પ્રગતિના પંથે
(પ્રેરણાત્મક વાર્તાઓ)
- લેખક -
વિભૂતિ દેસાઈ, શ્રધ્ધા, વૈશાલી ભાતેલિયા,
કુંજલ છાયા, આલોક ચટ્ટ, રશ્મી જાગીરદાર,
રેખા પટેલ, શોભના દવે, ત્રિકુ મકવાણા, વિવેક ટાંક
READ MORE BOOKS ONwww.matrubharti.com
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
અનુક્રમણિકા
1 - સંઘર્ષ - વિભૂતિ દેસાઈ
2 - બુઢ્ઢા મિલ ગયા!! - શ્રધ્ધા
3 - એક સંઘર્ષસરિતાનું જીવનનૃત્ય - વૈશાલી ભાતેલિયા
4 - નવોઢા - કુંજલ છાયા
5 - હું અને મારું ગૌરવ.....નિસર્ગ - આલોક ચટ્ટ
6 - માસ્ટર ઓફ નન - રશ્મી જાગીરદાર
7 - ગ્રીનકાર્ડ - રેખા પટેલ
8 - આનંદ - શોભના દવે
9 - જ્યોતિ બિંદુ - ત્રિકુ મકવાણા
10 - એક હાથ વાળા – જયંતિ માસ્તર - વિવેક ટાંક
1 - સંઘર્ષ
સવારથી છાપાની રાહ જોતી હતી. છાપુ આવે તો જ ચા પીવાય. ટેવ એવી પડેલી કે છાપુ વાંચતા વાંચતા ચા ની ચૂસકી લેવાની મજા જ કંઇક અલગ છે. છાપા વિના ચાની મજા ન આવે તેમાં પણ આજે તો “મધર્સ ડે” ને યોગાનું યોગ શનિવાર એટલે આજના મહિલા પૂર્તિ વાંચવા મન તલ પાપડ. અંતે છાપુ આવ્યું. મહિલા પૂર્તિમાં માતાઓએ કરેલા સંઘર્ષ વિશેના લેખાથી પૂર્તિ ભરેલી. સંપાદકે સારી મહેનત કરી હોય એવું પૂર્તિ વાંચતા જણાયું. જાણીતી માનીતી હસ્તિઓ જ નહીં પણ કેટલાંક ઊંડાણના ગામડાની માતાઓ વિષે પણ લખેલું. વાંચતા જ મગજમાં ઝબકારો થયો ને ઉલ્કાની યાદ આવી ગઈ. આ પણ એક “મા” છે. દિકરીને માટે કેટલો સંઘર્ષ કર્યો અને હજુ પણ કરી રહી છે તો લાવને હું એને મળીને એની સંઘર્ષ કથા લખું અને હું તો ઉપડી ઉલ્કાને મળવા.
ગણદેવી તાલુકાનું નદીને કિનારે આવેલું ધમછાડા ગામનાં ઈન્દુબેન અને એ જ ગણદેવી તાલુકાના વેગામ ગામ્ના દોલતભાઇ નાં લગ્નના જીવનબાગનું પ્રથમ પુષ્પ એટલે ઉલ્કા. ઉલ્કાને એક નાની બેન અને એક નાનો ભાઈ એમ પાંચ જણાનું હર્યુંભર્યું કુટુંબ.
દોલતભાઈ ગુજરાત હાઉસીંગ બોર્ડ અમદાવાદમાં આર્કીટેકટ એન્જીનીયર એટલે રહેવાનું અમદાવાદમાં. નાનકડી ઉલ્કાની કાલી ઘેલી બોલીથી માવતર ખુશ. જીવન ઘડતરનું પ્રથમ પગલું એટલે એકડો ઘુંટવાની શરૂઆત. પંકજ સોસાયટી પાલડીમાં રહેવાનું એટલે ત્યાંજ નજીકમાં શિશુવિહાર બાલમંદિરથી શૈક્ષણિક યાત્રાની શરૂઆત થઈ. ઉલ્કાને તો મઝા પડવા માંડી. માવતરને પ્રથમ દિવસે મુંઝવણનો પાર નહિ. પ્રથમ વખત જ છુટી પડે છે, રડશે તો ક[મ મોકલીશું એવી મુંઝવણ. ઉલ્કા તો નવા કપડાં પહેરવા મળ્યાં એટલે હસતી હસતી ગઈ. આનંદથી માવતરને આવજો કરી તે બાલમંદિરમાં ટીચરને નમસ્તે કરીને બેસી ગઈ. માતાએ શીખવાડેલું ટીચરને નમસ્તે કરવાં. ઉલ્કા નાં આવા વર્તંથી ટીચરને પણ નવાઈ લાગી અને ખુશ પણ થયાં. રમત રમતમાં બાલમંદિરના બે વર્ષ પૂરાં થયા.
ઉલ્કાના જન્મ બાદ પિતાને પણ નોકરીમાં પ્રમોશન મળતું ગયું અને ભાડેના ફ્લેટમાંથી પોતાનો સોનીયા ફ્લેટ પાલડીમાં જ ખરીદયો. શાંતિવન બસ સ્ટેન્ડની નજીકમાં જ અને ત્યાં જ નવચેતન વિદ્યાલયમાં પ્રાથમિક શાળામાં દાખલ કરી. શૈક્ષણિક યાત્રાના બીજા તબક્કાની શરૂઆત. બાલમંદિરની સખી પુષ્પા અને ઉમા પણ આ જ શાળામાં આવ્યા. બાલમંદિરથી વાતાવરણ અલગ. અહીં તો ભણવાનું પણ ચાલું થયું. માત્ર છોકરીઓની જ શાળા. એટલે શિશુવિહારમાં આવતાં મયંક, વિપુલ જેવાં બાલદોસ્તો નો સંગાથ ચૂતી ગયો. રૂપલ-મિતલ જેવી બીજી નવી બહેનપણીઓ મળી.
ઉલ્કાને રમત ગમતનો ખૂબ જ શોખ. દોડસ્પર્ધામાં તો એકદમ પાકી. તરૂણ મહોત્સવમાં પ્રથમ ક્રમે આવી તરૂણ મહોત્સવનો આગલો રેકોર્ડ તોડયો અને પી.ટી. ઉષાનાં નામથી ઓળખાવા લાગી. ગરબા પણ ખૂબ જ ગમે. નવરાત્રિમાં રોજ મોડે સુધી ગરબા રમ્યા પછી પણ સવારમાં વહેલી ઉભ ૭.૩૦ વાગ્યે તો સ્કૂલ પહોંચી જાય. ગજબની શક્તિ. આમ જ પ્રગતનાં સોપાન સર કરતાં મેટ્રીકમાં પાસ થતાં જ અમદાવાદની ખ્યાતનામ એચ.કે.આર્ટસ કોલેજમાં એડ્મીશન લીધું. કોલેજ્માં ઇતર પ્રવૃતિ છોડી દીધી. ઘરમાં નાના ભાઇ-બેનને ભણાવવાનાં, માં ને રસોઇમાં મદદ કરવાની. આમ, ગૃહસ્થીનાં પાઠ ભણતાં કોલેજનો અભ્યાસ કર્યો અને ઇકોનોમીકસ સાથે બી.એ. કર્યુ.
માવતરને હવે ઉલ્કાને પરણાવવાની ચિંતા થવા માંડી. લાયક મૂરતીયાની શોધ ચાલુ થઇ આ દરમ્યાન ઉલ્કાએ છ મહિનાનો લાયબ્રેરી સાયન્સનો કોર્ષ ઉષા ઇન્સ્ટીટ્યુટમાંથી કર્યો.
સાથે અંગ્રેજી ટાઈપ 40 W.P.M. ની પરીક્ષા પણ પાસ કરી. માવતરની શોધને અંતે ઉલ્કાને લાયક એક મૂરતીયો મળ્યો. બધી તપાસને અંતે દિકરી પરણાવવા યોગ્ય લાગતાં બંનેની મુલાકાત ગોથવી અને એકબીજા પર પસંદગીની મ્હોર મારી.
ગણદેવી તાલુકાનાં બીલીમોરા શહેરમાં મનોજ નામના યુવક સાથે ૧૧-૫-૮૧ નાં રોજ બીલીમોરા જ લગ્ન લેવાયાં. જ્ઞાતિ અનાવિલ એટલે દહેજ, લાડવા પૂરી વડા, શાલ-સાડી, પહેરામણી જેવાં તમામ રીતરિવાજો સાથે ધામધૂમથી ઉલ્કાનાં લગ્ન કરી સાસરે વળાવી અને ત્યારથી ઉલ્કાનાં જીવનનો બીજો તબક્કો શરૂ થયો.
ઉલ્કા મનોજની જીવનસંગીની બનીને નવજીવનને પલ્લવીત કરવા કંઈ કેટલાં સોણલાં લઈને ગ્રુહે પધારી.
ક્યાં અમદાવાદનું ધમધમતું જીવન અને ક્યાં બીલીમોરાનું શાંત જીવન ?
બન્ને નણંદો અને સાસુ સસરાનું દિલ જીતવાનાં સતત પ્રયત્નો કરતાં નવજીવનમાં ધીમેધીમે ગોથવાઈ ગઈ.
પતિની ગાર્ડન મીલમાં નોકરી, સવારમાં વહેલાં ઉઠી ટીફીન તૈયાર કરવું. નાઈટ ડ્યુટી હોય ત્યારે રાત્રે સૂઈ રહેવું. જેવી પરિસ્થિતિથી ટેવાતી ગઈ. મિલનસાર સ્વાભાવને કારણે આજુબાજુમાં તેમજ મહોલ્લામાં પણ બધાં સાથે ભળી ગઈ. બપોરનાં ફુરસદાના સમયે લાયબ્રેરીમાંથી પુસ્તકો લાવીને વાંચતી. લાયબ્રેરીનો કોર્ષ કરેલો એટલે બીલીમોરાની ખ્યાતનામ જે.બી. પીટીટ લાયબ્રેરીમાં લાયબ્રેરીયનની ખાલી પડેલી જગ્યા માટે અરજી કરવાનો થનગનાટ પરંતુ સાસુજીની સ્પષ્ટ ના સાંભળી એ વિચાર પડતો મૂકયો. કોઈ ફરિયાદ નહિં.
આનંદથી જીવન વ્યતિત થતું હતું. દિકરાની કાલીઘેલી બોલી. પા-પ પગલી માં સમય પાણીનાં રેલાની જેમ વહેવા માંડયો. કાર્તિક ત્રણ વર્ષનો થયો ત્યાં જ દિકરીનો જન્મ. સુંદર રૂપાળી દિકરીનો જન્મ થતાં જ લક્ષ્મીજી પધાર્યા. કરી હરખભેર દિકરી જન્મનાં વધામણાં લીધા. નામ રાખ્યુ. પૂજા.
હસમુખી પૂજા જોતાં જ રમડવાનું માન થાય એવી. પ્રથમ વર્ષગાંઠ પછી થોડું ચાલતી થઈ. એમ કરતાં બીજી વર્ષગાંઠ આવી એટલે તો એ ઘણું બોલતી અને સમજતી હતી. થોડું ચાલતી પણ થઈ ગયેલી. આમ, ઉલ્કાનો જીવનબાગ આનંદથી ભર્યો ભર્યો.
પરંતુ આ હસતાં રમતાં બાળકોના કિલ્લોલથી હર્યાભર્યા કુટુંબને ભાવિની ક્યાં ખબર હતી કે કુદરત આફતની ચડી લઈને ઉભેલી છે.
એક-દિવસ ઓચિંતાનો પૂજાનો તાવ આવ્યો એટલે લોકલ ડૉ. ને બતાવ્યું. દવા આપી. પોતા મૂકવાં કહ્યાં. આખી રાત જાગીને ઉલ્કા પોતાં મૂકતી રહી. સવાર પડી, તાવ તો ઉતરવાને બદલે વધ્યો. એટલે સૂરત લઈ ગયાં. ઉલ્કાની નણંદ કિર્તી પટેલ ગાયનેક એટલે એમનાં કહેવાથી સૂરત ગયાં. માતા ને ક્યાં ખબર હતી કે કુદરત આફતની છડી ઉગામી ચૂકી છે. અને તાવમાં ઘખતી પૂજાને નણંદની સલાહ મુજબ સીવીલ હોઅપિટલમાં લઈ ગયા. તાવ ઉતરતાં જ બીલીમોરા આવ્યાં.
રમતી દિકરીને જોઈ માંડ હાશકારો અનુભવ્યો ત્યાં તો ફરી તાવે ઉથલો માર્યો. ડૉકટરે ઈંજેકશન આપ્યું ત્યાં જ એકદમ ખેંચ આવી. તરત જ બાળરોગ નિષ્ણાંત રસિક ગાંધીને બતાવ્યું. હોસ્પિટલમાં બાટલો ચઢાવ્યો. પળી પાછી ખેંચ આવી એટલે સૂરત લઈ જવાનું સૂચન કર્યું. આમ ઉપરાઉપરી ખેંચ આવીને પૂજાનું ચાલવાનું બંધ થઈ ગયું. જેની કોઈને જાણ ન થઈ.
હસતી-રમતી પૂજા એકાએક કેવી માંદગીમાં સપડાઈ ગઈ. એ અબૂધ બાળાને અને માવતરને ક્યાં ખબર હતી કે આ માંદગીની શરૂ થયેલી યાત્રા જક્યાં જઈને અટકશે. અને જીંદગીમાં કેવી આફત સર્જશે. માતા તો બસ પૂજાની સ્સરવાર ને પ્રભુને પ્રાર્થનામાં બધું જ ભુલી ગઈ. બસ યાદ આવતો દિકરો કર્તિક જે પાંચ-છ વર્ષનો સાસુ-સસરા પાસે મૂકીને આવેલી.
સૂરત સીવીલ હોસ્પિટલમાં પૂજાની પીથમાંથી પાલી કાઢી બાયોપ્સીનાં રીપોર્ટમાં સ્પાઈનલ કોર્ડમાં બ્લોકેજ બતાવ્યું. સૂરતના ડૉકટરે તાત્કાલિક મુંબઈ જવા કહ્યું. તરત જ જમ્મુતાવીમાં બેસીને ફોંચી ગયા મુંબઈ.
નાનકડી દિકરી કેટલું દુ:ખ સહન કરી રહી એટલું પણ નહોતી શીખી કે પોતાનું દુ:ખ વ્યક્ત કરી શકે. બોમ્બે હોસ્પિટલમાં દાખલ થ્યાં અને પાછું ઓપ્રેશન. ૩, ૪, ૫ મણકા તોડીને આખું સ્પાઈનલ ફેરવીને અંદરથી ખેંચી ટેસ્ટ માટે મોક્લ્યું. ૧૦ દિવસમાં પાછા સૂરત ત્યાં આવ્યા બાદ ઈન્ફેકશન થયું. અટલે કેથેટર મૂક્યું.
નન્હી સી જાન કેટકેટલું સહન કરે. અપાર વેદના થાય. એટલે શું સાથે સાથે બાળકીનું દુ:ખ જોઈને માતાનું હૈયું વલોવાય, કરે તો પણ શું કરે ? ઉપરવાળાને પ્રાર્થના કરવા સિવાય. સારૂં થતાં જ બીલીમોરા પરત આવ્યા.
આ બાળકીની માંદગીને યાત્રા તો જાણે અટકવાનું નામ જ ન લેતી હોય તેમ. સૂરતની મહાવીર હોસ્પિટલમાં એડમીટ કરી. ડૉ. પ્રદીપ પેઠેની સલાહ મુજબ સીટીસ્કેન કરાવ્યું. મગજની બહાર અંદર પાણી. પાછી ઓપ્રેશન. આમ, એક મહીનો મહાવીર હોસ્પિટલમાં રહી ઘરે પરત આવ્યાં.
માતાની મનોસ્થિતિની તો કલ્પના પણ ન થઈ શકે. નહજર સામે નાનકડી દિકરી માંદગીથી પીડાતા અને નજરથી દૂર મા વિના હિજરાતો દિકરો. શું કરે મક્કમ મનોબળ. કઠણ કાળજું કરી આ નબંને સંતાન વચ્ચે મનોમન દુ:ખ અનુભવતી પોતાનું કર્તવ્ય બજાવતી રહી.
ઘરે આવ્યા બાદ દિકરીને રોજ કસરત કરાવતી. દિકરો પણ માતા સાથે રહીને ખુશ. કસરત કરાવતાં માલૂમ થયું કે શરીર પહેલાં જેવું સ્ટીફ નથી લૂઝ લાગે છે. ફરી પાછા સૂરત પ્રયાણ. MRI કરાવ્ય્યું. તેમાં સૌપ્રથમ જે ટ્યુમર દેખાયેલું તેવું ટ્યુમર જણાયું. ઓપરેશન કરવું પડશે. એટ્લે ત્યાંથી જ સીધા અમદાવાદ ગયાં. માતાનો જીવ દિકરા કાર્તિમાં. એ તો સ્કૂલે હતો ને જ સૂરત આવેલાં. દિકરાને મળવા પણ ન જવાયું. દિકરો કેટલો મુંઝાશે એ વિચારીને વલોવાતાં અંતરે દિકરીને લઈને માવતર અમદાવાદ પ્રયાન કર્યું. તાત્કાલિક ઓપરેશનની જરૂર ન હોવાથી દિકરા કાર્તિકની પરીક્ષા પતે પછી ઓપરેશન કરાવવાનું નક્કી કરી ઘરે આવ્યા.
પરીક્ષા પછી દિકરા કાર્તિકને પણ સાથે લઈ અમદાવાદ ગયાં અને ડૉ. પ્રદયુત થાકોર પાસે ઓપરેશન કરાવ્યું. દસ દિવસ પછી રજા આપતાં ઘરે આવ્યાં તો રાતભર ઓપરેટ કરેલું ત્યાંથી પાણી નિકળ્યા કરે. ચિંતામાં વધારો. ક્યારે સવાર પડે ? સવાર ઠતાં જ ડૉકટરને ફોન કર્યો તો જવાબ શું ? ખબર છે ? ઉધ્ધ્ત. ૧૧ વાગ્યે આવું ત્યારે જ જોઈશ. તપાસ કર્યા પછી પણ પોતાની બેદરકારી સ્વીકારવા તૈયાર નહીં. પાણી સફ કરી નાંખ્યું ને સામે સવાલ ક્યાં છે પાણી ? અંતે પૂજાના નાના એ ધીરજ ગુમાવીને અનાવિલ ટોનમાં વાત કરી ત્યારે એડ્મીટ કરી ને જોયું. ભૂલ ડૉક્ટરની. ઓપરેટ કરેલું ત્યાં ટાંકા લેવામાં ખામી. ટાંકો લઈને મોકલી આપ્યાં. બે દિવસ પછી એ જ રામાયણ. પાણી નીકળવાનું ચાલું થયું. ફરી પાછા ડૉકટર પાસે લઈ ગયાં. ઉપર-નીચે ટાંકો લીધો ત્યારે ઘા પૂરાતાં બન્ધ પાણી બંધ થયું. જોયું આટલા મોટા ડોકટરની કેવી બેદરકારી.
સેવામાં ખામી. ગ્રાહક સુરક્ષાનો કેસ બને. ઉપરથી ઉઘ્ઘત વર્તન. એટલે માનસિક ત્રાસની કલમ પણ ઉમેરાય. પરંતુ દર્દીનાં સગાં એટલા દુ:ખમાં ડુબોલ હોય આઅવાં કોઇ કાયદાકીય પગલાં ભરતા નથી. એમને તો પોતાનું સ્વજન ક્યારે સારૂ થાય એ જ ચિંતા સતાવતી હોય.
થોડા દિવસ બાદ ફરી તાવ આવ્યો. એપાર્ટમેન્ટમાં જ ક્લીનીક ધરાવતાં ઓળખીતાં જી.પી.ને બતાવું. એમણે ડોકટર બદલવાની સલાહ આપતાં ડો. પ્રદૂયુત ઠાકોરને પડ્તો મૂકી ડો. ચંદ્ર્હાસ પડંયા પાસે લઇ ગયાં. પોતે ખૂબ જ વ્યસ્ત એવું બતાવવાની ટેવ એટલે કેસ લેવાની ના પાડી. આજીજી ને અંતે ઉપકાર કરતાં હોય તેમ કેસ લેવાં તૈયાર થયાં.
અમદાવાદની પ્રખ્યાત વી.એસ. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. મગજનું ઓપરેશન કરવું. સ્પાઇનલમાં જે ફયુડ ભરાય તે મગજમાં પાણી ભરાવાને કારણે. આથી મગજનું ઓપરેશન કરી મગજમાં ટયૂબ મૂકી સીધી પેટમાં થઇને યુરીન વાટે નીકળી જાય. આ છેલ્લુ ઓપરેશન હવે પાણી નીકળવાનું, તાવ આવવાનું બંધ. આટલી લાંબી માંદગી યાત્રા બે જ વર્ષની બાળાએ કરી ને હવે માવતરે હાશકારો અનુભવ્યો, માંદગીયાત્રાનાં અંતનો.
બે વર્ષને જીવનયાત્રા સંઘર્ષ અને યાતનાથી ભરપૂર એવી માંદગીયાત્રાનાં અંતની ખૂશી અનુભવે ત્યાં જ સામે એક મોટા પડકારની ક્યાં ખબર છે? એ તો રાબેતા મુજબની જીંદગી શરુ થઇ અને દિકરા પૂજા કે જે માંદગીયાત્રાની શરુઆતમાં ચાલતી હતી તે ચાલવાને બદલે બેસી જ રહે છે. ધડકતાં દિલે કે શું હશે એવું વિચારતાં ડોકટરને બતાવવા લઇ ગયાં. ત્યાં ડોકટરે નિદાન કરીને જણાવ્યું કે તમારી જીંદગીમાં ક્યારેય ન ચાલી શકે. શું થયું હશે આ સાંભળતાં માવતરને. અત્યાર સુધી દિકરી જીંદગીમાં હિંમતભેર પૂજાને સાચવનારી માતા ભાંગી પડી અને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી, દિકરી પૂજા તો બિચારી આ બાબતથી સાવ અજાણ. માતાને રડતી જોઇ એ પણ રડવા માંડી. પરંતુ પિતાએ મન મજબૂત કરી ઉલ્કા ને સંભાળી અને પૂજાને પણ શાંત કરી.
ડોક્ટરે રોજ કસરત કરાવવાનું શાખવાડયું તે મુજબ કસરત ચાલુ થઇ. પૂજા બરાબર બોલતી થઇ ગયેલી. બધાને ચાલતાં જોઇ ચાલવા પ્રયાસ કરે. પણ રે.... કુદરત બિચારી એક ડગલું પણ ન ચાલી શકે એ જોઇ માતાનું હૈયું વલોવાય.
ગજબની હિંમત માતામાં. ત્રણ વર્ષની થઇ એટલે નજીકનાં બાલમંદિરમાં મૂકી. ઊંચકીને લઇ જઇ બેસાવી આવે અને સમય પૂરો થતાં લઇ આવે. ત્યાં બધાને દોડદોડી કરતાં જોઇ ચાલીને આવતાં જોઇ પૂજા સવાલ કરે કે હું કેમ નથી ચાલતી? હું ક્યારે ચાલીસ? આંખમાં ધસી આવતાં આંસુ ને રોકીને હસતાં હસતાં માં એને સમજાવી દે કે તું પણ ચાલશે. બાલમંદિરમાંથી સ્કુલમાં દાખલ કરી ત્યાં પણ આજ રીતે લેવા મૂકવા જવાનું. થોડી મોટી થઇ એટલે એને સમજાવી કે કંઇક ચમત્કાર થાય તો જ ચાલશે. રડી પડી દિકરી. મા એ હિંમત આપી. પગ સિવાયનાં બધાં અંગો કામ આવે છે એટલે પ્રભુનો આભાર માનવો એમ સમજાવી.
કુદરતી ખામીવાળાં બાળકો શું શું કરી શકે એવી માહિતીવાળા પુસ્તકો વંચાવતી. બાલવાર્તાનાં પુસ્તકો લાયબ્રેરીમાંથી લાવીને વંચાવતી. આમ, વાંચનનો શોખ કેળવ્યો. સ્કુલનાં સ્ટાફનો ખૂબ જ સાથ. સ્કુલ ની બેંચ પર બેસવાનું ફાવે નહિં. પિતાએ સ્પેશિયલ બેંચ કરાવી શાળાની પરમીશનથી. માતા ઉલ્કા ઘરે થી સ્કૂટર પર લઇ જાય. ઊંચકીને બેંચ પર બેસાડી આવે અને સ્કુલ પૂરી થતાં જ લઇ આવે.
પૂજાએ પણ પોતાની પરિસ્થિતિને સ્વીકારી. તેણે હસતાં હસતાં જીવવાનું શીખી લીધું. આટ આટલાં ઓપરેશનો શરીર પર થઇ ચૂકેલાં મગજનાં બે ઓપરેશન થયેલાં, મગજમાં ટ્યુબ મૂકેલી, આવી છોકરી શું ભણતી હશે? થોભો.... પૂજા ભણવામાં ખૂબ જ હોંશિયાર. બીજી બધી પ્રવૃત્તિ જે બેઠાં બેઠાં થઇ શકે તેમાં પણ હોંશિયાર. મગજ બધાં કરતાં તેજ. આવી આ પૂજાને ધોરણ સાત સુધીનો અભ્યાસ કરાવ્યો પછી ભારે હૈયે સ્કુલ છોડવી પડી. ઊંચકવું શકય ન હતું.
ધન્ય છે દિકરીની મા ને. ઘરે બેસીને કંટાળી ન જાય એટલે પોતે દિવાળીનાં ગ્રીટીંગ્સ કાર્ડ, કોડિયાં, ફોટોફ્રેમ વગેરે શીખી લાવી પૂજાને શીખવાડે અને પૂજા આજે પણ આ બનાવીને વેચે છે. પૂજાની આ પ્રવૃતિ “પૂર્તિ એમ્બ્રોડરી ફ્રેમ’’ નામ હેઠળ કરે છે. એણે આ નામ આપેલું છે. સાત ધોરણ્ સુધી ભણેલી પૂજા હવે આ કોમ્પ્યુટર યુગમાં જાત જાતનાં ઇલેક્ટ્રોનિક ગેઝેટનો ઉપયોગ પણ કરે છે. ધ્યાન ખેંચે તેવી વાત તો એ છે કે, એને ગેઝેટનો ઉપયોગ કરતાં કોઇએ શીખવ્યું નથી. પિતાએ વાઇફાઇ નું કનેક્શન અપાવેલું. એટલે જાતે જાતે બધું શીખી છે. વ્હીલચેરમાં છે પણ ખુશખુશાલ. ચાલવું કોને કહેવાય એ તો એને ખબર જ નથી. પણ એનો એને જરાય રંજ નથી. આજે ૨૮ વર્ષથી વ્હીલચેરમાં છે પણ કુદરત સામે કોઇ ફરિયાદ નથી. સંગીતનો શોખ. મોબાઇલમાં ગાયન સાંભળે ટીવી પર પીકચર જોઇ લે. આમ, પોતે જે કંઇ થઇ શકે તે કરે છે. જીંદગી એક બોજ છે એવું નથી માનતી.
પૂજાનો ભાઇ કાર્તિક બી.એસ.સી. કરીને ઓસ્ટ્રેલિયા ભણવા ગયો. આજે નવ વર્ષથી ત્યાં છે. ત્યાંથી આવ્યો ત્યારે ગાડી કરીને હીલ સ્ટેશન પરને અમૂક જોવા લાયક સ્થળે ફેરવી પણ લાવ્યો. કુટુંબયાત્રા.
ઉલ્કાનાં લગ્નજીવનની તો વાત જ શું કરવી? શરુઆતમાં ચાર-પાંચ વર્ષમાં બે સંતાન અને પછી પૂજાની માંદગીયાત્રા, પતિની નોકરી એટલો બધી જ જવાબદારી બન્ને બાળકોની ઉલ્કા જ નિભાવે. ઉલ્કાની હિંમત તો જુઓ. દિકરીને તૈયાર કરી વ્હીલ્ચેરમાં બેસાડી મહોલ્લામાં આંટો મરાવે. પોતે નજીકનાં મંદિરે દેવદર્શને જઇ આવે.
ધીમેધીમે ઉલ્કાએ મહિલા મંડળમાં જવાનું શરુ કર્યુ. બધી મહિલાઓ સાથે વાતચીતમાં નવું શીખવા મળે તો શીખીને તરત પૂજાને શીખવે. પૂજા ખૂબ જ ઉત્સાહી. કંઇ પણ નવું શીખવા મળે તો હોંશે હોંશે શીખે. એમ કરતાં મહિલા મંડળની પ્રમુખ થઇ ત્યારે દિકરી પૂજા પણ મમ્મીને સન્માન વ્હીલચેર પર આવી. આમ, બધાં પોતાની જીંદગીમાં ગોઠવાઇ ગયાઅં અને રાબેતા મુજબ જીંદગી જીવવા માંડયાં.
દિકરા કાર્તિકને ત્યાં દિકરીનો જન્મો થયો. ઓસ્ટ્રેલિયામાં, પૂજા ફોઇ બની હૈયે હરખની હેલી ઉછળે અને એવી ઇચ્છા પૂજાની કે દિકરી જન્મનાં વધામણાં લઇને આપણે ઘરે પારણું ગવડાવીએ, ભજન કરાવીએ. માવતર તો દિકરીની શક્ય એટલી ઇચ્છા પૂરી કરી જ. બીલીમોરાનાં મૈત્રી મંડળ કે જેમાં ઉલ્કા પણ કાર્યરત એને બોલાવી ભજન અને પારણું ગવડાવ્યું. પૂજા ખુશખુશાલ. વ્હીલચેરમાઅં બેસી વીડીયો ઉતાર્યો ને મોકલી આપ્યો વીરા- ભાભીને.
કાર્તિકને માવતર તેમજ વ્હાલસોયી બેન ને ઓસ્ટ્રેલિયા દેશ બતાવવાની ખૂબ જ હોંશ. બધાને પાસપોર્ટ તૈયાર કરાવવાનું કહી દીધું. પોતે જાતે આવશે દિકરીને પણ બધાં એ જોઇ જ નથી તો એને પણ રમાડી શકાય. એવું નક્કી કરી કાર્તિક પત્ની અને દિકરીને લઇને નવરાત્રિ અને દિવાળી પણ કુટુંબ સાથે થાય એવું પ્લાનીંગ કરી બીલીમોરા આવ્યો.
હ્શીખુશીનો માહોલ કેટલે વર્ષે કુટુંબ ભેગા મળીને નવરાત્રિ દિવાળી ઉજવવાનાં. નવરાત્રિ તો ખૂબ જ આનંદથી ઉજવી. આ કિલ્લોલ કરતાં કુટુંબને કુદરતે લીધેલા નિર્ણય ની ક્યાં ખબર હતી? દિવાળી શરુ થઇ કુદરતે નિર્ણયનો અમલ કર્યો.
વાઘબારસની રાત્રે પિતા મનોજભાઇને છાતીમાં દુખ્યું. એસીડીટી થઇ છે એમ સમજી એસીડીટી ની દવા લીધી. બીજે દિવસે – ધનતેરસના દિવસે સવારે સ્કુટર પર ડોકટરને બતાવવા ગયાં. પુત્રએ સાથે જવ કહ્યું તો પિતાએ સામાન્ય દુ:ખાવો છે તારી મમ્મી સાથે જઇ આવું, કરી ડોક્ટરને ત્યાં ગયાં. પત્ની ઉલ્કા સાથે વાત કરતાં કરતાં અચાનક પત્નીન ખભા પર માથું મૂકી દીધું હંમેશના માટે.
દિકરા સાથે ઓસ્ટ્રેલિયા જવાને બદલે કુદરતે દિકરાને મૂકીને પોતાની પાસે બોલાવી દીધા. પત્ની તો હતભ્રત થઇ ગઇ. હિંમત રાખી મૃત પતિને ઘરે લાવી. ગજબની હિંમત કુદરતે આપી છે. આજે પણ પતિ ગુમાવ્યાના રંજને મનમાં ધરબી દઇ પુત્રીને સંભાળે છે. સાસુની સેવા કરે છે. ધીમે ધીમે બાહ્ય પ્રવૃતિમાં પણ રસ લેતી થઇ છે.
ધન્ય હો આ માતાને અને ૨૮ વર્ષથી વ્હીલચેરમાં જીંદગી ગુજારતી દિકરી ને.....
***
2 - બુઢ્ઢા મિલ ગયા!!
“અરે... તુમ્હારા હસબન્ડ તો બુઢ્ઢા હો ગયા હૈ!! બેચારી લડકી!!”
સ્થળ હતું જહાજની અંદરની નાની એવી કેબીન કે જેને મેડિકલ ઈમરજન્સી માટે વાપરવામાં આવતી હતી. મારા પતિદેવ વિષે આવી કમેન્ટ કરનારા હતાં, પચાસેક વર્ષના નેપાળી નર્સ જે તે વખતે મેડીકલ રૂમના ઇન્ચાર્જ હતા. મારી હાલત તો સુડીમાં ફસાયેલી સોપારી જેવી હતી, બહાર પણ નાં નીકળાય અને અંદર રહો તો કપાવાનો ડર!! અમારા લગ્નને માંડ બે એક મહિના થયા હતા અને ત્યાં સાવ અજાણી સ્ત્રી મારા પતિદેવને ‘ બુઢ્ઢા માણસ ’ની ઉપમા આપી રહી હતી!! મેં થોડા અણગમા સાથે મારા પતિ સામે જોયું, જે મારા બેડની સામે જ ઉભા હતા. એ અને પેલા નર્સબેન તો જાણે કંઈ જ ન થયું હોય એમ ખડખડાટ હસી પડ્યા!!
“ ક્યા કરે મેડમ, ફૌજકી ડ્યુટી કરતે કરતે બાલ કબ પક ગયે પતા હી નહિ ચલા...” એમણે હસતાં હસતાં કહ્યું.
“ અચ્છા હૈ... બાલ કે સાથ સાથ અક્લ ભી પક ગયી હોગી નાં... ઇસ ફૂલ સી બચ્ચી કા ખયાલ રખના. બેટા, ઘબરાઓ મત. કુછ નહિ હુઆ હૈ. શીપ મેં પહેલી બાર સફર કર રહી હો ના? સી સીક તો હોગા હી. ”
એ નર્સે ખૂબ આત્મીયતાથી કહ્યું અને થોડી વાર મને ત્યાં જ રહેવાની સુચના આપીને જતાં રહ્યા. ફૌજી લોકો નાની નાની વાતમાં કઈ રીતે રમૂજ શોધી લે એ વાતનો પહેલો પુરાવો મને મળી ચૂક્યો હતો. નર્સ ગયા અને એમણે મારો હાથ પકડીને પૂછ્યું; “ હવે તો તારે પેલું ગીત સંભળાવવું જ પડશે!! આજે તો ઓફિશિયલી મને ‘ બુઢ્ઢો ’ ડીકલેર કરી દેવામાં આવ્યો છે!! ” હું તો શરમની મારી કંઈ જ ન કહી શકી!!
મારા પતિ ઇન્ડિયન નેવીમાં નૌસૈનિક હતા. આજે હું તમારી સમક્ષ મારા લગ્ન જીવનના અનુભવોનું ભાથું લઈને આવી છું.ઉપરની ઘટના બની એનાં થોડા દિવસ પહેલાથી શરૂઆત કરીએ.
મારા લગ્ન પછી તરત જ પતિદેવનો ટ્રાન્સફર ઓર્ડર નીકળ્યો. પોસ્ટીંગ હતું, અંદમાન નિકોબાર આઈલેન્ડનું મુખ્ય શહેર પોર્ટ બ્લેર. અને સામાન બાંધવાની તૈયારીઓ શરુ થઇ. અમે કોઈ ટૂર પર તો જતાં નહોતાં કે બસ, કપડાં અને બીજી જરૂરી વસ્તુઓ લઇ લીધી એટલે પેકિંગ ખત્મ!! આ તો એક સાવ નવી જગ્યાએ જઈને ઘર વસાવવાની વાત હતી!! રસોડાની એક એક નાનામાં નાની વસ્તુથી લઈને ટી.વી. પણ સામાનમાં જ બાંધવામાં આવ્યું!! હું તો અક્ષરશ: મારા સાસુની સૂચનાઓનું પાલન કરતી હતી. એ જે કહે એ બધું જ એક મોટા એવા બોક્સમાં મુકતી જતી હતી. બોક્સ પણ ખાસ ટ્રાન્સફર માટે જ ખરીદવામાં આવેલું. એલ્યુમીનીયમનું ખાસું એવું વજનદાર બોક્સ. પહેલા તો મને કહેવાનું મન થયું, ‘ આમાં તે કંઈ સામાન ભરાતો હશે!??’ પણ પછી થયું, નવી વહુનો સૌથી પહેલો ગુણ ‘ ન બોલવામાં નવ ગુણ ’ પકડી રાખવામાં જ ભલાઈ છે!!
‘ પોર્ટ બ્લેર જઈશ તો જહાજમાં જ...’ મારી આવી જીદને માન આપીને મારા પતિદેવે જહાજની ટીકીટો બૂક કરાવી જ રાખી હતી. જહાજમાં બેસવાની વાતથી જ હું તો એટલી ખુશ હતી કે રોજ રાતે સપનામાં પણ એની મુસાફરી કરી લેતી હતી!! અને છેવટે એ દિવસ પણ આવી પહોચ્યો. ચેન્નાઈથી અમારી શીપ ઉપડવાની હતી. એ દિવસ તો હું ક્યારેય નહિ ભૂલું. ‘ ટાઈટેનિક ’ ફિલ્મનાં જહાજને જાણે નજર સમક્ષ જોતી હોઉં એવી લાગણી થઇ આવી હતી મને. હું તો ખુશીથી આખા જહાજના ચક્કર મારતી ઉછળતી હતી. પણ જેવું જહાજ ઉપડ્યું, બધી ખુશી ક્યાંય ઉડી ગઈ. પેટમાં એવો ચૂંથારો થાય કે વાત ન પૂછો!! કોઈ મોટા બધાં ચકડોળમાં કલાક બેસી આવી હોઉં અને માથું જેમ ચકરાવે ચડે એમ આજુ બાજુ બધું ગોળ ગોળ જ ફર્યા કરે!! હું તો સમજી જ નહોતી શકતી કે આ મને શું થઇ રહ્યું છે!! મારા પતિ, મારા સાસુ-સસરા, મારી નણંદ- એ બધાં એકદમ સ્વસ્થ અને મારી તો હાલત ખરાબ!!
“ તને એટલે જ નાં પડતો હતો કે શીપમાં જવાનો મોહ ન રાખ.. પણ મારું મને કોણ? ” મારા પતિએ મને સમજાવતાં કહ્યું.
“ અરે પણ મને શું ખબર મને આવું થશે? તમને કોઈને તો આવું કંઈ થતું નથી? મને જ શું કામ? ” હું સાચે જ ડરી ગઈ હતી. એક તો લગ્ન પછી મમ્મી-પપ્પાથી આટલે દૂર જવાનું દુઃખ તો હતું જ એમાં વળી આ કૈક અજબ પ્રકારની મુસીબત શરુ થઇ ગઈ હતી.
“ રિલેક્ષ, કંઈ નથી. કોઈ કોઈને આવું થાય. સી સિકનેસ કહેવાય આને. ધીરે ધીરે ઠીક થઇ જશે. ”
પણ મારી હાલત ઠીક થવાને બદલે બગડતી ગઈ. કંઈ પણ ખવાતું નહોતું. ફરજીયાત સુઈ જ રહેવું પડતું હતું. પાણી પીવા પણ ઉભી થાઉ એટલે ચક્કર શરુ. કેટલા સપનાઓ જોયા હતા!! શીપમાં જઈને આમ કરીશ, ડેક પર ઉભી રહીને મસ્ત ફોટા પડાવીશ... એ પણ ટાઈટેનિક પોઝમાં... એ બધાં પર દરિયાનું પાણી ફરી ગયું હતું..... શીપની સફરના બીજા જ દિવસે મને મેડીકલ રૂમમાં લઇ જવી પડી. ઉલટી કરી કરીને મારી તો હાલત પતલી થઇ ગઈ હતી. મારા પતિ મહાશય પોતાનાથી બનતી બધી જ કોશિશ કરતા હતા મને ખુશ રાખવાની. પેલી ‘ બુઢ્ઢા હસબન્ડ ’ ની રમૂજ પણ એમાંનો જ એક હિસ્સો હતી એ મને ખબર પડી ગઈ હતી. પોતાના પર હસીને પણ સામેવાળાને કઈ રીતે ખુશ રાખવા એ હું ત્યારે એમની પાસેથી શીખી.
જેમ તેમ કરીને જહાજની એ ભયાનક સફરના પાંચ દિવસો પુરા કર્યાં. ત્યારે જ નક્કી કરી નાખ્યું કે શીપને તો દૂરથી જ નમસ્કાર કરવા!! પણ એ દિવસે મને ખ્યાલ આવ્યો કે મારા પતિ અને એમના જેવા બીજા નૌ-સૈનિક કેવી પરિસ્થિતિઓમાં પોતાની ફરજ નિભાવતા હશે!! ભગવાનનો પાડ કે અમારી સફર દરમિયાન દરિયો પ્રમાણમાં શાંત જ રહ્યો હતો. આવા શાંત પાણીમાં પણ જો હું ઉભી નહોતી રહી શકતી તો જયારે દરિયો તોફાની બને તો શું થાય?? દરિયાની એ સફરે મારા મનમાં મારા પતિનું સ્થાન વેંત એક ઊંચું કરી દીધું!!
પોર્ટ બ્લેરનાં દિવસો બહુ જલ્દીથી પસાર થતા હતા. મોબાઈલ ફોનની લક્ઝરી હજી પરવડે એવી નહોતી એટલે પંદર દિવસે એક વાર મારા ઘરે એસ ટી ડી પર વાત થતી હતી. મારી મમ્મી તો એ માનવા જ તૈયાર નહોતી કે હું શાક લેવા જવાથી લઈને લાઈટ બીલ ભરવા સુધીના બધાં જ કામ જાતે કરું છું!! જે છોકરીને તુવેર દાળ અને ચણા દાળનો ફરક ખબર ન હોય એ અચાનક ઘર ચલાવવા માંડે તો ઝટકો તો લાગે જ ને!! સાચું કહું તો મને પણ નવાઈ લાગતી હતી. શાકભાજીનાં ભાવ તોલ કરવા, કરિયાણું લાવવું, બહારના કામો સમયસર પુરા કરવા... અ બધું જ પાછુ એવી જગ્યાએ જ્યાંની ભાષા પણ મારા મારે અજાણી હતી!! ખબર નહિ ક્યાં બળે હું આ બધું જ કરે જતી હતી... ભૂલો ખૂબ થતી હતી. ક્યારેક રસોઈ બરાબર નાં બની હોય તો ક્યારેક ઘરમાં અમુક વસ્તુ જ નાં મળે. પરંતુ આ બધાં સમય દરમિયાન મનન હમેશા મારી સાથે રહ્યા. ક્યારેક દોસ્ત બનીને તો ક્યારેક માર્ગદર્શક બનીને. ગુજરાતના નાના એવા શહેર રાજકોટની એક ગભરુ છોકરી ધીરે ધીરે ઘડાઈ રહી હતી, ઘર ગૃહસ્થીનાં પગથીયા ચડવા માટે.
એ પછીની ટ્રાન્સફર આવી મુંબઈ. નોકિયાનો સાદો મોબાઇલ હવે અમે ખરીદી લીધો હતો. ફરી પાછું પેકિંગ ચાલુ થયું. આ વખતે મારે એકલીએ જ લડવાનું હતું. મારા સાસુ સસરા અને નણંદ તો થોડા સમય પછી પાછાં જતા રહ્યા હતા. એલ્યુમીનીયમનાં બે મોટા બોક્સ ફરી પાછા ભરવાના હતા. મારા ઘેર તો મારા કપડાની બેગ પણ મારી મમ્મી જ પેક કરી આપતી અને અહિયાં તો આખું ઘર પાછું સમેટવાનું હતું. સામાન તો જેટલો લાવ્યા હતા એટલો જ હતો, પણ મેં કૈક એવી રીતે પેકિંગની શરૂઆત કરી કે મોટા બે બોક્સમાં પણ સામાન ભરાયો નહિ. હું તો બરાબરની ફસાઈ!! ‘સામાનની જવાબદારી મારી પર નાખી દો. હું કરી લઈશ!!’ મોટભા બનવાની કોશિશ તો કરી પણ હવે શું? ફરી પાછો બધો સામાન બંનેએ મળીને ખાલી કર્યો અને નવેસરથી પેકિંગ ચાલુ કર્યું. ત્યારે જ સમજાયું કે સામાન ખાલી કરીને ફરી પાછો ‘જૈસે થે’ એવી જ રીતે ભરવો એ કંઈ નાની સુની વાત નથી!!
