Vidambana in Gujarati Motivational Stories by Kunalsinh Chauhan Kamal books and stories PDF | વિડંબણા

Featured Books
Categories
Share

વિડંબણા

વિડંબણા

“હું નથી પૂછતો સમય કે તને,

તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા

એટલું પ્રેમથી માત્ર કહી દે મને,

જોઈએ તારે આખર ઝખમ કેટલા?”

આજનો યુવાન કે જેને ૧૨ વર્ષે બુદ્ધિ, ૧૬ વર્ષે શાન અને ૨૦ વર્ષે ભાન આવી ગયું છે, તેના મનમાં ચાલતી ગડમથલનો અહેવાલ આ પંક્તિઓ કદાચ આપી શકે છે. ગોળ ગોળ ફરતી જિંદગી..... અને સાથે આપે છે, અપેક્ષાઓ, આશાઓ, આકાંક્ષાઓ અને અવિરત ઈચ્છાઓ. જિંદગી ગોળ ગોળ ફરીને આખરે થંભી જાય છે, હતા ત્યાં ના ત્યાં. મનમાં સવાલ થાય છે, બસ પતી ગયું??? અફસોસ થાય છે, કેટલું બધું કરવું હતું ને કેટલું બધું રહી ગયું. છેલ્લી હતાશા – છેલ્લી નિરાશા અને છેલ્લે નિશ્વાસ – નિશબ્દ.

ખરેખરનો કંટાળો આવી જાય તેવું જીવન જીવીએ છીએ. કાંટાળી તો એમ પણ ગયા છે, પરંતુ કશું થાય એમ નથી. હવે તો જીવન આમ વિતાવ્યે જ છૂટકો. શું કામ??!

આ પેન થકી જે શબ્દો ઉતારી રહ્યા છે, એ એવા યુવાન માટે છે જે સપના જુએ છે, જેને સપના જોવા ગમે છે. જેને જીવનમાં કંઈક તો કરવું છે. જે મહત્વાકાંક્ષી છે અને જે..... જવાબદારી નીભાવવા પણ તૈયાર છે.

આપણે ખરેખર આપણું જીવન એક વિડિયોગેમનાં અલગ અલગ “સ્ટેજ” જેવું કરી નાખ્યું છે. બાળપણ હતું તો રમ્યા, ફર્યા, પડ્યા, ઝગડ્યા અને થોડી ઘણી શિખામણોનો માર ખાધો પણ નજરઅંદાજ કરી. એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખી. થોડા મોટા થયા તો મુગ્ધાવસ્થામા પ્રવેશ્યા. હવે નાના નથી રહ્યા એટલે મજાક મસ્તી છોડવી પડી અને મોટા નથી થયા એટલે આઝાદી નથી મળી, મળી તો ફક્ત મૂંઝવણ. જેમ તેમ કરીને યુવાનીમાં પ્રવેશ્યા તો મૂંઝવણ લગભગ વધારે વધી. સમાંતરે કહી શકાય કે શાળા કોલેજના શિક્ષણ બાદ નોકરી માટે “બજારમાં” પ્રવેશ્યા. પરંતુ, વિચાર્યું હતું શું? અને નીકળ્યું શું?

મનપસંદ નોકરી શોધવા નીકળ્યા હતા, મનપસંદ કામ શોધવા નિકળ્યા હતા, એ તો મળ્યા નહિ અને જે નોકરી મળી તે મનને કરવી પસંદ નથી; તો ગમે તે કામ કરવામાં, કામ કરવાનો આનંદ નથી. આપણામાંથી ૯૯% લોકોની જિંદગી આવી જ છે. કારણ?

