children stories in gujarati in Gujarati Children Stories by MB (Official) books and stories PDF | બાલમંદિર - બાળવાર્તાઓ નો ખજાનો

Featured Books
Categories
Share

બાલમંદિર - બાળવાર્તાઓ નો ખજાનો

બાલમંદિર

(ભુલકાઓની વાર્તાઓ)

- લેખકો -

અશ્ક રેશમિયા, ભારતી ગોહેલ, ભાવિન જોબનપુત્ર, હિના મોદી,

જેકોબ ડેવિસ, જાગૃતિ વકીલ, કાંતિભાઈ શર્મા, કેવિન પટેલ,

કુંજલ છાયા, લતા હિરાની, મનહર ઓઝા, મિતાલી મણીયાર,

નયના મહેતા, નીતા કોટેચા, નિમિશ વોરા, નિશાંત ઠાકર, સૌમ્ય જોશી,

સેજલ પોંદા, શ્રધ્ધા ભટ્ટ, સુરેશ પટેલ, વૈશાલી ભાતેલિયા

READ MORE BOOKS ONwww.matrubharti.com

© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

1 - સસાશી

2 - છમ... છમ... છછુંદર..... !

3 - દિયાની નાની દુનિયા

4 - વિમ્પી

5 - મોટી ચકલી નાનો વાઘ

6 - ઉર્જા રક્ષક અદ્વિકા બેબીનો અદ્વિક પ્રોજેક્ટ

7 - કાગડાની ચતુરાઈ

8 - ટીના અને ટોની

9 - મોહમુક્તિ

10 - રોતલ દેડકી

11 - ખેતરનું ભૂત

12 - બ્રાહ્મણ દંપતી

13 - એક હતી ગોટી

14 - લાલચ ની લડાઈ

15 - વિલાજ ગ્રહની મુલાકાતે..

16 - ગોલુસેના અને જાદુગર કાલીયા

17 - મોતીની સમજદારી

18 - મીની મ્યાઉ

19 - રીન્કી અને પાટલપત્રધામ

20 - મોન્ટુ અને મેરી

21 - જાંબીની લિસ્કી

***

1 - સસાશી

અશ્ક રેશમિયા

બે મિત્રો હતા. એકનું નામ પ્રિન્સ અને બીજાનું નામ પ્રિયાંક. બંને મિત્રો વાતો કરતાં–કરતાં નિશાળે જતાં હતાં. એવામાં તેમની બાજુમાંથી સસાશી... સસાશી... સસાશી... ની હુળવી બૂમ પાડતી એક છોકરી પસાર થઈ. પેલા બંને મિત્રોને નવાઈ લાગી. સસાશી શું છે !એ જાણવાની જિજ્ઞાસા થઈ. બંનેએ એકસાથે ‘સશાશી’ની ધૂન ગણકારતી છોકરીને જોરથી બુમ પાડી.

છોકરીનું નામ પૂજા હતું. પોતાની નામની બુમ સંભાળીને એ સરરરર...... કરતી બંને મિત્રો જોડે આવીને ઉભી રહી ગઈ. બંનેએ એક સામટો સવાલ કર્યો; ‘અલી પૂજા, આ સસાશી શું છે ?’ પૂજા આનંદ માં આવી ગઈ. ખુશ થતા એ બોલી; ‘અરે ભાઈઓ, આતો મારી વાર્તા નું નામ છે.’

‘વારતાનું નામ? આવું તે કઈ વાર્તાનું નામ હોતું હશે.’ બન્ને અચરજથી પુછવા માંડ્યા.

‘હાસ્તો વળી ! પછી લહેકાથી આગળ બોલી મારી વાર્તાના નામ તો હજુ પણ સુંદર અને રમુજી છે તમે સંભાળશો વિચારતા થઇ જાસો,વિચારતા?’

‘અમાંરે નથી સાંભળવા બીજા નામ. આ સસાસીની વિગત જણાવ એટલે બસ. પ્રિન્સે અધીરાઈથી પૂછ્યું

એટલામાં શાળાનો ઘંટ વાગ્યો. ત્રણેય એકમેકની સામે જોવા લાગ્યા

મનમાં સસાસી ની ધૂન રટતા પ્રિન્સ અને પીયાંક પ્રાર્થનામાં ગયા. પ્રાર્થના કર્યા બાદ વર્ગમાં ગયા. સાહેબ આવ્યા. ભણાવવા માંડ્યું. પણ બેમાંથી એકેયનું મન ભણવામાં લાગ્યું નહી. એમના મનમાં તો સસાસી ના ભણકારા જ વાગતા હતા.

રીશેષ પડતા જ બન્ને ભુખ-તરસને વિસરીને પૂજાએ બતાવેલા લીમડાના ઝાડ નીચે આવી બેઠા. થોડીવારમાં પૂજા પણ આવી ગઈ.

પૂજાના હાથમાંથી નાસ્તાનો ડબ્બો ઝૂંટવતા પ્રિન્સ બોલ્યો;

‘પૂજા, નાસ્તાને માર ગોળી અને અમને ઝટ વાર્તા કહે.’

લીમડાના ઝાડ નીચે બેસતા પૂજા બોલી;

‘શાંતિ રાખ,ભાઈલા,શાંતિ.. આજે વાર્તા કહીંશ એટલે તમે પણ ‘સસાસી સસાસી’ કરતા થઇ જાશો.’

જલ્દી પુજા. હવે ધીરજ ખમાતી નથી. આજે તો ભણવામાં પણ મન લાગ્યું નહી. ઝટ કર નહી તો પાછું ભણવાનું બગડશે.

પૂજાની બાજુમાં જગ્યા લેતા પ્રિયાંકે પણ એમાં હા ભણી.

‘અઓહો.. વાર્તા સાંભળવાની આટલી તાલાવેલી?’ ખડખડાટ હસતી એ બોલી.

પછી પ્રિન્સ અને પ્રિયાંકના ગાલ પર ટપલી મારતા બોલી;’ દોસ્ત વાર્તાનો જાદુ જ એવો છે કે તમે એને પુરેપુરી સાભળો નહી ત્યાં સુધી ચેન જ ન વળે.. અન્ય કામમાં મન પણ ના લાગે.’

તો સાંભળો;પૂજાએ વાર્તા કહેવા માંડી..

પેલા બંને સરવા કાને સાંભળવા લાગ્યા.

એક હતી નદી. એમાં બારેમાસ ભરપુર પાણી વહે. નદીને કિનારે આંબલીના ઘટાદાર ઝાડ હતા. એક આંબલીના વિશાળ થડમાં નાનું સરખું બખોલ. એ બખોલમાં રહે એક સસલું.

એ રોજ સાવારે વહેલું ઉઠે. સૂરજદાદાને નમન કરે. કલકલ કરતી વહેતી નદીનું સુંદર સંગીત માણે. પક્ષીઓંના સુમધુર ગીતો સાંભળે. લીલાછમ્મ ઘાસ પર આમતેમ દોડી હળવી કસરત કરે. પછી સુર્યના કોમળ તડકામાં નહાય.

આમ કરતા ભોજન વેળા એ કિનારાનું તાજું અને કૂણું- કૂણું ઘાસ ખાતું, નદીનું સ્વચ્છ નીર પીતું. રાત્રે ઈશ્વર સ્મરણ કરીને સુઈ જતું. એ તાજુમાજું થઇ આનંદથી જીવતું હતું.

પૂજા વાર્તા કહેવામાં ઓતપ્રોત હતી ને પ્રિન્સ –પ્રીયાંક સાંભળવામાં મશગુલ હતા.

વાર્તા આગળ ચાલી:

એક દિવસ કુણા કુણા ઘાસ પર નાચતું-કુદતું સસલું આનંદમાં આવી ગયું. ગેલમાં ને ગેલમાં એ બખોલથી દુ.. ર ચાલ્યું ગયું. બપોર વીતી જવા છતાય એ બખોલમાં પાછું આવી શક્યું નહી. આ બાજુ ક્યાંકથી રખડતું-રખડતું એક શિયાળ આવી પહોચ્યું. તે બખોલ જોઈ લીલાછમ્મ ઘાસ પર નાચવા લાગ્યું. પછી નદી નદીનું નિર્મળ નીર પી ને બખોલમાં ભરાઈ બેઠું.

બપોર થવા છતાય કોઈ આવ્યું નહી એટલે તેણે તો બખોલને પોતાની કરી લીધી. જમ્યા પછી એ બખોલમાં નિરાંતે ઉંઘી ગયું.

સાંજ થવા આવી હતી. સસસલાને ભાન થયું કે પોતે બખોલથી દૂર આવી ચડ્યું છે. તો એણે ઘર તરફ જવા માટે દોટ મુકી. આવીને જુએ છે તો બખોલમાં શિયાળ શાંતિથી નીંદર માણી રહ્યું છે. સસસલાએ મનમાં વિચાર કર્યો.. ; ‘અતિથી તો દેવ ગણાય. એને આમ કાઢી મુકવું એ મહેમાનનું અપમાન થાય. ભલેને બિચારું થોડીવાર આરામ કરી લે. જાગશે એટલે પોતાની મેળે ચાલ્યું જશે.’આમ વિચારી સસલું તો નદીના નીરને નિહાળતું, પક્ષીઓંના સુમધુર ગાન સાંભળતું રહ્યું. આમને આમ રાત પડી ગઈ. સસલું દ્વાર પર શિયાળના બહાર આવવાની રાહ જોતું બેસી રહ્યું. ને શિયાળ અંદર ઘસઘસાટ ઊંઘતું રહ્યું. આમ કરતા સવાર પડી ગઈ.

સસલું તો પોતાની મસ્તીમાં રોજીંદી ક્રિયાઓ કરવા લાગ્યું. શિયાળ ક્યાંકથી ખોરાક શોધી લાવીને પાછું બખોલમાં ભરાઈ ગયું. આમ કરતા-કરતા ચાર-પાંચ દિવસ વીતી ગયા. શિયાળ તો બખોલનું માલિક બની બેઠું.

હવે સસલાથી રહેવાયું નહી. એણે કહેવા માંડ્યું; ‘પ્રણામ શિયાળભાઈ, મારી મહેમાનગીરી માણી લીધી હોય તો હવે વિદાય થાઓ. બખોલની બહાર રહીને હવે મને અકળામણ થાય છે.’

આ સાંભળીને શિયાળ ગુસ્સાથી લાલચોળ બની ગયું. તે બોલ્યું; ‘જા,જા,કેવું તારું ઘર ને કેવી તારી વાત?આ તો મારું ઘર છે. વર્ષોથી હું અહિયા જ રહું છું. વળી જરા બહાર નજર કરી બોલ્યું; ‘એય સસલડા,ચાલ ભાગ અહીંથી. બીજીવાર મારા ઘરને તારું ઘર કહેવાની હિમ્મત કરી છે તો તારા હાડકા જ ભાંગી નાખીશ હાં.’

શિયાળનું ઉગ્ર રૂપ જોઈ સસલું તો બિચારું ડઘાઈ જ ગયું. છતાય એણે કાકલુંદીભર્યા અવાજે કહેવા માંડ્યું; ‘શિયાળભાઈ,મેં તમને મહેમાન સમજીને આટલા દિવસ રહેવા દીધા એનો આવો બદલો વાળો છો? મહેરબાની કરીને મારા ઘરના માલિક ના થાઓ. ને મારું ઘર મને હવે આપી દો.’

હવે શિયાળે જોયું કે સસલું બી ગયું છે તો એથી એણે ધાક જમાવવા માંડી. ફરી એ ગુસ્સે થઈને બોલ્યું;‘અલ્યા,સસલાં?શું કામ મને હેરાન કરે છે? જા ભાગી જા. નહિ તો આ નદીમાં ફેકી દઈશ ને તો તારો પતોય નહી જડે.’

સસલું પણ હવે ગુસ્સે ભરાયું. હતી એટલી બધી જ હિમ્મત ભેગી કરીને એ કહેવા માંડ્યું;’સાલા શિયાળવા.. હેરાન તો તું મને કરે છે મારા ઘરમાં ઘૂસીને...’એ આગળ બોલે એ પહેલા જ બાજુના ઝાડ ઊપર ખળભળાટ થયો. થોડીવારે એમાંથી અવાજ આવ્યો; ‘એલાં,કોણ ઝગડે છે?

શિયાળ અને સસલાએ અવાજ ભણી નજર ફેરવી. જુએ છે તો ઝાડની ટોચે એક છોકરી બેઠી છે. એનું નામ સાવની. ભણવામાં હોંશિયાર સાવનીને જંગલમાં ઘૂમવાનો જબરો શોખ હતો. એ બહાદુર પણ હતી. જંગલમાં તરુવરની ટોચે બેસીને જાત-જાતના અવાજમાં બુમો પાડવાની એને મજા આવતી. એ કોઈનેં અન્યાય થવા નહોતી દેતી.

સાવાનીને જોઈને શિયાળ ગભરાયું. ને સસલામાં થોડી હિમ્મત આવી. એણે હાથ જોડીને સાવનીને પાસે બોલાવી. સાવની નજીક આવી એટલે શિયાળ બીકનું માર્યું બખોલમાં ઘુસી ગયું. સસલાએ બનેલી હકીકત સાવનીને કહી સંભળાવી. એ પણ સસલા પર રોષે ભરાઈ. એ મોટેથી બોલી; ‘પારકાના ઘરમાં ઘુસી જતા તને જરાય શરમ ના આવી. હવે બહાર નીકળ. કેમ કરીને નીકળે છે હું તને જોઉં છું.’

આમ કહીને સાવની અને સસલું બંને બખોલની બહાર બે-દિવસ બેસી રહ્યાં. શિયાળ માંય ને માંય ભૂખે ભેગું વળતું હતું. તેને લાગ્યું હવે બખોલ છોડ્યા સિવાય આરો નથી. એટલે બીજા દિવસે સવારમાં ધીમાં સાદે બોલ્યું; ‘સસલાભાઈ, મને માફ કરી દો. તમારું ઘર હવે તમને પાછું આપું છું. મને જવા દો.’વચમાં જ સાવની બોલી; ‘સાલા,તને આમ સાવ થોડો જવા દઈશું? તે સસલાને બહું પરેશાન કર્યો છે તેની સજા તો તારા પર સવારી કરીને હું લઈશ.’

આ સાંભળીને શિયાળ ગભરાયું. બખોલમાં વધારે લપાયું. થોડીવારે એ ગભરાયેલા સાદે બોલ્યું; બેન મને જવા દો. હું તમારી બંનેની માફી માગું છું અને હવેથી આવી રીતે કોઈનાય ઘરમાં નહી ઘુસુ. અને વિના વાંકે કોઈને હેરાન નહી કરું એની પાક્કી ખાતરી આપું છું.’

સસલું અને સાવની ખુશ થયા. છતાંય શિયાળને પાંસરું કરવા બનાવટી રોષ કરીને ધમકાવવા માંડ્યું. સસલાએ કહ્યું. શિયાળ તારે ઘર જોઈતું હતું ને. બેટા હવે અંદર જ ભૂખે મર!તને હવે બહાર નહી નીકળવા દઉં.’

સાવાનીએ પણ ધરાવતા કહ્યું. ‘એલા.. શિયાળ !તને બહાર તો નીકળવા દઈશ પણ બહુ દિવસથી મેં કોઈ પ્રાણીની સવારી નથી કરી એટલે તારા પર સવારી તો કરીશ જ.’

વાર્તા આગળ ચાલતી રહી અને પ્રિન્સ તથા પ્રિયાંક સરવા કાને સાંભળતા હતા.

સાવનીના મોઢે સવારીની વાત સાંભળીને શિયાળ ધ્રુજવા લાગ્યું. તે આજીજી કરતા બોલ્યું; ‘માં-બાપ,મને છોડી મુકો. હવે હું સસલાને કે અન્યને ક્યારેય હેરાન નહી કરું. મને જવા દો.. મને જવા દો....’કરતું એ રડવા લાગ્યું.

સસલાને અને સાવનીને શિયાળ પર દયા આવી. સાવનીના કહેવાથી સસલાએ શિયાળને બહાર આવવા કહ્યું. શિયાળ બીતું-બીતું બહાર આવ્યું. સાવનીને સવારી કરાવવાના વિચારથી થથરવા લાગ્યું એણે લાગ્યું. એણે શાંત પાડવા સાવની બોલી; ‘ભાઈ,શિયાળ ! સસલાને હેરાન કરવા નીકળ્યો’તો ને તું જ હેરાન થઇ ગયો ને? જા, હવે કોઈને હેરાન કરતો નહી.’

મોતના મુખમાંથી બચેલું શિયાળ ઊભી પૂંછડી એ ભાગ્યું.

સસલાએ સાવનીનો આભાર માન્યો. અને બંને પોતપોતાના કામે વળગ્યા.

પૂજાના મોઢે આવી રસાળ વાર્તા સાંભળીને પ્રિન્સ અને પ્રિયાંક આનંદની કીકીયારીઓં પાડતા નાચવા લાગ્યા.

એ જ વેળાએ પ્રિયાંકના મનમાં સવાલ ઉઠ્યો. પૂજા આવી વાર્તા ક્યાંથી વાંચી લાવતી હશે?પોતે પણ હવેથી રોજ આવી વાર્તા વાંચી આવશે એવું મનમાં નક્કી કર્યું. ને પછી એણે પૂજાને પૂછ્યું; ‘

‘પૂજા એ કહીશ કે તું આવી વાત્ર ક્યાંથી વાંચે છે.’

આ સાંભળીને પૂજા લીમડાના ઝાડને ચક્કર મારતી હસવા લાગી. ને પ્રિયાંકના બેય ગાલે ટપલી મારતા બોલી;‘બુદ્ધુ !મેં વાંચી નથી,પણ મારા દાદાજી રોજ રાત્રે મને આવી વાર્તાઓ કહે છે.’

‘દાદાજી!?દાદાજી વળી કોણ?’સાવ અજાણ પ્રિયાંકે સવાલ કર્યો..

‘અરે ગાંડા દાદાજીને તું નથી ઓળખતો ’પ્રિન્સે આશ્ચર્યથી કહ્યું.

’પૂજા, આ દાદાજી ક્યાંથી આવે છે ને એ તારા શું થાય છે એ તું મને જણાવશે’ જીજ્ઞાશાવશ પ્રિયાંકે પૂછ્યું.

પ્રિન્સ અને પૂજાને ખબર પડી કે પ્રિયાંક ખરેખર ‘દાદાજી’થી અજાણ છે. એટલે એણે કહેવા માંડ્યું; પ્રિયાંક,. દાદાજી આપણા ઘરમાં જ હોય. એ આપણા દાદાજી થાય. આપણા પપ્પાના પપ્પા એટલેઆપણા દાદાજી અને પપ્પાની મમ્મી એટલે આપણા દાદીજી.’

માથું ખંજવાળતા પ્રિયાંકે ઉભરો ઠાલવ્યો; ‘પણ પ્રિન્સ-પૂજા ! મારા ઘરમાં તો મમ્મી-પપ્પા સિવાય કોઈ છે જ નહી.

એટલામાં ઘંટ વાગ્યો..

‘સસાશી.. સસાશી.. સસાશી..’કરતા ત્રણેય મિત્રો વર્ગ તરફ ઉપડ્યા..

***

2 - છમ... છમ... છછુંદર..... !

ભારતી ગોહિલ

નાનકડી પરી હોમવર્ક કરી રહી હતી. ત્યાં છમ... છમ.. છમ... છમ..... એવો અવાજ આવ્યો. તેને થયું આ વળી શેનો અવાજ ? ‘હશે કાંઇક’ એમ વિચારીને તે ફરી લખવા માંડી. થોડીવાર થઇ ત્યાં તો ફરી પાછું છમ... છમ.. છમ... છમ થયું. તેણે આજુબાજુ જોયું. કાંઈ ના દેખાયું. તેણે વાંકા વળી ને સેટી નીચે જોયું. ત્યાં તો એક છછુંદર.. મોઢાંમાં બે ચાર ઘુઘરી સાથેની દોરી ભરાવી ચાલતી હતી. ને જેવી ચાલે એવી ઘુઘરી રણકે ને અવાજ આવે. છમ... છમ.. છમ... છમ..... ! પરીને તો તે જોવાની અને સાંભળવાની બહુ મજા પડી. તેણે જોયે રાખ્યું. પણ પછી એક વાત ન સમજાણી કે છછુંદર પહેલા રસોડા બાજુ ગઈ. પછી પાછી રૂમમાં આવી ને પાછી રસોડામાં. પરીને તો હોમવર્ક કરતાં છછુંદરમાં વધારે રસ પડ્યો. લખવું પડતું મૂકી તે તેની પાછળ પાછળ રસોડામાં ગઈ. ત્યાં અનાજ દળવાની ઘંટી હતી.

છછુંદર તો ઘંટીની પાછળ ગઈ. પરીએ નીચે વળીને જોયું તો એને અચરજ થયું. ત્યાં તો હતું છછુંદરનું એક બચ્ચું ! ને ઘંટીના પાયામાં તેની પૂંછડી એવી રીતે સલવાઈ ગયેલી કે નીકળતી જ ન હતી. પરીને હવે સમજાયું કે તેની મા અમસ્તા જ નહિ મદદ માટે છમ... છમ.. છમ... છમ..... કરી રહી હતી. પરીએ તો ધીમે ધીમે કાળજી રાખીને બચ્ચાની પૂંછડી કાઢી આપી. છછુંદર અને તેનાં બચ્ચાંને હવે હાશ થઇ.

તે બંને તો પોતાની ખુશી વ્યક્ત કરવા પરીના પગ આગળ ગોળ ગોળ ચક્કર મારવા લાગ્યાં. જાણે મદદ કરવા બદલ પરીનો આભાર ન માનતા હોય તેમ ! પરીને પણ આ છછુંદર અને તેનું બચ્ચું બહુ ગમી ગયાં. તેણે તો છછુંદરનું નામ પણ પાડી દીધું છમ.. છમ. ‘ છમ.. છમ.. છછુંદર..’ આ બંને હવે તો રોજ પરી પાસે આવવા લાગ્યા.

પરી તો તે બંને સાથે રમે-

પરી તો તે બંનેને ચોકલેટ આપે-

પરી તો તે બંનેને રમકડાં આપે –

ને જ્યારે પરી હોમવર્ક કરતી હોય ત્યારે બંને ડાહ્યાંડમરા થઇને પરીના દફતર પાસે બેસી જાય ! ક્યારેક વળી પરી એ બંનેના માથે હાથ ફેરવી વહાલ કરે તો ક્યારેક વળી મોબાઈલ લઈને તે બંનેના ફોટા પાડે. બચ્ચું તો કાઈ ન સમજે પણ પરી છમ છમ ને કહે, “ છમ છમ.. મને તું બહુ ગમે.. આપણે બંને ફ્રેંડ !” ને છમ છમ જાણે બધું સમજતી હોય તેમ માથું હલાવીને કહે, “ ઓ. કે. આપણે બંને ફ્રેંડ !”

આમ મસ્તીમાં ને મસ્તીમાં થોડા દિવસો પસાર થયા. ઉનાળો ગયો ને ચોમાસું આવી પહોચ્યું. એક વખત ધોધમાર વરસાદ આવ્યો. છછુંદર અને તેનું બચ્ચું પરીના ઘરથી થોડે દૂર એક ઝાડની બખોલમાં સલવાઈ ગયા. પાણીને કારણે ત્યાંથી નીકળી શકાય તેમ ન હતું. બીજું તો ઠીક પણ છમ છમને પરીની બહુ યાદ આવે. પણ પરી પાસે જઈ ના શકે. આ બાજુ પરીને પણ થાય કે આટલા વરસાદમાં આ બંને ક્યાં હશે ?

છમ છમ તેનાં બચ્ચાં સાથે ઉદાસ થઈને બેઠી હતી. ત્યાં એક દેડકી આવી. બેઠી. ને પછી કહે, “ ઓ છછુંદરબેન ! આમ છાનામાનાં કેમ બેઠા છો ? કોઈ ઉપાધી તો નથી ને ?” છછુંદર કહે,” હા દેડકીબેન જુઓને.. થયું બધે પાણી પાણી... ને અમે મા દીકરી સલવાણી.. !” દેડકી કહે, “ અરે રે એમાં શું વળી ? થોડો સમય જાય એટલે હતું એવું જ થઇ જાય ! બસ.. થોડી ધીરજ રાખવાની. ” જવાબમાં છછુંદરે પરીની બહુ વાતો કરી. પછી હસતાં હસતાં કહે,

“પરી મારી છે ફ્રેન્ડ બેસ્ટ ; ચોકલેટનો એ કરાવે છે ટેસ્ટ !”

દેડકીને તો ચોકલેટનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી ગયું. કહે , “ એ તમને ચોકલેટ ખવરાવે ? મને પણ કેટલાય સમયથી ખાવાનું મન છે પણ અરે મારા નસીબ... મને કોણ ખવરાવે ?” આ સાંભળી છમ છમ ને તો દયા આવી ગઈ. કહે, “ પાણી ઓછું થઇ જાય પછી મારી સાથે આવજે... તને પણ ચોકલેટનો ટેસ્ટ કરાવીશ. દેડકી તો આ સાંભળી ખુશ ખુશ થઇ ગઈ. ને પાણી ઓછું થવાની રાહ જોવા લાગી. બીજો દિવસ થયો ત્યાં એક મકોડાભાઈ આવ્યા. છમછમ ,તેનું બચ્ચું ને દેડકી બેઠા હતા ત્યાં બેસી ગયો ને અલકમલકની વાતો કરવા લાગ્યો. વાતવાતમાં પછી ચોકલેટની વાત આવી. મીઠી ચીજની વાત આવે એટલે મકોડાભાઈને મઝા પડે. પછી કહે, “ બધું તો બરાબર પણ આ પરી પરી કરો છો એ કોણ વળી ?” તો છછુંદર કહે,

“પરી મારી છે ફ્રેન્ડ બેસ્ટ ; ચોકલેટનો એ કરાવે છે ટેસ્ટ !”

મકોડાભાઈ ખુશ થઇ ને કહે. “. તમારી ફ્રેન્ડ એ મારી પણ ફ્રેન્ડ ! હું ય આવીશ ચોકલેટ ખાવા તમારી સાથે. ” ને આમ ને આમ દેડકીબેને અને મકોડાભાઈએ જવાનું નક્કી કર્યું તો ઝાડ પાસે રહેતા કીડીબેન શાના બાકી રહે ! તેણે પણ સાથે જવાની વાત કરી. આમ છછુંદર,તેનું બચ્ચું,દેડકીબેન,મકોડાભાઈ અને નાના એવા કીડીબેન પાણી ઓછું થવાની રાહ જોવા લાગ્યા. સૌને એમ જ થાય કે ક્યારે પરીને મળીએ ને મીઠી ચોકલેટ ખાઈએ !

ત્રણ-ચાર દિવસ પસાર થયા. વરસાદ બંધ થયો... પાણી ઓછું થયું ને છમ છમ નો ઈશારો થતા સૌ ચાલી નીકળ્યા પરીના ઘર તરફ. છમછમ તો મનમાં ને મનમાં મલકાય. ! કેટલા દિવસે મળવાનું થશે પરી ને ! ને પરી તો મને અને મારા મિત્રોને સાથે જોઈને કેટલી ખુશ થશે ? સૌ ને સારી રીતે બોલાવશે અને મારા માથે તો હાથ ફેરવીને કહેશે , “ અલી છમ છમ.. ક્યાં હતી તું ? હું તો તને કેટલી યાદ કરતી હતી !” ને ત્યારે આ બધા મિત્રો વચ્ચે મારો તો કેવો વટ પડશે !!!! ને આમ વિચાર કરતી હતી ત્યાં પરીનું ઘર આવી ગયું. આગળ છમ છમ ને પાછળ તેનાં મિત્રો પરીના રૂમમાં આવ્યાં.

રૂમમાં તો એકદમ શાંતિ. પરી પોતાની પથારીમાં બેઠી હતી. છમ છમે તો રૂમમાં પોતાના મિત્રો સાથે કેટલાય આંટા માર્યા. ચૂં ચૂં કર્યું.. પરીના દફતર પર ચડી તોય પરીનું ધ્યાન ન ગયું તે ન જ ગયું ! છમ છમ ને સમજાતું નથી કે પરી કેમ કાંઈ બોલાતી નથી ? કેમ કોઈની સામું જોતી નથી ? તે તો સરરર કરતી પલંગ પર ચડી ગઈ. ધ્યાનથી જોયું તો તેને નવાઈ લાગી.. પરી તો બેઠી બેઠી મોબાઈલ ફોન માં વિડીયો ગેમ રમી રહી હતી... ને તેમાં એટલી તલ્લીન થઇ ગઈ હતી કે આજુબાજુ શું ચાલી રહ્યું છે તેની પણ તેણે કાઈ ખબર ન હતી. છમ છમ ને તો બહુ આકરું લાગ્યું. દુ:ખી દુ:ખી થઈ ગઈ. દેડકી-મકોડો-કીડી તથા બચ્ચું છમ છમ સામે જોયા કરે ને છમ છમ પોતાની બેસ્ટ ફ્રેન્ડ પરી સામે !

છમ છમ ને હવે શરમ આવી. તેને થયું કે આ તો મારું અપમાન છે. પરીએ આવું ન કરવું જોઈએ... મારા મિત્રોને ચોકલેટ આપવી તો બાજુએ રહી.. સારો આવકાર આપીને બોલાવ્યા પણ નહીં. ? કાંઈ ન સૂજતા તે તો માંડી દોડવા.. માંડી દોડવા ને રસોડાના એક ખૂણામાં ભરાઈ ગઈ.. દેડકી-મકોડો-કીડી તથા બચ્ચું તેની પાછળ પાછળ ગયા. છમ છમને તો રડવું આવી ગયું... રડતી જાય ને બોલતી જાય...

“ બોલી નહિ મારી ફ્રેન્ડ બેસ્ટ ;

ચોકલેટનો નાં કરાવ્યો ટેસ્ટ.. !”

તેને રડતાં જોઈ બધાને બહુ દુ:ખ થયું. છછુંદર નું બચ્ચું વિચારવા લાગ્યું કે હવે શું કરવું ?

ત્યાં તેને પોતાની પૂછડી ભરાઈ ગઈ હતી એ બનાવ યાદ આવ્યો,એ વખતે મદદ માટે તેની માએ પેલી ઘુઘરીની મદદ લીધી હતી તે પણ યાદ આવ્યું. તે દોડ્યું ને પેલી ઘુઘરીની સર લઇ આવ્યું. પછી તેને ગાળામાં ભરાવીને રૂમ તરફ ચાલવા લાગ્યું. રૂમમાં જતા જ પરીના કાને છમ.. છમ... છમ... છમ.. એવો અવાજ પડ્યો. એક ધ્યાનથી રમી રહેલી પરીને એ અવાજ બહુ પ્રિય લાગ્યો. ને તેણે અવાજની દિશામાં જોયું. ત્યાં તો હતું છછુંદરનું બચ્ચું ! પરીએ તો બચ્ચાને કેટલાય દિવસે જોયું તેથી ખુશ ખુશ થઇ ગઈ... ને ફોન પડતો મૂકી બચ્ચા તરફ આવી. બચ્ચું તો પરી સામે જોયા વગર જ ભાગ્યું રસોડા બાજુ. પરી પણ ઉભી થઇ ને ભાગી. આગળ આગળ બચ્ચું ને પાછળ પાછળ પરી. બચ્ચું તો ખૂણામાં જઈ અટકી ગયું. પરી પણ ત્યાં બેસી ગઈ.

પરીએ જોયું તો છમ છમ રડતી હતી ! પરી કહે, “ અરે છમ છમ... તું કાં રડે ? તું રડે એ મને નાપરવડે! બોલ.. શું થયું ?” પછી તો બધાએ પૂરી વાત કરી. પરી ને તો આવી કાંઈ ખબર હતી નહિ. પોતાનાથી આવું વર્તન થઇ ગયું તેનો પરીને બહુ અફસોસ થયો.

તે મનમાં વિચારવા લાગી કે મારી પાસે આવા સરસ મજાના આનંદી મિત્રો છે ને હું મોબાઈલના પેલા નિર્જિવ ચિત્રો સાથે રમીને મારો કીમતી સમય બગાડતી હતી !

પછી તો પરીએ બધાની માફી માગી. અને કહ્યું હવે પછી આવું નહિ કરું. ને તેણે ફ્રીઝમાંથી ચોકલેટનું બોક્સ કાઢી બધાને આપતી ગઈ ને કહેતી ગઈ.

“ તમે છો મારા ફ્રેન્ડઝ બેસ્ટ ;

ચોકલેટનો સહુને કરાવું ટેસ્ટ !!!”

ને પછી તો કીડીબેને ચોકલેટનો ટેસ્ટ કર્યો –

મકોડાભાઈએ ચોકલેટનો ટેસ્ટ કર્યો-

દેડકીબેને ચોકલેટનો ટેસ્ટ કર્યો-

બચ્ચાંએ ચોકલેટનો ટેસ્ટ કર્યો.

ને છછુદરે તો છમ છમ છમ છમ કર્યું... પરીને એ બહુ પ્રિય હતું ને !!!!

***

3 - દિયાની નાની દુનિયા

ભાવિન જોબનપુત્ર

ગીરના જંગલોની વચ્ચે નાના એવા ગામમાં સાત વર્ષની દિયા રહે છે. દિયા નાનપણથીજ ખુબજ તોફાની પણ ભણવામાં ખુબ હોંશીયાર. આમતો દિયાના ઘણા મિત્રો ઘરની આસપાસની બહેનપણીઓ, સ્કુલની બહેનપણીઓ વગેરે પણ દિયા ની સૌથી મનપસંદ સાથીદાર તેની બિલાડી – સમજુ. સમજુ અને દિયા ખરેખર એક બીજા સાથે ખુબ સમય પસાર કરતા. દિયા અને તેની બિલાડી પરિવારના સૌથી નાના અને સૌથી લાડલા સભ્યો હતા.

દિયા દરરોજ સમજુને દુધ પિવડાવે, રમાડે અને સુઈ જાય એટલે તેને ઓઢાડે. સમજુને પણ દિયા પ્રત્યે અનોખી લાગણી, દિયા બહાર ગઈ હોય ત્યારે તે પણ ઉદાસ હોય અને એવું લાગે કે તે કોઈની રાહ જોવામાં બેચેન હોય. જયારે દિયા ઘરમાં આવે ત્યારે તરતજ સમજુ પણ મજામાં આવી જાય અને પછી જાત જાતના નાટક સરું થાઈ. કયારેક બન્ને થાપો રમે તો કયારેક સમજુને તેની પાછડ દોડાવે. દરરોજ સ્કુલે જતી વખ્તે દિયા તેના પપ્પાને પુછે, “ સમજુ ને લઈ જાવ?” પપ્પા દરેક વખત સમજાવે “ સમજુને ઘરે રહેવા દે, તારા ટીચર તારો વારો પાડી દેશે. ” દિયાને માછલીઓ જોવાનો પણ ભારે શોખ. એના પપ્પા એને દર રવિવારે તળાવમાં માછલીઓ જોવા લઈ જાય. માછલીઓને ગેલ કરતી જોવી હોઈ તેથી તેઓ ઘરેથી લોટ અને ગોળ ની નાની નાની ગોળીઓ બનાવીને ત્યાં જાય. સાથે તળાવની આસપાસ સહેલા પક્ષીઓના દર્શન થાય. જુદા જુદા પક્ષીઓ ના નામ જાણવા મળે અને તેના પપ્પા તેને પક્ષીઓ અને પ્રણીઓની રસપ્રદ વાતો કહે. ઘણી વખત દિયા માછલીઓને જોવા માટે સમજુને પણ તળાવે સાથે લઈ જતી

દિયાનું ગામ ગીરમાં હતુ તેથી તેને લગભગ પ્રણીઓ વિશે બધીજ ખબર હતી. સિંહ, હરણ, મગર, વાંદરાઓ, નીલગાય, વગેરે ને તેને જોયેલા હતાં અને તેના વિશે ખુબજ રુચી હતી. તેના પપ્પા પ્રકુતિ પ્રેમી હતાં એટલે ઘણી વાર તેને નવું નવું જોવા અને જાણવાં મળતું. દિયા અનેક સવાલો પુછે અને તેના પપ્પા પણ તેની જિજ્ઞાસાને સંતોષે.

એક વાર દિયાને પરીક્ષામાં ઓછા માર્કસ આવ્યાં. તે ઘરે આવીને રડવા લાગી. સમજુ પણ તેને જોઈ ને ખુબ ઉદાસ થઈ ગઈ. ઘરે મમ્મી પણ ખુબ ખીજાયા. “ આટલા ઓછા માર્કસ થોડી ચાલે? તું શું કરે છે સ્કુલમાં? તને વાતો કરવાં નથી મોકલતા સ્કુલે?” અધુરામાંપુરુ તેના ટિચર ઘરે આવ્યા અને કહે “ દિયા હોશીયાર હતી તે ભુતકાળ થઈ ગયો. હવે તેને રસજ નથી ભણવામાં ખરેખર ખુબ ખરાબ પરિણામ આવ્યું. ” દિયા તો માત્ર રડતી જાય અને સાંભળતી જાય. દાદા અને દાદી તેને છની રાખે પણે મમ્મી જલ્દી માફ કરવાના મુડમાં ન હતાં. એવામાં તેના પપ્પા આવ્યાં. બધી વાત વિગતવાર તેમને કહેવામાં આવી. અચરજની વાત એ હતી કે પપ્પા હસવા લગ્યા અને દિયાને કિધું, “ ચાલ ઓલા તળાવ વાળા ફોટા જોઈ લઈ”. દિયા તરતજ ઉભી થઈ ગઈ અને સમજુ પણ તેની સાથે પપ્પા ના રુમમાં ચાલી.

પપ્પા એ કોમ્પયુટર ચાલુ કર્યું. એક ફોટો દેખાડયો દિયાને. તે ફોટો તળાવ અને એની આસપાસના વિસ્તારનો હતો ચોમાસા વખતનો. પપ્પાએ પુછયું “ દિયા, તને આમાં શું દેખાય છે?” દિયાએ ધ્યાનથી ફોટો જોયો. ફોટામાં તળાવ પાણીથી ભરેલું હતું. આજુબાજુ લીલાછમ વુક્ષો હતાં. તળાવની પાસે આવેલું મેદાન લીલુંછમ હતું. પ્રકુતિ સોળે કળાએ ખીલી ઉઠેલી દેખાતી હતી. ઘણાં પક્ષીઓ હતાં. બધુજ તાજા રંગોથી રંગાયેલું હોય તેવું લાગતું હતું. દિયા તે ફોટાને જોઈ ખુશ થઈ ગઈ અને વરસાદ ના દિવસો ને યાદ કરવા લાગી.

પપ્પા કંઈ બોલ્યા નહીં અને તે પહેલાનો ફોટો દેખાડયો. તે પણ તેજ જગ્યાનો હતો માત્ર એક ફેરફાર હતો, તે ફોટો શિયાળાનો હતો. પપ્પાએ પુછયું “ દિયા, તને આમાં શું દેખાય છે?” દિયાએ ધ્યાનથી ફોટો જોયો. ફોટા માં તળાવ અધરું ભરેલું હતું. આજુ બાજુના વુક્ષો પર ધુળ જામેલી દેખાતી હતી અને પાંદડાઓ હવે પીળા દેખાતાં હતાં. તળાવની માછલીઓ કિનારે દેખાતી હતી. પક્ષીઓ ઘણાં હતાં પણ ખુબજ ભુખ્યા હતાં. ઘણાં વ્યક્તિઓ પક્ષીઓને ચણ નાખતાં દેખાતાં હતાં. દિયા અને સમજુ ને શિયાળા ના દિવસો યાદ આવી ગયા.

પપ્પા કંઈ બોલ્યા નહીં અને તે પહેલાનો ફોટો દેખાડયો. તે પણ તેજ જગ્યાનો હતો માત્ર એક ફેરફાર હતો, તે ફોટો ઉનાળાનો હતો. પપ્પાએ પુછયું “ દિયા, તને આમાં શું દેખાય છે?”

દિયાએ ધ્યાનથી ફોટો જોયો. ફોટા માં તળાવમાં થોડું પાણી દેખાતું હતું. આજુ બાજુના વુક્ષો ના પાન ખરી ગયા હતાં. મેદાનનું ઘાસ સુકાઈ ગયું હતું. માત્ર થોડા પક્ષીઓ દેખાતા હતાં. સમગ્ર જીવસુષ્ટિ ગરમીથી ત્રાહીમામ પોકારતી હતી. દિયાને યાદ આવ્યું કે ઉનાળામાં અહિંયા માત્ર માછલીઓ અને પક્ષીઓ પુરતુંજ પાણી હતું. ફરી પપ્પાએ ચોમાસા વાળા ફોટો દેખાડયો.

પપ્પાએ દિયાને કહ્યું, “ બેટા, કુદરતની એક ભાષા છે. આ બધા ફોટા એકજ જગ્યાના છે પણ અલગ અલગ ઋતુંઓ વખતનાં છે. આપણું જીવન પણ આવુજ છે. સફળતા અને નિષ્ફળતા પણ આ ઋતુંઓ જેવીજ છે. અટલે આ નબળા પરિણામ માટે રોવાની જરુર નથી. કાલથી થોડું વધારે ધ્યાન આપજે સ્કુલે અને ઘરે પણ થોડી વધારે મહેનત કરજે. યાદ છેને કે વાર્ષિક પરિક્ષામાં

સારા માર્ક્સ આવશે અટલે હું તને શું લઈ દેવાનો છું? તરતજ દિયાને આખી વાત સમજાઈ ગઈ. અને ખુશીથી બોલી “ માછલીઘર અને સાઈકલ. ”

દિયા હવે ભણવામાં ખુબ વધારે ધ્યાન આપવા લાગી. દરરોજ તેનું લેશન સમયસર કરવા લાગી. અઘરા સ્પેલીંગ હોય કે સવાલ જવાબ બધુ લખી લખીને પાકુ કરવા લાગી. જયારે જયારે ભણવામાં આળસ આવે ત્યારે તેને પપ્પાએ દેખાડેલું તળાવ વાળું ઉદાહરણ યાદ આવે અને તે તરતજ એકાગ્ર થઈ પોતાનું કામ વ્યવસ્થિત રીતે કરવા લાગે. થોડો સમય સમજુ ને આપે અને દર રવિવારે પપ્પા સાથે તળાવ જોવા જાય. તળાવ ની આસપાસ થતાં ફેરફાર પર પણ દિયા હવે નજર રાખે અને નવું નવું અવલોકન કરે અને પપ્પાને અવનવાં પ્રશ્નો પુછે.

