ons open a time in Gujarati Children Stories by Ankit Soni books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ !

Featured Books
Categories
Share

વન્સ અપોન અ ટાઈમ !

યમન રાજ્ય ના મધ્ય ભાગ માં આવેલ ભાગીરથી નદી ના કિનારે એક અત્યંત રમણીય કુદરત ની ભેટ સમું પૃથ્વી પર નું સ્વર્ગસમું ગામ આવેલું હતું જેનું નામ હતું ગડું. કહેવાય છે કે આ ગામ ૮૦૦ વરસ પહેલા રાજા ગીરીરાજે પંસાર રાજ્યમાંથી આવીને અહી વસાવ્યું હતું. ગામ ની પ્રજા અત્યંત ભોળી હતી અને રાજા ની પણ શું વાત પૂછવી? રાજા ગીરીરાજ હંમેશ ને માટે પ્રજા ના રાજા ની જેમ નહિ પરંતુ પ્રજા ના સેવક ની જેમ રહેતા. તેઓ ક્યારેય પોતાની પ્રજા ને જરી પણ આંચ ન આવે તેનો ખુબજ ખયાલ રાખતા હતા. ગામની ફરતે જંગલ વિસ્તાર હોવાને કારણે જંગલી જાનવરો અવારનવાર ગામ માં આવી ચડતા અને ભોળા નાગરિકો તથા મૂંગા પશુ ઓ ને ફાડી ખાતા. રાજાને જયારે આ વાત ની જાણ થઇ ત્યારે તેઓ એ તુરંત જ પોતાના સૈનિકો ને ગામ ફરતી વાળ બાંધવાની ફરમાન આપી દીધું, જેથી કરીને જંગલી જાનવરો ગામ માં પ્રવેશી શકે નહિ, અને તેઓ હિંસા ફેલાવે નહિ.

ગળું ગામમાં એક ૧૨ વરસ નો ખુશમિજાજ, મનમોજી એવો દુગી પોતાની બહેન અનેરી તેમજ તેના માતાપિતા સાથે રહેતો હતો. દુગી ને નાનપણ થી જ પશુ ઓ ની જોડી બહુજ ગમતી હતી. આને કારણે જ તે નાનપણ થી પશુ ચારતો થઇ ગયો હતો. દુગી ક્યારેય પણ ગામ માં એકલો જોવા ન મળે, તેના ખોળા માં, કેડ માં અથવા હાથ માં તેની પાલીતી બકરી જેનું નામ હતું ગોટી. તે અવશ્ય સાથે હોય જ. ગોટી ને પણ દુગી સાથે બહુ ફાવી ગયું હતું, તેને જે જોઈ એ તે દુગી તેને અવશ્ય લાવી આપતો. દુગી ની બહેન અનેરી ને પણ ગોટી બહુજ વહાલી હતી, ક્યારેક તો દુગી અને અનેરી બન્ને ભાઈ બહેન ગોટી સાથે રમવા માટે રીતસર ના ઝઘડી પડતા હતા. ગીરીરાજ રાજા એ પણ દુગી નો પ્રાણી પ્રેમ જોઈ ને તેને પશુ ચરાવવા માટે બે વીઘા હરિયાળી જમીન અલગ થી આપી હતી. ખુદ ગીરીરાજ રાજા પણ પશુ પ્રેમી હતા. આમ તો ગળું ગામની આસપાસ નો વિસ્તાર ખુબજ શાંત હતો. ત્યાની પ્રજા પણ અતિ પ્રેમાળ, એકબીજા ને મદદરૂપ થવા હંમેશા તત્પર, તેઓ બધા સુખે થી રહેતા પણ કોણ જાણે કેમ આ પ્રદેશ ને કોઈ ની નજર લાગી ગઈ?

ગળું ગામ ની અંદાજે ૭૦ કી. મી. દુર એક નરભક્ષી પ્રજાઓ નું ગામ વસેલ હતું જેનું નામ હતું આલીદર. ત્યાનો રાજા અસારંભ અત્યંત ક્રૂર હતો. તેને તેના સૈનિકો ના સહારે આજુબાજુ ના આખે આખા ગામો લુટી લીધા હતા, તેઓને પાયમાલ કરી નાખ્યા હતા. વળી આલીદર ની પ્રજા નરભક્ષી હતી. ઘણી ખરી વાર તો તેઓ ગામ ના લોકો ની હત્યા કરી ને તેઓનું ભક્ષણ કરી જતા!રાજા અસારંભ ના કને ગળું ગામ ની સુંદરતા અને ત્યાના રાજા ગીરીરાજ ની પ્રશંસા સાંભળવા મળતા જ તેને ઇર્ષ્યા થતા અસારંભે ગળું પર ચડી કરવાનું ફરમાન બહાર પાડ્યું. રાજા અસારંભ ખુદ પોતાના સૈનિકો સાથે તીર કામઠા વગેરે હથિયારો લઇ ગળું ગામ પર ચડાઇ કરવા નીકળી પડયા.

તો વળી આ સૈનિકો ના તોડે ટોળા રસ્તા માં જોઇને વાત ઉડતી ઉડતી રાજા ગિરીરાજ સુધી પહોંચી, પરંતુ હજી તો રાજા ગિરિરાજે અસારંભ ને લડત આપવાની તૈયારીઓ આદરી જ હતી, ત્યાંતો નરભક્ષી રાજા અસારંભ પોતાના સૈનિકો સાથે ગળું ગામે આવી પહોંચી ચારે બાજુ તબાહી, આતંક મચાવવા લાગ્યા. ગામના કેટલાય પ્રજાજનો મરી ગયા, લૂંટાઈ ગયા, તો વળી કેટલાક લોકો અન્યત્ર સ્થળાંતર કરી ગયા. આ બાજુ અસારંભ ના સૈનિકો ચારેબાજુ ગળું ગામ માં આતંક મચાવી રહ્યા હતા તો બીજી બાજુ રાજા ગિરિરાજ ને અપૂરતી સેના ને કારણે શરણાગતિ સ્વીકારવાનો સમય આવ્યો. અંતે અસારંભ ગિરિરાજ રાજા ને બંધક બનાવે છે.