‘ ડોન્ટ વરી. ધીરે ધીરે તું ટેવાઈ જઈશ. ’ મારા પતિદેવે ટપકું મુક્યું!! અને એમની વાત સાચી પણ પડી. ઢગલાબંધ ટ્રાન્સફરનો અનુભવ લીધ બાદ આજે હું પેકિંગ-અનપેકીંગની કળામાં માહિર થઇ ગઈ છું. ફક્ત ત્રણ કલાકમાં સામાન સમેટીને ઘરને કવાર્ટરમાં અને ફરી કોઈ બીજા ક્વાર્ટરને સામાન ગોઠવીને ઘર બનવી શકું છું!! તમને લાગશે, એમાં શું મોટી ધાડ મારી?? પણ મારા માટે આ સિદ્ધિ એ કંઈ નાની સુની વાત નથી!! ખેર, તે દિવસે તો જેમ તેમ કરીને સામાન સમાવ્યો અને પોર્ટ બ્લેરને અલવિદા કહીને અમે મુંબઈ રવાના થયા.
મુંબઈનો કોલાબા એરિયા અને ત્યાની ટાઉનશીપ નેવી નગર. મારા મનમાં મુંબઈનાં અમુક વિસ્તારો કે જે ગુજરાતમાં જાણીતાં હતા, એની જે છાપ હતી એનાથી સાવ વિપરીત. ખૂબ વિશાળ અને સુંદર. પ્રવેશદ્વાર પર જ કડક ચોકી પહેરો. આઈ કાર્ડ વિના કોઈ જ અંદર ન જઈ શકે. અંદર પહોચતાં જ એવું લાગ્યું જાણે હું કોઈ નવી જગ્યાએ નહિ પણ એક નવી દુનિયામાં જ આવી ગઈ છું!! મારી આ અનુભૂતિ ખરેખર સાચી પડવાની હતી એ મને ત્યારે ખબર નહોતી!! ચૌદ માળના મોટા બિલ્ડીંગ. બધાં બિલ્ડીંગોને અલગ અલગ નામ આપેલા. જેમ કે R-1 થી લઈને R-35 સુધી. બીજા નાના ચાર માળના બિલ્ડીંગ “ આશા બિલ્ડીંગ ” તરીકે ઓળખાતા. હું તો ચકિત થઈને જોતી જ રહી હતી!!
મુંબઈ એ નેવીનું મુખ્ય મથક ગણાતું. એટલે અહિયાં બાકી બધાં બેઝ કરતા નૌ-સૈનિકોની સંખ્યા ખૂબ વધારે રહેતી. આટલા મોટા પ્રમાણમાં ક્વાર્ટર હોવા છતાં અહિયાં રહેવાની હમેશા અગવડ પડતી. કોઈની ને કોઈની સાથે ક્વાર્ટર ‘શેર’ કરવું પડતું!! હા, વિચિત્ર લાગે ને?? મકાન કોઈ વહેંચે?? અને શેરીંગ પણ કેવું? એક જ ફ્લેટમાં બે પરિવાર રહે. જેનો ફ્લેટ હોય એ રાજજા. જે શેરીંગમાં રહેતું હોય એ ભાડુઆત. 2 બી એચ કે નાં ફ્લેટમાં ભાડુઆતને એક રૂમ અને ટોઇલેટ બાથરૂમ વાપરવા મળે. બાકીનો બધો એરિયા મકાન માલિકનો. એ એક નાના એવો રૂમ સમય અનુસાર અલગ અલગ લેબલ બદલતો રહે... રસોઈના ટાઇમે રસોડું, મહેમાન આવે ત્યારે ડ્રોઈંગ રૂમ અને સુતી વખતે બેડ રૂમ. શેરીંગમાં રહેવું પડશે એવી વાત મને મનને કરેલી, પણ ખરેખર શેરીંગ એટલે શું એ ત્યારે નહોતું સમજાયું. ક્યાં મારા પિયર અને સાસરીના મોટા ઘર અને ક્યાં આ નાનો એવો રૂમ?? (ઓરડી શબ્દ જાણી જોઇને નથી વાપરતી!!)
“ આપણે પોર્ટ બ્લેરની જેમ ક્યાંક બહાર ભાડે રહીએ તો? ” ક્વાર્ટરમાં પગ મુકતાં વેંત મેં મારી મૂંઝવણ રજૂ કરી. મારા આ નાનકડા સવાલના જવાબમાં એમણે કોલાબા એરિયામાં એક સ્ક્વેર ફૂટનાં શું ભાવ ચાલે છે ત્યાંથી માંડીને નેવી નગરમાં રહેવાથી શું શું ફાયદાઓ થાય એ બધું જ કહી દીધું!! એ બધાનો નીચોડ એ હતો કે મારે એ નાના એવા રૂમમાં જ હવે પછીની ગૃહસ્થી માંડવાની છે. આમ જુઓ તો મુંબઈ જેવા શહેરમાં, કોલાબા એરિયામાં એક નાનો રૂમ મળવો પણ બહુ મોટી વાત કહેવાય. પેલી ‘નવીન દુનિયા’ ની લાગણી ધીરે ધીરે પ્રબળ બનતી જતી હતી.
અમારા મકાન માલકિન કોઈ બંગાળી હતા.પ્રોતિમા નામ હતું એમનું. જી હા, મકાન માલકિન જ. કેમ કે ઘરમાં આખો દિવસ તો અમારે જ રહેવાનું ને!! અમારા પતિદેવો તો સવારનાં ડ્યુટી ગયા હોય તો સાંજે પાછા આવે. જે દિવસે આવ્યા એ આખો દિવસ તો રૂમ ગોઠવવામાં ગયો. સાંજે આખા નેવી નગરનું ચક્કર લગાવી આવ્યા. બીજે દિવસે એમને ડ્યુટી જોઈન કરવાની હતી. સવારનાં સાત વાગતાં સુધીમાં તો એ ટીફીન લઈને નીકળી ગયા. થોડું ઘણું ઘરનું કામ પતાવીને હું બેઠી હતી કે ત્યાં જ બે છોકરીઓ રૂમમાં દોડતી આવી.
“ આંટી, આંટી. હમારે સાથ ખેલીએ ના? ”
પહેલા તો મને ખબર જ ન પડી કે એ લોકો મારી સાથે વાત કરે છે!! હું અને ‘ આંટી ’?? ઘડીભર તો કહેવાનું મન થયું, ‘ આંટી મત કહો ના!!’ મારી ઉમર અચાનક જ દસ વર્ષ વધી ગઈ હોય એવું લાગ્યું. “ સ્ત્રીઓ એ તો અનેક અવતાર ધારણ કરવા પડે, દીકરી ” મારા દાદીમાની કહેલી વાતનો સાક્ષાત્કાર મને આટલો જલ્દી થશે એ નહોતી ખબર!! પળવારમાં યુવતીમાંથી “આંટી”નું સ્વરૂપ લઇ લીધું હતું મેં... ખેર, થોડી વાર એમની સાથે વાતો કરી તો પેલી ‘અજબ લાગણી’ કયાંય જતી રહી. ત્યાં એમના મમ્મી, મારા ‘ક્વાર્ટર ઓનર’ પણ આવ્યા. ખરી મુશ્કેલી હવે શરુ થઇ. એમને ગુજરાતી ન આવડે અને મને બંગાળી. પોર્ટ બ્લેરમાં રહીને મારું હિન્દી થોડું ઘણું સુધર્યું હતું, પણ હજી ઘણા લોચા પડતાં હતા. બાવા હિન્દીમાં જેવું આવડ્યું એવું બોલવાનું શરુ કર્યું. ખબર નહિ પણ એ થોડા નારાજ દેખાતા હતા. એમની નારાજગીનું કારણ મને મારા પતિદેવ ઘેર આવ્યા ત્યારે જ ખબર પડી.
બન્યું હતું એવું કે, નેવી નગરના રિવાજ અનુસાર ક્વાર્ટર ઓનર જો તમારા રૂમમાં બેસવા આવે તો તમારે એને ચા પાણી નાસ્તાનો વિવેક કરવો જ પડે. આખરે એમનું ક્વાર્ટર અને તમે ભાડુઆત!! મને તો ત્યારે એવું કંઈ સુજ્યું જ નહિ!! એ કંઈ મહેમાન થોડા હતા? પોતાના રૂમમાંથી મારા રૂમમાં વાતો કરવા જ આવ્યા હતા ને!! મને ત્યારે મારી મમ્મીની ઢગલો શિખામણો યાદ આવી ગઈ!! સાસરીમાં આમ કરવું ને આમ ન કરવું, અમુક જ વાત બોલાય ને ઘણી વાતો મનમાં જ રખાય... ને એવું તો ઘણું બધું. પણ અફસોસ!! અહિયાં નેવી નગરના શેરીંગમાં એમની એક પણ શિખામણ કામ ન આવી!! મારી માંને ય ક્યાં ખબર હશે કે એની લાડકી દીકરી નવી જગ્યાએ નહિ એક નવી જ દુનિયામાં આવી પહોચી છે, જ્યાં એણે હવે જાતે જ તૈયાર થવાનું છે.
પ્રોતિમાંભાભીનું શું થયું પછી?? અરે તે દિવસે સાંજે એમને જમવા નોતર્યા ત્યારે એમની નારાજગી દૂર થઇ. રાતે થાકીને લોથ થઈને સુતી ત્યાં તો અચાનક જ સાઈરન વાગી. ઊંઘમાંથી ઝબકીને જોયું તો રાતના બે વાગ્યાં હતા. મારા પતિદેવ યુનિફોર્મ પહેરીને તૈયાર થઇ રહ્યા હતા. હું તો હાંફળી ફાંફળી ઉભી થઇ.
“ જનરલ રિકોલ છે. મારે અડધા જ કલાકમાં જહાજ પર પહોચવાનું છે. ” એમણે કહ્યું. મારા પતિદેવની પોસ્ટીંગ યુદ્ધ જહાજ પર હતી. વેસ્ટર્ન ફલીટનાં બધાં જ યુદ્ધ જહાજો હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા હતા. અચાનક જ ચિંતા અને અમંગળ આશંકાઓથી મારું મન ભરાઈ ગયું. મન તો થતું હતું દોડીને એમને વળગી પડું અને ક્યાંય ન જવા દઉં, પણ જાણે પગમાંથી ચેતન જ હણાઈ ગયું હોય એમ સ્થિતપ્રજ્ઞની જેમ ખોડાઈ ગયા હતા.આ બધાં સમય દરમિયાન એ મને સૂચનાઓ અને આશ્વાસન આપતા રહ્યા, પણ મારી બધી જ ઇન્દ્રિયોએ જાણે કામ કરવાનું બંધ કરી દીધું હતું. એમનો એક પણ શબ્દ મારા કાને નહોતો પહોંચતો. પાંચમી મીનીટે એ મને ભેટીને પાછળ પણ જોયા વિના બહાર નીકળી ગયા. એમની ફરજ એમને પોકારતી હતી. થોડી વારે મને કળ વળી અને હું દોડીને દરવાજા પાસે ગઈ. રાતનો અંધકાર પણ જાણે મારી મનસ્થિતિનો પડધો પડતો હોય એમ ભેંકાર ભાસતો હતો. હું મારું રડવું ન રોકી શકી. પ્રોતિમાભાભી અને એમના હસબન્ડ દોડતા બહાર આવ્યા. એ રાતે નેવી નગરના R – 17 ક્વાર્ટરના આઠમા માળે બે અલગ અલગ રાજ્યની સરહદ જાણે એક મેકમાં ઓગળી ગઈ. હું રડતાં રડતાં ગુજરાતીમાં ઘણું બધું બોલતી જતી હતી, અને પ્રોતિમાભાભી પણ એમની બાંગ્લા બોલીમાં રડતાં રડતાં મને હિંમત આપતા હતા. પરિસ્થિતિની એક જ નાવમાં સવાર બે અલગ પ્રાંતની સ્ત્રીઓ વચ્ચેની ભાષાની દીવાર તૂટી ગઈ હતી. એ આખી રાત એ મારી સાથે સુતાં. બીજા દિવસની સવાર અમારા માટે એક નવો જ સંબંધ લઈને ઉગી હતી.
“ શોના...શોના...” ભાભીના અવાજથી મારી ઊંઘ ખૂલી (બંગાળીમાં સ્ત્રીઓ પતિને પ્રેમથી શોના કહે છે.) રડી રડીને સુજી ગયેલી આંખો અને ચિંતાને કારણે માથું પકડાઈ ગયું હતું. જેવી આંખ ખૂલી કે ફરી પાછી એકલતા ઘેરી વળી. એવું નહોતું કે આ પહેલા મેં ક્યારેય એકલા રાત ન વિતાવી હોય. પોર્ટ બ્લેરમાં પણ મનનની નાઈટ ડ્યુટી લાગતી ત્યારે એકલી રહી જ છું. પરંતુ એ એક રાત પૂરતી એકલતા અત્યારની અનિશ્ચિત સમયની એકલતા કરતાં ક્યાય સારી લાગી રહી હતી. ભાભીના હસબન્ડ નેવી નગરમાં જ એડમીન ડ્યુટીમાં હતા, એટલે રવિવાર હોવાથી એ ઘેર જ હતા. ભાભી અને બંને દીકરીઓ સાથે એમને હસતાં, વાતો કરતા જોઇને ખબર નહિ કેમ મને ભાભીની ઈર્ષા થઇ આવી. ‘એ પણ ક્યારેક સેઈલીંગ ગયા હશે, ત્યારે ભાભી પણ મારી જેમ જ એકલા રહ્યા હશે...’ આ બધું મને અત્યારે સમજાય છે, પણ ત્યારે તો મનન પર એટલો ગુસ્સો આવ્યો કે પૂછો નહિ. મમ્મી પપ્પાથી દૂર હોસ્ટેલમાં રહેવું ન પડે ફક્ત એ કારણથી મેડીકલમાં મળતું એડમીશન પણ મેં જતું કર્યું હતું. અને અત્યારે?? સાવ અજાણી એવી જગ્યા, અજાણ્યા લોકો વચ્ચે મારા પતિદેવ મને મુકીને ચાલ્યા ગયા હતા!! સાવ નિ:સહાય એવી હું શું કરવું ને શું નહિ એ જ અવઢવમાં આંસુ સારતી આખો દિવસ મારા સેલ ફોનને હાથમાં લઈને બેસી રહી, મનનનાં એક ફોનની રાહમાં. ફોનની એક રીંગ સાંભળવા મારા કાન તરસી રહ્યા, પણ એ મશીન જડવત બનીને મારી હાંસી ઉડાવતું મૌન જ રહ્યું.
પછીના દિવસે સવાર સવારમાં જ બે ત્રણ લેડીઝ મારે ત્યાં આવી. મનનની જ શીપમાં એની સાથે કામ કરતા એના બેચમેટની પત્નીઓ તરીકે એમણે પોતાની ઓળખાણ આપી. એમણે કહ્યું પણ ખરા કે મનને મને રાતે ફોન કરવાની કોશિશ કરી હતી પણ મારો ફોન સ્વીચ ઓફ્ફ આવતો હતો. મેં તરત જ જોયું તો ખ્યાલ આવ્યો આખો દિવસ ફોનને તાકવામાં હું એને ચાર્જ કરવો જ ભૂલી ગઈ હતી એટલે એ બંધ થઇ ગયો હતો. મને મારી જાત પર આટલો ગુસ્સો ક્યારેય નથી આવ્યો જેટલો તે દિવસે આવ્યો હતો. મારે મનન આવે ત્યાં સુધી એમના કવાર્ટરમાં રહેવાનું હતું. હું અચકાતી એમની સાથે ગઈ. ત્યાં જઈને જોયું તો બીજી બે લેડીઝ પણ ત્યાં જ હતી. અમે કુલ પાંચ ફેમીલી એક જ કવાર્ટરમાં સાથે રહેવા લાગ્યા. બધાના પતિદેવો એક જ શીપમાં હતા.
સાચું કહું, ત્યાં જવાથી મને ઘણું સારું લાગ્યું. મારા કવાર્ટરમાં રહી હોત તો રોજ રોજ ભાભીના હસબન્ડને ઘેર આવતા જોઇને ઈર્ષાથી બળી મરત. પરંતુ અહિયાં તો બધાં જ સમદુખિયા. બધાના પતિદેવો સેઈલીંગ પર. તે દિવસે પહેલી વાર માનવ મનની નબળી કડી વિષે ખબર પડી. પોતાના દુઃખમાં અજાણ્યાનું સુખ પણ કાંટાની જેમ ખૂંચે, પણ તમારા જેવી જ હાલતમાંથી પસાર થઇ રહેલા ન જાણીતાં ચહેરાઓ પોતીકા લાગવા માંડે.
અમે બધી સ્ત્રીઓ દિવસ આખો પ્રાર્થના કરવામાં અને રાહ જોવામાં પસાર કરતી. ક્યારેક ક્યારેક નજીકની ફેશન સ્ટ્રીટમાં આંટો પણ મારી આવતી. ભારતના અલગ અલગ ખૂણેથી, જુદી જુદી સંસ્કૃતિમાં રહેલી પાંચ સ્ત્રીઓ ફક્ત એક તાંતણે બંધાઈને દિવસો પસાર કરી રહી હતી. અમે બધાં જ એકબીજાને પહેલી જ વાર મળી રહ્યા હતા. ભાષા, રહેણી-કરણી, રીતભાત બધું જ અલગ, છતાં એક સેતુ અમને બધાને બાંધી રહ્યો હતો. પ્રજ્ઞા અને પૂર્ણિમા મહારાષ્ટ્રની, ક્રિશ્ના ગુડગાંવથી, પીન્કી હરિયાણાથી અને હું ગુજરાતથી. બધાં જ એકબીજાને સહિયારો આપતા દિવસો વિતાવી રહ્યા હતા. ધીરે ધીરે હું પણ મારી જાતને નેવી નગરમાં ગોઠવી રહી હતી.
ભારતીય સેનાની આ એક વાત મારા મનને ઠેઠ અંદર સુધી સ્પર્શી ગઈ છે. ’ફૌજ તમને કયારેય એકલા નથી પડવા દેતી. પછી એ સૈનિકો હોય કે એમનો પરિવાર.’ ત્યાં બોર્ડર પર સૈનિકો પોતાની માભોમ કાજે જાનની બાજી લગાવતા હોય ત્યારે અમે એમની પત્નીઓ જીવનનાં એક પછી એક પાઠ મક્કમતાથી આત્મસાત કરતાં જઈએ છીએ. ક્વાર્ટરને ફક્ત થોડા કલાકોમાં સામાન છોડીને ઘર બનાવવાથી લઈને બાળકોના પિતા બનીને એમની દરેક નાની મોટી જરૂરીયાત પૂરી કરવી, એમના કાલા ઘેલા સવાલોનો સ્વસ્થતાથી જવાબ આપવો, અને આ બધાની સાથે સાથે ઘરની નાની મોટી સગવડો સાચવવી, મહેમાનોને કશી જ અગવડ વિના સાચવવા. દરેક ગૃહિણી આ બધું કરે જ છે, એમાં બે મત નથી. પરંતુ, એક ફૌજીની પત્ની ફક્ત એક વાતથી બધી ગૃહિણીઓથી અલગ પડે છે. એ છે- એનું એક સૈનિકની પત્ની તરીકેનું સ્થાન.
મનનને ગયે ઘણા દિવસો થઇ ગયા હતા અને એમના કંઈ ખબર હજી સુધી મળ્યા નહોતાં. એવામાં એક રાતે, મારી ફ્રેન્ડની ઘરની ડોરબેલ વાગી. ડોરબેલ વાગતાં જ મને અંદાજો આવી ગયો કે આ મનન જ હશે. હું દોડીને દરવાજો ખોલવા ગઈ. સામે જ મનનને જોતાં એને વળગીને રડી પડી. થોડી વાર કોઈ કંઈ જ ન બોલ્યું અને અચાનક એક સાથે બધાનો ગાવાનો અવાજ આવ્યો...
‘ મેં કા કરું રામ, મુજે બુઢ્ઢા મિલ ગયા!! હાય, મેં કા કરું રામ, મુજે બુઢ્ઢા મિલ ગયા!! ’.
અમે બંને એ ચોંકીને જોયું તો મનનના બધાં જ બેચમેટ અને મારી બધી જ ફ્રેન્ડસ અમારી આસપાસ ઘેરો વળીને જોર શોરથી આ ગીત ગાઈ રહ્યા હતા. મેં ચમકીને મનન સામે જોયું. મારી નજરમાં ચોખ્ખો અણગમો હતો. ‘ આ લોકોને કેમ ખબર પડી? ’ હું પૂછી રહી હતી. મનને કાન પકડીને સોરી કહ્યું.
થયું હતું એવું કે પેલાં નેપાળી નર્સ જે અમને પોર્ટ બ્લેર જતી વખતે જહાજમાં મળ્યા હતા, એમનું પોસ્ટીંગ મનનનાં જ શીપમાં થયું હતું. જેવો એમણે મનનને જોયો કે એમને પેલી ‘બુઢ્ઢા હસબન્ડ’ ની વાત યાદ આવી ગઈ. પછી તો શું હતું, આખી શીપમાં તે દિવસના બનાવની વિગત પ્રસરી ગઈ. ત્યારથી મનનને બધાં તક મળે ત્યારે ચીડવી લેતા. એક દિવસ મસ્તી મસ્તીમાં મનને પણ આ ગીતની વાત એના દોસ્તોને કરી દીધી. બસ, પછી તો થઇ રહ્યું. બધાએ પ્લાન બનાવી દીધો મને અને મનનને ચીડવવાનો.
તે દિવસ પછી અમારા દરેક ગેટ ટુ ગેધરમાં આ ગીત ખાસ ગાવામાં આવતું. મારા દીકરાનો પહેલો બર્થ ડે હોય કે દિવાળીનું સેલિબ્રેશન. અરે ખાલી ખાલી રવિવારે બધાં ભેગા થયા હોય તો પણ આ ગીત તો ગાવામાં જ આવતું. કહેવાની જરૂર ખરી કે ગાવાની શરૂઆત હંમેશા હું જ કરતી!! અલબત્ત દર વખતે મારી આંખોમાં એ જ તાજી પરણેલી નવોઢા જેવી શરમ આવી જતી!!
***
3 - એક સંઘર્ષસરિતાનું જીવનનૃત્ય
મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે...
જામનગરના નાગર ચકલામાં સમી સાંજે પસાર થનાર વ્યક્તિના કાનમાં આ અને આવા બીજા કેટલાય કૃષ્ણના સ્તુતિ ગીતો તેમજ ગુજરાતી સુગમ સંગીતના અને ક્યારેક ‘મંગલ ગાન કરેગા દેશ હમારા....’ શબ્દો કાને પડતા રહેતા અને મનને એક ઘડી જાણે શાંત કરી ડોલાવી જતા હતા. અજાણી વ્યક્તિ નીકળે તો એ પણ એક પળ તો થંભી જ જાય કે કાનમાં આ મીઠાશ ક્યાંથી રેલાણી? અને નાગર ચકલાના એ ખાંચામાં ઊંચે નજર કરતાં જ ‘મંગલમ્’ નામના મકાનની અગાશી પરથી એ સુરોનું સરનામું મળી જાય. જામનગરની જૂની કોઈ પણ વ્યક્તિ બોલી ઊઠે કે, “અરે! તમને નથી ખબર? એ નેહા શુક્લનું ઘર છે!”
આટલી જાણીતી, સૂર-તાલ-લયની જાગ્રુત અભિવ્યક્તિ, અને અનેક ગુણોની સામ્રાજ્ઞી, એવી એ નેહા આજ એની અગાશીમાં એક પાળી પર ઊભીને ખ્યાલોમાં ખોવાયેલી હતી. સાથે અગાશીમાં તરાના તો ચાલુ જ. ને ૨૫ થી ૩૦ બાળકીઓ અલગ અલગ મુદ્રા સાથે તબલાં અને ઘૂંઘરુંની છમ્મ છમ્મના તાલે કથ્થકની પ્રેક્ટીસ કરી રહી હતી. એક પછી એક બાળકીના મમ્મી તેડવા આવે અને નેહાદીદીના હંમેશાના સ્મિતમઢયા ચહેરે વિદાય પામે. અને આવા એક નહિ, નાની બાળકીથી શરુ કરી કોઈ પણ ઉંમરની બહેનો સાંજે રોજ ૩ કલાક માટે વારાફરતી આમ જ સ્મિત મેળવતા રહે અને એક અઠવાડિયાની એનર્જી મેળવી લે! હા, નેહાના ક્લાસના સ્ટુડન્ટસનું ટાઇમટેબલ અઠવાડિયે એકવાર એક કલાકનું પણ નેહાનું ટાઇમટેબલ તો રોજનું ૩ કલાકનું! અને હા, એ ટાઇમટેબલ ઘણા વરસોથી ફિકસ! સવારે ૪:૩૦ થી શરુ થાય. નિત્યકર્મ પતાવી પ્રાણાયામ અને સૂર્યનમસ્કાર કરી ૫:૩૦ તમે નેહાને મળવા ઈચ્છો એટલે એ તળાવની પાળે સૂર્યની ગતિ સાથે કદમ મિલાવતી જોવા મળે! સવારથી બપોર જામનગરની ભવન્સ સ્કુલમાં તમને નેહા સાયન્સ ભણાવતી જોવા મળે! બપોરે જમીને અઠવાડિયામાં ૩ દિવસ મંગલ, ગુરુ અને શનિવાર રિલાયન્સ, એસ્સાર કંપનીઓમાં ટાઉનશીપમાં કથ્થકના ક્લાસ લેતી જોવા મળે! અને ફરી સાંજે એના ‘મંગલમ્’ ની અગાશીમાં હાથ અને આંખોથી ભાવ અને મુદ્રા સાથે તબલાં અને ઘૂંઘરુંના તાલે એ જ હાસ્ય, એ જ એનર્જી સાથે ઝૂમતી જોવા મળે! અરે! સાચે જ, આ સપનું પણ નહિ, ચમત્કાર પણ નહિ, સંપૂર્ણ સત્ય અને સંપૂર્ણ તાજગીભર્યો રૂપાળો હસતા ગાલવાળો અને આંખોમાં ઊર્મિ ભર્યો એ ચહેરો અને થનગનતા-થીરકતા અંગો જાણે હમણાં બોલ્યા વિના જ બધું બોલી દેશે કે નેહા એટલે આત્મવિશ્વાસનો પર્યાય! નેહા એટલે હકારાત્મક ઉર્જાનો વહેતો ધોધ! નેહા એટલે સતત ધબકતી નૃત્યશાળા!
હા, નૃત્યશાળા જ; ગુણવંત શાહનું વડોદરું અને સયાજીરાવ ગાયકવાડની કલા નગરી વડોદરામાં બરોડા મ્યુઝિકસ્કુલમાં ‘ગુરુ શ્રી પંડિત હરીશ ગંગાણી’ પાસે ખાલી કથ્થક જ નહિ, ભરતનાટ્યમ માં પણ વિશારદ! આમ જુઓ તો એને કલાનો સમુંદર કહી શકાય! બાળપણથી જ ડ્રોઈંગમાં એટલી માસ્ટરી કે તમે નેહા સામે ઉભા રહો ને રંગો ને પીંછી પકડાવી દયો એટલે અડધી કલાકમાં તમારો સ્કેચ રેડી! વોકલમાં બધાથી આગળ સુરોના સથવારે; વળી, હાર્મોનિયમ પણ આંગળીઓના ટેરવે ચાલે! અને અમદાવાદ કનોરીયા આર્ટ સેન્ટરમાં સ્કલ્પચરમાં સ્પેશિયાલીટી મેળવેલ! નૃત્ય, ગાયન, વાદન, ચિત્ર, શિલ્પ આ પાંચ કલામાં ૩૦ વર્ષની ઉમરે તો માસ્ટર બની ગયેલ! જે ઉમરે ઘણા લોકો કામ શોધવા ફાફા મારતા હોય એ ઉમરે એક સારા સાયન્સ ટીચર, કથ્થક માસ્ટર તરીકે જામનગરમાં નામ જીભે ચડી ગયું. નેહાની બીજી કળાઓ તો બધા હજુ બહુ જાણતા પણ ન’તા.
ફળફૂલથી ભરેલ વૃક્ષની મધુરતા ને સુંદરરતા તો બધાં આસ્વાદે, પણ એ વૃક્ષને જો શિયાળો, ઉનાળો, ચોમાસું દરે ઋતુમાં વર્ષો વર્ષો જીવનસંઘર્ષ કરવો પડે એ પણ પ્રેરણાનો એક મૌલિક અનુભવ આપી શકે.
આવી કલાધારી આ નેહાને આજ રાતે ઊંઘ ના આવી. અગાશીમાંથી બધાને આવજો કરી એ આજે સોળે કળાએ ખીલેલા પૂનમના ચાંદને નીરખતી રહી. ક્યારેય નિરાશ ના થનાર અને હમેશ પોઝીટીવ વિચારો વાળી માતાના પગલે એક એક ક્ષણ ને જીવંત બનાવનાર અને ક્યારેય નિરાશ ના થનાર નેહા આજે જાણે પોતાની ૪૨ વર્ષ સુધીની જિંદગી ચાંદનીમાં રેલાતા પ્રકાશમાં નિહાળી રહી! એને પણ નવાઈ લાગતી હતી કે ભૂતકાળ વાગોળવો કે ક્યાય નિરાશ થવું એ મારો સ્વભાવ નથી છતાં આજે કેમ બધું ફ્લેશબેક થયા કરે છે? અને સતત શિવની આરાધના કરતી અને હનુમાન ચાલીસા બોલતી રહેતી, ઈશ્વરમાં અડગ શ્રદ્ધા ધરાવતી એ નાગરાણી ને થયું કે, ચાલો ઈશ્વરની ઈચ્છા, આજની આ ક્ષણિક નિરાશાની અવસ્થા પણ સ્વીકારી લઉં! અને આ ચાંદનીના પ્રકાશમાં મારી પોતાની જીવનયાત્રા, તટસ્થ બનીને જોતા જોતા, એક એક તારા માંથી ઉર્જા અને ચંદ્રમાંથી શાંતિ લઈને મુગ્ધ થઇ જઉં! બસ, આ જ કરવાનું, પોતાને એક બીજી વ્યક્તિ સમજીને પોતાનું જીવન જોવાનુ! એક એક તારાને જોતા જોતા..અને ચંદ્ર સાથે..આજ ભલે જિંદગીની કથા ચાલે....એક રમત ચાલે..
વ્યવસાયે ટેક્સેશન પ્રેકટીશનર એવા સનતભાઈ અને દિવ્યાબેન શુક્લ..પિતા – માતા. આ બન્ને ને બે દીકરીઓ પછી થએલી ‘હું’.. ના ના.. તટસ્થતાથી જોવાનું નેહા.. ‘હું’ નથી કહેવાનું.. એક બીજી વ્યક્તિ, ‘નેહા શુક્લ’ નામની, ‘હું’ નથી.. ઓકે.. તો પાંચ ડીસેમ્બર ૧૯૭૩ ના એક મંગલ દિવસે દિવ્યાબેનને પેટમાં સંચાર થયો અને અનુભવી મા ને ખ્યાલ આવી જતા ચાલ્યા ડૉ. પાસે અને એક વધામણી આવી કે મજાની રૂપાળી, ગટુડી, નાની નાની કીકીઓમાં કૌતુક લઈને એક પરી આવી છે તમારા ઘરે. અને આજે પણ દીકરાની લાલચમાં ફસાતા જમાના કરતા એ જમાનામાં પણ બે કદમ આગળ એવા એ નાગર કુટુંબમાં હરખ છવાઈ ગયો, કે ભલે પધાર્યા મા! એક તારો હસ્યો જાણે!..
દાદા-દાદી, કાકા-કાકી બધા સાહિત્ય અને સંસ્કારથી ભરપુર એવું એ કુટુંબ જે જીવ આવે તે એક સુંદર આત્મા છે એનું સ્વાગત ઉમળકાભેર કરવાનો રીવાજ એ કુટુંબે સાર્થક કર્યો. જોતાં જ સ્નેહ આવે- નેહ આવે- વહાલ આવે એવી એ પરીને જોઈ બધાએ નામ રાખ્યું ‘નેહા’. નાની એ જમાનામાં લેખન કાર્ય સાથે સંકળાયેલા તેમજ રંગોળીની રોજ અવનવી ડિઝાઈનોથી ઘર તેમજ જિંદગી રંગીન કરવાની કલામાં નિપુણ એવા નાની એ નેહાના માથે વહાલભર્યો હાથ મૂકી કદાચ અંતરથી જ પાંચ ગણી કલા નિખરે એવા આશીર્વાદ આપી દીધા હશે! બીજો તારો. હસ્યો જાણે!.
બે મોટી બહેનો પણ સંગીતના સૂરો રેલાવાના જ પંથે પગલીઓ માંડતી હતી. અને કાકા-બાપાના બધા ભાંડરડામાં સૌથી નાની એવી નેહા બચપણમાં એમ કહી શકીએ કે સોનાની થાળીમાં જમી અને પાણી માંગો ત્યાં દૂધ મળે એમ રાજ્કુંવરી જેમ રમતી ગઈ. પણ કુટુંબના સંસ્કાર જ એવા કે ક્યારેય આ વાતનો દંભ કે ઘમંડ ના ચડયો. ખુબ જ સાલસ શબ્દો અને સારું સાંભળવું, સારું વિચારવું એ જ જોયું અને બસ એક ઢીંગલી કોઈ ફરિયાદ કે બહુ જીદભર્યા તોફાનો વિના જ હસતી-રમતી શાળાએ જવા લાગી. ત્રીજો તારો હસ્યો જાણે!..
કેટલાક લોકોને એવી રીતે બાળપણ જીવવાની તક મળે, પણ ઘણા લોકો ઈશ્વરે આપેલી આ તક આળસ પ્રમાદમાં ખોઈ બેસે છે. મેં પણ આ ભૂલ કરી હોત તો? મારી જીંદગીમાં આવેલ સંકટો સામે ‘હું’ ટકી ના શકત.. એ... શું કરે છે નેહા? ‘હું’ નથી કહેવાનું.. જો ફરી નિરાશા આવી ગઈ ને?.. આપણી આ રમતના રુલ છે એક એક તારા અને ચંદ્રને જોવાના અને ‘હું’ નથી કહેવાનું, એવી રીતે નિર્લેપ ભાવે આ તો ‘કોઈ’ની વાર્તા સમજીને રમતાં રમતાં જોવાનું છે..ચાલ હસ નેહા. ચોથો તારો પણ હસ્યો જાણે..
આ નેહા, ૧૨ વરસે શોખ થયો અને કથ્થક શીખવા લાગી, સાથે રંગોમાં ઝબોળી પીંછીથી લસરકા પાડતા કુશળ ચિત્રકાર પણ બનતી રહી, અને સાથે ભણવામાં અવ્વલ નંબર મેળવતી રહી! હાઇસ્કુલમાં આવતા સાયન્સમાં બહુ રસ પડતા અમદાવાદમાં ઝેવિયર્સ સ્કુલમાં સાયન્સ સ્ટ્રીમમાં ભણવા જતા થોડો સમય નૃત્યનો સાથ છૂટયો, પણ સપનું સજાવેલું જ રહ્યું! આગળ અમદાવાદમાં જ M. Sc. (ફિઝીક્સ) અને શોખમાં જ સાથે સ્કલ્પચરમાં સ્પેશિયલ કરી પછી કથ્થકમાં પણ Ph.D. કરી સપનું સાકાર કરી નેહા બની ડૉ. નેહા શુક્લ! પાંચમો તારો હસ્યો.. અને ચંદ્રમા પણ..
અરે!, તમને બધાંને- ચંદ્ર-તારાઓને તો એવું લાગતું હશે કે, વાહ! આ તો મજાની લાઈફ! મોજથી સપના જોવ અને પુરા કરો. પણ ના બકા.. તો આગળ સાંભળો ચંદામામા.
આ બધી યાત્રા સાથે એક ભાવનિક લડાઈ એ યુવાન નેહા સતત લડતી રહી, મન સાથે, કરિયર કે માતા–પિતા! એક પગ અમદાવાદ, બરોડામાં અને બીજો પગ જામનગરમાં! પણ બે બહેનોના સાસરે ગયા પછી મનથી જ એક સંકલ્પ કરેલ કે મારી જિંદગીની બે પ્રાયોરિટીઝ, પેલી પ્રાયોરિટી મારા માતા-પિતા જ રહેશે! અને બીજી કથ્થક, એ બે મારી જિંદગી. મેરેજ તો હવે થઈ ગયા, તબલા અને ઘૂંઘરું સાથે અને બાળકો પણ થઇ ગયા ‘સનતભાઈ’ અને ‘દિવ્યાબેન’! જો, આ એક વાતથી મારી આંખોમાંથી પણ આંસુના ધોધ ચાલ્યા.એ નેહાના માતા-પિતા શારીરિક અને એના લીધે અસર થતા માનસિક સ્ટ્રેસ પણ અસર કરતા બીમારીમાં એવી રીતે જકડાઈ ગયા કે ‘કંપ્લીટ બેડરેસ્ટ’ ને કારણે એ બન્ને નેહાના દીકરો-દીકરી બની ગયા રે! જો ચંદામામા.. આ નેહા સ્ટ્રોંગ છે.ચાલો આગળ સાંભળો ચંદામામા..
નેહાના મા દિવ્યાબેન મનથી બહુ જ મજબુત પણ શરીર સાથ આપવામાં પછી પાની કરતુ. એટલે ઘણો સમય એવું ચાલ્યું કે પેટમાં દુખે ને ડૉ. કહેશે મરડો છે. ગમે એટલું કરે કોઈ નિદાન જ નહિ. એમ જ કૈક સાજા માંદા ૪-૫ વરસ ચાલ્યું ને વજન થઈ ગયું ૩૦ Kg! અને ત્યારે જામનગરમાં જ રહેતી, કથ્થક માટે સમયાંતરે બરોડા જતી નેહાએ કારમાં પોટલા જેમ મા ને સુવાડી કાકા પાસે ચાલી અમદાવાદ. અને ડૉ. કહે, “આ શું લાવ્યા?” નિદાન થયું આંતરડાનો ટીબી! અને એટલા લેઇટ કે બચવાના ચાન્સીસ દેખાતા નથી. ૨ વર્ષ અમદાવાદ હોસ્પીટલમાં જ અને નેહાને જામનગરથી અમદાવાદ બે વરસ જાણે એક ઘર થી બીજું ઘર આટાફેરા! છઠો તારો..
આ સાથે નેહાની ગુરુબેને અચાનક જામનગર છોડતાં નેહાને કહે, ‘મારા ડાન્સ ક્લાસ ના સ્ટુડન્ટસને આ વરસના ક્લાસ તું પૂરા કરાવી દે ને પ્લીઝ!’ અને કોઈ ક્લાસ ખોલવાની ગણતરી વિના જ નેહાના ડાન્સ ક્લાસ ચાલુ થઇ ગયા.ત એ સાથે નસીબ કહો કે ચમત્કાર, મા દિવ્યાબેનને સારું થયું અને જામનગર ઘરે લાવ્યા. ખુશીની એ પળોને યાદગાર બનાવવા હવન કર્યો, ભગવાનનો આભાર માન્યો અને એ રાતે ઘણા સમયે ‘મંગલમ્’ સુખની નિંદ્રામાં પોઢયું. પણ ત્યાં બીજા દિવસની સવાર લાવી એક આંચકો. નેહાના પિતા સનતભાઈ પેરેલાઈઝડ! અને પથારી પકડી લીધી. વાચા હણાઈ ગઈ. નેહાનો સેવા યજ્ઞ ફરી ચાલુ થયો.. પણ સાંભળ ચંદ્રમા..
સાથે સાથે જામનગર જેસીસની ગરબીમાં કોરીઓગ્રાફી. સતત પ્રેક્ટીસ અને એ ખાસ તો નેહાની કોરીઓગ્રાફીના લીધે એ ગરબીમાં પાસ મેળવવા માણસો મહેનત કરતા અને ધક્કામુક્કી થતી પબ્લિક એટલું નાવીન્ય! એક્વાર ત્યાં સંચાલકોમાંથી કોઈએ કીધું કે, ‘અમારી ગરબીમાં એક રાસ તમારા સ્ટુડન્ટસનો રાખોને’. અને નેહાને થયું કે તો હું જ મારી ગરબી ચાલુ કેમ ના કરું? અને જામનગરને મળ્યું ‘મુદ્રા ડાન્સ ઓફ ગ્રુપ’ અને સાથે એક અનોખી જ ગરબી પણ મળી ‘ભાવોર્મિ નવરાત્રી મહોત્સવ’. ક્લાસમાં આવતાં નાના મોટા તમામ બહેનો આમાં જોડાયા અને જામનગરમાં જયારે ગલી ગલીમાં ‘વેલકમ’ ને ‘બાય-બાય નવરાત્રી’ થી લઇ ‘ચિટીયા કલાયા...’ સુધી ડાન્સ પહોંચ્યા ત્યારે ‘ભાવોર્મિ’ એક અનોખા રંગ રૂપ લઇ યાત્રા કરતુ રહ્યું. ગુજરાતના ગૌરવ સમા આશિત દેસાઈ અને હેમા દેસાઈના શબ્દો અને સુરો ને નેહાએ ‘ભાવોર્મી’ માં એક નવી જ કોરિઓગ્રાફી સાથે જાણે શંખ ફૂક્યો! સાથે ‘મંગલ ગાન કરેગા’....જેવા દેશ માટે ઊર્મિ પ્રગટ કરતા ગીતોથી ભારતીય સંસ્કૃતિને નવરાત્રી તેમ જ સ્ટેજ શો દ્વારા એક અલગ ગરિમા અર્પી. બીજા કોઈ પણ પ્રોગ્રામ માટે સ્પોન્સર પસંદ ના કરતી નેહાએ ‘ભાવોર્મિ’ માટે રિલાયન્સ, એસ્સાર જેવી કંપનીઓની સ્પોન્સરશીપ સ્વીકારી અને જામનગરના ટાઉનહોલનું મેદાન ગજવી દીધું. અને નેહાનું કામ, કલા, મહેનત અને આત્મવિશ્વાસ એવા રંગ લાવ્યા કે ક્યારેય એને કોઈ પાસે ફાઈલ લઈને જવું ના પડયું, સામેથી કલા એની કદર કરતી ગઈ અને જામનગરની ‘સેતુ સંસ્થા’એ એને ‘જામનગર રત્ન એવોર્ડ’ થી નવાજી. ‘મેયોર એવોર્ડ’ પણ ‘મંગલમ્’ની શોભા બન્યો. અને નેશનલ ડાન્સ પર્ફોર્મ્નસ માં મોઢેરા ખાતે પણ એવોર્ડ જીતી જામનગરને અને કલાને એક ગૌરવ અપાવ્યું. જામનગરના ધારા સભ્ય અને ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી શ્રી વસુબેન ત્રિવેદી નેહાના લગભગ દરેક પ્રોગ્રામમાં હાજરી આપે અને કહે કે, “નેહા મારી એટલી વ્હાલી કે એનો પ્રોગ્રામ અચૂક જોવા આવું જ.” નવરાત્રી બધે નવ દિવસની પણ નેહાની ગરબી પાંચ દિવસની અને છેલ્લો દિવસ આખો બહેરા મૂંગા કે વિકલાંગ બાળકોને ગરબા કરાવવા પોતે સ્પેશિયલ ભાડું ચૂકવીને ‘ફ્રી ઓફ ચાર્જ’ ઝૂમે અને ઝૂમાવે! અને એમાં બહારના મેનેજમેન્ટમાં મદદ કરે એના જેવા જ એક જામનગરના મનસ્વી કલાકાર લલિત જોશી. અને નેહાનું આગામી સપનું કે મેન્ટલ ડીસએબલ બાળકો માટે ૪ થી ૫ ગરબા કરાવવા. અરે! આ શું એક તારા તૂટી ગયા..