હવે એપ્રીલ મહિનો આવ્યો. દિયાએ આખુ વર્ષ મહેનત કરી હતી અભ્યાસમાં અને અનેક સપના અને આશાઓ સાથે પરિક્ષાની રાહ જોઈ રહી હતી. તેજ સમયે તેને ખુબ તાવ આવ્યો અને શર્દિ અને ઉધરશ પણ ખુબ આવે. પપ્પા તેને ડોક્ટર પાસે લઈ ગયા અને ડોકટરે દવા આપી. બે દિવાસ પસાર થયા અને તબિયત વધારે બગડી ગઈ. બીજા ડોક્ટર પાસે ગયા અને તેને દિયાને મલેરિયાની અસર છે તેમ જણાવ્યું. પરિક્ષાને માત્ર બે દિવસની વાર હતી અને દિયા ઉભી થઈ શકે તેમ ન હતી. દાદા – દાદી , મમ્મી- પપ્પા અને સમજુ બધાને ચિંતા થવા લાગી. તાવ રાત્રે ખુબ ચડે અને દિયાને ખુબજ નબળાઈ લાગે. પપ્પાએ નિર્ણય લિધો કે આ પરિક્ષા દિયા નહીં આપે. આ સાંભળીને દિયા ઉભી થઈ ગઈ અને બોલી “ પપ્પા આ તો ઉનાળો ચાલે છે. તમેજ મને કહેલું કે ઋતુંઓ તેના ચક્ર પ્રમાણે બદલાઈ છે. હું પરિક્ષા આપવા જઈશ. ”

ઘરના બધા સભ્યોને બાળ હઠ સમજાઈ ગઈ અને અંતે દાદાજીએ દિયાને મંજુરી આપી પરિક્ષા દેવા જવાની. હવે દાદા તેની સાથે સ્કુલે જતાં અને દિયા પરિક્ષા લખતી હોય ત્યાં સુધી બહાર બેસતાં. તાવ અને નબળાઈ હોવા છતાં દિયાએ પરિક્ષા આપી. પરિક્ષાઓ પુરી થઈ, તાવ પણ મટી ગયો. વેકેશનમાં તો દરરોજ સવારે દિયા તળાવે જતી અને કુદરતી વાર્તાવરણની મજા માણતી. હવે પરિણામનો દિવસ આવ્યો, પપ્પા-મમ્મી, દિયા અને સમજુ સ્કુલે પહોંચી ગયા. ટીચરે આ વખતે તેમનું ખાસ સ્વાગત કર્યુ. ટીચરે રીઝલ્ટ આપ્યું અને બોલ્યા, “ આ છોકરી ખરેખર ગજબની છે, આટલી ખરાબ તબિયત હતી પણ છતાં તેને પહેલો નંબર આવ્યો છે. ” બધા લોકોએ દિયાને તાલીઓથી વધાવી લીધી. પપ્પ-મમ્મી અને સમજુ પણ ખુબ ખુશ થયાં.

ધરે પહોંચ્યા ત્યાં તો ઘરે નવી સાઈકલ અને માછલીઘર આવી ગયું હતું. તે દાદા લાવ્યા હતાં. દાદાએ કીધું, “ બેટા, તારા પ્રયત્નોજ ઉત્તમ હતાં તેથી તારું ઈનામ હું અગાઉથીજ હું લાવ્યો છું. ” બધા ખુબ ખુશ હતાં. પપ્પા બોલ્યા, “ જોયુંને ઋતુંઓ હમેંશા બદલાઈ છે. કુદરત એક ભાષા છે. એક ઋતું પરથી સફળતા કે નિષ્ફળતા નકકી ન કરી સકાય.

***

4 - વિમ્પી

હિના મોદી

૧૪૦૦૦ ફીટ ઉપરથી સાંક્ડી ખીણમાં સરકી ગયેલ બાળકી એક ટીટોડીને મળી. કણસતી બાળકીને જોઇ ટીટોડીનું માતૃહૃદય આક્રંદ કરવા લાગ્યું. ટીટોડીએ વિચાર્યું “ અહીં અંધારપટમાં આ મનુષ્ય બાળકી ભૂખ-તરસથી પીડાઇને મરી જશે. અહીં આજુ-બાજુ બીજું કોઇ પ્રાણી-પક્ષી પણ નથી કે હું કોઇની પણ મદદ લઇ શકું ! હવે, જે કંઇ કરવાનું છે તે મારે જ કરવાનું છે.’’ ટીટોડીએ બાળકીને પ્રેમથી આવકારી. બાળકીને વિશ્વાસમાં લઇ એની સાથે પક્ડાપકડીની રમત રમવા મંડી. ટીટોડીને પકડવાની મજામાં બાળકી એની આગળ-પાછળ દોડી રહી હતી. અને આમ કરતાં-કરતાં છેવટે ટીટોડી બાળકીને એક ખુલ્લાં જંગલમાં લઇ આવી. જ્યાં બાળકીને પૂરતાં ફળફળાદિ અને હવા-પાણી મળી રહે.

ટીટોડીએ પોતાની ભાષામાં અવાજો કરી આખા પક્ષીઓનાં સમુદાયને એકત્ર કર્યું મનુષ્ય બાળકીની કહાની સંભળાવી. પક્ષીઓના રાજા જટાયુએ અનેક ટુકડીઓ બનાવી. બાળકીનાં ઉછેરનાં તમામ પાસાંઓને ધ્યાનમાં રાખી કાર્ય અને જવાબદારીની વહેંચણી કરી. કોયલને કહ્યું “ તમારે આ મનુષ્ય બાળકીને ગીત ગાતાં શીખવવું જેથી બાળકી ગીત-સંગીત શીખી શકે અને આનંદમાં બાળપણ વીતાવી શકે.’’ પોપટને કહ્યું “ તમારે એની અંદર ગ્રહણશક્તિ ખીલવવી જેથી બાળકી દરેક બાબત શીખી શકે.’’ બગલાને કહ્યું '' તમારે તક્ને ઝડપતાં શીખવવું જેથી એ જીવનમાં જરૂરી હોય એવી તક ઝડપી શકે. સારાં-નરસાંની સમજ આપવી. જેથી એનાં જીવનમાં ક્યારેય કોઇ દ્વિધા આવે ત્યારે એને પરખ હશે તો એ સમયસર યોગ્ય નિર્ણય લઇ શકે.’’ જટાયુજી બોલ્યાં “ અરે કાગભાઇ ! તમારે બાળકીને ચતુરાઇનાં પાઠ શીખવવાનાં છે. એ પોતે ચતુર હશે તો જીવનમાં ક્યારેય કોઇ એનો દુરપયોગ કે ગેરલાભ ઊઠાવી નહિં શક્શે.’’ સુગરીને આર્કીટેકચરનાં પાઠ ભણાવવા કહ્યું અને કૂનેહ શીખવવાનું કામ સોંપ્યું. બાળકીમાં મહેનત કરવાનાં ગુણો વિકસાવવાનું કામ લક્ક્ડ્ખોડને સોંપ્યું. ચકલીને કહ્યું “ ચકલીરાણી ! તમારામાં રહેલ સંતોષ થકી તમારે અધ્યાત્મનાં પાઠ શીખવવા. ” જરા ડોક ઊચી કરી પક્ષીરાજે કબૂતરને ખોંખારો દીધો અને કહ્યું “ તમે શાંતિના દૂત છે. તમારે શાંતિ થકી જીવનનો મર્મ સમજાવવો નાહક લડાઇ-ઝઘડામાં જીવન વ્યર્થ ન થવું જોઇએ એવું મહામૂલું શિક્ષણ આપવું. ” ચામાચિડિયાને કહ્યું “ તમારે કર્મનાં સિધ્ધાંત બાળકીને શીખવવા એ માટે શ્રેષ્ઠ ઉદાહરણ તમે જ છો આથી આ જવાબદારી તમને સોંપું છું. અને, મોર બાળકીને નૃત્ય શીખવશે અને પ્રભુને રીઝવતાં શીખવશે. જેથી બાળકી પ્રાર્થનામય અને પ્રભુમય બની જીવનનો આસ્વાદ માણી શકવા સક્ષમ બનશે. આમ, દરેક પક્ષીઓને તેમની કાબેલિયત મુજબ બાળકીનાં ઉછેરની જવાબદારી સોંપી. ટીટોડીને બાળની મા જાહેર કરી એનું બહુમાન કર્યું. બધાએ ભેગાં મળી રંગેચંગે બાળકીની નામકરણની વિધિ સંપન્ન કરી. બાળકીનું નામ રાખ્યું – વિમ્પી.

આખો પક્ષી સમાજ એક મનુષ્ય બાળાાં ઉછેર માટે તન-મનથી પોતપોતાની જવાબદારી નિભાવી રહ્યા હતા. બાળકી પણ દરેક પક્ષીઓ સાથે હળી-મળી ગયો. તે પક્ષીઓની ભાષા-વાચા સમજી શકતો અને પક્ષીઓ પણ પોત-પોતાનાં મનની વાતો વિમ્પી સાથે કરતા.

એક શિયાળનાં ધ્યાન પર આ વાત આવી. એણે તકનો ફાયદો ઉઠાવી વનરાજા સિંહ પાસે વ્હાલાં દવલાંની નીતિનાં પાસાં ફેંકવાનું નક્કી કર્યું. એણે આ વાત જંગલમાં પશુ સમાજમાં પહોંચાડી. બધા પશુઓને ભેગાં કરી પોતે લીડરશીપ લઇ વનરાજા સિંહ પાસે ગયા.. દમામભેર આવાજે શિયાળ બોલ્યું – “ વનરાજા સિંહની જય હો” મિડિયા તરીકે ભાગ ભજવી રહેલ શિયાળે મરચું-મીઠું ભભરવી, વાતનું ટોપીંગ કરી વનરાજા સમક્ષ સમાચાર મૂક્યાં – “ હે વનરાજા ! આપણાં વિસ્તારમાં એક મનુષ્યબાળ પ્રવેશી ચૂક્યું છે. આપણે સાવચેત થવાનાં દિવસ આવી ચૂક્યાં છે. આ સ્વાર્થી મનુષ્ય ક્યારેય કોઇનો થયો નથી અને થવાનો નથી. અરે ! આ મનુષ્ય જાત તો પોતાની પણ નથી થઇ. આ દગાબાજ મનુષ્યબાળ મોટું થઇ આપ્ણાં માટે ભયાનક આફત સર્જી શકે. મારી વાત ધ્યાનમાં લો નહિં તો પસ્તવાનાં દિવસો હવે દુર નથી. ” બધા પશુઓએ એકસાથે સૂર પુરાવ્યો. વનરજ સિંહને આખા સમુદાયની વાત ગળે ઉતરી એમણે તાબડતોડ પક્ષી સમુદાય સાથે મીટીંગ ગોઠવી. મીટીંગમાં વનરાજાએ જાહેર કર્યુ – “ આ બાળકી અહીં આપણાં વિસ્તારમાં રહી નહીં શકે. મને સોંપી દો. હું વાતનો નિકાલ કરી દઉ. “ વનરાજા અને પશુસમુદાયનાં એક હથ્થુ નિર્ણય સામે આખા પક્ષીસમાજે એક સાથે હલ્લાબોલ આંદોલન શરૂ કર્યું. પક્ષીરાજે જહેર કર્યું ‘’તમારી પશુતાને કંટ્રોલમાં રાખો,નહીં તો અમે એક સાથે તમારાં ઉપર તૂટી પડીશું અમારી ચાંચ વડે તમને બધાંને કોરી નાંખીશું.

સમય અને સંજોગને સમજી જઇ વનરાજાએ વિચાર્યું આ પક્ષી સમુદાય સાથે સંધિ કરી લેવી જ યોગ્ય રહેશે. તેઓ પણ પક્ષી સમુદાયમાં ભેળાય ગયા. પશુ સમુદાય અને પક્ષી સમુદાયે બાળકી વિમ્પીને સહર્ષ સ્વીકારી લીધો. ‘ વિમ્પી’ સેન્ટર ઑફ એક્ટ્રેશન હતો. બધાં જ ખૂબ પ્યારથી વિમ્પીનો ઉછેર કરી રહ્યા હતા. બધા પોત-પોતાની કાબેલિયત પ્રમાણે વિમ્પીને જીવનનાં પાઠ શીખવતા. વિમ્પીની ચંચળતાથી બધા પશુ-પક્ષીઓ હરખાતા અને આનંદમય જીવન જીવતા. કૂદકે ને ભૂસકે મોટી થઇ રહેલ વિમ્પી અને વિમ્પીની હોશીયારીથી મા ટીટોડીની છાતી ગર્વથી ફૂલાતી.

એક ગોઝારા દિવસે પર્યાવરણવિદ્ એ પોતાનાં હેલીકોપ્ટરમાંથી જોયું કે આ ગાઢ જંગલમાં કોઇક માનવ જાતીનું દેખાય રહ્યું છે. એવું જ હોય તો અહીં મનુષ્ય જીવન શક્ય છે. અહીં મનુષ્ય્નો વસવાટ શક્ય છે એમણે એમનાં સાથીઓ અને સરકારને વાત કરી. સરકારને વાત ગળે ઉતારી એમણે જંગલનું આધુનિકરણ કરવાનો ઠરાવ પસાર કરાવ્યો. સરકાર, અધિકારીઓ, નેતાઓ અને કહેવાતાં પર્યાવરણવિદો બધા પોતપોતાનાં રોટલાં શેકવામાં મગ્ન થઇ ગયા. એક દિવસે મોટાં કાફલા સાથે - પર્યાવરણવિદ્, સરકારી અધિકારીઓ, આર્મીમેન્સ બધાંએ જંગલ તરફ પ્રયાણ કર્યું. પશુ-પક્ષી સમાજમાં વાત પ્રસરી ગઇ. તાબડતોડ એમણે બેઠક બોલાવી. પશુ સમુદાય રીતસર પક્ષી સમાજ પર તૂટી પડ્યો. તેઓ બોલ્યાં “ અમે પહેલાંથી જ તમને સાવચેત કર્યા હતા આ એક બાળકીને કારણે આપણું આખું જંગલ, આપણી જાતિ, પ્રજાતિ બધા સંકટમાં આવી ગયા. આ મનુષ્ય જાત એક ઝટકે આપણું અને આપણાં જ6ગલનું નિકંદન કરી નાંખશે. આ બાળકીને અહીંથી રવાના કરો. નહીં તો અમને સોંપી દો. ”

પક્ષી સમુદાય પણ ખૂબ ગભરાય ગયો હતો. શું કરવું એ નિર્ણય લઇ શકતા ન હતા. પણ ટીટોડીનાં આક્રંદ સામે આખો સમુદાય ઢીલો પડી ગયો. બધાએ એક સાથે પ્રતિજ્ઞા લીધી – ‘ જે થશે તે જોયું જશે આપણે આપણાં જ પોતાનાં વિમ્પીને જાકારો આપી ન શકીએ.’ વિમ્પી પોતે દ્વિધામાં હતો એનું દિલ પશુ-પક્ષી સાથે જોડયેલું હતું પરંતુ એનું દિમાંગ એના પોતાના પર ફિટકાર કરી રહ્યું હતું – એનો આત્મા ડંખી રહ્યો હતો કે “ પોતાનાં જ કારણે બધા સંકટમાં છે. ” અંધારી રાતે વિમ્પી જંગલ અને પશુ-પક્ષી સમુદાયને વંદન કરી ભારે હૈયે ગુપચૂપ કોઇને પણ જાણ કર્યા વિના નીકળી ગઇ. જંગલની ભયાનકતા, જીંદગીની મજાક, મા ટીટોડીની મમતા અને પક્ષીઓની પક્ષીતા વચ્ચે વિમ્પી મૂંઝવણ અનુભવી રહી હતી. વિમ્પી ભયાનક જંગલો પાર કરી રહ્યો હતો. સરીસૃપ પ્રણીઓ એનાં પર તરાપ મારવા તૈયાર હતા એ બધાની સામે એ એકલો ઝઝૂમી રહ્યો હતો. ટીટોડીનાં માતૃહ્રદયને અણસાર આવી ગયો કે પોતાનો પ્યારો વિમ્પી સંકટમાં છે. ટીટોડીએ કાગારોળ કરી આખા સમુહને જાણ કરી. ટીટોડીનો વહેમ સાચો પડ્યો અહીંતહીં ક્યાંય વિમ્પી ન હતો. પશુ-પક્ષેઓ જુદી-જુદી દિશાઓમાં વિમ્પીને શોધવા નીકળી ગયા. વિમ્પી મલ્યો ત્યારે એને પ્રેમથી ઠપકો આપી ટીટોડી પાસે લઇ આવ્યા. વિમ્પીને સહીસલામત જોઇ ટીટોડી ચોધાર આંસુએ રડી અને વિમ્પી પાસે વચન માંગ્યુ કે “ હવે એ ક્યારેય એને છોડીને ન જાય”

મનુષ્યજાતનો આખો કાફલો ત્યાં પહોંચી ગયો. દરેક પશુ-પક્ષીઓએ હુમલાની યોજના બનાવી મનુષ્યજાત પર આક્રમણ કર્યું. પરંતુ મનુષ્યની ટેક્નોલોજી સામે પશુ-પક્ષીઓ હારી રહ્યા હતા. વિમ્પી અનેક યુક્તિ-પ્રયુક્તિઓ સાથે કાફલા પર હુમલો કર્યો. છેવટે મનુષ્યજાતે હાર માનવી પડી.

સરકારી અધિકારીઓએ વિમ્પીને સમજૂતી માટે બોલાવી અનેક લોભામણી લાલચો આપી પરંતુ વિમ્પી એ લોકોના સકંજામાં ન તે નજ આવી સર્વગુણસંપન્ન , કાબેલ, ચપળ વિમ્પીને સરકારે પોતાની તરફ ભેળાય જવા આમંત્રણ આપ્યું ખૂબ આગ્રહ કર્યો પણ વિમ્પીે કોઇની વાત માન્ય રાખી નહિં એણે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું “ તમારા હીરા-માણેક, જર-ઝવેરાત મને લોભાવી નહિં શકે. હું મારી ઘરડી માને એકલી છોડી નહિં તો તમારી સાથે ક્યાંય પણ આવું કે નહિં તો તમને અહિં વસવાટ કરવા દઉં. ” અનેક પ્રયત્નો પછી સરકાર અને પ્રાઇવેટ સંસ્થાઓએ હાર માનવી પડી. પક્ષીઓ દ્વારા ઉછરેલ બાળકી વિમ્પી મનુષ્ય દ્વારા તાલીમ પામેલ આખાં કાફ્લાં કરતાં કંઇ કેટલાય ઘણી ઊંચેરીનીવડી. સ્વાર્થી મનુષ્યતા સામે નિર્દોષ પક્ષીતાની જીત થઇ.

વિમ્પી અને આખો પક્ષી સમુદાય અને જંગલ સમાજ ખુશીઓથી ઝૂંમી ઉઠ્યા અને ગીત-સંગીતથી ખુશાલીને વધાવી લીધી.

ઝૂમે સૌ વિમ્પી સંગાથ; ઝૂમે સૌ વિમ્પી સંગાથ,

એક નાની સી દુનિયાનાં અમે સૌ પંખીડા,

કૂહૂ કૂહૂ કોયલ ટહૂકે, મીઠું-મીઠું પોપટ,

તા-તા થૈ નાચે મોર- વિમ્પી સંગાથ- વિમ્પી સંગાથ.

આભ, ધરતી, નદી-નાળાં સૌ છલકે

મલકે લીલી વનરાઇઓ - વિમ્પી સંગાથ- વિમ્પી સંગાથ

ઝૂમે સૌ...

***

5 - મોટી ચકલી નાનો વાઘ

જેકબ ડેવિસ

એક મોટું જંગલ હતું. એમાં વાઘ રહે, હરણાં રહે, ખીસકોલી રહે, વરૂ રહે, જંગલી ભેંસો રહે, વાંદરાં, અને સસલાં રહે. વળી જાત જાતનાં પક્ષીઓ – મોર, પોપટ, મેના, કબુતર, કાગડા, હોલાં, લેલાં, ગીધ, મરઘી, અને ચકલી પણ રહે ! પક્ષીઓ એક ડાળથી બીજી ડાળ ઉડયા કરે ને મજાક મસ્તી કર્યા કરે.

મોર ટેંહૂંક.... ટેંહૂક.... કરે, પોપટ ટવા... ટવી..... કરે, મેના કૂહૂક.... કૂહૂક..... કરે, કાગડા કવા..... કવા... કરે, લેલાં લેઉઉઉઉ.... લેઉઉ.. કરે, હોલાં ત્રુ..... ત્રુ... કરે, મરઘી ટવુંક.... ટવુંક... કરે, ચકલી ચીં... ચીં કરે, અને ગીધ મુંગુંમંતર બેસી રહે. વળી પશુઓમાં હરણાં મીં.... મીં... ની કીલકારીઓ કરે... ખીસકોલી ટું... ટું... કરે, ઉંટ હીં.... હીં.... કરે, વરૂ અને શિયાળ ઉકાઉ..... ઉકાઉ... કરે, ભેંસો ભાં...... ભાં..... કરે, વાંદરાં હૂપાહૂપ કરે ને એમાં વાઘદાદા ત્રાડ નાખે એટલે બધાં ચુપ થઇ જાય ! જંગલનાં ઝાડ અને વહેતી નદી આ બધાંને શાંતિ જાળવવા કહે પણ શાંતિ વળી કઇ ચીજ છે એની કોઇને ખબર જ નહિ.

જંગલમાં ખાવાપીવાનું અને હરવા ફરવાનું કોઇ દુ:ખ નહિ. બધાંને આ જ સ્વર્ગ લાગે. બધાં જંગલમાં ફરતાં રહે, ફળ, ફુલ અને પાદડાં ખાતાં રહે ને નદીનું ઠંડું ઠંડું પાણી પીને મસ્તી તોફાન કરતાં રહે. સુરજદાદા આકળા થાય તો નદીમાં ભુસકા મારી ઠંડાં થાય.

આ જંગલનું રાજ બે જણ વચ્ચે વહેંચાઇ ગયું હતું. નદીની ઉપરના ભાગમાં ડુંગરામાં નાના વાઘનું રાજ ચાલે. અને અને નીચેના ભાગમાં ચકલીનું રાજ ચાલે. ચકલી એટલે કેવી જબરી ? જાણે મોટું શાહમૃગ હોય એવી. પાંખો પહોળી કરે તો પાંચ ફુટ લાંબી થાય. એની ચાંચ તો જાણે લોખંડની બની હોય એવી. એક ચાંચ મારે તો કોઇ ઉભું જ ના થાય. પણ આ ચકલી પોતાના જંગલમાં બધાં સાથે હળીમળીને રહે અને બધાંને સદા મદદ કરતી રહે અને બધાંનું રક્ષણ કરે, એટલે બધાંને આ ચકલી રાણી બહુ જ વહાલી. પેલા જંગલનો રાજા નાનો વાઘ પણ ચકલીથી બીવે.

આ જંગલની બાજુમાં એક મજાનું ગોકુલલનગર નામનું ગામ હતું. ત્યાંથી એક છોકરી રોજ જંગલમાં ફરવા આવે, એનું નામ પારીજાત હતું. પારીજાત બધાં પશુ પક્ષીને કીલકીલાટ કરતાં જુએ અને તેને બહુ મજા પડે. બધાં પશુ પક્ષી પણ એની જોડે હળી મળી ગયેલાં. જો પારીજાત નદીમાં ન્હાવા પડે તો વાંદરો નજીકના ઝાડ ઉપર બેસી તેનું ધ્યાન રાખે કે રખેને ઉંડા પાણીમાં પારીજાત ડૂબી ના જાય. હરણાં પારીજાત સાથે બેસીને ગેલ કરે. મોર પારીજાત પાસે આવીને નૃત્ય કરવા લાગે. ખીસકોલી પારીજાત માટે સરસ લાલ જામફળ વીણી લાવે. ચકલી રાણીને પણ આ બાળકી વહાલી હતી એટલે એ એના માટે પારીજાતનાં સફેદપીળાં ફૂલ વીણી લાવે. ચકલી પારીજાતની સાથે બેસીને અલક મલકની વાતો કરે. પારીજાત આ ફળ અને ફૂલ ઘેર લઇ જાય. જો કોઇ દિવસ પારીજાત ના આવે તો બધાં દુ:ખી દુ:ખી થઇ જાય.

એક વાર ત્રણ દિવસ પછી પારીજાત જંગલમાં આવી અને જોયું તો આખું જંગલ ખાલી. કોઇ મળે નહિ. એક માંદી મીંદડી ત્યાં બેસી રહેલી. એણે કહયું: આજે તો બાજુના જંગલમાં મેળો છે એટલે બધાં મેળામાં ગયાં છે. હું માંદી છું ,એટલે સુઇ રહી છું. પારીજાત તો નિરાશ થઇ ગઇ. છતાં એકલી એકલી નદી તરફ ન્હાવા જવા લાગી. હવે ઉપરના ભાગના જંગલમાં નાનો વાઘ આ મોકાની રાહ જોઇને લપાઇને બેસી રહેલો. મીંદડીની ચકોર આંખોએ આ જોઇ લીધું. એણે તરત બુમ પાડી કે ‘પારીજાત બહેન...... ભાગો...’ પણ પારીજાત તો અજાણ જ હતી. નાનો વાઘ આ બુમ સાંભળી શિકાર જતો રહેશે એમ સમજી તરાપ મારી ઝાડીમાંથી બહાર આવ્યો અને પારીજાતને પકડી લીધી અને એની બોડમાં લઇ ગયો. માંદી મીંદડી કંઇ કરી શકે એમ હતી નહિ.

વાઘ તો પારીજાતને એની બોડમાં લઇ ગયો. પણ એણે વિચાર્યું કે ‘આ છોકરી તો બહુ દુબળી પાતળી છે, એટલે એને તાજી-માજી કરીને પછી હું ખાઇ જઇશ.’ નાનો વાઘ તો રોજ પારીજાતને સફરજન, દાડમ, મોસંબી, કેળાં, તરબુચ, જામફળ, જાંબુ, કેરી જેવાં ફળ લાવીને ખવડાવતો. અને જાણે એનો ખાસ દોસ્ત હોય એમ સારૂં સારૂં ખાવાનું ખવડાવે અને પાસે બેસી મીઠી મીઠી વાતો કરે.

આ બાજુ ત્રણ દિવસે મેળો પુરો થયો અને બધાં પશુ પક્ષી પાછાં આવ્યાં. મીંદડી તો રડતી જાય અને નાનો વાઘ પારીજાત બહેનને કેવી રીતે ઉપાડી ગયો એની વાત કરતી જાય. બધાં પશુ પક્ષીઓ કકળાટ કરવા લાગ્યાં કે ‘આવી પરી જેવી બાળકીને ઉપાડી ગયો, એ નરાધમ એના મનમાં સમજે છે શું ?’ પણ બધાં નાના વાઘ આગળ જવાની હિંમત કરી શકતાં નહોતાં. પણ ચકલી બહાદૂર હતી ને નાના વાઘને લડાઇમાં હંફાવી પણ શકે એવી હતી. પણ એને થયું કે ‘ત્રણ દિવસમાં તો પારીજાતને જીવતી નહિ રાખી હોય, હવે લડીએ તો પણ શું ?’ ને એમ વિચારીને એ દુ:ખી દુ:ખી થતી હતી.

ત્યાં પોપટ આવ્યો. એ આવીને ઉડતો ઉડતો વાઘની બોડ બાજુ ગયો હતો ને એક નાની છોકરીને રડતી સાંભળી એટલે નજીક જઇને જોયું તો એ તો પારીજાત હતી. એણે ઉડતા આવીને ચકલીને આ ખબર આપી. ચકલી તો રાજીના રેડ થઇ ગઇ. કહે : ‘હવે બેટમજીની વાત છે.’ બધાંને ભેગાં કરીને કહયું : ‘જુઓ, આમ તો એ વાઘડાને હું એકલી જ પહોંચી વળું તેમ છું. પણ જો કોઇ મુશ્કેલી આવી પડે તો કૂદી પડજો. આપણી પારીજાત બહેનને આપણે કોઇ પણ રીતે બચાવવાની છે.’

અને ચકલીનું લાવલશ્કર તો ભાઇ, વાઘની બોડ તરફ ચાલ્યું. વાઘભાઇ તો આ બધાંને તુચ્છ સમજે એટલે નફીકરા થઇને બોડની બહાર બેઠા હતા, અને પારીજાતને એક એક બોર અને જાંબુ ખાવા માટે ફેંકતા હતા. ચકલીએ તો નજીક જઇને ચીં.... ચીં..... ચીં..... ની ભયંકર ત્રાડ નાખી. વાઘ ગભરાઇને ઉભો થઇ ગયો. પછી બધાં પશુ પંખીને જોયાં. ચકલીનો રૂઆબ જોઇને એને ખ્યાલ આવી ગયો કે આ ચકલી જ લશ્કર લઇને આવી છે. પણ વાઘ હજુ તો વિચારતો હતો ત્યાં તો ચકલીએ પાંખો હલાવી અધ્ધર જઇ સીધી વાઘ ઉપર તરાપ મારી. એની ચાંચના એક જ ઘાથી એણે વાઘનું નાક તોડી નાખ્યું. વાઘના મોંએથી તો લોહીની ધાર ચાલી. ચકલી કહે : ‘હજી કહું છું, અમારી પારીજાતબહેનને છોડી દે. નહિ તો હજી બુરી વલે કરીશું.’ વાઘને નાકમાં ખુબ દુખાવો થતો હતો. નાનો હતો છતાં વાઘ હતો એવું અભિમાન એને નડયું. એણે નાક પંપાળતાં કહયું : ‘ના, હું ઉપાડી લાવ્યો છું એટલે તાજીમાજી કરીને હું તો એને ખાઇ જવાનો.’

ત્યાં તો ચકલીએ પાંખો ફફડાવી અને ઉડીને ફરી તરાપ મારી. આ વખતે એની ચાંચથી વાઘની આંખ જ ફોડી નાખી. એક મોટી ત્રાડ નાખી વાઘ પટકાઇ પડયો. એટલામાં તો ભેંસ, વાંદરો, વરૂ, મોર, પોપટ બધાં વાઘ ઉપર તૂટી પડયાં. વાઘભાઇ તો અધમુઆ થઇ ગયા. ચકલીને હાથ જોડી કહયું : ‘ભઇસાબ, તમારાં પારીજાત બહેનને લઇ જાવ, પણ મને છોડો.’

ચકલીએ હવે બધાંને કહયું : ‘હવે છોડી દો એને. આપણે એને મારી નથી નાખવો. એ પણ આપણા જેવો જ જંગલનો જીવ છે.’ અને પછી તો પારીજાતને લઇને ચકલીનું લાવલશ્કર પાછું વળ્યું.

આ બાજુ ત્રણ દિવસ થઇ ગયા છતાં પારીજાત ઘેર પાછી આવી નહિ, એટલે એનાં માતાપિતા ચિંતા કરતાં પારીજાતને જંગલમાં શોધતાં હતાં. ચકલીના લશ્કર સાથે પારીજાતને ચાલતી જોઇને એ તો રાજી રાજી થઇ ગયાં અને ખુશીનાં માર્યાં રડવા લાગ્યાં. ચકલીએ પારીજાતનાં માબાપને આખી વાત કહી સંભળાવી. તેનાં માતાપિતાએ તો પારીજાતને ઉંચકી લીધી. તેમણે ચકલીનો અને બધાં પશુ પંખીનો ખુબ આભાર માન્યો. એમણે ચકલીને કહયું: ‘મારી પારીજાત જંગલમાં આવે ત્યારે તમે ખુબ સાચવી છે અને એને સારાં સારાં ફળ ખવડાવ્યાં છે. હવે આવતા રવિવારે અમારા ઘેર તમે બધાં આવો. અમે લાડુ શીખંડ પુરીનું જમણ કરીશું. આપણે સાથે ખુબ મજા કરીશું.’ બધાંએ કહયું કે ‘હા, જરૂરથી આવીશું.’ પારીજાતે પણ બધાંને એના ઘેર આવવા માટે ખુબ આગ્રહ કર્યો. અને બધાં હસતાં રડતાં રાજીખુશીથી છુટાં પડયાં.

***

6 - ઉર્જા રક્ષક અદ્વિકા બેબીનો અદ્વિક પ્રોજેક્ટ

જાગૃતિ આર. વકીલ

એક ખુબ સરસ મજાનું ગાઢ જંગલ હતું.... અહી સિહ, વાઘ, ચિતા, સસલા વગેરે ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા... ઉચા ઉચા અને ગાઢા લીલા ઝાડવા પર અનેક પશુ પંખીઓ માળા બનાવી લહેરથી જીવતા હતા... જંગલથી થોડે દુર સરસ મજાનું તળાવ હતું... તળાવના કિનારે એક નાનકડું ગામ... એ ગામમાં અદ્વિકા નામની નાનકડી બેબી રહેતી..... પ્રાથમિક શાળામાં પાંચમા ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કરી હવે તે છઠ્ઠા ધોરણમાં આવી હતી.. વેકેશનમાં તેના પપ્પા અને મમ્મી તેને રોજ નવી નવી જગ્યા એ ફરવા લઇ જાય અને કઈ ને કઈ નવી જાણવા જેવી વાતો કરે... અદ્વિકા તો હવે સ્કેટિંગ શીખવા લાગી... ને પ્રેક્ટીસ કરવા પપ્પાનો હાથ પકડી રોજ ગામના તળાવ પાસે એક મોટું મેદાન... એમાં સ્કેટિંગ બુટ પહેરી પ્રેક્ટીસ કરે.. એક દિવસ એ પ્રેક્ટીસ કરી, પપ્પા સાથે તળાવ કિનારે ફરવા ગઈ. ત્યાં ફરતા ફરતા અદ્વીકાબેન તો ખુશ ખુશ થઇ ફેરફુદરડી ફરવા લાગ્યા... એકલા ફરે ને પછી પપ્પાને પણ ફેરવે.... અચાનક એનું ધ્યાન તળાવમાં ગયું. ત્યાં એક કાચબાભાઇ ઉચી ડોક કરી તેને જોતા શાંતિથી પાણીમાં પડ્યા હતા.. અદ્વીકાએ તેમની પાસે જઈ હાય કર્યું... પહેલા તો કાચબાભાઇ થોડા ડરી ગયા ને પોતાની પીઠમાં પોતાનું શરીર ને નાનું મોઢું સંકોચી છુપાવી દીધું !!એ જોઈ અદ્વિકાને નવાઈ લાગી તેણે તેના પપ્પાને એનું કારણ પૂછ્યું. પાપા કહે કે બેટા એ તારાથી ડરી ગયો છે... અદ્વિકાએ ફરી કાચબાભાઇને પ્રેમથી બોલાવ્યા ને કહ્યું:”કાચબાભાઇ.... ઓ... કાચબાભાઇ... હું તો તમારી સાથે વાતો કરવા આવી છું.... તમે તમારું મો બહાર કાઢો.... મારાથી ડરો નહિ... “ધીમે ધીમે કાચબાભાઇએ પોતાનું મો બહાર કાઢ્યું.... પછી અદ્વિકાનું નિર્દોષ અને હસતું મો જોઈ એમને વિશ્વાસ આવ્યો ને ડર ઓછો થયો. તેમને પણ અદ્વિકાને હાય કર્યું. હવે અદ્વિકા તો ખુશ થઇ તાળીઓ પાડવા લાગી.... કાચબાભાઇ તો રાજી રાજી... હવે કાચબાભાઇ બોલ્યા ”તમારું નામ શું ?” “મારું નામ અદ્વિકા એટલે “અદ્વિતીય”..... એટલે જે હમેશા કૈક નવીન જ વિચારતી હોય એ..... ”કાચબા ભાઈ તો વિચારમાં પડી ગયા:આ તો નવું નામ? કાચબાભાઇએ કહ્યું: ‘અરે વાહ... મને પણ આવું સરસ કૈક નામ આપો ને ?” અદ્વિકા અને તેના પપ્પા હસી પડ્યા અને વિચારવા લાગ્યા.... છેવટે નક્કી કર્યું “આજ થી તમારું નામ “વિવાન”.... કાચબાભાઇ વિચારમાં પડ્યા... આ “વિવાન” એટલે વળી શું?.... અદ્વિકાના પિતા હસી પડ્યા અને સમજાવતા કહ્યું કે : “વિવાન એટલે જીવનથી ભરપુર..... તમે કેવા આનંદથી તમારું જીવન જીવો છો એટલે તમારું એ નામ બરાબર રહેશે. ”ત્યાં તો અદ્વિકાના પપ્પાનો સેલફોનની ઘંટી વાગી... અદ્વીકાની મમ્મીનો ફોન આવ્યો કે જલ્દી ઘરે આવો આજે તો અદ્વિકાને ભાવતો પીઝા બનાવ્યો છે મેં..... અદ્વિકા તો ખુશ થતી કુદવા લાગી અને કાચબાભાઇને કહેવા લાગી: “આજથી આપને બે ફ્રેન્ડસ..... હું કાલે આવીશ હો તમને મળવા...... બાય..... ”

આમ હવે અદ્વિકા અને વિવાનની દોસ્તી જામી ગઈ.... રોજ સાંજ પડે ને બને વાતો કરે અવનવી..... એક રાત્રે જમીને પપ્પા ટીવી જોતા હતા ત્યાં અદ્વિકા અને તેના મમ્મી આવ્યા.... ટીવીમાં અમદાવાદના સમાચાર આવતા હતા.. અદ્વીકાએ પૂછ્યું: “ પાપા મારી સ્કુલની રિક્ષાનો કલર કરતા અમદાવાદની રીક્ષાનો કલર કેમ અલગ હોય છે?” પપ્પાએ કહ્યું: “બેટા એ રિક્ષાઓ સી. એન. જી. રિક્ષાઓ કહેવાય. એમાં જે ગેસ વપરાય એ પ્રદુષણ રહિત હોય. ”આ સાંભળી અદ્વિકા બોલી: “ હા પપ્પા... અમારા બહેન પણ આજે કૈક સુરજ્દાદાની એવી જ વાત કરતા હતા.. કે એ બહુ મોટા છે ને એને વાપરીએ તો પ્રદુષણ ન થાય.... તે હે પપ્પા, સુરજદાદા કઈ વરસાદની જેમ જીલી શકાય?ને આ પ્રદુષણ એટલે શું ? ને એ બધા પુન:પ્રાપ્ય સ્ત્રોત કહેવાય એવું પણ કૈક સમજાવતા હતા... ” હવે અદ્વિકાની મમ્મીએ સમજાવ્યું : “જો બેટા,આપણે વાહનો વાપરીએ અને એમાં પેટ્રોલ,ડીઝલ ભરાવીએ એના ધુમાડાથી વાતાવરણ ખરાબ થાય... ને એ મોંઘુ પણ બહુ.... વળી,કારખાનાના ધુમાડાથી પણ વાતાવરણ બગડે અને આપની આસપાસનું આવરણ આપણને નુકસાન કરે એ પર્યાવરણ. ”. પછી પપ્પા બોલ્યા: “જો બેટા,આ સુરજદાદા તો બહુ જ મોટો ઉર્જાનો સ્ત્રોત છે.... એમની પાસે કેટલી બધી ગરમી છે?એ સાવ મફતમાં આપે. એ શક્તિનો ઉપયોગ કરી મોટી મોટી પ્લેટ બનાવી એમાં એ ઝીલી શકાય ને પછી એ પણ સાવ મફતમાં!!!” પછી પપ્પાએ એને ઉર્જાસ્ત્રોત વિશેના બે પુસ્તકો આપ્યા વાચવા માટે... એ વાચતા વાચતા જ અદ્વિકાને યાદ આવ્યું કે મારે આ વર્ષે શાળામાં કૈક નવો ગ્રીન પ્રોજેક્ટ વેકેશનમાં કરી જવાનો છે તો મારે આવું કૈક વિચારવું જોઈએ ને ?” રોજની જેમ મમ્મીએ રાતે અદ્વિકાને સ્ટોરી ટાઇમમાં કાચબા અને સસલાની રેસની વાર્તા સંભળાવી. જેમાં ઓજસ નામના સસલાભાઈ કાચબાને ચેલેન્જ કરે છે,મજાક ઉડાવે છે અને રેસ જીતવાનું કહે છે અને સસલા ભાઈના ઓવર કોન્ફીડંસને કારણે તે ઝડપી હોવા છતાં હારી ગયા અને શાંતિથી ચાલવાવાળા કાચબાભાઇ જીતી ગયા..... નામ મુજબ જ અદ્વિકા બધી વાત કે વાર્તાને નવતર સ્વરૂપે જ વિચારે.... અદ્વિકા પણ વિચારમાં પડી ગઈ.... એના મગજમાં અમુક વિચારો દોડવા લાગ્યા.... પછી.. હમ્મ્મ્મ... બોલતા તો ક્યારે મમ્મીના ખોળામાં સુઈ ગયા એ ખબર જ ન પડી...