આવા સમયે ભાઈ બહેન દુગી અને અનેરી બહુજ ચાલાક હતા, તેઓ નાનપણ થીજ નીડર હતા. તેઓ એ વિચાર્યું કે આ નરભક્ષી રાજા ના હાથે મરવું એના કરતા તો સારું છે કે નદી પર કરી પેલે પર આવેલ ઘનઘોર જંગલ માં જતું રહેવું. વહેલું કે મોડું મારવાનું તો છે જ, આ નરભક્ષી રાજા ને હાથે મારવા કરતા તો જંગલ ના હિંસક પ્રાણી ઓ ના હાથે મારવું સારું. દુગી અને અનેરી ના માતાપિતા એ શરૂઆત માં તો જંગલ ના જવા માટે આનાકાની કરી પરંતુ ગામમાં નરભક્ષી સૈનિકો નો આતંક જોઈને આખરે તેઓ પણ જંગલ માં ભાગી જવા માટે તૈયાર થાય. આખરે દુગી, અનેરી, તેના માતાપિતા તેમની વહાલી તેમના કુટુંબ ના સભ્ય સમાન ગોટી ને લઈને તેઓ નદી સોંસરવા જંગલ તરફ જવા નીકળી પડ્યા.

નદી પાર કરી જંગલ માં પ્રવેશતા ની સાથેજ સિંહ, વાઘ, ચિત્તા જેવા હિંસક પ્રાણીઓ ની ત્રાડ સાંભળતા ની સાથેજ ગોટી એકદમ ડઘાઈ જ ગઈ. ગોટી દુંગી ના હાથમાંથી સરકીને નીચે રસ્તા માં જ બેસી ગઈ.

"અરે ગોટી, કેમ બેસી ગઈ ? કઈ થયું કે શું? "દુગી એ પૂછ્યું.

ગોટી કહે "દુગી, તમને આ સિંહ વાઘ ની ત્રાડ નથી સંભળાતી કે શું? મને તો આ ગર્જનાઓ સાંભળતાજ પરસેવો છૂટે છે. આતો ઉલ માંથી ચુલ માં પડવા જેવો ઘાટ રચાયો. નદી ને પેલે પર રાક્ષસો અને આ પર જંગલી જાનવરો, આપણે જવું તો કટ જવું કઈ સમજાતું નથી "એમ કહી ગોતી રડવા લાગી.

અનેરી આગળ આવી ને ગોટી ને તેડી લે છે. જો ગોટી આ જંગલ માં તું એકલી નથી, અમે છીએ તારી સાથે, તને કાંઈજ નહીં થવા દઈએ તું ગભરાયા વગર ચાલ અમારી સાથે. હવે ગોટી માં થોડી હિમ્મત આવે છે. અને કહે છે કે આપણી પાસે જંગલ માં રહેવા સિવાય બીજો કૂ રસ્તો પણ નથી. તેઓ થોડે આગળ ચાલે છે, હિંસક પ્રાણીઓ ની સતત ગર્જના સાંભળી ને તેઓને કંપારી છૂટી જાય છે. એવામાં તેમના રસ્તા આડે એક હરણિયા નું બચ્ચું. પડે છે. હરણિયા નું બચ્ચું તેઓને એકી ટશે જોઈ રહે છે અને મનમાં ને માં માં કૈક વિચારે છે, હજી તો ગોટી તેને બોલાવવાનો પ્રયત્ન કરે જ છે ત્યાંતો તે એકાએક જંગલ માં દોટ મૂકી દે છે.

દુગી, અનેરી તથા તેના માતાપિતા વિમાસણ માં મુકાઈ જાય છે અને બહુ વિચાર કર્યા વગર આગળ જવા નીકળી પડે છે. સહેજ આગળ જતા દુગી ની માતા ભંવરી ને નાની ગુફા નજરે પડે છે. તેઓ ગુફા ની નજીક જાય છે. દુગી ખુબજ ચપળ હોય છે, તે બધાને બહાર ઉભા રહેવાનું કહી પોતે એકલો ગુફા માં જઈ ને તપાસ કરી આવે છે કે ત્યાં કોઈ અન્ય પ્રાણી વસવાટ કરે છે કે કેમ? ત્યાં અંદર બધી તપાસ કરી ને દુગી બહાર આવે છે. દુગી ને તે જગ્યા રહેવાલાયક લાગે છે. તેઓ સાથે લાવેલ સમાન વ્યવસ્થિત ગુફા માં ગોઠવે છે. અને ત્યાં આરામ ફરમાવે છે. રહેવાલાયક આશરો મળી જતા સહુ ના જીવ માં જીવ આવે છે. ગોટી પણ ખીસહી ના મારી કૂદાકૂદ કરે છે. તેવામાં અનેરી તેનો કાન પકડી ને ઠપકો આપે છે, "જો ગોતી આ કોઈ આપણું ઘર નથી, આ જંગલ છે ખબરદાર જો અમને પૂછ્યા વગર ગુફા ની બહાર પગ મુક્યો છે તો "

ગોટી સુનમુન થઈ ચુપચાપ ખૂણા માં જઈ બેસી જાય છે. એવા માં પેલું હરણિયા નું બચ્ચું તે જંગલ ના રાજા સિંહ પાસે જઈને કહે છે.

"મહારાજ મહારાજ એક ખુશ ખબર છે મહારાજ "

સિંહ કહે બોલ બચ્ચા શું ખબર લાવ્યો મારી માટે?

મહારાજ મહારાજ તમે સાંભળી ને બહુજ ખુશ થઈ જશો.

સિંહ તાડુકી ને કહે છે હવે ખુશ ખબર સંભળાવી છે કે તે પહેલા જ તારો શિકાર કરી લવ?

હરણ નું બચ્ચું એકદમ ધીમા અવાજે બોલે છે, નહીં નહીં મહારાજ મારે તમારો શિકાર નથી થવું લો સાંભળો પેલા ઓકડે કુવા ની પાછળ વાળા રસ્તે મેં ચાર માણસ અને એક બકરી જોઈ મહારાજ. કેટલાય દિવસ થી તમને ખોરાક નથી મળ્યો, આજ બહુ દિવસે તમારા લાયક ખોરાક સામે ચાલી ને તમારી પાસે આવ્યો છે.