અને આ બધી યાત્રા સાથે ફરી મળ્યો એક કુદરતી ઝટકો. મા ને વાઈ આવતા પડી ગઈ અને નિદાન બ્રેઈન હેમરેજ! એક તરફ પિતાનો ખાટલો બીજી તરફ માતાનો ખાટલો. પણ નેહા માથે હાથ દઈને બેસી નથી રહી. આત્મવિશ્વાસ અને ઉર્જા સાથે હસતા હસતા કર્મયોગ કરવાના અભ્યાસમાં નેહા અત્યાર સુધી રેડી થઇ ગઈ હતી. જીવન એક રમત છે બકા! અને નેહાને જાણે દુર્ગામા જેમ દસ હાથ ફૂટયા હોય તેમ બે ખાટલા પર પડેલા માતા-પિતા બંનેની સેવા, સ્કુલ, પ્રોગ્રામ્સ, કથ્થક ડાન્સક્લાસ અને બરોડા મ્યુઝિકસ્કુલમાં ગુરુની મુલાકાતો સાથે આગળ વધતું જ્ઞાન.
નેહા સતત માને કે ગુરુ પાસે ક્યારેય જ્ઞાન પૂરું નથી થતું. એમાં પણ એના ગુરુ તો નેહાને સૂર્ય જેવા લાગતા કે એના પાસે ઘણા સ્ટુડન્ટસ્ વરસો સુધી એક કલા રૂપી તપ-સાધના કરવા આવ્યા જ કરે, તો જેમ સૂર્યનું દરેક કિરણ અલગ છે તેમ દરેક આત્માને જ્ઞાન પણ અલગ જોઈએ છે. એમ ગુરુ દરેકને સતત અલગ જ્ઞાન આપતા રહે. હજુ તો ઘણું ઘણું શીખતા રહેવું એ જ સપનું. એટલે બધી દિશાઓમાં જાણે હાથ ફેલાયેલા. એ જો એક સાથે બે-ત્રણ તારા તૂટી ગયા! હ્મ્મમ્મ્ ! કદાચ આ તૂટતા તારાઓ આ નેહાએ ઓલી વખતે જોયા હોત તો!.
સમય સાથે પિતાની ખરાબ થતી જતી હાલત. મા કોમામાં હોત તેમ દવાઓના લીધે ઘેનમાં જ રહે. અને પિતા બધાને ભૂલતા ગયા. એટલે મોટી બે બહેનો રજાઓમાં નેહાને મદદ કરવા સતત તૈયાર, આવી જાય-જયારે સમય મળે ત્યારે, પણ નેહાના પિતા તો બધાને ભૂલી ગયા હતા, નેહાની માતાને પણ ભૂલી ગયા હતા, બસ એક નેહા યાદ એટલે કોઈની મદદ કામ ના આવે. રાત પડે અને પિતાનો દિવસ ઉગે. એને બીજું કાંઈ ન જોઈએ, બસ નેહા નેહા કરી, નેહાને હાથ પકડીને સામે બેસાડી રાખે, અને આંખોથી પોતાની દીકરી નેહા સાથે વાતો કર્યા કરે. એમ કરતા સવાર પડે અને નેહાનો સ્કુલનો સમય થાય, અને રોલ બદલાઈ ગયો જિંદગીનો જાણે એમ પિતા ગુસ્સે થાય, નેહા સ્કુલ જાય ને એ નાના બાળક જેમ બૂમો પાડે એનો હાથ જ ના છોડે! માંડ માંડ કરીને સમજાવવું પડે અને પછી બીજા કર્તવ્યપૂર્તિ માટે સ્કૂલે જઈ શકે. નેહા સ્કુલેથી પાછી આવે ત્યારે આ ૭૫ ની ઉંમરના નેહાના લાડકવાયા દીકરા એવા ખુશ થાય કે ‘આ નાના બાળક જેવા પિતા’ને જાણે લાડવો મળ્યો! આ બધી વાતની અસરથી ક્યારેક નેહા અંદરથી રોઈ લેતી પણ જરાય વિચલિત ના થતી. સતત હનુમાન ચાલીસા અને આત્મવિશ્વાસ! અંદરથી માતા-પિતાની હાલત જોઈ ક્યારેક માનસિક તાણ આવે, ગુસ્સો આવે, થાક લાગે પણ જેવી ક્લાસ લેવાનું ચાલુ કરે એટલે બધું ભૂલી ખોવાઈ જાય. તાજું ફૂલ ખીલ્યું જાણે! કામ, કામ અને સતત કામ એ જ એનો જીવનમંત્ર-બનાવવો ના પડયો વણાઈ જ ગયેલો એ મંત્ર.
ધીમે ધીમે ૪-૫ વરસ આમ નીકળ્યા ત્યાં ફરી કુદરતની કૃપા થઇ કે મા દિવ્યાબહેન સાજા થતા ગયા અને ફરી એક નવા જોમ સાથે એમણે પથારી છોડી, ત્યાં નેહાના પિતા સનતભાઈએ પણ પથારી છોડી! અને નેહાના હાથમાંથી હાથ સેરવી લીધો અને એ જીવ શિવ થઇ ગયો. એ ચંદા રે.. ચંદા રે..
કુદરત જાણે થાકતી ના હતી અને નેહા પણ જાણે હારતી ના હતી, બસ, બાથ ભીડયે જ જતી હતી. અને કુદરતે ફરી ચાબખો માર્યો. નેહા થોડું ચેસ્ટ પેઈન થતા રૂટીન ચેકઅપ માટે ૨૦૧૫ ફેબ્રુઆરીમાં બેસ્ટ ફ્રેન્ડ અને ફેમીલી ડૉ. સંધ્યાબેન શુક્લ પાસે ગઈ અને ચેક કર્યું ત્યાં સંધ્યાબેન એટલું જ બોલી શક્યા કે, “નેહા, આ શું લઈને આવી છે તું?” અને સંધ્યાબેન રડી પડયા કે, “તું અમદાવાદ જતી રહે, જમણી બાજુની છાતીમાં બહુ મોટી કેન્સરની ગાંઠ લાગે છે મને. ત્યાં તારું મોટું ફેમીલી અને વ્યવસ્થિત સારવાર થશે. અહી એકલી ના રહે.” ત્યારે નેહાની મા એની મોટી બહેન પાસે, એમના બાળકો પાસે ભૂજ હતા. બીજું કોઈ હોય તો દેકારો કરી મુકે પણ આ નેહા હતી.
પણ જો ચન્દ્રમા, જે નેહા નાનપણથી જ વહેલી ઉઠવાવાળી, રોજ મંદિરે જઈને નહિ પણ મનથી જ શિવને પૂજનારી, પ્રાણાયામથી શ્વાસ ને પણ સંગીતની જેમ એક રીધમ થી ચલાવવાવાળી, કદી કાંદા-લસણનો જીભને સ્પર્શ નહિ કરાવનારી, સાત્વિક ભોજન એટલું કે વરસે ૧૫૦ થી ૨૦૦ ગ્રામ મરચું ખાવાવાળી અને વરસે એકાદ વાર હોટેલમાં જમવાવાળી, ક્યારેય કોઈ બર્થડે પાર્ટી કે મેરેજ કે કોઈ પણ પ્રકારના ફંકશન એટેન્ડ કરી સમય બગાડી એમાં આચર કુચર નહિ ખાવાવાળી એવી નેહાને કેન્સર થયેલ! સામાન્ય માણસ તો ચીસો પાડે કે હે ભગવાન, આનાથી વધુ શું સાદું જીવન જીવી શકું? પણ ચન્દ્રમા, મજબુત માતાની એ ‘નેહાળી’ દીકરીએ એક જ ક્ષણમાં આંસુનું એક ટીપું પણ પાડયા વિના, કોઈ ફરિયાદ વિના ભગવાનને મનોમન વંદન કર્યા કે, ‘રોજ મજબુત બનાવતો જાશ? જેવી તારી ઈચ્છા બસ?’ કઈ તાકાત કામ કરતી હતી એની અંદર કે શરીર લડયા કરે અને આત્મા પરમાત્મા સાથે જીવ્યા કરે. અને નેહા પહોંચી પહેલા અમદાવાદ અને ત્યાંથી મુંબઈ. એમ પણ એના પગમાં તો જમીન પર સ્થિર રહેવાનું ક્યાં હતું જ? પણ સારા માણસોને હંમેશા સારા માણસો પણ દુનિયામાં મળી જ રહે છે. મુંબઈમાં નેહાની ટ્રીટમેન્ટ માટે મળ્યા ડૉ.અડવાણી, જે દેશની નામાંકિત જસલોક, બ્રીચકેન્ડી જેવી હોસ્પીટલમાં અગણિત સફળ ઓપરેશન કરી ચુકેલા અને કરી રહ્યા છે. એ પણ એક કર્મયોગી, એક દિવ્યાંગ, બંને પગ પોલિયોગ્રસ્ત, વ્હીલચેરમાં ફરી ૭૦ મા વરસે પણ સતત સ્મિત સાથે રોજ ૧૮ થી ૨૦ કલાક કામ કરનાર! એવા કર્મયોગીને જોઈ જોમદાર નેહાને ડબલ જોમ ચડયું! ડૉ. અડવાણીએ નિદાન કર્યું કે જમણી બાજુની છાતીમાં બટેટાની સાઈઝ ની ગાંઠ છે. અને ડાયાલિસીસ થયું. કારણ જાણવા મળ્યું; હોર્મોનલ ચેન્જીસ, સતત સંઘર્ષ અને આટલો સમય કરેલ મનની ચિંતા-પોતાના ‘બે વયોવૃદ્ધ બાળકોની’. ત્યાં ડૉ. બોલ્યા, “છોકરી, બ્રેસ્ટ કેન્સર તો હવે કોમન જેવું અને મોટાભાગે ક્યોર થઇ જાય પણ...એક તો તને અત્યારે એ સાવ લાસ્ટ સ્ટેજમાં સાથે તને એ બોનમાં સ્પ્રેડ થયું છે જે જલ્દી થાય પણ નહિ અને જેને થાય એને જલ્દી મટે પણ નહિ! બ્રેસ્ટ તો હવે કાઢી નાખવા માટે જલ્દી નિર્ણય લેવો પડશે અને ઓપરેશન કરવું જોશે.” નેહાના ભાઈઓ રડી પડયા કાકા-મામાનું કુટુંબ બધા ભાંગી ગયા કે આપણી સૌથી નાની ઢીંગલી ને કોઈ છીનવી લેશે કે શું? અને ચાલુ થઇ અમદાવાદમાં નેહાની કિમોથેરાપી.. તૂટતો તારો...
બે ડોઝ લીધા અને થોડી શક્તિ આવતાં એની ગુરુબહેનના અમદાવાદના પાલડીમાં આવેલ એક આશ્રમમાં નેહા મળવા ગઈ ત્યાં મા આનંદમયી એ એને જોતાવેંત માથા પર હાથ મૂકી મંદ સ્મિત સાથે કીધું, “ઓપરેશન ના કરાવતી સારું થઇ જશે! સાયન્સ ટીચર આ વાત સાંભળી જરા હસી કે ઓપરેશન તો હમણાં કરવાનું જ ડૉ. એ કહી દીધું છે. મા કહે, “થોડો સમય રાહ જો.” આ સમયે નેહાએ કેમો સાથે જવેરાનો રસ, હાથલાનો રસ, ગૌમૂત્ર અને પ્રાણાયામ, સૂર્યનમસ્કાર પણ જાળવવા ચાલુ કર્યું. અને આ બધા કેમો, આયુર્વેદ, પ્રાણાયામના કારણે એક કુદરતનો કરિશ્મા થઇ ગયો, ૨ ડોઝમાં તો ગાંઠ પણ ઓગળી ગઈ અને ક્લીયર રીપોર્ટ! ડૉ.પણ આ ચમત્કારથી નવી પામી ગયા. પણ સારવાર તો હજુ પૂરી કરવાની જ હતી. પણ સુધારો ઘણો હતો અને નેહા જેનું નામ કે મૃત્યુનો ક્યારેય ભય નહિ આવ્યો કે હવે મારી પાસે સમય નહિ તો આ કરી લઉં કે તે કરી લઉં. બસ જેમ ચાલતું હતું એમજ કામ! એ ચાંદ શું જોવે છે?...
ત્યાં એક દિવસ વચલી બહેનના સાસુ ઘણા દિવસથી બહુ બીમાર હતા તે બહેનનો ફોન આવતા તે નેહા અને દિવ્યાબહેન બરોડા એમને જોવા ગયા. તે જ દિવસે બહેનના સાસુ પણ અનંતની વાટે ચાલ્યા. ત્યાં બીજા જ દિવસે નેહાના જીજાજીને સિવિયર હાર્ટ એટેક આવતાં એ પણ માતાને પગલે એક પણ વારસ મુક્યા વિના શિવાસ્તુ પંથે ચાલ્યા! અને અચાનક આઘાત અને એક્લતામાં દીકરીને સાચવવા દિવ્યાબહેન બરોડા સ્થાઈ થઇ ગયા. ત્યારે નેહાએ મંદ-મંદ હસતા-હસતા એના બેસ્ટ એસ્ટ્રોલોજર એવા મામાને પૂછ્યું, “મામા મારી લાઇફમાં હજુ સાપ-સીડી જ રમવાની કે? જ્યાં થોડું શાંત થયા અને એમ લાગે કે 99 માં ખાને પહોંચ્યા ત્યાં પાસો ફરી સીડી ઉતારી દે.” અને પ્રેમાળ મામા માથે હાથ મુકતા કહે, “ના બેટા હવે તારા ગ્રહોની અવળચંડાઈ નહિ ચાલે સંઘર્ષની લિમિટ હવે બસ કેન્સરની ટ્રીટમેન્ટ પુરતી.” 17 શેક લેવાના હતા. જામનગરથી દર મહીને સેલ્ફ ડ્રાઈવ કરી અમદાવાદ જતી, ત્યાં એક દિવસમાં તો શક્તિ ખતમ સાંજે બે લોકો કાયદેસર ઉપાડીને ઘરે પહોંચાડે અને બીજે દિવસે સવારે પેટમાં ઇન્જેક્શન લે ત્યાં તો જાણે પોટલું! અને ડ્રાઈવર કરી ત્યાંથી સીધું સ્ટીયરીંગ ફરે જામનગર. પણ નેહા જેનું નામ, ઘરે આવીને સુઈ જવાના બદલે સીધી અગાશીમાં જાય ત્યાં ચેર પર બેસે અને તરાના, ઠુમરી, તબલાં અને ઘૂંઘરુંના નાદમાં થાક જાવકમાં અને એનર્જી આવકમાં. બધા વાળ જતાં રહ્યાં અને અમદાવાદના ચક્કર કપાતા રહ્યાં પણ નેહાના પગ ક્યાંય રોકાયા નહિ. એ જ ઉત્સાહ, એ જ સવારમાં ॐકાર, પ્રાણાયામ, સૂર્યનમસ્કાર, એ જ પ્રોગ્રામ્સ, એ જ વડોદરા ગુરુમિલન, એ બે દિવસને બાદ કરતા એ જ શેડ્યલ! અને જિંદગીની બેસ્ટ પળ મેળવી જયારે આટલા વરસોમાં આ 2016ની નવરાત્રીમાં દિવ્યાબહેન પહેલીવાર એમની નેહાની ‘ભાવોર્મિ’ અને પહેલો પ્રોગ્રામ કહો તો એમ એ જોવા જઈ શક્યા અને નેહાને થયું કે હવે જો ક્યારેય ગરબી ના કરું તોય અફસોસ નથી. મા ને જોઇને એની ભાવોર્મિ તે દિવસે સોળે કળાએ ખીલેલી કે આટલા વરસોથી બીમારી, સંજોગોના લીધે મા આજે નેહાને થનગનતી જોવા આવી શકેલ.
એ સમય દરમિયાન તેણે ‘ગિરનારના સિદ્ધ યોગીઓ’ નામનું એક પુસ્તક વાચ્યું જેમાંથી એને ખુબ જ હિંમત અને તાકાત મળી. નેહા કોઈ પણ પ્રોગ્રામ કરે, અમુક ફિક્સ રકમ પોતે રાખી બાકી જેટલા વધે એટલા પૈસા જેટલી બહેનો સાથે હોય એને કવરમાં સરખા ભાગે આપી દયે. કેમકે નેહા એ કલાને ક્યારેય કમર્શીયલ આધાર બનાવેલ જ નહિ. ધારે તો એક શો આપી 2 /3 લાખ ચપટીમાં કમાઈ શકે એવું એનું કામ. 5 દિવસ ની ‘ભાવોર્મિ’ ગરબીમાં થતો વધારાનો ફાળો પણ એ જામનગરની ‘આસ્થા સંસ્થા’ ને એજયુકેશન માટે આપી દયે. આ સમય દરમિયાન મા દિવ્યાબહેનનો ઘણો આગ્રહ કે હવે તું પણ બરોડા સેટ થઇ જા તો મારે પણ જામનગરના ધક્કા નહિ, પણ અત્યારે નેહાનો જીવ જ એના સ્ટુડન્ટસમાં, એના સાથી કલાકારોમાં અને કથ્થકમાં, કારણ કે આ બધા માટે આ એક ઘડતરનું, એક પ્રેરણાનું માધ્યમ છે. અને જે જન્મભૂમીએ નેહાને આટલું આપ્યું એ છોડવા હજુ મન ન’તું માનતું. આ બધા સમય દરમિયાન ભવન્સ સ્કુલના પ્રિન્સીપાલ ભારતીબહેન અને નેહાનો સ્ટાફ સતત સપોર્ટમાં અને કુટુંબના તમામ સભ્યો નેહાના એક અવાજે દોડી આવવા, ગમે તે પ્રકારની મદદ કરવા રેડી; પણ નેહા જેનું નામ- ‘કામ કરો, કમાવ અને ખર્ચો.’ 15 થી 16 કલાક અટક્યા વિના કામ અને આસપાસના જેટલા બહેનો સંપર્કમાં આવે એને સતત માર્ગદર્શન આપતી રહે કે, “તમે જોબ કરતા હો, હાઉસ વાઈફ હો કે ગમે તે બસ તમારા માટે કોઈ પણ ગમતા કામ કે આવડતી કલા શીખવામાં યા આવડતી હોય તો એના માટે 2 કલાક કાઢશો પણ તમારું જીવન ઉર્જા અને આનંદથી ભરપુર બની જશે. અને અત્યારે આ ફાસ્ટ લાઇફમાં નિરાશા, દુઃખ, સંઘર્ષ કોને નથી હોતા? તો એમાં કેમ બહાર નીકળવું, કેમ ફ્રેશ રહેવું એ આપણે જાતે નહિ કરીએ તો કોઈ બીજું માણસ તમને હાથ નહીં આપી શકે.”
એમાં અમુક એવા પણ હોય કે વિચારે કે આને કેમ આટલો સમય મળતો હશે? એક રાઝ કી બાત એ કે એના ઘરમાં TV જુના જમાનાનું એમજ બંધ, એ ઈડિયટ બોક્સ નેહાની નજર પણ નથી પામતું! અને નેટ ચેટના આ યુગમાં ફેસબુક અને વ્હોટસ એપ તો 4 યા 5 દિવસે નેહાની નજર પામે! અને કલાસમાં આવતી કેટલી બહેનો નેહાને જોઈ એટલી પ્રેરણા મેળવે અને કરિયર બનાવવામાં માર્ગદર્શન પણ મેળવે. આજે જામનગરની જેટલી શાળામાં નૃત્યશિક્ષિકા હોય- ‘એના ગુરુ કોણ?’ એનો જવાબ હોય નેહા શુક્લ. અને ક્લાસની નાની બાળકીઓને કોઈ પૂછે કે મોટી થઈને તું શું બનીશ? તો દરેકનો જવાબ મળે ‘નેહા દીદી’!
રે ચંદ્રમા, એક સવાલ પૂંછું તમને? જો, હવે તો મા સાથે બહેન પણ બહુ આગ્રહ કરે છે નેહાને કે, “હવે બસ, અહિ સાથે આવી જા, અમારી પાસે આવી જા; ત્યાં આ ‘મંગલમ્’ જેવી મજા બનશે? તો એનુ શું કરવાનુ? શું કહેવાનુ મા ને?” ક્યારેય આટલી વિચારોમાં નેહા
એ જો, ઝાંખી થતી ચાંદનીમાં ફરીને એક તારો ખર્યો! રે ચંદ્રમા, મળી ગયો ઉત્તર નેહાને જાણે એના પ્રશ્નનો. આ ખરતા તારાના પ્રકાશથી મનમાં પણ ઝબકારો થયો. અને મને આ નેહા કહે, “હજુ તો અહિ જ. છેલ્લી ઘડી આવે તો પણ હું નૃત્ય, આયુર્વેદ, ॐકાર, પ્રાણાયામ, સૂર્યનમસ્કાર, કે અન્ય કોઈ પણ કાર્યમાં જ રત હોઉં. અને હજુ તો જ્યાં સુધી ગુરુજી એમ ના કહે કે નેહા હવે બસ! ત્યાં સુધી નવું શીખવું અને ગાંડાની જેમ કામ કરવું. હજુ શક્ય હોય ત્યાં સુધી તો જન્મભૂમી એ જ કર્મભૂમિ.”
અને ત્યાં જ ઉગતી ઉષાનો સંકેત થયો અને આકાશમાં તારાગણ, ચંદ્રમા જરા ઝાંખા થઈ ઝાંખા દેખાતા સૂર્ય સાથે બધું એકસાથે પ્રકાશમાન થઇ ગયું. અને થોડી જ વારમાં ઉગતા સૂર્યની આછી લાલીમા ચંદ્રમા ને ‘નેહાની’ વાર્તા કહેતી નેહાના ગોરા ગાલને કેસરિયાળો ઢોળ ચડાવવા લાગ્યા, અને આ નેહા ત્યાં જ પદ્માસનમાં આખો બંધ કરી એક એક નવા પ્રાણ સાથે નવા નવા આયામ અનુભવવા લાગી. અને પછી ॐ....ॐ.... પ્રણવ ધ્વનિ સાથે પુનઃ એકવાર ‘મંગલમ્’ની સવાર આ સંઘર્ષની સરિતા સાથે મંગલમય બની ગઈ. પુનઃ એકવાર આ પ્રણવોંકારથી આ સ્વરસામ્રાજ્ઞીનુ અને ‘મંગલમ્’નું આભામંડળ સુરમયી બની ગયું. અને આકાશમાંથી જોવાવાળા ચંદ્ર, તારા અને સૂર્યનારાયણ પણ આ ‘નેહા નામની સંઘર્ષની સરિતાનું તેજસ્વી જીવનનૃત્ય’ જોઇને, પોતાની ઉર્જા અને તેજ રૂપી આશીર્વાદોમાં ‘મંગલમ્’ને અને પદ્માસનમાં ॐકાર કરતી નેહાને લપેટીને, પુનઃ એકવાર એ બધાં પોતાના કર્મયોગની સાધનામાં સ્થિર થઇ ગયા. અને નેહા શુક્લના સૂર્ય સાથે સંવાદ અને પ્રવાસ શરુ થઇ ગયો. બધા બેઠાડું જીવનવાળા આ સુંદર સમયે સુવે, સંઘર્ષોથી ભાગે, પોતાના ખોટા અહંકારની રક્ષા માટે રાક્ષસ બનીને બીજા સારા માણસને નડે-કરડે, અપયશ ના દોષ બીજા ઉપર મુકીને કુતરા-બિલાડી જેવું જીવન જીવતા પથારીમાં પડયા રહે, અને ઊઠીને પછી પોતે બેસી રહે અને બીજાને હુકમ કરે, ‘જ્ઞાન’ આપતા ફરે. આ બધા બેઠાડું જીવનવાળા મુર્ખો અગર પોતાનો અહંકાર તજીને પોતાના જ કામ ઉપર ધ્યાન રાખે તો, ‘ડૉ.નેહા શુક્લ’ જેવા ‘કર્મયોગી’ બની જાય અને આ ધરતીમાતા સ્વર્ગ બની જાય. અને પછી ‘કોઈ પણ જાતના કેન્સરનો ભય ના રહે.’ ના કોઈ વ્યક્તિનું, ના સમાજનું-જે કોઈને કરડી શકે! ॐ....ॐ.... ॐ....
***
4 - નવોઢા
“દાદીમાં કેવાં હતાં?”
દાદાજીની સાથે બપોરે જમી પરવાર્યા પછી સૌથી મોટી પીયૂ, નાનકી એશા અને અમયે દિવાનખંડમાં બેઠક ગોઠવી. લાગ જોઈને દાદીમા વિશે પૂછી લેવાની તક ઝડપી લીધી. દાદાજી રાબેતા મુજબ ચશ્માં અને કોઇ દળદાર પુસ્તક લઈને આરામ ખુરશીમાં બેઠા હતાં. વહુવારુઓ રસોડું આટોપતી હતી અને દીકરાઓમાંથી કોઈ ટીવીનું રીમોટ લઈ તો કોઈ છાંપુ હાથમાં લઈ બેઠા. આજે કોઈ વાર – પ્રસંગ હોય એવું સાંભરતું તો ન હતું. છતાં બધાં બપોરે સાથે જમ્યાં, દીકરાઓ નોકરી – ધંધે ગયા નહીં ને આખી લીલીવાડી આમ કોઈ વ્યાજબી કારણ વિના આસપાસ ગોઠવાયેલ જોઈ રાજીપો અનુભવતા; બાળકોનાં આ પ્રશ્નથી જાણે જયદેવરાય પરશુરામ મહેતાનો ચહેરો અચાનક ચમકી ગયો.
“તમે લોકો એ પેલી નઝમ સાંભળી છે ને? શાંત ઝરૂખે વાટ નિરસતી.. રૂપની રાણી જોઈ હતી, મેં એક શહેઝાદી જોઈ હતી..” દાદાજીએ લહેકાથી એ કડી જરા ધીમે સાદે લલકારી.
સિત્તેર વર્ષે પણ દાગ વિનાની શ્વેત, કાંતિવાન ચામડી પર ઉંમરની કરચલી સ્પષ્ટ દેખાતી હતી. મોતિયાબિંદ અને ઝામરનાં ઓપરેશન કરેલી ઝાંખી ભૂખરી આંખોમાં ઝાકળ બાઝી હોય એમ ઝળઝળિયાં આવી ગયાં. તેઓએ ખભે રાખેલ ગમછાથી આંખો લૂછી, બોલ્યા : “આજે એની સાથે વિતાવેલ યાદગીરી તાજી કરાવી જ છે તમે લોકોએ તો લાવો, મારી ‘નવોઢા’ સાથે આજે બધાંની ઓળખાણ કરાવું. તે સાચુકલી શહેઝાદી જેવી જ દીસતી હતી જ્યારે મેં એને પહેલી વાર લગ્ન મંડપમાં જોઈ હતી!”
“હેં ભાઈજી, તમે ખરેખર ભાભીમાને પહેલી વખત સીધાં લગ્ન મંડપમાં જ જોયાં હતાં?” નાની વહુથી રહેવાયું ન હોય એમ અધવચ્ચેથી પૂછી બેઠી. દેરાણીનાં આ વધુ પડતા ઉત્સાહિત પ્રશ્ન સાંભળી સસરાજી નારાજ થાશે તો? એ બીકે મોટી વહુ બોલી ઊઠી : “ હાસ્તો વળી, એ જમાનામાં ક્યાં હમણાં જેવાં ડેટીગ, ચેટીંગ અને સેટીંગ હતાં! હેં ને ભાઈજી?”
“હા, વહુ બેટા તમે સાવ સાચું કહ્યું.” આટલું કહી પુસ્તક અને ચશ્માં સોફા કોર્નરનાં ખાનાંમાં રાખવા ઊભા થયા અને ફરી નિરાંતે માંડીને વાત કરવાના ઈરાદાથી આરામ ખુરશી પર આવીને બેઠા.
“હ્મ્મ.. તો વાત જાણે એમ હતી, મારી બા અને એની બા બન્ને સત્સંગી બહેનપણીઓ. મારી બાએ તો તમારાં ભાભીમાને નાનેથી મોટી થતે ઉછરતાં જોઈ હતી. તેથી નાનપણથી જ એમને ગમી ગઈ હતી.
હું શહેરથી ભણીને આવ્યો અને મારા બાપુજીના વેપારમાં રસ લેવા લાગ્યો એટલે એક દિ’ એને ત્યાં જઈ, ગોળધાણા ખાઈને અમારું સગપણ બા નક્કી કરી આવી.
હું તો શહેરમાં ભણી આવેલો. મોસાળમાં રહેલો. મારા નાના સરકારી ખાતામાં મુનીમ. નાનેરેથી જ સાહેબી ઠાઠ અને એવી જ વિચારસરણીમાં ઉછરેલો. થોડી આનાકાની કરી પણ ખરી. બા એકની બે ન થઈ. પોતાની પસંદગી મારા માટે શ્રેષ્ઠ જ છે એવું સમજાવ્યું. મેં બાની ઈચ્છાનો વધુ વિરોધ ન કરી નમતું જોખ્યું અને સગપણ સ્વીકાર્યું.”
દીકરાઓનું પણ ધ્યાન પિતાજીની વાતો તરફ દોરવાયું. અમય એનો હેન્ડી કેમ લેવા એનાં કમરામાં દોડ્યો અને બોલતો ગયો. “દાદાજી એક જ મિનિટ વેઈટ પ્લીઝ, હું કેમ લઈને આવું.. પ્લીઝ વેઈટ…..”
હવે તો એશાનેય મોજ પડવા લાગી હતી. એ પણ વિડિયોમાં આવશે એવું વિચારીને એ દાદાજીની ખુરશી પાસે પલાંઠી વાળીને ગોઠવાઈ. પીયૂ કોઈ અનુભવી ન્યૂઝ ચેનલની સંવાદદાતા હોય એમ કાન પાછળ વાળની લટ વારે ઘડીયે મૂકતી હવે શું પૂછવું દાદાજીને એની મથામણમાં પરોવાઈ.
આખો પારિવારીક માહોલ જોતજોતાંમાં જાણે કે કોઈ ઈન્ટરવ્યુ સ્ટુડિયોમાં ફેરવાઈ ગયો. મોટાં ભાભી બધા પડદા અને બારણાંઓ બંધ કરી આવ્યાં અને નાની વહુ વાસણોનાં અવાજ કરતી કામવાળીને ઝાંપે વળાવીને ઝડપથી એમની જગ્યાએ સોફાને છેડે અઢેલીને એડી વાળીને ગોઠવાયાં.
એ દિવાનખંડમાં હતી એટલી બધી જ લાઈટ ચાલુ કરી મોટા ભાઈએ અને નાના ભાઈએ એનાં ફોનનું રેકોર્ડિંગ બટન હાથવગુ કરીને પિતાજી સામું ધર્યું. આ બધું થઈ રહ્યું એ નિરાંતે દાદાજીએ નિહાળ્યું. પડખે બેઠેલી એશાને માથે વહાલ કર્યું.
પાંચેક મિનિટનાં અંતરાલ બાદ કેમેરાના લેન્સનું ઢાંકણું ખોલતાં અમયે ઈશારો કર્યો, “પ્લીઝ કન્ટીન્યું.” “બે યાર, એક્શન બોલ એક્શન….” પીયૂએ અમયની ફિરકી લીધી અને એનાં પપ્પાને આંખ મારી. સૌ હળવાશથી હસ્યાં. દાદાજી પણ બોખા મોંએ હસી પડ્યાં.
“હા, તો હું મારી નવોઢા વિશે તમને કહી રહ્યો હતો.” દાદાજી કોઈ જુની ફિલ્મનાં અભિનેતાની માફક એકદમ સહજતાથી કેમેરા સામું જોઈને વાત કરવા લાગ્યા.
“આ તમારી દાદીમાં, ત્યારે એ પચીસેક વર્ષની હશે જ્યારે આ તસ્વીર ચિત્રાવી હતી.” એમણે આંગળી ચીંધી દિવાલ પર લટકાવેલ મોટી ફોટોફ્રેમ તરફ. અમયે કેમેરો એ ફ્રેમ પર ફોકસ કર્યો જરાવાર અને ફરી દાદાજી તરફ લાવી દીધો. “અમે ત્યારે મૈસૂરની સફરે ગયાં હતાં, એ સમયે આવી વિડીયોગ્રાફી કે ફોટોશૂટની ક્યાં સુવિધા હતી? એટલે મેં જ એને ચિત્ર બનાવડાવવા માંડ મનાવીને બેસાડી હતી. એકધારું બેસી રહે એ તમારાં ભાભીમા ક્યાંથી?” હોઠ દાબીને જરા ભારી સ્મિત કર્યું દાદાજીએ.
“દાદીમાંને બધાં ભાભીમાં કેમ કહે છે?” પીયૂએ ટહૂકો કર્યો.
“હું કહેવાનો જ હતો, સારું થયું તે પૂછ્યું પીયૂ બેટા.” અમયનો કેમેરો પીયૂનાં ચહેરા તરફ જઈને દાદાજી સામું આવી ગયો. “રઘુકાકાનો રાજેશ એકવાર ખૂબ માંદો પડ્યો હતો. મા વિહોણો રાજિયો કેમેય કડવી દવાઓ લે જ નહિ અને એની તબિયત કથળતી જતી હતી. ને મારી કુસુમે તેને સાચવ્યો અને ફોસલાવીને સારવાર કરી. એ સાજોનરવો થયો ત્યારથી મારો નાનો ભાઈ કિશન અને અદાનો નાનકો રાજેશ બેય એને ભાભીમા કહેતા થયા ને તમે બધાં છોકરાંઓએ પણ એજ ચિલો રાખ્યો.” “હેય! દાદાજી દાદીમાનું નામ બોલ્યા!” એશા હરખાઈ. દાદાજીએ ફોડ પાડ્યો, “હા, અમારા જમાનામાં તો ધણીનું તો શું બૈરાંનુંય નામ નહોતું લેવાતું. મેં તો એને ક્યારેય કુસુમલતા કહીને હાકલ પાડી જ નથી આમ જ આખું આયખું પસાર થઈ ગયું.” દાદાજી સહેજ ઢીલા પડે એ પહેલાં પીયૂએ ટાપસી પૂરાવી, “દાદાજી, અને હવે તો બધાય જોરજોરથી એકબીજાંનું નામ લઈને.. હાકલ કરે છે!” પીયૂનાં પપ્પાએ એનો કાન આમળ્યો.
સૌનાં મલકાતા ચહેરા જોઈને દાદાજીએ વાત ચાલુ રાખી. “તમારાં દાદીમાં જ્યારે પરણીને આ પરિવારમાં આવ્યાં ત્યારે શેનીય ખોટ જ નહોતી. એમનાં પગલાં શુભ નિવડ્યાં હોય એમ મારા બાપુજીનાં વેપારમાં બરકત વધી. તે મનેય બે – પાંદડે થવાનું સૂઝ્યું. શહેર જઈને નવો ધંધો કરવાની મહેચ્છા જાગી. આમેય હું શહેરી વાતાવરણથી ટેવાયેલો અને વળી સહુ કહેવા લાગ્યાં હતાં કે પસાકાકાનાં મોટા દીકરા જયુભાઈ શહેરથી ભણીને આવ્યા છે તે ઘણાં વ્યવહારૂ બની ગયા છે. એટલે એવું બધું સાંભળીને આપણને જરા તાન ચડી આવેલું.
લગ્ન કરીને આણું વળાવેલ તમારા ભાભીમાને હું ગામમાં જ મૂકીને શહેર વસવા ઈચ્છતો હતો. એની નવી નક્કોર સોનેરી કોરવાળી ચંદેરી સાડીઓમાં મને જરાય રસ પડતો નહોતો. એ જમાનામાં, ગજરા લાવવા કે અત્તર લઈ આપવું એવી ક્યાં મને ગતાગમ જ હતી! બાએ કહ્યું ને અપણે પરણી ગયા.”
બાપુજી પાસેથી થોડી રકમ લઈને શહેર જઈને વેપાર કરવા જવાની ધૂન સવાર હતી મને. “રોટલો ઘડીને આપશે તારી વહુ એનેય લઈ જા ભેળો.” એવું બા કહેતી પણ મેં કહ્યું કે પહેલાં હું તો ત્યાં ઘરબાર વસાવું? સ્થાયી તો થાઉં? પછી બોલાવી લઈશ. આમને આમ ત્રણેક મહિના વિત્યા.”
દાદાજી વાત પૂરી કરતે ઊભા થયા. “લાવો, તમને એક કાગળ વંચાવું આજે.” એક પીળી ચાર ઘડી વાળેલી ચબરખી એમણે એમનાં સોફાકોર્નરનાં ખાનાંમાંથી એક ફૂલપાંદડીની ભાતવાળા નાનકડા પત્રાંનાં પટારામાંથી કાઢી. “લે.” એમણે ચિઠ્ઠી મોટા દીકરાનાં હાથમાં મૂકી અને ફરી પોતાની જગ્યાએ ગોઠણ પણ હથેળી ટેકવીને હળવેકથી બેઠા.
બેતાલાં ચશ્માં નીચાં કરીને આંખો ઝુકાવી એવોએ પાંપણો લૂછેલી ભીની આંગળીએ નાના ભાઈને આપી. “હું ગામતરે ગયો પછી બાપુજીનો પત્ર આવતો રહેતો ખબરઅંતર મળતા રહેતા. આ તમારી ભાભીમાનો મારી ઉપર લખેલો પહેલો કાગળ છે.” આટલું બોલતે દાદાજી મૌન થઈ ગયા અને થોડી વારે એમણે વાત માંડી : “બા યાદ કરે છે તમને. ક્યારે આવો છો?” લખેલ કાગળને અંતે ‘તમારી કુસુમ’ સહી જોઈને વળતો જવાબ આપવાને બદલે મેં અબઘડી વતન જવાની તૈયારી કરી લીધી.
“અમારો ખરો સંસાર તો એ પછી જ શરૂ થયો.”
દાદાજી જીવનમાં ઘટતી સ્મૃતિપટ પર સરકતી એકેક ઘટનાઓનું વર્ણન કરતા રહ્યા. એમની આગવી શૈલી અને શબ્દો આખું પરિવાર એકઠ્ઠું થઈને સાંભળતાં રહ્યાં.
“પીયૂ, તારો બાપ ત્યારે બે વર્ષનો હતો.” દાદાજીએ એક અગત્યનાં પ્રસંગની વાતની શરૂઆત કરતે જરા ધોતિયું સંકોરીને પગ પર પગ મૂકીને ગોઠવાયા. “ઓણસાલ, મગફળી બહુ ન પાકી ને માવઠું મગ ધોઈ ગયું. રળેલા પાકની માંડ થોડી દલાલી મળી પણ એથી રોકડ વ્યવહારોમાં તૂટ પડવા લાગી. શહેરનાં વેપારીઓ પામતા પોષતા હતા ને હું નવો નિશાળિયો રહ્યો એ લોકો માટે. હતી એ બચત પણ ચૂકવાઈ જવા આવી એટલે ગામડાંની દોટ મૂકી.”
“પછી દાદાજી?” અમયથી પૂછ્યા વિના ન રહેવાયું. “છે ને મે’તાનું છોરું આ મારો પોત્રો.. ધંધામાં તૂટ પડતી સાંભળીને કેવો ઉંચો જીવ થયો?” દાદાજીએ એક હાથ હવામાં ફોંગોળીને હળવું હાસ્ય વેર્યું.
બાપુજીએ ત્યારે ગામની પેઢીથી પરવારી ગયા હતા. હતું એ બધુંય વ્યાજે ચડાવીને ઘેર આરામ કરવા બેસી ગયા હતા. એટલે એમની પાસેથી નકદની આશા રાખવી કેમ? બાને શું કહું? અને નવી પરણેતરનેય ધંધાની ઉપાધીમાં કેમ ઢસરડવી મારે? ચારેકોરથી જાણે સંડોવાણો.
હવે શું કરવું એની મથામણમાં હતો. પણ મારા બાપુજી મારા માટે કાયમ આત્મસખા સરીખા પડખે રહ્યા છે આ વખતે પણ એમને નહિ કહું તો કોને કહીશ? એવું વિચારે એક રાતે વાળુ કરીને બેઉ બાપ દીકરો અમે ઢોળિયે ફળિયામાં બેઠા.”
“જેમ તમેય અમારા માટે દોસ્તની ભૂમિકા ભજવી છે કાયમ એમને?” નાનો દીકરો બોલી ઉઠ્યો. “અને પપ્પા મારા બેસ્ટફ્રેન્ડ છે એમજ..! હેં ને? દાદાજી” પીયૂએ લહેકાથી એનાં પિતાને હાથતાળી આપી.
“બાપજી..” “હં.. બોલ.” દાદાજી કહેતા રહ્યા ને બધાં સાંભળતાં રહ્યાં. “જરા ખોંખારો ખાધો અને વાત મૂકી. “જરી તાણ છે.” “શેની?” બાપુજીએ સામેથી જ ફરી પૂછ્યું. “માલની કે નાણાંની?”
“એમનો અવાજ જરા બુલંદ ધીમેકથી બોલે તોય બે ઓરડી સુધી પૂગે એવો. તમારા ભાભીમા અને મોટાને હાથમાં તેડેલી મારી બા બેય ઓસરીમાં પહોંચી આવ્યા. મારાથી નીચું જોવાઈ ગયું.”
“ઓહ! હાઉ એમ્બેરેસિંગ.. દાદાજી.” “યેસ, બટ ધેટ સિચ્યુએશન મેડ માય લાઈફ એસ બ્લેસિંગ્સ ઈન ડિસગાઈશ.” “હાઉ?” દાદાજી અને મોટી પોત્રી પીયૂ અંગ્રેજીમાં બોલવા લાગ્યાં. અમયે ટોકી. “તું વચ્ચે ડબડબ ન કર. દાદાજીને વાત કરવા દેને..!”
“હા. તો. ધંધાનું જોખમ બાપુજી જાણતા હતા. એમણે કહ્યું કે એમની પાસે હવે બચત કરેલી જ મૂડી બાકી છે. અને રહી તમારા હિસ્સાની મિલકત તો એ તો મારી વસિયત પછી તમે વટાવજો. બાપુજીનો ભારે નિર્ણય અમને કચવાટ આપી ગયો. કુસુમ રવિબાબાને લઈને ઓરડામાં જતી રહી અને બા પણ. થોડીવાર બાપુજી સાથે વિચાર – વિમર્શ કરીને હુંય ઊભો થયો ને અમારા કમરામાં ગયો.”
“શું કહ્યું બાપુજીએ?” કુસુમે ધીમેકથી પૂછ્યું. “કંઈ નહિ, ના પાડે છે બાપુજી.” મેં સૂવાની તૈયારી કરતે અડછતો જવાબ આપ્યો. પથારી પર બંને વિરુદ્ધ દિશાએ પડી રહ્યાં. “બાપુજી જોડે પેટ છૂટી વાત થઈ મારે કુસુમ. એમને મેળ નથી પડી શકે એમ. મારે જ શહેર પાછા જઈને કંઈક જુગાડ કરવો પડશે. રકમ જાજી નથી પણ.. ચૂકતે તો..” આટલું બોલું ત્યાં એ ઊભી થઈ અને થોડીવારે એક નાનકડું પોટલું મારા હાથ પાસે રાખ્યું.
“શું હતું એમાં?” નાની વહુએ ઉત્સુકતાથી પૂછ્યું.
“તમને જાણીને નવાઈ લાગશે નાનકાની વહુ. એમાં સોના – રૂપાનાં દાગીના હતા.” દાદાજી જરા અદ્ધર થઈને ટટ્ટાર બેઠા. મેં પોટલું ખોલીને જોયા વગર જ તમારા ભાભીમા તરફ સરકાવી દીધું. કેમ કે એમનાં શરીર પર એક પણ ઘરેણું ન જોઈને હું સમજી ગયો કે શું હશે એમાં. ફકત નાકનો દાણો અને ડોકમાં મંગળ સૂત્ર નજરે પડ્યું. સૂના હાથ, કાન અને આંગળીઓ મારાથી ન જોવાયા અને હું ગળગળો થયો.
એ હવે મારી પત્ની જ નહિ મિત્ર સરીખી બની ગઈ. એ રાત અને એનાં શ્વાસ છૂટ્યાની અંતિમ ઘડી સુધી કુસુમે મારી અર્ધાંગિની બનીને સતત સાથ નિભાવ્યો છે.”
મોટી વહુ ઊભા થયા અને રસોડાંમાંથી પાણીનો જગ અને પ્યાલા ભરેલી થાળી લઈ આવ્યા. નાની વહુએ એમનાં હાથમાંથી લઈને સૌને પાણી પીરસ્યું.