સ્વપ્નમાં પણ એ એમના નામ પ્રમાણે કૈક નવું જ વિચાર્યા કરે, એ નવા સ્વપ્નો જોવા લાગ્યા.... બધી વાતો થઇ સ્વપ્નમાં થઇ ભેગી.... અને અદ્વિકાબેને તો પોતાનો ગ્રીન પ્રોજેક્ટ કર્યો શરુ... જેમાં તેણે બે વર્કિંગ મોડેલ બનાવવાનું નક્કી કર્યું.. ગ્રીન(પુન:પ્રાપ્ય ઉર્જસ્ત્રોત્ વાળો) વિવાન કાચબો અને (પુન:અપ્રાપ્ય ઉર્જાસ્ત્રોતવાળું) ઓજસ સસલું.... મમ્મીની વાર્તા ને શાળાના શિક્ષકની વાત...... બેયનો સુંદર સુમેળ થયો ને...... વિચારી લીધું કે આજે તો વિવાનને નવી રીતે જીતાડવો...... જાણે જંગલમાં પહોચી ગયા વિવાનની પીઠ પર બેસીને રેસના સ્થળ પર....... અહી તો સુંદર વાતાવરણ જામ્યું હતું... ઉત્સુકતાપૂર્વક બધા પ્રાણીઓ,પક્ષીઓ આ નવા પ્રકારની રેસ જોવા ભેગા મળ્યા હતા.... વાંદરાઓ એક ઝાડથી બીજે ડાળ પર કુદકો મારતા હતા.... જીરાફ્ભાઈ ને જજ બનાવ્યા કેમકે એમની ડોક લાંબી હતી... એટલે એ દુર સુધી રેસનો આખો માર્ગ જોઈ શકે... ઓજસ સસલાભાઈ તો ટોપી,ગોગલ્સ સુટમાં મસ્ત તૈયાર થઇ આવી ગયા હતા..

વિવાનભાઈએ આખા રસ્તે અદ્વિકાને પૂછ્યું:” તારા આટલા મોટા થેલામાં તું શું લઇ આવી છો?ને તું કેમ મંદ મંદ હાસ્ય કરે છે? તું કહે તો ખરી કે મને કેમ જીતાડીશ?” પણ અદ્વિકા કહે : “તું ચલ તો ખરો... ત્યાં પહોચીને તને બધું કહું. ” વિવાનને થોડું ટેન્સન હતું,પણ પોતાની દોસ્ત પર પૂરો વિશ્વાસ પણ હતો... ત્યાં પહોચી અદ્વિકાએ પોતાનો થેલો ખોલ્યો.. વિવાન જાણે જાદુગરની ટોપલી ખુલતી હોય એવી ઉત્સુકતાથી અને અધીરતાથી તેને જોઈ રહ્યો.... અદ્વીકાએ થેલામાંથી એક સરસ મજાની બોટલ કાઢી.. ને એક સરસ મજાની છત્રી કાઢી એના પર સરસ મજાની કાળા રંગની પ્લેટો હતી... ને કૈક સૂર્યના તડકામાં ચમકતું હોય એવું લાગ્યું... પછી એ કાચબાભાઇને તૈયાર કરવા લાગી... સહુ પ્રથમ સી. એન. જી. લખેલી બોટલને વિવાનન મો.. ટી પીઠ પર મૂકી.... નવતર છત્રીને વિવાનની એક બાજુએ લટકાવી દીધી... થોડીવારબધું સેટિંગ કર્યું... ને પછી વિવાનની આજુબાજુ ફરી આનંદથી કુદવા લાગી... વિવાન કહે: “ હવે મને સમજાવ તો ખરી દોસ્ત.... આ બધું શું છે?” વિવાને પોતાનું રહય ખોલ્યું.... એ કહે : “જો દોસ્ત, આ સી. એન. જી. ની બોટલ છે.. એ પેટ્રોલ ડીઝલને બદલે ચાલે.... એમાં વપરાતો મીથેન વાયુ વાતાવરણમાં પ્રદુષણ ન થવા દે.... અને પેટ્રોલ,ડીઝલની પણ બચત થાય...... ” “અરે વાહ, મારી દોસ્ત તો જોરદાર હો.. ને આ છત્રી એટલેકે અમ્બ્રેલા શેના માટે ?તડકો ન લાગે એટલે?? “વિવાનની એ વાત સાંભળી અદ્વિકા ખડખડાટ હસી પડી..... અને કહે “ના.... એ અમ્બ્રેલા નથી.... ”સન-બ્રેલા” છે.... એટલે સૂર્યથી ચાલતી છત્રી.... એના પર જે મોટી કાળી પ્લેટ દેખાય છે એમાં સૂરજદાદાની શક્તિ ઝીલાય ને પછી એ પણ વાહન ચલાવવા,કાર ચલાવવા વપરાય.... એ જો સી. એન. જી. ગેસ ખલાસ થઇ જશે તો તને કામ આવશે.... ”વિવાન કહે: “અરે હા.... હવે તો આવી પ્લેટ વાળા મોટા મોટા સાધનો આપણા ગામમાં બધા પોતાની અગાશીમાં ય મુકાવે છે... પણ એ ઘરમાં શું કામના ?? ને રસ્તા પર પણ હવે રાતે આવી પ્લેટ સાથે લાઈટો મુકવામાં આવી છે... ગામના સરપંચ કહેતા હતા કે હવે આપણે ખુબ ઉર્જા બચત કરી શ્રેષ્ઠ ગામનું ઇનામ પણ મેળવી શકીશું.... તે એ શું છે??” અદ્વીકાએ સમજાવ્યું કે “એનાથી પાણી ગરમ થઇ શકે,ઘરમાં લાઈટો પણ ચાલી શકે,રસ્તા પરની સ્ટ્રીટ લાઈટ પણ ચાલે છે,ને એમાં આપનો સેલફોન પણ ચાર્જ કરી શકાય હો!” હવે તો કાચબાભાઇ ખુશ થઇ ગયા.... અદ્વીકાએ તો પોતાના ખીસ્સામથી કેમેરો કાઢ્યો અને ચપોચપ ફોટા પડી લીધા..... આ બાજુ તો ઓજસ સસલાના હાલ તો જોવા જેવા હતા... પોતાની ટાકીમાં પેટ્રોલ ભરાવ્યું હતું પણ એ જંગલને ધુમાડાથી ભરી દેતું હતું.... ચક્કરથી એમનું માથું ભમવા લાગ્યું ને એને તો ૩-૩ ગ્રીન વિવાન દેખાવા લાગ્યા. !!! એ તો સમજી જ ગયા કે આજે એમનું આવીજ બન્યું..... બાલમિત્રો.... હવે તમે જ કહો.... કોણ જીત્યું હોય ?

જજ અને અન્ય સહુએ પર્યાવરણને પ્રદુષણથી બચાવવાના નવા આઈડિયાથી રેસ જીતનાર વિવાનનું વિશિષ્ટ સન્માન કર્યું... તો સ્ટેજ પર ટ્રોફી લેવા સમયે વિવાને પોતાની મિત્ર અદ્વિકાનો આભાર માની તેને પણ સ્ટેજ પર બોલાવી... બંને ખુશ ખુશાલ ચહેરાને અદ્વિકાના મમ્મી પાપા એ કેમેરામાં અને મીડીયાવાળાએ વિડીઓમાં કેદ કરી લીધા.... અદ્વિકાના ગ્રીન પ્રોજેક્ટના મોડેલ વિવાનને જોઇને તમે પણ સમજી જ ગયા હશો કે તમારા જ ભવિષ્ય માટે કયું વધુ સારું છે?તો ચાલો આજે જ સંકલ્પ લેશું ને કે વધુ ને વધુ ઉર્જા બચત કરી અદ્વિકા જેવા અદ્વિતીય બની દેશને બચાવીશું.... !!!

***

7 - કાગડાની ચતુરાઈ

કાંતિભાઈ શર્મા

પૃથ્વી પર અગણિત જીવ સૃષ્ટિમાં પશુ-પંખી, પ્રાણી અને માનવ સૃષ્ટિમાં ચિત્ર-વિચિત્રતા હોય છે. રજાનો દિવસ હતો બાળકો સોસાયટીના મેદાનમાં જુદી જુદી રમતો રમતા હતા તો કોઈ પતંગ ચગાવતા હતા પણ પ્રાન્સુની પતંગ થોડી ચડી બાજુના લીંમડાના ઝાડની ડાળીમાં ફસાઇ ગઇ ! પ્રાન્સુ એ બે ત્રણ વાર ખેંચી પણ નીકળી નહીં, એ ફસાયેલી ડાળીની ઉપરની ડાળી પર કાગડો આમતેમ માથુ હલાવતો કાંઇક જોતો બેઠો હતો, ડાળી હલવાથી થોડો ડરી ગયો હોય તેમ એકા એક તે પોતાની પાંખ ફફડાવતો ઉડ્યો. કાગડાભાઇ એ પ્રાન્સુ તરફ જોયું દોરી એના હાથમાં હતી કાગડાભાઇ એ નીચે ધ્યાનથી જોયું અને પાંખ હલાવતા નીચે ઉપર થઇ કાગડાભાઇ પતંગવાળી ડાળીએ આવ્યા,આ ડાળીના ૧૦-૧ર પાંદડાંની નાની ડાળીઓ માં પ્રાંશુની પતંગ ફસાયેલી હતી. કુંપળવાળી ડાળી કાગડાભાઈએ ચાંચથી કાપી નાખી ડાળખી સાથે પતંગ છુટ્ટી ગઇ. પ્રાંસુ સાથે અન્ય બાળકો ને આનંદ સાથે આશ્રર્ય થયું. કાગડાભાઇ કલબલાટ થી બાળકોએ જાણી લીધું કે પતંગની દોરી પાનના ડાળમાં ફસાયેલી હતી તે કાગડાએ છોડાવી આપી. પછી તો આ ચોગાનમાં કાગડાભાઇ બધા બાળકોના દોસ્ત થઇ ગયા છોકરાવ લેશન કરવા કે રમત રમતા હોય ત્યારે કાગડાભાઇ નિયમિત બાળકો પાસે આવી જાય. બાળકો પણ પોતાનો નાસ્તો કાગડાભાઇને આપતાં કોઇ વાર કાગડાભાઇ બાળકો ના હોય તો કાગવાણી કરી બાળકોને બોલાવે કાગડાભાઇ સામાન્ય અન્ય કાગડા જેવા જ હતા પણ આ કાગડાભાઇની ઓળખ જુદી હતી તેની એક પાંખ પર ભૂલથી પાકો ઓઇલ કલર ચોંટી ગયો હતા. એટલે કાળા ને બદલે એક બાજુની પાખ થોડા બ્લુરંગની હતી. જેથી ઓળખ સહેલાઇ થી થઇ જતી કાગડાભાઇ પોતાના પંછી સમુદાયમાં પણ પ્રિય હતા. કાબર,ચકલી,પોપટ,કોયલ,કબૂતર વિગેરે કાગડાભાઇના મિત્રો હતા તેને કારણે બધા બાળકો નો પરિચય થયો. સવારે સૂર્ય ઉગે એટલે કાગડા ભાઇ કોયલ, પોપટ, મિત્રો સાથે લીમડાના ઝાડપર કોયલ દ્વારા ટહુકારો, પોપટ દ્વારા બાળકોના નામ બોલાવે સવારે બાળકો પણ પક્ષીઓના શોરબકોર સાથે ઉઠીને શાળા કે બાલ મંદિર જાય અને રજાના દિવસે ચોકમાં અનેક,પંખીઓની સાથે બાળકો મળી મોટો મેળો ભરાય અને આનંદ પ્રમોદની કિકીયારી સાથે આનંદમેળાવડો જામતો. પક્ષીઓ ના કામની જાણકારી બાળકોમા અને બાળકો ના કામની જાણકારી પંક્ષીઓમા એમ એક પરિવાર બની ગયો.

એક દિવસ બાળકો સૌ સ્કુલે ગયા હતા, બપોરના વખતે લીમડા પાસે પ્રાન્સુના મિત્ર વિવેકની પંચરવાળી સાયકલ બંધ હાલતમાં પડી હતી. એ બપોરના સમયે ઘરની આજુબાજુ કે ચોકમાં કોઇ જ દેખાતુ ના હતું કાગડાભાઇ લીમડા પર બેઠા હતા. ભંગારવાળાને થયુ; કે કોઇ જોતું નથી એટલે આજુબાજુ જોઈ કોઈ જોતુ નથી એમ માની એણે લારીમાં સાયકલ છાનીમાની મુકી દીધી. કાગડાભાઇ ઉપરથી બરાબર જોતા હતા, લારી વાળો જેવો ભાગવા ગયોને કાગડાભાઈ ચીચીયારી શરૂ કરી પણ આજુબાજુ ના ઘરોમાથી કોઇ બહાર આવ્યુ નહી કે કોઈ કાય સમજયુ નહી. ભંગારવાળાએ લારી માં સાયકલ નાખી લારી જડપ થી હકારી મૂકી કાગડાભાઇ તેની પાછળ પીછો કર્યો,પણ ભંગારવાળએ કાગભાઇને ધ્યાનમાં લીધા નહિ. શહેરની છેવાડે ચાની લારી આગળ બધા ભંગારીયા ભેગા થતા ત્યાં સાયકલ લઇને નાઠેલો ભંગારીયો પહોંચી ગયો ત્યાં બધા સાથે ઉભો, કાગડાભાઇ ત્યાંસુધી પહોંચી ગયા પછી ત્યાં આંબા પર બેસી જઇ ચીચીયારી કરવા લાગ્યો. સાયકલ ચોર ભંગારીયો પથ્થર લઇ કાગડાને મારવા ગયો તો પણ કાગભાઇ જોરજોરથી રાડો પાડી ચીચીયારી કરી મુકી બીજા ભંગારીયાએ પૂછયું કે છગન કેમ આ કાગડો આવું કરે છે, અને તુ કેમ એમને ભગાડે છે ? ત્યારે સાયકલ ચોર છગને કહ્યુ કે સાયકલ લીધી ત્યારથી આ કાગડો ચીચીયારીઓ કરે છે. અને અહીં સુધી પીછો કરી આવ્યો. બીજા વયોવૃધ્ધ ભંગારવાળાએ કહયું કે તેં સાયકલ ચોરી છુપી થી લીધી હશે. ઉપર કાગડાભાઇ આ બધાની વાતો સાંભળતા હતા. ચોરી કરનાર ભંગારીયો ખોટુ બોલી કહેતો હતો કે મેં એવું નથી કર્યું ત્યાં ઉપરથી કાગડો નીચે સુધી આવી કીકીયારી કરી રાડો પાડવા માંડયો, બીજા ભંગારીયા સમજી ગયા છગન જ ચોર છે. પછી ચોર ભંગારીયો છગન ત્યાં રોકાયો નહીં અને ચાલતી પકડી કાગડા ભાઇએ એમની વાટ્ટ સુધી જઇ આવ્યો. ચાંચ મારવાની કોશિષ કરી તો પણ ચોર ભંગારીયાએ તેને મારવા લાકડી અને પત્થર લીધા અને પુરપાટ લારી ચલાવી ભાગ્યો.

આ તરફ કાગડાએ તેનો ખૂબ પીછો કર્યો શકય ખૂબજ અંતરીયાળ વિસ્તારમાં ચોરેલ સાયકલવાળો ચાલ્યો ગયો કાગડાભાઇ ફરી પાછા ખુબ દુ;ખી થતા ચોકના લીમડા પર આવ્યા. છોકરાઓ પણ શાળામાંથી ઘણા આવી ગયા હતા. તેટલે કાગડાભાઇ એ કોલાહલ કર્યો એટલે પ્રાન્સુ તેમજ સવારની શાળાના છોકરાઓ આવેલા હતા તે લીમડા નીચે આવ્યા કાગડાભાઇ નીચે આવી વિવેક સામુ જોઇ અને જ્યા સાયકલ ઉપડી જે જગ્યાએ બેસી ઇશારાથી જણાવ્યું કે સાયકલ (ભંગારવાળો) અહી થી ઉપાડી ગયો વિવેક, પ્રાન્સુ,જેનિકા બધા સમજી ગયા એમણે મમ્મીને, બેનને બીજાઓને પૂછયું પણ કોઇને ખબર નહતી. બધાને જોઇ એક સાથે પૂછયું પણ કોઇને ખબર નહતી. બધાને એક સાથે ખબર પડી કે સાયકલ ઉપડી ગઇ છે. આજુબાજુ કોઇને પણ આ અંગે કશી જ ખબર ન હતી પણ કાગડાભાઇ પ્રાન્સની આગળ ધીમે ડગલા ગયા પ્રાન્સુ સમજી ગયો કે કાગડાભાઇ જરૂર જાણે છે. એ ઉડયા આગળ અને પ્રાન્સુ અને વિવકે પ્રાન્સુની સાયકલ પર તેની પાછળ કે જયાં લારીઓ ઉભી રહેતી હતી ત્યાં ઝાડ પર કાગડાભાઇ બેસી બોલવા લાગ્યા પ્રાન્સુ અને વિવેક ત્યાં આવી ગયા કાગડાની કોલાહલથી એક બે ભંગારીયા ઝાડ નીચે પોતાની લારીમાં ઉંઘતા હતા તે જાગી ગયા એ અને છોકરાઓ અને કાગડા અને બીજા અન્ય પક્ષીઓના કોલાહલથી સમજી ગયા. પ્રાન્સુએ ભંગારીયાઓ ને કહયું કે અમારા ચોકમાંથી એક લાલ સાયકલ ઉપડી ગઇ છે. અહીં કોઇ લાવ્યું છે ? ભંગારીયા એક બીજા સામે જોવા માંડયા પણ કોઇ બોલ્યું નહીં. જાણતા હતા છતાં છુપાવ્યું આ જોઇ કાગડાભાઇ પ્રાન્સુની સાયકલ પર બેસી પછી ચીચીયારી કરી. પ્રાન્સુએ કહયું ભાઇ તમેતો કંઇક જાણો છો આ કાગડાભાઇ અને બીજા પક્ષીઓ અમારા મિત્રો છે. અને પંક્ષીઓ થોડું ખોટું બોલે. !! તમે તો મનુષ્ય છો કાંઇ કહો વિવેકની સાયકલ તાળુ મારેલી પંચર હતું એટલે જ પડી રહી જેમના વિના એમને નવી સાયકલ પણ નહી લઇ દે, પછી એક ભંગારીયાએ કહયું કે હા એક ભંગારની લારીમાં સાયકલ હતી પણ અમે એને નથી ઓળખતા ત્યારે કાગડાભાઇ કોલાહલ કર્યો પણ ભંગારીયાએ કોઈએ જવાબ ના આપ્યો.

બધા વીલે મોઢે પાછા વળ્યા, પણ કાગડાભાઇ ઝાડ ઉપર બેઠા રહ્યા હતા. પ્રાન્સુ અને વિવેક ગયા પછી કાગડાભાઇ ઝાડ ઉપર ચડી ત્યાં જ રોકાયા પોપટ, કાબર, બધા ત્યાં આવી ગયા હતા. ભંગારીયામાંથી એક જણાયે કહયું કે કાકા તમારા ભત્રીજા છગનને કહી દો પોલીસ ફરીયાદ થશે, છોકરાઓ બધા જાણી ગયા છે, છગન ભાગી ગયા છે. તો આપણે બધા એકને વાંકે હેરાન થઇશું. વળી આપણી શાખને બટ્ટો લાગશે એ જુદ્દુ,! ભગુકાકા સમજી ગયા એટલે છગનને ફોન કર્યો વિગતે વાત કરી ફોન લારીમાં મુકી અને એ બાંકડા પર બેસવા ગયા, ઉપર કાગડાભાઇ પોપટ, કાબર બધા પક્ષીઓ જોતા હતા કે પોપટે થયું કાકાનો છગન ચોર છે. નામો બોલવા માંડયો કાગડાભાઇ ઝડપથી નીચે લારી ઉપર જઇ દોરીવાળો કાકાનો મોબાઇલ ચાંચમાં લઇ ઉડયા બધા પક્ષીઓ તેની પાછળ પ્રાન્સુ ,વિવેક,જેનિકા અને બધા બાળકો ઘર આગળ લીમડાના ઝાડ પાસે ઉભા હતા ત્યાં કાગડાભાઇ આવી મોબાઇલ એમની પાસે નાખ્યો, પોપટ, કાબર વિગેરે ત્યાં આવી ગયા પોપટ, છગન છગન મોટે મોટે બોલવા લાગ્યો પ્રાન્સુએ ફોન લીધો તેમાં છેલ્લે ફોન ડાયલ કરેલો નંબર છગન લખાયેલ મળ્યો તેથી પ્રાન્સુએ વિચાર્યું કાગડાભાઇ નાનો ફોન ચાંચ વડે ઉપાડી લાવ્યા છે, ફરી પોપટભાઇએ નામ બરાબર યાદ કરી લીધું. પ્રાન્સુએ ડાયલ કરેલો ફોન રીડાયલ કર્યો અને છગને ફોન ઉપાડયો પ્રાન્સુ કહે છગનભાઇ તમે અમારી સાયકલ ઉપાડી ગયા છો અમોને બધી ખબર પડી ગઇ છે. આ મોબાઇલ પણ અમારા કબજામાં છે. સાયકલ પાછીઆપી જાવ અને મોબાઇલ લઇ જાઓ નહીતર અમે પોલીસમાં ફરિયાદ કરીશું તેથી છગને કાંઇપણ જવાબ આપ્યા વગર ફોન કાપી નાખ્યો.

થોડીવાર થઇ પેલા ભગુકાકા બાઇક પર છગનને લઇ આવી પહોંચ્યા,પોપટ જડ્પી છગન છગન બોલવા લાગ્યો. !! ભગુકાકાએ બધાની દેખતા છગનને ધોલ મારી અને ઘણું બધું બોલ્યા કે વર્ષોથી આ ભંગારનો ધંધો કરું છું. આ ચોકમાં બધા મને ઓળખે છે. તે મારી આબરૂનું લીલામ કર્યું આપણા ધંધામાં બેઇમાની જરાય નહોય. ભાવ તાલ થાય પછીજ ભંગાર આપણી માલિકીનો થાય, ત્યાં તો લારીમાંથી સાયકલ લઈ ને કોઈ આવ્યા એમને એમ તરત્જ સાયકલ પણ મળી ગઇ. ચોકમાં વિવેક અને પ્રાન્સુ બીજા સૌ ઘરના ભેગા થયા કાકાએ રડતા રડતા સૌની માફી માગી. અને છગનને ફરીથી મારવા લીધો કાગડાભાઇ છગન સાથે મળી જોરથી કાકા કરી, પોપટભાઇ પણ બોલવા લાગ્યા શરમ શરમ અને બધા છુટા પડયા છગનને બોધપાઠ લીધો કે કદી આ ધંધામાં ચોરી ના કરવી પછી પ્રાન્સુએ ભગુકાકા નો મોબાઇલ પણ આપી દીધો. વડિલો અને બાળકોએ પોલીસ ફરિયાદ ભગુકાકાને કારણે મુલતવી રાખી કાગડાભાઈ,પોપટભાઈ ને જમવાનુ આપી સૌ બાળકોએ લાગણી સભર સૌ પક્ષીઓનો આભાર માન્યો. સૌ એ કાગડાભાઈ ની ચતુરાઈ ને બિરદાવી. સૌ ભાવ વિભોર બની ગયા.. !!!

***

8 - ટીના અને ટોની

કેવિન પટેલ

“મમ્મી... જલ્દી કર ટોની રાહ જોઈને પાદરે બેઠી હશે... ” પગના મોજા ચડાવતા ટીનાએ કહ્યું.

રસોડામાંથી મમ્મી ઝડપભેર નાસ્તાના ડબ્બા સાથે દોડતી બહાર આવી. ટીનાના ખભે ચડાવેલા દફતરમાં નાસ્તાનો ડબ્બો મુક્યો અને ટીનાના માથે હાથ ફેરવીને માથાના વાળ સરખા કર્યા.

“બે રોટલી ટોની માટે પણ મૂકી છે.. ભૂલ્યા વગર એને ખવડાવીને જ ગામના પાદરથી આગળ વધજે. ” ટીનાના પગમાં મોજડી પહેરાવતા મમ્મીએ કહ્યું.

“ટીના ,આપણા ગામમાં પણ બાજુના ગામ જેવી સારી સ્કૂલ હોત તો કેવું સારું હતું.. રોજ ચાલીને તારે બાજુના ગામમાં જવું ન પડત... ”

“ હા.. મમ્મી તો તો હું રિશેષમાં પણ રોજ ઘરે આવી જાત.. ,”

“મમ્મી હવે ઘણું મોડું થઇ ગયું છે..... હું જાવ છું.. ” આટલું બોલીને ટીના સડસડાટ ઘરના દરવાજામાંથી બહાર નીકળીને શેરીમાં આવી. ટીનાના મમ્મી પણ દોડતા બહાર ઘરના મુખ્ય દરવાજા પાસે આવ્યા અને ટીનાને દોડતી જતી જોઈ રહ્યા. શેરીના વળાંક પર ટીનાએ પાછળ ફરીને જોયું અને મમ્મી સામે હળવું સ્મિત આપ્યું અને મમ્મીના ચહેરા પર પણ સ્મિત આવ્યું.

ટીના ગામના પાદરે પહોંચી એટલે સામેથી ટોની દોડતો ટીના પાસે આવ્યો. ટીનાએ આગળ હાથ કર્યો એટલે ટોનીએ જમણા પગના પંજા વડે તાળી આપતો હોય એમ ટીનાની હથેળીમાં મુક્યો. ટોની એક કુતરી હતી અને ટીનાની સારી એવી દોસ્ત બની ગઈ હતી.

આજથી લગભગ એક વર્ષ પહેલા બંનેની દોસ્તી બંધાઈ હતી. શાળાનું વેકેશન પૂરું થઇ ગયું હતું અને શાળાનો એ પહેલો દિવસ હતો. ચોથું ધોરણ પૂરું કરીને ટીના પાંચમા ધોરણમાં પ્રવેશ કરવા જઈ રહી હતી. ટીનાના ગામના પાદરથી આગળ જતા એક રસ્તો પડતો હતો.. નદીને ઓળંગીને જતો એ રસ્તો બાજુના ગામ તરફ જતો હતો જ્યાં ટીનાની શાળા હતી. વચ્ચે રસ્તામાં બંને બાજુ ઊંચા થોર આવતા અને એ વિસ્તારમાં આવેલા વૃક્ષો અને ભેખડના લીધે આછો અંધકાર છવાયેલો રહેતો હતો. એક દિવસ ટીના વહેલી સવારે દોડતી એ રસ્તા પર આગળ જતી હતી. આછા અંધકારમાં આવીને એ અચાનક જ થોભી ગઈ. સામે વાંદરાઓનું ટોળું હતું. એ ટોળામાં એક બે વાંદરા હતા જે પોતાના દાંત બતાવીને ટીનાને ડરાવવાની કોશિશ કરી રહ્યા હતા. ટીના હેબતાઈ ગઈ.

એક વાંદરો તો હુમલો કરવાના આશયથી ટીનાની નજીકને નજીક આવતો જતો હતો. ટીના હળવે પગે પાછળને પાછળ ખસી રહી હતી. એની આંખમાં ડર અને આંસુ એકસાથે ઉભરાઈને આવી ગયા. કશું જ ખબર નહોતી પડતી કે શું કરવું?.. એવામાં અચાનક જ બાજુની ભેખડ પાછળથી એક કુતરી આવી. દોડતી આવીને એ વાંદરા અને ટીના વચ્ચે ઊભી રહી ગઈ. કુતરી એ વાંદરાની આંખોમાં જોઇને પુરા જોશથી ભસવા લાગી અને વાંદરાને પોતાના તીક્ષ્ણ દાંત દેખાડવા લાગી. વાંદરો પાછળ ખસવા લાગ્યો. જેમ કુતરી વધુને વધુ જોરથી ભસવા લાગી તેમ વાંદરાઓ પાછળને પાછળ ખસવા લાગ્યા અને છેવટે બધા વાંદરાઓ ભાગી ગયા. કુતરી પૂછડી હલાવતી ટીના પાસે આવી. ટીના એટલી હેબતાઈ ગઈ હતી કે કુતરીથી પણ ડરવા લાગી. ટીનાના પગ પણ ધ્રુજવા લાગ્યા હતા. છેવટે ટીના ત્યાં રસ્તા પર જ બેસી ગઈ. કુતરીને પણ માનવીય સંવેદનાઓ આવી ગઈ હોય એમ ટીનાની પાસે આવીને થોભી ગઈ અને અપલક નજર ટીનાને જોઈ રહી.

ટીનાને સહેજ હોશ આવ્યા એટલે એણે કૂતરીના માથે હાથ ફેરવવા માંડ્યો. કુતરી પણ ટીનાના હાથ ચાટવા લાગી અને ટીનાના મોઢામાંથી અનાયાસે જ “ટોની “ એવો શબ્દ સરી પડ્યો અને ત્યારથી એનું નામ પડી ગયું.. ”ટોની”....

એ દિવસે ટીનાને શું થયું ખબર નહિ એણે દફતરમાંથી ટીફીન કાઢીને એમાંથી રોટલી કાઢી અને ટોનીને પોતાના હાથે જ ખવડાવવા માંડી.

બસ ત્યારથી બંનેની દોસ્તી થઇ ગઈ અને ત્યારથી ટીના રોજ ટોની માટે બે રોટલી લઈને આવતી અને પાદરે પીપળાના ઝાડ નીચે બેસીને પહેલા ટોનીને ખવડાવતી. રસ્તામાં આવતો અંધકારવાળો ભાગ ટીના ઓળંગી લે ત્યાં સુધી ટોની તેની સાથે જતી અને પછી પાછી વળી જતી. શાળા છુટવાનો સમય પણ ટોનીને ખબર હોય એમ ટીના શાળએથી છુટે ત્યારે એ રસ્તામાં ટીનાની રાહ જોઇને જ ઉભી રહેતી.

આમ દિવસો પસાર થતા ગયા એમ બંનેની દોસ્તી ગાઢ થતી ગઈ. ટોનીના ડરથી વાંદરાઓ પણ એ જગ્યા મુકીને નદી વિસ્તારમાં ક્યાંક દુર ચાલ્યા ગયા.

રોજ ટીના શાળાએ જવા માટે વહેલી નીકળતી અને પીપળાના ઝાડ નીચે બેસીને ઘણી વાર સુધી ટોની સાથે વાતો કરતી રહેતી અને બંને એકબીજાને અઢળક વહાલ કરતા.. પકડા પક્ડીની રમત રમતા અને એ રમતમાં ટીના હંમેશા હારી જતી. ટોની બહુ બદમાશી કરતી ત્યારે ટીના તેના કાન પકડીને ખેંચતી એટલે એ શાંત થઇ જતી. ક્યારેક ટીના ઉદાસ થઈને આવતી તો ટોનીને ખબર પડી જતી અને ટોની દરેક રીતે પ્રયત્ન કરતી કે ટીના હસવા લાગે. ક્યારેક ટીના પણ ટોનીને નદીકિનારે લઇ જઈને ઘસી ઘસીને નવડાવતી અને દિવસોનો જામેલો મેલ દુર કરીને આખુ શરીર ચમકાવી દેતી.

એક દિવસ ટીનાએ આવીને જોયું તો ટોની પીપળાના ઝાડ નીચે સુતી હતી. એ દિવસે ટોની સામે ચાલીને ન આવી એટલે ટીનાને ચિંતા થઇ. એણે પાસે જઈને જોયું તો ટોની હાંફતી હતી. ટીના ગભરાઈ ગઈ. કઈ સુઝતું નહોતું. ટોનીની આંખો પણ લાલચોળ થઇ ગઈ હતી. મોઢામાંથી લાળ ટપકતી હતી. ટીનાને શું સુઝ્યું કે ગામ તરફ દોડી. ખભે લગાડેલું દફતર પણ કાઢવાનું ભૂલી ગઈ.

રસ્તામાં ભટકતા લોકોને ટોનીની હાલત વિશે વાત કરી. અમુક લોકો એની વાત પર હસવા લાગ્યા અને એની મદદ કરવાની ના પડી દીધી. એણે કઈ જ સમજાતું નહોતું. ગામમાં આવેલા એક દવાખાનામાં ઘુસી ગઈ અને ડોક્ટર સાહેબને બધી વિગતે વાત કરી. ડોકટરે ગામના બીજા ઓળખીતા પશુ ડોકટર પાસે જવાની સલાહ આપી. ટીના તરત જ દોડતી પશુ દવાખાના તરફ દોડી. ઝડપભેર એ દવાખાનામાં ઘુસી ગઈ અને એકીશ્વાસે ટોનીની હાલત વિશે ડોકટરને વાત કરી. ડોકટર ઝડપથી બહાર આવ્યા અને મોટરસાઇકલ બહાર કાઢી. ટીનાને લઈને ગામના પાદરે પહોચ્યા. ટીના એમને ટોની પાસે લઇ ગઈ. ટોની હજુય હાંફતી હતી. ડોકટરે ટોનીને તપાસવા લાગ્યા અને જાણે રોગની ખબર પડી ગઈ હોય તેમ એમની પેટી માંથી એક ઇન્જેક્શન કાઢીને ટોનીના કાન પાસે આપ્યું. થોડી વાર માટે ડોકટર ત્યાં જ બેઠા રહ્યા અને ટોનીની તબિયતમાં થતા સુધારની નોંધ લેતા રહ્યા. જયારે પરિસ્થિતિ સુધારતી લાગી ત્યારે તેમણે ટીનાને સાંત્વના આપી અને પોતાની મોટરસાઇકલ લઈને નીકળી ગયા. ટીના ત્યાં જ ટોનીનું માથું પોતાના ખોળામાં રાખીને બેસી રહી અને સાંજ થતા સુધીમાં ટોનીની તબિયત એકદમ સારી થઇ ગઈ.

ટીના દોડતી નજીકની ડેરીમાંથી દૂધ લઇ આવી અને ટોનીને પીવડાવ્યું. શાળાએ જવાનું મોકૂફ રાખીને એ આખો દિવસ ટોનીની પાસે જ બેઠી રહી. ટોની સાથે એકતરફી શબ્દોનો સંવાદ કરતી રહી. ટોની પણ જાણે બધું જ સમજતું હતું. ટીનાને ખુશી હતી કે ટોનીનો જીવ બચી ગયો અને એમાંય ટીનાએ એક પ્રાણીનો જીવ બચાવ્યો એના કરતા વધુ ખુશી એને પોતાનો મિત્ર પાછો મળી ગયો તેની હતી.

પશુ તો પોતાનો ધર્મ નિભાવે જ છે. પ્રકૃતિવશ કુતરો વફાદાર બને છે અને એમ બીજા પશુઓ પણ પ્રકૃતિવશ પોતાનું કામ કરે જ છે. પણ માણસ પોતે ધારે એવી પ્રકૃતિ ધારણ કરી શકે છે. શિયાળની જેમ લુચ્ચું બનવું કે કુતરાની જેમ વફાદાર બનવું એ હંમેશા માણસની પોતાની પસંદગી હોય છે. કુતરું પોતાનો જીવ રેડીને પણ વફાદારી નિભાવે છે. પણ આનંદ તો ત્યારે થઇ આવે જયારે કોઈ માણસ કુતરા જેવી વફાદારી બતાવે. એમા પણ જો એ માણસ એક બાળક હોય તો આનંદ બેવડાઈ જાય અને કુદરતની રચના પર ખરેખર માન થઇ આવે.

***

9 - મોહમુક્તિ

કુંજલ છાયા

વર્ષો પહેલાં, સ્વપ્ન સૃષ્ટિ સમું એક નગર હતું. ત્યાંનો રાજા પ્રજા પ્રેમી અને ન્યાયી હતો. રાજમહેલ ખૂબ જ ભવ્ય. રાજાને એક રાજકુમારી. રાજાની એ ચાગલી. જે માંગે તે હાજર. પણ રાજમહેલની બહાર પગ મુકવાની છૂટ નહિ. કારણ? કારણ કોઈ જાણી ન શક્યું. હા, અટકળો લગાવતી પ્રજા એમ કહેતી કે રાજાને રાજકુમારી બહુ વ્હાલી. અત્યંત સ્વરૂપવાન તેથી તેને નજર ન લાગે કે કોઈ નુક્સાન ન થાય તેની તકેદારી પૂરતી હશે.

હોશિયાર, સુશીલ અને સ્વરૂપવાન હતી પણ એને રાજમહેલનાં પ્રાંગણને ઓળંગીને બહાર વિહરવાની મનાઈ ફરમાવામાં આવી હતી. તે રાજાની એકમાત્ર સંતાન હતી. રાજકુમારીને અભ્યાસ સાથે કેટલીય વિવિધ કળાઓની તાલીમ અપાતી. તેને ચિત્રકળા, સંગીત, નૃત્ય, ભરતગૂંથણ સાથે તલવારબાજી અને નિશાનબાજી પણ મહેલમાં જ શીખવાડાતું. તેને અવનવું જોવું, જાણવું ખૂબ ગમતું. રાજકુમારી મહેલમાં જ તેની સખીઓ સાથે રમે, જમે ને ભણે. ઘણીવખત તે જ્યારે અટૂલી હોય ત્યારે ઝરૂખે બેસીને ઉપવનનાં પક્ષીઓનો કલરવ સાંભળે અને કંઈક વિચારીને ઉદાસ થઈ જતી.

એણે ઘણી વખત તેનાં પિતાને ફરિયાદ કરી. મારે પણ બીજી સખીઓની સાથે શાળાએ ભણવા જવું છે. ખેતરોમાં ખુલ્લી હવામાં દોડવું છે. જુદજુદા પ્રદેશોમાં પ્રવાસે વિહરવું છે. ત્યારે એ રાજા ક્યારેક ગુસ્સે થઈને તો ક્યારેક વહાલ કરીને સમજાવતા કે તેની સુરક્ષા અને માવજત લક્ષી આ વ્યવસ્થા ગોઠવી છે. એ જ્યારે મોટી થશે ત્યારે ચોક્કસ એ આઝાદ પક્ષીની જેમ હરીફરી શકશે.

***

એક વખત, એક સુંદર મજાનું લાલ પાંખવાળું પક્ષી રાજકુમારીના ઝરૂખાના ટોડલે આવીને બેઠું. કદાચ પોપટ કે એની જ જાતનું કોઈ ‘દુર્લભ’ પક્ષી હશે. એકદમ મોહક. માથે સોનેરી કલગી, માણેક જેવી આંખો ને લાલ ચટક પાંખો. કેસરી ઝાંયવાળી ચાંચ. પોતેય આખો રંગીન. બોલી પણ મીઠડી. જોતાં જ ગમી જાય. રાજકુમારીનેય ગમી ગયું.

આમ પણ તે વખતે તેનાં ઓરડામાં કોઈ સખી ન હતી. તેથી એકલી એકલી કંટાળી હતી. આ મોહક પક્ષીને જોતાં તે ખુશખુશાલ થઈ ગઈ. તેની નજીક જઈને રમવા લાગી. તે પક્ષી જાણે સોળે કળાએ ખીલ્યું હોય એમ પાંખો ફેલાવી મીઠું મીઠું ટહુકવા લાગ્યું. બંને સામસામે વાતો કરવા લાગ્યાં. જાણે બેય એક બીજાની ભાષા જાણતાં હોય. હવે એ મોહક પક્ષી રોજ ચોક્કસ સમયે ઝરૂખે આવતું. ત્યારે રાજકુમારી આનંદગેલી થઈ જતી. ક્યાં એનો સમય પસાર થઈ જતો ખબર જ ન પડતી.

રાજકુમારી આખો દિવસ એ પક્ષીની જ વાતો કર્યા કરે અને તેનાં આવવાના સમયની રાહ જોયા કરે. ન તો ભણવામાં ધ્યાન કે ન તો કોઇ બીજી ઇત્તર પ્રવૃતિમાં. રાજાને આ વાતની જાણ થઈ. તેમણે રાજકુમારીને સમજાવી. આ પક્ષી સિવાય પણ બીજું ઘણું છે દુનિયામાં. જાતનું ભાન ભૂલીને કોઇ એક જ બાબતની પાછળ આવી ઘેલછા ન કરાય. પણ પ્રિત ગેલી રાજકુમારી એમ કોઈનું માને ખરી? ભલેને એ રાજા કેમ ન હોય? એના પિતા જ કેમ ન હોય? રાજ હઠ કોને કહેવાય.. ? એક વખત જો રાજકુમારી હઠે ચડે તો મહેલ આખું કોપ ભવનમાં ફેરવાઈ જાય. ખાવું – પીવું બંધ.

અંતે રાજાએ રાજકુમારીની જીદને પોસવી પડી. નહિ તો રાજકુમારી માંદી પડી જશે એવો ભય હતો. રાજાને એક યુક્તિ સુઝી.

તેમણે દાસીને એક આકર્ષક સોનાનું પીંજરું લઈ આવવા હૂકમ કર્યો. અને રાજકુમારીને કહ્યું. “લ્યો, તમારા પ્રિય પક્ષીને આમાં કેદ કરી લેજો પછી એ કાયમ તમારી પાસે જ રહેશે. તમે જ્યારે ઈચ્છો ત્યારે એની સાથે સમય વિતાવી શકશો. ” રાજકુમારી ખુશ થઈ ગઈ. એ પક્ષીની રાહ જોવા લાગી. જેવું એ પક્ષી આવ્યું. રાજકુમારીએ સખીઓ અને દાસીઓને તેને પકડી પાડવાનો ઈશારો કર્યો. ઘણી જહેમત બાદ તે પક્ષીને પકડી લીધું અને પીંજરાંમાં પૂરી મુકાયું. તેમાં જાત જાતના ફળ અને પાણીથી ભરેલો ચાંદીનો વાટકો રાખવામાં આવ્યો. તે પીજરું રાજકુમારીના કક્ષમાં ટીંગાડી મૂકાયું. રાજકુમારીના આનંદનો પાર ન રહ્યો.

હવે તો કાયમ પેલો મધુર ટહુકો સાંભળી શકશે. સોનેરી કલગીને અડકી શકશે. લાલ મુલાયમ પાંખોને પંપાળી શકશે. તે રોમાંચમાં આખી રાત સૂતી જ નહિ. ફક્ત તે પક્ષીને જોયા કરે અને પક્ષી તેને. આમ સમય વિતતો ગયો.

રાજકુમારી રોજ સવારે તેનાં અભ્યાસમાં વ્યસ્ત રહે, સાંજે સખીઓ સાથે રમે. સમય મળે એટલે પક્ષીનો વારો આવે. હવે, પક્ષીનું આકર્ષણ ઓસરતું જતું હોય એવું રાજાને લાગ્યું. તેમની યુક્તિ કામ કરી ગઈ.