સિંહ તાડુકી ને બોલે છે, "શું બફાટ કરે છે, માણસ અને મારા જંગલ માં એ વાત શક્ય જ નથી. તને આંખે મોતિયો આવી ગયો છે કે શું? તારે જોવા ફેર થતો હશે મૂર્ખ "

હરણિયા નું બચ્ચું, "અરે મહારાજ, મારા મમ્મી ના સમ ખાઈ ને કહું છું, મેં જે જોયું છે તે સાચુજ જોયું છે. મારો ફોન ઘરે ચાર્જિંગ માં પડ્યો હતો, નહીંતર એમનો ફોટો ખેંચી ને તરત જ તમને વૉટ્સઅપ કરી દેત "

સિંહ અટ્ટ હાસ્ય કરી ને, "અચ્છા એવું, સાચું બોલે છે એમને. હવે એ કહે કે એ માણસો ના હાથ માં હથિયાર હતા કે નહીં?

હરણિયા નું બચ્ચું, "સરદાર, સાચું કહું તો મેં હથિયાર તો નોતા જોયા પણ હા તેમના એકના હાથ માં એક પેટી હતી, એમાં તેઓ હથિયાર છુપાવી ને લાવ્યા હોય તો મને ખ્યાલ નથી હો "

સિંહ (મનમાં ):- આ આજકાલ ના લુચ્ચા માણસો થી સાવચેત રહેવું પડશે. આજકાલ ના માણસો તો જંગલ ના રાજા નો પણ શિકાર કરતા થયા છે. સિંહ આ વાત ને ગંભીરતા થી લઈ ને જંગલ માં રહેતા બધા પ્રાણીઓ ની એક મિટિંગ બોલાવીને બધા પ્રાણીઓને સાબદા રહેવાનું જણાવે છે. અને બે ત્રણ વિશ્વાસુ પ્રાણીઓને દુગી અને તેના પરિવાર પર ચાંપતી નજર રાખવા જણાવે છે.

આ બાજુ ગોટી અને તેનો પરિવાર પણ જંગલ માં અનુકૂલન સાધતા થાય અને તેઓનો દર ધીરે ધીરે દૂર થતો ગયો. તો વળી સિંહ ના સાગરીતો પણ તેઓ પર ચાંપતી નજર રાખતા હતા.

હવે તો દુગી અને અનેરી ની ફડક દૂર થતી જતી હતી અને તેઓ પણ જંગલ માં ખોરાક ની શોધ માં વિચારવા નીકળી પડતા હતા. એક દિવસ અનેરી ગુફા ની બહાર લટાર મારવા નીકળી ત્યારે તેના પિતા એ તેને ઠપકો આપ્યો અને તેને બહાર ન જવા માટે કહ્યું.

"અનેરી બેટા, તારે તારી મમ્મી એ અને ગોટી એ આ ગુફા ની બહાર પગ મુકવાનો નથી, ખોરાક શોધવા હું ને દુગી બેજ બહાર જઈશું "તેમ કહી દુગી ના પિતા અને દુગી બંને જંગલ માં ખોરાક શોધવા જાય છે. ત્યાં જંગલ માં મોટો ચીકુડી નો બગીચો હોય છે. તે જોઈ ને દુગી કહે છે, "પપ્પા પપ્પા પેલો જુઓ ચીકુ નો બગીચો ચાલો ત્યાં જઈને આપણે આપણા બધા માટે ચીકુ લઈ આવીએ. તેઓ બંને ત્યાં ચીકુ લેવા જાય છે. ત્યાં વળી બગીચા માં બેઠેલો વાંદરો મોન્ટી બંને બાપ દીકરા ને જોઈને ફોન માં તેમનો ફોટો પડી ને સિંહ ને વૉટ્સઅપ પર મોકલી આપે છે અને ફોન કરી ને સિંહ ને તે બગીચા પર બોલાવે છે. દુગી અને તેના પપ્પા જ્યારે ચીકુ વીંટા હોય છે, ત્યારે સિંહ પાછળ ની બાજુ એ થી આવીને ઝાડ પાછળ છુપાઈને બંને જણા ને જોઈ લે છે. તેઓ બન્ને જ્યારે બગીચા માંથી જતા રહે છે પછી મોન્ટી ઝાડ પરથી નીચે ઉતરી ને સિંહ પાસે આવે છે ત્યારે સિંહ મોન્ટી ને સાચી બાતમી આપવા બદલ શાબાશી આપે છે, અને સાંજે બધા પ્રાણીઓ ની મિટિંગ બોલાવે છે.

સાંજે સિંહ સભા સંબોધતા કહે છે મારા પ્રિય ભાઈઓ વાંદરાઓ તથા કુતરાઓ, ગધેડા ઓ તથા ચિત્તાઓ, વરુઓ તથા શિયાળો, હરણિયાઓ તથા ઝરુખો. આપ સૌનું આજની સભામાં હું હાર્દિક સ્વાગત કરું છું. હરણિયા એ આપેલી માહિતી મુજબ આપણા જંગલ માં કેટલાક માણસો આવી ચડ્યા છે, જે તદ્દન સાચી વાત છે. જેની સાબિતી શ્રીમાન વાંદરા એ આજે મને આપી હતી અને મેં પોતે મારી સગી આંખે બે માણસ ને ચીકી ના બગીચા માં આજે જોયા, આ તકે હું તમને બધા ને અપીલ કરું છું કે આપ સહુ સંપીને રેજો, કોઈ એકલ દોકલ ફરતા નહીં બધા ચાર પાંચ ના જૂથ માં ફરજો. આ લૂંછી માનવજાત નો વિશ્વાસ નહીં ભાઈઓ પોતાના સ્વાર્થ માટે તેઓ આપણું નિકંદન કાઢતા અચકાશે નહીં. તો સૌ મિત્રો કાળજી રાખશો. હું તમારી રક્ષા કરવા તમારી સાથે છું. આ તકે હું ઉપયોગી બાતમી આપવા બદલ વાંદરા નું એક ડઝન કેળા આપી તેનું સન્માન કરું છું. બધા તાળીઓ પડે છે, વાંદરો ભરી સભા માં પાણી પાણી થઈ જાય છે!