કારણ કે આપણા માથે “જવાબદારી” છે. આપણા શિરે કાં તો જવાબદારી આવવાની છે, કાં તો આપણે કમ્પલસરી (ફરજિયાત) નિભાવવાની છે. ચોખ્ખા શબ્દોમા, ઘરસંસાર ચલાવવાનો છે. (નાં... દેશના – સમાજના એક સારા પ્રતિષ્ઠિત નાગરિક – વ્યક્તિ બની ચોરી, લૂંટફાટ, ગુંડાગર્દી, જુગાર, સટ્ટા જેવા શોર્ટકટ અપનાવ્યા વગર આમદની રળીને જીવવાનું છે.) અને આમ જીવન વિતાવ્યા બાદ, પોતાની આગળની પેઢી પાસેથી “ઉછીનો” સંતોષ મેળવવાનો હોય છે કે હાશ! બધું સમુસૂતરું પતી ગયું. છોકરા – છોકરી ભણી રહ્યા, નોકરી – ધંધે ચડ્યા, લગ્ન થયી ગયા એટલે અમે ગંગા નાહ્યા. હવે તો બસ, છોકરાના છોકરા રમાડીશું અને પ્રભુ ભજન કરીશું.

હવે આજ વારસો પછીની પેઢીને મળવાનો છે અને આ ચક્ર આમ જ ચાલ્યા કરવાનું છે. આ સમાજવ્યવસ્થામા કોઈ પ્રોબ્લેમ કે મુશ્કેલી નથી. એક થોડી ખામી છે, ઉણપ છે “વ્યક્તિગત સંતોષની.” આ ૯૯% લોકો આગળ કહ્યું તેમ આ વિચારતા – વિચારતા જ દુનિયા છોડવાના છે. આનું કારણ છે તેમણે પોતે જોયેલા સપનાઓ અને તેમની ઈચ્છાઓ, પછી તે વ્યક્તિગત હોય કે પૂરા સમાજના હિતમાં હોય, જે તેઓ પૂરી ન કરી શક્યા... જવાબદારી નીભાવવાની પળોજણમા.

આ એ ૯૯% લોકો છે, જેમણે જેમ જેમ ઉંમર વધી, (સોરી) અનુભવ વધ્યો તેમ તેમ પોતાની ઈચ્છાઓ, આકાંક્ષાઓ અને સપનાનું બલિદાન આપ્યું, બાંધછોડ કરી, સમાધાન કર્યું, એમની પોતાની સાથે સંકળાયેલાઓની આશાઓ અને અપેક્ષાઓ સંતોષવા અને પૂરી કરવા. પરંતુ આમ કરવા જતા તેમના વ્યક્તિગત સુખનું તો પતન થયી ગયું. તેમને પોતાને જે કાઈ કરવું હતું, પોતાની રીતે, પોતાના માટે અથવા તો સમાજ માટે કે પછી પોતાના દેશ કે કુટુંબ માટે તે તેઓ ન કરી શક્યા અને તેનો તેમને અફસોસ રહી જાય છે.

તો આખરે કરવું શું? એક વસ્તુ જે કદાચ થયી શકે એમ છે, એ છે – જરૂરીયાત પર કાપ. જરૂરીયાતોમાં ઘટાડો. કારણ કે જગ જીતવા માટે પહેલા પોતાની જરૂરિયાતો જીતવી પડશે. ૫૦ વર્ષ પહેલા રોટી, કપડા અને મકાન આપણી પ્રાથમીક જરૂરિયાત હતી. આજે તો રોટી, કપડા, મકાન, સ્માર્ટફોન, ઈંટરનેટ, પર્સનલ વિહિકલ, સિનેમા અને હોટલ... આ બધી આપણી પ્રાથમિક જરૂરિયાતો બની ગયા છે. હવે, આટલી બધી જરૂરીયાતો પૂરી કરવા જોઈએ અઢળક રૂપિયા. આ રૂપિયા મેળવવા માટે કરવી પડે નોકરી, જે કદાચ ગમતી પણ હોય અને ન પણ ગમતી હોય અથવા તો એવા કામ કરવા પડે જેમા મજા જ ન આવતી હોય. આવતો હોય તો ફક્ત કંટાળો.