ધીરે ધીરે રાજકુમારી બીજી પ્રવૃતિઓમાં વ્યસ્ત થતી ગઈ. પેલું પક્ષી તેનાં પીંજરાંમાં જાણે ગૂંગળામણ અનુભવવા લાગ્યું. તેનાં ટહુકામાં પહેલાં જેવો જોશ અને તિવ્રતા નહોતી વર્તાતી. જાણે તે રાજકુમારીથી નારાજ હોય એમ સાદ કરતું ફફડતું રહેતું. પક્ષીના આવા વર્તનથી રાજકુમારી મૂંઝાવા લાગી. તેણે રાજાને પોતાની મૂંઝવણ કહી. રાજાજી એમના અનુભવથી બધું જ સમજી ગયા. તેમણે રાજકુમારીને કક્ષમાં જઈને એ પાંજરું ખોલી મૂકવા કહ્યું. આ સાંભળી રાજકુમારી ડઘાઈ ગઈ. તેણે આમ શા માટે કરવા કહ્યું એનું કારણ પૂછ્યું.

રાજાએ તેને પ્રેમથી ખોળામાં બેસાડીને સમજાવી. “જો દીકરી, આપણને જે વ્હાલું લાગે તે બધું જ કાયમ આપણું જ રહે એવું જરૂરી નથી હોતું. અને એ પણ જરૂરી નથી કે આપણે જેને ચાહિએ તે આપણને પણ એટલું જ ચાહતું હોય. એને પણ આપણો સાથ એટલો જ પસંદ હોય. અરે! આ તો એક પક્ષી છે. મસ્ત ગગનમાં વિહરતું પક્ષી. એને કેદ કેમ કરી રખાય? તેને ગૂંગળામણ થવાની જ. જો તમે તેને આઝાદ કરી દેશો અને પછી પણ એ તમારી પાસે રોજ પહેલાંની જેમ મળવા આવે તો સમજી જજો કે એ પ્રીત ખરી. ”

રાજકુમારી આ બધું જ ધ્યાનથી સાંભળી રહી. તેને તેની ભૂલ સમજાઈ. તે દોડતી તેનાં કક્ષમાં ગઈ. અને પીંજરાંનો દરવાજો ખોલ્યો. પક્ષી તરત જ બહાર આવ્યું અને રાજકુમારીના ખભે આવીને બેસી ગયું. તેને ખૂબ વ્હાલથી હાથમાં લઈને પંપાળવા લાગી. જાણે તે પક્ષી બધી જ વાત સમજતું હોય એમ રાજકુમારી બોલવા લાગી “તું મને રોજ મળવા આવીશ ને? તો જ તને આઝાદ કરૂં. ” આંખોમાં આંસુ સાથે રાજકુમારીએ પક્ષીને ઝરૂખા પાસે જઈને ઉડાડી મૂક્યું. રાજકુમારી ખૂબ રડી.

“જે બાબત મનુષ્યના હાથની બહાર છે, તે વાસ્ત્વિકતા સ્વીકારે જ છૂટકો. ” એવું તેનાં પિતાએ શીખવાડ્યુ હતું એ તેને યાદ આવ્યું. રડવાનું બંધ કર્યું. તેને રાજાએ કહ્યું હતું એમ તેનાં વ્હાલાં પક્ષીની સલામતી અને સુખાકારીની કામના કરવા લાગી.

એ રાતે પોતાની કુંવરીનાં શયનખંડમાં રાજાએ ધીરે રહીને આવ્યા. દીકરીને ગાઢનિંદ્રામાં પોઢેલ જોઈને એમણે નિરાંતનો શ્વાસ લીધો. “હું પણ કદાચ સ્વાર્થી હોઈશ કે તને આમ મહેલમાં જ પ્રતિબંધીત જીવન આપું છું. રાજ્યકર્મની જવાબદારી નિભાવવાની ન હોત તો તું મુક્ત રહી શકી હોત…. ” મનોમન વિચારયુક્ત સંવાદ કરી લીધો.

***

કોણ જાણે ક્યું ઋણાનુંબંધ હશે, તો બીજે દિવસે રોજના સમયે તે પક્ષી ફરી એ જ ટોડલે આવીને ટહુક્યું. રાજકુમારી તો ભાવવિભોર થઈ ગઈ. દોડીને પક્ષી પાસે પહોંચી ગઈ. પક્ષીનાં ટહુકે નાચવા લાગી. ગાવા લાગી.

ભલે, થોડી ક્ષણો માટે પણ એનું પ્રિય પક્ષી એની પાસે આવે અને એ સમય રાજકુમારીને મનમાં ઉલ્લાસનો હોય. જોત જોતાંમાં એક વાર તે પક્ષી એની સાથે એક બીજા પક્ષીને લઈને આવ્યું. કદાચ તેનું માદા પક્ષી હશે. અને થોડા સમયાંતરે તેનાં બચ્ચાંને પણ સાથે લઈને આવતું થઈ ગયું. રાજકુમારીને વિચાર આવ્યો. જો તેણે આ પક્ષીને આઝાદ ન કર્યું હોત તો તેનો સંસાર કેમ બનત? કદાચ દુનિયામાંથી એક સુંદર દુર્લભ પક્ષીની જાત નાશ થઈ ગઈ હોત.

રાજકુમારી તેનાં પિતા પાસે બેસીને તેને આવેલ વિચાર પ્રગટ કર્યો. પોતે હવેથી સમજદારી અને કુનેહ પૂર્વક જીવશે તેનું આશ્વાસન આપ્યું.

***

10 - રોતલ દેડકી

લતા હિરાણી

એક હતી દેડકી. એનું નામ હતું રૂબી પણ જ્યારે જુઓ ત્યારે એ રોતી જ હોય.... એટલે જંગલમાં બધાએ એનું નામ પાડી દીધું રોતલ ! એ સાવ ધીમું ધીમું બોલે ‘ડ્રાંઉ ડ્રાંઉ’... અને બધાને સંભળાય ‘વાંઉ વાઉં’. એ જેવી કુવા પાસે આવે અને બધા દેડકા નાસી જાય, “એ રોતલ આવી..... ભાગો રે ભાઇ ભાગો” આ દેડકી કોઇને ગમે નહીં.

એ કનુ કાચબા પાસે ગઇ. “જુઓને કનુકાકા, આ કોઇ દેડકા મારી દોસ્તી કરતા નથી.. હું જઉં ને બધા ભાગી જાય છે. ” કહેતાં રુબી રડવા માંડી.. “મને એકલાં એકલાં કેમ ગમે ?” અને એણે મોટો ભેંકડો તાણ્યો. કનુ કાચબો કહે, “બસ આજ તારી મુશ્કેલી છે ને ! જયારે જુઓ ત્યારે ફરિયાદ ને ફરિયાદ, રડતી ને રડતી ! પછી તારી સાથે કોણ દોસ્તી કરે ? એવામાં ત્યાં અપ્પુ ઉંદર આવ્યો.

કનુ કાચબો કહે, “રડવાનું બંધ કર. ચાલ અપ્પુ સાથે દોસ્તી કર. ” અપ્પુ ઉંદર કહે, “ના બાબા ના એક વાર એ મારી સાથે રમવા આવી હતી. મને એ વખતે બહુ ભુખ લાગી હતી. મેં કહ્યું ‘તું બેસ, હું થોડાં દાણા ખાઇ લઉં. તો એ રડવા માંડી. એવું થોડું ચાલે ભઇ !”

“અરે પણ એમાં રડવાનું શું ?” કનુ કાચબાએ પુછ્યું. ”મને પણ ભુખ લાગી હોય ! મારે પણ કંઇક ખાવું હતું. તેં મને પુછ્યું કેમ નહીં ?” એવું કહીને એ રડી. ભુખ લાગી હોય તો એ પણ ખાઇ લે, મેં ક્યાં ના પાડી હતી ?” અપ્પુ ઉંદર બોલ્યો. “વાત તો તારી સાચી,” હજી કનુ કાચબો અપ્પુ ઉંદરને સમજાવે એ પહેલાં એ નાસી ગયો.

રૂબી દેડકી નિરાશ થઇ ગઇ. આગળ ગઇ તો ત્યાં મોટો કૂવો હતો.. કુવાકાંઠે પથ્થરો ઘસાઇને ઘસાઇને ગોળ થઇ ગયા હતા. રૂબી દેડકી કુદવા ગઇ પણ એનો પગ લપસ્યો.. એ પડી પાણીમાં. વળી એનો ભેંકડો ચાલુ થયો. “મને ખબર છે. આ ગરબડિયા પથ્થરોનો જ વાંક છે. એણે મને પછાડી દીધી. ”

ત્યાં ફરતા બધા અળસિયા હસવા માંડ્યા. “જુઓ જુઓ, આ રોતલ રૂબી !”

“એક તો મને વાગ્યું અને ઉપરથી તમે મને રોતલ કહીને હસો છો ?””રોતલ, રોતલ ને રોતલ. એક્વાર નહીં સાત વાર રોતલ. તું જ્યાં સુધી રડતી રહીશ ત્યાં સુધી અમે તને રોતલ કહીશું. ”

રૂબી દેડકી રડતી રડતી પોતાના ઘર તરફ જતી હતી ત્યાં રસ્તામાં એને ક્યુટ કાચિંડો મળ્યો, “ઓહો, હજી તારું રડવાનું ચાલે છે !”

“પ્લીઝ, તું મને હેરાન ના કર ને ! એક તો મારી દોસ્તી કોઇ નથી કરતું ને ઉપરથી બધા હેરાન કરે છે. ”

“તારે ફ્રેંડની જરુર છે ખરી ?””હાસ્તો વળી”

“તો સાંભળ મારી વાત. તારે વાતે વાતે રડવાનું બંધ કરવું પડશે. એ વગર તારી દોસ્તી કોઇ નહીં કરે. ”

“તે મને કંઇ શોખ નથી થતો રડવાનો !!””પણ તને રડવું બહુ આવે છે એ તો સાચી વાત કે નહીં ? રોતી સુરત કોઇને ન ગમે. તું એકવાર નક્કી કર કે હવેથી હું નહીં રડું. પછી જોઇ લે, કોની મજાલ છે કે તને રડાવે !!””એવું કેવી રીતે થાય ?”

“સાવ સહેલું છે. સવારના ઉઠીને મનમાં દસ વાર બોલી જા. નહીં રડું, નહીં રડું, નહીં રડું.. રડવું આવે ત્યારે આ વાત યાદ કરીને મન મક્કમ કરી લેવાનું. ””સાચે જ એ એટલું સહેલું છે ?””સવાલ જ નથી. બસ તું નક્કી કર એટલે કામ પુરું. હવે આજે તું તારા ઘરે જા આપણે ફરી મળીશું, બાય” ક્યુટ કાચિંડો ચાલતો થયો. રૂબી દેડકી વિચારમાં પડી ગઇ. રોજ એને કંઇ ને કંઇ વાતે રડવું આવતું એટલે એ દુબળી થઇ ગઇ હતી. એની આંખો ઝીણી થઇ ગઇ હતી.

રાત્રે એને કેટલાંય સપનાં આવ્યાં. સપનામાં યે બધાં એને ચીડવતા હતા. એ સાવ એકલી પડી ગઇ હતી. આમ ને આમ રાત પુરી થઇ. સવાર પડી. આખી રાત સુવા છતાં એ થાકેલી હતી. એણે પાક્કું નક્કી કર્યું, “ભલે ને આજે કોઇ મને ગમે એટલું ચીડવે તો પણ હું ચીડાઇશ નહીં કે જરાય રડીશ નહીં. ” આંખ બંધ કરીને એ મનમાં ને મનમાં દસ વાર બોલી, “નહીં રડું. નહીં રડું, નહી રડુ..... કોઇ દિવસ નહીં રડું જા..... ” એ “જા” એટલા જોરથી બોલી કે એની મમ્મીએ સાંભળ્યું,

“અરે ! કોની સાથે વાત કરે છે તું ?” રુબીને હસવું આવી ગયું. એ એકલી એકલી મનમાં ને મનમાં બોલતી હતી. એની મમ્મી ખુશ થઇ. “હાશ આજે કેટલા વખતે તને હસતી જોઇ !”

એણે બ્રશ કર્યું. એની મમ્મીએ એના માટે નાસ્તો તૈયાર રાખ્યો હતો. “ચાલ સરખું ખાઇ લે !” એની મમ્મીને એની બહુ ચિંતા રહેતી. “ આ મારી રડતી દીકરીને પરણશે કોણ ? આમ ને આમ જોને કેવી છુંછા જેવી થઇ ગઇ છે !” જોકે રૂબી દેડકી હવે બદલાઇ ગઇ હતી.

એ નાહી ધોઇને સરસ તૈયાર થઇને કુવા કાંઠે ગઇ, “કુવાઅંકલ, કુવાઅંકલ તમે મને એક બહેનપણી શોધી આપોને !”કુવો કહે, “જો તું ખુશ રહીશ તો એક નહીં કેટલીયે બહેનપણીઓ તને મળશે. ””આજે તમને મારો મુડ કેવો લાગે છે ?” રૂબીએ પુછ્યું.

“આજે તો તું ખુશ દેખાય છે. ””બસ તો હવે રોજ આમ જ રહેશે. ””અરે વાહ દેડકીબેન ! તો તો તું મને બહુ વહાલી લાગે !!”એટલીવારમાં ત્યાંથી સ્વીટુ સસલી નીકળી. કુવાભાઇ કહે, “ સ્વીટુ, આ દેડકીબેનને તારી પીઠ પર બેસાડી ફરવા લઇ જા ને ! કેવી સરસ તૈયાર થઇને આવી છે ?”સ્વીટુ કહે, “ચાલ આવી જા. ”

રૂબી દેડકી ખુશ થઇ ગઇ. કુદીને બેસી ગઇ સ્વીટુની પીઠ ઉપર. સ્વીટુને મજા પડી ગઇ. એ તો કૂદી, એક વાર, બે વાર.. રૂબી દેડકી ચીપકીને બેસી રહી પણ સ્વીટુ ત્રીજી વાર કૂદી અને રૂબીની પકડ છુટી ગઇ. એ નીચે પડી. એને થોડું વાગ્યું. એની આંખમાં જરા પાણી આવી ગયાં પણ એને યાદ આવી ગયો પોતાનો સંકલ્પ. એ મનમાં ને મનમાં બોલી, ના ના રડાય નહીં જ...

સ્વીટુ સસલી બિચારી ઝંખવાણી પડી ગઇ હતી. એનો ઇરાદો કંઇ રૂબી દેડકીને પછાડવાનો નહોતો. “સોરી દોસ્ત, પણ મેં તને જાણીજોઇને નથી પાડી. ચલ હવે બરાબર બેસી જા” રૂબીને જરા હાશ થઇ. “કંઇ વાંધો નહીં, મને ખાસ વાગ્યું નથી હોં !” રૂબી દેડકી પાછી સ્વીટુ સસ્સીની પીઠ પર ચડી ગઇ. સ્વીટુ સસ્સી છલાંગ મારતી ચાલી. આગળ એક તળાવ આવ્યું.

“ચાલ રૂબી, ઉતર. અહીં કેટલાય નવાં દેડકા છે. તું બધાને મળી આવ. ” આ બધા દેડકા બીજા ગામના હતા. કોઇને ખબર નહોતી કે આ એ જ પેલી રોતલ દેડકી છે. ”હાય દેડી” એક સ્માર્ટ દેડકો બોલ્યો. ”હાય” રૂબી દેડકી ખુશ થઇ ગઇ.

ત્યાં બીજી એક દેડકી આવી, “કમ ઓન, લેટ અસ ડાંસ. ” રૂબી દેડકી તો આભી બની ગઇ. પોતાના ગામમાં તો આવું કદી બન્યું નહોતું. જો કે એ કંઇ વિચારે એ પહેલાં મ્યુઝિક શરુ થયું અને બધા દેડકાં ખુબ નાચ્યાં. રૂબી દેડકીને બરાબર નાચતાં આવડી ગયું હતું ડાંસનો પ્રોગ્રામ પુરો થયો એટલે સ્વીટુ સસ્સી કહે, “ચાલ હવે જઇશું આપણે ગામ ?”

રૂબીને જવાનું મન નહોતું થતું પણ ઘરે તો જવું જ પડે. મમ્મી કેટલી રાહ જોતી હોય ને વળી ચિંતા યે કરતી હોય ! બહુ મોડું થાય તો પપ્પા પણ વઢે. એ ફટાફટ સ્વીટુની પીઠ પર ચડી ગઇ, “હવે તમે નાચતા નાચતા જાઓ તો યે વાંધો નહીં મને જરાય પડવાની બીક નથી લાગતી. ”

બંને રૂબીના ઘર પાસે પહોંચ્યા. રસ્તામાં કનુ કાચબાએ રૂબીને જોઇ. “અરે વાહ રૂબી દેડકી આટલી બધી આનંદમાં !” કુવા અંકલે જોયું રૂબી ખુશખુશાલ હતી. અપ્પુ ઉંદર રૂબીને જોઇને માની જ નહોતો શકતો પણ સાચી વાત હતી. રૂબી દેડકી સાવ બદલાઇ ગઇ હતી. એ જોર જોરથી ગાવા લાગ્યો,“આ રૂબી છે ભઇ રૂબી છે, એ રોતી નહીં પણ રમતી છે, એ રોતી નહીં પણ રમતી છે.. ”

બીજા દેડકા દેડકી આવી પહોંચ્યા. રૂબીની આજુબાજુ ગોળ ફરતે ગોઠવાઇ ગયા અને ગાવા માંડ્યા,

“આ રૂબી છે ભઇ રૂબી છે, રમતી છે ભઇ રમતી છે,

ગમતી સૌને ગમતી છે. આ રૂબી છે ભઇ રૂબી છે.. ”સ્વીટુ સસ્સી રૂબીના કાનમાં કહે, “બાય રૂબી, હું જાઉં છું હવે તું એમને તારો નાચ પણ બતાવ. તારી પાસે શીખવા માટે બધા લાઇન લગાવશે... ”રૂબી કહે, “અને હા મારો વટ પડી જાશે.... ”

***

11 - ખેતરનું ભૂત

મનહર ઓઝા

જેવું વેકેશન પડ્યું એવી દિશા તેની માસીને ત્યાં ગામડે ઉપડી ગઈ, એકલી જ. દિશા થોડી જબરી અને હિંમતવાળી હતી. તેને તેના માસીના છોકરાં ચિંતન સાથે સારું બને. ગામડામાં તેને ચિંતન અને તેના ફ્રેન્ડસની ટોળીમાં ફરવું બહુ ગમતું. ખાસ કરીને ખેતરમાં તેને બહુ ગમતું હતું. ખેતરમાં ઊગેલાં મોટાં આંબલીના ઝાડ ઉપર ચઢવાની અને આંબલીના કાચા કાતરા તોડીને ખાવાની દિશાને બહુ મઝા આવતી.

દિશા બસસ્ટેન્ડથી ઉતરીને ચાલતી તેની માસીના મહોલ્લામાં પહોંચી ત્યાં તો બધાં તેને ‘ભાણીબુન આયાં, ભાણીબુન આયાં કહીને ઘેરી વળ્યાં. માસીને ખબર પડતાં તે દોડતી આવીને દિશાને વળગી પડી. ચિંતન પણ ઘેર જ હતો. તે પણ દિશાને જોઇને ખુશ થઇ ગયો. ઘર આંગણાના એક ખૂણામાં સૂતેલો લાલિયો અવાજથી જાગી ગયો. દિશાને જોઇને દુરથી તે ભસવા લાગ્યો.

“એ લાલિયા.. બંધ થઇ જા, દિશાને ભૂલી ગ્યો કે શું?” ચિંતને બુમ મારીને કહ્યું. જાણે ચિંતનની વાત સમજ્યો હોય તેમ લાલિયો પાસે આવીને પૂંછડી પટપટાવા લાગ્યો. દિશાએ તેના માથે હાથ ફેરવ્યો. દિશાને તે ઓળખી ગયો હોય તેમ ઉં.. ઉં... ઘરરર.. કરવા લાગ્યો.

દિશાને કકડીને ભૂખ લાગી હતી. માસીએ ખીચડી શાક અને શીરો બનાવીને તેને ખવરાવ્યો. માસી ખાવાનું ખુબ સ્વાદિષ્ટ બનાવતી હતી. ચિંતન અને દિશા ઘરની બહાર ચોકમાં ખાટલો ઢાળીને બેઠાં. બંનેની વાતો સાંભળવા લાલિયો પણ ખાટલા નીચે આવીને બેસી ગયો.

“હારું થયું દિશા તું આવી તે, મારે તને એક વાત કહેવાની છે. ” ચિંતને ધીરેથી કહ્યું.

“હા, તે બોલને.. !”

“અમારૂ ખેતર મારા બાપુ વેચી નાખવા માગે છે. ”

“કેમ.. ખેતર તો કઈ વેચાતું હશે? ખેતરની આવક ઉપર તો તમારું ઘર ચાલે છે. ”

“હું પણ એજ કહું છું, પણ બાપુ માનતા નથી. ”

“માસા આટલું સરસ ખેતર વેચવા તૈયાર થયાં છે તો તેનું કોઈ કારણ હશે. ”

“કેમકે અમારા ખેતરમાં ભૂત થાય છે. ”

“શું ભૂત થાય છે? ખરેખર? એવું તને કોણે કહ્યું?”

“મારા બાપુ અને આખું ગામ. મારા બાપુને તે દેખાયું હતું. અમારા બાજુના ખેતરવાળા રામાકાકાને અને ગામના ઘણાલોકોને પણ દેખાયું હતું. ”

“એમ, તે છોને દેખાય એમાં આપણા બાપનું શું જવાનું છે?”

“હા, પણ મારા બાપુ બહુ ડરી ગયા છે. મારી મા પણ ખેતર વેચી દેવાનું કહે છે. ”

“મને કહે તો ખરો કે એ ભૂત કેવું દેખાય છે? તે શું કરે છે?”

“બાપુ કહેતા હતાં કે ખેતરમાં રાત્રે આંબલીના ઝાડ પાસે આગના ભડકા થાય છે અને જાતજાતના ચિત્ર વિચિત્ર અવાજો થાય છે. ”

“તે સિવાય કોઈ દેખાય છે ખરું?”

“ના, એવું તો કોઈએ કહ્યું નથી. દિશા, ખરેખર ભૂત હોય છે ખરું?”

“જો ચિંતન આ દુનોયામાં ભૂત જેવું કઈ હોતું નથી. કોઇપણ બાબતને પુરેપુરી જાણ્યા વિના તે કેવીરીતે માની લેવાય? તું તો વિજ્ઞાન ભણ્યો છેને! કોઈ પણ બાબતને પ્રમાણ્યા વિના, તેનો પ્રયોગ કર્યા વિના માની શકાય નહિ તે વિજ્ઞાનનો સિધ્ધાંત છે. ”

“પણ પેલો ભવાન ભૂવો તો ચેલેન્જ આપે છે. તેણે જ બાપુને ખેતર વેચીને ભૂતથી મુક્ત થઇ જવાનું કહ્યું છે. ”

“હં.. તો આપણે એ ભવાન ભૂવાને પડકારીએ. બધાંને ભૂતથી ડરાવતાં ભૂવાનું ભૂત આપણે ઉતારીએ તો!”

“એ કેવી રીતે? સાહેબ આ ભવાન ભૂવાને તમે ઓળખતા નથી. ”

“અરે એ ભૂવો હજુ મને ઓળખતો નથી. જો તું અને તારા મિત્રો મને સાથ આપવા તૈયાર હોવ તો હું ભવાન ભૂવાને ખુલ્લો પાડવા તૈયાર છું. ”

“દિશા, તું કહે તે કરવા માટે હું તૈયાર છું. મારા મિત્રોને તો હું સમજાવી દઈશ. ”

“સારું, તો હું તને કહું તે પ્રમાણે તમારે કરવાનું રહશે. ” ઊભી થતાં દિશા બોલી.

“કેમ લાલિયા.. તું મને સાથ આપીશને?” ઉંચે જોઇને ઊંઊંઊંઊં..... કરીને લાલીયાએ દિશાની વાતમાં સુર પુરાવ્યો.

બીજાં દિવસે દિશા, ચિંતન અને તેના મિત્રો પ્રણવ, મૌલીન અને રક્ષાને લઈને તેના ખેતરે પહોંચ્યા. તેમની સાથે લાલિયો પણ સામેલ થયો. બધાએ ઝીણવટ પૂર્વક ખેતરનું નિરીક્ષણ કર્યું. આંબલીના ઝાડને ચારેબાજુથી અને ઉપર નીચેથી ચકાસ્યું. અંતે તેઓ શું કરવું તેની ચર્ચા વિચારણા કરીને ઘેર આવ્યાં.

ઘરમાં ભવાન ભૂવો અને બીજાં ચારપાંચ માણસોને બેઠેલાં જોઇને દિશા સમજી ગઈ કે કઈક ખોટું થવાનું છે.

“તમારી વાત સાચી સ ભવાનભઈ, જેમ બને એમ જલ્દીથી મારે આ શેતર વેચી દેવું સ. મારે આ ભૂતના તરાસથી છૂટવું સ. ” ચિંતનના બાપુ મોહનભાઈએ કહ્યું.

“તમે ચંતા ના કરો મોહનભઈ, હું કુણ? ભવાન ભૂવો, મારી હડફેટે ચડે એ મૂવો. આમ તો વિધિ કરીને હું તમારું ભૂત ભગાડી દઉં, પણ હાચું કહું તો આ ભૂત છેક રજવાડાના ટેમથી તમારા શેતરમાં ભરાયેલું સ. એટલે એ જલદીથી જાય એવું નહિ. મારે તમને અંધારામાં રાખીને દખી કરવા નહિ. જે હતું એ મી તમને ચોખેચોખું કહી દીધું હા. ” ખાટલા ઉપર પગ ઉપર પગ ચડાવીને બેઠેલાં ભવાન ભુવાએ ચલમનો કસ ખેંચતાં કહ્યું.

“ભવાનભઈ હાચું કે’છ. એમણે તો ચેટલાયે ભૂત ભગાડ્યા હસે. ” મગાભા બોલ્યા.

“હું ક્યાં ના કઉ સુ?” મોહનભાઈ બોલ્યા.

“માસા, ભવાનકાકા ભૂત ના ભગાડી શકતા હોય તો હું ભગાડી આપું. ” આ બધું સાંભળી રહેલી દિશા બોલી. બધા આશ્ચર્યથી તેની સામે જોવા લાગ્યા.

“આ છોકરી સુ કે’છ?” મગાભા બોલ્યા.

“તું ઘરમાં જતી રહે, તને આમાં ખબર ના પડે. ” મોહનભાઈએ દિશાને સમજાવતાં કહ્યું.

“છોકરી હજુ તું મને ઓળખતી નથી. હું કુણ? ભવાન ભૂવો, મારી હડફેટે ચડે એ મૂવો. આ રઈના દાણા જેવડી છોકરી ભૂત ભગાડશે?”

“હા, આ રાઈનો દાણો ફૂટશે ત્યારે તમને ખબર પડશે. કાલે રાત્રે જ હું ચિંતન અને તેના મિત્રો સાથે ખેતરમાં જવાની છું. હું જોઉછું ભૂત અમને શું કરે છે તે!”

“અરે બેટા.. તું રહેવાદે. ભવાનજી એ છોકરી શેરની છ, એને કઈ ગતાગમ પડતી નથી. ” મોહને ભૂવાને કગરતા કહ્યું.

“એને કહીદો કે માપમાં રહે, મારી હામે પાડવામાં મજા નહિ. ”

“માસા તમારે એમનાથી ડરવાની જરૂર નથી. તમે જો જો અમે એ ભૂતને કેવું ભગાડીએ છીએ. ” દિશાએ કહ્યું.

“હા હા તું તારે જેને લઈને આવવું હોય તેને લઈને આવજે. તું ને તારી વાનરસેના ઉભી પુંછડીએ ભાગો નહિ તો મારું નામ ભવાન ભૂવો નહિ. ” જમીન ઉપર પગ પછાડતો ભવાન ભૂવો ઉભો થઇ ગયો.

“મોહનભાઈ, કાલે આ છોકરીને કાંય થઇ જાય તો મને કહેતા નહિ. ” કહીને ભવાન ભૂવો ચાલવા માંડ્યો. દિશાએ ભવાન ભુવા સામે ફેંકેલા પડકારની વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. મોહનભાઈએ દિશાને સમજાવવાનો પ્રયત્ન કરી જોયો પણ દિશા અને ચિંતન એકના બે ન થયાં. દિશાની માસી પણ દિશાનાં પક્ષમાં હતી.

બીજા દિવસે રાત્રે બારવાગે દિશાના માસા-માસી, બીજાં પડોશીઓ, ગામ લોકો વગેરે બધાં મોહનભાઈના ખેતરે પહોંચ્યા. લોકોના મનમાં ડરની સાથે શું થશે તે જોવાનું કુતુહલ હતું. ચિંતન, તેના મિત્રો, દિશા અને લાલિયો તો અગાઉથી રાત્રે દસ વાગે જ ખેતરે પહોંચી ગયા હતાં.

મોહનભાઈ અને ગામના લોકો ખેતરમાં આવેલાં આંબલીના ઝાડથી પચાસ સાઈઠ ફૂટ દુર ઉભા રહીને ભૂત આવવાની રાહ જોતાં હતાં. ભવાન ભૂવો પણ તેની મૂછને તાવ દેતો તેમની સાથે ઉભો હતો. લોકોના ચહેરા ઉપરનો ડર જોઇને તેને મઝા આવતી હતી. ચિંતન અને તેનો મિત્ર પણ બધાંની સાથે ઊભાં હતાં. રાત અંધારી હોવાથી ખેતરમાં ઉગેલો પાક પણ સ્પષ્ટ દેખાતો ન હતો. દુર ઊભેલું આંબલીનું ઝાડ બિહામણું લાગતું હતું.

બાર વાગવામાં થોડીવાર હતી ત્યાં ભવાન ભૂવો ટોળાથી આગળ આવીને ઊભો રહ્યો. આંખો બધ કરીને તે અષ્ટમ પષ્ટમ બબડવા લાગ્યો. તે પછી તેણે તેની ઝોળીમાંથી કંકુ કાઢીને વડલા તરફ હવામાં ઉછાળ્યું ને જોરજોરથી હાકોટા કરતો ધુણવા લાગ્યો.

“હે મારી મેલી મા.... તારો પરચો બતાવ... બતાવ આ લોકોને.. ” ભવાન ધૂણતો ધૂણતો વડલા તરફ જવા લાગ્યો. તેની પાછળ પાછળ દિશા અને ચિંતન પણ ગયાં. ત્યાં આંબલી પાછળથી એક મોટો આગનો ફુવારો ઉડતો દેખાયો. બધાં ડરીને પાછળ હટી ગયાં. લાલિયો ભુવન સામે જોઇને જોર જોરથી ભસવા લાગ્યો. ભુવન ગેલમાં આવીને જોર જોરથી ધુણવા લાગ્યો. આંબલીના ઝાડ પાછળથી એક ઓળો બહાર આવ્યો. હાડપિંજર જેવો દેખાતો ઓળો ચાલતો ચાલતો ભુવન પાસે આવ્યો. ભુવન ઓળાને જોઇને ડરી ગયો. ધુણવાને બદલે તે ડરથી ધ્રુજવા લાગ્યો. પેલા ભૂત જેવા દેખાતા ઓળાએ ભુવનને બોચીએથી ઝાલ્યો અને જોરથી અટ્ટહાસ્ય કર્યું.

ત્યાં ઝાડ પાછળથી બે છોકરાંઓ એક માણસને લઈને બહાર નીકળ્યાં. તે માણસના હાથ પાછળ બાંધેલા હતાં. આ શું થઇ રહ્યું છે તે લોકો સમજે તે પહેલાં પેલા ભૂતે પોતાના ચહેરા ઉપરથી નકાબ ઉતારી લીધો. ચિંતને ટોર્ચ ચાલુ કરી. અજવાળામાં બધાએ જોયું તો ભૂત બનેલો માણસ ચિંતનનો ભાઈબંધ પ્રણવ હતો અને પેલો બાંધેલો માણસ ભવાન ભૂવાનો જોડીદાર ભગલો હતો. આ જોઇને બધાનો ડર ગાયબ થઇ ગયો. અચાનક આ શું નાટક થયું તે દિશાએ બધાંને સમજાવ્યું.

“ગામલોકો, તમને આ ભવાન ભૂવો ડરાવી-ધમકાવી, ઉલ્લુ બનાવીને પૈસા કમાતો હતો. ચિંતને મને ભૂતની વાત કરી ત્યારેજ મને આ ભુવા ઉપર શક પડ્યો હતો. પછી મેં ચિંતન અને તેના મિત્રોને સાથે રાખીને તેની પોલ ઉઘાડી પાડી દીધી. આ ભૂવો તેના જોડીદાર ભગલા સાથે મળીને ભૂતનું તુત ઉભું કરીને માસાને ડરાવતો હતો. આંબલીની પાછળ છુપાયેલો ભગલો કેરોસીન મોમાં ભરીને ભડકા કરતો હતો. આજે અમે તેને રંગેહાથ ઝડપી લીધો છે. મોહનભાઈની કીમતી જમીન સસ્તાભાવે વેચાવડાવીને તેમાંથી સારીએવી દલાલી મેળવવાની આ ભવાન ભુવાની યોજના હતી. ” દિશાએ આખી વાત સમજાવી.

“મારો લ્યા એ ભૂવાને... બીજીવાર આવા ધંધા ના કરે. ” ટોળામાંથી કોઈક બોલ્યું.

“ના, આપણે કોઈએ કઈ કરવાની જરૂર નથી. અત્યારે તો આપણે બંનેને આ બોરની ઓરડીમાં પૂરી દઈશું. પોલીસને ફોન કરી દીધો છે, સવારે આવીને તે લઈ જશે. ” દિશાએ બધાંને રોકતાં કહ્યું.

“હું કોણ? ભવાન ભૂવો, હવે તો તું મૂવો. ” દિશાએ ભવાન પાસે જઈને તેના ચાળા પાડતાં કહ્યું. બધાં જોર જોરથી હસવા લાગ્યાં. લાલિયો પણ ગેલમાં આવીને પૂંછડી પટપટાવતો ઊં.. ઊં... ઉ... કરતો ગોળ ગોળ ફરવા લાગ્યો.

***

12 - બ્રાહ્મણ દંપતી

મિતાલી મણીયાર

ગાઢ જંગલ ની આ વાત છે. સાંભળી તો હશે જ બાળકો તમે કે એક હતી અનાથ છોકરી જેને લઈ ગયો એક રાજા. પણ આજે આપણે સાંભળશુ એક નવી વાર્તા. તો ચાલો જઈએ વાર્તા ની સૃષ્ટિ મા. તૈયાર છો ને?

હા તો એક હતું બ્રાહ્મણ દંપતી. લક્ષ્મી ની કૃપા હતી એમના ઘરમાં. બ્રાહ્મણ દંપતી સંતોષી જીવ હતાં. એમને નહોતો પોતાના ધન પર ઘમંડ કે નહોતી ધન ગુમાવવાની ચિંતા. બન્ને જ્ઞાની હતાં અને કહેવાય છે ને કે જ્ઞાન હમેશા અભય લાવે છે.

વાત આપણે જંગલ ની કરતાં હતાં તો આ જંગલ હતું એ રાજ્ય ની નજીક જ્યાં આ બ્રાહ્મણ દંપતી રહેતું હતું. પણ કહેવાય છે ને કે ધન હમેશા વેરી ને લાવે છે એવી જ રીતે બ્રાહ્મણ થી ઈર્ષ્યા કરવા વાળા અપાર પાર હતાં. પણ બ્રાહ્મણ દંપતી ને મન એમના માટે ય આશીર્વાદ જ વરસતાં. એક દિવસ બ્રાહ્મણીએ બ્રાહ્મણને શુભ સમાચાર આપ્યા. અને જોતજોતામાં વધામણી નો દિવસ ય આવી ગયો. બ્રાહ્મણીએ જોડકા બાળકો ને જન્મ આપ્યો. પરંતુ વિધાતાને કાઇક નવો જ ખેલ મંજૂર હતો. બ્રાહ્મણના દુશ્મનો એ દાયણને એના બંને બાળકો ને મારવા માટે કહેલું. સંજોગવશાત્ એ જ રાતે રાણી ને પણ મરેલો પુત્ર અવતર્યો. દાયણે છોકરા ની અદલાબદલી કરી નાખી. પરંતુ હવે છોકરી નું શું?

તેણે છોકરી ને લઈ જંગલ મા ચાલવા માંડ્યું. અને એક ઝાડ નીચે એને મૂકી તે પાછી ફરી ગઈ. ગાઢ જંગલ અને એકલી બાળકી. પરંતુ જેને રામ રાખે તેને કોણ ચાખે? એક રીંછ આવી પહોંચ્યું ત્યાં અને આની રખેવાળી કરવા લાગ્યું. દિવસો પસાર થાય છે. બ્રાહ્મણી ને કહેવાયું છે કે એણે મરેલા પુત્ર ને જન્મ આપ્યો હતો. અને બીજી તરફ આ બંને બાળકો મોટા થઈ રહ્યા છે-એક રાજમહેલ માં અને એક જંગલ માં. એમ કરતાં કરતાં ઘણો સમય વીતી ગયો. બ્રાહ્મણ દંપતી સ્વર્ગે સીધાવ્યુ.

આ તરફ રાજકુમાર યુવાન બન્યો છે. પિતા એ તેનું નામ ત્યાગ રાખ્યું છે. નામ પ્રમાણે ગુણ છે એનાં મા. દાનવીર છે એ. અને એનો પ્રિય શોખ છે જંગલ માં ફરવું. શિકાર માટે નહિ પણ પ્રકૃતિ ના ખોળે રમવા. અને બીજી બાજુ છોકરી પણ હવે યુવાન બની ગઈ છે. પોતાની ઝૂંપડી બનાવી તે દિવસો પસાર કરે છે. હવે તો તે રીંછ સિવાય તેના ઘણા મિત્રો બની ગયા છે. ખિસકોલી, પોપટ, કાબર, મેના, વાનર વગેરે તેના મિત્રો છે. તે બધા સાથે રોજ વાતો કરે છે અને આ બધા પણ તેની સાથે મળી ગયા છે. તેના પાક્કા દોસ્ત છે ખિસકોલી અને રીંછ. પોતાનું નામ તેણે નિહારિકા રાખ્યું છે. એક દિવસે સવારે રાજકુમાર જંગલમાં ફરવા માટે નીકળી પડ્યો. અને ખોવાઈ ગયો. પિતા એ તેને બહુ સમજાવ્યો હતો કે એકલો ન જતો પરંતુ તોય તે ગયો. હવે તેને પસ્તાવો થયો. પણ હવે કરવું શું? ફરતાં ફરતાં તેને એક ઝુંપડી દેખાઈ તો તે ત્યાં ગયો ને જોયું તો એક છોકરી જમવાનું બનાવી રહી હતી. તેને જોતાં જ જાણે ત્યાગ નાં મનમાં વહાલ ઊભરાઈ આવ્યું. તેને સમજાતું નહોતું કે આવું શાને થાય છે? ત્યારે જ નિહારિકા નું ધ્યાન તેના પર પડ્યું અને તેણે ત્યાગ ને આવકાર્યો.

ત્યાગ ને ભોજન પીરસીને અહીં ભટકવાનું કારણ પૂછ્યું. અને એવું જાણી ને કે તે રાજકુમાર છે તે થથરી ગઇ કેમ કે તેણે હમેશાં રાજા મહારાજા ને અહીં શિકાર માટે આવતાં જોયાં હતાં. તેણે આવેશ માં આવી કહી દીધું કે નહિ નહિ તમે કોઈ પશુ-પક્ષી ને ના મારો.

તો ત્યાગ બે મિનિટ જોતો રહી ગયો. તેણે કહ્યું કે, "ના તમે સમજો છો એવું નથી હું તો અહીં વિહરવા આવ્યો હતો અને રસ્તો ભટકી ગયો છું. … " તો નિહારિકા એ કહ્યું, " માફ કરજો કેમ કે બધા રાજા મહારાજા અહીં શિકાર પર આવે છે જે મને પસંદ નથી. તમે ભોજન કરી આરામ કરો. તમને શહેર સુધી હું મૂકી જઇશ. "

ત્યાં જ નિહારિકા નું માનીતું રીંછ આવી પહોંચ્યું ને ત્યાગ ડરી ગયો પહેલાં તો. પણ પછી તે ય રમત કરવા લાગ્યો. તેને અહીં બહુ મજા આવી. થોડી વાર પછી તેઓ જવા માટે તૈયાર થઈ ગયા. દૂરથી નગર દેખાતા તેણે કહ્યું, "નિહારિકા, મે તને બહેન માની છે, ક્યારેક જરૂર પડે તો બેધડક આવજે. "તો જવાબ માં તે બોલી, "ભાઈ, ખબર નહિ પણ મને પણ તમારાં પર વહાલ ઊપજે છે. અને ભાઈ ની રક્ષા માટે હું તમને રાખડી બાંધુ છું. " ત્યાગએ કહ્યું, "આજ ભગવાને મને સૌથી અમૂલ્ય ભેટ આપી છે. " પછી નિહારીકા જંગલ તરફ પાછી ફરી ગઈ. અહીં ત્યાગ ને નગર તરફ પાછો આવેલો જોઇ બધાં ખુશ થઈ ગયાં.

સમય વીતતો જાય છે. ત્યાગ યુવરાજ બન્યો છે. એક દિવસ રાજા ને એક વિચાર આવ્યો કે જંગલ કાપી નગર અને રાજ્ય ની સરહદ વધારી દઇએ તો શક્તિ વધશે. તેણે વિચાર્યું કે ત્યાગ ક્યારેય આ માટે હા પાડશે જ નહિ. એટલે તેણે આ માટે ત્યાગ ને કશું કહ્યા વગર કામ શરૂ કરાવ્યું. જંગલ કપાતાં જોઇ નિહારીકા હેબતાઇ ગઇ કે આ શું?