ત્યારબાદ સિંહ હરણિયા ના ટોળા ને સભા માં હજાર રહેવાનું કહીને અન્ય મિત્રો ને વિદાય આપી. હવે સિંહ ને બહુ જોરથી ભૂખ લાગી હતી, તેને હરણિયાઓને કહ્યું જુઓ મિત્રો હું માનું છું કે તમે મારા નાના મિત્રો છો, પરંતુ તમારી અને અન્ય મિત્રો ની રક્ષા કાજે મારું જીવતું રહેવું ખુબજ જરૂરી છે અને મારે જીવવા માટે ખોરાક ની જરૂર પડે કે નહીં?

બધા હરણિયાઓ ડોકું ધુણાવી હા પાડવા લાગ્યા.

સિંહ કહે હરણિયાઓ હું ઘણા દિવસો થી ભૂખ્યો છું, આજે તો મારે તમારા કોઈ માંથી એકનો શિકાર કરવોજ પડશે. આમ સાંભળતાજ બધા હરણિયાઓ હેબતાઈ જાય છે. બધા જ મનોમન ભગવાન ને પ્રાર્થના કરવા લાગે છે હે ભગવાન આજે મારો વારો ના આવે, મને બચાવી લેજો ભગવાન. એટલામાંતો સિંહ તરાપ મારી એક હરણિયા ના બચ્ચા ને પોતાના મોમાં ઉપાડી લેછે, સિંહ જે હરણિયા નો શિકાર કરે છે તે અસલ માં જે હરણિયા એ સિંહ ને દુગી અને તેના પરિવાર વિશે માહિતી આપી હતી તેનો નાનો ભાઈ હતો. પોતાના સગા ભાઈ નો શિકાર થતો જોઈને હરણીયું સિંહ ને પગે પડીને પોતાના ભાઈની ભીખ માંગવા લાગ્યું પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. સિંહ શિકાર કરી ને જતો પણ રહ્યો પરંતુ હરણીયું બહુજ વિલાપ કરતું હતું. અન્ય હરણિયાઓ એ તેને સાંત્વના આપી, તેને શાંત પડ્યું તો અન્ય એક હરણીયું એમ પણ બોલ્યું કે ભાઈ શાંત થઇજા આજે નહીં તો કાલે આપણા પણ તારા ભાઈ જેવાજ હાલ થવાના છે. એકના એક દિવસે આ લૂછો સિંહ આપણને પણ ચાઉં કરી જવાનો છે જોજો. એમ કહી તે હરણીયું જંગલ તરફ નીકળી પડ્યું. અન્ય હરણિયા ઓ પણ ત્યાંથી નીકળી ગયા. માત્ર જેનો નાનો ભાઈ આજે દુનિયામાં નહોતો રહ્યો તે હરણીયું બિચારું ઉદાસ થઈ ને જંગલ ના એક ખૂણા માં જઈને બેસીને રડતું હતું.

આ બાજુ અત્યંત ચંચળ એવી ગોટી ગુફા માંથી બધાય નું ધ્યાન ચૂકવી ને જંગલ માં વિહાર કરવા નીકળી પડી હતી, જાણે કે તેને કોઈ ની બીકજ ના હોય. ગોતી ને તો જંગલ માં આમતેમ કુદકા લગાવીને દોડવામાં મજા આવી ગઈ. જરાક થાક લાગતો તો વળી પેટ ભરીને ચારો કરી લીધા બાદ વળી પછી આમતેમ ગીતો ગતિ ઠેકડા ભરતી જંગલ માં આગળ વધતી જતી, તો વળી અહીં ગુફા માં બધા ચિંતા માં મુકાઈ ગયા હતા કે ગોટી ગઈ ક્યાં હશે, ક્યાંક તેને જંગલ ના હિંસક પ્રાણીઓ તો નઈ ઉપાડી ગયા હોય ને? તેઓ ચારેય બાજુ જંગલ માં આમતેમ ફરી વળ્યાં પણ તેઓને ગોટી હાથ ના લાગી. તેઓ ચારેય ઘેરી ચિંતા માં સરી પડ્યા, અને ભગવાન પાસે પ્રાર્થના કરવા લાગ્યા કે જલ્દી થી ગોટી પછી ફરી આવે.

અહીં ગોટી તો જંગલ ના પ્રાકૃતિક વાતાવરણ માં મશગુલ થઈને વનવિહાર કરતી હતી તે ભૂલી જ ગઈ હતી કે ગુફા માં સૌ કોઈ તેની ચિંતા કરતા હશે. તે જંગલ માં ફરતી હતી ત્યાં અચાનક તેને કોઈક ના રડવાનો અવાજ આવ્યો, તે થોડીક સાવચેત થઈ ગઈ અને જે દિશા માંથી રડવાનો અવાજ આવતો હતો તે દિશા માં ગોટી દબાતા પગે આગળ વધી. ત્યાં તેની નજર એક ખૂણા માં જઈ પડી અને ત્યાં જોયું તો એક હરણિયા નું બચ્ચું ખૂણા માં બેસી ને રડતું હતું. આમ તેને રડતા જોઈને ગોટી થી રહેવાયું નહીં અને ત્યાંથી ભાગી જવાને બદલે તે હરણિયા પાસે જઈને તેના ખભે હાથ મૂકી ને કહ્યું, "ભાઈ, તને શું થયું છે? તું કેમ રડે છે ભાઈ? "

આમ અચાનક બકરી ના આવવાથી અને તેની સહાનુભૂતિ થી હરણ અવાક થઈ ગયું, બકરી ને જોઈને તેને યાદ આવ્યું કે આતો પહેલીજ બકરી છે જેના વિશે મેં સિંહ મહારાજ ને કહ્યું હતું.