બધાં જરા સ્વસ્થ થયાં. વાતાવરણ જરા ગરમાયું હતું. બાળકો પણ મૂક બેઠાં રહ્યાં. દાદાજીએ એશા સાથે ગમ્મત કરતે ફરી વાત શરૂ કરી. “એય ઢબુડી, ચિંતા ન કર તારા ભાભીમાનાં ઘરેણાં મેં વેંચ્યાં નથી હો. જો તારી માએ પહેર્યો છે એમનો અછોડો અને કાકીએ પહેર્યાં છે એમનાં કાંપ અને ચગદું.”
મોટી વહુએ દાદાજીની વાતને સમર્થન આપતાં કહ્યું કે ભાભીમાની પ્રસાદીરૂપે મળેલાં દગીનાં તો દીકરીઓને આણાંમાં અને આવનાર પેઢીનેય જાશે એટલું ભાભીમાએ મૂકી રાખ્યું છે. હેં નેં? ભાઈજી?
“હા, એ દિવસથી મેં નક્કી કર્યું કે કુસુમને વતનમાં એકલી નહીં રાખું. થોડા ઘરેણાં ધીરાણે મૂકીને રકમની વ્યવસ્થા થઈ. બે છેડા ભેગા કરીને અમે શહેરમાં વસવાટની વ્યવસ્થા કરી. વખત જતે બા – બાપુજીનેય હારે રહેવા બોલાવ્યા. ધીમેધીમે દેવું પૂરું થતું ગયું અને નાનકો તો ચાંદીનાં રૂપિયે જન્મ્યો.
“હેં? દાદાજી એમ કેમ? ચાંદીનાં રૂપિયે? દાદાજીનાં ખોળે ચડીને બેઠેલી એશાએ ધોળી મખમલી દાઢી પકડીને પૂછ્યું. પોત્રીને વહાલ કરીને હસ્યા. ઘરની દિવાલોને ચારેકોર જોઈને કહ્યું કે આ ઠાઠમાઠવાળા ઘરમાં જન્મ્યો તારો પપ્પો.. સમજી, ઢબુડી?” દાદાજી સાથે બધાંજ કિલ્લોલ કરીને ઘર ગૂંજવી મૂક્યું.
દસેક વર્ષ તમારા ભાભીમા એ ગામનું મકાન અને બાપુજીનાં પરિવારનું જતન કર્યું. સાથે શહેરમાં કામકાજનો બોજો બધું જ મારી સાથે એક હમસફર બનીને નિભાવ્યું. એમ કરતે તમે બેય દિકરાઓ નિશાળ જતા થયા. બા – બાપુજી જતે દહાડે ધામ ગયાં. જવાબદારીઓનું પોટલું એણે મારી હારે સરખે ભાગે ઉંચક્યું રાખ્યું હતું. વતનમાં રહેતાં નાના ભાઈ કિશન અને વહુનેય અમે અહીં તેડાવી લીધાં. એનેય ઠરીઠામ કરવામાં તમારા ભાભીમાએ ઘણો સાથ આપ્યો.
તમે બે અને કિશનની કુકી અને મિત ચારેય મા જણ્યાં ભાંડરૂઓ હોવ એમ જ એક સાથે ઉછર્યાં. કોઈને કંઈ ઓંજું ન આવે એની સતત તકેદારી એ રાખતી. જીવનવ્યવહારમાં એણે ક્યારેય જાનાઈ - દુજાઈ નથી કરી. કુટુંબકબિલાને સાચવવા એણે જહેમત કરી હતી તે આજે સૌ એક છત નીચે નિરાંતે બેઠાં છીએ. નહિં તો એકલો પુરુષ માણસ કેટલું કરે? પડખે ઊભનારીમાં ખમીર હોય તો બધુંય જળવાય.”
“એકવાર.. તમારા કાકી..” આગળ કહેતાં અટકીને શબ્દ જાણે બાપુજી ગળી ગયા. “મને ખબર છે ભાઈજી, ભાભીમાએ વાત કરી છે.” મોટી વહુએ દાદાજીને બોલતાં અચકાટ અનુભવતા જોઈને વાત આગળ વધારી. એવો નીચું મોં રાખીને સાંભળતા રહ્યા.
“બા – બાપુજીનાં સ્વર્ગવાસ પછી ભાભીમા બેય દીકરાઓને શાળાએ મૂકીને પેઢીએ બેસતાં થયાં હતાં. એ સમયે કિશન કાકા અને કાકીને પણ તેડાવી લીધા હતા. એમને ઘરમાં કામકાજમાં રોકાવાનું થતું અને બંને વચ્ચે થોડી ગેરસમજ ઊભી થઈ હતી ને? ભાઈજી.”
“હા.” દાદાજીએ ઉંચું જોયું અને દાદીમાનાં ફોટો સામું જોયું. “એણે બધાંમાં નમતું જોખ્યું ત્યારે કુટુંબ એક થયું.” “હા, ભાભીમાએ આખા કુટુંબને એક તાંતણે પરોવી રાખ્યાં.” મોટો દીકરાએ સાક્ષી પૂરાવી.
નાનીમોટી બાબતમાં, ઘરમાં હિસાબકિતાબ કરિયાણું અને બીજા નોણાંજોણાંમાં બેય દેરાણી જેઠાણી વચ્ચે રકઝક થતી રહેતી. બે વાસણ સાથે રહે તો ખખડેય ખરાં પણ એકવાર કાકીએ ઘર મૂકવાની વાત કરીને નાનકડા મિતને લઈને માવતર રિસામણે જતાં રહેવાની વાત કરી.
“હેં? પછી?” નાની વહુએ પૂછ્યું.
તમારા ભાભીમાએ નિરાંતે ઘરમાં બેસાડીને બધાં સાથે વાત કરી. મનેય પેઢી પરથી બોલાવડાવી લીધો. “કહું છું રવિનાં પપ્પા, કિશન અને મીનાને સમજાવો. એમ કંઈ ઘર મૂકીને નીકળી ન પડાય.” કેટલીય દલીલો થઈ. મદરેવતનમાં પડેલ મકાન અને જમીનની ચર્ચા થઈ અને આ શહેરમાં વધેલા વેપારની વાતો નીકળી. હિસાબ કરવાની વાત પર સૌ અટક્યાં અને અમે બેય મોટાં છીએ માવતર કહેવાઈએ એમ તમને કચવાવવા ન દઈએ કહીને નોખું ઘર કરવાની મંઝૂરી આપી. પણ ગામડે પડેલી મિલકતનાં ભાગ ન પાડવા પર મક્કમ રહ્યાં. મીનાને કુકી આવવાની હતી. એને સારા દિવસો ચડતાં જોઈને કોઈ કુટુંબનાંએ જ કાનભંબેરણી કરી હશે. તે એ બીચારી વખત આવે તમારા ભાભીમાની સામે થઈ.
એ સમય ફરી કપરો હતો. વેપાર કરતાં પારિવારીક તાણ વધુ પડતી. એક જ છત નીચે ચાર આંખો વઢે એનાં કરતાં પ્રેમથી છૂટા થવા સહમ થયાં. “તમારા પાસે તો છાલ પિયરની વાટ છે. મારે તો મા – બાપ ક્યારનાંય સિધાવી ગયાં છે. જે છે એ મારું તમે બધાં જ છો ને. હું ક્યાં જઈશ તમને મૂકીને.” આટલું કહેતાં ભાભીમા મીના કાકીને ભેંટીને રડી પડ્યાં હતાં.” “મને વાત કરી હતી ભાભીમાએ.” મોટી વહુએ પ્રસંગને યાદ કરતાં કહ્યું. મોટી વહુ પૂજા અને નાની વહુ શીખાએ પાસે ખસકીને એકબીજાંનાં હાથની હથેળી દાબી.
“એ પછીની દિવાળીએ મેં ને નાનકાએ પોતપોતાની ઘરવાળીને કાંડે સોનાનાં કડાં કરાવ્યાં. અને તમે બેય દીકરાઓએ પણ ધનતેરસનાં સોનાની ખરીદીનો એ ચિલો ચાલુ જ રાખ્યો છે. ઘરની લક્ષ્મીને સોને મઢવાનાં ઓરતા કોને ન હોય? સંજોગો મળે ત્યારે એ ધન કામ આવે જ છે. મને પહેલીવાર મારી કુસુમે ટેકો ન આપ્યો હોત તો? હું તૂટી જ પડ્યો હોત!”
એનાં થકી કુટુંબ અને વેપાર બેયમાં બરકત થતી રહી. કોણ કહે કે સાવ પાંચ ચોપડી ભણેલ ગામડાંની બાઈ હશે એ! દાદાજી એ ખુરશીનાં હાથાનો ટેકો લેતે ઊભા થવાની ચેષ્ઠા કરી. નાનો દીકરો ફોનનું રેકોર્ડિંગ ચાલું હતું એ નાનકડી એશાને પકડાવીને દાદાજીનો હાથ પકડ્યો. દિવાનખંડની દિવાલે શોભતી એ તસ્વીર પાસે જઈને કહ્યું, “મૈસૂરનાં સુંદર વાતાવરણને પાછળ ધરબેલી છબી તમારાં ભાભીમાની અતિ પ્રિય હતી. ત્યારે રવિશ અને કિર્તિ જન્મ્યાંય નહોતાં. જો કેવી જાજરમાન લાગે છે તમારી મા..!” જરાવારે દાદાજીએ એમનાં કમરા તરફ આંગળી કરી, “બીજો ફોટો અમારા રૂમમાં છે. અમે બેય છીએ એમાં.”
દિવાનખંડની મધ્યમાં એ છબી બીજા ઓરડાઓને અડતે સામેની દિવાલે હતી. અને સામે પૂર્વ દિશાએ મુખ્ય દરવાજો પડતો. દાદાજીએ મનોમન ભાભીમાને અંતિમ વખત અહીં સૂવાડ્યાં હતાં એ દ્રશ્ય યાદ આવ્યું હોય એમ હાથમાં પકડેલી સિસમની લાકડી પટ્ટ ઉપર ફેરવી. “અહીંથી જ એણે વિદાય લીધી હતી. એણે એક નવરાતમાં રેશ્મી લાલલીલી કસુંબલ બાંધણી લેવાની એકવાર જીદ્દ કરી હતી ને લઈ પણ લીધેલી…” “આઠમની રાતે ગરબા અને આરતી કરીને ઘરે પાછાં ફરતી વખતે કહેલું, તમે મોટાં છો વહુ દીકરા, એટલે તમને કહું છું. આ સાડલો સાચવીને મારા કબાટમાં રાખી મૂકજો. છેલ્લે દિ’એ ઓઢાડવા..” મોટાં વહુ પૂજાનાં આખે આંસૂ ટપક્યું.
સંધ્યા ટાંણું થઈ ચૂક્યું હતું. એક હાથમાં બંકોડો ઠપકારતે સાત દાયકાનો સ્મૃતિમય રસાલો લઈને દાદાજી દિવાલોને અડકતે આંગળીઓને ટેકે એમનાં શયનકક્ષમાં જતા જોઈને અમયનાં કેમેરાનો લેન્સ દાદાજી અને દાદીબાનાં જુવાનીનાં સમયના એક વૈભવી ચિત્ર પર અટક્યો.
***
“જમ્યાંને?” “જમજો હો બરોબર!” “કંઈ લાવું?” “ભાભીમાને આંબાનો રસ અને ભાઈજીને ભજીયાં ભાવે એટલે એમને ભાવે એવું જ જમણ રાખ્યું છે.” રવિશ – પૂજા અને કિર્તિ – શીખા તથા સૌને માન આપીને અને આગ્રહ કરીને જમાડી રહ્યાં હતાં. “હા, આજથી રંગીન સાડી પહેરશું. ભાઈજી કહેતા કે એમને શોક પાળવો ન ગમે.” પૂજા વહુએ બહારગામથી ખરખરો કરવા આવેલ વડીલ માસીજીને કહ્યું.
પીયૂ, એશા અને અમયે દાદાજી સાથે વિતાવેલ એ સાંજનાં સંભારણાં સમી એક ડેઓક્યુમેન્ટરી બનાવી. જેમાં એમનાં જ દ્રશ્યો, શબ્દો, અવાજની સાથે બીજી પણ અનેક યાદગાર તસ્વીરી ઝલક ટંકાઈ હતી. સગાંવહાલાં, મિત્રવર્તુળ, સમાજિક અને વ્યવસાયિક વર્ગ સાથે વાતાનૂકુલિત વિશાળ સભાખંડમાં પ્રોજેક્ટર દ્વારા મોટા પડદા થકી બધાં જમણ દરમિયાન જોઈ શકે એવી વ્યવસ્થા કરાઈ દાદાજીની વરસીનાં પ્રસંગે.
***
5 - હું અને મારું ગૌરવ.....નિસર્ગ
હું દીપિકા ટેઈલર આજે ૪૬વરસે “સર કીકાભાઇ પ્રેમચંદ સેન્ટર ફોર સ્પેશ્યલ એજ્યુકેશન”ની એડમિનિસ્ટ્રેટરની ખુરશી પર બેસીને પરમ સંતોષ અને શાંતિની ભાવના સાથે ખૂબ ગૌરવ પણ અનુભવી રહી છું. આ સુરત શહેર, મારું માદરે વતન, જેણે મને ઘણું બધું આપ્યું છે અને ઘણું બધું લઈપણ લીધું છે. પરંતુ આજનાં દિવસે મને મારી જિંદગીથી પૂરો સંતોષ છે. જીવનથીમને હવે કોઈ ફરિયાદ નથી. જ્યારથી સમજણી થઈ ત્યારથી માંડીને હજી હમણાં સુધી મેં જીવનમાં સંઘર્ષ જ જોયો છે. સુખ તો મને બસ કોઈ ખરતાં તારા જેટલું જ મળ્યું છે. જે ક્યારેક જ મળ્યું અને તે પણ ક્ષણિક જ. તો પણ મેં એ ક્ષણોને જીવી લેવાની પૂરી કોશિષ કરી છે. એક પછી એક દુઃખના પહાડ વચ્ચે ક્ષણિક સુખનું જે ઝરણું મળ્યું તેનાથી જેટલી છીપાય એટલી તરસ મેં છીપાવવાની કોશિષ કરી. આ સુખની તરસમાં જિંદગીના ૪૬ વરસ ક્યારે નીકળી ગયા એની પણ ખબર ન પડી. આવો આજે તમને પણ મારી જીવનયાત્રાની સહેલગાહ કરાવું જેમાં કોઈ પર્વતના ઘાટની જેમ કેટલાંય ઉતાર ચઢાવ અને વળાંકો આવેલાં છે.
હું ૨૭ ફેબ્રુઆરી, ૧૯૭૧ના દિવસે ભાનુબેન તથા વસંતભાઈ રાઠોડને ત્યાં સુરતમાં જન્મેલી. મારાં માતા પિતાનું સૌથી પહેલું સંતાન હોવાથી પરિવારમાં થોડાં લાડકોડથી મારો ઉછેર થયેલો. પપ્પાની ‘સર્વે ઓફ ઇન્ડિયા’માં સરકારી નોકરી હોવાથી પરિવારની સ્થિતિ આમ તો મધ્યમ વર્ગીય કહી શકાય તેવી હતી. એ નોકરીમાં બહુ જગ્યાએ બદલી થતી હોવાથી મારું પ્રાથમિક શિક્ષણ મેં અલગ અલગ જગ્યાએ મેળવ્યુંસાથે નવા શહેરો જોવાનો રોમાંચ પણ મળેલો. સુરત થી હૈદરાબાદ અને ત્યાંથી માઉન્ટ આબુ બદલી થતાં આ ત્રણ જગ્યાએ મેં મારું પ્રાથમિક શિક્ષણ પૂરું કરેલું. ત્યારબાદ હાઇસ્કુલ મેં અમદાવાદ ખાતે પૂરી કરી. ત્યાર પછી પપ્પાની બદલી સુરત ખાતે થતાં મેં બી.કોમ.નો અભ્યાસ સુરત આવીને કર્યો. આમ તો આટલાં શહેર બદલવા છતાં પણ મારાં અભ્યાસમાં ક્યાંય વિક્ષેપ પડ્યો નથી. હું એકંદરે ભણવામાં હોંશિયાર પણ હતી. પરિવારની મધ્યમવર્ગીય સ્થિતિ ઉપરાંત કુલ ત્રણ બહેનો અને એક ભાઈ એમ ચાર સંતાનો હોવાં છતાં મારાં પપ્પા મમ્મીએ ક્યારેય અમને અભ્યાસ બાબતે કે બીજી કોઈપણ બાબતે ઓછું આવવા દીધું નહોતું.
બી. કોમ. પૂરું કરીને મેં ૧૯૯૧માં એલ.એલ.બી. જોઈન કર્યું અને એ જ વર્ષમાં મારાં લગ્ન સુરતના જ વતની દિલીપ ટેઈલર સાથે થયા. દિલીપને વરસો જૂની ટેઈલરની દુકાન હતી તે ઉપરાંત તેઓ પોતાની રીતે વધુ આવક માટે હંમેશા પ્રયત્નશીલ રહેતાં. મારાં સાસરિયાની સ્થિતિ સમાન્ય હતી અને પરિવાર પણ મોટો હતો. સાસુ સસરા ઉપરાંત જેઠ, જેઠાણી, નણંદ અને અમે બંને એમ કુલ સાત લોકોનો પરિવાર હતો. જો કે કોઈને મારાં અભ્યાસ કરવા સામે વાંધો ન હતો પણ ૧૯૯૨ માં હું ગર્ભવતી થઈ હોવાથી મારે એલ.એલ.બી.નો બીજા વર્ષનો અભ્યાસ અધુરો જ છોડવો પડ્યો. માતૃત્વ કોઇપણ મા માટે સૌથી અગત્યની અને ગમતી લાગણી હોય છે અને મારાં માટે પણ હતી. દિવસે દિવસે મારાં ગર્ભમાં ઉછરી રહેલાં બાળક સાથે હું વધુ ને વધુ લાગણીથી જોડાતી ગઈ. તે ક્યારે સજીવ રૂપમાં મારી સામે આવે તેની અધીરાઈથી રાહ જોવા લાગી. દીલીપથી માંડીને ઘરનાં બધાં જ લોકો આ નવાં મહેમાનને આવકારવા ખૂબ આતુર હતાં. આખરે એ આતુરતાનો અંત ૧ જુલાઈ ૧૯૯૩ના દિવસે આવ્યો. મારી કૂખે એક ફૂલ સમા દીકરાએ જન્મ લીધો જેને અમે નામ આપ્યું નિસર્ગ.
નિસર્ગના જન્મથી જાણે કે આખા પરિવારમાં રોનક આવી ગયેલી. આડોશ પડોશ તેમજ સગા વ્હાલાંમાં બધે જ ખૂબ હોંશે હોંશે પેંડા વહેંચવામાં આવેલાં. તે એટલો બધો નાજુક અને વ્હાલો હતો કે પરિવારના દરેક સભ્યો તેને રમાડવા માટે તેના ઉઠવાની રાહ જોતાં. હજારોમાં એક એવો સુંદર હતો મારો નિસર્ગ. એવું લાગતું હતું જાણે કે નિસર્ગ તેની સાથે મારાં ઘરમાં ખુશીનો ખજાનો લાવ્યો હતો. પરંતુ એકાએક આ બધી ખુશીઓને કોઈની નજર લાગી ગઈ. નિસર્ગ છ માસનો હતો ત્યારે તેને અચાનક ન્યુમોનિયા થયેલો. ન્યુમોનિયાની સારવાર દરમિયાન ખબર પડી કે નિસર્ગ “બ્લુ બેબી” હતો એટલે કે તેનાં હ્રદયમાં એક નાનકડું કાણું હતું. આ જાણીને મારાં અને મારાં પરિવાર પર જાણે કે આભ તૂટી પડ્યું. જન્મથી છ મહિના સુધી નિસર્ગ એકદમ સામાન્ય હતો અને અમારી ખુશહાલીનું મુખ્ય સ્ત્રોત હતો. અમે બધાં જ એને જોઈને ખીલી ઉઠતા પણ અમારાં પરિવારના હેત રૂપી સ્વચ્છ આકાશમાં નિસર્ગની બીમારી રૂપે ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા. નિસર્ગની સારવાર માટે અમારે મુંબઈ સુધી જવું પડતું પણ કોઈ વાતે આ બીમારીનોસરખો ઈલાજ થતો ન હતો. નિસર્ગને આટલી નાની ઉંમરમાં સોય ભોંકાતી જોઈને મારું કાળજું ચિરાઈ જતું. ગમે તેવા કઠણ હદયની હોય પણ ગમે તેમ તો એક મા પોતાનાં બાળકને આવી હાલતમાં કેમ કરીને જોઈ શકે..? હું દિવસ રાત નિસર્ગની સાથે જાગતી. મારાં વ્હાલસોયા નિસર્ગને આવી દયનીય સ્થિતિમાં જોઈને ચોધાર આંસુઓ સાર્યા કરતી. ભગવાનને સતત પ્રાર્થના કરતી કે નિસર્ગ જલ્દીથી સાજો થઈ જાય. આખરેએક વરસની લાંબી સારવાર પછી અમે મુંબઈમાં આવેલી હરકિશન હોસ્પીટલમાં નિસર્ગના હ્રદયમાં સ્ટેન્ટ મુકાવ્યું. આ સર્જરી અમારાં માટે ખૂબ જ ખર્ચાળ હોવા છતાં અમે ગમે તેમ બે છેડા ભેગા કરીને પણ કરાવી હતી.
દિવસો જતાં નિસર્ગની તબિયતમાં સુધારો થતો ગયો એ વાતથી અમને થોડી નિરાંત થઈ. છીનવાઈ ગયેલી ખુશી પરત ફરી હોય તેવું લાગતું હતું. પરંતુ સર્જરીના આઠેક મહિના પછી નિસર્ગને ફરી તકલીફ થવા માંડી. અમારે નિસર્ગના ચેક અપ માટે મહિને મહિને મુંબઈ જવું પડતું હતું. સ્ટેન્ટ મુકાવ્યાને લગભગ એક વરસ જેવો સમય થયો હશે ત્યાં ખબર પડી કે તે સ્ટેન્ટ ફેઈલ થઈ ગયું હતુ. ફરી એક વાર મારા માથે દુઃખના કાળા વાદળો છવાઈ ગયેલા. એવું લાગતું જાણે દુનિયાભરનું દુઃખ મારાં અને મારાં નિસર્ગના નસીબમાં જ લખાયેલું હોય. મેં બહુ હિંમત રાખીને નિસર્ગની ઓપન હાર્ટ સર્જરી કરાવવાનો અતિ કપરો નિર્ણય કર્યો. જેના સિવાય નિસર્ગના બચવાના કોઈ જ ચાન્સ ન હતાં. નિસર્ગ માંડ ત્રણ વર્ષનો થયો ત્યાં ‘મદ્રાસ મેડીકલ મિશન’ ચેન્નઈ ખાતે તેની ઓપન હાર્ટ સર્જરી કરવી પડી. ભગવાનની દયાથી આટલી લાંબી અને પીડા દાયક સર્જરી પણ સફળતાથી પાર પડી ગઈ. સર્જરી પછી સૂતેલા મારાં નાનકડાં નિસર્ગને જોઈને મારાથી રડ્યા વિના રહેવાતું નહીં તો પણ ગમે તેમ કાળજું કઠણ કરીને પણ હું ઉલટું મારાં પતિને હિંમત આપતી. બીજા દિવસે ડોકટરે જેટલી વાર નિસર્ગને ચેક કર્યો એટલી વાર તે સાવ નોર્મલ જ હતો. પણ ભગવાનને મારી અને નિસર્ગની કસોટી હજીએ કરવી હોય તેમ મળસ્કે નિસર્ગને ફીટ(એપીલેપ્સી) આવી. એ ફીટ એટલી ઘાતક હતી કે નિસર્ગનાં મગજને ખૂબ નુકશાન થયું. તેના મગજને ઓક્સિજનનો ફલો ઓછો મળવા લાગ્યો અને તે કોમમાં સરી પડ્યો. મારી ચિંતાનો કોઈ પાર ના રહ્યો. હું માનસિક રીતે સાવ ભાંગી પડી. મારો નિસર્ગ અર્ધ મૃત અવસ્થામાં હતો. એક મા માટે પોતાનાં બાળકને આવી હાલતમાં જોવો એ સૌથી વધુ તકલીફદાયક વાત ગણાય. મારી આંખોમાં નિસર્ગ માટે અંજાયેલા સપનાઓના કેટલાંય મહેલો એક સાથે ધરાશાયી થઈ ગયાં. પચ્ચીસ દિવસ તેને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો. આખરે છવ્વીસમાં દિવસે કોમામાંથી બહાર આવ્યો પરંતુ તે પોતાની બધી જ યાદદાસ્ત ગુમાવી બેઠેલો તેમજ તેનું આખીડાબું બાજુ પેરેલાઈઝ થઈ ગયેલી. આનાથી વધુ પીડા શું હોય કે એક બાળક હલનચલન પણ ન કરી શકે અને તેની માને ઓળખે પણ નહીં..? આ બધી પીડા મેં સહન કરેલી. ત્રણ વરસના નિસર્ગને હું ત્રણ મહિનાના બાળકની જેમ ઊંચકીને ઘરે લાવેલી ત્યારે તે બીજા કોઈને તો શું.... મને પણ ઓળખતો ન હતો. કેટલાંય ડોક્ટરને બતાવવા છતાંય બધાનો એક જ જવાબ હતો કે ‘આનો કોઈ જ ઈલાજ નથી’.
૧૯૯૬માં મદ્રાસ ખાતે નિસર્ગની સર્જરી કરાવવામાં સાડા ચાર લાખનો ખર્ચ થયેલો(કંઈ ન ગણો તો પણ અત્યારના ૨૫ લાખ થાય). આટલાં મોટાં ખર્ચને પહોંચી વળવામાં અમને અમારાં પરિવાર, સગાસંબંધીઓ અને મિત્રોએ ખૂબ સહકાર આપેલો. હું હજીયે હિંમત હારવા નહોતી માગતી. મારાં નિસર્ગને સાવ આમ જીવતી લાશ બનીને જીવાડવા નહોતી માગતી. અમે ફરી નિસર્ગને મુંબઈ બતાવવા લઈ ગયા. ત્યાં તેને એક સ્પેશ્યલ મેડીસીન સજેસ્ટ કરવામાં આવી જે અતિશય મોંઘી એટલે કે ૮૦ રૂપિયાની એક આવતી તેવી એક દિવસમાં ત્રણવાર આપવાની હતી. આ ગોળી મુંબઈમાં માત્ર એક જ મેડીકલ સ્ટોરમાં મળતી જોકે એ ગોળીની અસરથી નિસર્ગનો પેરેલાઈઝ થઈ ગયેલો ડાબો ભાગ દોઢ મહિનામાં નોર્મલ થઈ ગયેલો. તે પછી પણ અમારે ચેકઅપ માટે મદ્રાસ અને મુંબઈ તો થોડાં થોડાં સમયે જવું જ પડતું હતું. એક બાજુ ઓપરેશનનો આટલો મોટો ખર્ચ, તે ઉપરાંત આટલી મોંઘી દવાઓ અને તે સિવાય મુંબઈ-મદ્રાસના જવા આવવાનો આટલો ખર્ચ, આ બધું ભેગું મળીને અમારી આર્થિક હાલત સાવ તાર-તાર કરી ગયું. બીજી બાજુ આટલી દોડધામમાં દિલીપ ધંધામાં પણ ધ્યાન આપી શકતાં ન્હોતાં જેની અસર એમનાં ધંધા પર પણ થઈ. કાયમના ગ્રાહકો આવતાં બંધ થવા લાગ્યાં. છતાં જેમ તેમ કરીને અમે લોકો ઘર ખર્ચ ચલાવી લેતાં.
તમે લોકોને થતું હશે કે આટલાં દુઃખ વેઠ્યા પછી મારાં જીવનમાં હવે શાંતિ થઈ હશે.? મને પણ એવું જ થતું હતું કે મારાં જીવનમાં હવે તો શાંતિ થશે. પરંતુ મારો સાચો સંઘર્ષ એ પછી જ ચાલુ થયેલો જયારે મારાં ઘરમાં હવે બધાંને ખબર પડી કે નિસર્ગ એક સામાન્ય નહીં પરંતુ “સ્પેશ્યલ ચાઈલ્ડ” છે. માણસ આખી દુનિયા સામે લડી શકે છે પરંતુ પોતાનાં લોકો સામે નથી લડી શકતો. આવું સ્પેશ્યલ ચાઈલ્ડ ક્યારેક કોઈએ ઉછેર્યું ન હોવાથી પરિવારમાં પણ ઘણાં પ્રશ્નો ઉદભવતા જેનાં કોઈ જ જવાબો ન હતાં. પરિવારના લોકો માટે પણ નિસર્ગને આ રીતે સ્વીકારવો બહુ અઘરું હતું. આ બધું થવા છતાં હું ખૂબ હિંમત રાખતી, મારાં આંસુઓ ગળી જતી અને બધું જ અવગણીને માત્ર નિસર્ગને સાચવવા પર ધ્યાન આપતી. સમય જતાં મારી મહેનત ફળી નિસર્ગ ધીમે ધીમે બોલતો થયો. પણ હજીયે નિસર્ગને પોતાની બીજી કોઈ પણ દૈનિક ક્રિયાનું ભાન ન હતું.આટલાં પ્રશ્નો હોવા છતાં હું નિસર્ગને જે રીતે ઉછેરી રહી હતી તે મારાં માટે સામા પાણીએ તરવા જેવું હતું. ૧૯૯૮માં મેં નિસર્ગને સુરતની જ એક ઈંગ્લીશ મીડીયમ સ્કુલમાં દાખલ કર્યો. હજી તો માંડ થોડાં મહિના થયા હશે ત્યાં એક દિવસ ટીચરે મને સ્કુલમાં નિસર્ગ વિશે વાત કરવા માટે બોલાવી. તે ટીચરે મારી સાથે એટલું ખરાબ વર્તન કરેલું કે મને ઘડીભર તો મારાં બાળક સાથે મોત મીઠું કરી લેવાનું મન થઈ ગયેલું. તેમનાં કહેવા પ્રમાણે નિસર્ગને બેસવાનું ભાન નહીં હતું એટલે તે કોઈ એક જ્ગ્યાએ બેસતો નહીં. આમ તેમ જગ્યા બદલ્યા કરતો એટલાં માટે તેને કોઈ ‘માનસિક વિકલાંગ’ બાળકોની સ્કુલમાં મુકવા માટે કહેવામાં આવ્યું. મને ત્યારે પ્રશ્ન થયેલો કે ‘આવું કેમ..? મારું બાળક બીજા બાળકોની સાથે કેમ ન ભણી શકે..? આવો ભેદભાવ કેમ..?’. હળાહળ અપમાનિત થઈને હું નિસર્ગને લઈને જયારે ઘરે આવી, મને મારાં પતિએ સમજાવેલી, તેમણે કહેલું કે ‘આપણો નિસર્ગ કેવો છે એ આપણે નક્કી કરીશું કે બીજા નક્કી કરશે..? તેઓના કહેવા પર આપણે થોડું જવાનું હોય..?’ બસ એમનો આ સધિયારો અને કોઈ ભગવાન કે ઉપર વસવાટ કરતી શક્તિ સદાય મને પ્રેરકબળ આપતું રહ્યું. તેવામાં એકવાર દિલ્હીથી સુરત આવેલા એક સ્પેશ્યાલીસ્ટ ડોકટરે મારું અને નિસર્ગનું કાઉન્સેલિંગ કર્યું. જેનાથી મારી નૈતિક હિંમત ખૂબ જ વધી ગઈ.
મારો વિરોધ હોવા છતાં મારાં પતિએ નિસર્ગને ‘શ્રુતિ’ નામથી ચાલતી સ્પેશ્યલ ચાઈલ્ડ માટેની સ્કુલમાં એડમીશન અપાવ્યું. વિરોધ પણ એટલે જ હતો કારણ કે હું મારાં નિસર્ગને બીજા બાળકોની જેમ જ એમની જ સ્કુલમાં ભણાવવા માગતી હતી. એવામાં એક દિવસ હું અને મારાં પતિ નિસર્ગને સ્કુલ પર લેવા ગયેલા ત્યાં અમે એક માને તેના વિકલાંગ બાળકને ઉંચકીને રીક્ષામાં બેસાડતાં જોઈ. દિલીપે એક શબ્દ પણ ન કહ્યો પણ ફક્ત મારી સામે જોયું. એટલામાં હું બધું જ સમજી ગઈ. મને એ જોઈને એહસાસ થયો કે આટલું વિકલાંગ બાળક હોવાં છતાં તેની મા તેને કેટલો સપોર્ટ કરે છે, તેના માટે બધું જ કરી છુટે છે, તો મારો નિસર્ગ તો આટલો વિકલાંગ પણ નથી. તે જોઈને મને ખૂબ જ પ્રેરણા મળી, જાણે કે મારી વિચારસરણી જ બદલાઈ ગઈ. ત્યારથી હું મારાં નિસર્ગ માટે આખી દુનિયા સામે લડવા વધુ મક્કમ બની ગયેલી. મેં નક્કી કરી લીધેલું કે હવે કોઈ ગમે તેવા આકરા વેણ કહે હું એક આંસુ પણ નહીં સારું અને મારાં નિસર્ગને પગભર બનાવીને જ રહીશ. તે માટે મેં સૌથી પહેલાં તેને ટોઇલેટ ક્લીનીંગની ટ્રેનીંગ આપવાનું શરુ કર્યું. અમુક પ્રશ્નો હોવા છતાં પણ હું ઈચ્છતી હતી કે તે પોતાનાં કામ જાતે જ કરતાં શીખે. મને એક જ ચિંતા થતી કે ‘આજે હું છું પણ કાલે નહીં હોઉં તો તેનું કોણ કરશે...?’. એ વિચાર મને કોરી ખાતો પણ સાથે હું તેને આવા દરેક કામ પોતાની જાતે કરતાં શીખડાવવા પ્રેરાતી રહી. ડગલે ને પગલે મારેએક નવી લડાઈ જ લડવાની હતી, એક તબક્કે પ્રશ્નો એટલી હદે મગજ પર હાવી થઈ ગયેલાં કે મને ઘર છોડી દેવાનો વિચાર આવી ગયેલો. ઘરની બહાર નીકળતાં જ મને આખી દુનિયા એવો જ એહસાસ કરાવતી કે ‘હું કઈ રીતે જીવીશ..? આ બાળકને લઈને શું કરીશ..?’. ક્યાંય કોઈ સમજાવવાવાળું નહોતું. હતો તો બસ બધે જ ધુત્કાર, દયા અને અવગણના. મને ઘણી વાર પ્રશ્ન થતો કે ‘ મેં અને મારાં નિસર્ગે એવું તે શું કર્યું છે કે અમને બધેથી આવા વેણ સંભાળવા અને સહન કરવા પડે છે’, પણ હું ખૂબ જ હકારાત્મક વલણ અપનાવતી, હું વિચારતી કે ‘નિસર્ગ મારું બાળક છે અને આ મારી તેના માટેની લડાઈ છે...હું ક્યારેય હાર નહીં માનું..એનાં માટે મેં જે સપનાં જોયા છે તે ગમે તે ભોગે પૂરા કરીને જ રહીશ....’
મારું મક્કમ મનોબળ અને દિલીપનો પૂરો સહકારમળવાથી હું નિસર્ગને દૈનિક ક્રિયાઓ તેની જાતે કરતાં શીખડાવવામાં સફળ રહી. એક દિવસ નિસર્ગની સ્કુલમાં એક ફન્કશનમાં ગયેલી ત્યારે ખબર પડી કે ત્યાં એક કૂકની જરૂર હતી. આર્થિક રીતે ખૂબ સંકડામણ હોવાથી મેં તે નોકરી સ્વીકારવાની તક જતી ન કરી. પાર્ટ ટાઈમ કુકની નોકરીમાં મને માત્ર ૧૨૦૦/- રૂપિયા જ મળતાં હતાં તેમ છતાં મારાં ઘરને ઘણો આર્થિક ટેકો થઈ જતો. સમય જતાં મને એ બાળકો સાથે ખૂબ જ લગાવ થઈ ગયો, મને તેમની સાથે રહેવું પણ ખૂબ જ ગમવા લાગ્યું હતું. મારી ધગશ જોઈને સ્કુલના હેડ એવા કુસુમબેન દેસાઈ મારાથી પ્રભાવિત થયા. મેં તેમને મારાં અને નિસર્ગ વિશે બધું જણાવ્યું. મારી ક્વોલિફિકેશનની તેમને ખબર પડતાં તેઓએ મને કુકની નોકરીના બદલે તેમનાં આસીસ્ટન્ટની પોસ્ટ ઓફર કરી. માત્ર છ મહિનામાં જ મને આ રીતે બઢતી મળતાં હું ખૂબ ખુશ થયેલી. અમારે સ્પેશ્યલ ચાઈલ્ડ માટે એક સૂત્ર છે. “Opportunities can prove their abilities…” બસ આ જ સૂત્ર મને પણ લાગુ પડ્યું. મને પણ એક તક મળી અને મેં મારી ક્ષમતા પુરવાર કરી આપી. નિસર્ગ એ સ્કુલમાં આવ્યા પછી ઘણું બધું શીખવા અને સામાન્ય થવા લાગેલો.
સારા દિવસોની રાહમાં હું હતી પણ દિવસો વધુ ને વધુ કપરાં જ થતાં ગયા. આખી દુનિયામાં હું જેની સાથે છૂટથી બધી જ વાતો કરતી, જેની સાથે મારું દુઃખ સુખ વહેંચી શકતી તેવી વ્યક્તિ કોઈ હતી તો એ હતી મારી નાની બહેનવર્ષા. અમે બંને એકબીજાની ખૂબ જ નજીક હતાં. તેના લગ્ન ફેબ્રુઆરી ૨૦૦૩માં થયેલાં અને જેણે હજી તો લગ્નજીવનના છ માસ પણ પૂરા ન્હોતાં કર્યા ત્યાં જુલાઈ ૨૦૦૩માં જ એક અકસ્માતમાં વર્ષા અને તેના પતિ ધર્મેશ બંનેનું મૃત્યુ નીપજ્યું. તેનું મૃત્યુ થવું એ મારાં માટે કોઈ વજ્રઘાતથી કમ ન હતું. માંડ કરીને મારાં જીવનમાં સ્થિરતા આવી રહી હતી ત્યાં વર્ષાનું મૃત્યુ એક તોફાન બનીને આવ્યું અને મારી જીવનનૈયાને ફરી હાલક ડોલક કરી ગયું. કેટલાંય મહિનાઓ સુધી હું એ આઘાતમાંથી બહાર નહોતી આવી શકી. વર્ષાના મૃત્યુથી હું એકદમ જ ભાંગી પડેલી.
ફરી એક વાર મારાં માટે કપરા સમય પછી સારો સમય આવતો લાગ્યો. ૨૦૦૪માં મારી દીકરી શચી નો જન્મ થયો. શચી કભીકભી ફિલ્મના ગીત ‘મેરે ઘર આયી એક નન્હી પરી’ ની જેમ જ મારી જીંદગીમાં આવેલી. ખુશહાલીએ ફરીથી મારાં દ્વાર પર દસ્તક આપી. એક બાજુ નિસર્ગ સ્પેશ્યલ સ્કુલના એક પછી એક લેવલ સફળતાથી પાર કરી રહ્યો હતો અને બીજી તરફ મારી શચી પણ ખિલખિલાતી મોટી થવા લાગેલી. મારું માતૃત્વ દીપી ઉઠ્યું હોય તેવું મને અનુભવાતું. મને મારો પરિવાર પૂરો થઈ ગયો હોય તેવું લાગવા માંડ્યું. પરંતુ મારે હજીયે જીવનની પરીક્ષા આપવાની બાકી હતી. ૨૦૦૬માં અમુક કારણોસર અમારે અડાજણમાં અલગ ભાડાના મકાનમાં રહેવા જવું પડ્યું. હજી તો ઘર ગૃહસ્થી એકડે એકથી માંડ શરૂ થાય ત્યાં તો વધુ એક મુસીબતનો પહાડ અમારાં પર તૂટી પડ્યો. ૨૦૦૬માં સુરતમાં આવેલ ભયાનક પૂરમાં મેં બધું જ ગુમાવી દીધેલું. એ ગોઝારા પૂરમાં મારી તમામ ઘરવખરી તેમજ દિલીપની દુકાનનો સામાન બધું જ વહી ગયેલું. હું, દિલીપ અને મારાં બંને બાળકો આટલું જ પૂરમાં સલામત રહી ગયું હતું બાકી જે ભાડાંનું ઘર હતું તેને પણ ખાસ્સું એવું નુકસાન થયું હતું. મારાં માટે તો ફરીથી શૂન્યમાંથી સર્જન કરવાની પરિસ્થિતિ આવી ગયેલી. જેમ ફીનીક્સ પંખી રાખમાંથી બેઠું થાય તેવી જ રીતે હું પણ હવે એટલી મક્કમ બની ગયેલી કે ગમે તેવી ખરાબ પરિસ્થિતિનો પૂરા જોશથી સામનો કરતી.
મારાં મમ્મી-પપ્પા, ભાઈ પ્રતિક અને નેહાભાભીએ શચીના ઉછેરની મોટાભાગની જવાબદારી ઉપાડી લીધી હતી. શચી જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તેને પણ અમુક પ્રશ્નો થવા લાગ્યાં, કારણ કે નિસર્ગ સાથે હોય ત્યારે કોઈ તેની સાથે રમવા ન આવે, કોઈ સરખી વાત ન કરે, મા બાપ તેના બાળકોને દૂર રાખે, આવું બધું થવા લાગતાં તેને પણ થતું કે ‘આવો ભેદભાવ કેમ..? મારો ભાઈ મારી સાથે તો બહુ સારી રીતે રમે છે, વાત કરે છે...તો બીજા લોકો કેમ તેની સાથે રમતાં કે વાત કરતાં નથી..? આપણા ઘરે કેમ કોઈ મહેમાન આવતાં નથી કે કેમ કોઈ આપણને તેમનાં ઘરે બોલાવતાં નથી..?’ આવા કેટલાંય પ્રશ્નોના જવાબ મારી પાસે પણ નહોતા તો હું એને તો કેમ કરીને આપું..? મને સૌથી વધુ દુઃખ એ વાતનું થતું જયારે નિસર્ગને લઈને લોકો શુકન અપશુકન જોતાં. જયારે મને એમ કહેતાં કે ‘ તમે પ્રસંગમાં એકલા જ આવજો’ ત્યારે થતું કે આપણો સમાજ માત્ર કહેવા પુરતો જ એકવીસમી સદીમાં જીવે છે બાકી માનસિકતાતો હજીયે અઢારમી સદીની જ છે. પરંતુ હું પણ આવા કોઈ લોકોને ત્યાં કદી પ્રસંગમાં ગઈ જ નથી જ્યાં મને નિસર્ગ વિના આવવા કહ્યું હોય. આવા લોકોને વિચાર પણ નહીં આવતો હોય કે જયારે તેઓ આવો ભેદભાવ રાખે છે કે કોઈ મ્હેણાં ટોણાં મારે છે ત્યારે તે બાળક અને તેની મા પર શું વીતતી હશે...? એ તો જેને પોતાનું ચપ્પલ ડંખતું હોય તેને જ ખબર પડે કે કેટલું ડંખે છે...!!