તે ત્યાગ પાસે મદદ માગવા નિકળી. રીંછ તો ના આવી શકે નગર માં પણ ખિસકોલી સાથે ચાલી. મહેલ ના દરવાજે તેને દરવાને રોકી અને તેને જવા ન દીધી. તે હવે જબરી મૂંઝવણ માં મૂકાઇ ગઇ. અને વિચારમાં પડી ગઇ કે હવે?? તો અચાનક ખિસકોલી એના હાથ પર ચડી ગઇ. તે એનો ઇશારો સમજી ગઇ. ચુપકી થી ખિસકોલી મહેલ મા ખૂસી સભા માં પહોંચી ગઇ અને સીધી ત્યાગ ના હાથ પર ચડી ગઈ. ત્યાગ નું ધ્યાન પડ્યું તો એ જે હાથ પર રાખડી હતી ત્યાં પહોંચી ગઈ. ત્યાગ સમજી ગયો. તેણે રક્ષક ને મોકલી નિહારીકા ને અંદર બોલાવી.

તેને બધાં જોઇ રહ્યા પણ પેલી દાયણ ઓળખી ગઈ. કેમ કે તેની ડોક પર એક તલ હતો જે તે ઓળખી ગઇ. તેણે નક્કી કર્યું કે આજે તે સત્ય બોલશે. તો નિહારીકા એ જંગલ કાપવા વાળી ફરિયાદ કરી. તે સાંભળીને ત્યાગ દુઃખ થયું. પોતાના પિતા તરફ થી તેણે નિહારીકા ની માફી માંગી અને તરત જ એ કામ રોકવાનો આદેશ આપ્યો.

અને એના આદેશ ને જનતા એ પણ વધાવી લીધો. અને ત્યાં જ પેલી દાયણ સભા ની વચ્ચે આવી ઊભી રહી ગઈ. સભા માં ગણગણાટ થવા લાગ્યો. અને તેણે કહ્યું કે, "રાજાજી, મારે એક કબૂલાત કરવી છે કે નિહારીકા તમારી સગી બહેન છે. " આ સાંભળતાં જ બંને ની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં. અને મોઢા પર પ્રશ્ન કે કઇ રીતે? અને દાયણે આખી કથા કહી. તે સાંભળી રાજા બોલી ઉઠ્યા કે, " હવે જે થયું તે ભૂલી જાવ. ભગવાને આજે મને એક દિકરી આપી છે અને આ સમય ઉત્સવ નો છે. " બધાં ખુશ થઈ ગયાં પણ નિહારીકા થોડીક ઉદાસ હતી. ત્યાગ સમજી ગયો અને બોલ્યો, "બહેન, તારા દોસ્તો ને તું અહીં નહિ રાખી શકે કેમ કે આ તેમનું ઘર નથી. પરંતુ હા તારે જ્યારે ત્યાં જવું હોય ત્યારે આપણે સાથે જઇશું. અને હા તારી દોસ્ત ખિસકોલી અહીં જ રહેશે. નિહારીકા ખુશ થઈ ગઈ. અને એક પરિવાર પૂર્ણ થયો.

સાર: જંગલ આપણી સંપત્તિ છે તો તેની રક્ષા કરવી જોઇએ.

***

13 - એક હતી ગોટી

નયના મહેતા

‘શૈલી, ઉઠી જા બેટા. જો આ ચકલી બારીની પાસે બેઠી બેઠી ‘શૈલી ઊઠ’ ‘શૈલી ઊઠ’ એવું કહે છે. સંભળાય છે તને ?’

આંખો ચોળતી શૈલી ઉઠતાંવેત ચકલીના ‘ચીં’ ‘ચીં’ માંથી ‘શૈલી’ સાંભળવા કાન સરવા કરવા લાગી. તેની આંખોમાં પ્રશ્નાર્થ ચિન્હ ઊભરી આવતું જોઈ પૃથા હસી પડી.

‘અરે બકા... ચકલી કંઈ આપણી જેમ થોડી બોલે ? પણ જો તારી સામે જોઇને ચીં ચીં કરે છે કે નહીં ?’ એટલે તને જ કહેતી હોય સમજી ?

ભોળી, મીઠડી,શૈલી પોતાની મમ્મીની વાતમાં વિશ્વાસ કરી લે છે. માની લે છે કે ચકલી પોતાને જ ઉઠાડે છે. એની આંખમાનું પ્રશ્નાર્થ ચિહ્ન જતું રહે છે. પણ પાછો કાલોઘેલો પ્રશ્ન, ‘પણ ચકલીને મારું શું કામ છે ? મને શું કામ ઉઠાડે છે ?’

પૃથા લાડકી દીકરીને તેડી લેતી કહેવા લાગી, ‘બેટા એને તું ગમે છે એટલે તું આમ ઊંઘી રહે તો એને સૂનું સૂનું લાગે છે. એને તો તું દોડતી,રમતી,ગાતી હોય તો જ ગમે.’ બોલતાં બોલતાં પૃથાએ શૈલીને બ્રશ કરવા માટે બેઝીન પાસે રાખેલા સ્ટૂલ પર ઉભી રાખી દીધી. શૈલી સુસ્તિ ઉડાડતી હસતી હસતી બ્રશ હાથમાં પકડતી અરિસામાં પોતાને જોઈ રહી. પાછી ગાવા લાગી,

‘ચીં ચીં કરતી ચકીરાણી મને બહુ છે વ્હાલી,

રોજ સવારે મીઠા સાદે ઉઠાડતી બહુ વહેલી.’

પૃથાની, શૈલીને ઉઠાડવાની જુદી જુદી રીતોને લીધે રોજ એની એક આગવી સુંદર સવાર ઉગે. આ જ કારણે શૈલીને ખિસકોલી, કીડીઓ, વાંદરા, પક્ષીઓ સાથે અલગ નાતો બંધાય.

એકવાર શૈલીના ઘરની બાલ્કનીમાં ચકલીએ માળો બાંધ્યો. એમાં પાછા ઈંડા મૂક્યાં. શૈલીની જિજ્ઞાસા સંતોષવા ઈંડા શું છે ? એમાંથી કેવા નાનકડાં બચ્ચાં આવશે ! ચકલી એમના માટે દાણા શોધી લાવશે. તેમને મોંમાં મૂકીને કેવું ખવડાવશે ? વગેરે વાતો પૃથા સમજાવતી રહેતી હતી.

શૈલીની નાની આંખો વારેવારે નવાઈથી ઉભરાઈ જતી. જ્યારે પણ સમય મળે ત્યારે ચકલી શું કરે છે ? ઈંડા ફૂટ્યાં કે નહીં ? તેનું ધ્યાન રાખતી રહેતી. એક દિવસ અચાનક ચકલીના માળામાંથી ઝીણી ઘૂઘરીઓ વાગતી હોય તેવા મીઠા અવાજ સંભળાવા લાગ્યા. શૈલી દોડાદોડ કરતી માળામાં જોવા લાગી... “હા ભઈ... ઈંડા તોડીને ઝીણા બચ્ચાં બહાર આવતાં હતાં !” ઝીણી ઝીણી પાંખો, બચુકડાં પગ ને ઝીણકડી મજાની ચાંચ!! શૈલી તો ખુશી અને આશ્ચર્યથી ગાંડી થઇ નાચવા લાગી.. નાચતી જાય ને ગાતી જાય.

‘ઈંડા ફૂટ્યાં બચ્ચાં બહાર

ચાલો ચાલો જોવા યાર

ઝીણી ઝીણી ચાંચ છે!!’

નાની નાની પાંખ છે!!

વળી એકવાર શૈલીએ ચકલીને પોતાના બચ્ચાંની ચાંચમાં ચાંચ નાખી દાણા ખવડાવતી પણ જોઈ! અચાનક શૈલીને થયું ‘લાવ આ ચકલી અને બચ્ચાં માટે દાણા ને પાણીની સગવડ હું જ કરી આપું.’ તેને તો માળાની નજીક પાણી ભરેલું નાનું કોડિયું અને એક ડીશમાં જુવારના દાણા રાખી દીધાં. બસ પછી તો શૈલી જાણે ચકલીના પરિવારની જ સભ્ય હોય તેમ માળાની આજુબાજુ જ રહેતી. બે બચ્ચાં ને ચકલીના સંસારને ધ્યાનથી જોતી અને માણતી. એણે તો ચકલી નું નામ પણ રાખી દીધું ‘ગોટી’ ને બચ્ચાના નામ રાખ્યા ચક ને બક. બચ્ચાં ધીરે ધીરે મોટા થવા લાગ્યાં પણ એમને ઉડવાની કંઈ જરૂર જ પડતી નહીં. કારણકે, દાણા અને પાણી તો સાવ ચાંચવગા જ રહેતાં ! ખલાસ થવા આવે કે શૈલી વળી કોડિયું અને ડીશ ભરી કાઢે. ગોટી પણ ઘણા દિવસથી ઉડી જ નહોતી. શૈલીએ પૃથાને પુછ્યું, ‘મમ્મી હવે આ બચ્ચાં ઉડશે ક્યારે ?’ ‘જ્યારે તેમનામાં પૂરતી તાકાત આવશે ત્યારે ઉડશે.’ પાછા થોડા દિવસ ગયાં. બચ્ચાં તો ઉડે જ નહીં. ! પૃથાને પણ થયું , ‘હવે તો બચ્ચાં ઉડવા જોઇએ... કે પછી એમને પણ નબળી પાંખો હોય એવું તો નહીં હોય ?’

એકવાર પૃથાએ જોયું કે ગોટી પોતે પણ ઉડવા કોશિશ કરતી હતી પણ જાણે ઉડવાનું જ ભૂલી ગઈ હોય તેવું લાગતું હતું ! પૃથાને અચાનક આખી વાત સમજાઈ ગઈ. તૈયાર દાણા-પાણી મળતાં હતાં એટલે ગોટી ને ઉડવાની જરૂર જ નહોતી પડતી. એને ઉડવાની આદત જ જતી રહી હતી. પછી ચક-બક ને શીખવાડવાની તો વાત જ ક્યાં ?

તેણે શૈલીને સમજાવ્યું, ‘ જોયું શૈલુ... ભગવાને આપણને જે અંગો આપ્યાં હોય તેનો બરાબર ઉપયોગ કરવો જોઇએ નહીં તો આપણા એ અંગો નકામા બની જાય.’

શૈલીએ સચિંત પૂછ્યું, ‘ તો હવે આ બધાં નહીં ઉડી શકે ?’

પૃથા, ‘ જરૂર ઉડશે. બસ એમનાં દાણા પાણી રાખવા બંધ કરી દે.’

શૈલીએ દાણા મૂકવા બંધ કર્યાં. પણ પાણી તો ભરતી જ. એને સમજાતું નહીં કે ગોટી પાણી શી રીતે લાવે ને બચ્ચાંને પીવડાવે ?

શૈલીએ દાણા રાખવાનું બંધ કર્યું. એટલે ધીમે ધીમે ગોટી દાણા શોધવા બહાર જવા લાગી. થોડા દિવસમાં બરાબર ઉડવા લાગી અને બચ્ચાંને પણ શીખવાડવા લાગી. ચક-બક પણ નાની પાંખો ફફડાવતાં ગોટી ની સાથે થોડું થોડું ઉડવા લાગ્યાં! શૈલી વળી ખૂશ ખૂશ થઇ ગઈ. વળી, બે હાથ ફેલાવી ઉડવાની એક્ટીંગ કરતી દોડતી જાય ને ગાતી જાય.

‘પાંખો નાની ફફડાવીને

બચ્ચાં જુઓ બધે ફરે

ચીં ચીં ચીં ચીં બોલીને

મમ્મી સાથે જુઓ ઉડે’

હજુ ચક ને બક પૂરું ઉડવાનું શીખ્યા ય ન હતાં ત્યાં એક સાંજે ગોટી દાણા લેવા ગઈ હતી તે પાછી જ ના ફરી. રાત પડી એટલે ભૂખ્યાં ચક ને બક ઘૂઘરિયાળા અવાજે રાડો પાડીને થાક્યાં ને પછી શાંત થઇ ગયાં. શૈલીને ચક ને બક ઢીલાં પડી ગયાં જોઇને બહું દુ:ખ થતું હતું. તેણે રાત્રે મોડે સુધી ગોટી પાછી ના ફરી એટલે મમ્મીને કહ્યું ,

‘મમ્મી, ગોટી હજુ આવી જ નથી. ચક ને બક રડીરડી ને થાક્યાં. મારા મૂકેલા દાણા પણ ખાતાં નથી.’

‘અરેરે ! ગોટીએ સાંજ સુધીમાં આવી જવું જોઈતું હતું.’ પૃથા ‘હા મમ્મી, ગોટી સારી મમ્મી નથી એને ચક ને બકની ચિંતા જ નથી.’ ‘એવું ના કહીએ બેટા. કોઈપણ પંખી સાંજ પડે પોતાના માળામાં પાછું આવી જ જાય. ગોટી તો પાછી મમ્મી છે એ તો એના બચ્ચાં માટે આવ્યા વગર રહે જ નહીં.’ મા-દીકરી આમ ચિંતા કરતાં મોડેથી ઊંઘ્યાં.

સવારે જોયું તો હજું ગોટી તો આવી ન હતી ! ચક-બક એકબીજા પર ડોકી ઢાળીને સૂતા હતાં. શૈલીને ગરીબડાં બચ્ચાં જોઈ રડવું આવી ગયું. સવારનું કામ ઝડપથી પૂરું કરી પૃથા અને શૈલી ગોટીની શોધમાં નીકળી પડ્યાં. ઝાડપર જોય, વિજળીના તારને થાંભલે જોય, અરે ! ઝૂના ચીડિયાઘરમાં પણ જોઈ લીધું પણ ગોટીનો કોઈ પત્તો ના મળ્યો. એક તો ઉત્તરાયણ એક બે દિવસમાં જ આવતી હતી એટલે જ્યાં ત્યાં ફાટેલાં ને ફસાએલા પતંગો ને દોરીના ગૂંચળા હોવાથી આવડી નાની ગોટીને શોધવામાં તકલીફ પડતી હતી.

પૃથાને દોરીના ગૂંચળા જોઈ અચાનક વિચાર આવ્યો, ‘ક્યાંક ગોટીના પગ દોરીના ગૂંચળામાં તો નહીં ફસાયા હોય ? એમ હોય તો તો બિચારી ગોટી ઉડી જ ના શકે.’

‘શૈલી પેલી તારી બેનપણી ક્ષમાની મોટીબેન ઉત્તરાયણમાં કોઈ પક્ષી બચાવો અભિયાનમાં સેવા આપવા જાય છે ને ?’ ‘હા, મમ્મી અહીં નજીકમાં જ પક્ષીઓનો કેમ્પ છે એમાં જ જાય છે.’ ‘શૈલુ ચાલ તો આપણે પહેલાં ત્યાં જ તપાસ કરીએ.’

કેમ્પમાં દાખલ થતાં જ બે સ્વયંસેવકને પૂછતાં દીપા ત્યાં જ હતી તેમ જાણવા મળ્યું. પાંચ મિનિટમાં દીપા એમને મળવા આવી ગઈ.

‘અરે ! શૈલી તું અહીં ક્યાંથી ?’ કહેતાં દીપાએ પૃથાને જોતાં ‘નમસ્તે આન્ટી’ કહ્યું. પૃથાએ ગોટીની વાત દીપાને સમજાવી. ‘દીપાદીદી તમારા કેમ્પમાં અમારી ગોટી આવી છે ?’ શૈલીએ પૂછ્યું. ‘શૈલુ તમે બંને અહીં જ ઊભા રહો હું તપાસ કરીને આવું છું.’ કહી દીપા ગઈ.

પાંચ મિનિટમાં પાછી આવતાં જ દીપા બોલી ‘એક ચકલી ગઈકાલે સાંજે આવી છે એના પગમાં કાચપાયેલી પતંગની દોરી ફસાતાં કાપા પડ્યાં છે અને એક પાંખને પણ નુકસાન થયું છે. દૂરથી તમે જોઈ લેજો કે એ તમારી ગોટી તો નથી ?’ ‘દૂરથી કેમ દીપાદીદી નજીક જવા દેજો ને.’ શૈલી અધીરી થઇ ગઈ. ‘ ના બકા, પક્ષીઓ આમ પણ માણસોથી ડરે એમાં આ તો ઘાયલ પક્ષી એટલે માણસ નજીક આવે તો ફફડી મરે.’

‘તો દીદી તમે પણ માણસ જ છો ને ? તમે તો નજીક જાઓ છો.’ ‘અરે બડબડ બબલી, અમને તો પક્ષીઓ ઓળખી ગયા છે ઉપરથી અમારા ખોળામાં માથું મૂકીને આંખો બંધ કરીને લાડ કરતાં હોય છે.’દીપાએ સમજાવ્યું. ત્યાં તો દૂરથી જ સળીયાવાળા નાના બોક્ષમાં શૈલીએ ગોટીને જોઈ. ગોટીએ પણ શૈલી ને જોઈ ગોટી એની એક સાજી પાંખ ફફડાવવા લાગી. જાણે એને ઉડીને શૈલી પાસે આવવું હતું ! દીપા સમજી ગઈ કે એ શૈલીની ચકીદોસ્ત ગોટી જ છે.

કેમ્પના સંચાલક સંજયભાઈની મુલાકાત કરાવી દીપાએ શૈલી અને પૃથા ગોટી માટે આવેલા તે વાત કરી. ‘તમારી ગોટીને તમારે ઘરે લઇ જવી છે પણ. શૈલી બેટા ગોટીની સારવાર કરવી પડે તેમ છે. કાચવાળી દોરીએ એને ઘણું નુકસાન પહોચાડ્યું છે.’

‘તો અંકલ તમે અમને ગોટીને નહીં લઇ જવા દો તો એનાં નાના બચ્ચાં ચક-બક ઝૂરીને મરી જશે. ને મને પણ...’ શૈલી પૂરું બોલે તે પહેલાં રડી પડી.

‘બેટા તારી ગોટીને ફક્ત એની પાંખ સાજી થાય ને પગના કાપા રુંઝાય એટલા દહાડા જ રાખીશું. ચક-બક ને સવારે અમારો સ્વયંસેવક તારા ઘરેથી લઇ જશે, એમને ગોટી સાથે જ રાખીશું. બસ ?’

‘ને અંકલ હું ?’ શૈલીએ આંસુભરી આંખે પૂછ્યું.

‘બેટા તું અહીં ના રહી શકે. પણ હા ગોટી અને ચક-બક ને મળવા જરૂર આવી શકે. આમતો અમે અજાણ્યાને પક્ષી પાસે જવા દેતાં નથી પણ તું કાંઈ ગોટી માટે અજાણી નથી એટલે જવા દઈશું.’

પૃથા અને શૈલી ઘેર આવ્યાં. બીજી સવારે બર્ડ કેમ્પમાંથી દુષ્યંત નામનો સ્વયંસેવક આવ્યો. ચક-બક ને સાથે લાવેલી બાસ્કેટમાં સાચવીને મૂકીને લઇ ગયો. શૈલી રડતાં-રડતાં ‘આવજો’ કહેતી રહી. શૈલીને ગોટી અને ચક-બક ભેગાં મળ્યાં તેનો આનંદ હતો. પણ પછી ચાર-પાંચ દિવસ પછી ત્રણે ખુલ્લા આકાશમાં ઉડી જશે આ મોટી દુનિયામાં ખોવાઈ જશે એ વાતની બીક લાગતી હતી.

પૃથાએ શૈલીને પોતાની આગવી રીતથી સમજાવ્યું કે પશુ,પંખી ને માણસો સહુની અલગ દુનિયા હોય. સહુને પોતાની જિંદગી જીવવાનો હક હોય. આપણે તેમને પ્રેમ કરી શકીએ. એમની કાળજી રાખી શકીએ પણ એમને છૂટથી પોતાની રીતે જીવતાં ના રોકી શકીએ. શૈલીએ ભારે હૈયે મમ્મીની વાત પર વધુ એક વાર વિશ્વાસ મૂકી દીધો. જાણે મોટી થઇ ગઈ હોય તેવી ઠાવકી થઈને ધીમા અવાજે ગણગણવા લાગી,

ચકી દોસ્ત ચકી દોસ્ત

જ્યાં રહે ત્યાં રહેજે મસ્ત

‘ગોટી,ગોટી’ પાડીશ સાદ

ચક-બક ને તું કહેજે યાદ

***

14 - લાલચ ની લડાઈ

નીતા કોટેચા

એક હતો વાંદરો, જંગલમાં મોજથી ફરતો. જે ખાવું હોય તે ખાતો પછી ઝાડ પર સુઈ જાતો. એનું જંગલ એના મિત્રો થી ભરેલું હતું. સસલા, શિયાળ, હરણ, મેના, પોપટ, મોર બધા સાથે રહેતા. બધા પોતાની મરજીના માલિક હતા. આખું જંગલ બધાનું હતું. કોઈ ગુલામ ન હતું અને કોઈ માલિક પણ ન હતું.

અત્યાર સુધી વાંદરો ને એની પત્ની બને એકલા હતા અને પોતા માટે ખાવાનું શોધી લેતા હતા. હવે વાંદરાને ત્યાં બચ્ચું આવ્યું, વાંદરાનું કામ વધ્યું, પોતાની પત્ની અને બચ્ચા માટે એને ખોરાક શોધી ને લાવવાનો હતો. એક દિવસ ખાવાનું શોધતા શોધતા તે એક ગામની નજીક પહોંચ્યો. તેને જોયું એક માણસ ત્યાં બેસીને જમતો હતો. વાંદરાને થયું આજે આવું કઈક જમવાનું લઈ જાવ તો પત્ની અને મિત્રો ને આપીશ તો બધા ખુશ થઈ જશે. પોતાના સ્વભાવ પ્રમાણે એણે જમવાનું ઝડપવાની તૈયારી કરી. પણ માનવ ચતુર હતો, વાંદરો જેવો એની પાસે આવ્યો એ જમવાનું લઈને દૂર જતો રહ્યો. વાંદરાને આ જોઈને બહુ ગુસ્સો આવ્યો. એણે ગુસ્સામાં કહ્યું " એ માનવ, થોડું મને આપ, નહીં તો હું તને મારીને પણ ઝૂંટવી લઈશ. માનવી એ કહ્યું " હું તને ઘણું બધું જમવાનું આપીશ, પણ એક શરતે , એક દિવસ માટે મારી સાથે ગામમાં ફરી. તને જોઈને લોકો મને પૈસા આપશે મને થોડી આવક થાશે. એમાંથી હું થોડા રાખીશ અને થોડાનું તારી માટે જમવાનું લઈને તને આપીશ "

વાંદરો માની ગયો એને વિચાર્યું કે એક દિવસ ની તો વાત છે. મારી પત્ની અને મારા મિત્રો જમવાનું જોઈને કેટલા રાજી થશે. એ માણસે એના પગ મા સાંકળ બાંધી દીધી અને વાંદરા ને લઈને રૂબાબ ભેર ચાલવા લાગ્યો. વાંદરા ને અચાનક એમ લાગવા માંડ્યું કે એ ક્યાંક કેદ થઈ ગયો છે અને આ માનવ એનો માલિક છે એને ગભરામણ થવા લાગી. પણ એક દિવસના વચન થી એ બંધાયેલો હતો. એ બીજા દિવસ ની રાહ મા એ માણસ સાથે ચાલવા લાગ્યો.

રસ્તામાં બાળક વૃદ્ધ અને યુવાનો બધાને વાંદરાને જોઈને મોજ પડી ગઈ. કોઈ એને પથ્થર થી મારતું કોઈ એને ખીજવતું, વાંદરાને બહુ ગુસ્સો આવતો હતો એણે એના માલિક ને કહ્યું " બધા મને પથ્થર મારે છે તને દેખાતું નથી, તું એમને કઈ કહેતો કેમ નથી "

માલિકે હસતા હસતા કહ્યું " મૂર્ખ તને નથી દેખાતું કે એ લોકો મને એના જ પૈસા આપે છે, આજે તારે કઈ બોલવાનું નથી "

વાંદરાને ઠેક ઠેકાણે થી લોહી નીકળવા લાગ્યું. વાંદરો રડવા લાગ્યો પણ માનવ જાત ને એની પીડામાં હજી વધારે ખુશી મળતી હતી. વાંદરો પથ્થર ના ઘા થી બચવા ગુલાટી ખાતો હતો અને લોકો ને એ વાંદરાની ગુલાટી સમજીને મજા આવતી હતી.

આખરે રાત પડી અને વાંદરાનો માલિક પણ થાક્યો વાંદરાની સર્કલ ઝાડ સાથે બાંધી એ પૈસા ગણવા લાગ્યો. વાંદરા એ કહ્યું " હવે તો મારી સાંકળ ખોલો. હું ક્યાંય નહીં જાઉં પણ મને આ સાંકળ લાગે છે "

માલિકે એની વિંનંતી સાંભળી નહીં. એ રૂપિયા ગણવામાં વ્યસ્ત હતો. એક દિવસમાં એને 300 રૂપિયા મળ્યા હતા. માલિકે વિચાર કર્યો કે જો આ વાંદરાને મહિનો રાખું તો મહિના ના છેવાડે 10 થી 12000 ની આવક તો થઈ જ જાય.

માલિકના મનમાં લાલચ આવી એને બે ત્રણ પાવ વાંદરાને આપ્યા અને પોતે જમીને સુવાની તૈયારી કરવા લાગ્યો. માલિક ને સુતા જોઈને વાંદરો બોલ્યો " અરે સુવો શું છો, મને જમવાનું આપો એટલે હું જાવ. મારી પત્ની અને મારું બાળક ભૂખ્યા હશે, મારી રાહ જોતા હશે. "

માલિક એની વાત સાંભળીને હસવા લાગ્યો અને બોલ્યો " મૂર્ખ વાંદરા તું પાગલ છો. મેં તો સવારના જ નક્કી કરી લીધું જતું કે હવે તું મારી આવક નું સાધન બનીશ. તને શું ખબર માણસ ની બુદ્ધિ કેવી હોય છે "

વાંદરા એ ઘણી કુદા કૂદી કરી ચીસિયારી પાડી પણ તે છૂટી ન શક્યો. માલિક બહુ થાક્યો હતો એટલે તે ઘસઘસાટ સુઈ ગયો.

માલિક ની એક દીકરી હતી એને આ જરા પણ નહોતું ગમતું હતું કે વાંદરા ને સાંકળ બાંધીને રાખે। એને કેટલી વાર રાતના સાંકળ ખોલવાની કોશિશ કરી પણ એના નાના નાના હાથથી એ સર્કલ ખુલતી નહીં। એ વાંદરા પર હાથ ફેરવીને ત્યાંથી ચાલી જતી

માલિક નો હવે આ રોજ નો ક્રમ થઈ ગયો હતો અને વાંદરાનો જીવ પત્ની અને બાળક મા પડ્યો હતો. એને સમજાતું ન હતું કે કરવું શું ?

એક રાત્રે આમ જ એનો માલિક સૂતો હતો ત્યાં એક બીજો માણસ આવ્યો એના હાથ મા હથોડી હતી. એ માણસ વાંદરાના માલિક પાસે ગયો. વાંદરાને થયું એ માણસ હમણાં જ એના માલિક ને મારી નાખશે. ભલે એના માલિકે એની સાથે સારું નહોતું કર્યું પણ આટલા દિવસ સાથે રહીને એને માલિક સાથે માયા બંધાઈ ગઈ હતી. વાંદરાએ ચીસિયારી પાડવાની શુરુ કરી એના અવાજ થી માલિક ઉઠી ગયો જોયું તો સામે એક માણસ હથોડી લઈને ઉભો હતો. માલિક કઈ વિચારે એની પહેલા તો બીજા બે માણસો એ એના માલિક ને પકડી લીધો

વાંદરો પણ વિચારવા લાગ્યો કે હવે શું થાશે. ત્યાં અચાનક એ માણસે વાંદરા ની સાંકળ પર હથોડી મારી અને તરત તાળું તૂટી ગયું. ત્યાં એ માણસ બોલ્યો " મને ખબર છે આ વાંદરા થી તારી આવક વધી ગઈ છે એટલે જ હું આ વાંદરાને મારી સાથે લઈ જવા આવ્યો છું. "

જેવો વાંદરા ની સાંકળ ખુલી માલિક ની દીકરી એ બૂમ પાડી ને કહ્યું " વાંદરા ભાગ "

બને વાંદરા માટે લાડવા લાગ્યા પણ વાંદરાએ આ મોકો ન ખોયો અને તે તરત જ કૂદીને ઝાડ પર ચડી ગયો. બને મિત્રો એક બીજા સામે જોવા લાગ્યા. ત્યાં વાંદરો બોલ્યો " હે માનવ તમારી અંદર અંદર ની લાલચ ની લડાઈ મા મને મુક્તિ મળી ગઈ. તમારો ઝગડવાનો સ્વભાવ મારી માટે સારો રહ્યો. તમે એક બીજાનું લૂંટવામાં જ માનો છો વાંદરા એ એના માલિક ને કહ્યું " તમે મને કપટ થી પકડ્યો તમે મારા બાળક નું ન વિચાર્યું. ક્યારેક અમારા જંગલમાં આવજો અમે બધા વહેંચીને ખાઈએ. તમે તો ખાલી તમારું પોતાનું પેટ ભરવામાં માન્યા છો. ચાલો હું તો ચાલ્યો મારે પણ મારી થોડી લાલચ ની ભૂલને કારણે સજા ભોગવવી પડી. તમારા કરતા તો તમારી દીકરી સારી કે એણે હંમેશા કોશિશ કરી કે મને છોડાવી શકે। એને એક પ્રેમ ભરી નજરે એ દીકરી સામે જોયું અને કૂદતો કૂદતો પોતાના જંગલ મા ચાલ્યો ગયો અને બંને મિત્રો ઝગડતા જ રહયા.

***

15 - વિલાજ ગ્રહની મુલાકાતે..

નિમિષ વોરા

પાંચ વર્ષનો જલજ થોડો ઉદાસ હતો, કારણ આજે વેકેશનનો છેલ્લો દિવસ હતો. વેકેશનનો દોઢ મહિનો ક્યાં નીકળી ગયો એ ખ્યાલ જ નહોતો આવ્યો. થોડા દિવસો મામાને ત્યાં જલસા કર્યા અને થોડા દિવસો ઘરે આવેલા કઝીન્સ સાથે સાથે ધમાલ મસ્તી કરી ત્યાં તો વેકેશન પૂરું થવા આવ્યું. તેના કઝીન્સ જન્ય, મુદિત અને વિહાન ની પણ સ્કુલ ચાલુ થતી હોવાથી આજે જ તેમને ઘરે ગયા હતા એટલે એકલો પડેલો જલજ વધુ ઉદાસ હતો.

તેની મમ્મીથી તેની આ ઉદાસી છુપી ના રહેતા કહ્યું “ચલ, ફૂટબોલ રમીએ. ”

“ના, મમ્મી મારે કઈ જ નથી કરવું” ઉદાસ જલજ આટલું બોલી પોતાનો નવો જ ખરીદેલો લાકડાનો સફેદ ઘોડો લઇ બાલ્કનીમાં ‘હલક ડોલક’ કરવા લાગ્યો.

હજુ કાલે જ આ ઘોડો તેને તેના પપ્પાએ લઇ આપેલો અને તેમાં અલગ અલગ બટન દબાવતા બાળગીતો પણ વાગતા જેથી તેને મજા પડતી. જલજે કાલે આ ઘોડાનું નામકરણ પણ કરી નાખેલું, ‘નીન્જા’.. હા, હવે નીન્જા જલજનો નવો મિત્ર હતો. આજે પણ એ બસ, ઝુલતા ઝુલતા નીન્જાના બટનો દબાવવાનું કામ કરતો હતો. તેનાથી તેને થોડું સારું લાગ્યું. તેને હસતા જોઈ તેની મમ્મી પણ થોડી ખુશ થઇ રસોડામાં કામ પતાવવા ગઈ.

ઘોડાના બધાય બટન દબાવી લીધા બાદ તેને એક જગ્યાએ એક નવું જ બટન દેખાયું જેના પર તેનું ધ્યાન જ નહોતું ગયું. તે બટન એકદમ નાનું હતું અને નીન્જાના પેટના ભાગ પર નીચેની તરફ હતું. અને બાળસહજવૃતિથી તેણે તરતજ એ બટન દબાવ્યું, પણ તે બટન દબાવતાં જ તે ઘોડો સાચા સફેદ ઘોડામાં પરિવર્તિત થઇ ગયો અને એટલું જ નહિ તે ઘોડાને પાંખો પણ આવી ગઈ.. અને જલજ કઈ સમજે તે પહેલા તો તેને દુર આકાશ તરફ લઇ ગયો.

“નીન્જા, સ્ટોપ ઇટ ક્યાં જાય છે ? મને ડર લાગે છે, પાછો ઘરે ચલ” નીન્જા સાંભળી શકવાનો નથી એ ખ્યાલ હોવા છતાં ગભરાઈ ગયેલા જલજે રડમસ ચહેરે કહ્યું.

“ના દોસ્ત, હવે આ સ્વીચ દબાયા બાદ ૨૪ કલાક બાદ જ આપણે ફરી તે જગ્યા એટલે કે તમારે ઘરે પહોંચી શકીશું.. ” જલજના અપાર આશ્ચર્ય વચ્ચે નીન્જા બોલ્યો..

“તું બોલી શકે છે ? અને આપણે ક્યાં જઈશું ૨૪ કલાક માટે ?” ઘરે તેને બધાય ગોતશે એવા ટેન્શન કરતાં, ૨૪ કલાક ઘરે નહિ જવાય તેથી વધુ એક દિવસ સ્કુલ નહિ જવાય એ વિચારતા જલજ રાજી થઇ ગયો. અને બોલકા જલજને બકબક કરવા માટે એક પાર્ટનર પણ મળી ગયો. એ પણ ઉડતો પાર્ટનર.

“દોસ્ત, આપણે પૃથ્વી સિવાય કોઈ પણ જગ્યા એ જઈ શકીશું” નીન્જા બોલ્યો.

“દોસ્ત નહિ, મને જલજ કહે, મારું નામ જલજ છે, અને તારું પેટ્રોલ પૂરું થઇ જશે તો ક્યાં પુરાવશું અહી આકાશમાં ?” બાજુમાં જતા પ્લેનને જોઈ જલજને વિચાર આવ્યો.

“હું પેટ્રોલ નહિ, પાંખોથી ઉડું છું જલજ” ઘોડાએ સમજાવતા કહ્યું.

એક ઉડતા ઘોડાના મુખે પોતાનું નામ સાંભળવાની જલજને બહુ મજા પડી. હવે તે સ્વસ્થ હતો તેથી નીચે નજર કરી, અને બસ એ જાણે ખોવાઈ જ ગયો. મોટા ઘાસના મેદાનો, ઉંચી ઉંચી બિલ્ડીંગસ, મોટા મોટા મિનારો બધું એકદમ ‘પીચકુ’ દેખાતાં હતા. તે તો ઘોડાને ચીપકીને બસ નીચે જ જોતો હતો અને નીન્જા પોતાની ધૂનમાં ઉડે જતો હતો.

ત્યાંજ નીન્જાની સ્પીડ થોડી ધીમી થઇ.

“કેમ નીન્જા, શું થયું, કેમ સ્પીડ ઘટાડી નાખી ?” જલજને ઓછી સ્પીડમાં ઉડવાની મજા ના આવતાં પૂછ્યું.

“પેટ્રોલ ખલાસ યાર જલજ” નીન્જા બોલ્યો.

“હેં ? તો હવે તો અહીંથી સીધા નીચે પડીશું ? જુઠું કેમ બોલેલો કે તને પેટ્રોલની જરૂર નથી ?” જલજ નીચે જોઈ ગભરાઈને બોલ્યો.

નીન્જા હસતા હસતા બોલ્યો “અરે જલજ, તું સાવ બુદ્ધુ છે.. પેટ્રોલ ખલાસ એટલે કે એનર્જી ડાઉન થઇ ગઈ ઉડી ઉડીને હવે કઈક પેટમાં નાખીશું તો એનર્જી આવશે. ”

“ઓય, બુદ્ધુ નહિ કેવાનું, બુદ્ધુ તો તું છો હવે અહી આપણે ઉડતા ઉડતા ક્યાં કોઈ ખાવાનું આપશે ? ભૂખતો મને પણ કકડીને લાગી છે. ”

“અહી ઘણા નાના મોટા ગ્રહો આવેલા છે, આપણે ૨૪ કલાક પૃથ્વી પર નહિ જઈ શકીએ પણ બીજા કોઈ પણ ગ્રહો પર જઈ શકીશું, હું હજુ ઉંચાઈ પર લઉં છું જ્યાં સુંદર ગ્રહ દેખાશે ત્યાં આપણે પેટપૂજા કરી લેશું. ” બરાબરનો ભૂખ્યો થયેલો નીન્જા બોલ્યો.

થોડીવાર બાદ એક અદ્ભુત ગ્રહ પર નીન્જાએ જલજને ઉતાર્યો અને પોતે તરત ઘાસ ચરવા ચાલ્યો ગયો.

પણ જલજ તો આવું દ્રશ્ય પહેલી વાર જોતો હતો, તેનું મોઢું ખુલ્લું જ રહી ગયું જયારે તેણે સામે જ એક મોટું ચોકલેટ-સોસનો વોટરફોલ જોયો. અવિરત ત્યાંથી લીક્વીડ ચોકલેટ નીચે પડી રહી હતી અને તે ચોકલેટની આખી નદી બનાવતી હતી. ચોકલેટ સોસના નીચે પડવાથી એક અલગ જ જાતનું મેઘધનુષ પણ રચાતું હતું. અવનવા રંગોના ક્યારેય જોયા ના હોય તેવા કેટલાય ફૂલો જાણે તેને જ જોતાં હોય તેવું તેને લાગ્યું. તે બસ ચાલતા ચાલતા આગળ ગયો જ્યાં તેને દુર એક મોટો મહેલ દેખાયો. એ મહેલ તરફ જતો હતો ત્યાં જ ક્યાંકથી અવાજ આવ્યો.

“હેય, ફ્રેન્ડ મને લાગે છે તું બહુ ભૂખ્યો છે, તારે કઈ ખાવું છે ?”

જલજ તો ડરી ગયો કેમકે કોઈ જ ત્યાં દેખાતું ના હતું.. છતાં હિંમત કરી બોલ્યો “હા ખુબ ભૂખ લાગી છે. પણ તમે કોણ બોલો છો ?”

“હું તારી ડાબી બાજુ રહેલું ઝાડ બોલું છું.. ”

“શું ? ઝાડ ? શા માટે મસ્તી કરો છો ? જે કોઈ ઝાડ પાછળ હોય એ સામે આવી જાય.. આ ઝાડ પરતો ખાલી પાંદડા જ છે અહીંથી શું મને ખાવાનું મળશે ?”

“તને જો સાચે ભૂખ લાગી હોય તો તું માંગીને ચેક કરીલે કે હું તને આપી શકું તેમ છું કે નહિ.. ”

જલજને લાગ્યું તેની કોઈ મસ્તી કરે છે તેથી તેણે વિચાર્યું કે ઝાડ પર ઉગે નહિ એવી જ વસ્તુ માંગું જેથી જે હોય તે પોતે સામે આવી જાય.. અને ભૂખના સમયે તેને હમેશ પોતાના ફેવરીટ ગુલાબજાંબુ જ યાદ આવે.. તેણે તરત કહ્યું “મને ગુલાબજાંબુ જોઈએ એ પણ એક નહિ ચાર. ”

ઝાડ પાસેથી કોઈ જ જવાબ ના આવ્યો પણ ઝાડની એક ડાળી જલજની પાછળથી કોઈ હાથ મૂકતું હોય તેવી રીતે વીંટળાઈ અને બીજી ડાળી આગળ તેના મુખ પાસે આવી જેની પર ગુલાબજાંબુ હતા અને પછી અવાજ આવ્યો “ટેઈક ઇટ માય ફ્રેન્ડ. ”

જલજ તો ગુલાબજાંબુ જોઇને ઉછળી જ પડ્યો અને થોડી જ વારમાં ચારે ગુલાબજાંબુ ચટ કરી ગયો..

“હી,હી,હી, આવી રીતે કઈ ખવાતું હશે ?” અચાનક પાછળથી એક સોફ્ટ અવાજ આવ્યો.

એક ક્યુટ પરી જેવી છોકરી જલજ પર હસી રહી હતી. અને તરત તેની નજીક આવીને કહ્યું, “હાય, માય નેઈમ ઇઝ એન્જેલ, તું અહી કેમ પહોંચ્યો ? તું તો અમારા આ ‘વિલાજ ગ્રહ’નો નથી લાગતો. ”

“હાય, આઈ એમ જલજ, સાચી વાત છે હું પૃથ્વી પરથી આવું છું અને મારો ઘોડો નીન્જા મને અહી ઉડાડીને લાવ્યો છે” તેણે નીન્જા સામે હાથ ધરી તેનો પરિચય કરાવ્યો.

“હેલ્લો” આટલું બોલી નીન્જા પાછો ફરી ઘાસ ખાવાના કામ પર લાગી ગયો તેને જોઇને જ ખ્યાલ આવ્યો કે તેને અત્યારે પેટ પૂજા સિવાય એકેયમાં રસ ના હતો.

“સોરી, એ ભૂખ્યો છે એટલે આવું બિહેવ કરે છે” નીન્જા વતી જલજે માફી માંગી.

“ઇટ્સ ઓકે, પણ લાગે છે તું પણ ભૂખ્યો છે, ચલ ઘરે જઈ કઈ જમીએ અને વાતો કરીએ, આ નીન્જા ત્યાં સુધી પેટપૂજા પણ કરી લેશે, હું ફરી તને અહી મૂકી જઈશ. ”

નીન્જાને અહી જ રહેવાનું સમજાવી જલજ એન્જેલ સાથે ગયો. એન્જેલ એક ડ્રાઈવર વિનાની બગીમાં આવી હતી. તેમાં બેસી માત્ર ‘મહેલ’ એટલું બોલતાં જ બગી સ્પીડથી ભાગવા લાગી. ત્યાં જતા જલજને ખ્યાલ આવ્યો કે આ એજ મહેલ હતો જે તેણે દુરથી જોયો હતો. તે અંદર જતા જ આભો બની ગયો. વિશાળ દરવાજા, મોટી બારીઓ અને દરેક દીવાલો પર બદલતા રહેતા અવનવા પિક્ચર્સ, સીડીની જગ્યાએ ઉપર જવા એસ્કેલેટર, દરેક રૂમમા વચ્ચે આવેલા ફુવારા અને ઘરમાં જ ઉડતાં રંગીન પતંગિયા જેવું કેટલુય અવનવું તેણે જોયું.