ગોતી ફરીથી તેના આંસુ લૂછીને તેને પૂછે છે, "ભાઈ, હું તારી બહેન જેવીજ છું તું મને તારું દુઃખ જણાવ તું રડે છે કેમ? હું તારું દુઃખ દૂર કરવાનો પ્રયત્ન જરૂર કરીશ. આ સાંભળી હરણ ને મનોમન અફસોસ થવા લાગ્યો કે જ્યારે આજે મારા દુઃખ નું ભાગીદાર થવા કોઈ રાજી નથી ત્યારે આ અજાણી બકરી કે જેના વિશે મેં લુચ્ચા સિંહ ને બધુજ જણાવી દીધું છે તે એકમાત્ર બકરી જ આજે મારું દુઃખ દૂર કરવા આવી છે. ધિક્કાર છે મારી જાત ને કે બકરી વિશે અને તેના મિત્રો વિશે જોયા જાણ્યા વગર જ સિંહ ને તેમના વિશે જણાવી તેઓને ઉપાધિ માં મૂકી દીધા છે. ગોટી હરણ ને બાજુ ના કુવામાંથી પાણી લાવી આપી તેને શાંત કરે છે. હરણ પાણી પીએ છે. ત્યારબાદ તે થોડુંક સ્વસ્થ થઇને પ્રથમ તો ગોટી નો દુઃખ માં સાથ આપવા માટે આભાર વ્યક્ત કરે છે.

ત્યારબાદ તે બકરી ને બધીજ હકીકત જણાવી તે ગોટી ને સમગ્ર જંગલ ના બધાજ પ્રાણીઓ ની માહિતી આપે છે, અને તે જંગલ માં સિંહ ના એકચક્રી શાસન વિશે પણ જણાવે છે, અને આજે સવારે નફ્ફટ સિંહે તેના ભાઈનો શિકાર કર્યો હતો તે અંગે જણાવીને વળી પાછું હરણ રડી પડે છે.

"ઓહ, તો આ લંપટ સિંહ ને કારણે તું રડે છે એમને, એને તારા ભાઈને નાખ્યો નફ્ફટ સાલો"

હરણ તું ચિંતા ના કાર ભાઈ, હું તારી બેન ગોટી અને મારા મિત્રો તારી સાથે છીએ, અમે જરૂર તમારા જેવા નિર્બળ પ્રાણી ઓ ને લુચ્ચા સિંહ ની ચુંગાલ માંથી બચાવીશું. ભાઈ તું મારી સાથે ચાલ હું તને અમારી ગુફા માં લઈ જાઉં. આમ ગોટી અને હરણ બંને રસ્તા માં વાતો કરતા કરતા ગુફા તરફ જાય છે.

આ બાજુ ગુફા માં સૌ કોઈ ગોટી ને લઈને ચિંતાતુર હોય છે એવામાં ગોટીને હરણ સાથે દૂર થી આવતા જોઈને સૌ આનંદ માં આવી જાય છે. ગુફા માં પહોંચીને ગોટી ગુફા માં હજાર અનેરી અને તેના માતાપિતા ને હરણ વિશે ની બધીજ વાત કરે છે, એ સાંભળી ભંવરી દુઃખી થાય છે. તે હરણ ની નજીક આવીને પૂછે છે, "બેટા, તારું નામ શું છે? "

હરણ કહે મારું નામ પિંકુ છે. ભંવરી પિંકુ ને આશ્વાસન આપતા કહે છે "જો બેટા, હવે તું ચિંતા નહીં કર, મારો દીકરો દુગી અને દીકરી અનેરી બહુજ હોશિયાર છે અને તેઓ તમારા જેવા ભોળા પ્રાણીઓના પ્રેમી છે, તે જરૂર તમારી મદદ કરશે અને સિંહ ની ચુંગાલ માંથી તમને મુક્ત કરાવશે"

આટલું બોલતા સુધી માટે દુગી બહાર જંગલ માંથી દોડતો, હાંફતો ગુફા માં આવે છે. તેને જોઈને અનેરી પૂછે છે, "શું થયું ભાઈ, આટલો હાંફે છે કેમ? જો હવે તો ગોટી પણ મળી આવી છે. તું ચિંતા નહીં કર.

ગોટી દોડી ને દુગી ને ભેટી પડે છે, દુગી પણ ગોટી ને ઉંચકી લે છે. હવે દુગી ની નજર પિંકુ પર પડતા તે આશ્ચર્ય માં મુકાઈ જાય છે. ભંવરી દુગી ને પૂછે છે બેટા તું આમ એકાએક જંગલ માંથી દોડતો દોડતો કેમ આવ્યો? ક્યાંક પેલો લુચ્ચો સિંહ તો તારી પાછળ નથી પડ્યો ને?

દુગી ધીમા અવાજે કહે છે, "અરે નહીં નહીં, મારી પાછળ જંગલ નું કોઈ હિંસક પ્રાણી નથી પડ્યું પરંતુ એક મોટી મુશ્કેલી આવી પડી છે"

પિંકુ પૂછે છે, મુશ્કેલી? કેવી મુશ્કેલી?

દુગી તેની બહેન, માતાપિતા, અને ગોટી ને કહે છે, પેલા ક્રૂર માનવભક્ષી રાક્ષસ અસારંભ ના સૈનિકો અહીં જંગલ માં આવી પહોંચ્યા છે અને બિચારા નિર્દોષ નાના નાના પ્રાણીઓનો શિકાર કરીને તેઓને ઉપાડી જઈ રહ્યા છે. પિંકુ આશ્ચર્યચકિત થઈને પૂછે છે, "આ અસારંભ વળી કોણ? તે સિંહ છે કે વાઘ? ? મેતો ક્યારેય તેના વિશે સાંભળ્યું નથી. હું તો વર્ષો થી આજ જંગલમાં રહું છું"

ત્યારબાદ ગોટી પિંકુ ને તેઓ શુંકામને ગામ છોડી ને જંગલમાં આવ્યા તે વિશેની તમામ હકીકત પિંકુ ને જણાવે છે, અને દુગી ને પણ પિંકુ વિશે ની તમામ માહિતી આપે છે. આ બધું સાંભળીને પિંકુ કહે છે, "ઓહ, તો એમ વાત છે. મેં તમને લોકો ને જ્યારે પેલી વાર જંગલમાં જોયા હતા ત્યારેજ વિચાર આવ્યો હતો કે આ લોકો શહેર છોડી ને જંગલ માં રહેવા શુંકામને આવ્યા હશે? મને એમ થયું કે તમે લોકો અમારા જેવા ભોળા પ્રાણી ઓ ના શિકાર કરવા આવ્યા હશો. એવું વિચારીને બીકને મારે મેં અમારા મહારાજ સિંહ ને તમારા વિશે બધું જણાવીને તમને મુશ્કેલી માં મૂકી દીધા છે.