હવે, કરવા જેવું જે ખરેખર કામ છે એ છે, જીવનમાં કોઈ લક્ષ્ય નિર્ધારિત કરવું. જેના માટે કઈ પણ કરવું પડે, કઈ પણ સહન કરવું પડે અને તેના માટે તૈયારી બતાવવી જ પડશે. બીજી જે વસ્તુ સમજવાની છે તે એ છે કે જીવનમાં નક્કી કરેલા લક્ષ્ય માટે કોઈ શરમ કે નાનમ અનુભવી તો લક્ષ્ય મૃગજળ સમાન બની જશે. ધારો કે મારે ધંધો કરવો છે કે પોતાનું ઘર ખરીદવું છે. આ બંને માટે રૂપિયા જોઇશે. તો એ રૂપિયા નિર્ધારિત સમયમાં લાવવા ક્યાંથી અને એ પણ સારા માર્ગે મહેનત કરીને કમાઈને?

આ રૂપિયા કમાઈ શકાય છે દિવસના ૧૬ થી ૧૮ કલાક કામ કરીને, પછી તે કામ ભલે ગમે તે હોય. તે કામ કરતી વખતે અહી એ નથી જોવાનું કે હું કામ કરી રહ્યો છું. જોવાનું એ છે કે હું મારા લક્ષ્યની નજીક પહોંચી રહયો છું. હવે જોવાનું એ છે કે જો હું કોલેજ કરતો હોઉં કે ૮ કલાકની નોકરી કરતો હોઉં તો તે સિવાય બીજા કયા કામ કરી શકું કે જેથી “એક્સ્ટ્રા ઇન્કમ” કે વૈકલ્પિક કમાણી કરી શકું? આજે એવા ઘણા બધા લોકો છે જે પાર્ટ ટાઇમ નોકરીની લાલચ આપીને કે ઘેર બેઠા કમાઓ જેવી લોભામણી જાહેરખબરો આપીને છેતરી જાય છે. એટલે એવા કામ શોધવાના છે જેમાં “રિસ્ક” ઓછું હોય, ભલે તેમાં મહેનત વધુ હોય.

આપણે સૌથી પહેલું અને સરળ કામ કરી શકીએ છીએ એ છે – માર્કેટિંગ, સેલ્સમેનશીપ. અહી એક વાત પહેલા ધ્યાનમા રાખવાની છે કે કયું કામ છે, કેવું કામ છે એ જોવાનું નથી. આપનો અલ્ટીમેટ ગોલ છે રૂપિયા કમાવવાનો, આપણું મનગમતું કામ કરવાનો, આપણને વ્યક્તિગત સંતોષ થાય તેવું કામ શોધવાનો અથવા તે કામ કરવા સક્ષમ બનીએ એ માટેના પ્રયત્નો કરવાનો. અહી મનગમતી નોકરીની વાત નહિ કરૂ. મનગમતી નોકરી મેળવવા માટે તમારી પાસે “EXCELLENCE” આવડત અને પ્રતિભા હોવી જરૂરી છે અને સાથે ૦.૧% નસીબ. જેની ચર્ચા આમીરસાહેબે ૩ ઈડિયટ્સમા તો ચેતનસાહેબે “ફાઈવ પોઇન્ટ સમવનમા” કરી નાખી છે. તો વાત હતી, માર્કેટિંગ જોબ કે સેલ્સમેનશીપ કરવાની. ફુરસદના સમયમાં આ કામ કરી શકાય છે, પછી માર્કેટિંગ ગમે તે વસ્તુનું કેમ ના હોય. તેનો મોટો ફાયદો એ છે કે તેમાં આપણો જ વિકાસ થવાનો છે કારણ કે અહી તમારે વસ્તુ વેચવાની છે અને એના માટે તમારે તે વસ્તુ વિષે પોતે ઉંડાણપૂર્વક સમજવાનું છે અને તમારા ગ્રાહકને ત્યારબાદ તેના વિષે સમજાવવાનું છે. આ ઉપરાંત તમારી વાક્છટા, વાણી, વર્તન, વ્યવહાર, સ્વભાવ બધામાં પરિવર્તન આવે છે. કહેવાય છે કે માર્કેટિંગનો માણસ ક્યાય પાછો પડતો નથી એનું કારણ છે એને વસ્તુ હોય કે સેવા, એ “વેચતા” આવડે છે, પોતાની વાત સામેવાળાના ગળામા ઉતારતા આવડે છે. જો પોતાનો વેપાર ચાલુ કરવાનો ઇરાદો હોય તો આ અનુભવ સચોટ કામ લાગે છે.