એન્જેલ તરત તેને એક વિશાળ ડાયનીંગ ટેબલ પર લઇ ગઈ અને બેસવાનું કહ્યું, જલજ તરત બેસી ગયો, પણ આ શું ? ટેબલ તો ખાલી હતી કઈ જ ના હતું કે જે જલજ ગપાગપ ખાઈ શકે. ઉલટાનું ટેબલ પર ટ્રેનના હોય તેવા પાટા જોઈ તેને નવાઈ લાગી.

“ભોજન આરંભ” તેવું એન્જેલ બોલી અને ત્યાં જ બંનેની ટેબલ પર ચાંદીની મોટી થાળી, પાંચ વાટકા અને એક મોટો ગ્લાસ આવી ગયો ત્યાં જ અચાનક નાના અવાજ સાથે એક તોય ટ્રેન પાટા પર ગોઠવાઈ ગઈ જેમાં એન્જીન પાછળ ચાર મોટા ખાલી વેગન હતા. જલજ તો તે જોઇને કઈ સમજી જ ના શક્યો..

એન્જેલ તેની દુવિધા સમજી ગઈ અને બોલી “જલજ, આ ટ્રેન છે તે આપણે જમીને ઉઠીશું નહિ ત્યાં સુધી અહી જ ફરતી રહેશે અને વારાફરતી તારી અને મારી પાસે આવતી જશે. તું જે વિચારીશ એ તેની પાછળ રહેલા ડબ્બા પર આવી જશે અને જ્યાં સુધી તું એ વાનગી તારી થાળીમાં પીરસી નહિ લે ત્યાં સુધી તે ત્યાં ઊભશે અને પછી ફરી ચાલુ થશે.. ”

“શું ? હું જે વિચારું એ બધું ? મંચુરિયન, નુડલ્સ, પિત્ઝા, સમોસા, બાસુંદી, શ્રીખંડ, કાજુકતરી કઈ પણ ?” જલજની આંખો ઉત્સાહમાં પહોળી થઇ ગઈ..

“હા, હા કઈ પણ” એન્જેલ હસતા હસતા બોલી.

બંને જણા એ ભરપેટ ભોજન કર્યું અને પછી જલજે પૂછ્યું કે “તારા મમ્મી પપ્પા ક્યાં ગયા છે ?”

“તેઓ તો સ્કુલે. ”

“હે, સ્કુલે ? આટલા મોટા થઈને સ્કુલે” જલજ તો આભો બની ગયો અને સ્કુલનું નામ સાંભળી થોડો ઉદાસ પણ.

કૈક સમજ પડી હોય તેમ એન્જેલ બોલી, “ઓહ યસ, મેં વાંચેલું કે તમે લોકો તેને ઓફીસ કહો છો.. અમે તેને સ્કુલ કહીએ છીએ. ”

“ઓકે તો તેઓ ઓફીસ ગયા છે, તો તમે લોકો અહી આ ‘વિલાજ ગ્રહ’માં સ્કૂલને શું કહો છો ?”

“સ્કુલને પણ સ્કુલ જ કહીએ”

“ઓહો, કન્ફયુઝ ના થાવ તમે ? અને તમારે આવડો મોટો મહેલ છે તો પછી તારા મોમ ડેડને ઓફીસ આઈમીન સ્કુલ જવાની શું જરૂર ?”

“ના, જરાય કન્ફયુઝન ના થવાય, સ્કુલ એટલે શું ? જ્યાં આપણે રોજ નવું નવું શીખીએ, કૈક ના આવડે તો મે’મને પૂછીએ, કૈક ખોટું કરીએ, કૈક સાચું કરીએ, પરીક્ષા આપીએ ક્યારેક તેમાં સારું લખી આવીએ ક્યારેક ખોટું લખાઈ જાય, મિત્રો બનાવીએ, સાથે રમીએ જમીએ.. એજ ને ? તો અમે અહી અમારા ગ્રહમાં એમ માનીએ છીએ કે શીખવાની કોઈ ઉમર ના હોય. મમ્મી પપ્પા પણ સ્કુલે જાય તો ત્યાં આવું જ કરે, દરરોજ પોતાના કામમાં કેમ વધુ સારું કામ કરવું એ શીખે, કોઈને કઈ રીતે કામ શીખવવું તેમાં હેલ્પ કરે, મિત્રો બનાવે સાથે ટીફીન શેર કરે, તેઓ પણ આગળ પ્રમોશન માટે પરીક્ષા આપે અને તેઓ પણ આપણી જેમ જ ક્યારેક સાચું લખે તો ક્યારેક ભૂલ કરે.. તો બંને સ્કુલ જ કહેવાય ને ? મારા પપ્પા તો કહે કે આપણું જીવન જ એક સ્કુલ છે.. આપણે દરરોજ નવું નવું શીખતા જ રહેવું જોઈએ. ”

“તો તને સ્કુલ જવાનો કંટાળો ના આવે ?” જલજે થોડી શરમ સાથે પૂછ્યું.

“કંટાળો ? ના યાર, સ્કુલ તો મને બહુ ગમે ત્યાં કેટલું નવું નવું જાણવા મળે એ પણ દરરોજ અને પાછા આપણે મિત્રો પણ મળેને.. કાલે મારી સ્કુલ ચાલુ થાય છે એની તો હું કેટલાય દિવસથી રાહ જોઉં છું”

“હા, એ વાત સાચી આપણે ઘણું શીખવા મળે સ્કુલમાં અને પાછા ફ્રેન્ડસ સાથે રીસેસમાં મસ્તી ટાઈમ તો ખરો જ.. તારી પણ કાલે જ સ્કુલ ચાલુ થાય છે ?” જલજને પણ હવે સ્કુલ જવાનું મન થયું.

“હા, આજે હું ઘણો આરામ કરીશ એટલે કાલે એકદમ ફ્રેશ થઈને સ્કુલ જવાય, મારે થોડી સ્કુલની તૈયારી કરવાની છે તું થોડીવાર ઉપર બેડરૂમમાં આરામ કર પછી નીન્જા પાસે મૂકી આવીશ. ”

ઉપર એસ્કેલેટરથી જવાની જલજને મજા પડી અને પેટ ખુબ ભરેલું હોતાં થોડીજ વારમાં પોઢી ગયો.

થોડીવાર પછી તેને લાગ્યું કે તેના જમણા ગાલ પર કોઈએ વ્હાલું કર્યું, ફરી ડાબા ગાલ પર.. માંડ માંડ આંખો ખોલી જોયું તો સામે મમ્મી હતી અને તેણે ડરતા ડરતા કહ્યું, “ગુડ મોર્નિંગ જલજ, ચલો ઉઠી જાવ, આજે સ્કુલનો પહેલો દિવસ. ”

બે મિનીટતો પોતે ક્યાં છે એ જલજ સમજી જ ના શક્યો પછી ખૂણામાં પડેલો લાકડાનો નીન્જા જોઈ એ સમજી ગયો કે આતો એક સપનું હતું.. પણ તેણે તરત મમ્મીને કહ્યું “ચાલો, જલ્દી જલ્દી તૈયાર કરી દે.. મારે ફર્સ્ટ બેંચ પર બેસવું છે. ”

જલજની મમ્મીને ખુશીનો આંચકો લાગ્યો હતો તેને ક્યાં ખબર હતી કે જલજ આજે સપનામાં એક ખુબ અગત્યનો પાઠ ભણી આવ્યો છે....

***

16 - ગોલુસેના અને જાદુગર કાલીયા

નિશાંત ઠાકર

મંગલપુર નામનુ એક નાનકડુ પણ સુખી ગામ હતુ. ગામ પરાક્રમી ગોલુ અને તેના મિત્રોને કારણે વધારે સુખી હતુ, કારણકે મંગલપુરમાં કોઇ પણ મુશીબત આવે તો ગોલુ અને તેના મિત્રો હમેંશા બહાદુરીથી ગામને બચાવી લેતા હતા. પણ છેલ્લા એક વર્ષથી મંગલપુર બહુ દુઃખી થઇ ગયુ હતુ, કારણકે મંગલપુર માંથી નાના છોકરાઓ ગાયબ થઇ જતા હતા. વળી એક વર્ષથી ગોલુ અને તેના મિત્રો અભ્યાસ કરવા માટે ગુરુદેવ પાસે ગયા હતા. પણ આજે પાછુ આખુ ગામ શણગારેલુ હતુ, કારણકે ગોલુ અને તેના મિત્રો પાછા આજે મંગલપુરમાં આવાના હતા અને આખા મંગલપુર ને આશા હતી કે ગોલુ આપણને આ મુશીબતમાંથી જરુર બચાવશે.

ગોલુ અને તેના મિત્રો જેમાં એક ટીની છે જે બહુ હોશીયાર ને બુધ્ધિશાળી છે. બીજો પેહલવાન છે જે ટીની જેમ બુધ્ધિશાળી નોહતો પણ દર વર્ષે મંગલપુર માટે કુસ્તીનો એવોર્ડ લઇ આવતો હતો અને ત્રીજો હતો છોટુ, જે આ બધા કરતા ઉમરમાં થોડો નાનો હતો માટે બધા તેને છોટુ કેહતા હતા, તે થોડો બીકણ હતો માટે તે જ હમેશા ગોલુ સાથે રેહતો હતો. ગોલુ ના આ ત્રણેય મિત્રો ને મંગલપુરના લોકો ‘ગોલુસેના’ના નામે ઓળખતા હતા. ગોલુસેના મંગલપુરમાં પ્રેવેશયા ને સંરપચ સહિત આખા ગામે ગોલુસેનાનુ ઢોલ-નગારા વગાડી ભવ્ય સ્વાગત કર્યુ. મંદિર પાસેના મેદાન પર ગોલુસેના અને આખા ગામ માટે ભોજન રાખ્યુ હતુ. જમવામાં બત્રીશ પ્રકારની વેરાઇટી હતી. પેહલવાનતો સોથી પેહલા થાળી લઇને જમવા બેસી ગયો. જમણવાર પત્યા પછી ગોલુસેના પાસે સંરપંચ ને થોડાક વડિલો આવ્યા. સંરપચનો ચેહરો જોઇ ગોલુ તરત જ બોલ્યો.

“ કેમ સંરપંચજી તમે ઉદાસ લાગો છો”

સંરપંચ -“ આપણા મંગલપુર પર મુશીબત આવી છે. ”

પહેલવાન - “ શુ થયુ ? “

સંરપંચે આખી વાત કહી,એક કાલીયા કરીને શૈતાન જાદુગર છે, જે નાના છોકરાને પકડીને ગુલામ બનાવે છે.

ગોલુ - “ આ જાદુગર ક્યાં મળ્શે “

સંરપંચ બોલ્યા– “ આપણા ગામ પછી જે ભયંકર જંગલ છે તે જંગલ પુરુ થાય પછી તેનો મહેલ છે, પણ ત્યાં સુધી કોઇ જઇ શકતુ નથી. મંગલપુરના ધણા લોકો તે જંગલમાં ગયા પણ હજી તે પાછા આવ્યા નથી.

ગોલુ બોલ્યો – “ અમે આજે રાત્રે જ જંગલમાં જઇશુ અને મંગલપુરના મારા બધા મિત્રોને બચાવી લઇશુ. ”

પહેલવાન અને ટીની એકસાથે બોલ્યા ‘હા’. છોટુ થોડોક ડરતો હતો જાદુગરનુ નામ સાંભળીને પણ તે કાંઇ બોલ્યો નહિ. તે દિવસની રાત્રે મંગલપુરના લોકોએ ગોલુસેના ને વિદાય આપી ને ગોલુસેના જંગલ તરફ જવા નીકળી પડી.

જંગલએ કાંઇ સામાન્ય જંગલ જેવુ નોહતુ તે અત્યંત બિહામણુ ને ભયંકર જંગલ હતુ. વળી રાતના અંધકારમાં તે વધારે ભયંકર લાગતુ હતુ. આ ચારેય હાથમાં મશાલ રાખીને આગળ વધતા રેહતા હતા. ધણુ-બધુ ચાલ્યા પછી છોટુ બોલ્યો – “ હવે આપણે અહિંયા આરામ કરી લઇએ તો? “. ગોલુએ છોટુના ચેહરા તરફ જોયુ એ બહુ થાકી ગયો હતો. ગોલુ બોલ્યો – “ સારુ, આજે અહિંયા જ આરામ કરી લઇએ “

બીજીબાજુ જાદુગર કાલીયાએ પોતાના જાદુઇ અરીશામાં જોયુ કે ગોલુ અને તેના મિત્રો જંગલમાં આવ્યા છે. તેણે મનમાં વિચાર્યુ આ ચારેય છોકરા મને ખતમ કરવા આવે છે પણ તેની પેહલા જ હું તેને ખતમ કરી નાખીશ. હા હા હા હા હા હા હા……

આ ચારેય જયારથી જંગલમાં પ્રવેશયા છે ત્યારથી એક વુધ્ધ વાંદરો ચોરી છુપીથી આ લોકોનો પીછો કરતો હતો અને અત્યારે તે ઝાડ પર બેઠો-બેઠો આ ચારેય ઉઠે તેની જ રાહ જોતો હતો. સવાર પડતા જ આ લોકો ઉઠ્યા ત્યાં જ કુદકો મારીને તેની સામે ઉભો રહી ગયો. અચાનક આ રીતે વાંદરો જોઇ બધા થોડા ડરી ગયા. આમ પણ આ કાંઇ જેવો તેવો વાંદર્રો નોહતો, તે વધારે પડ્તો કાળો ને માણસની ઉચાઇ કરતા પણ લાંબો હતો, તે પહેલવાન કરતા પણ ઉચો હતો. તે બધા વાંદરાનો મુખીયા હતો. હજી કોઇ કાંઇ બોલે તેની પેહલા જ તે બોલ્યો – “ મારુ નામ જામ્બુન છે, હું વાંદરાનો મુખીયા છુ, તમે કોઇ દિવ્સ જાદુગર સુધી નહિ પોહચી શકો “

પહેલવાન બોલ્યો – “કેમ?”

જામ્બુન – “ કારણકે તમને જાદુગર કાલીયા સુધી પોહચવાનો જ કોઇ ર્શોટ્કટ રસ્તો જ ખબર નથી અને આખા જંગલમાંથી મારા સિવાય કોઇ બીજાને ખબર પણ નથી. અને હુ તમારી મદદ તો જ કરીશ જો તમે મારી મદદ કરશો.

ગોલુ – “અમારે શુ કરવાનુ રેહશે?”

જામ્બુન – “ મારી પાછળ ચાલો “

જામ્બુન પોતાનુ મોટુ શરીર લઇને આગળ ચાલતો હતો ને આ ચારેય તેની પાછળ. થોડીક્વાર ચાલ્યા પછી એક ભેંકાર,જુની ગુફા જેવુ આવ્યુ. જામ્બુન ત્યાં ઉભો રહી ગયો.

જામ્બુન –“ મારી આખી વાનર સેના આ ગુફામાં કેદ છે. પણ આ કોઇ જેવી તેવી ગુફા નથી, આ ખાઉધરી ગુફા છે. જો તમે મારી સેના છોડાવી દેશો તો હુ તમને જાદુગર સુધી પોહચ્વાનો રસ્તો બતાવીશ. આટલુ બોલીને તે ગુફામાં ધુસી ગયો. છોટુ ખાઉધરી ગુફાનુ નામ સાંભળીને ડરી ગયો હતો.

છોટુ - “ અરે ગોલુભાઇ આપણે નથી જવુ. પણ કોઇએ તેનુ સાંભ્યુ નહિ ને જામ્બુની પાછળ ચાલવા લાગ્યા. ધીમે-ધીમે પાછુ અંધારુ થવા લાગ્યુ. આ લોકોએ પોતાની પાછી મશાલ ચાલુ કરી દિધી. થોડુક ચાલ્યા ત્યા તો મોટા અવાજે ગુફા બોલિ “ શુ કરવા માટે અહિયા આવ્યા છો? “ ગુફાને બોલતા જોઇ છોટુ,ગોલુ પાછળ સંતાઇ ગયો. ગોલુને પણ થોડુ આર્શ્નય થયુ કારણ કે તેને કોઇ દિવસ ગુફાને બોલતા જોઇ નોહતી.

જામ્બુન –“ હું મારી વાનરસેના ને છોડાવા માટે આવ્યો છુ”

ગુફા ફરીથી મોટા અવાજે બોલી –“ તારી સેનાને હુ એક જ શરતે છોડીશ. તારે મારી એક પહેલીનો (ઉખાણુ) જવાબ આપવો પડ્શે. અને જો જવાબ ખોટો પડ્શે તો હું તમને બધાને ખાઇ જઇશ. મંજુર ? “

જામ્બુને ગોલુ સામે જોયુને ગોલુએ થોડુક વિચારીને કહ્યુ મંજુર.

ગુફા- “ તો સાંભળો મારી પહેલી “એક નગરમાં ઘણા ચોર,

તે ચોરોનાં મોં કાળા.

પૂંછ પકડી ઘસો તો,

ઝટ થાઈ અજવાળાં”

પહેલી સાંભળીને પહેલવાનને તો કાંઇ ખબર જ ના પડી પણ આ બધા કરતા ટીની સોથી વધારે હોશીયાર હતી. તે તરત જ બોલી મને જવાબ ખબર છે,જવાબ છે “ દિવાશળી”

થોડીકવાર સુધી કાંઇ અવાજ ના આવ્યો. બધા ગુફાના જવાબની રાહ જોતા હતા. ત્યાં પથ્થર તુટતા હોઇ એવો અવાજ આવ્યો ને સામેથી હજારો વાંદરા કુદતા-કુદતા આવતા હતા. ટીનીનો જવાબ સાચો હતો માટે જ ગુફાએ વાંદરાને છોડી મુક્યા હતા. જામ્બુનના ચેહરા પર ખુશી આવી ગઇ.

જામ્બુન ગોલુ સામે જોઇને બોલ્યો – “જાદુગર કાલીયા સુધી પોહચવુ બહુ અધરુ છે પણ તેનો સોથી સહેલો રસ્તો હું તમને બતાવુ. ગુફા પુરી થશે પછી એક નદી આવશે, નદી જે દિશામાં વેહતી હશે તે દિશામાં આગળ ચાલજો, ઉડતા પર્વત ને મોટા ને લાંબા ખેતર પછી જાદુગર કાલીયાનો મહેલ આવ્શે. ગોલુસેના જામ્બુને ભેટીને છુટ્ટી પડી. ધણુ બધુ ચાલ્યા પછી ગુફા પુરી થઇ. આ ચારેયએ થોડે દુર એક નદી જોઇ. નદી કાંઇ વધારે પોહળી કે ઉડી નોહતી. પહેલવાને જેવો પગ નદીમાં મુક્યો ત્યાં એક સોનેરી માછ્લી આવીને બોલિ – “ આ નદીને ઓળગશો(ક્રોશ) ના કરો”

પહેલ્વાન -“ કેમ? “

માછલી _ “ આ નદી શ્રાપિત છે, જો તમે આ નદીને ક્રોશ કરશો તો પછી તમે કોઇ દિવસ આ જંગલમાંથી બહાર નીકળી નહી શકો આટલુ બોલીને માછલી તરત જ ચાલી ગઇ. માછલીની વાત સાંભળીને ગોલુને સમજાઇ ગયુ કે આ જાદુગર કાલીયાની જ ચાલ છે. ગોલુ નદી ક્રોશ કરીને બીજી બાજુ જતો રહયો ને તેની પાછળ પહેલવાન અને ટીની પણ જતા રહયા. પણ છોટુ મછલીની વાત સાંભળી ને બહુ ડરી ગયો હતો માટે તે હજી બીજી બાજુ ઉભો હતો.

ટીની – “અરે છોટુ ચાલ. ”

છોટુ – “ મારે આખી જીદગી આ ભંયકર જંગલમાં નથી કાઢવી. ”

ગોલુ – “ અરે આ જાદુગરની જ ચાલ છે, આપણને ડરાવવા માટે”

છોટુ – “ ના, તમે લોકો જાવ. હું અહિયા જ તમારી રાહ જોઇશ. ”

બધાએ છોટુને બહુ સમજાવ્યો પણ તે બહુ ડરી ગયો હતો. તેને તો જંગલમાં પણ આવાની પણ ઇચ્છા નોહતી પણ ગોલુ જતો હતો માટે તે પણ આવ્યો હતો. ગોલુને ખબર પડી ગઇ હતી કે છોટુ ને હવે સમજાવીને કાંઇ ફાયદો નથી. ગોલુને ઇચ્છાતો નોહતી કે છોટુ ને એકલા મુકવાની પણ અત્યારે કોઇ બીજો રસ્તો નોહતો. એક બાજુ છોટુ હતો ને બીજી બાજુ મંગલપુરના લોકો. છોટુને કિનારે બેસાડી આ ૩ લોકોએ પોતાની સફર આગળ વધારી.

ગોલુસેનાએ ઉડ્તા પહાડો, ઉંધા ઝાડ્વાઓવાળા ખેતરો પસાર કર્યો. વળી આમ પણ રાત થવા લાગી અને આ ત્રયેણ પણ થાકી ગયા હતા માટે એક જગ્યાએ આરામ કરવા રોકાઇ ગયા. આમ પણ હવે વધારે અંતર બાકી નોહતુ રહયુ. જાદુગર કાલિયાનો મહેલ પણ ત્યાંથી દેખાતો હતો. સવારના ઉઠીને ગોલુને જાદુગર કાલિયાનો મેહલ જોઇ ને વિચાર્યુ આ જાદુગરનો આજે છેલ્લો દિવસ હશે, અને મારા ગામના લોકોને છોડાવીશ. તે લોકો થોડુક ચાલ્યા ત્યાં વિચિત્ર પ્રકારના ખેતર ચાલુ થયા. કાળા રંગના ઝાડ હતા ને તેમાં કાંળા રંગના ફુટ પણ હતા. પહેલવાને એક કાળા કલરનુ ફુર્ટ તોડીને ખાધુ.

પહેલ્વાન – “ અરે આ તો ચોક્લેટ છે. અને આ બધા તો ચોકલેટ ના ખેતર છે “

ગોલુ આ સાંભળીને તરત જ પાછળ જોઇને કીધુ કાંઇ ખાતો નહી આ જાદુગરની ચાલ છે”. પણ પહેલવાને તો પેહલેથી ફુટ ખાઈ લીધુ હતુ. તેને ધીમે-ધીમે ચક્કર આવવા લાગ્યા અને તે ગાયબ થઇ ગયો. આ જોઇ ગોલુને ટીની એકસાથે બોલ્યા ‘પહેલ્વાન ,પહેલ્વાન ક્યા છો “

ત્યાં આકાશમાંથી અવાજ આવ્યો “ હા હા હા હા “ એ અવાજ બીજા કોઇનો નહી પણ જાદુગર કાલીયાનો હતો.

જાદુગર કાલીયા – “ હવે તે મારા કબજામાં છે. તમે બને પણ ચાલ્યા જાવ નહિતર તમને બને ને પણ હું આવી રીતે ગુલામ બનાવી દઇશ. ”

ગોલુ એક્દમ ગુસ્સે થઇને બોલ્યો – “કાલિયા આજે તારી જીદગીનો છેલ્લો દિવસ છે. “ પછી તે જાદુગર કાલીયા ના મહેલ તરફ દોડવા લાગ્યો અને ટીની તેની પાછળ દોડવા લાગી. ચોક્લેટના ખેતરો, હાથી જેવડી મોટી દ્દાક્ષના વેલાઓ, પથ્થરના બનેલા પશુ-પક્ષીઓ, રમકડાના બનેલા ઝાડવાનાઓ પસાર કરીને જાદુગરના મહેલ પાસે પોહચયા. એક રમકડાં ના ઝાડ પાસે છુપાઇને તેઓ મહેલ જોવા લાગ્યા.

જાદુગર કાલીયાનો મહેલ બહુ વિચિત્ર હતો. મહેલમાં બધી જગ્યાએ મોટા-મોટા દરવાજા જ હતા. બધા દરવાજે કોઇને કોઇ પ્રાણી ચોકી કરતુ હતુ. એક દરવાજે સિહં ચોકી કરતુ હતુ તો બીજા દરવાજે અજગર. જાદુગર કાલીયાએ પોતાના જાદુથી બધાને ગુલામ બનાવિ દિધા હતા. આવુ જોઇ ટીની થોડી ડરી ગઇ, આમ તો તે ધણી હિમમતવાળી હતી પણ આવુ કોઇ દિવસ તેણે જોયુ નોહતુ

ટીની – “આપણે જાદુગરને કેવી રીતે ખતમ કરીશુ “

ગોલુ – “દરેક જાદુગરની તાકાત તેની છ્ડીમાં હોય છે. ”

ટીની – “ પણ આટલા બધા દરવાજામાં આપણે તેની છડી કેવી રીતે શોધીશુ. ?”

ગોલુ – “ધ્યાનથી જો ટીની. આ બધા દરવાજામાંથી એક સોથી જુનો દરવાજો છે. તેની ચોકી પણ કોઇ નથી કરતુ.

ટીની – “ હ, તો ?”

ગોલુ – “ એજ દરવાજામાં જ જાદુગર રેહતો હશે. પણ આપણે રાહ જોઇશુ રાત પડવાની અને તેના રુમમાં જઇ તેની છ્ડી તોડી નાખીશુ. ”

ગોલુને ટીની રમકડાના ઝાડ પાછળ રાત પડ્વાની રાહ જોતા હતા. મહેલમાં બધી લાઇટ બંધ થઇ ગઇ, માત્ર પેલા જુના દરવાજાની જ લાઈટ બંધ ના થઇ. બધા પ્રાણી ધીમે-ધીમે સુઇ ગયા. ગોલુ ને ટીની અવાજ ના થાઇ તે રીતે તે દરવાજા તરફ ચાલવા લાગ્યા. ગોલુએ ધીમેથી દરવાજો ખોલીને જોયુ કે જાદુગર સુતો હતો ને છ્ડી બાજુના ટેબલ પર પડેલી હતી. આ બને ધીમે –ધીમે છ્ડી પાસે પોહચવા લાગ્યા. જાદુગરના મોટે મોટેથી નશકોરો બોલાવતો હતો. ગોલુએ છ્ડી ઉપાડી ધીમેથી ઉપાડીને તોડી નાખી. ત્યાં અચાનાક જાદુગર ઉભો થયો ને જોર-જોરથી હસવા લાગ્યો હા.. હા…હા.. હા. હા. ગોલુને ટીનીને કાંઇ સમજાતુ નોહતુ કે આ શુ કામ હસે છે?

જાદુગર કાલીયા “ ગોલુ તને શુ લાગે છે કે તુ જ એક હોશીયાર છે? તે જે છડી તોડી નાખી તે ખોટી હતી હા…હા.. હા.. “

પછી જોરથી બરડો પાડીને બોલ્યોઃ – “ટુચકા હાજર થા “

આટલુ જ બોલતા એક ઠીંગુજી માણસ પ્રગટ થયો.

જાદુગર કાલીયા -“ આ બનેને કેદ કરી દે અને બધાને ગુલામને એક રુમમાં ભેગા કર. બધાની વચ્ચે હું આ બનેને મારીશ. બધા ગુલામને ખબર પડવી જોઇ કે જાદુગર કાલીયા ના મહેલમાં આવાની બીજા કોઇ હવે હિમ્મત ના કરે”

એક મોટા હોલમાં બધા કેદીને લઇ આવ્યા. બધા ગુલામના હાથ દોરીથી બાંધેલા હતા. પહેલવાન પણ હાથ બાધીને ઉભો હતો. હોલમાં ટુચકાને તેની પાછળ ગોલુને ટીની ને કેદ કરીને લાવામાં આવ્યા. ગોલુને જોઇ મંગલપુરના લોકો બોલાવા લાગ્યા ગોલુ,ગોલુ,ગોલુ,ગોલુ,ગોલુ…. જાદુગર ગોલુનુ આવી રીતે નામ સાંભળીને ચીડાઇ ગયો શશશશશશશ…. બધા કરતા હુ મહાન છુ. હવે તમે બધા મારી પુજા કરશો. આ ગોલુ તમારો બહુ મોટો હિરો છે ને તેને તમારી નજરની સામે જ મારી નાખીશ. જાદુગરે પોતાની છ્ડી નીકાળીને ગોલુના ગળા પર મુકી. હજી જાદુગર કાંઇ આગળ બોલે તેની પેહલા હોલનો દરવાજો તુટી ગયોને ર્હુપ-ર્હુપ કરતા વાંદરાઓ હાથમાં પથ્થર,માશાલો અને ઝાડના ઠુંઠા લઇને હોલમાં ધુસી ગયા.

જાદુગર કાલીયા – “કોણ છો તમે ? “

ત્યાં વાંદરાના મુખીયા જામ્બુનના ખભા પર છોટુ બેઠો હતો અને તે હોલમાં આવ્યો. મારુ નામ છોટુ છે અને હું ગોલુભાઇને બચાવવા માટે આવ્યો છુ. ”

ગોલુ – “ છોટુ ??!!!“

છોટુ – “ હા, ગોલુભાઇ, હવે હું કોઇનાથી ડરતો નથી. “ ગોલુના ચેહરા પર સ્માઇલ આવી ગઇ. જામ્બુન જોરથી બોલ્યો આ……ક……મ……. ણ…..

બધા વાંદરાઓ હાથમાં રહેલા પથ્થર ને ઝાડ્ના ઠુઠા જાદુગર કાલીયા પર ફેકવા લાગ્યા. આ જોઇ ટુચકો ભાગી ગયો, એક પથ્થર જાદુગરના હાથમાં લાગ્યોને તેના હાથમાંથી છડી પડી ગઇ. આ જોઇ ટીની બોલી – “ છોટુ ઝડપથી આ છડી લઇ લે “ જામ્બુને એક હનુમાન કુદકો લગાવી તરત જ છ્ડી પાસે પોહ્ચી ગયો અને છોટુએ છ્ડી લઇ લીધી.

ગોલુએ જાદુગરની સામે જોઇને બોલ્યો –“ અબ, તેરા ક્યા હોગા કાલીયા…”

છોટુએ છ્ડીના કટકા કરી નાખ્યા. જેવી છડીના કટ્કા થયા બધા ગુલામના હાથ છુટ્ટી ગયા. જાદુગર અચાનક વુધ્દ્દ થઇ ગયો ને હવામાં ઓગળી ગયો. બધા મંગલપુરના લોકો એયયયય અવાજ કરતા નાચવા લાગ્યા. જાદુગર નાશ થતા જ તેની માયાવી વસ્તુ નાશ થવા લાગી. બધા ચોકી કરતા પ્રાણી જંગલ તરફ જવા લાગ્યા અને જંગલ પાછુ નોર્મલ થઇ ગયુ

ગોલુસેના,બધા મંગલપુરના લોકોને છોડાવી મંગલપુરમાં પ્રેવેશી. તેનુ ઢોલ –નગારા વગાડી સ્વાગત કરવામાં આવ્યુ. આખા ગામેને આ ચારેય મિત્રોએ પોતાની જાદુઇ સફરની વાત કરી. ઉડ્તા પહાડૉ,બોલતી ગુફા,રમકડાના ઝાડ્વા,ચોકલેટના ખેતર,સોનેરી માછ્લીની વાત કરી. હિમ્મ્તથી મુશીબતનો સામનો કરો તો કોઇ પન મુશીબત રેહતી નથી અને સાચા મિત્રોનો સાથ કોઇ દિવસ છોડવો ના જોઇએ તે બધી વાત છોટુએ કરી. હવે મંગલપુર પાસે અકે નહી બે હિરો છે. ગોલુ ને છોટુ. માટે મંગલપુર પાછુ સુખી થઇ ગયુ અને હવે તે કોઇ પણ મુશીબતનો સામનો કરવા તૈયાર છે.

***

17 - મોતીની સમજદારી

સોમ્ય જોશી

પાર્કિંગમાંથી કાળી, મોટ્ટી ગાડી આવતી દેખાઇ કે તરત જ ફલેટના બિલ્ડીંગના છેવાડે એક નાનકડી ઓરડી પાસે રમતી આઠ વર્ષની શોના ગભરાઈને ઓરડીમાં ઘૂસી ગઈ. એની પાછળ પાછળ મોતી પણ પૂંછડી પટપટાવતો ઓરડીમાં ઘૂસી ગયો! બારણાની પછવાડે ઊભા ઊભા એ કાળી ગાડીને જોતા શોના જોઈ રહી. 'વઉઉઉઉ.... વઉવઉઉઉઉ.... એના પગ પાસે લપાઈને બેસી ગયેલા મોતીએ ઝીણા ઝીણા અવાજે ભસવાનું ચાલું રાખ્યું. 'શશશશ.... ચૂપ રહે મોતી, નહીં તો તને કાઢી મુકશે આ સાહેબ લોકો... ' થોડા મહિના પહેલા જ શોના એના મા-બાપુ જોડે અહીં ફલેટના આઉટહાઉસમાં રહેવા આવી હતી. માએ ફલેટમાં કેટલાક ઘરોમાં ઘરકામ કરવા જવા માંડ્યુ હતું તો બાપુ તો આખા ફલેટની દેખરેખ રાખવાનું ને સાહેબલોકોની ગાડીઓ સાફ કરવાનું કામ કરતા.

શરૂઆતમાં શોનાને અહીં રહેવાનું જરાય ગમતું ન હતું. અહીં કોઈ એનું દોસ્ત ન હતું. એ પહેલા એ લોકો જ્યાં રહેતા એ જગ્યાએ શોનાના કેટલા બધા મિત્રો હતા! ચુન્નુ, કીકુ, મુન્ની, માલુ, બોની- આ બધા મળીને આખો દિવસ રમ્યા કરતા. બધાના મા-બાપુ કામ પર જતા અને બધા બાળકો હળીમળીને રમતા. એક ટીચર દીદી દરરોજ બપોરે બે કલાક બધા બાળકોને ભણાવવા આવતી. ચબરાક શોનાએ જોતજોતામાં એકડા, કક્કો અને બારાખડી લખતા શીખી લીધેલું. ટીચર દીદી હવે એબીસીડી લખતા પણ શીખવવાની હતી ત્યાં બાપુએ અહીં ફ્લેટમાં ચોકીદારની નોકરી લીધી એટલે એ અને મા-બાપુ અહીં રહેવા આવી ગયા.

પણ અહીં એણે જરાય ગમતું ન હતું. ફ્લેટમાં રહેતા બાળકો એની જોડે બોલતા નહીં. વેકેશન પડ્યું ત્યારે બાળકો દરરોજ સાંજે નીચે રમવા માટે આવતા. બધાની મમ્મીઓ પણ જોડે આવેલી હોય. શોનાને બહુ મન થતું કે એ સૌની જોડે રમવા જાય. એ દૂર ઉભા ઉભા એ લોકોને રમતા જોયા કરતી પણ કોઈ એને રમવા બોલાવતું નહીં. એકવાર એણે ત્યાં જઈને પોતાને રમવા દેવા કહ્યું હતું. ત્યારે પેલા રોમિલની મમ્મીએ એની સામું એવા ડોળા કાઢેલા કે એ ડરી ગયેલી. “તારે અહીં નહીં આવવાનું. જા તારી રૂમમાં” રોમિલની મમ્મીએ ઘાંટો પાડીને એણે કહ્યું હતું અને એ ગભરાઈને દોડતી જઈને ઓરડીમાં ઘૂસી ગયેલી.

એ પછી તો થોડા દિવસો સુધી જ બાળકોના રમવાનો અવાજ આવતો. પછી તો વેકેશન પૂરું થઈ ગયું અને બધા બાળકો સવારમાં સ્કૂલે જવા લાગ્યા. સાંજે પણ કોઈ રમવા ન આવતું. બપોર પછી બધા બાળકો ટયુશનમાં જતા અને ઘરે આવીને લેશન કરતા, ટીવી જોતા અને મોબાઈલમાં ગેમ રમતા. હવે શોના પણ એ તરફ જતી ન હતી. એણે મોતી જોડે દોસ્તી કરી લીધી હતી! મોતી એક નાનું મઝાનું ચમકતા કાળા રંગનું ગલુડિયું હતું. એક દિવસ વહેલી સવારે ઊઠીને એ બ્રશ કરતી હતી ત્યારે એની ઓરડી પાસેની ચોકડીમાં એક ખૂણામાં મોતી લપાઈને બેઠો હતો. એણે બાજુમાં જઈને જોયું તો એના આગલો પગ લોહીલુહાણ હતો. એ દોડીને બાપુને બોલાવી લાવી. બાપુએ આવીને દૂરથી જ એનો ઘા તપાસ્યો. “મોટર કે સ્કૂટર નીચે પગ આવી ગયો લાગે છે. કાંઈક કરવું જોઇશે આનું. ” એમ કહેતા બાપુ સાઈકલ લઈને ક્યાંક ગયા અને થોડીવારમાં જ પાછા આવ્યા. “એનિમલ હેલ્પલાઈનમાં ફોન કર્યો છે. હમણાં ડોક્ટર આવશે. ” મોતીને દૂધ-બિસ્કીટ ખવડાવતી શોનાને બાપુએ કહ્યું.

“એનિમલ હેલ્પલાઈન.... એ શું હોય બાપુ?” શોનાએ પૂછ્યું.

“રસ્તા પર કે કોઈ પણ જગ્યાએ કોઈ પ્રાણી કે પંખી ઘાયલ થયું હોય તો એનિમલ હેલ્પલાઈનમાં ફોન કરો એટલે એમના માણસો આવીને સારવાર કરી જાય. જરૂર હોય તો એમના દવાખાને પણ લઇ જાય. ” બાપુએ કહ્યું. થોડીવારમાં જ એક વાન આવીને બહાર ઉભી રહી. એમાંથી ઉતરેલા બે માણસોમાંથી એકે મોતીને પુચકારીને ઊંચકી લીધું. બીજાએ એના મોં પર એક પાટો વીંટીને એનું મોં બંધ કરી દીધું. પછી એના પગનો ઘા તપાસીને, સાફ કરીને એના પર દવા લગાડીને એને બાપુના હાથમાં આપી દીધો. “ઘા ખાસ ઊંડો નથી. બે ત્રણ દિવસમાં ઠીક થઈ જશે. ”

એ લોકોના ગયા પછી બાપુએ એને ઘરની પાછળ દીવાલ પાસેના ખૂણામાં કોથળો પાથરીને સુવાડ્યું. “બાપુ, આનું નામ શું હશે?” એની મુલાયમ કાળી રૂંવાટીદાર પીઠ પર હળવેકથી હાથ ફેરવતા શોનાએ પૂછ્યું. “અરે તારે તો આની જોડે જાણે દોસ્તી થઈ ગઈ! તને તો હાથ પણ ફેરવવા દે છે!” બાપુએ હેતાળ નજરે એની સમું જોતા કહ્યું. “આ ગલુડિયું છે તે નર જાતિનું છે. એટલે કે આ કૂતરો છે. તને જે ગમે તે નામ રાખ, મારે હવે કામે લાગવું જોઇશે. રમાડવું હોય એટલી વાર રમાડી લે, હમણાં એની મા એને શોધતી શોધતી આવશે. ત્યારે જવા દેજે નહીં તો એ તને બચકું ભરી લેશે!” -બાપુએ સૂચના આપી અને જવા માંડ્યું. શોનાએ ધીમે ધીમે એના માથા પર હાથ ફેરવ્યો તો થોડીવારમાં જ એ ઊંઘી ગયું. શોનાએ ચૂપચાપ એની સામું જોયા કર્યું. એના આખા શરીરે કાળો રંગ હતો. ફક્ત કપાળ પર જ એક નાનું સફેદ ટપકું હતું. “આને તો હું મારી પાસે જ રાખીશ! ક્યાય નહીં જવા નહિ દઉં. મારો દોસ્ત... મારો મોતી!” વહાલથી એની પીઠ પર હાથ ફેરવતા શોના ક્યાંય સુધી એની બાજુમાં જ બેસી રહી.

બે ત્રણ દિવસમાં જ મોતીના પગનો ઘા રૂઝાઈ ગયો. હવે એ પૂંછડી પટપટાવતો આમતેમ દોડ્યા કરતો. શોના આખો દિવસ એની સાથે સાથે ફર્યા કરતી. રખે ને એની મા ક્યાંકથી આવી જાય અને એ એની સાથે ચાલ્યો જાય તો! પણ એની મા આવી નહીં. “તારે મા નથી?” શોનાએ એને બે હાથ વડે ઊંચકીને વહાલ કરતા પૂછ્યું. જવાબમાં જે રીતે મોતીએ એની મોટ્ટી કાળી આંખોથી શોના સામું દયામણી નજરે જોયા કર્યું એનાથી કશું સમજી હોય એમ શોનાએ એને છાતીસરસું ડાબી દીધું. “હવે કોઈ દિવસ નહીં પૂછું હો! તું મારો દોસ્ત છેને, તો હું તને મારી પાસે જ રાખીશ. મારા મા-બાપુ એ તારા ય મા-બાપુ હો! પણ તું એકલો એકલો ક્યાંય આડોઅવળો ન જઈશ હો! નહીં તો ક્યાંક ખોવાઈ જઈશ!”

આખો દિવસ એ મોતી જોડે રમ્યા કરતી. જો કે, મોતી વારે વારે થોડીવાર માટે સુઈ જતો. પણ ઉઠે એટલે ફરી પાછી બંનેની રમત ચાલ્યા કરતી. મોતી એનું કહેવું થોડું થોડું સમજવા લાગ્યો હતો. શોના એના હાથમાંથી નાનકડો દડો થોડે દૂર ફેંકે અને મોતી દોડીને એ મોમાં પકડીને લઇ આવે. સાંજે બાપુ કામ પરથી આવે એટલે શોના મોતીને ઊંચકીને ઘરમાં ઘૂસી જતી. મા રસોઈ કરતી હોય ત્યાં એની પડખે ગોઠવાઈને બાપ દીકરી આખા દિવસ દરમિયાન મોતીએ કરેલા પરાક્રમની વાતો કરતા. મા એમની વાતો સાંભળતા સાંભળતા રસોઈ કરતી. “આજે મોતી બે પગ પર આટલુંઉંઉંઉં..... બધું ચાલ્યો!” શોના બે હાથ પહોળા કરીને કહેતી. ક્યારેક મોતીની દડો લઇ આવવાની ઝડપ વિષે તો ક્યારેક માએ નવરાવ્યા બાદ એની કાળી સુંવાળી ચામડી પરથી કઈ રીતે એણે પાણી ઉડાડ્યું એ વિષે વાતો શોનાની વાતો ચાલ્યા કરતી.