અનેરી આ બધું સાંભળીને બોલે છે, "હે ભગવાન, આતે કેવી મુસીબત આ બાજુ હિંસક સિંહ ને બીજી બાજુ અસારંભ ના સૈનિકો, આ બંને વચ્ચે મરો તો આપણોજ ને. (અનેરી રડવા લાગે છે. )

પિંકુ અનેરી પાસે જઈને તેના ખભે હાથ મૂકીને કહે છે, "બહેન, રડ નહીં. મેં તમને મુશ્કેલીમાં મુક્યા છે તો હુંજ તમને મુશ્કેલીમાંથી ઉગારીશ. તમે જરાય ચિંતા ના કરો આમ કહી પિંકુ ફોન કરીને તેના મિત્ર શિયાળ ને ત્યાં ગુફા માં બોલાવે છે. શિયાળ ભાઈ ગુફામાં આવતાજ પિંકુ તેને બધી હકીકત જણાવે છે. શિયાળ ભાઈ તો બહુ ચતુર હોય છે!તેઓ જરા વિચારીને કહે છે,

"ઓહ, તો એમ વાત છે? આપણા જંગલ માં માનવભક્ષી રાક્ષસો? જરૂર કૈક વિચારવું પડશે નહીંતર આ રાક્ષસો તો આપણને પણ નહીં છોડે. તેઓની પાસે ઘાતકી હથિયારો પણ હોય છે. શિયાળ ઘડીક વિચારીને દુગી ને કહે છે તમે ચિંતા નહીં કરતા, હું અને પિંકુ અત્યારેજ અમારા જંગલ ના રાજા સિંહ પાસે જઈને આ રાક્ષસોની વાત કરીએ છીએ, અમારા રાજા ડરીને જરૂર કૈક પગલાં લેશે. અમે જંગલના બધાય હિંસક પ્રાણીઓ હું, મહારાજ સિંહ, વાઘભાઈ, ચિત્તામાંમાં, દીપડાકાકા, અને વડીલ એવા હાથી દાદા, વાંદરા ભાઈ અને ગધેડાભાઈ બધાયે ભેગા મળીને રાક્ષસો સામે હલ્લો મચાવીશું પછી જુઓ તમને હેરાન કરનારા એ માનવભક્ષી રાક્ષસો ઉભી પૂંછડિયે ભાગે છે કે નહીં.

શિયાળભાઈ ની વાત સાંભળીને તેઓ બધાયની ખુશીનો પાર નથી રહેતો. ત્યારબાદ શિયાળ અને પિંકુ બંને ચાપાણી કરીને ત્યાંથી રવાના થઈને સિંહ રાજા પાસે જઈને તેઓને આ રાક્ષસો વિશે માહિતી આપે છે. આ સાંભળી તુરંતજ રાજા સિંહ જંગલ ના તમામ પ્રાણીઓની તાત્કાલિક મિટિંગ ગોઠવે છે.

મિટિંગમાં મહારાજ સિંહ કહે છે, "મારા વહાલા મિત્રો, દિન પ્રતિદિન આપણી મુશ્કેલીઓ વધતી જાય છે, પિંકુ એ જોયેલા પેલા ચાર માણસો હજી ઓછા પડતા હોય તેમ બીજા પણ અન્ય કેટલાક હથિયારધારી માણસો આપણા જંગલ માં આવી ચડ્યા છે. (બધા પ્રાણીઓ ચિંતાતુર થઈ અંદરોઅંદર કલબલાટ કરવા લાગ્યા. )સિંહ ગુસ્સે થઈ ને તાડૂક્યો શાંતિ રાખો ભાઈઓ આ કોઈ શાકમાર્કેટ નથી. મિત્રો એકતા માં જે તાકાત છે એ તાકાત એકલાપન માં નથી, અને આ હથિયારધારી માણસોની માહિતી શિયાળભાઈ લાવ્યા છે જે કદાપિ ખોટી ન હોઈ શકે.

આ સાંભળતા જંગલના સૌથી વડીલ અને ડોક્ટર એવા હાથીભાઈ કહે છે, "આ લુચ્ચા માણસો મને મારીને મારા કિંમતી દાંત અને અન્ય અંગો લઈ જશે, અને પાછા મારી કહેવતો પાડે છે કે હાથી જીવતો લાખ નો, ને મરેલો સવા લાખ નો લો બોલો લુચ્ચા ઓને ઘરમાં કોઈ વડીલ નઈ હોય કે શું? અને મહારાજ તમને મારીને તમારું ચામડું, નહોર વહેંચી ને માલામાલ થાય છે. હવે શું કરીશું મહારાજ આપણે? અન્યોના ના જીવ પણ જોખમ માં છે. "

સિંહ જુસ્સાભેર અવાજ થી કહે છે, "મિત્રો, એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી તેઓ માણસો હોય તો આપણે જનાવર ની જાત છીએ. બહુ થયું હવે છુપાઈ છુપાઈ ને નથી રહેવું, પાર્થ ને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એજ કલ્યાણ!"

આમ યુદ્ધ ના એલાન કરીને રાજા સિંહ સભા બરખાસ્ત કરે છે. સૌ કોઈ પોતાના ઘેર જઈ યુદ્ધ ની તૈયારી ઓ કરવા લાગે છે. નક્કી થયેલા સમય મુજબ બીજા દિવસે સવારે યુદ્ધ મેદાને બધા પ્રાણીઓ સિંહ ની આગેવાની માં પહોંચી જાય છે. તેઓને જોઈને રાક્ષસોનો સેનાપતિ ઘડીભર તો મુંજાઈ જાય છે. પરંતુ તે હિમ્મત હાર્યા વગર તેના સાથીઓને આક્રમણ કરવા કહે છે. બંને બાજુ થી ધારદાર પ્રહારો ચાલુ થાય છે. એક એક કરીને સિંહ, વાઘ, ચિત્તો, દીપડો, વાંદરો, હાથીભાઈ, બધાય પ્રાણીઓ રાક્ષસો પર વાર કરવા લાગ્યા.