બીજું કે નોંકરી કે કોલેજનો સમય શાંતિથી ૧૦ વાગ્યા પછીનો હોય તો સવારના સમયનો પણ ઉપયોગ કરી શકાય છે. સવારમાં ઊઠીને દૂધ વેચવા જાવ, ન્યુઝપેપર નાખવા જાવ, અરે! શાકભાજીની લારી પણ કરી શકાય. એના પણ ફાયદા છે. પહેલો ફાયદો, આ કામ કરવા માટે સવારે વહેલા ઉઠવું પડે છે, એટલે કે રાત્રે વહેલા સુઈ જવાનું. એટલે આપણી, “રાત્રે વહેલા જે સુઈ, વહેલા ઉઠે વીર, બળ – બુદ્ધિ અને ધન વધે, સુખમાં રહે શરીર” કહેવત સાચી પડે છે. સવારમાં ૪ કે ૫ વાગ્યામાં શાકભાજી માર્કેટમાંથી ખરીદી, બધી સોસાયટીઓમાં ફરતા – ફરતા શાક વેચી શકાય છે અને એમાં પગને સારી એવી કસરત મળે છે, તો ન્યુઝપેપર સાઇકલ પર નાખતા હોવ કે પગપાળા વહેંચતા હોવ તો આમદની પણ મળે છે અને સાથે આરોગ્ય પણ. પછી, વજન વધી ગયું છે, ડાયાબિટીસ, બી.પી. આ બધી તકલીફો નથી નડતી કે સવારમાં વહેલા ઊઠીને યોગ, કસરત, પ્રાણાયામ કે જોગીંગ કરવાની પણ જરૂર પડતી નથી.

