Madhu vani 4 in Gujarati Fiction Stories by Akil Kagda books and stories PDF | મધુ-વાણી - 4

Featured Books
Categories
Share

મધુ-વાણી - 4

મધુ-વાણી – 4

ઘેર પથારીમાં હું વિચારતો રહ્યો, જરૂર કઈંક ગંભીર વાત હશે, મારે જવું જ જોઈએ, હું જઈશ જ.. વાણી અને મારે હવે શું? ના, વાણીને મારી સાથે કશું નથી, પણ મારે તો વાણી સાથે છે.. હતું.. મેં તેને.....

મધુ ગુસ્સે થશે? થશે જ.. તે તેની રીતે સાચી જ છે. મારી નજર સામે વાણીએ ઈનબોક્સમાં મારે માટે વાપરેલા શબ્દો નાચવા લાગ્યા... ગમે-તેમ, તે સાજી-સમી અને ખુશ રહેવી જોઈએ, બસ... હવે મને ઊંઘ આવશે...

સવારે નિત્યકર્મ પતાવીને મધુને ફોન કર્યો "વાણીની ઓફિસે જઈને મને ફાઈલ લાવી આપજે, હું ડોક્ટરને મળવા જઈશ."

"એ તો મને ખબર જ હતી, ભલે, હું તારી લાગણીઓ સમજુ છું."

અગિયારેક વાગ્યે મધુ ફાઈલ લાવી, "વાણી કશું તને આડું-અવળું બોલી તો નહોતી ને?"

"ના, તેને પણ પુરી ખાતરી હતી કે તું જઈશ જ.."

"ચાલ તો આપણે હોસ્પિટલ જઈએ?"

"હું? હું કેમ આવું?

"વાંધો નહિ, તું અહીં રહે, હું જઈ આવું છું." કહીને હું જવા લાગ્યો, તે બોલી "થોભ, હું પણ આવું છું." મેં હસ્યો, ને બોલ્યો "મને પણ પુરી ખાતરી હતી કે તું પણ આવીશ જ.."

ડોક્ટર ઘણું બોલ્યા, ટેક્નિકલ અને મેડિકલ ભાષામાં સમજાવવાની કોશિશ કરી, નર્વસ સિસ્ટમ, ડેમેજ, spinal cord, સ્ટ્રોક, ટ્રોમા ઇન્જરી, વારસાગત, monoplegia, વગેરે વગેરે. ટૂંકમાં ફરીથી સ્ટ્રોક લાગી શકે છે, જાંઘમાં ઝણઝણાટી થાય છે, વારસાગત છે... સંભાળજો, સાવચેત રહેજો, સુવામાં, ખાવામાં ધ્યાન આપજો, spinal cord ડેમેજ થશે તો..

છેલ્લે મેં પૂછ્યું "ક્યારે?"

"ગમે ત્યારે, આજે, કાલે, મહિને, વર્ષે, બે વર્ષે.."

અમે ઘેર આવ્યા, હું ચિંતામાં હતો. મધુ એ મને કહ્યું કે વાણીની ઓફિસ જઈને તેને ફાઈલ આપી ને ડોક્ટરે જે કહ્યું તે કહી આવીએ, પણ મેં કહ્યું કે પહેલા ઘેર જઈએ, મને વિચારવું પડશે...મધુ કશું બોલી નહિ.

ઘેર આવ્યા કે તરત જ મધુ ચિડાઈ, "શું વિચારવાનું છે, એ જ મને સમજાતું નથી.. તે નાની કીકલી નથી, જે ડોક્ટરે કહ્યું તે કહીને તારું કામ પૂરું કર, પછી એ જાણે ને એનું કામ જાણે..."