કોઈને સિંહ ના પંજા પડ્યા તો કોઈને વાઘ ના નહોર, કોઈને વાંદરા ની થપાટ પડી તો કોઈને હાથી ની સૂંઢ, તો વળી કોઈને ચિત્તા એ ફાડી ખાધા, ગધેડા ભાઈની તો લાતો ખાઈને બધા નાઠા !!!

દુગી પણ ત્યાં એક ઝાડ પર છુપાઈને ગીલ્લોળ થી રાક્ષસો પર પ્રહાર કરતો હતો. કેટલાક પ્રાણીઓને પણ રાક્ષસો ના વાર થી નાનીમોટી ઇજા થઈ હતી. પરંતુ પરિસ્થિતિ કાબુ બહાર જણાતા રાક્ષસોના સેનાપતિ બચેલા સૈનિકો ને લઈને જંગલ માંથી નાસી ગયો. આ બાજુ સૌ કોઈ પ્રાણીઓ ગેલ માં આવીને કૂદવા લાગ્યા, હર્ષોલ્લાસ કરવા લાગ્યા. સૌ કોઈ વિજયોત્સવ મનાવા લાગ્યા. તેઓ સૌકોઈ ખુશ હતા.

વિજયોત્સવ મનાવ્યા બાદ તેઓ બધા પ્રાણીઓ સિંહ ના ઘેર પહોંચ્યા. ત્યાં પહોંચી સૌપ્રથમ તો યુદ્ધ માં ઘાયલ પ્રાણીઓને ડૉ. હાથીએ સારવાર આપી. ત્યારબાદ વિજયોત્સવ ના માન માં મહારાજ સિંહે જમણવાર રાખ્યો હતો જેમાં પેટભરીને જમ્યાબાદ સૌ પોતપોતાના ઘેર ચાલવા લાગ્યા.

વિજય ના આનંદ માં પિંકુ અને શિયાળભાઈ દુગી ની ગુફા પર જાય છે. તેઓને આવતા જોઈ દુગી, અનેરી અને ગોટી બંને ને ભેટી પડે છે. દુગી રાક્ષસોને જંગલમાંથી ભગાડી મુકવા માટે સમગ્ર પ્રાણીઓનો શિયાળભાઈ સમક્ષ આભાર વ્યક્ત કરતા કહે છે, "જો તમે અમારી મદદ ના કરી હોત તો માનવભક્ષી રાક્ષસો અમને જીવતા ના રહેવાદેત"

શિયાળ ભાઈ કહે છે મિત્ર કોઈ નિર્બળ જરૂરિયાત મંદ વ્યક્તિ ની મદદ કરવી એ અમારી ફરજ છે. આમા તમારે અમારો આભાર માનવાનો ના હોય. તેઓ બધા ખુશી માણવા લાગ્યા. આમ દરરોજ પિંકુ અને શિયાળભાઈ ચોરી છુપી રીતે ગુફા માં આવી ને તેઓને મળતા રહેતા.

એક દિવસ પિંકુ એકલું એકલું જંગલ માં ગીતો ગાતું ચાલ્યું જતું હતું એવામાં રાજા સિંહ તેને અધવચ્ચે ભેટી પડ્યો. આમ અચાનક સિંહ ને માર્ગ માં જોઈ પિંકુ હેબતાઈ ગયું. તે કઈ બોલ્યા વગર સિંહ ની ભૂખી આંખો માં જોઈ ચુપચાપ ઉભું રહ્યું. સિંહ પિંકુ ને કહે છે, "પિંકુ, આજે મને બહુ ભૂખ લાગી છે. કેટલાય દિવસ થી કઈ ખાધું નથી મેં.

પિંકુ મનમાં સમજી ગયું કે આજે લુચ્ચા સિંહ ના હાથે પિતાનો શિકાર થવાનો જ છે. તે ગભરાઈને રડવા લાગ્યું. કોઈક ના રડવાનો અવાજ સાંભળી ને ત્યાં આજુબાજુ માં આંટા મારતો દુગી પિંકુ પાસે આવી ચડ્યો. તે સિંહ ને જોઈને ઘડીભર તો ગભરાઈ ગયો. પણ આમતો તે બહાદુર હતો, તે સિંહ થી ડર્યો નહીં. તેને પિંકુ ને જોઈને પરિસ્થિતિ નો તાગ મેળવી લીધો. તેને મનોમન પિંકુ ને મદદ કરવાનું નક્કી કર્યું.

દુગી સિંહ સામે જોઈને કહે છે, "કેમ છો મહારાજ, મજામાંને ? "

તેને જોઈ ને સિંહ કહે છે, "અરે તુંતો પેલોજ છું ને તે દિવસે ચીકુ ના બગીચા માં હતો એ? ક્યાં ગયો તારો બીજો સાથીદાર? "

દુગી કહે છે, "ઓહ, તો તે દિવસ થી અમારી જાસૂસી કરો છો એમને ? એક વાત કહું મહારાજ, તમે આ નાના, નિર્દોષ, નિર્બળ પ્રાણીઓ ને કેમ મારો છો? અરે આતો તમારી મદદ કરે છે. એનેજ તમે મારશો? "

સિંહ તાડુકી ને કહે છે, "તો તું મને શીખવીશ કે મારે શું કરવું એમ ? તને આ પિંકુ પ્રત્યે બહુ હમદર્દી હોય તો આવીજ તું તારો શિકાર કરીશ આજે. "

આ સાંભળી પિંકુ કહે છે, નહીં નહીં મહારાજ હું તમારો શિકાર છું દુગી નહીં, તમે મને ખાઈ જાવ દુગી ને જવા દ્યો.