આ સિવાય બીજા ઘણા કામ છે જે આપણે કરી શકીએ છીએં જેમ કે વાયારમેનનું કામ, સોફ્ટવેર – હાર્ડવેરને લગતા કામ, પાર્ટટાઇમ લાઈબ્રેરીયન, પાર્ટટાઇમ એકાઉન્ટ સંભાળવું, કોલસેન્ટરની નોકરી વગેરે વગેરે. આ સિવાય આપણે આપણું મનગમતું કામ પણ જો સમયને સાચવી લઈએ તો કરી શકીએ છીએં, જવાબદારી નિભાવતા નિભાવતા અને ઘરની જરૂરિયાત પૂરી કરતા કરતા. અહી બીજી એક વાત નોંધીશ કે આપણામાંથી ઘણાના મા – બાપ કંઈક નાનું મોટું કામ કે ધંધો કરતા હોય છે, પરંતુ એ આપણને કરવો ગમતો નથી. આનું વ્યાજબી કારણ છે કે આ ધંધો કરવા જતા આપણા પપ્પાને પડતી મુશ્કેલીઓ, માણસો કે ગ્રાહકો સાથે લેવા પડતા લમણા અને બીજી નાનીમોટી તકલીફો અને મુશ્કેલીઓ આપણે નજરે નિહાળી હોય છે. છતાંપણ, કહીશ કે આપણે આપણા બાપ – દાદાનો ધંધો તો શીખવો જ જોઈએ. દુકાન હોય તો એમાં કામ કરતા આવડવું જ જોઈએ. કારણ કે જેના માબાપે નોકરી કરી છે એ લોકો તો નોકરી જ કરવાના છે, તેમની પાસે તો બીજો કોઈ રસ્તો કે વિકલ્પ છે જ નહિ. અને સિવાય કે તેઓ કંઈક કરી બતાવે. જો તમારા બાપ – દાદાનો ધંધો હોય, વ્યવસાય હોય કે નાની મોટી દુકાન હોય તો એનું કામકાજ તો તમને આવડવું જ જોઈએ. આનો મોટામાં મોટો ફાયદો એ છે કે તમે બેરોજગાર તો ક્યારેય બેસી નહિ રહો, જો તમારામાં તમારા કુટુંબના વ્યવસાયની આવડત હશે. તમે ભલે ગમે તેટલું ભણો, અરે... ડોક્ટર કે એન્જિનિયર કેમ ના થાઓ, પરંતુ તમારામાં તમારા બાપ-દાદાની ધંધાની આવડત હશે તો મનગમતી જગ્યાએ નોકરી મળે કે તમારૂ કલીનીક સુદ્ધા બરાબર ચાલતું થાય ત્યાં સુધી તમે ઘરે બેસીને કંટાળશો તો નહિ જ ને. હા, પરંતુ એક વાત જરૂર યાદ રાખવાની છે કે લોકો મેણા – ટોણા તો મારશે જ. તે એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખવાના છે. “કે આવડો મોટો એન્જિનિયર થયો અને છેલ્લે તો બાપાની કરિયાણાની દુકાને જ બેઠોને. જો દુકાને જ બેસવાનું હતું તો આટલું બધું ભણીને બાપાના પૈસા કેમ વેડફ્યા?”

અહી હું એ બધી જ વાત લખું છું કે, તમારા પિતાનો વ્યવસાય ગમે તે – ગમે તે કેમ ના હોય એ જ્યાં સુધી મનગમતી નોકરી ના મળી તો પણ તમારા કુટુંબનું ભરણપોષણ તો થશે ને. અને જો આવું થાય તો એ વાતનો અફસોસ ના થવો જોઈએ કે આટલું બધું ભણ્યા પછી નોકરી ના મળી અને બાપાનો ધંધો કરવો પડ્યો. એમ વિચારો કે જો તમે કોલેજ સુધીનું શિક્ષણ લીધું કે ડબલ ગ્રેજ્યુએટ થયા, તમારી બુદ્ધિનો તો વિકાસ થયો જ છે ને. તો પછી શા માટે એ બુદ્ધિ આપણા વારસાગત વ્યવસાયને આગળ વધારવામાં ન વાપરીએ?