સમયનું ચક્ર વધુ ઝડપી ફરવા લાગ્યું. નિસર્ગમાં ઘણી બધી સામાન્ય સમજ આવી ગયેલી. તેમ છતાં તેના વધુ માનસિક વિકાસ માટે ૨૦૦૮માં જૂનાગઢમાં આવેલી ‘મંગલમૂર્તિ’ નામની સંસ્થામાં મૂકેલો. જ્યાં તેનો ઘણો ઝડપી અને સારો વિકાસ થવા માંડ્યો હતો. પરતું મારે હજીએ એક આઘાત સહન કરવાનો બાકી હોય તેમ એક દિવસ તે સંસ્થામાંથી ફોન આવ્યો તેમાં મને જણાવવામાં આવ્યું કે નિસર્ગની ડાબી આંખની દ્રષ્ટી બિલકુલ નહીં હતી. તેની ડાબી આંખમાં સાવ વિઝન જ ન હતું. હું ફરીથી ઉદાસ થઈ ગયેલી. મારાં વ્હાલાં નિસર્ગને બાકી હતું તે હવે આ પણ સહન કરવાનું....? ઘણી જગ્યાએ તેની આંખનું ચેકઅપ કરાવ્યું પણ તેમાં ક્યાંય સફળતા ન મળી, બધે થી એક જ જવાબ આવ્યો કે હવે તેની ડાબી આંખમાં ક્યારેય ફરીથી દ્રષ્ટિ આવી નહીં શકે. હું નાસીપાસ થઈ ગઈ હોવા છતાં નિસર્ગ નાસીપાસ નહોતો થયો. તે તો સદાય મને હસતો જ જોવા મળતો જેનાથી મને બહુ જ હિંમત મળી જતી. આખરે હું ૨૦૧૩માં નિસર્ગને ફરીથી સુરત ખાતે હું જેમાં નોકરી કરતી તે જ સંસ્થામાં(સર કીકાભાઇ પ્રેમચંદ સેન્ટર ફોર સ્પેશ્યલ એજ્યુકેશન, વોકેશનલ ટ્રેઈનીંગ એન્ડ રિહેબીલીટેશન, જે ભૂતકાળમાં “શ્રુતિ” તરીકે ઓળખાતી હતી) લઈ આવેલી જ્યાં તેને સ્વનિર્ભર બનવાના લાસ્ટ લેવલમાં એડમીશન આપવામાં આવેલું.
નિસર્ગને એડમીશન મળવાની સાથે મારાં માટે બીજાં એક ગૌરવપૂર્ણ સમાચાર પણ ૨૦૧૩નાં વર્ષમાં આવ્યાં હતાં. ગૌરવપૂર્ણ એટલાં માટે કે ૨૦૧૩માં ઓસ્ટ્રેલિયામાં થયેલા ‘સ્પેશ્યલ ઓલિમ્પિકસ’ના કોચ તરીકે આખા ગુજરાતમાંથી માત્ર બે વ્યક્તિની જ પસંદગી થઈ હતી તેમાં હું પણ એક હતી. કુસુમ બેને જયારે મને આ સમાચાર આપેલાં ત્યારે હું સાચું માની જ નશકી અને એમ જ લાગેલું કે તેઓ મજાક કરે છે, પરંતુ પછી જયારે ખબર પડી કે હું સાચે જ સિલેક્ટ થઈ છું ત્યારે ખુશીથી ઉછળી પડેલી. એક તો આ રીતે કોચ તરીકે ઓસ્ટ્રેલિયા જવાનું હતું અને બીજું ખુશીનું કારણ એ પણ હતું કે વરસોથી પ્લેનમાં બેસવાનું મારું સપનું સાકાર થવાનું હતું. મારાં પપ્પાની જયારે માઉન્ટ આબુમાં નોકરી હતી ત્યારે ત્યાંના પોલો ગ્રાઉન્ડમાં હેલિકોપ્ટર બહુ આવતાં ત્યારથી જ મને હવામાં ઉડવાની ઈચ્છા હતી. જે અંતે આ તક થકી પૂરી થઈ જવા રહી હતી. હું જયારે પ્લેનમાં બેઠી એ સાથે જ મેં મારાં પપ્પાને ફોન કરેલો અને મારું સપનું પૂરું થવાની ખુશી વ્યક્ત કરેલી. ઓસ્ટ્રેલિયાની ઇવેન્ટ મારાં માટે સફળ અને યાદગાર પણ રહી હતી.
હું આજે જે કંઈ પણ છું તેમાં કુસુમબેનનો પણ બહુ મોટો ફાળો છે. મારી દરેક સફળતાના તેઓ સહભાગી છે. તેમણે મને આગળ જતાં એડમિનિસ્ટ્રેટર અને સાથે પેરેન્ટ કાઉન્સીલર તરીકે બઢતી આપીને આજે આ કક્ષાએ પહોંચવાની તક આપી. દર વરસે મહિલા દિન નિમિતે જયારે કુસુમબેન સાથે મારું પણ સન્માન થાય છે ત્યારે મને ખૂબ ગર્વ અનુભવાય છે કે એક સમય પર મારાં અને મારાં દીકરાના શુકન અપશુકન જોતાં હતાં આજે એ જ દીપિકા અને નિસર્ગની સમાજમાં એક ઓળખ બની ચુકી છે. આટલાં વરસે હું મારું સૌથી મોટું સપનું મારાં નિસર્ગને પગભર કરવાનું હતું એ પણ પૂરું કરી શકી છું. આજે નિસર્ગ અમારી જ સંસ્થામાં ફાઈલો મેનેજ કરવાની કામગીરી કરે છે અને તેને સ્ટાઇપેન્ડ પણ મળે છે. આજે નિસર્ગ કોઈનો મોહતાજ નથીમારો નિસર્ગ આજે સામાન્ય નહીં પરંતુ સાચા અર્થમાં એક ‘સ્પેશ્યલ’ ચાઈલ્ડ બની ગયો છે. તે મારાં મોઢાં પરનાં ભાવ વાંચીને મને કહી દે છે કે ‘મમ્મી તું આજે થાકી છે...કે મમ્મી તને સારું નથી..?’ આટલું તો કદાચ એક સામાન્ય બાળક પણ ન ઓળખી શકે. જયારે પણ હું બિમાર હોવ ત્યારે નિસર્ગ મારી ખૂબ સેવા કરે. મારી પાસેથી ખસે પણ નહીં. એ મને ખૂબ પ્રેમ કરે છે અને તે પણ નિસ્વાર્થ પ્રેમ..કોઈ પ્રકારની અપેક્ષા વિનાનો પ્રેમ......
નિસર્ગ મારું ગૌરવ છે.....મારો ગુરુ છે....મારી ઓળખ છે....મારું વજૂદ છે.....તેણે મને જિંદગીના દરેક પાસા સમજાવ્યા છે....દુઃખ સુખ...દર્દ..પીડા...સંઘર્ષ આ બધું જ મેં જોયું છે.... તે નોર્મલ હોત તો કદાચ તેનાં લગ્ન પણ થઈ ગયા હોત...પણ મારી જિંદગી કેવી હોત તે મને ખબર નથી...ઘણાં લોકો મને કહે છે કે જો તારો દીકરો નોર્મલ હોત તો તને બહુ કામ આવત...પણ મને એમ થાય કે મોટાભાગના લોકોનાં દીકરા નોર્મલ હોવાં છતા ઘણાં માબાપ વૃદ્ધાશ્રમમાં રહેતાં હોય છે તો ખરેખર એબનોર્મલ કોણ..? મારો નિસર્ગ કે પછી તેવા દીકરા કે જેમના માબાપ વૃદ્ધાશ્રમમાં રહે છે..?? આજે હું ભગવાનનો આભાર માનું છું કે તેણે મારી ક્ષમતા પર વિશ્વાસ કરીને મને નિસર્ગની મા બનવા માટે પસંદ કરી...ભગવાનની આ અધુરી મૂર્તિને મેં પૂરી ઘડવાનો પ્રયાસ કર્યો છે....જેમાં હું મહદઅંશે સફળ પણ થઈ છું...મારાં જેટલી પ્રાઉડ મધર બીજી કોઈ નહીં હોય...જે જે લોકોએ મને તોડવાની અને મને બિચારી સાબિત કરવાની કોશિષ કરી હતી તે બધાંનો હું આભાર માનું છું...કે એમનાં લીધે હું આટલી મક્કમ બની શકી અને આ કક્ષાએ પહોંચી....મને સમજાયું કે રોજ તૂટીને ભલે વિખેરાઈ જઈએ પણ સવાર પડતાં જ ફરીથી હામ એકઠી કરીને જીવન જીવી શકાય...... આજે મારાં મક્કમ અભિગમ પર એક પંક્તિ યાદ આવી ગઈ...
“તું એમ ના સમજ કે હું રોઈ લઈશ,
ઓ જીંદગી હું પણ તને જોઈ લઈશ.....”
***
6 - માસ્ટર ઓફ નન
૨જુ વિશ્વયુદ્ધ હમણાં જ પત્યું હતું, પણ એના ભયંકર ભણકારા હજી હવામાં પડઘાતા હતા. ગાંધીબાપુ સત્યાગ્રહના શસ્ત્રના સથવારે અંગ્રેજો સામે ઝઝુમતા હતા. દેશ હજી નાના મોટા અનેક રાજ્યો અને રજવાડાઓથી ભરેલો હતો. તો કેટલાક ઇનામી ગામોના ગામધણી તરીકે ઇનામદારો પોતાનાં ઇનામી ગામોનો કારભાર સંભાળતા હતા. તો બીજી તરફ મોટા જમીનદારો પણ જાગીરદાર તરીકે ઓળખાતા. આ બધા પોતાના દરેક કામો, નોકર કે નોકરાણી પાસે કરાવતા. ઘરની સ્ત્રીઓને મદદ કરવા બાઈઓ આવતી. જેમાંની એક, ઘરની સ્ત્રીઓના વાળમાં તેલ નાખે, ઓળી આપે, ધોઈ પણ આપે. આ ઉપરાંત કપડા વાસણ જેવાં કામો માટે જુદી બાઈ હોય. અને રસોઈકામ માટે મહારાજ અને મદદનીશ હોય. તે જમાનામાં ગામોમાં લાઈટ નહોતી હોતી. એટલે સાંજે ફાનસ સાફ કરી, તેમાં કેરોસીન ભરી રાત માટે તૈયાર કરવાનું કામ કરવા એક ખાસ માણસ પણ આવે. આમાંનો જ કોઈ એક કે પછી બીજો નોકર ઘરના બાળકોનાં દફતર લઇને શાળાએ મુકવા જાય અને લેવા પણ જાય. શાળા ગમે તેટલી નજીક હોય તો પણ દફ્તર ઊંચકવા નોકરે જવાનું જ.
આવા જ માહોલમાં એક ઇનામદારના ઘરે શ્રાવણ મહિનાની પવિત્રા બારસના દિવસે એક બાળકીનો જન્મ થયો. તેને એક ભાઈ અને એક બહેન પહેલેથી હતાં જ. બીજી દીકરી હતી છતાં ખમતું ખોરડું હતું, એટલે એને પ્રેમ પૂર્વક વધાવી લીધી. એ જમાનામાં તારીખ કરતાં તિથીનું ચલણ આપણા દેશમાં વધારે હતું. એટલે એ દીકરીનું નામ અનાયાસે જ પવિત્રા પડ્યું. આવું અનોખું નામ એના અસ્તિત્વ પર પણ પોતાની હકારાત્મક અસર સતતપણે પ્રદાન કરતું હોય તેમ એ કન્યાને સૌ કંકુપગલી, શુભ પગલાની અને સદભાગી માનતા. સૌની આવી શ્રદ્ધાનાં બળ સાથે પવિત્રા ઉછરતી હતી. માતા-પિતાનાં સંસ્કાર, બુદ્ધિમતા, શીલ અને શિસ્ત એને જન્મ સાથેજ સાંપડ્યાં હતાં.
પવિત્રા ત્રણેક વર્ષની થઇ. એ રોજ પોતાના ભાઈ બે'નને શાળાએ જતાં જોતી. ત્યારે એ નોકરને કહેતી, "મારે કુલ જવુ છે, મારું દફતર લે." એના પપ્પા ઈંગ્લીશ મીડીયમની કોન્વેન્ટમાં મેટ્રિક ભણેલા. તેઓએ પવિત્રાની શાળાએ જવાની જીદ જોઇને, તેને "એ બી સી ડી" નો ચાર્ટ આપ્યો અને કહ્યું, " લે આમાં જોઇને એબીસીડી લખ, "બધાનાં આશ્ચર્ય વચ્ચે પવિત્રાએ એ લખીને સાથે એપલ પણ દોરેલું. અને બી સાથે બનાના! ભણવાની તીવ્ર લાલસા ધરાવતી પવિત્રા ૬ વર્ષે શાળાએ જવા લાગી ત્યારે, એના હૈયામાં હરખનો પાર નહોતો. એક સામાન્ય નિયમ છે કે, આપણે જયારે ગમતું કામ કરીએ ત્યારે પૂરી લગનથી અને મહેનતથી કરતાં હોઈએ છીએ. અને પવિત્રા માટે "ભણવું" એ ગમતું કામ હતું! પરિણામ ધાર્યા પ્રમાણે સરસ જ રહેતાં. પવિત્રાને એક નાની બેન પણ હતી. ચારેય ભાઈ બેન મોટા ભાગે પોતાના વર્ગમાં આગળ જ રહેતાં. તે વાત પર તેઓના એક શિક્ષક વૈદ્ય સાહેબ કહેતા, "આ શાળામાં તો ઇનામદારો જ છવાયેલા રહે છે." અને આ વાતથી ખુશ થઇ; પવિત્રાના પિતા કહેતા, "કહેવત છે કે, લક્ષ્મી અને સરસ્વતી સાથે ના રહે, પણ મારા ઘરમાં બંને ખુબ સંપીને સાથે રહે છે."
બાળપણ તો જોતજોતામાં વીતી ગયું. હવે પવિત્રા હાઈસ્કુલમાં હતી. શાળાના અભ્યાસ સાથે ત્યાં લેવાતી હિન્દી, સંસ્કૃત, ટાઇપ અને ડ્રોઈંગની પરીક્ષાઓ આપી. અને ભાષાઓમાં કોવીદની ડીગ્રીઓ અને ડ્રોઈંગ માટે ઈંટરમીડીએટની ડીગ્રી લીધી. આ ઉપરાંત શિવણ અને અંગ્રેજીની પરીક્ષાઓ પણ પાસ કરી. આ તો થઇ અભ્યાસની વાત, શાળામાં થતી બધી જ ઈતર પ્રવૃત્તિઓમાં પણ તે અચૂક ભાગ લેતી. મધુર કંઠ હોવાથી ગાવાની હરીફાઈ, ગરબા અને નૃત્ય પરફોર્મ કરવાં તેની ગમતી પ્રવૃત્તિ હતી. તેનું ભાષાજ્ઞાન સારું હતું, એટલે નિબંધ હરીફાઈ, વકતૃત્વ સ્પર્ધા વિગેરેમાં પણ તે હંમેશા ઇનામ લેતી. તેની ખાસ મિત્ર કુંદા, તેને કહેતી, "તું જેક ઓફ ઓલ છે." ત્યારે પવિત્રા કહેતી, "બટ માસ્ટર ઓફ નન." આમ ખુશીનાં માહોલમાં તેણે એસેએસસીની પરીક્ષા તો આપી, પરંતુ ત્યારે એ ખુબ ચિંતિત પણ હતી. તે વખતે ૧૧માં ધોરણમાં એસ એસ સી બોર્ડની પરીક્ષા લેવામાં આવતી. પવિત્રાની ચિંતાનું કારણ એ હતું કે, ગામમાં કોલેજ નહોતી. તે જમાનામાં છોકરીઓને બહારગામ ભણવા મુકે તેવી શક્યતા તો હોય જ ક્યાંથી? એટલે અભ્યાસ અટકી જશે. તેના પિતા કન્યા કેળવણી માટેની વિચારસરણી ધરાવતા હતાં. એટલે તેમને પણ દીકરીઓ આગળ ભણે તેમાં રસ હતો. પવિત્રાનું એસ એસ સી નું પરિણામ આવે તે પહેલાં જ પિતા એ જાણકારી આપી કે, ગયા વર્ષથી જ બાજુનાં શહેરમાં આર્ટસ અને સાયન્સ માટે કોલેજ ખુલી છે. અને ઘરથી કોલેજ માત્ર દસેક કોલોમીટરના અંતરે જ હતી. પવિત્રા માટે આ સમાચાર નિષ્ફળતાની ગર્તામાં ઘૂમ થતાં પહેલાંની સફળતા સમાન હતા. અને તેને સાયન્સમાં એડમીશન મળી ગયું. અપડાઉન કરીને પવિત્રાએ અભ્યાસ ચાલુ કર્યો. કોલેજનાં બીજા વર્ષને ત્યારે ઇન્ટર કહેતા, તેમાં બાયોલોજી પ્રેક્ટીકલમાં ૯૦ ટકા માર્ક્સ હોવા છતાં પવિત્રા મેડીકલમાં ન જઈ શકી કારણ કે, નજીકમાં એવી કોઈ કોલેજ નહોતી જ્યાં અપડાઉન કરીને મેડીકલનું ભણી શકાય. પવિત્રાને મન આ એક મોટી નિષ્ફળતા જ હતી. છેવટે તેણે બી એસ સી(ઓનર્સ) કર્યું.
જીવનમાં અભ્યાસ ક્યારેય પતી જાય છે ખરો? પવિત્રાનો અભ્યાસ પણ અહીં અટક્યો ખરો, પતી નહોતો ગયો. હજી તે બીએસસીની પરીક્ષા આપી રહી હતી ત્યારે જ તેનાં લગ્ન નક્કી થઇ ગયાં. પરીક્ષા પછી તરત જ શમિત જાગીરદાર સાથે લગ્ન કરીને તે કપડવંજ ગઈ. શમિતને લગ્ન પહેલાં જ એલઆઈસીમાં ડેવલોપમેન્ટ ઓફિસર તરીકેની જોબ હતી. લગ્ન પછી બંને જ્યારે કપડવંજ પહોંચ્યાં ત્યારે શમિતના એક મિત્રનો ફોન આવ્યો, તેણે પૂછ્યું, "શમિત, તારા વાઈફ બીએસસી થયેલાં છે, તો પ્લેઝ એક-બે દિવસમાં એમને આપણી શાળાએ મોકલાશે? કારણ કે, એક ગણિત-વિજ્ઞાનના શિક્ષક અધવચ્ચે જોબ છોડીને ગયા છે." એ મિત્ર શમિતના એજન્ટ હતા અને ત્યાંની હાઇસ્કુલમાં સંચાલક પણ હતા. મિત્રતાના કારણે એણે જોબ ઓફર સ્વીકારી લીધી. ડોક્ટર બનવાનાં સ્વપ્નો તો હવે ન્હોતાં રહ્યાં. એટલે સહજ મળ્યું તે સ્વીકારી એક નિષ્ઠાવાન શિક્ષક બની માત્ર અને માત્ર વિદ્યાર્થીઓના અને શાળાના હિતને જ સમર્પિત થવાનાં સ્વપ્ન સાથે પવિત્રા બની શિક્ષિકા. આ જ શાળામાં મુઝીક વિભાગના ગુરુજી શ્રી ખંભોળજા સાહેબ પાસે સંગીત વિશારદ સુધીનું જ્ઞાન હાંસિલ કર્યું. એ સમયે યોજાતા ગુજરાત રાજ્ય યુવામહોત્સવમાં ૧૯ થી ૩૫ વર્ષની ઉમરના વિભાગમાં તેણે હળવું કંઠ્ય સંગીત તેમજ શાસ્ત્રીય સંગીત હરીફાઈમાં ભાગ લઇ પ્રથમ-દ્વિતીય ક્રમ મેળવેલા. પોતાની શાળાના વિદ્યાર્થીઓને લોકનૃત્ય હરીહાઈ વકતૃત્વ સ્પર્ધા માટે તૈયાર કરી પ્રથમ સ્થાન અપાવેલું.
તેનું શિક્ષણ વિદ્યાર્થીઓને ખુબ ગમતું. વિષયને સરળ કરીને ભણાવવાનું તેને શીખી લીધું એટલે જોત જોતામાં તે વિદ્યાર્થીઓમાં પ્રિય થઇ પડી. કિન્તુ આ શિવાય નાનપણથી જ તેને ગમતી ઈતરપ્રવૃત્તિનો ભાર પણ પવિત્રાએ સ્વીકારી લીધો. શાળામાં થતી વિવિધ ઉજવણીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો તૈયાર કરાવવા, રજુ કરવા સાથે સાથે સભા સંચાલન કરવું. આ બધું જ પવિત્રા ખુબ રસ અને ઉત્સાહ પૂર્વક કરતી. ઘણીવાર તે કાર્યક્રમમાં રજુ કરવા પ્રહસન કે ગીત જાતે લખી સંગીતબદ્ધ પણ કરતી. આવા સમયે તેણે શાળામાં અભ્યાસ દરમ્યાન પાસ કરેલી ભાષાજ્ઞાનની પરિક્ષાઓ તેમજ સંગીતનું જ્ઞાન કામ લાગતું. તેને હમેશાં થતું કે મને જો થોડો સમય મળે તો-તો બસ મારે લખવું છે! જ્યારે અંતરમાં ઊર્મિ ઉછળે ત્યારે તે કાગળ પર લખી નાખતી. થોડા સમયમાં જ તેની મહેનત રંગ લાવી અને તેને એસ એસ સી માં મેથ-સાયન્સ ભણાવવાની તક મળી. આ જવાબદારી સ્વીકારવા પવિત્રા પોતાને સજ્જ કરવા લાગી. વિષય પર તેની ગ્રીપ હતી એટલે, તેના માટે આ કોઈ મુશ્કેલ કાર્ય નહોતું. પરંતુ પવિત્રા નિષ્ઠાને વરેલી હતી. સફળતાપૂર્વક પીરીયડ લઈને નીકળી જવું, એ તેનો ધ્યેય નહોતો. તે વિચારતી, એવું કંઈ કરું જેથી મારા બધા બાળકો ગ્રહણ કરી શકે અને બોર્ડની પરિક્ષાના "હાઉ"થી ડરવાનું બંધ કરે. મોટા ભાગે વિદ્યાર્થીઓ ગણિત કે વિજ્ઞાનમાં જ ફેલ થતાં. પવિત્રાને આ સ્વીકાર્ય નહોતું. તેણે તેના ઉપાય તરીકે સ્વયં એક પ્લાન બનાવ્યો. અને સૌના સહકારથી અમલમાં મુક્યો. પવિત્રાએ જોયું કે, એક જ વર્ગમાં હોવા છતાં બધા બાળકોનું લેવલ સરખું નથી હોતું. એટલે શરૂઆતના થોડા તાશ લઈને તેમની ગ્રહણ શક્તિ અને યાદ શક્તિ અનુસાર તેમને ત્રણ ભાગમાં વહેચ્યાં. પુરતી મદદ મળી રહે તો ૮૦-૯૦ કે ૧૦૦ માર્ક લાવી શકે તેવું એક ગ્રુપ. બીજું ગ્રુપ એવા બાળકોનું જે પુરતી મદદ ના મળે તો ફેલ થાય. અને ત્રીજું ગ્રુપ જે કોઈ પણ સંજોગોમાં ૫૦થી ૭૦ માર્ક્સ લાવી શકે. હવે જ્યારે પવિત્રાનો પીરીયડ આવે ત્યારે તે વર્ગના બાળકો પોતાના મૂળ સ્થાનેથી ઉઠી એક ગ્રુપના વિદ્યાર્થીઓ એક જ હરોળમાં બેસી જતાં. આમ વર્ગમાં જુદી જુદી હરોળના બાંકડા પર અલગ ગ્રુપ રહેતું. પવિત્રા કોઈ પણ એક જ ટોપિક શીખવે. એટલે તેજસ્વી ગ્રુપ ઝડપથી સમજી લે પણ તે ગ્રુપ તેમાં પુરેપુરા માર્ક્સ કેવીરીતે લઇ શકે તેની સમજ આપતી. તો ફેલ થઇ શકે તે ગ્રુપને વધુ મહાવરો કરાવી તે ટોપિકના પ્રશ્નો પરીક્ષામાં આવડે જ, તેટલી મહેનત કરાવતી. વચ્ચેનું ગ્રુપ સમજ હોવા છતાં સામાન્ય ભૂલો કરી માર્ક્સ ગુમાવે તેવું જણાતાં, ભૂલો થઇ શકે તે સ્થાનો પર ધ્યાન દોરી ભૂલો ન જ થાય તેના પર ભાર આપતી. આવી કાર્યશૈલી અને મહેનતને પરિણામે એવું પણ બનતું કે, વર્ષની આખરમાં બીજા ગ્રુપના અમુક બાળકો પણ તેજસ્વી ગ્રુપમાં જોડાઈ જતાં. હજી આવી શરૂઆત કરી, તેવામાં જ પતિની બદલી થવાથી પવિત્રા અમદાવાદ આવી. અહીં પણ અરવિંદ મફતલાલની શાળામાં જોબ ચાલુ કરી. અને તે શાળામાં પણ ત્રણ ગ્રુપની થીઅરી પર જ કામ ચાલુ કર્યું.
વિદ્યાર્થીઓ ભણી શકે તે માટે શાળા કે શિક્ષક ગમે તેટલું કરે, પણ પવિત્રાએ જોયું કે, કેટલીક વાર ઘરની પરિસ્થિતિ, બાળકની તબિયત અને ફરજીયાત આવી પડતી જવાબદારીને લીધે તે પાછું પડે છે. ઘણી વિદ્યાર્થીનીઓને બીજાને ઘરે કામ કરીને શાળામાં આવવું પડતું. તેઓ ઘણીવાર મોડા પડે, એટલે થોડું ભણવાનું જાય જેને લીધે આગળ સમજાય નહિ. આવાં બાળકોને પાસે બેસી આગળ રહી ગયેલું સમજાવવા માટેનું કામ પણ પવિત્રાએ ઉપાડી લીધું. એકનું સમાધાન થાય તે પહેલાં બીજી નવી સમસ્યા આવીને ઉભી રહેતી. બીજી સમસ્યા એ હતી કે, માંદગીને લીધે બાળક હાજર ના રહી શકે. કોઈ પણ વિદ્યાર્થી એકથી વધુ દિવસ ગેરહાજર રહે તો, પવિત્રા તેની ખબર પુછાવતી અને જરૂર હોય તો દવાની વ્યવસ્થા પણ કરતી. આ માટે પવિત્રા આયુર્વેદની કેટલીક દવાઓ જેવી કે, તાવ માટે સુદર્શન ચૂર્ણ, શરદી માટે ત્રીશુન તેમજ પેટની તકલીફ માટે હરડે પોતાની પાસે શાળામાં રાખતી. ઘણીવાર એવું થતું કે લાંબી બીમારી પછી અમુક બાળકને દૂધ પીવું જરૂરી હોય, તેને લોંગ રીસેસમાં ફરજીયાત દૂધ મંગાવીને આપતી. બીજી શાળાઓનાં પ્રમાણમાં આ શાળામાં, આવી ગરીબીને લાગતી સમસ્યાઓ વધુ હતી. એનું કારણ એ હતું કે, આ શાળા શરૂ થઇ ત્યારથી જ ફ્રી એજ્યુકેશન માટે જાણીતી હતી. તે અરવિંદ મફતલાલ પરિવારની, ફક્ત બેનો માટેની હાઇસ્કુલ હતી. ફી ના ભરી શકે તેવી વિદ્યાર્થીનીઓ મોટે ભાગે આ શાળામાં જ ભણતી. આમ આગવી પરિસ્થિતિને લીધે આ શાળાની સમસ્યાઓ પણ આગવી હતી. પવિત્રાને આવી બધી સમસ્યાઓ સામે ઝઝૂમવાની જાણે મઝા પડતી!
ઘરના મોરચે પણ પવિત્રા પોતાનું કામ એવી રીતે સંભાળતી કે, સૌને તેના માટે માન રહેતું, તે સૌને ગમતી. શમિત જેવો પરગજુ પ્રમાણિક અને પ્રેમાળ પતિ પામીને તે ડોક્ટર ના બની શક્યાનું દુઃખ ક્યારની ભૂલી ચુકેલી. શમિતને પ્રમોશનો મળતા ગયા તેમ ફળથી ઝુકતા વ્રુક્ષની જેમ શમિત વધુ પરગજુ બનતો ગયો. તેમના સગાઓમાં કોઈના પણ બાળકને બોર્ડની પરીક્ષા હોય એટલે શમિત તેને પોતાને ઘરે રાખીને ભણાવે. અલબત્ત ભણાવવાની મહેનત પવિત્રા કરતી. કેટલાક સામાન્ય સ્થિતિના બાળકોને પોતાને ઘરે રાખીને ભણાવે એટલું જ નહિ, તેને જોબ માટે તૈયાર કરી જોબ અપાવે અને એકાદ વર્ષ કોઈ ખર્ચ લીધા વિના પોતાનાં ઘરે રાખે. તેની થયેલી બચતમાંથી ઘર લેવાની કે લગ્ન કરવાની સૂઝ પાડે. શમિત આ બધું કરે ત્યારે જોબ સાથે બધાની દરેક જરૂરિયાત પૂરી કરવાનું કામ દેખીતી રીતે જ પવિત્રા નિભાવતી. શમિત ઓલ ઇન્ડિયા ફેડરેશનમાં પણ સક્રિય હતો એટલે બદલી- બઢતીના સમયે શમિતના ડ્રોઈંગ રૂમમાં ઓફિસરોની ભીડ રહેતી, સૌ પોતાના પ્રોબ્લેમની વાત રજુ કરતા, શમિત સંપૂર્ણ પ્રમાણિક રહીને દરેકને યોગ્ય મદદ કરતો. ત્યારે તે વાતથી સંતુષ્ઠ એવા ઓફિસરો કહેતા, " આપણને રડવા માટે જાગીરદાર સાહેબનો ખભો અને તેમનો ડ્રોઈંગ મળી રહે છે, તે સારું છે." પોતાની વાતોના રોદણાં રડવા માટે મળતા ડ્રોઈંગ રૂમને તેઓ "ક્રાઈંગ રૂમ" તરીકે ઓળખાવતા! અહીં પણ સૌની સરભરાની જવાબદારી પવિત્રા ખુશીથી નિભાવતી. આ બધામાં પવિત્રા સતત કામમાં રહેતી, તે જોઇને એક દિવસ તેની દીકરી કહે, "મમ્મી, તું ભગવાનને કહીને બીજા બે હાથ માંગી લેતી હોય તો!"
સમય તો આખર સમય છે એ તો વણઅટક્યો જ વહી જાય. ભરોભાર કામમાં ડૂબેલી રહેતી પવિત્રા પોતે થાકે, તે પહેલાં જ તેના કામની સતતતા નો જાણે અંત આવ્યો. તે દિવસે તે નિવૃત્ત થવાની હતી. ઓક્ટોબર મહિનો, જે દિવસથી દિવાળી વેકેશન પડે તે છેલ્લો દિવસ હતો! તે સરસ તૈયાર થઈને શાળાએ ગઈ. પહોચીને સીધી પોતાનો પીરીયડ હતો તે વર્ગમાં ગઈ. વિદ્યાર્થીઓ તેને ઘેરી વળ્યા, ' મેં'મ તમે રીટાયર થાવ છો? આજે જ ?" પવિત્રાનું મન ભરાઈ આવ્યું. તેને થયું તે રડી પડશે. તેણે આંખો બધ કરી લાગણીઓને વહેતી રોકવા પ્રયત્ન કર્યો. થોડી વારે આંખો ખોલી તો વર્ગમાં બધાની આંખો રડતી હતી. સૌ આંસુ લૂછતાં હતા.તે પ્રેમથી સૌને નિહાળી રહી. એટલેમાં પટાવાળો આવીને કહે, "મેં'મ આપને નીચે ઓફિસમાં બોલાવે છે." તે પછી પવિત્રા માટે વિદાય સમારંભ યોજાયો. આટલા સમયમાં પૂરો સ્ટાફ અંગત મિત્ર બની ગયેલો. દરેક શિક્ષક વારાફરતી પવિત્રાને વિષે બોલવા લાગ્યાં કેવી રીતે તેણે શાળાને અને વિદ્યાર્થીઓને પોતાના બનાવી લીધેલા અને બંનેના હિતમાં કેવા પ્લાન કરીને શાળાનું નામ આગળ વધાર્યું તેની વાત કહી. દરેક જણ બોલવા ઉભા તો થતાં પણ છેલ્લું વાક્ય એ જ રહેતું કે, ઘણું કહેવું છે પણ મન ભરાઈ આવે છે. રડવું જ એટલું આવે છે બોલાતું નથી!" છેવટે પવિત્રા પ્રતિભાવ આપે તે પહેલાં તેને શાળા તરફથી, કોઈને કહીએ તો માને નહિ પણ એક સોનાની ચેન અને એક ચાંદીની ટ્રે ભેટ મળી. આટલું સન્માન! આટલી લાગણી! આટલો પ્રેમ! પવિત્રાની આંખો છલકાઈ ઉઠી! તેને પોતાની સ્પીચમાં કહ્યું, " મારી આ શાળા અને મારા બાળકો, તમે સૌએ મારા મનને મહેકતું અને જીવનને જીવંત રાખ્યું છે. જે અમુલ્ય છે. મારું શિક્ષણ અને તમારા પ્રેમનું આદાન-પ્રદાન આપણને એવી સુક્ષ્મતાથી જોડી ચુક્યું છે કે, આપણે જુદા પડીને પણ જુદા નથી થઇ શકવાના. એટલે હું આપને સૌને એક વાત કહું? મને ખબર છે, ટીચર રીકૃટમેંટમાં ૨૦ ટકાનો કાપ છે. એટલે મારા જવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડશે અથવા મારા સ્ટાફના મિત્રોનો બોજ વધશે. એટલે હું બધાની વાર્ષિક પરીક્ષા- ખાસ કરીને એસએસસી બોર્ડની પરીક્ષા થાય ત્યાં સુધી તમારો કોર્સ પૂર્ણ કરવા બીજી ટર્મમાં પણ આવીશ. નિશુલ્ક-ઓનરરી સેવાની તક મને આપવા હું સંચાલકો તેમજ આચાર્યશ્રીને વિનંતી કરું છું." આ સાથે જ હર્ષની ચિચિયારીઓથી પવિત્રા અને તેની વિનંતીને વધાવી લેવામાં આવ્યાં
બીજી ટર્મમાં ભાર વગર હળવાશથી પવિત્રાએ કામ શરુ કર્યું. સ્ટાફ તરફથી ખુબ સહકાર મળ્યો તેઓએ જરૂર પડે તો એસ એસ સીના વર્ગોમાં કોઈના પણ તાશમાં ગણિત લેવાની સગવડ કરી આપી. વિદ્યાર્થીઓ ને પણ ઘેલું લાગ્યું હોય તેમ રીસેસમાં પણ ગણિત શીખવા તત્પર રહેતા. એક દિવસ તો એવું બન્યું કે, બોર્ડના છેલ્લા વર્ષોનાં પેપરના સોલ્યુશનની તૈયારી ચાલતી હતી. સૌ મશગુલ હતા. રીસેસ પડી હશે પણ કોઈને જવું નહોતું! અને એમ આઠે આઠ પીરીયડ એક પણ રીસેસ વગર સૌ ગણિત જ્ઞાનમાં ન્હાતાં ધરાયાં જ નહિ! જ્યારે શાળા સમય પૂરો થયો અને બેલ પડ્યો ત્યારે ખુશખુશાલ વિદ્યાર્થીનીઓથી ઘેરાયેલી પવિત્રા ઉપરના વર્ગમાંથી દાદરો ઉતારી નીચે આવી, તો પૂરો સ્ટાફ છેલ્લા પગથીયા આગળ ઉભેલો! આચાર્ય બોલ્યા, "શાબાશ પવિત્રાજી, એક આખો દિવસ એક જ વર્ગમાં ગણિત ભણાવવું અને વિદ્યાર્થીઓ કંટાળ્યા વિના રસથી ભણે, એ તો જાદુ જ થયો." સ્ટાફના સૌએ પણ એક્કી અવાજે કહ્યું, " બેસ્ટ મેથ ટીચર એવોર્ડના તમે અધિકારી છો, એપ્લાય કરી દો." પવિત્રાએ હસીને કહ્યું, " આપ સૌના આ શબ્દો અને લાગણી, વિદ્યાર્થીઓના પ્રેમ, અંતરની આશિષ અને ખુશી એ બધું શું કોઈ એવોર્ડથી કમ છે?"
આવામાં રીઝલ્ટ કેવું હોય? અને છેવટે પવિત્રા રીટાયર થઇ. પહેલાં તેને હતું હવે ઘરે કંટાળો આવશે, પણ ના, તેને ઘરે રહેવું ખુબ મઝાનું લાગ્યું. હવે પતિ અને બાળકો સાથે બહાર જવાનું થતું સમયની પાબંદી વગર ફરવાનું-જીવવાનું આનંદમય બની રહ્યું. વળી ગવર્નમેન્ટનું પેન્શન પણ મળતું. પવિત્રા રીટાયર થઇ એટલે તેના બધાજ ભાઈ બેનોએ એક પાર્ટી યોજી અને અનેક ભેટો આપી, નજીકનાં બીજા સગાઓ પણ ભેટ લઈને હાજર હતાં. પવિત્રાની નાની નણંદ કહે, "ભાભી, તમને પેન્શન મળે ને?" તે સંભાળીને પવિત્રાના મોટા ભાઈ જે રમુજી હતા તે કહે, "હાસ્તો, ગવર્નમેન્ટનું તગડું પેન્શન! પેન્શનના લાભ કેટલા બધા ખબર છે? ઇફ ધેર ઇસ અ પેન્શન, ધેર ઇઝ નો ટેન્શન એન્ડ એવરી બડી પેય્સ એટેન્શન." આ સાંભળી સૌ તાળીઓ પાડીને હસી પડ્યા.
આવા જ કોઈ સમયે બહાર બધા સાથે બેઠા હતાં, તેમાં કોઈએ કહ્યું, " ગુજ્જુભૈને અંગ્રેજી ના આવડે." આ વાત પર ગુજ્જુનું અંગ્રેજી સુધારવાના નિર્ણય સાથે પવિત્રાએ "લોટસ લર્નિંગ" નામની અમેરિકન કંપની જોઈન કરી. ઉગતી જનરેશન આ મેણાથી બચે તે માટે પ્રયત્ન કરતી રહી. આવડત અને ઈચ્છા હોય પણ પૈસા ન હોય તેવા બાળકોને તેણે પુસ્તકના સેટ ભેટ આપ્યા. ત્યાર પછી "હર્બલાઈફ"માં પણ કામ કર્યું. બંને કંપનીનાં પ્રોડક્ટ્સની છુટા હાથે જરૂરિયાત વાળાને લ્હાણી કરી. અનેકને ભેટ આપીને રાજી કર્યાં. પ્રોડક્ટ્સની પુરતી સમજ અને કામની ધગશે, પવિત્રાને આ કામમાં પણ આગલી હરોળમાં લાવી મૂકી. આ બધા કામો છતાં પવિત્રાને સારો એવો સમય મળી રહેતો. તેમાં તે કાવ્યો, વાર્તા, લેખ, હાસ્યલેખ વિગેરે લખતી રહેતી. આ કૃતિઓ પ્રતિલિપિ, વિચારયાત્રા મેગેઝીન, તોફાની તાંડવ, વિગેરેમાં પ્રકાશિત પણ થઇ. "સવર્ધન માતૃભાષાનું" એ ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે રજુ કરવામાં આવેલા સૌથી મોટા પુસ્તકમાં પણ તેની કૃતિઓ સમાયેલી. મારી માવલડી પુસ્તકમાં પણ પોતાની કૃતિ લખવાની તાક મળેલી.
રીટાયર થયા પહેલા પણ અને પછી પણ પવિત્રાનો વર્ષોથી નિયમ હતો. સમયની ગમે તેટલી ભાગદોડ હોય ન્હાઈને પૂજા કર્યા શિવાય મોં માં કંઈ જ નહિ મુકવાનું. અને રોજ પ્રાર્થના માટે અડધો કલાક અચૂક કાઢવાનો, પ્રાર્થના પછી હકારાત્મકતા ઉત્પન્ન કરવા માટે પણ સમય કાઢવાનો, રોજનું ચાલવાનું અને હળવી કસરતો કરવાનું ચુકે એ બીજા, પવિત્રા નહિ. અને એટલે જ તો પવિત્રા રીટાયર્ડ થવા છતાં ટાયર્ડ નહોતી. તેને આંગણે ઉગેલા બોગનવેલના વ્રુક્ષને તે પોતાનું બોધિવ્રુક્ષ માનતી. અતિ મનોહર, રાણી રંગનાં પુષ્પોથી સમૃદ્ધ અને જેટલાં પર્ણો તેટલાં જ પુષ્પોનો વૈભવ ધરાવતાં આ પોતાનાં બોધિવ્રુક્ષની શીતળ છાયામાં બેસી, ભુતકાળ વાગોળવાનો આનંદ લુંટવા બેસે ત્યારે પવિત્રા વિચારતી, --ડીવીઝનલ મેનેજર અને ફેડરેશનમાં ૨૧ વર્ષો સુધી સતત વાઈસ પ્રેસીડેન્ટની પોસ્ટ સભાળનાર મારા પતિ, તેમના વિદાય સમારંભમાં મને સ્ટેજ પર બોલાવી પોતાની તમામ સફળતાઓ અને ઉપલબ્ધીઓનો શ્રેય મને આપે, અને કહે, "બીજી બધી જવાબદારી પવિત્રાએ ઉપાડીને મને સાવ ફ્રી ન રાખ્યો હોત તો હું કંઈ ન કરી શકત." તો વળી વ્હાલી દીકરીઓ "હેત-પ્રીત" એમ કહે કે, " મમ્મી તમે આટલા વર્ષો નોકરો કરી છતાં, અમને ક્યારેય એવું નથી લાગ્યું કે તમને અમારા માટે સમય નહોતો. તમે બંનેએ અમને ન કેવળ જીવન બક્ષ્યું, કિન્તુ સફળતા પૂર્વક જીવવાનું બળ તેમજ અનેકવિધ જરૂરી શિક્ષણ અને તાલીમ પણ આપી. એનાથી સમૃદ્ધ બનેલા એવા અમારે હવે કોઈ પાસે કોઈપણ જાતની અપેક્ષા રહેતી નથી." તો --તો વળી તે દિવસે આઠ પીરીયડ સળંગ લીધા, ત્યારે પુરા સ્ટાફ દ્વારા અપાયેલ શાબાશી, અને હા, મારા વિદાય સમારંભમાં પ્રિય વિદ્યાર્થીની ભગવતીએ કહેલી સૌ વિદ્યાર્થીઓના મનની વાત કે, " આપણા બેનને બધું જ આવડે એટલે તે પોતાને -જેક ઓફ ઓલ એન્ડ માસ્ટર ઓફ નન- કહે છે, પણ ના તેઓ ચોક્કસ જેક ઓફ ઓલ તો ખરાં જ પણ માસ્ટર ઓફ વન-(ગણિત) પણ છે જ. "આ બધું વિચારતી ત્યારે તેને થતું --બધા તરફથી મળેલા આ એવોર્ડો, રાષ્ટ્રપતિ એવોર્ડથી શું કમ છે!
***
7 - "ગ્રીનકાર્ડ"
ફિલાડેલ્ફીયાનો જાન્યુઆરી મહિનો એટલે કાયમી ઠંડો અને કાતિલ રહેતો, જરા જરામાં કોઈ વિજોગણની આંખોની જેમ આભેથી સુંવાળો પણ થથરાવી નાખતો સ્નો ટપકી પડતો, આજે સવારથી બોઝિલ બનેલું વાતાવરણ આભેથી બરફ બની ઝરવા લાગ્યું હતું. સાથે નીસર્ગીનું મન પણ ઘડકતું હતું.
"ઓહ ગોડ આજે જ સ્નોને આવવાનું હતું ? મારે દોઢ કલાક ડ્રાઈવ કરી ન્યુઆર્ક એરપોર્ટ જવાનું જવાનું છે હું કેવી રીતે જઈ શકીશ ?"
એક વખત સ્નોમાં તેની કાર સ્લીપ થઇ ગઈ હતી ત્યાર થી આવા સમયે ડ્રાઈવ કરવાની તેને બહુ બીક લાગતી. ઘડીકમાં વિન્ડો ગ્લાસ માંથી ઉપર આભને તાકતી ઘડીકમાં ઘડીયાર ઘડીક સામે ટેબલ ઉપર ગોલ્ડન ફ્રેમમાં મઢેલી તસવીર ને ! તસવીરમાં હસતો તપનનો બાળપણનો માસુમ ચહેરો તેને ચુંબકની માફક ખેંચતો હતો, જે પણ હોય આજે તો ડ્રાઈવ કરવુજ પડશે કારણ વિક ડેઝ છે કોઈ અત્યારે ફ્રી નહિ હોય ' વિચારતી નીસર્ગી તૈયાર થવા રૂમ તરફ ચાલી.
ગરમ ગરમ શાવર નીચે રહી શરીર શેકતી નીસર્ગીનું મન હતી પણ શેકાતું હતું, એક ભૂલને કારણે તે સુધી તપન થી પંદર વર્ષ દુર રહી હતી, તેના કાળજા નો કટકો આજે આટલાં વર્ષો પછી તેની આંખો સામે આવશે જેની માટે એ દિવસ રાત તડપી હતી.
