછી તો પબ્લિક ને સિક્યુરિટી વચ્ચે આવી અને પોલીસ ની ગેરહાજરીમાં જોઈ લેવાની ધમકી આપી જતી રહી અને ત્રણ દિવસ પહેલાજ કોર્ટનું સમન્સ આવ્યું છે બીજા વીકમાં વકીલ સાથે હાજર થવાનું છે, મને કોઈ ડર નથી, પણ પૈસાના જોરે ગમે તેમ બોલે તે કેમ ચાલે, હારી જઈશ તો બો બો તો થોડો ટાઈમ જૈલ થશે પણ તેને એટલી તો ખાતરી કરાવી કે બધા સરખા નથી હોતા, " તેની વાત પુરી થઇ એટલે સહુને ચિંતા થઇ પણ સ્વાતિ બોલી

" કોર્ટ માં, પુરાવા વગર ઘણું બધું થાય, પણ ચિંતા ના કરતો હું રોહનને વાત કરીશ તેનો બોસ કોઈ કેશ હારતો નથી પૈસાની ચિંતા ના કરતો, પણ નાની બાબતમાં કોર્ટ સુધી કેશ પહોંચે પછી તકલીફ થાય, મારા મારી નહોતી કરવાની, તે અટકી અને ફરી બોલી

" જે થયું તે, પણ આપણે ફરતા તા તે હકીકત તો હતી કે નહિ, " અને તે પાછી હસી એટલે બધા હસ્યાં, સ્વાતિ આટલી ગંભીરતામાં પણ મજાક કરી લેતી હતી, બિન્દાસ હતી, અને પ્રકાશને પણ હસવું પડ્યું પણ ચિંતા કરતા બોલ્યો

"રોહન કુમારને તું આપણી વાત કરશે તો કઈ ખોટું નહિ થાય..."

"લો, સાચું કહેતા ડર શેનો લાગે છે, ને મારે કેવાનું છે, તને શું ચિંતા થાય છે.રોહન બહુ ઉમદા માણસ છે, અને હું બધા સાથે તેને મલાવીશ, જો બધાને સમય હોય તો આજે જ"અને બધા સામે જોયું અને હા ના કરતા બધાએ રોહનને મળવાનું નક્કી કર્યું, રોહનને ફોન કરીને વહેલા આવવા કહ્યું, બધા સાથે હતા એટલે પ્રકાશને પણ કેશ બાબતમાં કહેવામાં સરળતા રહેશે.

જ્યારે કાફલો સ્વાતિના ઘેર પહોંચ્યો ત્યારે રોહન આવી ગયો હતો તેણે બધાને આવકાર આપ્યો, બધાની ઓરખની આપ લે પછી સુધીરે પૂછ્યું,

"અમારા વિષે સ્વાતિએ જણાવ્યું હતું કે આજે જ આપણે મળી રહ્યા છે, "

"સ્વાતિ ને સમજતા મને વાર લાગી હતી, પણ સમજ્યા પછી, તેનો ઇતિહાસ મારે જાણવું નહોતું છતાં તેણે ખુલ્લા પાનાની પુસ્તકની માફક ખોલી કાઢ્યો હતો, પણ મિત્રો ગઈ કાલના કે આજના એકબીજા માટે જ હોઈ શકે, પ્રકાશભાઈએ જે કરવું જોઈએ તે જ કર્યું છે, અને કેસમાં આપણીજ જીત થશે તેની મને પુરી ખાતરી છે"

રોહન તેના અનુભવથી કહેતો હતો અને બહુ વિશ્વાસથી બોલતો હતો એટલે પ્રકાશને પણ સંતોષ થયો, રોહનના દબાણ હેઠળ બધાની 'ના' છતાં ડીનર બહારથી મંગાવાયું અને પછી સહુએ તેને આદર આપ્યો

મિત્રોના ગ્રુપમાં સ્વાતિના છોકરા પણ હતા , બધા વાતો કરતા હતા પણ તેમનો પણ પ્રશ્ન હતો, મમ્મીથી પપ્પા સુધી તેમના ફેરા હતા , પણ તેમની કોઈ ગણતરી ન હોતી, બધા તેમની સામે જોતા હસતા પણ શું બોલવું, બધાજ અજાણ્યા હતા, જ્યારે કોઈ સમજ ન પડે ત્યારે મમ્મીનો આંચલ તો હોય જ, ત્યાં છુપાઈને બધું પુછાઈ

"મમ્મી આ બધા કોણ છે, " મોટો પ્રશ્ન, ત્યારે સ્વાતિ ખુલ્લા હાથથી બંનેને છાતી સરસા ચાંપતી બોલી

" આ બધા કાકાઓ છે."

છોકરાઓ ના સવાલો તેમને આપવા પડતા જવાબો, સુખી દામ્પત્ય, ઉમદા પતિ, સાસુ શ્રી, મિત્રો, અને પ્રશ્નો વચ્ચે આ હતી સ્વાતિ ની દુનિયા, બિન્દાસ સ્વાતિનું જગત.

-મહેન્દ્ર ભટ્ટ.