બીજી થોડી વાત હું આજે માબાપને પણ કહીશ કે પોતાના સંતાનને ગમે તેટલું ભણાવો પરંતુ એને શિખામણોનો વધારે પડતો ખોરાક ન આપતા. જયારે એ ભણી ગણીને બહાર નીકળે ત્યારે તેને સહકાર આપજો, એને સમજજો, એને સપોર્ટ કરજો કારણ કે જો ફલાણી ડીગ્રી કરવાથી કે ફલાણો કૉર્સ કરવાથી ૨૦ થી ૨૫ હજારની નોકરી ઘેર બેઠા મળી જશે તો એ હવામાં મહેલ બાંધવા જેવી વાત છે અને આ વાત તમે પોતે જાણો જ છો. જો એ પહેલી નોકરીમા ૫૦૦૦ લાવે અથવા ૨૫૦૦૦ માટે સાત સમુદ્ર પાર જવાની તૈયારી બતાવે તો એને જવા દેજો. તેનામાં ક્યારેય હીનભાવના પેદા ન થવા દેતા. કારણ કે જો એ વારસાગત વ્યવસાયમા જોડાય અને પોતાના પિતાની માફક કામ ન કરી શકે અથવા તો કામ ન કરી બતાવે તો એવું ના કહેતા કે, “તમારા બાપા, તમારા મામા, તમારા કાકા, જેવી મહેનત તો તમે કરી જ ના શકો.” આ શબ્દો તેનામાં હીનભાવના પેદા કરશે, કારણ કે આપણે લાયક જ નથી આવું ડિસીઝન કે નીર્ણય કે ઈવોલ્યુશન કરવા માટે. મૂળ વાત એ છે કે, જયારે એના પિતા કામે ચડ્યા અને એનો છોકરો કામે ચડ્યો, આ બંને વખતે સમય અને સંજોગો અલગ જ હોવાના. તમે તમારા બાળકોને જ્ઞાન આપી શકો છો, અનુભવ આપી શકો છો, પરંતુ ડહાપણ ક્યારેય આપી નથી શકતા. એ ડહાપણ તો એ જ્યારે દુનિયાના ડફણા ખાય છે ત્યારે જ આવે છે.

મૂળ વાત પર આવું તો કોઈ પણ કામ કરો, દિલ દઈને કરો અથવા જે પણ કરો એને મનગમતું બનાવી દો. બાપ-દાદાનો વ્યવસાય પણ જો કરો તો એને નવી ઊંચાઈઓ પર લઇ જાઓ. વાળ કાપવાની દુકાન હોય તો ફેશન સ્ટાઇલ જેવા હેરકટિંગ સલુન બનાવવાનું લક્ષ્ય રાખો, રેંકડી ચલાવતા હોવ તો પછી પોતાની ટ્રક કે લોરીમાં સામાનની હેરફેર કરવાનું લક્ષ્ય બનાવો, રિક્ષા ચલાવતા હોય તો ટેક્ષી લાવવાનું લક્ષ્ય રાખો, કારણ કે કોઈ પણ કામ નાનું કે મોટું હોતું નથી. કામને નાનું કે મોટું ટ કામ કરનારની પોતાની ભાવના અને તે જોનારની નજર, અભિપ્રાય કે અભિગમ બનાવે છે.

કામ કરો, લક્ષ્ય પૂરા કરો, અને થોડી બચત પણ કરજો. એવું ના વિચારતા કે આજે કમાયા, જે કરવું હતું તે કર્યું, જે મેળવવું હતું તે મેળવી લીધું અને પછી બધું વાપરી નાખ્યું. આવનારી પેઢી માટે થોડુક બચાવજો કેમ કે જો તમારા માબાપે કંઈક નહિ બચાવ્યું હોત તો તમારો ઉછેર ઝૂંપડપટ્ટીના બાળકો જેવો થયો હોત.

છેલ્લે, આ બધા પછી, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમયે, કોઈ પણ રીતે, કોઈક જરૂરિયાતમંદને મદદ કરજો. અંતરમા અનહદ આનંદ પ્રસરી જશે. જીવનમાં કંઈક કર્યાનો સંતોષ થશે અને કદાચ ઈચ્છાઓ, આકાંક્ષાઓ નાં પૂરી કરી શકો તો પણ કોઈ વસવસો તો નહિ જ રહે.

ટૂંકમાં – “બસ કંડકટર પાસેથી ટિકિટનો બાકી નીકળતો ૧ રૂપિયો માંગતા એક તરવરીયા યુવાને કહ્યું કે જો સંઘવિસાહેબ ૧૦૦૦૦માંથી ૧૧૦૦૦ કરોડ બનાવી શકતા હોય તો હું ૧ રૂપિયામાંથી ૧ કરોડ તો બનાવી જ શકું ને???”

આવા અભિગમની આપણને જરૂર છે...

  • કુણાલ ચૌહાણ ‘કમળ’