તેને આંખો સામે અળગો થતા જોયો હતો ત્યારે પણ આવોજ સ્નો વરસતો ફેબ્રુઆરી મહિનો હતો, પરતું કોણ જાણે ત્યારે થીજી ગયેલા સ્નોની માફક લાગણીઓ પણ થીજી ગઈ હતી કે તપનને તેના ડેડી સાથે જવા દીધો હતો. તેની એક ભૂલ તેને ક્યાંથી ક્યાં લઇ આવી હતી. તે લીલા પાનની ઝંખના તેને વાસંતી વન માંથી ગ્લેસીયરના ઠંડા એકાંતમાં ઘકેલી આવી હતી.
કદાચ એ બુઠ્ઠી ઠંડી લાગણીઓનું કારણ હતું માર્ક. માર્કનું નામ વિચારતા નીસર્ગી ઠંડીમાં પણ તમતમી ઉઠી.
આજથી અઢાર વર્ષ પહેલા નીસર્ગી અને સમય ઇન્ડીયા છોડી અમેરિકા સ્થાઈ થયા, બંનેના લગ્નને માંડ વર્ષ પૂરું થયું હતું, સમય એન્જીનીયર હતો આથી તેને ત્રણ વર્ષની વર્ક પરમિટ મળી ગઈ હતી, હવે ગ્રીનકાર્ડ મેળવવા માટેની તેમની મથામણ ચાલુ હતી. આ તો પરદેશ છે બે બેગ અને પચાસ ડોલરથી નવજીવનની શરૂઆત કરવાની હોય છે માટે બે છેડા એક કરવા પતિ પત્નીનું ખભેખભા મિલાવી કામ કરવું આવશ્યક બની જતું હોય છે. મુંબઈનાં દોડઘામ ભર્યા માહોલમાં રહેતી નીસર્ગી અહીના શાંત એકલતા ભર્યા ઘરમાં કંટાળી જતી આથી તેણે નજીકમાં દવાઓ બનાવતી ફેકટરીમાં જોબ શરુ કરી દીધી
અહી સુપરવાઈઝર તરીકે માર્ક બધું કામ સંભાળતો હતો, નીસર્ગી બહુ એફર્ટ આપીને કામ કરતી હતી, તેનું કામ માર્કની નજરમાં બહુ ઝડપથી આવી ગયું સાથે તે પણ તેની નજરમાં આવી ગઈ હતી, નીસર્ગી બહુ દેખાવડી યુવતી હતી, અમેરિકનો ને કાળી આંખો ઘરાવતી ટેન સ્કીન કલર વાળી યુવતી વધારે આકર્ષતી હોય છે. માર્ક નીસર્ગીના વખાણ કરવાની એક પણ તક છોડતો નહોતો.
માર્ક ઘણો દેખાવડો યુવાન હતો સાથે મીઠાબોલો પણ હતો" હાય બ્યુટીફૂલ, હેય ગોર્જિયસ, વાઉ ડીયર યુ ડન વેલ, જેવા શબ્દોને તેની આગવી સ્ટાઈલમાં બોલતો, જે શબ્દો તે સમય પાસે થી ઝંખતી હતી તેવું બધું માર્કના મ્હોએ સાંભળી શરૂમાં નીસર્ગી હેરાન થઇ જતી પછી તેને પણ આ બધું ગમવા લાગ્યું હતું, કારણ સમય આજકાલ બહુ બીઝી રહેતો, આખા દિવસના કામ પછી સાંજે થાકેલાં સમયને આવા બધા શબ્દો સૂઝે પણ ક્યાંથી ? માર્કની દોસ્તી દિવસે-દિવસે નીસર્ગી ના દિલોદિમાગ ઉપર છવાતી જતી હતી, અને હવે નીસર્ગીનું મન પરદેશમાં બરાબર લાગતું જતું હતું.
એક સવારે નીસર્ગીની તબિયત અચાનક બગડી ગઈ, સવારથી તેના પેટમાં પાણી પણ ટકતું નહોતું આથી "સમય" કોલ આઉટ કરી ઘરે રોકાઈ ગયો, દેશમાં આવું કઈ થતું ત્યારે મમ્મી પપ્પા બધા હાજર હોવાથી તેને કોઈ વાતની ચિંતા ના રહેતી, પણ અહી તો તેને બધું એકલે હાથે સંભાળવાનું થયું, તે નીસર્ગીને લઇ નજીકની કલીનીકમાં ઈમર્જન્સી પેશન્ટ તરીકે લઇ ગયો. જ્યારે તેઓ ગયા ત્યારે બહુ ચિંતીત હતા પાછાં આવ્યા ત્યારે ખુશખુશાલ.
" આજે હું બહુજ ખુશ છું, આઈ લાવ યુ ડાર્લિંગ મારી એક બાકી રહેલી ઈચ્છા હવે પૂરી થશે. હું ડેડ અને તું મોમ બનીશું "
નીસર્ગી પણ ખુશ હતી બંનેના પ્રેમનું ફૂલ ખીલવાનું હતું. પ્રેગનેન્શીના શરૂઆતી બે મહિના તેને બહુ તકલીફ રહી આ સમય દરમિયાન સમય વહેલો ઘરે આવી નીસર્ગીનું ઘ્યાન રાખવાનો પ્રયત્ન કરતો. પરંતુ કોણ જાણે નીસર્ગી આવા વખતે વધુને વધુ મૂડી બનતી જતી હતી ક્યારેક કારણ વિના સમય સાથે ઝગડી પડતી ક્યારેક રડી પડતી.
આમ કરતા છ મહિના અથવા આવ્યા હવે સમય પણ ઘર અને બહાર એકઘાર્યા કામ અને ટેન્શનને કારણે થાકી જતો હતો, છેવટે સમયે તેની મમ્મીને વિઝીટર વિઝા ઉપર અમેરિકા બોલાવી લીધા.
રમાબહેનના આવવાથી બંનેને બહુ સારું લાગ્યું, મમ્મી નીસર્ગીનો ખાસ ખ્યાલ રાખતાં સવારમાં બદામવાળું કેસર ભેળવેલું ગરમ દુઘ થી લઇ રાત્રે સુતા સુધીમાં લગભગ બધી વસ્તુ તેઓ હાજર રાખતા. પુરા સમયે તપનનો જન્મ થયો. બધા બહુ ખુશ હતા ન્યુ બોર્ન તપન સમયની પ્રતિકૃતિ દેખાતો હતો, બે મહિનાની આફટર પ્રેગનેન્સી લીવ ને કારણે નીસર્ગી ઘરે રહી શકી હતી. આ સમય દરમિયાન રમાબેન ઘરકામ સાથે તપનને પણ સાચવતા હતા. લીવ પૂરી થતા નીસર્ગીએ પાછા જોબ ઉપર જવાની વાત મૂકી.
" સમય હવે મારી લીવ પૂરી થાય છે નેક્સ્ટ વિક થી હું જોબ ઉપર જઈશ "
" નીસર્ગી એ તો કેમ કરી બની શકે? હવે મમ્મી પણ પાછાં ઇન્ડીયા જવાનું કહે છે, ત્યાં પપ્પા કેટલો વખત એકલા રહી શકે? તું હવે જોબ છોડી દે. આમ પણ હું હવે આપણુ ઘર ચાલે તેટલું આરામ થી કમાઈ લઉં છું. બસ વર્ષ બાકી છે તું તપનને બરાબર સાચવી લે".
" સમય હવે આપણા ખર્ચા વઘ્યા છે માટે હવે ખાસ મારે કામ કરવું જોઈએ, અને મારે જોબ કરવાનું બીજું કારણ છે આપણુ ગ્રીનકાર્ડ, કારણ જો ગ્રીનકાર્ડ નહિ મળે તો દેશ પાછાં જવાનો વખત આવશે
" નીસર્ગીએ સમય ને સમજાવતાં કહ્યું.
" તારી જોબ અને ગ્રીનકાર્ડને શું લાગે વળગે ડીયર ".
" જો તું જાણે છે મારા સુપરવાઈઝર માર્કને મારું કામ પસંદ છે અને બહુ ટુંકા સમયમાં તેણે મને તેની હાથ નીચે મુકીને પ્રમોશન આપ્યું છે હવે એ મને વર્ક પરમીટના બેઝ ઉપર ગ્રીનકાર્ડ અપાવશે, મારે તેની સાથે બધીજ વાત થઇ ગઈ છે, હું કોઈ પણ સંજોગોમાં પાછી દેશ જવા નથી માંગતી ".
છેવટે નીસર્ગીની જીદ સામે સમય અને રમાબેન ઝુકી ગયા, દીકરાના સંસારને સુખી જોવા માટે માની મમતા કાયમ નમતું જોખી દેતી હોય છે, છેવટે વિઝા ચાલે તેટલો ટાઈમ રોકાઈ જવું અને ત્યાર બાદ કોઈ સારી બેબી સીટરની વ્યવસ્થા કરાવી એમ નક્કી થયું.
નીસર્ગી ફરી તપનનું સવારનું કામ પતાવી જોબ ઉપર ચાલી જતી છેક સાંજે આવતી. ત્યાર સુધીમાં તો કોઈ પ્રોબ્લેમ નહોતો જ્યાં સુધી રમાબેન હતા. તે પછી એક ઓળખીતાની દીકરીને બેબીસીટર તરીકે રાખી લીધી. સુવિધા પ્રમાણે બધું ગોઠવાઈ ગયું હતું સમય સવારે જોબ વહેલી શરુ કરી દેતો અને સાંજે બને તેટલો જલ્દી આવી જતો અને તપનની દેખભાળ કરતો હતો.
નીસર્ગી જોબ ઉપર માર્કની ફેવરીટ બની ગઈ હોવાને કારણે તેને ઝડપથી પ્રમોશન મળી ગયું હતું. બસ હવે ગ્રીનકાર્ડ માટેની કાર્યવાહી બાકી હતી. આ બધું ભેગું થતાં નીસર્ગી મિજાજી અને મનસ્વી બનતી જતી હતી. માર્ક સાથે બહાર મીટીંગમાં કે ડીનરમાં પણ જવા લાગી હતી આના કારણે ઘણીવાર રાત્રે મોડી આવતી.
" નીસર્ગી તું જોબ અવર્સમાં કામ કરે તે યોગ્ય છે પણ આ રીતે બહારની મીટીંગમાં તારું જવું મને પસંદ નથી ".
" સમય આ બધું કામ જ છે બાકી મને પણ વધારાનું કામ કરવું પસંદ નથી, મારે ગ્રીનકાર્ડ માટે માર્કની જરૂર છે ".
" જો ડીયર મારે ફેમિલીના ભોગે ગ્રીનકાર્ડ નથી જોઈતું " સમયે કહ્યું
" સમય તારી ઇચ્છા નથી પણ મને ગ્રીનકાર્ડ જોઈએ છે હું પાછી નથી જવાની, ધેટસ માય ફાયનલ ડીસીઝન " નિર્ઝરી ગુસ્સે થઈ બોલી અને પગ પછાડતી ચાલી ગઈ.
સમયના અભાવમાં કોમ્યુનીકેશન ગેપ વધતી જાય છે અને આવા વખતે નાની તિરાડને પહોળી થતા વાર લાગતી નથી, આમ બંને વાછેનો ખટરાગ એક ખાઈ નું સ્વરૂપ ઘારણ કરી રહ્યો હતો તેમાં માર્ક ફાવી રહ્યો હતો, નીસર્ગી નાનીમોટી બધી વાતો માર્કને કહેતી પરિણામે સહાનુભુતિ ને આગળ વધારી તે ડીયર થી ડાર્લિગ અને સ્વીટ હાર્ટ સુધીનો તેનો રસ્તો ઝડપથી પાર કરી રહ્યો હતો.
નીસર્ગી બધું સમજાતી હતી અને તે પણ હવે માર્કની મોહજાળ માં બરાબર જકડાઈ હતી, તેને માર્કનો દેખાવ અને લાઈફ સ્ટાઈલ આકર્ષતી હતી, અને તેની સામે હવે તેનો પતિ સમય તેને વામણો લાગતો હતો. તેને એકજ વાતનું દુઃખ હતું કે હજુ ગ્રીનકાર્ડ નું કઈજ ઠેકાણું નહોતું પડતું,
નીસર્ગી વારેવારે માર્કને આ વાત યાદ કરાવતી, છેવટે એક ઓફિસરને મળવાનું નક્કી થયું અને તે પૂર્વેની રાત્રે ડીનર ઉપર થી પાછા ફરતા પહેલા માર્ક નીસર્ગીને તેના એપાર્ટમેન્ટ ઉપર લઇ ગયો ત્યાં ડીનર સાથે લીધેલા વાઈનની અસર અને આવતી કાલે ગ્રીનકાર્ડ મળવાની આસમાં નીસર્ગી મસ્તીના મુડ માં જણાતી હતી, માર્ક આ સમયનો લાભ લેવાનો ચુક્યો નહિ અને પહેલી વાર નીસર્ગી પતનનું એક મોટું પગથીયું ઉતરી ગઈ
એક વખતની ભૂલને સમજીને જો માણસ અટકી જાય તો તે સહેલાઈથી પાછો વળી શકે છે, પરંતુ ફરીફરી તે રસ્તે આગળ વધે તો તેને પાછો લાવવો મુશ્કેલ બની રહે છે, નીસર્ગીન બાબતમાં આમજ બન્યું, હવે તે સમય થી ઘણું છુપાવી માર્ક સાથે ફરતી હતી અને આની આડઅસર તેમના લગ્નજીવન સાથે તપનની તબિયત ઉપર પણ થવા લાગી. નાના બાળકને બેબીસીટર નહિ મા જોઈએ છે એ વાત તે ભૂલી ગઈ હતી.
સમયની વિઝા પરમીટ પૂરી થવા આવી હતી…
" નીસર્ગી નેક્સ્ટ મંથ મારો વિઝા પતિ જશે આથી આપણે પાછાં ઇન્ડીયા જઈએ અને વધારામાં આજ કંપની મને ત્યાં સારા પગારની ઓફર આપી ત્યાની બ્રાન્ચમાં જોબ આપી રહી છે તો તેનાથી વધારે કશુજ નથી " સમયે તેને સમજાવતા કહ્યું
" લુક સમય તારા કાયમ પાછા જવાની વાત થી હું હવે કંટાળી ગઈ છું તારે જવું હોય તો જવાની છૂટ છે, હું અહીજ રહીશ અને ટુંક સમયમાં મારે કાર્ડ પણ આવી જશે પછી હું વિચારીસ કે આપણે શું કરવું "
" ભલે તારી મરજી પણ તપનને હું મારી સાથે લઇ જઈશ, આમ પણ તમે તેની માટે ટાઈમ નથી ".
હાલની સ્થિતિ જોતાં નિસર્ગને પણ આ વાત ભાવતું હતુંને વૈદે કહ્યું જેવી લાગી " છતાંય મનના ભાવ દબાવતા બોલી
"તપન મારો પણ દીકરો છે આટલી નાની ઉમરમાં મા વિના એકલો રહે તે મને પસંદ નથી, છતાય તારી ઈચ્છા હોય તો તું હાલ તેને લઈજા, મને ગ્રીનકાર્ડ મળે પછી હું ઇન્ડીયા આવીને તેને મારી સાથે લઇ આવીશ અને હા તું જો પણ આવવા રાજી હશે તો આપણે સાથે અમેરિકામાં જ રહીશું ".
નીસર્ગીના આવા વલણને જોતા સમય સમજી ગયો હતો કે તેને સાથે રહેવામાં રસ નથી આથી તે તપનને સાથે લઇ ઇન્ડીયા ઉપડી ગયો, મનમાં ઘણુંજ દુઃખ હતું કે અમેરિકા રહેવાના લોભમાં તેની પત્ની તેમના સુખી સંસારને છિન્નભિન્ન કરી રહી છે.
સમય સમજતો હતો કે પરાણે પ્રીત નથી થતી, એણે નીસર્ગીને તેની જીદ અને નશીબને સહારે છોડી દીધી.
માર્કને હવે છૂટો દોર મળી ગયો હતો, તે નીસર્ગી સાથે કોઈપણ રોકટોક વિના રહેવા લાગ્યો હતો, તે અમેરિકન સ્ટાઇલમાં રહેવા અને જીવવા ટેવાઈ ગયેલો હતો આથી લગ્ન જેવા રીલેશન ને તે બંધન માનતો હતો, તેના મત પ્રમાણે ફાવે તો સાથે રહેવું નાં ફાવે તો પોતપોતાને રસ્તે વધી જવું, જો મેરેજ થઇ ગયા હોય તો મિલકતની વહેચણી સાથે કોર્ટના ચુકાદાની રાહ જોવી પડે, આ તેના સ્વતંત્ર મિજાજને અનુકુળ નહોતું.
ઇન્ડીયામાં રહીને પણ સમય નીસર્ગી વિષે સમાચાર મેળવતો રહેતો એક આશાએ કે કદાચ તે પસ્તાઈ પાછી વળે, પરતું આ બધું જાણી તેણે તેમનો પતિપત્નીનો સબંધ ગંધાઈ ઉઠે તે પહેલા તેને કાપી નાખવો જરૂરી માન્યો અને મુચ્યુઅલ અંડરસ્ટેન્ડીગ થી ડિવોર્સ પેપર મોકલી આપ્યા. માર્કના રંગે રંગાએલી તેણે પણ કોઈ અફસોસ વગર સાઈન કરી આપી. હા તપન માટે એક તડપ બાકી હતી અને તે રાહ જોતી તેની પરમેનેન્ટ રેસીડેન્સી માટેની, પછી ઇન્ડિયા જઈ દીકરાને લઇ આવશે. અહીની મુક્ત લાઈફ સ્ટાઈલ ના રંગે રંગાતી જતી તે ભૂલી ગઈ કે તેની અંદર આખરે એક ઇન્ડિયન સ્ત્રી દટાઈ ગઈ છે, જે ક્યારેક બહાર આવવા જોર કરી શકે તેમ છે.
આજકાલ કરતા વર્ષ પૂરું થવા આવ્યું, નીસર્ગી સમજી ગઈ માર્કની ખાલી વાતોજ હતી. કારણ તે જોતી હતી કે આજકાલ નવી આવેલી સ્પેનિસ યુવતીને જોઈ માર્ક તેની આજુબાજુ ફરતો હતો. પુરુષની ભ્રમર વૃત્તિનો અંદાજો તેને આવી ગયો હતો, માર્ક સાથે લડાઈ કરવામાં તેની નોકરી જવાનું જોખમ હતું જેની તેને અત્યારે બહુ જરૂર હતી. હવે તે પસ્તાઈ રહી હતી કે તેને સમયને જવા દીધો જવા દીધો તે તેની મોટી ભરપાઈ નાં થઇ શકે તેવી ભૂલ હતી. પરંતુ હવે એ વાતનો કોઈ અર્થ નહોતો રહ્યો, ઇન્ડિયા તેના મા બાપે પણ તેની સાથેના સબંધો લગભગ નહીવત કરી નાખ્યા હતા અને સમય પણ તેની લાઈફ માં સરિતા સાથે લગ્ન કરી આગળ વધી ગયો હતો.
નીસર્ગી સમસમીને ચુપ રહી હવે પાછા ઘરે જતા તેનો અહં અને શરમ તેને રોકી રહ્યા હતા, તે સમજી ગઈ હતી તેની સાથે ગંદી રમત રમાઈ ગઈ હતી અને તેમાં તે પણ બરાબરની ભાગીદાર બની હતી, હવે પોતાની ભૂલ ઉપર કોઈને દોષ શું આપવો. તેની ફ્રેન્ડ નિશાની મદદથી તેણે બીજી એક કંપનીમાં સારી જોબ મેળવી લીધી અને એક બેડરૂમ નાં એપાર્ટમેન્ટમાં સિફ્ટ થઇ ગઈ.
સમય તેની ગતિ લઇ ઉડવા લાગ્યો, કેટલાય ઘમપછાડા છતાય નીસર્ગીનું સ્વપ્ન પૂરું ના થયું અને તેનાથી ઇન્ડીયા પાછું નાં જવાયું, આમ કરતા પુરા ચૌદ વર્ષ નીકળી ગયા, છેવટે બદલાતા કાયદામાં તેને ગ્રીનકાર્ડ મળી ગયું. પરંતુ હવે ઇન્ડીયા પાછું જવાને કોઈ બહાનું રહ્યું નહોતું. ઇન્ડીયાથી આવનારા ઓળખીતા બધાના મ્હોએ તપનના મોટા થવાની આગળ વધવાની વાતો સાભળીને ખુશ પણ થતી અને જીંદગીની સાચી રોનક ગુમાવવાનું યાદ કરી દુઃખી થતી. વધારે દુઃખી એ ત્યારે થતી જ્યારે કોઈ આવીને કહેતું કે સરિતા અને તારા દીકરા તપન વચમાં બહુ પ્રેમ છે, તપનનો પ્રેમ વહેચાઈ નાં જાય માટે સમય અને સરિતાએ તેમનાં બાળક માટે વિચાર્યું નથી.
દીકરો મારો છે વાત સાચી પણ મારો ક્યા છે ? મારી પાસે ક્યા છે ?
ક્યારેક એકલતામાં વલોપાત વધી જતું ત્યારે તે સમયને ફોન કરતી અને દરેક વખતે સમય સીધો ફોન સરિતાને આપી દેતો, જેની સાથે કોઈજ વાત કરવાની નહોતી તેની સાથે વાતની શરૂઆત કેવી રીતે કરવી વિચારી તપન શું કરે છે ? વગેરે સામાન્ય પ્રશ્નો પૂછી તેની સાથે વાત કરવાની માંગણી કરતી
તપન પણ કોઈ અજનબી સાથે ઔપચારિકતા દર્શાવતો હોય તેમ માત્ર હા નાં બરાબર છે જેવા શબ્દોમાં વાત ટુંકાવી નાખતો.
આ વખતે તેની સોળમી વર્ષગાઠ આવી, આમતો છોકરીઓ માટે આ બર્થડે બહુ મહત્વની હોય છે પરંતુ આ બર્થડે નું બહાનું કરી નીસર્ગીએ સમય અને સરિતાને બહુ સમજાવી પચ્ચીસ દિવસ માટે તપનને અહી બોલાવવા માટે મનાવી લીધા.
નીસર્ગીના મનમાં એક કીડો હજુ પણ સળવળતો હતો કે, તપનને હું એક મહિનામાં અમેરિકાનો રંગ બરાબર ચડાવી દઈશ. અને આમ પણ આ ઉંમર પણ આવીજ હોય છે કે એને ભૌતિકતા પહેલી આકર્ષે છે. આ દિવસો એણે જોબ ઉપર રજાઓ હતી. દીકરા માટે જીવવું હતું કાયમને માટે પોતાનો કરી લેવો હતો.
અચાનક ઘડીયાર સામે નજર જતા એ બબડી " ઓહ ફ્લાઈટનો સમય થવા આવ્યો ઝડપ કરવી પડશે ".
સમયસર એ એરપોર્ટ પહોચી ગઈ, ફ્લાઈટ ઓન ટાઈમ હતી, પેસેન્જર બહાર નીકળતા હતા એરપોર્ટ માંથી બહાર નીકળવાની એક્ઝીટ પાસે સહુ પહેલી ઉભી રહી નીસર્ગી ઘડકતા હૈયે આવનારા દરેક પેસેન્જરને દુરથી જોઈ લેતી, એવામાં એક અણસારો આપતો યુવાન ચહેરો નજરે પડયો.
તપન " તે લગભગ સામે દોડી, દીકરાને બાથમાં ભરી લીધો. નીસર્ગી ભૂલી ગઈ કે આ એરપોર્ટ છે અને ત્યાજ ધ્રુસકે ચડી ગઈ. આજે એક માં સમય અને સ્થળ બધુજ ભૂલી ગઈ હતી. તેનું દુર ગયેલું કાળજું આજે સોળ વર્ષ પછી તેને આવીને વળગ્યું હતું કે એમ કહો કે તે પરાણે વળગી હતી. તપન તેનાથી સહેજ અળગો થવા પ્રયત્ન કરી રહ્યો હતો છતાં એક માને જોર કરી ખસેડી શકે તેવી ક્ષમતા તેનામાં નહોતી
છેવટે નીસર્ગીની હિબકે ચડેલી શાંત થઇ " સોરી બેટા, લેટસ ગો હોમ " સાચવીને ગાડી હંકારતી નીસર્ગી થોડીથોડી વારે બાજુમાં સીટબેલ્ટ બાંધી બેઠેલા તપન સામે જોઈ લેતી, છેવટે મૌન તોડવા વાતોની શરૂઆત કરી.
" બેટા જર્નીમાં કોઈ તકલીફ નહોતી થઈને "ટુંકો જવાબ મળ્યો " નાં "
બસ આમ દરેક વાતના ટુંકા મળતા જવાબ થી તે એટલું તો સમજી ગઈ કે તપન અહી પરાણે આવ્યો છે, તેને કાયમને માટે પોતાનો કરી લેવા થોડી વધુ તકલીફ પડશે.
ઘરે જઈ તપન આઈ એમ વેરી ટાયર્ડ કહી રૂમમાં જઈ સુઈ ગયો, તે પહેલા ઇન્ડીયા ફોન કઈ સરિતા સાથે બહુ ઝગડ્યો " મમ્મી એક તારા કહેવાથી હું અહી આવ્યો છું, તું જાણે છે મને તારા વિના એક પણ દિવસ નથી ચાલતું તો આ 24 દિવસ કેમ કરીને પુરા કરીશ ". સરિતાની કેટલીય સમજાવટ પછી તે સુઈ ગયો.
તે દિવસે તો ક્યાંય જવું નથી કહી ઘરે રહ્યો, બીજા દિવસે નીસર્ગી તેને ફિલાડેલ્ફીયા ડાઉન ટાઉન અને સીટી જોવા લઇ ગઈ. તપનના આવ્યા પહેલા અતે તેની માટે ફેશન પ્રમાણેના ગરમ કપડાં, સૂઝ પરફ્યુમ બધુજ લઇ આવી હતી. આ બધું ખરીદતી વખતે તેને અલગ રોમાંચ થતો હતો, કારણ બે ચાર મિત્રોને ગીફ્ટ આપવા સિવાય તેને હવે આ ખરીદીનો અનુભવ નહોતો રહ્યો. હા પહેલા સમય માટે તે જાતે શોપિંગ કરતી હતી.
બહાર ઠંડી હતી છતાં પણ તે બધું ફરીફરીને દીકરાને બતાવતી રોજ નવા શહેર માં ફરવા લઇ જાય અને અલગ અલગ કોન્ટિનેન્ટલ રેસ્ટોરન્ટ માં ડીનર કરાવે, વીકેન્ડમાં નીસર્ગી તેના મિત્રોના હમઉમ્ર દીકરા દીકરીઓને પોતાના ઘરે એકઠાં કર્યા જેથી તપનને એકલું ના લાગે, બધા સાથે બહાર ફરવા પણ મોકલ્યો. આમ તેનાથી બનતું બધુજ એ હરખભેર કરતી હતી, હા તેના આ પ્રેમ અને ઉત્સાહ પાછળ એક સ્વાર્થ પણ હતો, તપનને રોકી લેવાનો.
આ તરફ, તપન ગમે તેમ તોય યુવાન છોકરો હતો અહીની લાઈફ સ્ટાઈલ અને ભપકાથી અંજાતો જતો હતો. આજની જનરેશન ગમે ત્યાં હોય બધેજ ઝડપથી એકમેક સાથે ભળી જતા હોય છે. આમ વીસ દિવસ પલક ઝબકારે પુરા થઇ ગયા.
" મોમ હવે મારે જવાના ચાર દિવસ રહ્યા, હું જતા પહેલા બધા ફ્રેન્ડસને એક ડીનર ટ્રીટ આપવા માગું છું " તપન ડીનર ટેબલ ઉપર વાતવાતમાં બોલ્યો.
" તપન સ્યોર તારે કેટલા ડોલર જોઇયે છે ?" " મોમ મારી પાસે ડોલર છે, પપ્પાએ આપ્યા હતા તે હજુ અકબંધ પડ્યા છે હું તે યુઝ કરીશ, તમે બહુ ખર્ચ કર્યો છે ".
" તપન આ બધું તારુજ છે, અને હું તો કહું છું અહી તારું ફ્યુચર બ્રાઈટ છે તું અહીજ રોકાઈ જા મારી પાસે, તારી મોમ પાસે. બસ તું હા કહે એટલે તારા ગ્રીનકાર્ડ માટે આપણે એપ્લાય કરી દઈએ. " તપન ના હાથ ઉપર હાથ મૂકી નીસર્ગી બહુ મૃદુતાથી બોલી.
મોમના હાથને થપથપાવી તપને ધીરેથી હાથ છોડાવી લીધો " મોમ મારે પાછું તો જવુજ પડશે મમ્મી મારી રાહ જોવે છે ".
" મમ્મી ? તપન તેણે તને જન્મ નથી આપ્યો, તારી મોમ હું છું તું મારો દીકરો છે" નીસર્ગી નો અવાજ બદલાઈ ગયો.
" મોમ તમારી અહી ભૂલ થાય છે, જન્મ આપવાથી જો મા બની જવાતું હોત, કે મા મળી જતી હોત તો કોઈ બાળક અનાથ ના હોત. બાળકને ટાઈમ આપવો પડે, ગળે વળગાડી મોટો કરવો પડે. આ બધું જે કરે તેજ મા, મોમ તમે એવું ના વિચારતા કે હું તમને હેટ કરું છું, કારણ મારી મમ્મીએ મને તે શીખવા નથી દીધું, તે કાયમ કહેતી કે આમ કરવામાં તમારી કોઈ મજબુરી હશે, બાકી કોઈ મા દીકરાને આમ તરછોડે નહિ. મોમ હું તમને તે વિષે પૂછીને આપણા લોહીના સબંધને ડાઘ નહિ પાડવા દઉં. પણ મને મારી પાલક માતાથી અલગ કરવાનો વિચાર પણ ના કરશો. હું આજે અહી તેણે મને આપેલા સોગનને કારણે છું, હું તમારી લાગણીને સમજુ છું પણ આઈ એમ સોરી " લાંબુ બોલી તે ચુપ બની ગયો.
નીસર્ગી વિચારતી રહી તેની જીદે તેને સમય થી વિખુટી કરીને એકલતાના રણમાં લાવીને મૂકી દીધી છે. તેની આંખોમાં પસ્તાવાના આંસુ ઉમટી પડયા. તપન કેટલીય વાર સુધી તેનો બરડો પંપાળતો રહ્યો. નીસર્ગીને કોણ જાણે શું યાદ આવ્યું કે પહેલીવાર તેણે સરિતાના મોબાઈલ ઉપર ફોન જોડયો " સરિતા મેં આજે તને થેક્યું કહેવા માટે ફોન કર્યો છે, બહેન તે આપણા દીકરાને બહુ સારા સંસ્કાર આપ્યા છે, જે કદાચ હું ના આપી શકી હોત. બસ મને પ્રોમિસ આપ કે જ્યારે પણ શક્ય બને તું તારા ઘરના દીવડાને થોડા સમય માટે પણ મારા અંધારા ઘરમાં ઉજાસ ફેલાવવા મોકલતી રહીશ. અને હા ! બે દિવસ પછી તેની ફ્લાઈટનો ટાઈમ હું ટેક્સ્ટ કરીશ તમે તપનને રીસીવ કરવા સમયસર પહોંચી જજો. પાછળ ઉભેલા તપનના ચહેરા ઉપર ખુશી છલકતી હતી.
***
8 - આનંદ
I Shital Pathak Assured that the below biographical inspirational story. Is based on an interview with Mr. Anand Upasani. ( Contact no 8511711370) All information and story is based Anand’ different phases of life. Now he is settled in Surat.
Anand – My life my way
“શ્રી રામ”
“ભીડમાં હાજરી નોંધનાર કોઇ મળતું નથી
તેનાથી અલગ તરી જવામાં કંઇ નડતું નથી,
ફર્ક છે માત્ર સાહસ અને જાત પરના વિશ્વાસનો,
નહિંતર આ સમાજ પણ અજાણ્યા કહેવામાં શરમાતું નથી.”
આનંદ ઉપાસની...... આ વ્યક્તિ છે જેણે ઉપરોક્ત એક એક શબ્દને જીવ્યો છે. જીવનમાં કશું જ બાકી નથી રહ્યું સહન કરવામાં અને હવે કશું બાકી પણ નહી રહે નવું વધાવવામાં ! દરેક રંગનો આ સ્વાદ માણનાર આ વ્યક્તિ આજે સફળતાની રાહ પર ચાલી નીકળ્યા છે. આજે હું તેમની જ જીવનયાત્રાનો પ્રવાસ કરાવીશ જે લગભગ બધા જ માટે ખાસ્સો પ્રેરણારૂપ રહેશે.
આનંદ ઉપાસની એક બિઝનેસ મેન – મજબુત મનનાં માલિક અને પોતાના નિર્ણયોમાં મક્કમ રહેવાની વૃતિ તેમનો મૂળ સ્વભાવ ગણાય. ગુજરાતમાં સુરત શહેરમાં સ્થાયી થયેલા અને હાલ અર્થિંગ સીસ્ટમના મેન્યુફેક્ચરીંગના બિઝનેસમાં કાર્યરત અત્યારે Eco Technology & Projects (ETP) નામની પોતાની કંપનીના માલિક છે. ૨૦૧૩ ની સાલમાં આ કંપની માત્ર ૩૫૦૦૦/- રૂ|. ના રોકણથી અન્ય બે ભાગીદારો સાથે મળીને ઉભી કરાયેલી હતી. આજે તેનો વ્યાપ સમગ્ર ગુજરાતમાં ફેલાયેલો છે. 2.75 કરોડનું ટર્ન ઓવર કરતી આ કંપનીમાં હાલ ૩૧ કર્મચારીઓ કામ કરે છે.
હાલ ૪૦ વર્ષીય આનંદભાઇ તેમની આ જગ્યાએ પહોંચ્યા તેના મૂળીયા તેમના નાનપણમાં જ નંખાયેલા હતા. આણંદ જીલ્લાના સારસા ગામના મૂળ વતની પણ તેમના પિતા નવીનચંદ્ર (શામળભાઇ) છો. ઉપાસની સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર શહેરમાં સ્થાયી થયા હતા. વ્યવસાયે શિક્ષક પિતા નવીનચંદ્ર ઉપાસની તેમના પત્ની પ્રતિમાબેન ઉપાસની એ ચાર સંતાનો સાથે સુરેન્દ્રનગરના મધ્યભાગમાં નાના બે રૂમ રસોડાના ઘરમાં તેમનો સંસાર શરૂ કર્યો હતો. ત્રણ દિકરી અને એક દિકરા સાથે જીવન સ્નેહ અને સંસ્કારની છાયામાં વિકસતું હતું ત્યારે મર્યાદીત આવકમાં પરીવારનું પાલન પોષણ પણ કસોટીરૂપ હતું. પોતાની આંખમાં સપના ઉછેરવા અને મનની ઇચ્છાઓને ન્યાય આપવાની છૂટ પિતાએ દરેક સંતાનને આપી હતી. પણ આવકની મર્યાદામાં છૂટતા સપના અને તુટતી ઇચ્છાઓને બચાવવાની હામ પણ તેમણે જ આપી હેતી.
તેમના ચાર સંતાનો માં ના એક દિકરા એટલે આનંદભાઇ ત્રણ બહેનો વચ્ચે એકના એક ભાઇ આનંદભાઇ તેમનું ત્રીજા નંબરનું સંતાન હતા. બાળપણમાં જ તેમનામાં સાહસવૃતિ તો હતી જ. નાની નાની વાતોમાં પણ સાહસી બનીને પોતાની જાતને કસોટીમાં મુકી દેતા ક્યારેય અચકાતા નહી.
એકવાર શાળાએ જતાં લગભગ પહેલા ધોરણ કે બીજા ધોરણમાં ભણતાં આનંદ મિત્રો સાથે ચાલતા ચાલતા મસ્તી કરતાં રસ્તા પરથી જતાં હતા. ત્યારે રસ્તાની સાઇડમાં કોઇ કામ ચાલતું હશે તેની માટે થોડો ઉંડો ખાડો બનાવેલો હતો અને મસ્તીમાં જ આનંદને તેમના મિત્રે તેને તેમાં ધક્કો મારી પાડી દીધેલાં. ખાડામાં પડ્યા બાદ બુમાબુમ થતાં બાલમંદિરના એક તેડાઘર બેને આનંદને બહાર કાઢ્યો હતો. આ ઘટનાથી બીજી તો કોઇ શરીરને હાનિ પહોંચી નહોતી પણ ત્યારથી આનંદની જીભ બોલતાં બોલતાં અચકાવા લાગી હતી. વર્ષો સુધી આ તકલીફ જોડે રહી અને એ દરમિયાન કેટલીયવાર લોકો વચ્ચે હાસ્તંપાત્ર પણ તેઓ બનતા રહ્યા. છતાંય તેમની સાહસનું અને ડર સામે લડવાની હામ તેમને પોતાની ખામી સામે પાંગળા બનવા દીધા નહી. અભ્યાર્સકાળ દરમિયાન તેઓ સામેથી સ્ટેજ પર પરફોર્મન્સ આપવા ઉભા થતાં. વકૃત્વ સ્પર્ધા, ગાયન સ્પર્ધા વેગેરેમાં ભાગ લેતા. તેમની જીભ અચકાવવાની તકલીફે ત્યારે પણ તેમને પરેશાન કરેલા પણ એનાથી ડરીને કે હારીને મોં સંતાડીને બેસી રહેવાનું તેમના સ્વભાવમાં જ નહોતું આવ્યું. તેઓની લડત એ તકલીફ સામે સતત ચાલતી રહી. તેમનામાં પ્રતિમાબેન પણ આ તકલીફથી ખૂબ જ ચિંતિત અને વ્યથીત રહેતા હતા. અને અનેક પ્રકારની દવાઓ – નુસ્ખાઓ આનંદને સારો કરવા કર્યા કરતા હતા. સંપૂર્ણ પરીણામ તો જ ના જ મળ્યું પણ તેમના સંઘર્ષની ઉંમર વધતી રહી.
અભ્યાસમાં સામાન્ય ગણાતા આનંદ ચેસ રમવામાં કુશળ હતા. સ્કુલમાં અને પોતે રહેતા હતા તે વિસ્તારમાં પણ ચેસ ચેમ્પિયન ગણાતા હતા. ચેસ રમતનો ફેલાવો કદાચ તેમના જ થકી તેમના વર્તુળમાં થયો હતો.
ભણવાની સાથે-સાથે જેમ જેમ સમજ અને ઉંમર વધતી ગઇ તેમ તેમ તેમના મનમાં સપનાઓનો સળવળાટ શરૂ થયો. પોતે જે પરીસ્થીતીમાં અને જે ઢબની જીંદગીમાં જીવે છે તેનાથી વધુ સારી અને સગવડતરી જેમાં સફળતા અને સમૃધ્ધીનું સંયોજન થયેલું હોય તેવી જીંદગી મેળવી શકાય છે તેવું દ્રઢપણે માનતા થયા હતા. મોટી ગાડી, મોટું ઘર, પોતાની કંપની અને સમાજમાં પોતાનું હાઇપ્રોફાઇલ સ્ટેટસ વગેરે તેમના બળવત્તર સયનાઓ હતા. એક ખાસચીત એ સમયે ખાસ હતી તેમનામાં કે તેમને તેમના આ મોટા-મોટા સપનાઓ લોકો સાથે Share કરવામાં ઉત્સાહ અને આનંદ અનુભવતાં હતાં જ્યારે સામેના લોકો તેની વાતોનો કોઇ વખત મજાક પણ બનાવતા હતા. હસનાર એ લોકો એક સમયે જોતા રહી જશે એવો Will Power તેમનામાં ગજબનો હતો. કોઇ વાતની નાનમ કે શરમ, સંકોચ તે લોકોની મજાકથી અનુભવતા નહી. કદાચ આ જ મક્કમતા તેમનામાં વધારે ઉર્જાનો સંચાર કરતી હતી.
દસમાં ધોરણમાં મહેનત વધારીને 77% રીઝલ્ટ સાથે પાસ થયા બાદ આનંદે ડિપ્લોમાં ઇન ઇલેક્ટ્રીકલ એન્જિનીયરીંગમાં એડમીશન મેળવ્યું. સુરેન્દ્રનગરની જ સરકારી પોલીટેકનીક કોલેજમાં તેમના અભ્યાસનો બીજો તબક્કો શરૂ થયો. દેખાવે શ્યામ અચકાતી જીભ સાથે આત્મવિશ્વાસના પૂંજ હ્રદયમાં રાખી પોતાની પર્સનાલીટી આકર્ષક અને પ્રભાવશાળી બનાવી હતી. તેમના વ્યક્તિત્વમાં ક્યાંય તેમની ખામીની નેગેટીવ છાયા જણાતી નહોતી. તેમણે હંમેશા તેમના વ્યક્તિત્વને આત્મવિશ્વાસના જોરે જ હાઇલાઇટ કર્યું હતું. બધા સાથે મૈત્રી સભર અને આત્મીય વ્યવહાર કોલેજમાં તેમને લોકપ્રિય બનાવ્યા હતા.
કોલેજના અભ્યાસ દરમિયાન તેમના બે પ્રોફેસરોથી ખાસ્સા પ્રભાવિત થયા હતા. એક તેમના મેથ્સના સાહેબ જેમનું એક વાક્ય તેમને હ્રદય સોંસરવું ઉતરી ગયેલું તે હતું. “એકવાર ખોટો દાખલો પણ ગણવાની શરૂઆત કરવી જ જોઇએ; નથી આવડતું કરીને બેસી રહેવા કરતાં ખોટો દાખલોય ગણવાની શરૂઆત તો કરવી જોઇએ તો જ સાચો દાખલો તરફ જઇ શકાશે.” ખોટું કરીશું તો જ સાચાનું ભાન થશે. અને નિષ્ક્રીય રહેવા કરતાં ખોટા પગલા પણ સાચી દિશા તરફ લઇ જઇ શકે છે. એ વાત તેમને ત્યારથી ગાંઠ બાંધીને રાખી લીધી હતી.
બીજા એક પ્રોફેસર વર્ગમાં એકવાર સમજાવ્યું હતું કે ડરનો કોઇ જ ઇલાજ નથી ડરનો સામનો એ જ તેનો એકમાત્ર ઉપાય છે. કોઇપણ વસ્તુનો ડર જેટલો મનમાં રાખી તે ડર વધુને વધુ ઉંડો થતો જાય. જેમ જેમ ડરનું પ્રમાણ વધું જાય તેમ તેમ તે સમગ્ર વ્યક્તિત્વ પર કાળુ કરતો જાય છે. એટલે ડરને સંઘરી રાખવા કરતા ડરનો સામનો કરીને તેને પરાજય કરવામાં જ વીરતા છે. આ વાત આનંદના માનસ પટલ પર અંકિત થઇ ગઇ હતી.
કોલેજમાં ઘણીવાર વર્ગમાં બધા વચ્ચે બોલવાનો વખત આવતો ત્યારે તે જીભ અચકાવાને લીધે એક જાતનો ડર લોકો વચ્ચે હાંસીપાત્ર થવામાં અનુભવતો પણ હવે ડરનો સામનો કરવાનું નક્કી કર્યા બાદ તેમણે પોતાની જાત ને જ કસોટીના એરણ પણ ચડાવી. કોલેજના ટેલેન્ટ ફંકશનમાં ગીત ગાવામાં પોતાનું નામ લખાવ્યું. અંદરખાને લોકોની ગુસપુસ અને ઢઢ્ઢા મશ્કરીથી તેઓ પરીચીત હતાં છતાંય બસ હવે ડરીને જીવવું નથી. તેવા પાવર સાથે સ્ટેજ પર એક્સલેન્ટ પર્ફોમન્સ આપ્યું. ફીલ્મ ‘નારાજ’ નું સંભાલા હે મેને બહોત અપને દીલ કો’, ગીત ગાઇને લોકોની તાળીઓનો ગડગડાટ ખુલ્લા દીલે વધાવ્યો હતો. એ ફંકશન પછી તેમની જ મજાક ઉડાવનારા તેમના મિત્રો થવા તલસતા હતાં. પોતાની ખામી સામે તેમની ડર પર આ લહેલી જીત હતી !