ચોમાસું બેસવાને થોડાક જ દિવસોની વાર હતી. ફ્લેટમાં એક તરફ મસમોટો ભોંયટાંકો બનાવવામાં આવેલો. એક બે વાર વરસાદ થઈ જાય પછી ફ્લેટની અગાસીમાં પડતું વરસાદનું પાણી, પાઈપ વાટે ટાંકામાં ઉતારવામાં આવતું. આખું વરસ એ પાણી પીવાના કામમાં વાપરી શકાય એ માટે સાચવી રાખતું. ટાંકો ભરાઈ રહે તે પછી વરસાદનું પાણી બોરમાં ઉતારવામાં આવતું, જેથી આખું વર્ષ બોરમાં પાણી આવ્યા કરે. ઉનાળામાં પણ ફ્લેટના લોકોને પીવા કે વાપરવાના પાણીની તકલીફ ન પડે. “રાજુ.... ” પેલી મોટ્ટી કાળી ગાડીવાળા સાહેબે એક દિવસ સવારમાં જતી વેળાએ ગાડી રોકીને શોનાના બાપુને હાંક મારી. “આજકાલમાં વરસાદ થવો જોઈએ. આજે ને આજે તાત્કાલિક માણસોને બોલાવીને નીચેનો ટાંકો સાફ કરાવી નાખો!” એટલું કહી રહે ત્યાં ઓરડીમાંથી બહાર આવીને મોતીએ ગાડી સામું જોઇને બેફામ ભસવા માંડ્યું હતું. “આ કૂતરું ક્યાંથી આવ્યું છે અહીં.... એ બધે ગંદકી કરશે. જ્યાંથી લાવ્યા હોય ત્યાં મૂકી આવજો એને. નહીં તો તમને લોકોને પણ અહીં રહેવા નહીં મળે.... પાણીના ટાંકાનું કામ ભૂલાય નહીં.... ” શોનાનાં બાપુને સૂચના આપીને સાહેબે ગાડી મારી મૂકી. એમનો અવાજ સાંભળીને શોનાની માં પણ ઓરડીની બહાર દોડી આવેલી.

“સાહેબે શું કહ્યું?” એણે શોનાના બાપુને પૂછ્યું. “કંઈ નહીં. તમે લોકો ઘરમાં જાઓ” કહીને શોનાના બાપુ સાઈકલ લઈને બહાર નીકળી ગયા. “મા... આ કાળી ગાડીવાળા સાહેબ છે ને, તે બહુ જ ગંદા છે. આપણા મોતીનો પગ તેમણે જ ગાડી નીચે કચરી નાખેલો. તે દિવસે બાપુના દોસ્ત બહાદૂરકાકા આવેલા ને, તેમણે પોતાની સગી આંખે જોયું હતું. ” બહાદૂર થોડે દૂર બીજા ફ્લેટમાં ચોકીદારની નોકરી કરતો હતો. “હશે બેટા, આપણે કોઈનું નામ ન લેવાય. ચાલ અંદર.. માએ એને વધુ બોલતા અટકાવી. કાળી ગાડીવાળા સાહેબે જ અહીં નોકરી આપી હતી. પોતે પણ એમના ઘરનું કામ કરતી હતી. એમનો દીકરો રોમિલ શોના જેવડો જ હતો.

સાંજ સુધીમાં શોનાના બાપુએ બોલાવેલા માણસો આવીને ટાંકાની સાફસફાઈ કરી ગયા. ટાંકાને હવે સૂકાવા દેવાનો હતો. એના પરનું લોખંડનું વજનદાર ઢાંકણું પણ સાફ કરીને દીવાલને અડીને એક તરફ મૂકવામાં આવેલું. બીજે દિવસે સવારે તો એ ઢાંકણ ઢાંકી દેવાનું હતું. બીજે દિવસે રવિવાર હતો. ફ્લેટના બાળકો રવિવારે સવારે થોડીવાર માટે નીચે રમવા માટે ઉતરતા. એ દિવસે બધાએ છૂપાછૂપી રમવાનું નકી કર્યું. થોડીવાર રમ્યા પછી બધા પાછા ઘરે ભાગ્યા. કોઈને ટીવી પર કાર્ટૂન જોવું હતું તો કોઈને ગેમ રમવી હતી. એક રોમિલ જ પાછો નહોતો ફર્યો!

શોનાને આજે જરા તાવ જેવું લાગતું હતું. પથારીમાંથી ઉઠવાનું મન થતું ન હતું. મોતી પણ એની બાજુમાં જ આગલા પગ પર માથું ઢાળીને બેસી રહેલો. મા એના કટોરામાં રોટલીના ટુકડા નાખીને કામ પર ગયેલી. એ પણ એણે ખાધા ન હતા. શોનાના બાપુ પણ કોઈ કામસર બહાર ગયેલા. થોડીવાર પછી એ ઉભો થઈને દરવાજાની બહાર ગયો. સુસ્ત આંખે શોનાએ એ તરફ જોયું. હવે આ રીતે એ એકલો ઘણીવાર બહાર જતો અને થોડીવારમાં જ પાછો આવી જતો. શોનાએ બહુ દરકાર ન કરી. તાવ વધતો જતો હતો. એણે આંખો મીંચી લીધી. કેટલી વાર થઈ હશે, કોને ખબર. એને ઊંઘ આવી ગયેલી. અચાનક બહારથી મોતીના ભસવાનો અવાજ આવ્યો. પહેલા ધીરે ધીરે અને પછી જોરજોરથી. “મોતીઈઈઈઈઈ...... ” એણે જોરથી બૂમ પાડવા કોશિશ કરી પણ ગળામાંથી જાણે કે અવાજ જ નહોતો નીકળતો. એ ધીરે ધીરે ઉભી થઈને બહાર આવી. એણે બહાર આવીને જે જોયું એનાથી એ એકદમ ડરી ગઈ! પેલી કાળી ગાડીવાળા સાહેબ ફ્લેટના પાર્કીંગમાં ગાડી મૂકીને ગાડીમાં જ બેસી રહેલા અને મોતી એમની સામું જોઇને લગાતાર ભસતો હતો. શોનાએ દોડીને મોતીને તેડી લીધો. “આ નાલાયક કૂતરો અહીં ન જોઈએ... મેં પહેલા જ કહ્યું હતું ને... કેમ હજુ આને રાખ્યો છે? લઇ જા એણે અહીં થી દૂર. જ્યાં મૂકવો હોય ત્યાં મૂકી આવજો. નહીં તો કોર્પોરેશનમાં ફોન કરીને કૂતરા પકડવાની ગાડી બોલાવીને આને હું જ કાઢી મૂકીશ.... ” મોટે મોટે અવાજે બોલતા તેમણે લીફ્ટ તરફ ચાલવા માંડ્યું. શોના મોતીને લઈને ઓરડી તરફ ચાલવા માંડી, પણ મોતી તો એના હાથમાંથી છટકીને લીફ્ટ તરફ ભાગ્યો! શોના દોડીને એની પાછળ ભાગી ત્યાં સુધીમાં લીફ્ટ ઉપર તરફ સરકી ગયેલી. મોતીએ ઘડીવાર લીફ્ટના બંધ દરવાજા સમું જોઇને ભયે રાખ્યું. પછી એકદમ એણે પગથીયા ભણી દોટ મૂકી. ચાર પગ કૂદાવતા કૂદાવતા એ જોતજોતામાં છ માળ ચડી ગયો!

રોમિલના પપ્પા લીફ્ટમાંથી બહાર નીકળ્યા કે મોતી એમની સામે જ ઉભો હતો. “આ નાલાયક અહીં છેક આવી ગયો! ચોકીદાર.... ક્યાં છે? બરાડતા એમે પોતાના મોબાઈલ ફોનમાંથી એક નંબર શોધીને જોડવા માંડ્યો. રોમિલની મમ્મી એટલીવારમાં દરવાજે આવી ગયેલી. “શું થયું?” એણે પણ ઘાંટા પાડીને પૂછ્યું. મોતીના ભસવાના સતત અવાજથી કશું સંભળાતું ન હતું. હવે મોતી રોમિલની મમ્મી સામું જોઇને ભસતો હતો. “આ કૂતરો નહીં રહે હવે અહીં. હું જ એનો નિકાલ કરી નાખીશ... ” મોટેમોટેથી બરાડા પાડતા એ ફરી લીફ્ટમાં ઘૂસ્યા. લીફ્ટ બંધ થઈને નીચે સરકી ગઈ. મોતીએ અચાનક રોમિલની મમ્મીનો ડ્રેસ પકડીને ખેંચવા માંડ્યો. કશું સમજ્યા વિના એ મોતીની સાથે ખેંચાયા. લીફ્ટ પાસે જઈને મોતીએ લીફ્ટનાં દરવાજા પર એક પગ ઉંચો કરીને ઠપકારવા માંડ્યો. રોમિલની મમ્મીએ બટન દબાવ્યું. લીફ્ટ આવી અને ઓટોમેટીક દરવાજા ખૂલ્યાં કે તરત જ મોતીએ અંદર ઘૂસીને આગલા બે પગ પછાડવા માંડ્યા. રોમિલની મમ્મીને થયું કે લાવ, આ જ સારો લાગ છે કે મોતીને લીફ્ટમાં પૂરીને પોતે છટકી જાય! પણ મોતીની સામું એક ક્ષણ માટે જોયું કે એમનો વિચાર બદલાઈ ગયો. પળવારમાં લીફ્ટ બંનેને લઈને તળિયે સરકી.

લીફ્ટના દરવાજા ખૂલ્યાં કે તરત મોતીએ રોમિલની મમ્મીનો ડ્રેસ ખેંચવા માંડ્યો. એ ગભરાઈ જઈને એની પાછળ ચાલવા લાગ્યા. એક તરફ ઉભા રહીને ફોન પર વાતો કરતા રોમિલના પપ્પા પણ આ દ્રશ્ય જોઇને ગભરાઈને “હે... ય, હે... ય, હટ... ભાગ...... ” કરતા જોડે જોડે ચાલવા લાગ્યા. પળવારમાં પેલા ટાંકા પાસે આવીને મોતીએ રોમિલની મમ્મીનો ડ્રેસ છોડી દીધો અને ખુલ્લા ટાંકાની ફરતે ચક્કર લગાવવા માંડ્યા. રોમિલની મમ્મીને હવે પેટમાં ફાળ પડી. એણે નીચે બેસીને ટાંકામાં ઝૂકીને જોયું તો એના મોમાંથી ચીસ નીકળી ગઈ. “રોઓઓઓમિલલલલ....... ” રોમિલના પપ્પાએ પણ નીચે વળીને જોયું તો રોમિલ ઉંધે માથે બેભાન પડેલો દેખાયો! બીજા લોકો પણ આસપાસ જમા થઈ ગયેલા. તાત્કાલિક ટાંકામાં સીડી ઉતારીને રોમિલના પપ્પા મહામહેનતે નીચે ઉતર્યા. રોમિલને ખભે નાખીને બહાર લાવવામાં આવ્યો. એટલીવારમાં એમ્બ્યુલન્સ પણ આવી ગઈ. કોઈએ ૧૦૮ નંબર પર ફોન કરી દીધેલો. રોમિલનો દોસ્ત હની પણ આવી ગયો. રોમિલની હાલત જોઇને એ બોલી ઉઠ્યો કે ઉઘાડા ટાંકા પર ચોકીદારે ખાટલો ઊંધો મૂકેલો અને બાળકોને એ તરફ ન જવા માટે સાવચેત કરેલા. પણ રોમિલ ન જાણે કેમ એ તરફ ગયો અને અંદર પડી ગયો!

રોમિલને તાત્કાલિક સારવાર મળી ગઈ તો થોડા જ દિવસોમાં એ ફરી પાછો સ્કૂલે પણ જતો થઈ ગયો! હવે રોમિલના પપ્પા મોતી સામું જોઇને ગુસ્સે થતા નથી. ઉલટું મોતી એમની સામું જોઇને બે પગે ઉભો રહીને સલામ કરે છે. રોમિલના પપ્પા રોજ એના માટે ખાસ પ્રકારના બિસ્કીટ લાવે છે! આખરે મોતીની સમજદારીથી જ એમના દીકરાનો જીવ બચ્યો હતો ને! શોના માટે પણ એમણે નજીકની સ્કૂલમાં ભણવા જવાની સગવડ કરી આપી છે. શોના પણ હવે ભણવા જાય છે. અને ઘરે આવીને હોમવર્ક કર્યા બાદ એ મોતી જોડે રમે છે. રોમિલ અને એના દોસ્તો પણ જ્યારે નીચે રમવા આવે ત્યારે શોના અને મોતીને રમવા માટે બોલાવે છે!

***

18 - મીની મ્યાઉ

સેજલ પોંદા

મીની ચાલતા ચાલતા જંગલ સુધી પહોચી ગઈ હતી. જયારે એનું મન ઉદાસ થાય કે દસ વર્ષની મીની દૂર ચાલી જતી. ફ્રોકના ખિસ્સામાં બોર અને આમલી તો હોય જ. સ્કુલે જતી વખતે માંએ આપેલી ભાખરીનો ડબ્બો પણ હતો મીની પાસે. જંગલમાં બહુ અંદર સુધી જવું મીનીને સુરક્ષિત ના લાગ્યું એટલે જંગલની શરૂઆત થાય પછી સો ડગલા ગણીને મીની એક મોટા ઝાડ નીચે બેસી ગઈ. હાથમાં રહેલી લાકડી બાજુ પર મૂકી એ વિશાળ ઝાડને જોવા લાગી. એને યાદ આવ્યું સ્કુલની ચોપડીમાં આવા જ મોટા વડ નામના ઝાડની વાર્તા હતી. મીનીને થોડીક બીક લાગી. કારણકે એ વાર્તામાં વડના ઝાડની આસપાસ એક મોટા યોગી બાવા બેસતા હતા. જે કોઈ ખોટું બોલે એને પકડી પડતા અને સજા આપતા. મીની આજે ખોટું બોલી હતી. સ્કુલે જાઉં છું એમ કહી એકલી નીકળી ગઈ હતી. મીનીએ આજુબાજુ જોયું. કોઈ જ નહોતું. એને થોડી રાહત થઈ. ભાખરીનો ડબ્બો ખોલી ખાવા લાગી અને ત્યાં જ અવાજ આવ્યો... મ્યાઉ. મીની ડરી ગઈ. પાછળ જોયું તો ચકળ વકળ માંજરી આંખોવાળી એક સફેદ બિલાડી મીનીને જોઈ રહી હતી.

મીનીએ ભાખરીનો એક ટુકડો બિલાડી તરફ મુક્યો. બિલાડી ચપ ચપ ખાઈ ગઈ. ફરી બંનેની આંખો મળી. મીનીને લાગ્યું જાણે સફેદ બિલાડી એની સામે હસી રહી છે. મીનીએ આંખ ચોળી. ડબ્બો બંધ કરી. સ્કુલના દફતરમાં નાખી ઉભી થઇ ગઈ તો પાછળથી અવાજ આવ્યો. થેંક યુ મીની. મીની પાછળ ફરી તો બિલાડી હસી રહી હતી. પોતાનો એક પગ ઉંચો કરી બોલી...’હાય મારું નામ કલમ છે.’ મીની ડરીને ચાલવા લગતી તો કલમ બોલી ‘ડર નહિ હું તને કઈ નહિ કરું. ના હું કોઈ ભૂત છું.’ મીની ઉભી રહી અને બોલી : ‘બિલાડી કોઈ દિવસ બોલે ખરી?’ બિલાડી હસતા હસતા બોલી: ‘બિલાડી ના બોલે પણ કલમ બોલી શકે.’ મીની કઈ સમજી નહિ તો કલમ હસતા હસતા બોલી ‘તું બહુ ભોળી છે.’

‘તો એમાં નવું શું છે? મારી મમ્મી પણ એમ જ કે છે.’ મીની મોઢું ચઢાવી બોલી.

‘તને ખબર છે મને આ પહાડો, જંગલ, ફૂલ, નદી આ ગ્રીનરી બહુ જ ગમે છે.’ કલમ બોલી

‘હાઈલા તને તો મારા જ રસનું બધું ગમે છે.’ મીની એકદમ ખુશ થઇ બોલી.

હવે મીનીને કલમની વાતમાં રસ પડવા લાગ્યો. બંનેએ સાથે મળી ભાખરી, બોર, આંબલી ખાધા. એકબીજાની પસંદગીની, અલક મલકની વાતો કરી. અને અચાનક મીનીએ ગુસ્સામાં ભાખરીનો ડબ્બો ફેંક્યો અને બોલી : ‘નથી ગમતું મને ભણવું. આખો દિવસ ભણ ભણ કરીને મારું માથું ખવાઈ જાય છે. કઈ મગજમાં નથી ઘરતું. એમાય ગણિત તો જરા પણ નહિ. ગણિતના અંક જોઈ મને ચક્કર આવે છે. જો અત્યારે નામથી જ ચક્કર આવવા લાગ્યા. મારી ખાસ મિત્ર ટીના પણ મને આખો દિવસ ભણવાની સલાહ આપે છે. એટલે હવે ટીના પણ મને નથી ગમતી.’ મીનીએ છણકો કર્યો.

કલમ માથું ખંજવાળતા બોલી : ‘હમમમ મામલો ગંભીર છે. તારી અને મારી લાઈફ સ્ટોરી એક સરખી જ છે. બટ ડોન્ટ વરી આય એમ વિથ યુ.’

‘તને તો સારું અંગ્રેજી આવડે છે. ક્યાંથી શીખી?’ મીનીએ પૂછ્યું.

‘સંજોગો ભલભલાને ના આવડતુંય શીખવાડી દે છે માય ડાર્લિંગ મીની.’ કલમ થોડી એક્ટિંગ કરતા બોલી. ‘હું ભણી નહિ એનું પરિણામ હું આજે ભોગવી રહી છું. મારી શેઠાણીએ બહુ પ્રેમથી મારું નામ કલમ રાખ્યું હતું. ટ્યુશનના બીજા બાળકો જોડે મનેય ભણાવતા, પણ મારું મન લાગતું નહિ એટલે હું સરકી જતી. જેનું પરિણામ એ આવ્યું કે એક દિવસ શાકવાળા પાસે વીસ રૂપિયાનું શાક લીધા પછી મેં એને સો રૂપિયાની નોટ આપી, પણ બાકીના એંસી રૂપિયા લીધા વગર જ આવી ગઈ. એ દિવસે બહુ વઢ પડી. એ પછી આવા કેટલાય નુકસાન કર્યા. દુકાનના.. ઘરના પાટિયા વાંચતા ના આવડે. એટલે ગમે ત્યાં જઈ ચઢતી. છેવટે મને શેઠાણીએ કાઢી મૂકી.’

મીની કલમની વાત બહું ધ્યાનથી સાંભળી રહી હતી. ના ભણવાને કારણે પોતાના જીવનમાં કેટકેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો એની લાંબી વાત કલમે કરી. મીનીએ એને અઢળક પ્રશ્નો પૂછી નાખ્યા. વાતોનો દોર એવો ચાલુ રહ્યો કે બંને ખાસ બેનપણી બની ગઈ. કલમની ભણવાની વાત મીનીને થોડી થોડી પચવા લાગી.

કલમ ખોખરો ખાતા બોલી : ‘જો મીની. તું ઇચ્છતી હોય કે તારા સપના પુરા થાય તો એના માટે ભણતરની જરૂર પડે. તને ફરવાનો બહુ શોખ છે. તો એના માટે પૈસા જોઈએ. ભણતર વગર તું સારા પૈસા નહિ કમાઈ શકે. મજુરી કરશે તો એમાં માંડ તારું ગુજરાન ચાલશે. અને બહાર નીકળીએ તો છેતરનારા લોકોની સંખ્યા વધુ હોય. ભણતરથી જ્ઞાન આવે. આપણે સ્માર્ટ બનીએ. લોકો ફાયદો ના ઉપાડે. અને ફ્રેન્કલી સ્પીકિંગ એસ અ ગર્લ તારે તો ભણવું જ જોઈએ. હું અત્યારે સ્કુલના ક્લાસની બહાર છુપકેથી ઉભી રહી બધું શીખી રહું છું. મારે કોઈ ઉપર ડીપેન્ડ નથી થવું. મારું ભવિષ્ય હું બનાવીશ. મારા સપના હું પુરા કરીશ.’

મીની હવે કલમથી એકદમ ઈમ્પ્રેસ્સ થઇ ગઈ હતી. એને કલમને છેલો પ્રશ્ન પૂછ્યો. : ‘શું હું પણ મારું ભવિષ્ય ઘડી શકું છું?’

પોતાનો જમણો પગ ઉંચો કરતા કલમ બોલી : ‘તારા હાથમાં કલમ આવશે એટલે તું જાતે તારું ભવિષ્ય ઘડી શકીશ. કલમની તાકાત એને હાથમાં પકડ્યા પછી જ સમજાશે.’

મીનીએ કલમને હાથમાં ઉચકી લીધી અને બોલી : ‘હા સાચે જ કલમને હાથમાં ઉચક્યાં પછી જ સમજાય છે કે તારામાં કેટલી તાકાત છે.’

‘અરે મારી ભોળી મીની. હું મારી નહિ... કલમ એટલે કે પેનની વાત કરું છું.’ કલમ હસતા હસતા બોલી. અને બંને જોર જોરથી હસવા લાગ્યા. કલમે મીનીને એક વાત કાનમાં કહી અને મીનીએ એને પ્રોમિસ આપ્યું.

કલમને આવજો કરી મીની હરખાતી હરખાતી રસ્તા તરફ ચાલવા લાગી. મનમાં વિચારતી રહી કે માં-બાપુ, ટીના, સ્કુલના શિક્ષક સાચું જ કહેતા હતા કે ભણતર જીવન બદલી નાખે છે. મીનીએ મનોમન નક્કી કર્યું કે હવે થી રોજ સ્કુલમાં જશે. ટીના પાસે બેસી ગણિત સમજશે. માં-બાપુ પાસે ગણિતના ઘડિયા બોલશે. રોજ પાઠ વાંચશે. સારા અક્ષરે લખશે. સ્કુલનું વર્ગકામ કરશે. અને સૌથી મહત્ત્વની વાત એટલે કલમ નામની સફેદ બોલતી બિલાડી એને જંગલમાં મળી હતી એ વાત કોઈને કહશે નહિ.

મીની ઘરે જઈ સૌથી પહેલા માને વળગી પડી. માં મીનીને રોજ સમજાવતી કે પોતે ભણી નહિ એટલે ખેતરમાં મજુરી કરવી પડે છે. આ વાત હવે મીનીને બરાબર સમજાઈ ગઈ હતી. મીની માં પાસે આવીને બોલી : ‘માં હવે થી હું રોજ સ્કુલે જઈશ. ખુબ બધું ભણીશ. મોટા થયા પછી તારા માટે મોટું ઘર લઈશ. તને અને બાપુને બધે ફરવા લઇ જઈશ. અને ગરીબ લોકોની સેવા કરીશ.’

મીનીની માંને દીકરીની વાતથી બહુ આશ્ચર્ય થયું. મીનીમાં આવેલા અચાનક બદલાવ વિષે પૂછ્યું તો મીની એટલું જ બોલી કે : ‘માં મને કલમની તાકાત સમજાઈ ગઈ છે.’

***

19 - રીન્કી અને પાટલપત્રધામ

શ્રદ્ધા ભટ્ટ

ટન.. ટન.. ટન... ટન... સ્કૂલની ઘંટી વાગી અને રીન્કી પોતાનું બેગ એક ખભે ભરાવીને ભાગી. ઉતાવળમાં એક ચેઈન ખુલ્લી રહી ગઈ હશે તો એમાંથી એનો બાર્બીનો કમ્પાસ નીચે પડી ગયો. પણ રીન્કીને તો એની ક્યાં પડી હતી. ‘બાય રીન્કી... બાય રીન્કી’ સામે મળેલા સપના અને ગૌરવે એને કહ્યું. રીન્કીને એ સાંભળવાની પણ દરકાર નહોતી. એ તો ક્યારની પોતાના ઘેર જવા ઉતાવળી થઇ હતી. મમ્મીએ ટુર પર ગયેલા એના ‘પપ્પુ’ને કહી દેવાની વાત ન કરી હોત તો એ આજે સ્કુલ પણ ન આવત. સ્કૂલબસમાં પણ લક્ષ્મીબેને એને કંટાળીને કીધું,’છોકરી,કેટલી વાર પૂછીશ? હમણાં ઘર આવી જશે હો! બહુ ઉતાવળ છે આજે તો ઘેર જવાની?’ ‘તે હોય જ ને! આજે તો બહુ ખાસ દિવસ છે.’ રીન્કી મનમાં જ બોલી. આખરે ઘર આવ્યું. એ લગભગ કૂદીને બસમાંથી બહાર નીકળી. સ્કૂલબેગનો કર્યો ઘા, શુઝ તો જાણે ઘરનાં ક્યાં ખૂણાની સફરે નીકળ્યા એ ભગવાન જ કહી શકે! ‘મમ્મી, હું ગાર્ડનમાં જઉં છું.’ કહેતી એ ઘરની પાછળ આવેલા નાના એવા બગીચામાં ગઈ. પાછળથી મમ્મીની બુમો સાંભળી ન સાંભળી કરી એ જલ્દીથી પોતે વાવેલા ગુલાબનાં છોડ પાસે ગઈ. એની આંખોમાં ચમક અને મોઢા પર વેંત એકનું હાસ્ય રમી રહ્યું. સરસ મજાનું પિંક કલરનું ગુલાબ ખીલ્યું હતું. કેટલા દિવસથી એણે રાહ જોઈ હતી આની!! બહુ જ સાવચેતીથી એણે એ ફૂલને હાથ અડાડ્યો. પણ આ શું?

અચાનક જ ફૂલની બધી પાંદડીઓ એક પછી એક કરીને ખૂલવા માંડી. થોડી વારમાં તો એ ફૂલ મટીને એક નાના એવા કપમાં બદલાઈ ગયું. એ કપની ચારે બાજુ ગુલાબની પાંદડીઓ લાગેલી હતી. રીન્કી તો આંખો ફાડીને જોઈ જ રહી.’રીન્કી, બેસી જા અંદર. તને હું એક અનોખી દુનિયાની સફરે લઇ જાઉં.’ એ અવાજમાં એવો જાદુ હતો કે રીન્કી એને અનુસરવા મજબૂર થઇ ગઈ. ગુલાબની ડાળખી થોડી નીચી નમી અને રીન્કી આરામથી એ કપમાં બેસી ગઈ. તરત જ જેવી રીતે ગુલાબ ખુલ્યું હતું એવી જ રીતે એક પછી એક પાંદડીઓ બંધ થવા માંડી. રીન્કી ગભરાઈ ગઈ. એ કંઈ બોલવા જતી હતી ત્યાં તો પોતે જાણે એક મોટી સ્લાઈડમાંથી નીચે ઉતરતી હોય એવું એને લાગ્યું. ડરના માર્યા એણે તો આંખ જ બંધ કરી દીધી. પેટમાં અજીબ ગડગડાહટ થતી હતી. રીન્કીને થયું હવે આ રાઈડ બંધ થાય તો સારું. ઘણી વાર સુધી રીન્કીની આ ટકરાતી, અફળાતી, ઉછાળા મારતી સફર ચાલ્યા કરી. અને પછી એ જોરથી હવામાં ઉછળીને નીચે પડી. જોકે એ જ્યાં પડી હતી ત્યાં બધે જ ગુલાબની પાંદડીઓનો ઢગ બનેલો હતો એટલે એને જરાય વાગ્યું નહિ. રીન્કીએ સુતાં સુતાં જ આજુ બાજુ નજર ફેરવી. એની ચારે તરફ ફક્ત રોઝ જ રોઝ હતા. રેડ,યલ્લો,પિંક,વ્હાઈટ,પર્પલ,ઓરેન્જ,બ્લુ... બસ એ તો આટલા જ કલર ઓળખતી હતી. એ સિવાય પણ ઘણા બધાં કલરના રોઝ એની આસપાસ ઉગેલા હતા. એ બધામાંથી એક સરસ મજાની સુગંધ આવતી હતી જે એક જાદુઈ અસર ઉભી કરતી હતી.

રીન્કી ઉભી થઈને ચાલવા લાગી. નવાઈની વાત એ હતી કે આખા રસ્તે રોઝ પથરાયેલા હતા તો પણ એના પગથી એ કચરાતા નહોતાં. જેમ જેમ રીન્કી આગળ વધતી એમ એમ એના માટે રસ્તો થતો જતો હતો. રીન્કી તો જાણે કોઈ જાદુઈ નગરીમાં આવી ગઈ હોય એમ અચરજથી બધું જોઈ રહી હતી. મોટા મોટા વૃક્ષો પર કોઈ અજીબ જ પ્રકારના ફળો લાગેલા હતા. થોડે દૂર એક તળાવ જેવું દેખાતું હતું. રીન્કીને થયું ત્યાં જઈને પાણી પીવું જોઈએ. એ જલ્દીથી એની પાસે પહોચી ગઈ. પણ પાણી પીવું કઈ રીતે? એને તો હમેશા ગ્લાસમાં જ પાણી પીવાની આદત હતી. હવે? તરસ પણ લાગી હતી. શું કરવું એ વિચારતી એ ત્યાં જ બેસી ગઈ.

“પાણી પીવું છે?” કોઈકનો અવાજ સંભળાયો. રીન્કીએ આમતેમ જોયું. કોઈ જ દેખાયું નહિ. ત્યાં તો એની બાજુમાં પડેલી ગુલાબની પાંદડીઓમાંથી ગ્લાસ બની ગયો. રીન્કીએ એ ઉપાડીને તળાવમાંથી પાણી પીધું. “ભૂખ પણ લાગી હશે ને?” ફરી એ જ અવાજ!

“હા, પણ કોણ બોલે છે? મને તો અહિયાં કોઈ જ દેખાતું નથી. ” રીન્કીએ સામે પ્રશ્ન કર્યો.

“હું તો અહિયાં જ છું. પાછળ જો. ”

રીન્કી એ પાછળ જોયું અને ડરની મારી એ બે ડગલાં આઘી ખસી ગઈ. એની સામે કોઈક વિચિત્ર પ્રાણી ઉભું હતું. એનું મોઢું વાનર જેવું હતું પણ એના હાથ ક્યાંય દેખાતા નહોતાં. હાથ હતા જ નહિ, એની જગ્યાએ ઘણા બધાં પીછા લાગેલા હતા. પગ પણ મોટા નહોરવાળા પક્ષીને હોય એવા હતા.

“તમે કોણ છો?” રીન્કીએ ડરતાં ડરતાં પૂછ્યું.

“મારું નામ છે, કૂશાકોત્કર્ષ. આ મારી નગરી છે. એનું નામ છે પાટલપત્રધામ. ”

“શું નામ છે?” રીન્કીએ આવા અજીબ નામ પહેલી વખત સાંભળ્યા હતા. પેલું વિચિત્ર પ્રાણી હસવા લાગ્યું. “અઘરું છે નહિ? તું મને કૂશાકો કહીને બોલાવીશ તો ચાલશે. ”

“ઓકે. તો કૂશાકો, તમે મને અહિયાં કેમ લઇ આવ્યા છો?”

“તને મારૂ આ સરસ મજાનું ઘર બતાવવા. તને ભૂખ લાગી છે ને. ચલ મારી પાછળ બેસી જા. તને સરસ મજાના ફળ ખવડાવું. ”

“શું? તમારી પાછળ? ના બાબા ના. મને તો ડર લાગે. ”

“અરે મજા આવશે. ચલ જલ્દી કર. ”

રીન્કી થોડી અચકાઈને આગળ આવી. કૂશાકો થોડો નીચો નમ્યો અને રીન્કી એની પીઠ પર બેસી ગઈ. “બરાબર પકડજે. ” કૂશાકોએ એક છલાંગ લગાવી અને ઉપર ઉઠ્યો. રીન્કીના આશ્ચર્ય વચ્ચે એણે પોતાની બે મોટી પાંખો ફેલાવી અને આકાશ ફરતી ઉડાન ભરી. રીન્કીએ જલ્દીથી એની ગરદન ફરતે હાથ વીંટાળી દીધા. થોડી વારની બીક પછી રીન્કીને મોજ પડવા લાગી. એટલામાં કૂશાકો એક મોટા ઝાડની ડાળીએ બેસી ગયો. “જેટલાં ફળ ખાવા હોય એટલા લઇ લે. ” રીન્કી તો ખુશ થઈને ફળો તોડવા લાગી. નીચે ઉતરીને એ ઝાડની છાયામાં બેસીને તોડેલા ફળ ખાવા લાગી. બધાં ફળ એક સરખા હતા છતાં દરેકનો સ્વાદ અલગ અલગ આવતો હતો.

“તને ગમ્યું અહિયાં?” કૂશાકો એ રીન્કીને પૂછ્યું.

“હા, ખૂબ જ. તારું આ ઘર તો એકદમ સરસ છે. ”

“બસ તો પછી તારે અહી જ રહેવાનું છે. ”

“એટલે?”

“એટલે એમ કે હવેથી આજ તારું ઘર છે. તારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકે. જેટલાં ફળ ખાવા હોય એટલાં ખાઈ શકે. ગમે એટલે રોઝ તોડીને એનાથી રમી શકે. કેવું સારું નહિ?”

“પણ મારી મમ્મી મારી રાહ જોતી હશે ને?” રીન્કીએ પૂછ્યું. એને અચાનક કૂશાકોનું વર્તન અજીબ લાગવા લાગ્યું હતું.

“તો શું થઇ ગયું? તને તો અહીં ગમે છે ને?” કૂશાકોએ બેફીકરાઇથી કહ્યું.

“હા, પણ મારે તો ઘેર જવું છે. મને ઘેર મૂકી જાવ. ” રીન્કી રડમસ અવાજે બોલી.

“હવે તું ઘેર નહીં જઈ શકે રીન્કી. તારે અહી જ રહેવાનું છે. ”

“ના, મને ઘેર જવું છે. મારે મમ્મી પાસે જવું છે. ” રીન્કી જોર જોરથી રડવા લાગી.

“ચુપ થઇ જા કહું છું. ” કૂશાકોએ ગુસ્સે થઈને કહ્યું. “આ કોણ એટલું જોર જોરથી રડે છે?” કોઈકનો ભરાવદાર અવાજ આવ્યો.

“ઓ મહાન દીવૌકવૃક્ષ, એ તો પેલી બાળકી છે. ” કૂશાકોએ બે હાથ જોડીને કહ્યું.

રીન્કીને સમજાતું નહોતું કે એ કોની સાથે વાત કરે છે. ત્યાં તો એની બાજુમાં કૈક સળવળાટ થયો અને એ હવામાં ઊંચકાઈ. જે ઝાડને અઢેલીને એ બેઠી હતી એની જ એક ડાળીએ એને ઉપાડી લીધી હતી. એ ચીસો પાડવા માંડી. ત્યાં જ બીજી એક ડાળીએ એનું મોઢું બંધ કરી દીધું.

“તમે માણસો કેટલો અવાજ કરો છો. કેવી નીરવ શાંતિ હતી તારા આવ્યા પહેલા અહિયાં. ” રીન્કી એ જોયું તો એ ઝાડ એની સાથે વાત કરતુ હતું.

“પ્લીઝ મને જવા દો. મારે મારી મમ્મી પાસે જવું છે. ” રીન્કીએ ફરી રડવાનું ચાલુ કર્યું.

“જો છોકરી, તને અહિયાં જવા માટે નથી લાવ્યા. હવેથી તારે અહીં જ રહેવાનું છે. એ જ તારી સજા છે. ”

“સજા? પણ મેં શું કર્યું છે?”

“એમ? શું કર્યું છે? કેમ કૂશાકોત્કર્ષ, તે આની સાથે વાત નથી કરી. “

“જી, બસ કરવાનો જ હતો. ” કૂશાકો હજી પણ હાથ જોડીને ઉભો હતો.

“રહેવા દે. હું જ કહી દઉં છું. સંભાળ છોકરી, તમે માણસો જાતજાતના બહાના આપીને નાના માસૂમ જાનવરોને ઘરમાં કેદ કરીને રાખો છો. કોઈકને ઘર સજાવટ માટે તો કોઈકને ઘરની સંભાળ માટે. તમને જરાય વિચાર આવે છે કે એ મૂંગા પ્રાણીઓ પર શું વીતતી હશે જયારે એણે પોતાના ઘર પોતાના સાથીઓને છોડીને તમારી જોડે રહેવું પડતું હશે. એ બિચારા તો બોલી પણ નથી શકતા કે પોતાની વ્યથા તમને કહી શકે!! તું તારી જ વાત કરને. પોતાના પાલતુ તરીકે તે કેટલા બધાને ઘરમાં રાખી મુક્યા છે?” એ ઝાડ ખુબ જ ગુસ્સામાં વાત કરી રહ્યું હતું.

રીન્કીને હવે યાદ આવ્યું. એણે કેટલી જીદ કરીને એક ડોગી શેલું અને એક પેરોટ ગ્રીવીશને પોતાના ઘરમાં રાખ્યા હતા. અરે એનાં મમ્મી પપ્પા પણ એક ટોરટોઈઝ લઇ આવેલા, રફટી. જેને ઘરમાં રાખવાથી સારું થાય એવું એ માનતા હતા. રીન્કીને હવે ખ્યાલ આવી ગયો કે આ બધાં પણ પોતાની જેમ પોતાના ઘરને યાદ કરતા હશે!! રીન્કીને થયું પોતે તો સાવ થોડા કલાકો માટે ઘરથી દૂર થઇ છે છતાં એને ઘર યાદ આવે છે, તો એ લોકો તો કેટલા સમયથી પોતાની સાથે જ રહે છે. એને તો શુંય થતું હશે!! રીન્કીએ મનોમન કૈક વિચારી લીધું.

“જુઓ, હું માનું છું કે મારી ભૂલ થઇ ગઈ. મારે કોઈ પ્રાણીને એના ઘર એના પરિવારથી અલગ નહોતાં કરવા જોઈતા. પણ હવે હું એ ભૂલ સુધારી લઈશ. તમે જો મને ઘેર જવા દો તો હું તરત જ એમને એમના ઘર પહોચાડી દઈશ. આઈ પ્રોમિસ. પ્લીઝ મને ઘેર જવા દો. ” એણે બે હાથ જોડીને કહ્યું.

“ઓ મહાન દીવૌકવૃક્ષ, મને લાગે છે આ છોકરી સાચું કહે છે. એને જવા દો. હું જાતે જઈને ખાતરી કરીશ એની વાતની. જો એ પોતાનું કહ્યું નહિ પાળે તો એને પછી તમારી સમક્ષ હાજર કરી દઈશ. ” કૂશાકોએ વિનંતી કરી.

“ઠીક છે. તું કહે છે તો જવા દઉં છું. પણ ક્યાંય ભૂલ ન થાય એ જોજે. ” પેલા ઝાડે રીન્કીને નીચે ઉતારી.

કૂશાકો એને લઈને ત્યાં આવેલા એક ગુલાબના છોડ પાસે ગયો. રીન્કીએ કૂશાકોના કહેવા અનુસાર ફૂલને અડ્યું અને ફરી પાછો એમાંથી એક કપ બની ગયો. રીન્કી કૂશાકોને બાય કહીને એમાં બેસી ગઈ. થોડી વારમાં એ પોતાના ગાર્ડનમાં પહોચી ગઈ. દોડીને એ પોતાના ઘરમાં જતી રહી. શેલું એની રાહ જોઇને બેઠું જ હતું. રીન્કીએ એને ખુબ વહાલ કર્યું. મમ્મીને કહીને એણે શેલું,ગ્રીનીશ અને રફટીને એમના પરિવારને મેળવવાની વાત કરી. મમ્મી શરુઆતમાં તો નવાઈથી જોઈ રહી પણ પછી એ પણ માની ગઈ.

જયારે રીન્કી શેલું,ગ્રીનીશ અને રફટીને સલામત જગાએ મુકીને ઘેર પાછી આવી રીન્કીના ગાર્ડનનું પેલું રોઝ પણ ખુશીથી ઝૂમી ઉઠ્યું.

***

20 - મોન્ટુ અને મેરીસુરેશ પટેલ

એક હતું નાનું ગામ એના બગલમાં એક મોટું જંગલ હતું. આ જંગલમાં એક મોટો જાડો પાડો હાથી એનું નામ ‘મોન્ટુ’ હતું. ગામમાં એક નાની પરી જેવી છોકરી જેનું નામ ‘મેરી’ હતું.

મેરી ખુબ ચપળ અને હોશિયાર હતી. એની દાદીએ કહેલી બધી વાર્તાઓ એને યાદ રેહતી. અને એ વાર્તાઓના બોધ પણ એ સમજીને યાદ કરી લેતી અને વખત આવ્યે એના દોસ્ત-મિત્રોને એ સમજાવતી. મેરી ઘરમાં સૌ ની લાડકી હતી. અને સ્કુલમાં સૌની પ્રિય.

એક વખત ની વાત છે, મોન્ટુ જ્યારે નાનો હતો ત્યારે એને જંગલ માંથી કોઈ ચોર ઉપાડી ગયા હતા. અને ગામમાં સર્કસવાળાને ત્યા મૂકી ગયા હતા. મોન્ટુ ખુબ તોફાની હાથી હતો એટલે એને ખુબ મોટી સાંકળથી બાંધી રાખવામાં આવતો. અને એની આંખો પર પટ્ટી બાંધેલી રેહતી. બિચારો મોન્ટુ ખુબ તાકાત લગાવતો એ સાંકળથી છૂટવા માટે પણ એ છૂટી સકતો નહિ ઉલટાનું એને પગમાં કોઈ વખત લોહી નીકળી આવતું. ગણીવાર મોન્ટુ ને એના સર્કસના રીંગ માસ્ટર નો માર પણ ખાવો પડતો જયારે એ કોઈ ખેલ કરવામાં ભૂલ કરે ત્યારે. બિચારો મોન્ટુ હતો હાથી પણ હજુ બહુ નાનો હતો એટલે એના થી કોઈ ડરતું નહી. અને એ મોટી સાંકળથી બંધાયેલો રહતો એટલે કોઈ દિવસ ભાગી જવાનો તો સવાલ જ ન હતો.