આ સાંભળી દુંગી ભાવવિભોર બની જાય છે, અચાનક તેના મગજ એક આઈડિયા સુજે છે. તે કહે છે, "પિંકુ, મને આપણા મહારાજ સિંહ માટે સરસ મજા નો આઈડિયા આવ્યો છે. એમને લાંબા સમય સુધી ખોરાક મળી રહે તેવું મેં વિચારી રાખ્યું છે. "

આ સાંભળીને સિંહ ઉત્સુકતા થી દુગી ને પૂછે છે, "એવું તે શું વિચારી રાખ્યું છે મારા માટે? જલ્દી થી બતાવ મને. "

દુગી કહે છે જુઓ સિંહ ભાઈ આ આપણા જંગલ ની બાજુમાં નદીને પેલેપાર એક ગામ છે, ત્યાં છેને બહુ ખડતલ, કદાવર માણસો રહે છે. તમે આ સુકલકડી હરણિયા માં શું નજર નાખો છો. હુજે માણસોની વાત કરું છું તેતો ઘાટીલા દેહ વાળા છે, તમે તેમનું માંસ ખાસો તો મહિના સુધી તમને ખોરાક ની જરૂર નહીં પડે. એકવાર તમે બધા માંસાહારી પ્રાણીઓ ત્યાં આંટો મારી આઓ, તે ગામ નું નામ છે ગળું.

સિંહ થોડું વિચારીને કહે છે વાત તો તારી સાચી છે ભાઈ. મારે આ મારા નાના મિત્રો ને બદલે અન્ય લોકો નું મારણ કરવું જોઈએ. ભાઈ તું મને ગળું ગામનો રસ્તો બતાવ.

આમ એક દિવસ રાજા સિંહ અન્ય હિંસક પ્રાણીઓ વાઘ, દીપડા, ચિત્તા, વગેરે ને લઈને ગળું ગામે જઈને અસારંભના દુષ્ટ સૈનિકો નો શિકાર કરવા લાગ્યા. દિવસે ને દિવસે અસારંભ ના સૈનિકો ની સંખ્યા ઘટવા લાગી, સિંહ ને જ્યારે પણ ભૂખ લાગતી ત્યારે તે સાથી મિત્રો સાથે ગળું ગામે પહોંચી જતો. આખરે એક દિવસ તો ખુદ અસારંભ મહારાજ સિંહ નો શિકાર બની ગયો. આ સમાચાર જ્યારે દુગી એ સાંભળ્યા ત્યારે તે મનોમન હસીને ખુશ થાય છે. આખરે તેની એક તીર દો નિશાન વાળી નીતિ સફળ થાય છે.

જંગલ ના મહારાજ સિંહ દુગી અને તેના પરિવારજનો નો સન્માન સમારોહ રાખે છે. આ તકે દુગી સહુ નો આભાર માનતા કહે છે, "મહારાજ સિંહ, પિંકુ, શિયાળભાઈ, તથા આપ સર્વે ભાઈઓ તમોએ અમોને આવો ઘરજેવો સહકાર આપીને અમોની લાગણી ના તાર આસમાને અંબાવી દીધા છે. તમો એ દુષ્ટ અસારંભ અને તેના સૈનિકો ને નરકમાં પહોંચાડી અમોના ગામ ને ઉગારી લીધું એ બદલ અમો તમો ના ચરણોમાં વંદન કરીએ છીએ. આપ સહુ આવીજ રીતે સંપીને રહેજો, અમે અમારા ગામમાં જઈ તમારી "માણસાઈ "નો પરિચય જરૂર આપીશું.

ત્યારબાદ સૌ કોઈ ડાન્સ, મસ્તી કરતા હોય છે એવામાં ગોટી ની નજર ખૂણા માં સુનમુન થઈને બેઠેલા પિંકુ ઉપર જાય છે. દુગી, ગોટી, અનેરી અને તેના માતાપિતા પિંકુ પાસે જઈને તેને ભેટે છે. ગોટી પિંકુ ને કહે છે, "જો પિંકુ તું આમ ઉદાસ થઈને બેસે એ કેમ ચાલે. આપણે સૌ જેટલો સાથે રહ્યા તે કાયમ ને માટે યાદગાર રહેશે. અમે અમારા ગામ જઈને તને ભૂલી નહીં જઈએ. અમે ક્યારેક ક્યારેક તને મળવા આવતા રહીશું અને હા વૉટ્સઅપ પર ચેટિંગ કરતા રહીશું. "

પિંકુ થોડું સ્વસ્થ થઈને કહે છે, "હા મિત્ર, હું પણ તમને બહુજ યાદ કરીશ. દુગી તે મારો જીવ બચાવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. "

ત્યારબાદ ગોટી તેના મોબાઈલમાં પિંકુ સાથે સેલ્ફી ફોટો ખેંચે છે અને વાંદરાભાઇ બધાનો સમૂહ ફોટો ખેંચે છે. બધાજ પ્રાણીઓ દુગી અને તેના પરિવારને હસતાં મોઢે વિદાય આપે છે.

ગળું મુકામે જે ગામજનો અસારંભ ની ચુંગાલ માંથી ભાગી છુટેલાં તે લોકો વળી પાછા પોતાના ગામે આવી વસેલા. તેઓ દુગી અને તેના પરિવારને ગામમાં આવતા જોઈ આનંદ માં આવી ગયા.

દુગી એ રાજા ગિરિરાજને પોતે જંગલમાં બેઠા બેઠા કેવી રીતે અસારંભ ને મરાવ્યો તેની વિગતે માહિતી આપી. આ જાણી ને રાજા ગિરિરાજે દુગી અને તેના પરિવારનું સન્માન કર્યું.

આજ ફરીથી ગળું ગામ પોતાની ગુમાવેલી પ્રતિષ્ઠા પાછી મેળવી રહ્યું હતું અને પોતાની સુંદરતા, એકતા, અખંડતા પ્રદીપ્ત કરી રહ્યું હતું.

ક્યારેક ક્યારેક દુગી, ગોટી, અનેરી, અને તેના માતાપિતા જંગલ માં જઈને પિંકુ, શિયાળભાઈ, મહારાજા સિંહ અને અન્ય મિત્રોને મળી આવતા......