કોલેજમાં એકવાર ઇલેક્ટ્રીકલ પ્રોજેક્ટ બનાવવાનો હતો. આનંદ અને તેમના મિત્ર અને અન્ય બે છોકરીઓ એમ મળીને ચાર જણના ગૃપે કોઇ પ્રોજેક્ટ તૈયાર કરવાનો હતો. ઇલેક્ટ્રીકલ બેલાસ્ટ ચોક બનાવાનો પ્રોજેક્ટ તૈયાર કરવાનું નક્કી કર્યું. સ્ટાર્ટર વગર ટ્યુબ લાઇટ બલ્બની જેમ ચાઉ થતી જોઇને આનંદના મગજમાં પ્રથમવાર આ ઇલેક્ટ્રોનીક ચોક બનાવવા અને તેનો બિઝનેસ કરવાનો વિચાર જાગ્યો હતો. પ્રોજેક્ટ તો સારી રીતે થઇ ગયો પણ આ વાત પ્રોજેક્ટ પૂરતી સીમીત ન રહી.
આનંદમાં ભણવા પ્રત્યે એટલી લાલસા નહોતી. તેમને તો જલ્દી ભણવાનું પતાવીને પોતાન સપના સાકાર કરવા હતા. ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રીકલ એન્જિનીયર થઇને તેમણે ભણવાનું કામ સમેટી લીધું. હવે પોતાના પગ પર ઉભા રહેવાની તમન્ના તેમને ચેનથી બેસવા નહોતી દેતી. મનમાં હતું કે પોતે એન્જિનીયર થઇ ગયા એટલે સારી નોકરી મળી જશે પણ હકીકત કંઇક જુદી જ હતી. કેટલીય જગ્યાએ નોકરીની તલાશમાં ફર્યા પણ અનુભવ વગર અને ડિપ્લોમાં ડિગ્રી સાથે તેમને સારી નોકરીની ઇચ્છા અધુરી જ રહી ગઇ. લગભગ એકાદ વર્ષ બેકારીમાં વીતી ગયું પણ આ દરમિયાન મગજમાં પોતાનો બિઝનેસ કરવામાં એક પછી એક નવા નુસ્ખા આવતા જ ગયા.
પિતાની ચાલુ નોકરીએ જ પોતે પગભર થઇ જાય તેવી ઇચ્છા રાખતા આનંદને સુરેન્દ્રનગરમાં વઢવાણ જી.આઇ.ડી.સી. માં 47 રૂ|. રોજ પર નોકરી મળી. દરરોજ ઘરેથી ટીફીન લઇને નોકરી જતાં એક ઇલેક્ટ્રીકલ એન્જિનીયરના ફોર્મમાં પણ નોકરીમાં લગભગ મીકેનીકલ એન્જિનીયર જેવુ કામ કરવું પડતું. Lethmachine ચલાવતાં પણ તે શીખી ગયા. લેબર વર્કથી શરૂ કરીને લગભગ બધા જ પ્રકારના કામ શીખતા ગયા અને વગર શરમ-સંકોચે કરતાં ગયા. આ સમયમાં તેમના સંબંધ તેમના માલિક સાથે બહુ સુમેળભર્યા રહ્યા. તેમનો કામ પ્રત્યેનો ઉત્સાહ અને નવા નવા આઇડીયા, નવા વિચારને તેમણે ખાસ્સો આવકાર્યો.
કોલેજમાં પ્રોજેક્ટ વખતે ઇલેક્ટ્રોનીક ચોક બનાવવાનો જે આઇડીયા આવ્યો હતો તેને હવે વધારે એક સપોર્ટ મળ્યો.નોકરી દરમિયાન જ કોઇ સેલ્સ એક્ઝીક્યુટીવ પાસે આ ઇલેક્ટ્રોનીક ચોક જોયો ત્યારે તે માર્કેટમાં લગભગ 170 રૂ|. વેચાતો હતો. આનંદે તેના માલિક પાસે તે જ ચોક ઓછી કિંમતમાં બનાવીને વેચવાનો વિચાર પ્રસ્તુત કર્યો. માલિકની સંમતિ અને રસ જોઇને આનંદે અમદાવાદના ઇલેક્ટ્રોનીક બજારમાં તેના દરેક સ્પેરપાર્ટની જાણકારી અને ભાવતાલ માટે ત્યાંના ધક્કા ખાવાના શરૂ કર્યા. એક-એક કમ્પોનેન્ટના ભાવ કઢાવી ઇલેક્ટ્રોનીક ચોકની પડત કિંમત ઓછી અંકાઇ માર્કેટમાં વેચાતા ચોક કરતાં ઓછા ભાવે ચોક બનાવીને વેચવાનો બિઝનેસમાં હવે આનંદ સાથે તેમના માલિક પણ જોડાયા હતા. નોકરીના એક જ વર્ષમાં આનંદનો પગાર 47 રૂ|. રોજથી વધીને 65 રૂ|. રોજનો કરી દેવાયો હતો. ત્યારે એ પગારની ખૂશી ઘરમાં પણ છવાઇ ગઇ હતી. સાથે સાથે પાર્ટનરશીપમાં ભાગ નક્કી થયો.
New Firm ત્યારે અસ્તિત્વમાં આવી અને ઇલેક્ટ્રોનીક ચોકના માર્કેટમાં ઓછા ભાવમાં મળતાં ચોકે સૌનું ધ્યાન આ તરફ ખેંચાયું. અપેક્ષા મુજબ કામ સારૂં ચાલવા લાગ્યું હતું. પણ હજુ જોઇએ એવી આવક ઉભી નહોતી થઇ. માર્કેટમાંથી ચોકના પેમેન્ટ આવે અને એ જ રકમમાંથી નવું કામ થતું. એના કારણે કામ ધીમી ગતીએ ચાલતું હતું. ધંધો ચલાવવા પૈસાને ગતિશીલ રાખવા જરૂરી હતા એટલે જ આનંદે એક માર્કેટીંગ ટ્રીક અપનાવી ડીલરોને ઓફર આપી દરરોજ ચોકના પેમેન્ટ રૂપે 10 રૂ|. આપવા Electro bank ના માણસ દરરોજ સવારે ચોકના પેમેન્ટની ઉઘરાણી માટે ડીલર પાસેથી 10 રૂ|. લેવા જતા. દરરોજની ઉઘરાણી માટે આવતા માણસથી કંટાળી કેટલાય ડિલરો એક સાથે પેમેન્ટ કરવા લાગ્યા. લગભગ દરરોજનું 1000 રૂ|. નું કલેક્શન થતું ગયું અને કંપનીનું કામ અટક્યા વગર થોડું થોડું ચાલતું રહ્યું.
સમય વીતતો ગયો આનંદના કંપનીના પાર્ટનર તેના માલિક કેટલાક અંગત પારિવારીક સમસ્યાને લીધે ધંધામાંથી છુટા થયા એ સાથે આનંદને પણ તેમાં તેનું ભવિષ્ય સ્થિરતા નહી પામે તેવું લાગતા નોકરી અને ધંધા બંનેમાંથી અલગ થઇ ગયા.
ફરી પાછી થોડો સમય બેકારી એ જીવન પર પકડ જમાવી. એ દરમિયાન આનંદ વોટર પ્યુરીફાયર અને ગેસ ડિટેક્ટરના ટ્રેડીંગ બિઝનેસમાં પણ હાથ અજમાવ્યો. પિતા પાસેથી 10, 000 રૂ|. ડિપોઝીટ લઇને બિઝનેસ શરૂ કર્યો પણ સદંતર નિષ્ફળતા!!! માર્કેટીંગમાં કોઇ ખાસ આવડત વગર, બિઝનેસ કેમ ચલાવવો તેની જોઇએ એવી સમજના અભાવે થોડા જ સમયમાં આ ટ્રેડીંગ બિઝનેસ પર પણ પડદો પડી ગયો....!
આનંદની નિષ્ફળતા અને પૈસાનું નુકસાન સામે તેની પાસે તેના પિતાની હિંમત અને પરીવારની હુંફ હતી. માતા-પિતા તરફથી હંમેશા લાગણી અને વાત્સલ્યનો પ્રવાહ વહેતો જ્યારે ત્રણે બહેનો તરફથી કશું નવું વિચારવાની, નવા નવા તુક્કા જ કહેવાય તેવા આઇડીયા મેળવતો. એકંદરે તેની નિષ્ફળતાનું વજન હજુ પરીવાર પર બહુ ભારે પડ્યું નહોતું.
ઇ.સ. 2000 ની સાલમાં આનંદના પિતા શિક્ષકની નોકરીમાંથી નિવૃત થયા. એ સમયે મોટી બહેન લગ્ન કરીને વિદાય થઇ ગઇ હતી. નિવૃતિ વખતે મળેલા પ્રોવિડન્ડ ફંડના પૈસામાંથી રૂ|. 1, 00, 000 પિતાએ આનંદને તેના નવો બિઝનેસ શરૂ કરવા આપ્યા અને તેમાંથી તેમણે તેમના એક ખાસ મિત્ર સાથે મળીને કંપની ઉભી કરી જે ઇલેક્ટ્રોનીક ચોકનું પ્રોડક્શન અને સેલિંગ કરતી હતી. આ વખતે આનંદમાં આત્મ વિશ્વાસ વધુ હતો કારણ કે તેમને આ બિઝનેસનો અનુભવ હતો. ઇલેક્ટ્રોનીક ચોકના માર્કેટની તેઓ ખાસ્સા પરીચીત હતા.
સુરેન્દ્રનગરમાં જ વઢવાણ જી.આઇ.ડી.સી. માં જગ્યા ભાડે રાખી અને જોરશોરથી નવા બિઝનેસની તૈયારીઓ કરવા માંડી. આ વખતે નવા બિઝનેસના ઉદ્દઘાટનમાં ઘણા મહેમાનોને પણ આમંત્રણ પાઠવ્યા હતા. ઉદ્દઘાટનને લગતી તમામ તૈયારીઓ થઇ ગઇ હતી. જે દિવસે ઉદ્દઘાટન હતું તેના આગલી રાત્રીએ જ આનંદ અને તેના મિત્ર બનાવેલા ઇલેક્ટ્રોનીક ચોકનું ટેસ્ટીંગ કરવા બેઠા. અને અહો આશ્ચર્ય ! એક પણ ચોક ચાલુ જ ન થયો.
પરીસ્થીતી ઘણી વિકટ હતી. આનંદ સાથે જોડાયેલા મિત્ર એક આર્ટ્સ ગ્રેજ્યુએટ હતા. તેમને ઇલેક્ટ્રોનીક ચોકમાં કશી જ સમજ નહોતી. રાતોરાત બધા બનાવેલા ચોકને ચાલુ કરવાની જવાબદારી આનંદના શિરે જ આવી. કંપનીના ઉદ્દઘાટનના આગલી રાતે આનંદે બધા જ ચોક ખોલીને ફરીથી Soldering કર્યા. એ સમયે કોઇ કારીગર રાખ્યા નહોતા બધું જ કામ જાતે જ કરતા હતા. તેમના મિત્ર પણ તેમની મદદમાં જોડે જ રહ્યા. અને આખી રાત મહેનત કરીને બધા ચોક ચાલુ કરીને ફરીથી પેક કર્યા અને બીજે દિવસે સવારે વિધિવત કંપનીનું ખાત મુહુર્ત થયું....
નિવૃત પિતાને આનંદ તરફથી હવે સફળતાની અપેક્ષા વધી ગઇ હતી. ૨૦૦૧ ની સાલમાં બીજી બહેન જેના (Civil Eng.) લગ્ન માટે અને નાની ગ્રેજ્યુએટ બહેનના Higher Study માટે પિતાએ પોતાની સમગ્ર જ્ઞાતિ અને કુટુંબ વચ્ચે રહેવા વડોદરા સ્થળાંતર કરવાનો નિર્ણય કર્યો. આનંદે પણ પરિવારના હિતમાં આ નિર્ણયને ટેકો આપ્યો. અને જુન ૨૦૦૧ માં સુરેન્દ્રનગરમાં એકલા સ્થાયી થયેલા આનંદને છોડીને પૂરો પરીવાર વડોદરા રહેવા આવી ગયા. પરિવારથી વિખુટા પડવાની વેદના દરેક સદસ્યને હતી પણ કપરો પણ યથાયોગ્ય જ નિર્ણય લેવાયો છે તેવું ત્યારે પરિવારના દરેક સદસ્યને લાગતું હતું.
સુરેન્દ્રનગરમાં પૂરા પરિવાર સાથે જે ઘરમાં મોટા થયા હતા તે ઘર પણ વેચાઇ ગયું હતું અને આનંદ એકલા એક રૂમ રસોડાના મકાનમાં ભાડે રહીને પોતાનો બિઝનેસ ચલાવતા હતા. સદ્દનસીબે બિઝનેસ બહુ સારો ચાલવા લાગ્યો. રજાના દિવસોમાં આનંદ વડોદરા પરિવાર સાથે હસીખૂશી સમય વીતાવતા અને બાકીના દિવસો તેમનો બિઝનેસમાં પોતાની જાન રેડીને પણ કામ કરતાં.
આનંદ માટે સાવ એકલા રહેવાનું કંઇ સહેલું નહોતું પણ ત્યારે આત્માના અવાજને અનુસુરીને જીવનપથની સાચી દિશા તેમણે નક્કી કરી હતી. યુવાન વયે પોતાનો બિઝનેસ અને કોઇ જ રોક-ટોક કે બંધન વગરની જીંદગી તેમને ગમે તે રીતે ચલિત કરી શક્ત પણ એ સમયે તેમણે તેમની જાતને જ એક સવાલ પુછ્યો ‘મારી સામે બે રસ્તા છે એક સારો અને એક ખરાબ’. સારા રસ્તે ચાલવા જાત પર નિયંત્રણ, મક્કમતા અને આત્મવિશ્વાસનું બળ જરૂરી છે, જ્યારે ખરાબ રસ્તો બહુ લપસણો છે તેમાં લોભ-લાલચ અને ટુંકા રસ્તે ઘણું પામવાની લોભામણી સીડી પણ છે પરંતુ મારે મારા સંસ્કાર અને શિક્ષણને શરમાવે તેવું કંઇ જ કરવું નથી. અને આનંદે પહેલો જ રસ્તો ચાલવા માટે પસંદ કર્યો તેમાં તેમના સાથીદાર રહ્યા તેમના સાચા મિત્ર બનીને તેમના પુસ્તકો.....!
જીવનમાં પોઝેટીવ થીંકીંગના વિચારને પ્રસ્તુત કરતા પુસ્તકોને આગવું સ્થાન આપીને આનંદ કોઇ પણ કઠીન અને વિપરીત પરીસ્થીતીમાં પણ ટકી શક્તા હતા. કોઇપણ નવા વિચારને પ્રયોગ કર્યા વગર ક્યારેય છોડતા નહી અને કોઇપણ સાહર કરતાં પહેલા તેના પરીણામથી ડરતા નહી. હંમેશા નિડર બનીને જીવનના મહત્વના નિર્ણયો લેતા.
બિઝનેસમાં આનંદની પોતાની આવક દેખાવા લાગી. પરીવારથી છૂટા પડ્યા પછીથી પહેલી દિવાળીએ વડોદરામાં એટલી ધામધૂમથી ઉજવી કે તેમના માતા-પિતા અને બહેનોને તેના બિઝનેસથી સંતોષ થયો. પિતાના હ્રદયને ઠંડક મળી કે દિકરો હવે પગભર થઇ ગયો છે.
ઇલેક્ટ્રોનીક ચોકના માર્કેટમાં હવે કંપનીનું સ્થાન આગવું થઇ ગયું હતું. દર વર્ષે કંપની તેના ડિલરોને સન્માનિત પણ કરવા લાગી. આનંદ અને તેમના મિત્રની એક આગવી ઓળખ ઉભી થઇ હતી. લગભગ પાંચ-છ વર્ષ લાગલગાટ કંપની સારો બિઝનેસ કરતી રહી પણ સાતમાં વર્ષે સમયનું ચક્ર ફર્યું.
આનંદ અને તેના મિત્ર વચ્ચે વિખવાદ ઉભા થવા લાગ્યા. આનંદ બિઝનેસની સાથે સાથે Network marketing બિઝનેસ પોતાનો (પર્સનલ બિઝનેસ) શરૂ કર્યો. Network marketing નું અલગ વર્તુળ અને તેની વાતોથી આનંદ અને તેના મિત્ર એકમત ક્યારેય થઇ શક્યા નહી. આનંદનો સમય પણ Company અને Network marketing માં વહેંચવા લાગ્યો. જે તેમના મિત્રને જરાય પસંદ નહોતું. વાત બહુ વણસી ગઇ અને બંને એ છૂટા પડવાનું નક્કી કરી નાખ્યું.
એજ સમયે આનંદના જીવનનો બીજો અધ્યાય પ્રારંભ થવાનો હતો. મૂળ કામરોલના વતની સાથે લગ્નગ્રંથીથી જોડાયા અને Company ના વિખવાદ વચ્ચે જ લગ્નજીવનની શરૂઆત થઇ. એ સમયે સુરેન્દ્રનગરમાં બે રૂમ રસોડાના ભાડાના મકાનમાં જ તેઓ રહેતા હતા.
કંપની ચાલુ રહી પણ આનંદ તેમના મિત્રથી છૂટા પડ્યા. કંપની તેમના મિત્રે સંભાળી લીધી. અને આનંદ તેમના હકના પૈસા લઇને અલગ થઇ ગયા. એ સમયે Network marketing બિઝનેસમાં આનંદના એક ખાસ મિત્ર હતા તેમણે આનંદને નવો બિઝનેસ સાથે મળીને કરવાની દરખાસ્ત કરી. પોતે મહેનત કરીને Company ને એક સન્માનજનક જગ્યાએ મુકીને છુટા થયેલા આનંદના મનમાં વિષાદ અને અજંપો તો હતો જ તેમાં “દુબતાને એક તણખલું પણ ભારે” એ કહેવત અનુસાર તેમણે તેમના નવા મિત્રનો હાથ પકડી લીધો.
આનંદ પાસે ઇલેક્ટ્રોનીક ચોકના બિઝનેસની ફાવટ હતી એટલે તેનો જ બિઝનેસ NEw કંપની શરૂ કરી. આ વખતે પૈસાનું રોકાણ તેમના સધ્ધર મિત્રે કર્યું હતું. શરૂઆત તો સારી થઇ. નહિ નફો નહિ નુકસાન જેવી પરીસ્થીતી કેટલાય મહીનાઓ ચાલી. પણ એ સ્થિતીમાં આનંદ માટે પોતાનું ઘર ચલાવવું અઘરૂં પડતું હતું. લગભગ દર મહીને જરૂરીયાત પ્રમાણે કંપનીમાંથી વધુ પૈસાનો ઉપાડ થવા લાગ્યો અને તેમના સધ્ધર મિત્રે જરૂર વગર પૈસા લીધા નહી. આનંદના નામ પર ઉપાદનો આંકડો વધતો ગયો અને New company નો બિઝનેસ વધારે સફળ થઇ શક્યો નહિ.
જીવનમાં કેટલાક નિર્ણયો લેવામાં કરાયેલી ભુલનું પરીણામ હવે આનંદના ભાગે વેઠવાનું આવી રહ્યું હતું. New company આનંદ માટે જીવનની એક મોટી ભુલ સાબિત થઇ રહી હતી.
Old Company કંપનીમાં પણ પાર્ટનર સાથે વિખવાદ થતાં પોતે છુટા થઇ ગયા હતા, પણ દર વખતે પોતે જ શું કામ Quit કરે ? તેવા ખોટા અહમમાં New કંપની જે કંઇ ખાસ બિઝનેસ કરી શકી નહોતી તેનો ભાર પોતે ઉઠાવીને તેના પાર્ટનર મિત્રને તેમાંથી છુટા કરવાનો સાવ ખોટો નિર્ણય આનંદથી લેવાઇ ગયો.
પાર્ટનરને કંપનીમાં તેણે કરેલું રોકાણ પાછું આપવા આનંદે માર્કેટમાંથી વ્યાજે પૈસા લીધા. પોતાના ઓળખીતા અને સુરેન્દ્રનગરમાં પિતાના મિત્રો-પરીચીતો પાસેથી પણ વ્યાજે પૈસા લેવા માંડ્યા. તેના બદલામાં કોરા ચેક પર સહી કરીને કેટલાકને આપ્યા. પરીસ્થીતી વણસતી ગઇ. આનંદ ભુલ પર ભુલ કરતા જ રહ્યા. સાહસી અને કર્યા વગર નિર્ણયો લેવામાં આ વખતે તેઓ થાપ ખાઇ રહ્યા હતા.
એજ વખતે તેઓના અંગત જીવનમાં એક ખૂશીનું આગમન થયું. એક વ્હાલસોયી દિકરીના પિતા બનવાનું સૌભાગ્ય તેમને પ્રાપ્ત થયું.
અંગત જીવનની ખૂશીએ તેમને ખૂશ તો કરી દીધા પણ હવે પોતાના જ પરીવારનું પાલન પોષણ કરવાનું આનંદ માટે કપરૂં બનતું ગયું હતું. દેવાનો ભાર માથા પર ઝળુંબી રહ્યો હતો. દરરોજ ઘરે લેણદારો પૈસાની ઉઘરાણી માટે આવવા લાગ્યા હતા. આનંદ કોઇને કોઇ બહાને તેમને થોડા સમય ટાળતા રહ્યા.
New company ના બિઝનેસ માટે બેંકોમાંથી લોન પણ લીધી હતી તેના હપ્તા પણ તેઓ ભરી શકવાની હાલતમાં નહોતા. રોજ નવો દિવસ ઉગેને નવો સંઘર્ષ આનંદ અને તેના પરીવાર સામે ઉભો રહેતો હતો. એ સમયે ન તો New company નો બિઝનેસ સારો ચાલતો હતો કે ન તો Network marketing બિઝનેસ ! બધી બાજુથી નિષ્ફળતાએ ઘેરાવો નાખ્યો હતો !
આવા કપરા સમયે પણ વડોદરાથી તેમના માતા-પિતાનો અને બહેનોનો સાથ તેમને મળતો રહ્યો. પિતાએ શક્ય તેટલી બધી જ મદદ કરી. ઘરમાં હતા એટલા સોના-ચાંદીના દાગીના પણ ગીરવે મુકાઇ ગયા. માતા-પિતાએ બહુ પહેલાથી સુરેન્દ્રનગર છોડીને વડોદરા સ્થાયી થવાનું સુચવ્યું હતું પણ Quit નથી જ કરવું તેવા ખોટા નિર્ણયે જીવનની દશા અને દિશા બંને ઉલટાવી નાખી.
આનંદે આવા વિપરીત સમયમાં પોતાના દરેક સગા-સબંધી-મિત્રો-પરિચીતોને અજમાવ્યા પણ વહાણ દુબે ત્યારે ઉંદર સૌથી પહેલા ભાગે તેમ બધા જ બાજુ પર ખસી ગયા. એ સમયે આનંદનું મનોબળ ટાકાવનાર તેમના પુસ્તકોનો તેમને બહુ મોટો સહારો હતો. અને તેમના પત્ની અને મા-બાપ-બહેનો જ તેમની પડખે ઉભા રહ્યા હતા.
જ્યારે લેણદારોનો બોજો વધતો ગયો અને બેંકોએ પણ આનંદને ડિફોલ્ટર જાહેર કર્યા ત્યારે પરીસ્થીતી સંભાળવી મુશ્કેલ થઇ પડી હતી. દેવાનો આંકડો 8 થી 10 લાખ સુધી પહોંચી ગયો હતો. તાત્કાલિક આમાંથી બહાર નિકળવાનો કોઇ જ ઉપાય મળતો નહોતો. સુરેન્દ્રનગરમાં જમાવેલી શાખ હવે ધોવાઇ ગઇ હતી. એ સમયે આનંદે બહુ જ આશાથી તેમના જુના ખાસ મિત્ર જેમને Old Company વગર રોકાણે પાર્ટનર બનાવ્યા હતા અને થમી ગયેલી કંપની તેમને સોંપી દીધી હતી તેની મદદ માંગી પણ ત્યારે તેમનો જવાબ હતો કે “હું જેમની સલાહ લઉ છું તેઓ મને હવે તારામાં પડવાની ના પાડે છે. હું મદદ કરી શકુ એમ નથી”. આ સાંભળી આનંદ માટે હવે કોઇ જ આશા રહી નહોતી. બધું જ જતુ રહ્યું હતું અને કપરા સમયમાં લોકોના બદલાતા વલણોએ આઘાત આપવામાં કંઇ જ બાકી રાખ્યું નહોતું ત્યારે રાતોરાત એક નિર્ણય લેવામાં આવ્યો.
સુરેન્દ્રનગરને હંમેશ માટે અલવિદા કહેવાનો ! આનંદે વડોદરા ફોન પર પિતાને જાણ કરી કે તે સુરેન્દ્રનગર છોડીને છાનામાના વડોદરા આવે છે. પિતાએ પણ આનંદને સ્નેહથી આવકાર્યો અને બધું જ આગળ જતાં સારૂં થશે તેવું આશ્વાસન પણ આપ્યું. રાતો રાત ટ્રાન્સપોર્ટમાં ઘરનો સામાન વડોદરા મોકલી આનંદ તેમના પત્ની અને દિકરીને લઇ સુરેન્દ્રનગર શહેરમાંથી પલાયન થઇ ગયા.
વહેલી સવારે વડોદરા પહોંચ્યા ત્યારે મન પર અપાર નિષ્ફળતાનો બોજો લઇને માતા-પિતાને મળ્યા. ત્યારે તેમના સાંત્વન અને પ્રેમની ઉષ્મા એજ જીંદગીનો એક નવો અધ્યાય શરૂ કરવાની પ્રેરણા આપી.
બીજા દિવસથી જ આનંદે વડોદરામાં નોકરીની તલાશ શરૂ કરી. નિવૃત પિતાના પેન્શન પર ઘર ચલાવવાનું મુશ્કેલ બની રહ્યું હતું. ઉપરાંત બહેનોના લગ્નની જવાબદારી પણ હતી.
લગભગ ત્રણ ચાર મહીના નોકરીની તલાશમાં વિતાવ્યા બાદ સુરતની એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી મળી. એકાદ મહીનો સુરતમાં એકલા રહીને નોકરી કરી. પછી પત્ની અને દિકરીને લઇને સુરતમાં ભાડે ઘર રાખીને નવેસરથી જીવન શરૂ કર્યું.
લગભગ છ મહીના આ નોકરીમાં કાઢ્યા બાદ સુરતની જ એક ઇલેક્ટ્રીકલ આઇટમોનું ટ્રેડીંગ કરતી કંપનીમાં જોડાયા. આ કંપનીમાં આનંદે પૂરી નિષ્ઠાથી એક સેલ્સ એક્ઝીક્યુટીવ તરીકેની ફરજ નિભાવી. કંપનીમાં તેમના પર્ફોમન્સની કદર પણ થવા લાગી. પોતાની ગૃહસ્થીની જવાબદારી ઉઠાવવા એ સમયે નોકરી જ શ્રેષ્ઠ વિકલ્પ હતો અને એટલે જ આનંદે એ નોકરીમાં પોતાની જાન રેડીને શ્રેષ્ઠ કામ કરી બતાવ્યું. થોડા સમયમાં જ તેઓ Energy Vision ના Sen. Sales Executive બની ગયા.
કંપનીની દરેક પ્રોડક્ટના Selling મા તેમની માસ્ટરી હતી. આજ કંપની અર્થીંગ સીસ્ટમનું પણ વેચાણ કરતી હતી અને સમય જતાં કંપની અર્થીંગ સીસ્ટમનું પ્રોડક્શન પણ કરવા લાગી હતી. આનંદ બધું જ નવું કામ શીખતા ગયા. આજ કંપનીએ તેમને તેમના પિતાની બાયપાસ સર્જરી અને નાની બહેનના લગ્નની જવાબદારી ઉઠાવવામાં મદદ કરી હતી.
કંપનીમાં લગભગ 7 વર્ષ નોકરી કરી. એટલા સમયમાં આનંદને કંપનીના બિઝનેસની પાયાથી લઇને છેક સુધીની બધી જ જાણકારી અને આવડત થઇ ગઇ હતી.
આનંદની છાપ એક Target Achiever તરીકેની હતી. આનંદને હવે કંપની તરફથી અપેક્ષાઓ વધી હતી. પગારમાં ઇન્ક્રિમેન્ટ, બોનસ, ઇન્સેટીવ વગેરેમાં સારા આંકડાની અપેક્ષાઓ કંપની સંતોષી શકી નહી. કંપની માટે દિવસ-રાત કામ કરતાં આનંદના મનમાં ફરી અસંતોષની લાગણી જાગી. એમને પોતાને લાગવા લાગ્યું હતું કે પૂરી જીંદગી આજ કંપનીમાં વેડફવી વ્યર્થ છે. ફરી પોતાના બિઝનેસનો કીડો મનમાં સળવળ્યો.
કંપનીની અર્થિંગ સીસ્ટમનું પૂરેપુરૂ નોલેજ હતું જ. કંપનીમાં જ તેમની સાથે કામ કરતાં એક મિત્ર સાથે મળીને તેમણે માર્કેટમાં પોતાની અલગ અર્થિંગ આપવાનું ચાલુ કર્યું. વડોદરાના જ એક સંબંધી પાસેથી અર્થિંગ લઇને સુરતમાં વેચવા લાગ્યા. આજ બિઝનેસમાં પગ જામતાં તેમણે તેમની નોકરીમાંથી છૂટા થઇ ગયા. તેમની સાથે તેમનો મિત્ર પણ છૂટો થઇને પોતાની અલગ કંપની ETP (Electrical Tecno Projects) લઇને માર્કેટમાં ખુલ્લેઆમ આવ્યા, આ કંપનીમાં એક અન્ય મિત્રને પણ પાર્ટનર તરીકે જોડ્યા. આમ ETP ત્રણ પાર્ટનરોથી માત્ર રૂ|. 35000/- ની મુડીથી અસ્તિત્વમાં આવી.
આ વખતે આનંદને હવે બિઝનેસ કેવી રીતે કરવો તેની સમજ પૂરેપૂરી આવી ગઇ હતી. સમયની થપાટોએ ઘણું બધું શીખવ્યું હતું. એટલે જ નક્કી કર્યું હતું જે પહેલા ભુલો થઇ છે તે હવે રીપીટ કરવાની નથી. બધું જ કાયદાકીય વિધિ અને નિયમ અનુસાર કંપનીની રચના થઇ.
આનંદે ફરી બિઝનેસ શરૂ કરવાની વાત ઘરના સદસ્યોને કરી ત્યારે બધાને પહેલાના અનુભવથી ડર લાગતો હતો. પણ ધીરે-ધીરે કંપનીના પર્ફોમન્સથી બધાનો વિશ્વાસ પાછો મેળવતા વધારે વાર ન લાગી.
સમયનું ચક્ર ફરી એકવાર પલટાયું અને આનંદની જીંદગીનો એક સારો તબક્કો શરૂ થયો. ETP કંપની માર્કેટમાં જામતી ગઇ અને દિવસે ને દિવસે તેનો વ્યાપ વધતો ગયો. ૨૦૧૩ ની સાલમાં શરૂ થયેલી કંપનીની આજે સમગ્ર ગુજરાતમાં તેનો વ્યાપ વધારતી ગઇ છે.
આજે ૨૦૧૬ ની સાલમાં ETP કંપનીનું Turn Over 2.75 Crore સુધી પહોંચી ગયું છે. ત્રણેય પાર્ટનર પાસે 11 લાખની પોત પોતાની ગાડીઓ છે. કંપનીમાં 31 Employee કામ કરે છે. મોટી મોટી જાણીતી કંપનીઓમાં ETP ના અર્થિંગ લાગેલા છે. સુરત ઇલેક્ટ્રીકલ મર્ચન્ટ એસોસીયેશનના Exhibition માં મુખ્ય Sponcer તરીકે ETP કંપનીના માલિક આનંદ હાજરી આપે છે.
ETP કંપનીના સથવારે આનંદની જીવનયાત્રા સફળતાની કેડી પર શરૂ થઇ ગઇ છે. હાલ 40 વર્ષીય આનંદ સફળતાનો સ્વાદ ચાખ્યા પછી પણ તેને પૂરેપૂરી પચાવી જાણે છે. અનેક નિષ્ફળતાઓ અને પારાવાર મુશ્કેલી વેઠ્યા પછીની આ સફળતાએ તેમને એક વધુ આત્મ વિશ્વાસી, ઠરેલ અને મેચ્યોર વ્યક્તિ બનાવ્યા છે.
સુરેન્દ્રનગરમાં નિષ્ફળતાનું લાગેલું કલંક અત્યારે સાફ થઇ ગયું છે. બધા જ દેવાનો બાંજ હવે ઉતરી ગયો છે. લેણદારોથી છુપાઇને જે શહેર રાતોરાત છોડ્યું હતુ આજે તે શહેરમાં શાનથી આનંદ ફરી શકે છે. દિવસે ને દિવસે આગળ વધતી ETP કંપનીના માલિક આનંદ પાસે હવે ફરી બધા સગા-સ્નેહી મિત્રો-પરીચીતોનું વર્તુળ બનવા લાગ્યું છે. જેઓની ઓળખ આનંદને તેમના કપરા સમયમાં બરાબર થઇ ગઇ હતી.
હજુ પણ આનંદ નિરાંતે વિચાર કરે છે તો તેમને તેમના કોલેજના પ્રોફેસરે કહેલું વાક્ય યાદ આવે છે, “નથી આવડતું કરીને બેસવા કરતાં એકવાર ખોટો દાખલોય ગણવાનું શરૂ કરો. સાચો દાખલા તરફ તોજ જવાશે.” નાનપણથી પોતાનો બિઝનેસ કરવાના સપના તેમણે સાકાર કર્યા. શરૂઆત ખોટા દાખલાથી જ થઇ પણ આજે તેમનો દાખલો પૂરેપૂરો સાચો થઇ ગયો છે. આનંદ નાના હતા ત્યારે તેમની માતાને અવાર-નવાર કહેતા, “મમ્મી હું મોટો થઇને તને ફોર્ડની ગાડીમાં ફેરવીશ.” આજે એ શબ્દો બિલકુલ સાચા પડ્યા છે. આજે આનંદ પાસે 11 લાખની ફોર્ડની Ecosport ગાડી છે. તેમના પરીવારને, માતા-પિતાને તેમાં બેસાડીને ફરવા લઇ જાય છે.
આનંદે તેમની જીભ અચકાવાની ખામી પર વિજય મેળવ્યો છે. પોતાના સંઘર્ષકાળમાં તેમને તેમની ખામી સાવ ભુલાઇ જ ગઇ. આજે ખીચોખીચ ભરેલા હોલમાં સ્ટેજ પર જઇને વગર અચકાયે Speech આપે છે.
“ડરનો એક જ ઇલાજ છે તેનો સામનો કરો” આ વાક્યને જીવનમાં હંમેશા ઉતાર્યું છે. જ્યારે સુરત સુધી સુરેન્દ્રનગરનો ભુતકાળ અસર કરવા લાગ્યો ત્યારે આનંદે સામે જઇને લેણદારો પાસે દેવું ચુકવવા માટે સમય માંગવાની હિંમત બતાવી હતી. થોડા-થોડા કરીને દેવાના બોજમાંથી તદ્દન મુક્ત થઇ ગયા હતા.
આજે આનંદ ઉપાસનીનું જીવન ખૂશખૂશાલ છે. બધું જ સુખ તેમના જીવનમાં હાજરી આપે છે. તેમનો નિડર અને સાહસી સ્વભાવ, ગજબનો આત્મવિશ્વાસ અને લાખ પછડાટ ખાધા પછી પણ ઉભી થવાની હિંમત તેમના માટે સન્માન જગાવે છે. ઇશ્વર કરે હવે આગળની તેમની જીવનયાત્રા વધુને વધુ સુખમય અને સફળ બનાવે !
તેમની અત્યાર સુધીની જીવનયાત્રાની સંક્ષિપ્તમાં કરેલી વાતો હું આશા રાખું છું વાંચનાર દરેક માટે એક પ્રેરણારૂપ બની રહેશે. જીવનના દરેક રંગોને માણવાનું મનોબળ આવા જ Real Hero પાસેથી જ તો આપણે મેળવી શકીએ છીએ.
Hats of him !!!
***
9 - જ્યોતિ બિંદુ
યુગો પુરાની વાત છે. અંધકારમાં વિલીન થવાની થોડી વાર પહેલા સુરજે ધરતી પર રહેલ સમગ્ર સજીવ - નિર્જીવ સૃષ્ટિને સંબોધીને કહ્યું, હવે મારા વિદાયની ઘડી આવી પહોંચી, મારા ગયા પછી પૃથ્વીને કોણ અજવાળશે? (ત્યારે વીજળીની શોધ નહોતી થઇ.)
સમગ્ર જડ - ચેતનથી ઉભરાતી પૃથ્વીમાં સર્વે સજીવ - નિર્જીવ પદાર્થો નિઃશબ્દ થઇ ગયા, એક માત્ર કોડીયાએ દબાતા અવાજે કહ્યું હું મારાથી બનતી મહેનત કરીશ. આ સાંભળી સૂર્ય દેવતાએ સંતોષનો શ્વાસ લીધો અને ધીરે ધીરે ક્ષિતિજની પેલે પાર વિલીન થઇ ગયા.
સાહિત્ય ક્ષેત્રે દુનિયામાં નામી અનામી સિતારાઓ ચમકીને આથમી ગયા. ત્યારે જ્યોતિબેને નક્કી કરી લીધું મારાથી સાહિત્ય ક્ષેત્રે જે કાંઈ બને તે હું કરી છૂટીશ.
“ આ જગતમાં કોઈને કોઈ માટે પ્રેમ હોતો જ નથી, હોય છે માત્ર નિજી અપેક્ષાઓ અને સ્વાર્થ, દરેકને શરીરની જરૂર હોય છે હૈયાની નહિ આ શબ્દોથી જ્યોતિબેન આપણાં સમાજની કડવી વાસ્તવિકતા રજુ કરે છે. જ્યોતિબેનના જીવનમાં એવું કશું બન્યું છે જેને લીધે તેઓ પ્રેમ શબ્દ પર જ ચોકડી મારી દે છે. કદાચ આ જીવનની વાસ્તવિકતા પણ હોઈ શકે.” -જ્યોતિબેન
તારીખ 4 નવેમ્બર, ઈસવીસન 1954 ધોળકા ગામમાં સુરજ અસ્ત થવાની તૈયારીમાં હતો. પણ આજે સૂરજને વિલીન થવાનું દુઃખ નહોતું, આજે તેના નાના એક કિરણ જેવી જ્યોત સાંજે સાત વાગે ધોળકામાં જન્મ લઇ ચુકી હતી. અને આ જ્યોત પુરુષ સ્થાપિત અંધકાર સામે લાડવા માટે પોતાની બધી જ શક્તિ ખર્ચી નાખવાની હતી.
તારીખ 09 ઓકટોબર 2016 ના રવિવારે બપોરના ત્રણેક વાગ્યે હું તેમના ઘરની ડોરબેલ દબાવું છું ત્યારે કયો પ્રશ્ન પહેલો પૂછવો તેની અવઢવમાં ડ્રોઈંગ રૂમમાં બેઠો વિચારી રહ્યો છું જ્યોતિબેન મારા માટે ચા લઇ આવે છે.
હું ચા પીને હજુ પ્રશ્ન પૂછવાની શરૂઆત કરું ત્યારે એક ધારદાર સવાલ જ્યોતિબેન મારી તરફ ફેંકે છે, ઇન્ટરવ્યૂ માટે મારી જ પસંદગી કેમ?
જુવો મારે તો ઝવેરચંદ મેઘાણી, અને કનૈયાલાલ મુન્શીનો ઇન્ટરવ્યૂ લેવો હતો, પણ તેઓ તો આ દુનિયામાં નથી, બીજું મારા મનમાં એક નામ શરીફાબેન વીજળીવાળાનું હતું. પણ તેઓ વ્યસ્ત છે, હાલ સમય આપી શકે તેમ નથી.
ત્યારબાદ મેં અર્ચનાબેન ભટ્ટ પટેલનો ઇન્ટરવ્યૂ લેવાનું વિચાર્યું, તેમણે મને તમારું નામ સૂચવ્યું. મેં જવાબ આપ્યો.
અચ્છા, તમે એક પુરુષ છો, તમે એક સ્ત્રીની લાગણી, સંવેદના, કેટલી ઊંડાણથી સમજી શકશો? તેમણે બીજો સવાલ પૂછ્યો. આનો જવાબ ન તો મારી પાસે હતો. અને કદાચ બીજા પુરુષો પાસે પણ તેનો જવાબ નહિ હોય. તેમના સવાલે મારી ભીતર એક ગડમથલ જરૂર શરુ કરી દીધી.
પછી જ્યોતિબેન મને તેમના ઘરની નજીક આવેલ કોફી શોપમાં લઇ જાય છે. તેઓ કહે છે કે નિરાંતે વાતો કરવી હોય તો તે અનુકૂળ પડશે.
પોતાના બાળપણની વાત કરતા જ્યોતિબેનનો ચહેરો બાળક જેવો નિર્દોષ અને રમતિયાળ થઇ જાય છે. જાણે તેઓ પોતાના બાળપણની સ્વપન સૃષ્ટિમાં સરી પડે છે.
જ્યોતિબેનનો જન્મ 4 નવેમ્બર 1954 ની સાંજે ધોળકા ગામે થયો, નાનપણથી માતાની બીમારીને કારણે માતાથી દૂર રહેવું પડે છે. માતાની ગેરહાજરીમાં પિતા એક દોસ્ત એક રાહબર તરીકે ઉભરી આવે છે. પિતાનું પ્રેમાળ વ્યક્તિત્વ તેમના મનમાં એક અમીટ છાપ ઉભી કરે છે.
પિતાના પ્રેમાળ વ્યક્તિત્વથી જ્યોતિબેનના મનમાં એક છાપ ઉપસી આવે છે કે પુરુષ પ્રેમાળ, ધીરજવાન અને સમજદાર જ હોય.પણ જેમ જેમ ઉંમરના પડાવમાંથી પસાર થયા બાદ જ્યોતિબેનને સમજાય છે કે મોટાભાગના પુરુષો તેના પિતા જેવા નથી હોતા. પુરુષ એટલે માત્ર પુરુષ જ હોય.
પિતાની સરકારી નોકરીને કારણે જ્યોતિબેનને જુદા જુદા શહેરમાં જવાનું થાય છે. ભણતરનું પહેલું કદમ અમદાવાદની એક સરકારી શાળામાં થાય છે પહેલા ધોરણથી પાંચ ધોરણ સુધી ત્યાં અભ્યાસ કરે છે. અને ત્યાર બાદ પિતાની બદલીને લીધે ભણતરનો બીજો પડાવ ધોરણ છથી ધોરણ અગિયાર સુધી અમરેલીની જીજીબેન વિઠલાણી ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે.
ધોરણ 6 થી ધોરણ 11 શિક્ષણની કેડીનો બીજો અધ્યાય અમરેલીમાં શરુ થાય છે. ધોરણ છથી ધોરણ અગિયાર સુધી અમરેલીની જીજીબેન વિઠલાણી ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. કેટલીય સહેલીઓ, સખીઓ જોડે હિંચકે બેઠા, ત્યાંની અલગ અલગ રમતો રમ્યાં તે બધું આજ પણ જ્યોતિબેનના સ્મૃતિ પટલ પર તાદ્દશ છે. સહિયરો સાથે ગોઠી ગયું છે પણ પપ્પાની બદલી જૂનાગઢ થાય છે. ત્યારે જ્યોતિબેન અને તેમની સહીયરોની આંખોમાં આંસુઓ પાળ તોડીને ધસમસતા બહાર આવી જાય છે જે કેમેય કરીને રોકી શકાતા નથી અશ્રુ ભીની આંખે જ્યોતિબેન સહીયરોથી વિદાય લે છે. ભારે હૈયે સહીયરોને છોડવી પડે છે. અને જ્યોતિબેન ફરીવાર એક નવા શહેર જૂનાગઢની વાટ પકડે છે.
શરૂઆતના બે વર્ષ તેઓ જૂનાગઢની વહાઉદ્દીન કોલેજમાં અભ્યાસ કરે છે તેમના પપ્પાની બદલી પાછી અમદાવાદમાં થાય છે એટલે બાકીના બે વરસ અમદાવાદમાં " સરદાર વલ્લભભાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી સ્નાતક થાય છે.( તે સમયમાં કોલેજના ચાર વરસ ભણવાનું રહેતું. )
આ સમય ગાળા દરમ્યાન જ્યોતિબેનને ડગલે ને પગલે સંઘર્ષનો સામનો કરવો પડે છે. તેઓ સંઘર્ષ સામે લડવાની અને ઝઝૂમવાની શક્તિ અને સમજ કેળવી લે છે.