ધીરે ધીરે મોન્ટુ મોટો થતો ગયો. સરકસમાં લોકોને એના ખેલ ગમવા લાગ્યા એટલે તેના ખેલ વધવા લાગ્યા. સર્કસ માં બધાનો માનીતો થઇ ગયો હતો અને ક્યારેક ક્યારેક એને ખાવામાં મિટાઈ અને અલગ અલગ વાનગીયો પણ મળતી. ખેલ પતી ગયા પછી પણ એને જોવા લોકો પડાપડી કરતા. જયારે ખેલ ન હોય ત્યારે પણ એ લોકો માટે એક મનોરંજનનું સાધન બની ગયો હતો. એટલે સર્કસવાળાએ આખો દિવસ લોકો ટીકીટ આપી ને આ હાથી ને જોવા આવી સકે એવી વ્યવસ્થા કરી. જેના થી એમને ફાયદો થાય અને લોકોને અને બાળકો ને આરામ થી, નજીક થી હાથી જોવા મળે.

મોન્ટુ રોજ પોતાને આ સાંકળ થી છોડાવવાનો પ્રયત્ન કરતો પણ નિષ્ફળ જતો. હવે એ કંટાળી ગયો હતો આ સાંકળ ના બંધન થી પણ શું થાય.. ?

ગણા દિવસો આવું ચાલ્યું. પછી હતાશ થઇ મોન્ટુ હાઈ ગયો. હવે, મોન્ટુ એ મનમાં એક વાત ની ગાંઠ બાંધી લીધી હતી કે આ સાંકળને એ ક્યારેય તોડી નહી શકે અને એના થી કોઈ દિવસ છુટકારો નહિ મળે. એટલે હસતા મોએ એ બાળકો અને ભૂલકાઓ સાથે રમતો. અને પોતાના દુ:ખના દિવસો સુખ થી વિતાવતો.

ક્યારેક ક્યારેક મોન્ટુનો મિત્ર ભોલો ભાલુ પોતાના પિંજરા માંથી મોન્ટુ ને સલાહ આપતો કે એક જોર થી ઝટકો માર એટલે આ સાંકળ છૂટી જશે અને તું ભાગી જા.. ! પણ હવે મોન્ટુ ઉદાસ થઇ ફક્ત આ વાત ને રમતમાં કાઢી નાખતો અને હવે એને છૂટવાની કે ભાગી જવાની કોઈ આશા દેખાતી ન હતી. મોન્ટુએ એના મમ્મી પપ્પાને કેટલા મહિનાઓ થી જોયા પણ નથી અને એ લોકો ક્યાં અને કેવી હાલતમાં હશે એ પણ ખબર નથી. એની યાદમાં એ રડી પડતો. વળી પાછા એને ‘ભોલો’ ભાલુ, ‘જગ્ગુ- દગ્ગું’ બંદરો અને ‘પપ્પુ’ પોપટ ભેગા થઇ સમજાવતા કે ‘મમ્મી પપ્પા તો અમારા પણ ક્યાં છે?’ તોય અમે અહિયાં ખુશ છીએ ને.. !

અને અમે તો તારી સાથે છીએ તો તું કેમ ચિંતા કરે છે મોન્ટુ.. ? મજા કર મજા.. !

એક દિવસ મેરી એના દાદી અને સંજુ, અંજલી અને ગણા મિત્રો સાથે સર્કસ જોવા આવી. મેરી ને સર્કસ ના બધા ખેલ બહુજ ગમી ગયા અને ખુબ મજા પડી. સર્કસ જોઇને પાછા વળતા મેરીએ આ બધા જાનવરો ને એક બીજા સાથે વાતો કરતા સાંભળ્યા. ભોલો ભાલુ, જગ્ગુ – દગ્ગું બંદરો, પપ્પુ પોપટ, અને ‘મોન્ટુ’ મદનિયુ આ બધા સર્કસના ખેલ કરી કરીને થાકી ગયા હતા અને આ બંધન માંથી છુટકારો ક્યારે મળશે એ વિચારતા હતા. મેરી ને એમની વાતો સાંભળીને બધાની ચિંતા થવા લાગી.

એક દિવસ મેરી એના મિત્રો સાથે આ બધા જાનવરો ને મળવા ગઈ. બધા મિત્રો અને મેરીએ મોન્ટુ, ભોલા ભાલુ, જગ્ગુ-દગ્ગું, અને પપ્પુ પોપટ બધા સાથે વાતો કરી અને ખબર પડી કે આ સર્કસવાળા એમની પાસે થી ખુબ કામ કરાવે છે અને કોઈક કોઈક દિવસ તો બરાબર ખાવાનું પણ નથી આપતા. હા, ક્યારેક વધારે કામ કઢાવવા મીઠાઈ ખવડાવે છે બસ.

‘હા અને મને તો દોરડા ઉપર સાઇકલ ચલાવવા માટે ફક્ત એક જ લાલ મરચું આપે છે બોલો. !.’ પપ્પુ પોપટ બોલ્યો. ‘અરે, એ છોડ પપ્પુ અમને તો ખાલી બે-બે કેળા જ આપે છે.. ! આખા અડધા કલાક કુદા-કુદવાળા ખેલના.’ જગ્ગુ બંદર કુદતા-કુદતા બોલ્યો.

‘હા, અને મને આવડા મોટા હાથી ને ખાલી એક જ ડોલ ભરીને પાણી પીવડાવે છે હું તો તરસ્યો રહી જાઉં છું બોલો... !’ મોન્ટુ બિચારો સુંઢ ઉંચી કરતા બોલ્યો. ‘આવું તો ન ચાલે’ મેરી એ કહ્યું.

‘હા.. હા એકદમ આવું તો ન જ ચાલે’ મેરી ના દોસ્ત પણ બોલી પડ્યા. ‘આપડે સર્કસવાળા અંકલને કમ્પ્લેન કરીએ તો.. ?’ મેરીના દોસ્ત સંજુએ આઈડિયા આપ્યો. ‘અરે કોઈ કમ્પ્લેન-બમ્પ્લેન નહિ સાંભળે.. !’ દગ્ગું વાંદરો ઉછળ્યો. ‘હા, આ સર્કસવાળા તો બહુ ખરાબ છે તમને પણ અહિયાં થી કાઢી મુકશે અને ફરી આવવા નહિ દે.. !’ ભોલા ભાલુએ નિરાશ થઇને કહ્યું. ‘તો, તમારે શું જોઈએ છે.. ? શું કરવું છે તમારે.. ? ભાગી જવું છે? છુટકારો જોઈએ છે.. ?’ મેરી એ કંટાળીને બધાને પૂછ્યું.

‘અમે તો અહિયાં ગમે તેમ કરીને જીવી લઈશું પણ, આ મોન્ટુ ને એના ઘર ની બહુ યાદ આવે છે’ જગ્ગુ બંદર બોલ્યો. ‘અને એનું ઘર પણ ગામની નજીક આ બાજુ ના જંગલમાં જ છે. એટલે એને ત્યાં જવું છે.’ પપ્પુ પોપટ ડોક હલાવીને બોલ્યો.

‘ઓહો.. તો તમને બધાને અહીયાજ રેહવું છે એમ.. ?’ સંજુ એ બધા જાનવરો ને પૂછ્યું. ‘હા, અમને તો અહિયાં ફાવી ગયું છે અને અમને તો જે જોઈએ એ બધું મળી જાય છે પણ આ મોન્ટુ ને બારબર ફાવતું નથી.’ ભોલો ભાલુ બોલ્યો.

‘તો તમને આ સર્કસમાં જલસા છે એવું.. !!’ ગોલુ મેરીનો ખાસ મિત્ર અચાનક બોલ્યો. ‘મજા કે જલસા ના હોય તો ય એમને હવે જંગલમાં આવું તૈયાર બધું થોડી મળવાનું છે એટલે ત્યાં જઈને વધારે દુઃખી થવું એના કરતા અહિયાં બે કેળા અને એક મરચા થી ચલાવી લેવાય નહિ... !!’ મેરી થી મોટી અને સમજુ બેહપણી અંજલી બોલી.

‘હા, સાચી વાતી અંજલીબેન તમારી. હવે હું આ ઉંમરે ક્યાં જંગલમાં રેહવા જવું અને ભૂખ લાગે ત્યારે આમતેમ ભટકીને ખાવાનું શોધવા જાઉ, એના કરતા અહી થોડા ખેલ કરીને ખાવાનું મળતું હોય તો અહિયાં રેહવામાં શું વાંધો છે.. ?’ ભોલો ભાલુ પોતાનું ભારે શરીર હલાવતા બોલ્યો.

‘હા.. હા.. અમને તો અહીયાજ પરિવાર જેવું લાગે છે, પણ આ મોન્ટુ ગણા દિવસ થી પરેશાન છે.’ જગ્ગુ બંદર પોતાનું શરીર ખંજવાળતા બોલ્યો.

‘તમે બસ આ મોન્ટુ નું કંઈક કરો.’ પપ્પુ પોપટએ સલાહ આપી. ‘મોન્ટુ, તું તો આવડો મોટો તાકાત વાળો હાથી છે તો પછી આ સાંકળ ને એક ઝટકામાં તોડી નાખ ને. !’ સંજુ એ તરત કહ્યું.

‘અરે, સંજુભાઈ અમે તો કેટલા દિવસો થી એને સમજાવીએ છીએ કે તારા માટે રમત વાત છે આ સાંકળને તોડવાની. પણ, એ માનતો જ નથી અને કોઈ દિવસ કોશિશ પણ કરતો નથી.’ જગ્ગુ બંદર કુદી કુદી ને કેહવા લાગ્યો.

‘કેમ? મોન્ટુ, તું કોશિશ કેમ નથી કરતો.’ મેરી એ મોન્ટુ ને પૂછ્યું. પૂછડી હલાવતા હલાવતા બસ ચુપ થઇને ઉભો રહ્યો મોન્ટુ હાથી કંઇજ બોલ્યો નહિ.

‘અરે, એજ તો અમને સમજાતું નથી. મેરી બેન એ કોઈ દિવસ આ નાના ખીલ્લા ને લાત પણ નથી મારતો. જો એક લાત મારે તો આ ખીલ્લો સાંકળ સાથે ઉખડી જાય અને એ મોન્ટુડો હાથીડો ભાગી શકે.’ ભોલો ભાલુ પોતાના પીંજરામાં ઉભો થતા થતા બોલ્યો.

‘આવું કેમ કરે છે મોન્ટુ તું. ? તારે છૂટવું નથી આ બંધન માંથી. તારા પોતાના ઘરે જવું નથી.’ અંજલી એ જરા દબાણ થી પૂછ્યું.

‘મારે પણ તમારી જેમ આઝાદ થવું છે. મારા ઘરે જવું છે. મારા મિત્રો, સગાઓ અને મમ્મી પપ્પા ને મળવું છે.. પણ.. !’ મોન્ટુ પોતાના મોટા મોટા કાન ફફડાવતા બોલ્યો. ‘પણ.. ?’ જગ્ગુ જબ્ક્યો.

‘ઘરે જવું છે.... પણ.. પણ.. પણ?’ પપ્પુ પોપટ પણ પિંજરા માંથી ડોક બહાર કાઢતાં બોલી પડ્યો. ‘પણ.. શું?!’ મેરી એ આરામ થી મોન્ટુને પૂછ્યું.

‘મને પણ આ બંધન માંથી છૂટવું છે. અને હું જ્યાર થી અહિયાં આવ્યો છું ત્યાર થી આ બંધન માંથી છૂટવાનો પ્રયત્ન કરું છું. કેટલા મહિનાઓ થી હું આ સાંકળ થી બંધાયેલો છું મને પણ નથી ખબર. અને કેટલી વાર મેં આ સાંકળ ને તોડવાની કોશિશ કરી છે એ પણ યાદ નથી. અને કેટલીયે વાર મને લોહી નીકળ્યું છે. ખુબ તાકાત લગાડેલી મેં ત્યારે ખુબ મેહનત કરી હતી મેં આ ખીલ્લાને ઉખાડવાની પણ, બધું બેકાર જતું. અને મારી સુંઢ પણ છોલાઈ ગઈ’તી આ ખીલ્લાને ઉખાડવામાં. ખુબ મજબૂતાઈ થી બાંધેલા છે આ ખીલ્લો અને સાંકળ મારા પગ સાથે.’ મોન્ટુ એક સાથે બધું બોલી ગયો.

‘ઓહો, તો આ જ વાત છે બસ.. !’ સંજુ હસ્યો. ‘અરે, સંજુભાઈ આ નાની-સુની વાત નથી. આ લોખંડ ની સાંકળ અને આ ખીલ્લો મજબુત છે ખુબ મજબુત.’ મોન્ટુ વળી પાછો માંથું ધુણાવતા બબડ્યો. ‘અરે, મોન્ટુ આ ખીલ્લો અને સાંકળ મજબુત નથી પણ તારી આ શંકા ની ગાંઠ મજબુત છે.’ મેરી એ હળવેથી સમજાવાની કોશિશ કરી. ‘શંકા ની ગાંઠ.. ? કેવી શંકા.. !? કેવી ગાંઠ.. ?’ મોન્ટુ અચરજ થી બોલ્યો. ‘હા, શંકા ની ગાંઠ.’

હું તમને સમજાવું. મેરીએ બધાનું ધ્યાન દોર્યું. મારા દાદીએ મને એક વાર્તા કહી હતી. જેમાં એક નાની વાત હતી પણ એનો બોધ બહુ મોટો હતો.

ઘણીવાર નાની નાની વાતો નો આપણે બસ એમજ સ્વીકાર કરી લઈએ છીએ કે આ કામ તો મારાથી નહિ થાય. કેમ કે બીજા થી નથી થતું એટલે. અથવા મારી અમુક કોશિશો થી એ કામ પાર પડ્યું નથી એટલે હવે એ કામ મારા થી થશે જ નહિ. એવું મન માં આપણે ધારી લઈએ છીએ. અને નક્કી કરી લઈએ છીએ કે હવે આ કામ તો મારે કરવુજ નથી કેમકે એ મારા થી થશે જ નહિ. પણ હકીકતમાં એ કામ એ વખતે તમારા થી થયું નથી એનો મતલબ એવો નથી કે અત્યારે કે ફરી કોશિશ કરવાથી પણ નહિ થાય. આપણે મનમાં બાંધેલી આ ખોટી ગાંઠને ખોલી નાખવાની જરૂર છે.

જો મોન્ટુ જ્યારે તને અહિયાં સર્કસમાં લઇ આવ્યા ત્યારે તું આવડો મોટો કદાવર હાથી નહતો બરાબર. ‘હા.. હા.. બરાબર એતો નાનું મદનીયો હતો. મને ખબર છે’ ભોલો ભાલુ ભામ્ભર્યો. તો એ વખતે તને જે સાંકળમાં બાંધી રાખ્યા હતો એ આવીજ હતી કે આના થી મોટી હતી.. ?’‘આવડીજ હતી. અરે... આજ સાંકળ હતી કદાચ.’ મોન્ટુ હાથી જબ્ક્યો.

તો ત્યારે જે સાંકળ તારા નાનકડા શરીર માટે બહુ મજબુત અને મોટી હતી એ આજે તારા આવડા મોટા શરીર માટે ખરેખર મજબુત નથી. પણ તું ગણીબધી વાર કોશિશ કર્યા પછી હારી ગયો એટલે મનમાં ગાંઠ બંધાઈ ગઈ કે આ સાંકળ હવે તારા થી તૂટશે નહિ.. ! અને ક્યારેક ક્યારેક તે ફરી પણ કોશિશ કરી હશે પણ એમાય તું સફળ થયો નહિ હોય અને નિરાશ થઇ ગયો હોઈશ.

‘હા, એવુજ થયું હતું. મેં ગણીવાર કોશિશો કરી હતી પણ, હું હારી જતો આ સાંકળ થી.’ મોન્ટુ બિચારો ફસડી પડ્યો.

‘પણ, શું તે ગણા દિવસ થી આ સાંકળને ફરી થી તોડવાની કોશિશ કરી છે ?’ મેરી એ ચાલાકી થી પૂછ્યું. ‘ના... મેં ગણા દિવસો થી આ સાંકળ ને ફરી તોડવાની કોશિશ કરી નથી. હા, મને ભોલાભાઈ સમજાવતા પણ હું જ હવે થાકી ગયો હતો એટલે મેં ક્યારે વિચાર્યું નહિ અને કોશિશ પણ કરી નહિ.’ મોન્ટુ એ બરાબર જવાબ આપ્યો.

‘તો કોશિશ કરી જોઈશ. એકવાર અમારા માટે અને તારા માટે.’ સંજુ અને મેરીએ સાથે પૂછી જોયું. જરાક જોર કરવાથી મોન્ટુ ને જે ખીલ્લા માં બાંધ્યો હતો એ ખીલ્લો તો હલવા લાગ્યો. અને એના મૂળથી ઢીલો પડી ગયો. હવે મોન્ટુ ને વિશ્વાસ બેસી ગયો કે હું આ ખીલ્લા ને અને આ સાંકળ ને તોડી શકીશ. ‘બસ બસ મોન્ટુ. જોયું હવે તું તારા માં વિશ્વાસ રાખ કે તું આ સાંકળ થી છૂટી શકીશ અને જયારે મોકો મળે તું છૂટીને ભાગી શકે છે.’ મેરી એ ધીરે થી સમજાવ્યુ.

હા, દોસ્તો હું તમારો આભાર માનુ છું કે તમે મને આ મનની ગાંઠ માંથી છોડાવ્યો. હું આજે રાત્રેજ આ સાંકળ તોડી ને ભાગી જઈશ. ‘ખુબ ખુબ આભાર મેરી, સંજુ, ગોલુ, અંજલી....’અને હા, મિત્રો તમારો પણ આભાર ભોલાભાઈ, જગ્ગુ-દગ્ગું અને પપ્પુભાઈ. ‘અરે મોન્ટુ તું અમને ભૂલી તો નહિ જાય ને.’ ભોલો ભાલુ બોલ્યો.

‘અરે, ના મિત્રો હું એક વાર અહિયાં થી છૂટી ને મારા ઘરે પોહચી જાઉં. પછી મારા નાનપણ ના મિત્રો ને સાથે લઇને આવીશ અને તમારા માટે કંઇક કરીશ. ‘અમારા માટે કંઇજ કરવાની જરૂર નથી બસ ક્યારેક રાત્રે છુપાઈને મળવા આવજે જંગલનું ખાવાનું આપી જજે.’ જગ્ગુ બંદર બોલ્યો.

‘હા. બરાબર. અમારે જંગલમાં નથી આવવું પણ બસ તું ક્યારેક અમારી પાસે આવીને મળી જજે હોં.. !’ ભોલાભાલું એ દુઃખી થઈને કહ્યું.

‘અરે, હા મિત્રો તમને હું પણ નહિ ભૂલી શકું. તમે મારા દુખના દિવસો માં સાથે હતા તો હું મારા સુખના દિવસો માં તમને કેવી રીતે ભૂલી સકું. હું જરૂર તમને મળવા આવીશ’ રડતા રડતા હસ્યો મોન્ટુ હાથી અને સંઢ થી પોતાના આંસુ લૂછ્યા.

‘અને હા અમને પણ ના ભૂલતા તમે મોન્ટુભાઈ’ સંજુ એ કહ્યું. ‘અરે, હા. તમે પણ મને મળવા આવજો ને જંગલમાં મારા ઘરે ખુબ મજા પડશે.’ મોન્ટુ એ પાછો જવાબ આપ્યો.

‘હા, ચોક્સ્સ હવે મોન્ટુ તને મળવવા અમે તારા ઘરેજ આવીશું ભલે.. !!’ મેરી એ મજાક કરી. ‘હા.. ચોક્કસ હવે હું તારી રાહ જોઈશ મારા ઘરે. અને ખુબ ખુબ આભાર ફરી થી મેરી તારો કે તે મારા મનની ગાંઠ ખોલી આપી અને હું આઝાદ થયો.’ મોન્ટુ એ બધાને પોતાની સુંઢ વડે ટાટા કર્યું. મેરી તેના મિત્રો ગોલુ, અંજલી અને સંજુ સાથે ઘરે જવા રવાની થઇ. અને મોન્ટુ આજે સાંજે કેવી રીતે પોતાના ઘરે જવાનો રસ્તો બનાવું એના વિચારમાં ખોવાઈ ગયો.

***

21 - જાંબીની લિસ્કી

વૈશાલી ભાતેલિયા

જાંબી, વાલામૂઈ ક્યાં મરી ગઈ? આ વાસણનો ખડકલો તારો બાપ કરવા આવશે? ઈ તો તને ને મને મૂકીને આ દરિયામાં કોણ જાણે ક્યાં ખોવાયો? ને તું મૂઈ આ આખો દી’ દરિયે શું ગૂડાશ?’

ઝૂંપડીમાંથી માનો અવાજ સાંભળીને જાંબુડીના હાથમા઼થી છીપલાં સરકી ગયાં ને ફરી ભીની રેતીમાં ખૂંપી ગયાં, ઉપરથી મોજું આવી એ બધું વેરવિખેર કરી ગયું. જાંબુડી દોડીને ઝૂંપડી પાસે ગઈ વાસણમાં રાખને કૂચો ફેરવવા લાગી ને મગજને પણ કૂચો ફેરવવા લાગી.

જન્મી ત્યારે આમ કાળી ને જાણે દરિયાકિનારે જન્મી એટલે દરિયાખેડૂની દીકરી પર જાણે દરિયાનો ભૂરો રંગ પણ એનાંમાં ભળ્યો હોય એમ શ્યામવર્ણી પણ ખરી. દરિયાઈ રંગના મિશ્રણ જેવો એનો રંગ જોઈ એની ફઈ નામ પાડી ગઈ, જાંબુડી... પણ મા તો જાંબી... જાંબી... જ કહેતી. હવે તો દરિયાખેડૂની આખી વસાહત જાંબીથી જ એને ઓળખતી. ક્યારેક ગામમાં મા સાથે હટાણું કરવા જતી, ત્યારે પોતાના જેવડી છોકરીઓને ખભે થેલા લટકાવી નિશાળે જતા જોઈ જાંબીને પણ મન થતું નિશાળે જવાનું.

એકવાર બાજુવાળી રમલી એનાં માસીના ઘરે શહેરમાં દસ દિવસ રોકાવા ગઈ’તી. તે આવીને એની માસીની દીકરીની નિશાળની વાતું કરતી. બસમા જવાનું, બધી છોકરીયુંને એકસરખાં કપડાં પહેરવાનાં ને ભાગના ડબ્બા ને પાણીના રંગબેરંગી શીશા લઈને, બૂટ પેરીને રમલીની માસીની દીકરી નિશાળે જતી ને આવીને બધી વાતુ કરતી કે, નિશાળમાં જુદી જુદી રમતું રમીએ ને બધી બેનપણીયું સાજે ક્યાંય તરવા જાય. એને સીમિંગ કે એવું કાંઈક કે... આવી કેટલીય વાતું લંબાવી લંબાવીને રમલી કે’તી ને જાંબીને નિશાળે જવાનું, શહેરમાં થોડા દી’ રહેવા જવાનું મન થતું.

પણ જાંબીની મા એના મા-બાપની એકની અકે દીકરી, બીજું કોઈ સગુંવહાલું નહીં. નાનપણમાં જ મા-બાપ દેવ થયાં પછી કોઈ પિયરવાર જેવું જ ન’તું રહ્યું. અને જાંબીના બાપુ તો જાંબી એક વરસની થઈ ત્યારે દરિયો ખેડવા ગયા, તે આજે જાંબી આઠ વરસની થઈ, તોય ન’તા આવ્યા. એટલે જાંબીને બહુ ક્યાંય બહાર જવાનું રહેતું નહીં. બેનપણીની વાતું સાંભળી રોજ સપનામાં શહેર જોતી, નિશાળ જોતી ને પેલું બળ્યું ભુલાઈ જતું એ સીમિંગનાં સપનાં જોતી.

જાંબીની મા થોડે દૂરની વસ્તીમાં નવા બનેલા ફ્લેટમાં ઘરકામ કરી, મા દીકરીનું ગાડું ગબડાવતી એટલે આખો દી’ ઘરનું કામ નાની જાંબી સંભાળતી અને નવરી થયે દરિયે દોડી જતી ને શંખલાં, દીપલાં ભેગાં કરી, ઘાપરીમાં વીંટી ઘરે એક ડબલામાં ભેગાં કરતી. રાત પડ્યે પોતાની પથારીમાં એ ખજાનાનો ઢગલો કરતી અને તેને થતું કે હું શંખલું કે છીપલું હોત, તો કેવી પાણીમાં તરવાની ને માછલીઓની લીસી લીસી ચામડી હારે ઘસાઈને દરિયામાં ઉલળવાની મજા આવત! એ રોજ શંખલાં અને છીપલાં હારે મનોમન વાતો કરીને પૂછતી રહેતી કે તમે દરિયામાં ફરવાની કેવી મજા આવતી? દરિયામાં શું શું હોય? તમે અંદર પાણીમાં શ્વાસ કેવી રીતે લેતાં? એવા કેટલાય પ્રશ્નો એને ઊઠતા. ને એક દી’ પોતે દરિયામાં જઈને બધાં પ્રાણીને મળવા જશે અને છીપલાંમાંથી મોતી કાઢી આવશે. મોટો શંખ ગોતી આવશે ને જ્યારે નાળિયેરી બીજની મોટી પૂજામાં જ્યારે આખઅી વસ્તી ભેગી થશે, ત્યારે પોતે એ મોટો શંખ ફૂંકીને વટ પાડી દેશે! આવાં ને આવાં સપનાંમાં તે ક્યારે નીંદરમાં સરી પડતી તે છેક સવારે જતી વખતે તેની મા ઢંઢોળે ત્યારે ઊઠતી ને જાંબી વિચારે ચઢતી કે મને નિશાળે જવા મળશે કે કેમ? દરિયામાં ડૂબકી મારવા મળશે કે કેમ? મને મોતી મળશે કે કેમ? ને ફરી એ નવી આશામાં કામે લાગતી. ને જલદી જલદી દરિયે રેતીમાં આળોટવા દોડી જતી.

આમ જ એકવાર જાંબી વહેલી સવારે ઊઠી અને માને સૂતેલી જોઈ ઘરની બહાર નીકળી. ત્યાં દરિયાના ઘૂઘવાટે તેને અંધારામાં પણ જાણે પોતાના તરફ બોલાવી. આજે આછા અંધારા અને આછા ઉજાસમાં જાણે જાંબી નવો દરિયો જોતી હતી. દોડતી દોડતી રેતીમાંથી પગ ઉંચકતી પીળા ફૂલની ભાતવાળું ગુલાબી પોલકું ને એવા જ રંગની ઘાઘરીના બેય છેડા એના ટચુકડા બે હાથની મુઠ્ઠીમાં પકડીને એની ધૂનમાં રેતીમાં ઊડતી પાંખો ફેલાવેલી નાની પરી જેવી દીસતી એ કૂદતાં કૂદતાં ઠેસ વાગતાં રેતીમાં પડે. ઊભી થઈ જાંબીએ પાછળ ફરીને જોયું, ત્યાં એ હબકી ગઈ. ડરની મારી ભાગવા જતી હતી, ત્યાં એને થયું કે આવડી મોટી માછલીએ મને કંઈ કર્યું નહીં! મરેલી છે કે શું? અને હિંમત કરી એ માછલીની બાજુમાં જઈ પહેલા હળવેકથી એક આંગળી અડાડી, પણ માછલી હલી નહીં. ધીમેથી જાંબીએ નજીક જઈ, પોતાનો નાનો હાથ માછલીના માથા પર ફેરવ્યો, ત્યાં માછલીઓ જરાક આંખ ફરકાવી અને જાંબીએ ગભરાઈને હાથ પાછો લઈ લીધો અને પાછા પગે ભાગવા લાગી. બે ડગલાં ગઈ, ત્યાં તેણે જોયું કે માછલી હાંફતી’તી. અને જરાક આંખ ખોલી જાણે દયાની યાચના કરતી જાંબી સામે જોતી’તી. નાનકડી જાંબીના ટચુકડા પગ અટકી ગયા અને તે વિચારે ચઢી કે આ માછલીમાં જીવ છે. જો એને પાણીમાં નાખવામાં આવે, તો એ જીવી જાય. પણ કોઈ પુરુષો અત્યારે હાજર નથી, દરિયે ગયા છે. કોઈને બોલાવા જાઉં, ત્યાં માછલીનો જીવ જતો રહે. એટલે જવાંબી મૂંઝાઈ ગઈ. જાંબીની નજર થોડે દૂર તૂટેલા વહાણના લાકડાંના પડેલા અમુક કટકા પર પડી અને એ કોઠાસૂઝથી કંઈક વિચારીને દોડી. એક લાકડાનો કટકો લઈ આવી અને ધીમે ધીમે રેતીમાં સેરવીને માછલીના શરીર નીચે સરકાવતી ગઈ. ધીમે ધીમે ભીની રેતીમાં પાટીયાને ધક્કો મારી, પસીનો વહાવતી ધકેલતી ગઈ ને બે ધક્કામાં તો મોટું મોજું આવ્યું અને પાટીયા સાથે માછલીને અંદર ખેંચી ગઈ. જાંબી કૂદકો મારીને ખુશીથી તાળી પાડી ઊઠી અને આનંદથી પોતાના ઘર તરફ ભાગી. એ રાતે જાંબીને સપનામાં માછલીઓ જ માછલીઓ દેખાઈ. એને આવડી માછલી પહેલીવાર જોયેલી ને મા કહેતી કે વ્હેલ માછલી બહુ મોટી હોય, તો તેને થયું કે શું આ જ એ વ્હેલ માછલી હશે?! વિચારમાં - સપનામાં બીજે દિવસે પણ એની નીંદર વહેલી ઊડી ગઈ.

સવારમાં એ જ જિજ્ઞાસાથી એ વહેલી વહેલી દરિયે ગઈ, ત્યાં કિનારાનાં પાણીમાં એને એ જ માછલી દેખાઈ. જાંબીને લાગ્યુ કે જાણે એ માછલી ખુશીથી એની જ રાહમાં ત્યાં આવી છે. પણ આજે એને ડર લાગ્યો કે બાજુમાં જાઉં અને એ મને પકડી લેશે તો?! ને માછલી જાણે જાંબીની મૂંઝવણ સમજી ગઈ હોય ને જાણે કહેતી હતી, ‘જાંબી, જાંબી, મારી સાથે પાણીમાં રમવા આવ. ડર નહીં.’ જાંબી તો આજુબાજુ જોવા લાગી કે કોણ બોલે છે! પણ તેની આસપાસ કોઈ નહોતું. ત્યાં ફરી માછલીને કૂદતી જોઈ, જાંબીને થયું કે જાણે આ માછલી જ મને બોલાવે છે કે શું? અને જાંબી ધીમે ધીમે પાણીમાં પગ પલાળતી થોડોક ડર અને થોડી હિંમત સાથે દરિયામાં ચાલીને માછલી પાસે પહોંચી. માછલી જાણે આભારવશ થઈ, તેને જોતી હતી. અને નાનકડી જાંબીએ પોતાનો હાથ માછલીની પીઠ પર ફેરવીને કહ્યું કે ‘મારું નામ જાંબી. તારું નામ?’ પછી જાંબીને યાદ આવ્યું કે માછલી તો બોલશે નહીં! પણ જાણે મને, મારી બોલીને, મારા સ્પર્શને સમજે છે. એટલે જાંબીએ કહ્યું કે, ‘તું મારી બેનપણી થઈશ?’ હું તેને લીસ્કી કહીને બોલાવું? તું કેવી લીસી લીસી છે! તું રોજ મારી હારે રમવા આવીશ? ને જાણે જાંબીના બધા સવાલોના ‘હા’માં જવાબ આપતી હોય એમ લીસ્કીએ પૂંછડીથી પાણી ઉડાડીને જાંબીને પાણીથી નવડાવી દીધી અને જાંબી સાથે ગેલ કરવા લાગી.

પછી તો ઘણા દિવસ વહેલી સવારનો આ ક્રમ બની ગયો. જાંબી દરિયા કિનારે આવી, બે હાથનો ખોબો મોઢા પર મૂકી બોલાવે, ‘લિસ્કી... લિસ્કી...’ ને લિસ્કી માછલી પાણીમાં જાણે નર્તન કરતી રમવા આવી જાય. જાંબીને મન તો એ લિસ્કી એની દુનિયા બની ગઈ. હવે એ લિસ્કીને પોતાનાં સપનાં કહેવા લાગી ને લિસ્કી પણ જાણે બધું સમજતી હોય તેમ શાંત થઈ તેને સાંભળતી. ને એકવાર લિસ્કી આરામથી કિનારાનાં પાણીમાં લંબાવીને સૂઈ ગઈ, જાણે જાંબીને કહેતી હોય કે ‘મારી પીઠ પર બેસી જા, તને દરિયામાં ડૂબકી મરાવું’ એમ પડી રહી અને જાંબી પણ જાણે એ ભાષા સમજી ગઈ હોય એમ લિસ્કીની પીઠ પર એકદમ એને વળગીને બેસી ગઈ. આટલા દિવસોમાં બંને વચ્ચે જાણે સમજણનો એક અબોલ સેતુ રચાઈ ગયો હતો.

અને લિસ્કી-જાંબીની સવારી ઉપડી દરિયાના પેટાળમાં! ત્યાં કેટલાં શંખ-છીપલાં ને માછલીઓ - દરિયાઈ જીવો જાંબીએ જોયા અને લિસ્કીને લીધે કોઈ જીવ એને હેરાન કરવાની હિંમત નો’તું કરતું. જાંબી તો ખુશ થઈને પાણીમાં સરકવા લાગી. વારંવારની આ દરિયાઈ સફરમાં લિસ્કીના સાથમાં જાંબી તરવાનું પણ શીખી ગઈ. આ બધી સફર, રમતો વહેલી સવારે ચાલતી એ બેયની દીસ્તીની દુનિયા વિશે હજી કોઈને કંઈ ખબર ન’તી પડી. જાંબી-લિસ્કીની દુનિયામાં એ બે ને ત્રીજો દરિયો બસ!

પણ એકવાર એવું બન્યું કે જાંબી-લિસ્કીની આ દોસ્તીની દુનિયા સામે આવી ગઈ! બાજુના નવા ફ્લેટવાળા નાનાં નાનાં ટાબરિયાંઓ મોટેરાઓ સાથે એકવાર દરિયે રમવા આવ્યા ને કિનારે છબછબિયાં કરતાં’તાં. ત્યાં એક મોટું મોું આવ્યું ને એક બાળક તેમાં તણાઈ ગયો. બધાં બાળકો અને મોટેરાઓએ બૂમાબૂમ કરી મૂકી. એ સાંભળીને જાંબીની વસાહતવાળા પણ દોડી આવ્યા. છોકરાના મા-બાપ તો જાણે હોશ ખોઈ બેઠાં. કોઈ તરવૈયા હાજર ન’તા.

જાંબી આ બધું જોઈ શું સૂઝ્યું તે બૂમો પાડવા લાગી, ‘લીસ્કી... લીસ્કી...’ ને બધા જાંબી સામે જોઈ રહ્યા કે આ કઈ ભાષામાં બૂમો પાડે છે! ત્યાં તો પાણી ઉછળ્યું ને મોટી માછલી આવી. બધા ડરી ગયા ને ફ્લેટવાળા ભણેલા માણસો બોલી ઊઠ્યા, ‘વ્હેલ... વ્હેલ...’ ત્યાં તો બધાની નવાઈની વચ્ચે જાંબી લિસ્કી પર બેસી ગઈ ને બોલી, ‘લિસ્કી, જલદી ડૂબકી લગાવ. આપણે એક છોકરાને બચાવવાનો છે.’ ને જાંબીનો હાથ ફરતાં લિસ્કી બધું સમજી ગઈ હોય તેમ દરિયામાં છલાંગ લગાવી. ને જોતજોતામાં ઊંડે જઈ, લિસ્કીની મદદથી દરિયામાં ઊંડે તરવમાં કુશળ બની ગયેલી જાંબીએ બાળકને શોધીને લિસ્કીની પીઠ પર સવાર થઈને ઉપર આવી ગયાં.

કિનારે પહોંચતાં જ જાંબીએ બાળકને ઉતાર્યો અને લિસ્કી પાણીમાં પૂછડી પછાડતી દરિયામાં ડૂબકી લગાવી ગઈ. પછી બધાને જાણે હોશ આવ્યા હોય એમ દોડીને જાંબી અને બાળકને ઘેરી વળ્યા. બાળકને ઊંધો કરી, પાણી બહાર કઢાવી હોંશમાં લાવ્યા. પછી વસાહતવાળા અને ફ્લેટવાળા બધા જાંબી સામે ખૂબ આનંદ, નવાઈ અને આભારથી જોવા લાગ્યા અને પૂછવા લાગ્યા કે આ બધું જાદુ હતું કે શું? જાંબીની મા પણ આ સમાચાર મળતાં જ ગભરાઈને રોતી રોતી ત્યાં આવી ગઈ હતી. જાંબીએ બધાને પોતાની અને લિસ્કીની મળવાની, દોસ્તીની, દરિયાનઈ સફરની વાતો કરી અને બધા જાંબીને એક જાદુઈ પરીની જેમ જોઈ રહ્યા!

ફ્લેટવાળા બધા લોકો પણ હવે સ્વસ્થ થતા એમાંથી એક વડીલ જાંબી પાસે આવ્યા ને કહ્યું કે, ‘બેટા, આજે તે જે કામ કર્યું એ અદ્ભુત છે! તને ખબર નથી પણ ભારત સરકાર તાર જેવા બહાદુર બાળકોને દર વર્ષે સાહસિકતા માટે પુરસ્કાર આપે છે ને શાળાએ ભણાવવાની વ્યવસ્થા પણ કરે છે. તને ગમે તો હું તારું નામ પણ બાજુની શાળામાં લખાવી દઈશ અને સરકારમાં પુરસ્કાર માટેની અરજી કરાવી દઈશ. અને હા, તું બહુ સરસ તરી શકે છે, તો થોડા સમયમાં રાષ્ટ્રીય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધા માટે નોમિનેશન શરૂ થશે, તેમાં પણ આપણે તારું નામ નોંધાવીશું.’

જાંબી અને એની માને તો આમાં થોડા શબ્દો સમજાયા થોડા ન સમજાયા, પણ નિશાળની વાત સમજાણીને જાંબી ઠેકડો મારી ઊઠી કે, ‘મા, મને ભણવું છે.’ જાંબીની મા તો કશું સમજી ન’તી શકતી, પણ બધા ભણેલા માણસો અને એ જ્યાં કામ કરતી એ બધાએ કહ્યું કે, ‘તું ચિતા ન કર. અમે જાંબી માટે બધું કરીશું. અમારા બાળકનો જીવ બચાવી તારી દીકરીએ તો અમને જિંદગીની ખુશી આપી છે, તો એના સપનાં પૂરાં કરી એને ખુશ કરવા અમને મદદ કરવા દે.’ અને જાંબીની મા માની ગઈ.

થોડા દિવસ પછી ફરી એક વહેલી સવારે ાંબી દરીયામાં લિસ્કીની પીઠ પર વળગીને સૂતાં સૂતાં બોલતી હતી કે, ‘જો લિસ્કી, મારા બધાં સપનાં પૂરાં થયાં. મને કેટલા બધા છોકરાંવ કરતાં તરવામાં આગળ જીકળી જવામાં આ ચમકતો ચંદો મળ્યો. બધા એને મેડલ, મેડલ કરતા હતા. ને હા, લિસ્કી! જો આ બીજો ચંદો. આપણે ઓલા બાળકને બચાવેલો એના બદલામાં મળ્યો. કેટલા મોટા માણસો બહુ જ ઉપર ઉપર બધા સ્ટેજ કહેતાતા, ત્યાં બોલાવી મને પહેરાવ્યો! પણ એ તો તને જ મળવો જોઈએ. લે, આ તને પહેરાવું.’ કહીને જાંબીએ એક મેડલ લિસ્મીને પહેરાવ્યું ને એક પોતે પહેર્યું! જાંબી કહે, ‘લિસ્કી, મને છીપમાંથી મોતી મેળવવું હતું. એ હવે મને સમજાયું કે હું નિશાળે જઈ ભણીને આગળ વધું એ જ સાચું મોતી! પણ નિશાળે જવા રોજ દૂર જવું પડશે એટલે તને મળવાનો સમય ઓછો પડશે. એ નહીં ગમે મને!’ અને તે દી’ બન્ને ભારે હૈયે છૂટાં પડ્યાં.

થોડા દિવસ પછી દરિયાખેડૂ આવી ગયા અને ચોમાસામાં આરામ કરી ફરી દરિયાની પૂજા ગોઠવી, ત્યારે શાળાએ જતી જાંબીના હાથે પૂજા કરાવીને જાંબીએ મોટેથી શંખ ફૂંક્યો ને જાણે એ શંખમાંથી વહેતી હવા બોલી. ‘લિસ્કી... લિસ્મી...’ ને પૂજામાં બધાને દરિયાના પવિત્ર જળના છાંટા ઊડાડતી હોય એમ ઊછળતી લિસ્મી આવી અને જાંબી દોડીને તેને વળગીને ગેલ કરવા લાગી. ને દરિયાખેડૂની વસાહત આનંદથી એમની જાંબી પરીને, એની હિંમતને એના પ્રાણીપ્રેમને મનોમન વંદીને દરિયા સામે હાથ જોડી બધા ઊભા રહી ગયા! ને જાંબી લિસ્કી સાથે એક ડૂબકી લગાવવા ફરી એની પીઠ પર સવાર થઈ દરિયામાં સરકી ગઈ!

***