આ સમય ગાળા દરમ્યાન જ તેમને સતીષ ભટ્ટ નામના યુવાન જોડે ઓળખાણ થાય છે. સતીષ ભટ્ટ મારા તરફ આકર્ષાય છે અને સિદ્ધિ લગ્નની દરખાસ્ત મૂકે છે. હું મૂંઝણમાં મુકાઈ જાઉં છું, સતીષ ભટ્ટે જ્યોતિબેનના પિતાને પણ પોતાના નિર્ણયની જાણ કરી દીધી હોય છે.
જ્યોતિબેન તેમના પપ્પાને પોતાની મૂંઝવણ જણાવે છે, તું તેને પ્રેમ કરતી હોય અને તને સતીષ ગમતો હોય તો તું લગ્ન કરી લે. પપ્પા જવાબ આપે છે.
સાચું કહું તો ત્રિકુભાઇ, આ પ્રેમ કરવાની વાત મને આ ઉંમરે પણ નથી સમજાતી, અને રહી ગમવાની વાત તો ગમતી વ્યક્તિના ગાઢ સંપર્કમાં આપવવાથી તે અણગમતી વ્યક્તિ પણ બની શકે છે. અને " પ્રેમ" એ એટલી ઉદાત્ત ભાવના છે જે કરવાનું સામાન્ય માણસનું ગજું જ નથી. જ્યોતિબેનના ચહેરા પર અકળ ભાવો ઉપસી આવે છે જે મારી સમજની બહાર છે.
તારીખ 29/ 5/ 1975 માં મારા લગ્ન લેવાયા હું મારા ચાર વ્યક્તિના નાના કુટુંબમાંથી સીધી જ દસ વ્યક્તિના કુટુંબમાં વહુ બની આંખોમાં શમણાં લઈને જઈ ચડી. અને તે પણ અમદાવાદ જેવા મોટા શહેરમાંથી એક અંતરિયાળ ગામડામાં.
હું તો પ્રેમના શમણાં આંખોમાં આંજીને બેઠી હતી, જયારે સાસરીમાં ઘૂમટો તાણવાનો. પ્રેમની વાત તો જવા દો ભાઈ અહીં તો સાસરિયાના કોઈને દેખતા પતિ સાથે વાત પણ ન થાય. બે નણંદ અને એક દિયરના નિશાળના લેશનમાં ફરજીયાત મદદ કરી આપવાની.
પતિ સાથે બહાર જવાની ઘણી ઈચ્છા થાય પણ ઘરનું કામ તો ઘરનું કામ તો વહુને જ કરવાનું હોય તેવો વણ લખ્યો નિયમ. મને લાગતું કે મારા બધા જ અરમાનોની હોળી થઇ રહી છે પણ દરેક અંધકાર પાછળ એક ઉજાશ રહેલ હોય છે. મારા સસરાની ઈચ્છા હતી કે હું આગળ ભણું. તેમણે મને અમદાવાદની M N ભારતીય એજ્યુકેશન કોલેજમાં બી. એડ. માં એડમિશન અપાવ્યું. હવે મનમાં હાશ થઇ થોડી સ્વતંત્રતા તો મળી.
પણ આ આટલું સહેલું નહોતું, સોમવારથી શુક્રવાર મમ્મીને ત્યાંથી કોલેજ જવાનું, શુક્રવારે કોલેજ એટેન્ડ કરી ધોળકા જવાનું. ખુબ ભૂખ લાગી હોય ત્યારે સાસરીમાં જે વધ્યું ઘટ્યું હોય તે લુખું સૂકું ખાઈ લેવાનું. હવે શનિવારે અને રવિવારે કામનો બોજો વધી જાય. અને સોમવારે સીધું કોલેજ નીકળી જવાનું. એટલું વહેલું નીકળવાનું હોય કે રસોઈ તો બની જ ન હોય અને પાછું સીધું કોલેજે જવાનું. સોમવારે કુદરતી રીતે એકટાણું થાય કારણ કે મમ્મીના ઘેર જવું ત્યારે જમવાનું નસીબ થાય.
અધૂરામાં પૂરું આ દરમ્યાન જ હું પ્રેગ્નેટ થઇ, સાસુમાને હમણાં બાળક જોઈતું નહોતું. તેમણે દેશી ઓસડિયાં પાઈને ગર્ભ પાડવાના બહુ પ્રયત્ન કર્યા. દવાઓ પણ કરી પણ ઈશ્વરને કંઇક જુદું જ મંજુર હતું. અને મારે ઘેર એક સુંદર પરીનું આગમન થયું. પ્રથમ વાર માં બનવાનો અનુભવ વર્ણવી ન શકાય તેવો હતો.
હું તો મારી પરીને જોઈને ખુબ આનંદિત હતી, પણ મારા સાસરિયામાં તો પોતાનો વારસ જોઈતો હતો, મારી સાસુને તો છોકરો જ જોઈતો હતો, તેમનું વર્તન બદલાઈ ગયું જેને લીધે મારા હૃદય પર એક ઊંડો ઘાવ થયો. હું બીમાર રહેવા લાગી. અધૂરામાં પૂરું મને લો બ્લડ પ્રેસરની બીમારી થઇ.
પતિ - પત્ની વચ્ચેના મતભેદો શરૂઆતથી જ હતા તે ચરમ સીમા પર પહોંચ્યા. સાસુ પણ હવે વેરો અંતરો રાખવા લાગ્યા એવામાં ફૂલ જેવી દીકરીને જોઈને જીવવાનો નવો ઉત્સાહ સંચરવા લાગ્યો. મારુ પૂરું ધ્યાન મેં મારી દીકરી પર કેન્દ્રિત કરી દીધું.
ચરમસીમાના મતભેદ એટલે કેવા મતભેદ? મારાથી અનાયાસ પુછાય જવાયું.
દીકરી ખોળામાં બેસીને દૂધ પીતી હોય અને બરડા પર પતિનો માર પડતો હોય.
ઓહ નો, મારાથી એકદમ ખિન્ન થઈને બોલી જવાય છે.
મને મારુ ગામ યાદ આવી ગયું જ્યાં ઘણી પરિણીતાઓએ કૂવો પૂરેલ, ત્યારે મારા નાના મનમાં એક પ્રશ્ન હંમેશા ઉઠતો, આખરે શા કારણે સ્ત્રીઓ પોતાનું જીવન ટૂંકાવી દેતી હોય છે. આજે તેનો જવાબ મને મળી ગયો.
આવી વિકટ પરિસ્થિતિમાં જ્યોતિબેન ઝૂક્યા નહિ, પણ ઝઝૂમવાનું મુનાસીબ સમજ્યું.
આવી પરિસ્થિતિમાં બેએક વરસ બાદ તેમના પતિ સતીષ ભટ્ટને સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર માણાવદર ખાતે કારકુન તરીકે નોકરી મળી. જ્યોતિબેને વિચાર્યું કે પતિ-પત્ની એકલા રહેવાથી તેઓ એક બીજાને સમજી શકશે. પરંતુ ત્યાં જુદો જ પ્રશ્ન ઉપસ્થિત થયો કે કોઈપણ ભોગે સાસરીમાં પગારમાંથી દર મહિને 300 રૂપિયા મોકલવાના જ.
તેમના પતિનો પગાર માત્ર રૂપિયા 512 તેમાંથી 300 રૂપિયા સાસરિયામાં મોકલવાના, રૂપિયા 100 ઘર ભાડું, અને રૂપિયા 100 દર મહિને ઘર ખર્ચ, હવે કોઈ મહેમાન આવે કે અમારે ક્યાંય આવવા જવાનું હોય અને ઘરમાંથી કોઈ બીમાર હોય તો?
ઘર ચલાવવાવાનો સરવાળો કેમેય ફિટ બેસે નહિ, ફરી સંઘર્ષનો દોર શરુ થયો, જ્યોતિબેન કાલા ફોલવા ( સૂકા કપાસ ભરેલ જીંડવામાંથી કપાસ કાઢવો.) વાયરના થેલા બનાવવા, અને બીજા નાના મોટા કામ કરવાલાગ્યા. અરે મકાન માલિકના ઘેર કચરા પોતા કરવા પણ જ્યોતિબેન જતા.
તેમના પતિએ પણ ઓડિટ કામ કરવાનું સ્વીકાર્યું જેથી ટી એ, ડી એ, મળે પણ આ માટે તેમને મહિનાના 23 દિવસ બહાર રહેવાનું થતું. જ્યોતિબેને ઘેર ચાર જણને જમાડવાનું પણ શરુ કર્યું જેથી વધારાની આવક થાય.
પડે છે ત્યારે સઘળું જ પડે છે, તેમ નાની બાળકી અર્ચનાને ગળામાં ગાંઠો નીકળી, ડોક્ટરને બતાવ્યું તો ટીબી હોવાનું કહ્યું. પણ તેમ હિમંત હારે તો જ્યોતિબેન કેમ કહેવાય? ફટાફટ નિર્ણય લેવાયો. નાના ગામમાં સારવાર કરાવવા કરતા અમદાવાદ સારવાર કરાવવી સારી એમ સમજી અર્ચનાની સારવાર અમદાવાદ કરાવવાનું નક્કી કર્યું.
દર મહિને જ્યોતિબેન અર્ચનાને લઈને અમદાવાદ બતાવવા આવતા, ડોક્ટર યોગ્ય દવા આપતા. આવી રીતે સતત બે વરસ સુધી દવા લેવી પડી. અને અર્ચનાને બાલમંદિરમાં પણ ભણવા મોકલી. જેવો બાળકીનો દવાનો કોર્ષ પૂરો થયો અને બીજા બાળક ચિરાગનો જન્મ થયો.
સતીષભાઈની બદલી ભાવનગર થઇ, બંને બાળકો સાથે જ્યોતિબેન અમદાવાદ રહે અને સતિષભાઈ એકલા ભાવનગર જાય તેવું નક્કી થયું.
1983 માં જ્યોતિબેનને PWD માં કારકુન તરીકે નોકરી મળે છે. અમદાવાદના રામનગર પોતાના રહેઠાણથી તેમના નોકરીના સ્થળ L D કમ્પાઉન્ડમાં તેઓ ચાલતા જઈ અને નોકરી પુરી કરી પાછા રામદેવ નગર ચાલીને પરત ફરે છે.
ઈસવીસન 1983 - ગુજરાત સમાચાર દૈનિકના " શ્રી " મહિલા સાપ્તાહિકમાં નિયમિત કોલમ લખવાનું શરુ કરે છે અને કૌટુંબિક કારણોસર ઈસવીસન 2001 માં બંધ કરવું પડે છે. ઈસવીસન 1986 માં તેમનો વાર્તા સંગ્રહ " પરાકાષ્ઠા " પ્રગટ થાય છે.
જ્યોતિબેનના જીવનમાં મુશ્કેલી ઘટવાનું કોઈ નામ નથી લેતી. બાળક ચિરાગ બાર તેર વર્ષનો થતા વારંવાર બેભાન થઇ જાય છે. જ્યોતિબેન આકુળ વ્યાકુળ થઇ આ ડોક્ટરથી તે ડોકટર એમ લગભગ બધાજ ડોક્ટર પાસે ફરી વળે છે. પણ કોઈ નિદાન કરી શકતું નથી.
જ્યોતિબેન પથ્થર તેટલા દેવ ગણે છે. મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, દરેક જગ્યાએ તેઓ માથું ટેકવે છે. અને અંતે ઈશ્વર પાસે એક માંની જીત થાય છે. એક બાહોશ ડોક્ટર શ્રી રણજિત આચાર્ય ચિરાગના બેભાન થવાનું કારણ પકડી પાડે છે અને જ્યોતિબેન એક સંતોષનો શ્વાશ લે છે.
તેમના પતિ નાટ્ય કલાકાર હોવાથી તેઓ વારંવાર વિદેશ જાય છે. ત્યારે નોકરી કરવી, બે બાળકોનો એકલા હાથે ઉછેર કરવો, બીજી સામાજિક જવાબદારી ઉઠાવવી આ બધામાંથી પણ જ્યોતિબેન સાહિત્ય માટે સમય કાઢી લે છે.
“સ્ત્રી શક્તિ”, “જાગૃતિ”, “સમાંતર”, “ગામડું જાગે છે”, “અકબર – બીરબલ”, “ઠોઠ નિશાળીયો”, “ઝાકળ ઝંઝામાં “એક કલાકાર તરીકે કામ કરી ચૂકેલ જ્યોતિબેનના પતિ સતીષ ભટ્ટને નિર્માણ ક્ષેત્રે હાથ અજમાવવાની ઉત્કટ ઈચ્છા થાય છે.
ગુજરાતી નાટક અને ગુજરાતી ધારાવાહિકમાં પ્રચંડ સફળતા મળવાને કારણે સતિષભાઈ નિર્માણ ક્ષેત્રે ઝંપલાવે છે. પણ પ્રોફેશનલી અનુભવ ન હોવાને કારણે આ તેમને માટે જોખમી અને વિઘાતક સાબિત થાય છે.
" પ્રગતિના પંથે અને " ગિરિજાશંકર ગોર " ગુજરાતી ધારાવાહિકનું નિર્માણ તેઓ પોતાના હાથમાં લે છે, પરંતુ નિર્માણ ક્ષેત્રે કોઈ જ અનુભવ ન હોવાને કારણે અને બીજા ટેકનિકલ કારણોસર અને મૂળ તો આર્થિક સમસ્યાને કારણે તેમનું કામ અટકી પડે છે.
ત્યાં સુધીમાં તેઓ દેવાના બોજ હેઠળ દબાઈ જાય છે. લેણદારોની ઉઘરાણી, ધારાવાહીનુ અટકી પડેલ કામ, નાટ્ય જગતમાં મેળવેલ નામોશી આ બધાથી બચવા 2001 માં સતિષભાઈ ઘર છોડી વિદેશની વાટ પકડી લે છે.
હવે લેણદારોનો ત્રાસ, લુખ્ખા અને આવારા તત્વો રોજ પોતાના લેણાં નીકળતા પૈસા માટે પઠાણી ઉઘરાણી શરુ કરે છે. આવા અસામાજિક તત્વો સાથે જ્યોતિબેન એકલે હાથે લડે છે. તેઓ હવે રણચંડી બને છે પણ જ્યોતિબેનનું જીવન વધુ અને વધુ સંઘર્ષમય બનતું જાય છે.
2004 માં જ્યોતિબેન પોતાની ઓફિસમાંથી પહેલે માળેથી પરત આવતા દાદરમાં તેઓ લપસી જાય છે અને ગબડતા ગબડતા તેઓ ભોંયતળિયે પટકાય છે. તેમના ડાબા હાથના ત્રણ હાડકા તૂટીને ચૂરે ચૂરો થઇ જાય છે. શરીરના બીજા હાડકામાં પણ મલ્ટીપલ ફ્રેક્ચર થાય છે. કમરનો એક મણકો છૂટો પડી જાય છે.
તેને કારણે તેમના હાથ પગ અને શરીરના બીજા ભાગો પર અકસ્માતના નિશાન રહી જાય છે. જે આજે પણ દેખાય છે. નવાઈની વાત એવી છે કે તેમની કમરનો છૂટો પડેલ મણકો બીજા મણકા સાથે જોડાય જાય છે તેની જાણ છેક ઈસ્વીસન 2015 માં થાય છે. આવા શરીરે જ્યોતિબેન ઘરનું બધું જ કામ જાતે જ કરે છે.
જ્યોતિબેન તેઓ જ્યાં PWD માં નોકરી કરતા હતા તેમના સંસ્મરણો વાગોળે છે. ઈસ્વીસન 2012 માં તેઓ સેવા નિવૃત થાય છે ત્યારે સ્ટાફ દ્વારા તેમને ભવ્ય ફેરવેલ પાર્ટી આપવામાં આવે છે. અને તે ઓફિસમાં જ્યોતિબેન એક માત્ર એવા વ્યક્તિ હતા જેમને તેમણે કરેલા કાર્યોની સુવાસને કારણે આવી પાર્ટી આપવામાં આવે છે. જ્યોતિબેનની વિદાયથી સ્ટાફમાંની મોટા ભાગની સ્ત્રીઓની આંખો ભીની થાય છે.
ઈસ્વીસન 2013 માં જ્યોતિબેનને તેઓ જ્યાં નોકરી કરતા હતા ત્યાંના ઉચ્ચ અધિકારીનો ફોન આવે છે અને તેમને ઓફિસે મળવા માટે બોલાવે છે. અધિકારી જ્યોતિબેનને નિવૃત્તિ પછી પણ કામ કરવા માટે પ્રેમથી આગ્રહ કરે છે. અધિકારી અને સ્ટાફના માણસોની લાગણીને કારણે જ્યોતિબેન ફરી ત્યાં જ કામ કરવાનું શરુ કરે છે.
બરાબર એક વરસ સુધી જ્યોતિબેન નોકરી કરે છે, પરંતુ પતિ વિદેશ જતા રહેવાને કારણે સામાજિક વહેવાર અને ઘરના રોજિંદા કાર્યોને કારણે તેઓ પોતાની મરજીથી નોકરીમાંથી છુટા થાય છે.
2004 માં તેમની મોટી દીકરી અર્ચનાના લગ્ન પ્રસંગની જવાબદારી તેઓ એકલે હાથે ઉપાડે છે. દીકરીના લગ્નની જવાબદારી કોઈ સ્ત્રી માટે એકલે હાથે નિભાવવાનું કામ કેટલું કપરું છે તે તો જ્યોતિબેન જેવી સ્ત્રીઓ જ સમજી શકે.
2013 માં તેમના દીકરા ચિરાગના લગ્ન તેઓ ગોઠવે છે. આ લગ્ન માટે આર્થિક જરૂરિયાત, સમાજના વહેવારમાં રહેવું આ બધું કરવા માટે તેઓ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જેમ એકલે હાથે ઝઝૂમે છે અને સમાજ દ્વારા અપાતા ઘાવ સામી છાતીએ ઝીલે છે.
તેમના પતિ 2001 થી 2015 સુધી વિદેશમાં રહે છે. તેમના પતિ વારંવાર રટણ કરે છે કે મેં 14 વરસ વનવાસ ભોગવ્યો પણ મારા મનોપટલ પર સતત 14 વરસ વનવાસ તેમણે નહિ પણ જ્યોતિબેને વનવાસ વેઠયો હોય તેવા પડઘા પડયા કરે છે.
જ્યોતિબેનની પુત્રી અર્ચના પટેલ ભટ્ટ, સાહિત્ય ક્ષેત્રે સારું પ્રદાન કરી ચુક્યા છે. તેમનો પુત્ર ચિરાગ ઇવેન્ટ મેનેજમેન્ટમાં મોટું નામ ધરાવે છે. ચિરાગભાઈ અત્યાર સુધી ઘણા સફળ અને યાદગાર શો કરી ચૂકયા છે.
***
10 - એક હાથ વાળા – જયંતિ માસ્તર
( સંઘર્ષની જીવતી કહાની )
જૂન, ૧૯૬૫, ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ જોરશોરમાં ચાલી રહ્યું હતું. વડાપ્રધાન શાસ્ત્રીજીના કહેવાથી ભારતની આર્મી ઘુસણખોરી કરીને છેક લાહોર સુધી પહોચી ગઈ હતી. રાતો રાત આખો દેશ ગર્વ અને ખુશીની લહેરમાં નાચી રહ્યો હતો.
ગામે ગામના બાળકો, યુવાનો, ખેડૂતો “ ભારત ઝીન્દાબાદ, ભારત અમર રહો “ “ જય જવાન, જય કિસાન “નાં નારા લગાડતા હતા. યુદ્ધ શા માટે થઇ રહ્યું છે એ ગામના લોકોને ખાસ ખબર ન હતી, પણ ભારત જીતી રહ્યું છે એ એક એક માણસ રેડિયોથી સંભાળતો હતો.
આ જ ખુશીના માહોલમાં, જૂનાગઢ જિલ્લાના એક નાનકડા ગામ – પીપલાણા માં ગરીબ, અભણ ખેડૂત કડવાભાઈના પત્ની કેસરબેન એક બાળકને જન્મ આપવાના હતા. અચાનક જ તેને પ્રસુતિ વેદના થઇ, આ પાંચમી સુવાવડ જીવલેણ સાબિત થતી હોય એમ સુયાણીઓને લાગતું હતું, બાળક ક્યાય મરી તો નહિ જાય ને ? ઘણો સમય થયો પણ કોઈ જ સફળતા મળતી ન હતી. ગામના પ્રખ્યાત સુયાણી કાંતાબેન આજે જ પોતાની દીકરીના ઘેર બીજે ગામ ગયેલા. બાળકને દુનિયામાં લાવવા માટે અન્ય સ્ત્રી સુયાણીઓ દ્વારા એક સંઘર્ષ ખેલાતો હતો. આ જ સમયે રેડીયોમાં શાસ્ત્રીજીનું ભાષણ આવતું હતું “ આપણે પાકિસ્તાન ને હરાવી દીધું છે, ભારાતની આ ભવ્ય આજની જયંતિ (વિજય) તમામ રાષ્ટ્રવાસીઓને સમર્પિત.”
અને એક સુયાણીએ ફળીયામાં દોડતા બહાર આવી કડવાભાઈ અને પાડોશના પુરુષોને સમાચાર આપ્યા કે “ પુત્રનો જન્મ થયો છે. બાળક અને કેસરબેન સહી સલામત છે “. એક બાજુ ભારતનો યુદ્ધમાં ભવ્ય વિજય થયો. અને બીજી બાજુ બાળકનો આ દુનિયામાં સફળ રીતે આવવામાં. અંતે વિજય પરથી બાળકનું નામ પાડવામાં આવ્યું – જયંતિ. પણ ગામમાં એ “ જેન્તી “ નાં નામથી જ ઓળખાવા લાગેલ.
સંઘર્ષ અને શિક્ષણ -
ગરીબ ખેડૂત દંપતીનું આ પાંચમું સંતાન હતું. ત્રણ પુત્ર અને ૨ મોટી પુત્રીઓ માં જયંતિ સૌથી નાનો હતો. પણ ગરીબ માં-બાપ માટે ઘરનું ગુજરાન ચલાવાવું ખુબ જ મુશ્કેલ હતું. પિતા કડવાભાઇની તબિયત પણ ખાસ સાથ આપી રહી ન હતી. ગામમાં મજૂરીના દામ પણ ખાસ ન હતા એટલે ઘરના તમામ લોકો ખેતીકામ અને મજુરીકામ કરે. પરિણામે કોઈ જ સંતાન ભણી શક્યું ન હતું. બધા લોકો કાળી મજુરી કરે. પણ જયંતિમાં નાનપણથી જ ભણવાની, નવું નવું શીખવાની અજબની લગની રહેતી. પણ જો એ ભણવા બેસી જાય તો બધા મજુરી પર જાય તો ઘર કોણ સંભાળે ? ભેંસોને પાણી પીવડાવવા કે નવડાવવા કોણ લઇ જાય ? આટલા નાના બાળકને પણ ઘણી જવાબદારી સોંપી દેવાય હતી.
આ બધું જ હોવા છતાં, ગામના મગનમાસ્તરે આ બાળકનું નૂર પારખી લીધું અને તેના સહકારથી જ જયંતિએ ભણવાનું ચાલુ કર્યું. પણ નિશાળેથી છુટ્યા બાદ તે પોતાને સોંપાયેલું કામ બમણા વેગથી કરીને, ભણતર અને કામ બંને વચ્ચે સમતોલન રાખી લેતો.
પણ એના ભણવાનો ખર્ચ ઘરને કેમ પોસાય ? બીજા ભાઈઓ જુઓ કે અમે મજુરી કરીએ અને નાનો તો નિશાળે જલસા કરે. એટલે જયંતિએ ભણવાનો તમામ ખર્ચ જાતે જ કાઢવાનો નિર્ધાર કરેલ, આથી નિશાળેથી છુટ્યા પછી તે આખા ગામમાં ફરી ફરીને શાકભાજી વેંચે, બાજુના ગામમાં પોતાની ભેંસોનું ઘી વેંચવા જાય અને ઘરની પાસે નાની દુકાન જેવું બનાવીને સાંજે તે દુકાન ચલાવે અને સાથે પોતાનું ભણવાનું પણ કરે. રોજ સવારે વહેલો ઉઠીને ભેંસને દોહીને તેના તાજા દૂધમાંથી ચા બનાવીને ગામના પાદરમાં રાત રોકાયેલી બસના ડ્રાઈવર-કંડક્તર અને મુસાફરોને ચા વેંચવા પણ જયંતિ પહોચી જતો. આમાંથી તેને જે પૈસા મળતા તે ઘર ખર્ચ, અને તેના પિતાની બીમારી માટે વાપરી શકાતા. અને ભાઈઓનાં પૈસાથી ઘર ચાલતું અને દેવું ચૂકવાતું.
એક ગરીબ પરિવારના બાળકના શિક્ષણના સંઘર્ષની આ પહેલી કથા હતી. પણ ઈશ્વર હજુ ઘણી આકરી પરીક્ષા લેવો બેઠો હતો.
મહાઅકસ્માત –
દર વર્ષે શાળાના વેકેશનમાં શેરડીની મોસમમાં જયંતિ શેરડીના ખેતરોના કારખાનામાં કામે જતો. તેજીના કારણે તેમાંથી સારી એવી મજૂરી મળી રહેતી. અને ભણેલા ગણેલા જયંતિનાં પરોપકારી સ્વભાવથી માલિકોને પણ તેના કામનો સંતોષ થતો.
ધો.૭ નાં વેકેશન વખતે તો શેરડીમાં ખૂબ તેજી હતી. કારખાનાઓમાં શેરડીમાંથી રસ કાઢવાના સીન્ચોડા ( રસ કાઢવાનું ફરતા પૈડા વાળું મશીન ) રાત દિવસ ચાલતા. જયંતિ પણ આ વર્ષે અહી જ સીન્ચોડાના મુખ્ય મજુરને શેરડીઓ આપતો જાય અને પીસાયેલી શેરડીઓ અલગ કરતો જાય. પણ એક દિવસ બપોરે સીન્ચોડામાં શેરડી પિલાતા મુખ્ય મજુરની થોડી તબિયત બગડી, એટલે જયંતિએ તેને આરામ કરાવનું કહ્યું અને પોતે જ થોડો સમય શેરડીઓ પીલી આપશે તેવું મજૂરને આશ્વાસન આપ્યું. હવે ૧૩ વર્ષનો આ બાળક શેરડીના મશીનમાં એક એક શેરડીઓ નાખીને પીલી રહ્યો હતો પણ આ ઘટના, આ ઉપકાર જિંદગીની સૌથી ગોઝારી ઘટના બનવા જઈ રહી હતી. ૧૩ વર્ષના જયંતિનો જમણો હાથ શેરડીઓની સાથે સાથે પેલા તીક્ષ્ણ દાંતાવાળા મશીનમાં ખેંચાઈ ગયો. ક્ષણભરમાં જ શેરડીના છોતાની જેમ જમણો હાથ છુંદાઈ ગયો. મશીન રસથી નહિ પણ લોહીથી ઉભરાઈ પડ્યું. જયંતિની કરુણ ચીસો સાંભળી બધા મજૂરો દોડી આવ્યા. મશીન બંધ થઇ ગયું હતું, પણ જયંતિની ધડકનો હજુ ચાલુ હતી. આંગળા અને હાથના એક એક હાડકાનો ભૂકો થઇ ચુક્યો હતો.
તાત્કાલિક જ બાજુના શહેરની હોસ્પીટલમાં તેને દાખલ કરવામાં આવ્યો. ડોક્ટરોએ ઓપરેશન તો કર્યું પણ જણાવ્યું કે બચેલો જમણો હાથ કાપવો પડશે, નહીતો ભવિષ્યમાં ચેપના કારણે ખતરો થઇ શકે છે. આટલો મોટો નિર્ણય લેવા માટે તેના ઘર વાળા હાજર હોય તો સારું એવું સમજી મજૂરો અને માલિકે જયંતિના ઘરે આ બનાવની જાણ કરી, સમાચાર સાંભળતા જ માતા-પિતા દર્દ સાથે તરત જ હોસ્પિટલ પર દોડી આવ્યા.
માતા કેસરબેન તો રડી રડીને અડધા થઇ ગયા. “ સાહેબ, મારા છોકરાનો હાથ સાજો કરી આપો, હું મારી બધી ભેંસો, ખેતર બધું વેંચીને તમને પાઈ પાઈ ચૂકવી આપીશ, પણ જયંતિને સાજો કરો...સાહેબ.....” આ રુદનનાં આક્રંદથી હોસ્પિટલ ગાજી ઉઠતી હતી. આ એક મમતાની કરુણ પુકાર હતી. કડવાભાઈ, ગામજનો અને મજૂરો કેસરબેન ને સંભાળી રહ્યા હતા. પણ શોકમાં તો તે પોતે પણ બધા ભગ્ન હતા...
કડવાભાઇએ જયંતિનો હાથ કાપવાની પરવાનગી આપી. અંતે હસતો, રમતો, ૧૩ વર્ષનો સંઘર્શક જયંતિ એક અપંગ બની ચુક્યો હતો. તેણે હમેશ માટે પોતાનો જમણો હાથ ગુમાવી દીધો હતો.
જયંતિની સાચી તાકાત હતી તેનુ ભણતર, તેની કલમ. પણ આ તાકાતને ઉજાગર કરતો જમણો હાથ હવે ક્યા હતો ?? હવે લખવું કેમ ? ભણવું કેમ ? ભણવાનો ખર્ચ કાઢવો કેમ ?
બીજું બાજુ ભાઈ-બહેનોના લગ્નનો ખર્ચ, પિતાની માંદગી. લીધેલા દેવાનું ચુકાવાવનું વ્યાજ. એક સાંધો ત્યાં તેર તૂટે એવી ગરીબ સ્થિતિ. કારખાનાનાં માલિક તરફથી જયંતિને વળતર રૂપે મળેલા પાંચ-સાત હજાર રૂપિયા જયંતિએ પોતે ન રાખતા ભાઈઓને લગ્ન ખર્ચ માટે આપી દીધા. પણ લગ્નબાદ ભાઈઓ તો માતા-પિતાથી અલગ થઇ ગયા, હવે ઘરની તમામ જવાબદારી પિતા અને જયંતિ પર હતી.
હવે તેણે ભણવાનું છોડી દીધું. મગન માસ્તરે ઘણું સમજાવ્યું પણ જયંતિ હવે ભણવા તૈયાર ન હતો.દુખ અને હતાશા માણસ પાસેથી ઘણું છીનવી લે છે એ આ હકીકત સમજાવતી હતી. હવે તો ૩ સભ્યોના ઘરનાં માળામાં આ પંખીડાઓ જેમ તેમ દિવસો પસાર કરતા હતા. ઘર પાસેની નાની દુકાનમાં જે વ્યાપાર થતો તે અને બીમાર પિતાની મજૂરીમાંથી બધો ઘર ખર્ચ અને કરજ ભરાતું હતું.
જયંતિ હવે એક લાચાર છોકરો થઇ ગયો હતો. જીંદગીનાં સ્વપ્નો ધૂળ-ધાણી થઇ ગયેલા જણાયા. તે એક ઘોર નિરાશામાં સરી પડ્યો હતો. એક બચેલા ડાબા હાથથી દુનિયાનું યુદ્ધ કેમ જીતી શકાય ? ઘરની અને પોતાની સ્થિતિ જોઈને રડતી માંને જોઈ એ રાતે ખાટલામાં પડ્યા પડ્યા પોતાના નસીબને કોસતો રહેતો. “ આ તે કેવી સ્થિતિ ?? ગરીબ હોવું એ શા માટે અભિશાપ છે ? મેં કોઈનું શું ખરાબ કર્યું કે હું અપંગ થઇ ગયો ?? ઈશ્વર આટલો ક્રૂર કેમ ? “ આવા સવાલોમાં જ એ દિવસો કાઢતો.
નવી ચેતના –
રોજ સવાર સાંજ તટે ગામની નદીએ જઈને કલાકો સુધી ત્યાં બેસી રહેતો. એ સતત વહેતી નદી એના તમામ દર્દોની સાથી હતી. એ નદીને જ ઉદેશીને પોતાનું દર્દ ઠાલવતો.
એક સાંજે નદીનાં સામે કિનારે એક અજબની ઘટના જોઈ. એક વાંદરાનું બચ્ચું ઝાડ પરથી નીચે પડી ગયેલું. નીચે રહેલા કુતરાઓ બાળવાનરને ઘેરી વળેલા. વાંદરાની માં એ કુતરાઓને ભગાડવાનો સતત પ્રયાસ કરી રહી હતી, અને બચ્ચાને બચાવવા માંગતી હતી. પણ તેને એક જ હાથ હતો ( જયંતિની જેમ જ ). આથી તે કુદકા મારવામાં પોતાનું સમતુલન ગુમાવી બેસતી હતી, આમ છતાં પોતાના બચ્ચાને બચાવા માટે તેણે જોરથી નીચે કુદકો મારીને પોતાના બચ્ચાને એક પંજાથી ઉઠાવ્યું અને કુતરાથી ભાગવા તમામ તાકાત એક જ હાથપર ( આગળનાં પંજા પર ) લગાવીને એક હાથે વડની વડવાઈ પકડી લટકી ગઈ. અને પછી એક જ હાથના સહારે તે એક પછી એક ડાળી કુદતા બચીને ભાગી ગઈ. અદભુત બચાવ.
જયંતિને આ આખી ઘટના જોઈ વિચાર આવ્યો કે આ અબુધ પ્રાણીને પણ એક જ હાથ હતો તો પણ એક જ હાથની પ્રચંડ તાકાતથી તે બચી ગયું. અને એક હાથે પણ તે જીવી રહ્યું છે.
એક હાથથી એક પ્રાણી જીવી શકે તો હું કેમ નહિ ?? મનોમન વિચાર કર્યો કે “ મારા જમણા હાથની ગુમાવેલી તાકાત હું ડાબા હાથમાં સીંચી દઈશ. હું ફરી ભણીશ, ડાબા હાથથી લખવાનો પ્રયાસ કરીશ, એક વાર નહિ હજાર વાર પ્રયાસ કરીશ. માત્ર એક હાથ જવાથી કાઈ જીંદગી ખતમ નથી થઇ જવાની. જે તમામ કામ જમણા હાથથી થતા હોય તે તમામ માટે ડાબા હાથને ટેવ પડાવીશ. એવું કરી નાખીશ કે કદી ખુદને એવો અહેસાસ જ નાં થાય કે મારો જમાનો હાથ છે જ નહી. “
નદીનાં કિનારે સૂરજ આથમી રહ્યો હતો. અને સૂરજનું આશાનું એક કિરણ જયંતિની આંખમાં જઈને એના રોમે રોમને પ્રકાશિત કરી રહ્યું હતું. હવે જયંતીએ તમામ નિરશાઓને ધકેલી દઈને અન્દરની તાકાતથી લડી લેવાનું વિચારી લીધું. હવે જયંતિનો આ નવો જન્મ થઇ ચુક્યો હતો. એ હતો હવે ઉર્જાવાન- હિમતવાન જયંતિ.
નવી શરૂઆત-
આજે રાત્રે તે શાંતિથી સુઈ શક્યો. ઈશ્વરને દોષ દેવાનું બંધ કરીને ફરી મહેનત કરીને ભાગ્યને ચેલેન્જ કરવાનું વિચારી લીધું. બીજા દિવસે વહેલી સવારે ઉઠીને એક જ હાથે ભેંસને દોહીને તાજા દૂધમાંથી ચા બનાવી તે મહિનાઓ જુના પોતાના રૂટીન કાર્યક્રમ મુજબ, ગામના પાદરમાં રાત રોકાતી બસનાં ડ્રાઈવર-કંડકટરને ચા દેવા પહોચી ગયો.
જયંતિના અકસ્માત બાદ ડ્રાઈવર-કંડકટરને પણ ઘણો આઘાત લાગેલો અને પછી તેઓને કોઈ જ વ્યક્તિ આટલું વહેલું ચા દેવા ન આવતું. પણ આજે મહિનાઓ બાદ, અપંગ જયંતિને જમણા હાથમાં ચાનાં કપ સાથે આવેલો જોઇને ડ્રાઈવર-કંડકટર ચોંકી ગયા. તેણે ભાંગેલા જયંતિમાં નવો ઉત્સાહ, ઉમંગ જોયો. “ સાહેબ, હવે હું રોજ ચા દેવા આવીશ હો, મારો એક હાથ પણ બે હાથ બરાબર છે હો... “ એવું જુસ્સાદાર જયંતિનાં વાક્ય બોલતા જ, બંને જણા જયંતિને ભેટી પડ્યા. અને જયંતિનો ધો.૧૦ સુધી ભણવાનો તમામ ખર્ચ એ બંને જણાએ ઉપાડી લેવાનું પણ વચન આપ્યું. ભલે કોઈ જ લોહીના સબંધ નાં હોય તો પણ કોઈ માણસ પોતાની ખાનદાની કેવી નિભાવી જાય છે એ આ કથાએ સાબિત કરી આપ્યું.
જયંતિના અકસ્માતથી શાળામાં, શિક્ષકોમાં, મિત્રોમાં પણ દુખની-નિરાશાની લાગણીઓ વ્યાપી ગઈ હતી. એક હોશિયાર છોકરો અકસ્માત બાદ ઘરની પરિસ્થિતિના કારણે ભણવાનું છોડી દે, તે શિક્ષકને પણ કેમ ગમે ? મગન માસ્તરે પોતાની નજર સામે જ એક ઉગતા સિતારાને આથમતા જોયો હતો.
પણ, આજે સવારે મગન માસ્તરના ચાલુ ક્લાસમાં દરવાજા પરથી એક અવાજ રણક્યો “ સાહેબ, અંદર આવું ?? “
બધાની નજર દરવાજા પર પડી, દરવાજા પર મેલા-ઘેલા સ્કૂલ યુનિફોર્મમાં સજ્જ અને પોતાના ડાબાહાથમાં દબાવેલી ૩ ચોપડીઓ લઈને એક હાથ વાળો જયંતી ઉભો હતો.
જયંતિને ફરી ભણવા આવેલો જોઇને આખો ક્લાસ હરખાઇ ઉઠ્યો. “ સાહેબ, હવે હું ફરી ભણીશ, તમારી જેમ જ માસ્તર બનીશ “ એવું જયંતી બોલી ઉઠ્યો.
મગન માસ્તરની આંખ માંથી હર્ષના આંસુ સારી પડ્યા. અને તે જયંતિને ખુશીથી ક્લાસ વચ્ચે જ ભેંટી પડ્યા અને છોકરાઓએ આ આખી ઘટનાને તાલીઓના ગડગડાટ સાથે વધાવી લીધી. ગુરુ-શિષ્યનું આ અદભુત કરુણ મિલન હતું.
રોજના આગથ પ્રયત્નો અને સંઘર્ષથી જયંતિ હવે ડાબા હાથથી ખુબ જ સુંદર અક્ષરે લખી શકતો, તે વર્ગમાં પ્રેરણાત્મક વક્તવ્ય પણ આપતો, તે એક હાથે બળદ ગાડું, સાઈકલ પણ ચલાવતો, અને એક જ હાથે ગીલી-દંડા જેવી રમત પણ રમી શકતો. ફરી વર્ષો જુનું હાસ્ય જયંતિનાં ચેહરા પર આવી ગયું હતું. તેણે એક જ ડાબાહાથમાં બંનેહાથની તાકાત સમાવી લીધી હતી અને દિલમાં અગાધ સૂર્ય સમી હિમત. એક સમયે ગામમાં કોઈ પણ માની નાં શકે કે જયંતિને માત્ર એક જ હાથ છે. પોતે અપંગ છે એવું દિલ-દિમાગ માંથી જ ભૂંસાઈ ગયું. એ સામાન્ય લોકોની નાતમાં ફરી ભળી ગયો હતો.
“ જે અંદરથી મજબુત બને છે તેને કોઈ પણ અકસ્માત કે ખામી કદી હરાવી શકે નહિ “તેમ જયંતિએ ભાગ્ય સામે લડીને સાબિત કરી આપ્યું.
અંતે એક માસ્તર અને વર્તમાન –
ધો.૧૦ માં જયંતી ખુબ સારા માર્ક સાથે પાસ થયેલ. આગળનો અભ્યાસ કરવા જુનાગઢ શહેરમાં તે આવ્યો. પણ તેની મહેનત, લગન અને સંઘર્ષ જોઇને સમાજના પ્રતિષ્ઠિત લોકો, પ્રોફેસરોએ તેના આગળના અભ્યાસનો તમામ ખર્ચ ઉઠાવી લીધેલ. ધો.૧૨ માં જયારે હોસ્ટેલના સારા સારા વિદ્યાર્થીઓ નાપાસ થયા ત્યારે જયંતિએ સારા માર્ક્સથી પાસ થઈને, પોતાને અભ્યાસમાં મદદ કરનારા તમામ લોકોનું ઋણ ચૂકવી દીધું હોય એમ લાગ્યું....
અભ્યાસ પછી તરત જ તેને શિક્ષક તરીકેની નોકરી મળી. “ હું પણ માસ્તર બનીશ અને લોકોને ભણાવીને આગળ વધારીશ “ એ સપનું તેણે પૂર્ણ કર્યું. આખા ગામ વાળા તેની પ્રગતીથી ખુશ ખુશ થયા. મગન માસ્તરને આજીવન આ સંઘર્શક વિદ્યાર્થી પર ગર્વ રહ્યો. અને કેસર બેનને એક કાદવમાંથી ખીલેલા કમળને જોઇને હર્ષના આંસુ આવ્યા. કડવાબાપાને એ ગર્વ થયો કે “ પોતાના ખાનદાનમાં કોઈ ભણેલું નહિ, અને આ એક હાથવાળો જયંતિ સંઘર્ષથી લડીને માસ્તર બની ગયો, એથી વધુ જીવતા જીવત મોટું સુખ કયું ??”
૨ વર્ષ બાદ, લતાગૌરી નામની પ્રતિષ્ઠિત ખાનદાનની છોકરી સાથે તેના લગ્ન થયા. લતાગૌરીને તેની સખીઓએ કહેલું કે “ એક હાથ વાળા ઠુઠા સાથે લગ્ન ના કરીશ “
પણ લાતાગૌરીને, જયંતિએ ખેડેલા સંઘર્ષથી એટલું સમજાયું હતું કે આ માણસ દુખથી હાર માનનાર નથી. અને આ માણસ કદી કોઈને દુખી નાં કરી શકે. અને એટલે જ હજારો લોકોના કહેવા છતાં તેણે જયંતિ માસ્તર સાથે લગ્નની હા પાડી. પ્રેમમાં માત્ર દેખાવ નહિ, સ્વભાવ, સંઘર્ષ ફરી અહી જીત્યો.
આજે એ લગ્નને મારી ઉમર જેટલા, એટલે કે ૨૭ વર્ષ થયા છે. અને એનો સંસાર સૌથી સુખી ચાલે છે. સમાજમાં એના સંઘર્ષના, લગ્નના, અને લતાગૌરીના સમર્પણનાં દાખલા દેવાય છે. આ સંઘર્શક જયંતિ માસ્તરનો પુત્ર એટલે આ કહાની લખનાર હું પોતે જ. વિવેક ટાંક.
પિતાજી આજે કેશોદની શાળામાં શિક્ષક છે. પણ આજ સુધી તેણે ઘણા વિદ્યાર્થીઓની ફી ભરી તેને ભણાવ્યા છે, ઘણી બહેનોના લગ્ન કરાવ્યા છે. પિતાજી હંમેશા કહે છે “ વિદ્યાદાન એ શ્રેષ્ઠ દાન છે, કારણ કે અન્નદાનથી તો માત્રે એક દિવસની ભૂખ મટે છે, જ્યારે વિદ્યાદાનથી આખી જિંદગીની ભૂખ માટે છે “
આજે અમે પણ એના જ પગલે છીએ. હું પણ આમ તો એક માસ્તર જ છું. અમે પણ એ જ પ્રયાસ કરીએ છીએ કે કોઈ ગરીબ, જરૂરતમંદ બાળકને ભણાવી શકાય. કદાચ એમાંથી ફરી કોઈ એક “જયંતિ માસ્તર“ બની જાય.
***