"તારી વાત સાચી છે, પણ મધુ તું વિચાર, તે કેટલી ખુશ છે.. આપણે કહીશું કે તને પાછું થવાનું છે તો શું એ ખુશ રહેશે? ચિંતા, ટેંશન, અને તેને લીધે તે લાઈફ એન્જોય કરી શકશે? કહેવાથી શું તેનાથી બચી શકાશે? ન થાય તે માટે ડોક્ટરે કોઈ રસ્તો બતાવ્યો છે? તો પછી ભલે ને જયારે થવું હશે ત્યારે થશે, ત્યાં સુધી તો તે ટેંશન વગર, ખુશ રહી શકશે ને?? ડોક્ટરે પણ એટલે જ તેને ના કહ્યું ને... કેમ મને બોલાવ્યો?"

"તું ગમે તેટલું કર તેના માટે, પણ તે તારો જ વાંક કાઢવાની છે, હવે હું તેને ઓળખી ગઈ છું, તું જાણે ક્યારે ઓળખીશ.. તો પૂછશે તો શું કહીશ?"

"હું હમણાં જ તેને કહું છું, તારી સામે જ..." મેં વાણીને ફોન કર્યો, અને સ્પીકર ઓન કર્યું. તેણે સીધું જ પૂછ્યું "ગયો હતો? શું કહ્યું?"

"કશું નહિ, બધું સારું છે, પણ હજુ છ મહિના દવાઓ નિયમિત અને ભૂલ્યા વગર લેવી પડશે. અને ખાસ તો ખાવા-પીવામાં ખુબ જ ધ્યાન રાખવું પડશે, અને સુવામાં પણ, પડખે ફરીને જ સૂવું, ચત્તા સૂવું નહિ."

"હા, હોસ્ટેલમાં અને અહીં ઓફિસમાં પણ બધા કહે છે કે હું ખુબ વીક થઇ ગઈ છું, થઈજ જાઉંને.. છ મહિના તો મેં કાચું-પાકું-બળેલું અને હલકું જ ખાધું છે તો... અને હજુ જલ્દી સારી થતી પણ તું તો મને ચત્તી જ સુવડાવતો હતો, એટલે વધારે હેરાન થઇ."

"સોરી, મને માફ કરજે કે હું તને સારું ખવડાવી શક્યો નહિ, કે તારું પૂરતું ધ્યાન રાખી શક્યો નહિ, પણ હવે ધ્યાન રાખજે અને દવાઓ ભૂલતી નહિ, તારી ફાઈલ કાલે મધુ આપી જશે, બાય."

હું ઉદાસ થઇ ગયો, ટેબલ પર માથું ટેકવી દીધું. મધુએ મારા વાળમાં હાથ ફેરવ્યો, ને બોલી "હું નહોતી કહેતી? તારો જ વાંક નીકળશે,આવા માણસો પણ હોય? ચોરી અને ઉપરથી સિનાજોરી..."

***

શિકાગોમાં ઠંડી છે, રૂમ હીટર ચાલુ છે, એટલે સારું લાગે છે. કોમ્પ્યુટરમાં સમય જોયો, રાતના બાર થવા આવ્યા, મુંબઈમાં સવારના લગભગ દસ વાગ્યા હશે.. મધુ ઊંઘતી હશે, આખી રાત અમે કામ કર્યું હતું, અને ઓનલાઇન હતા. જોકે અહીં તો દિવસ જ હતો, પણ મધુ રાત જાગી હતી. ચાર મહિનાથી અમારું આજ રૂટિન છે. હા, ચાર મહિના થયા શિકાગો આવ્યે... મધુએ જ મને બળજબરી મોકલ્યો હતો, કે મહિનો-બે મહિના ફરી આવ, ફ્રેશ થઇ જઈશ અને બધું ભૂલી જઈશ.. અને આપણે કામ તો કરતા જ રહીશું ને...

અને સાચે જ હું લગભગ બધું ભૂલી ગયો હતો, ખુબ ફર્યો, ખુબ મજા કરી, ભાઈ-ભાભી અને બે ભત્રીજાઓ સાથે, અને સાથે સાથે કામ પણ કરતો હતો. અમે બીજા બે છોકરાને પણ અમારી ટીમમાં જોડ્યા હતા, બંને મુંબઈના જ હતા.

હું અને મધુ સતત સંપર્કમાં જ હતા. મધુ એ કહ્યું હતું કે "મને લાગે છે કે તું ત્યાં જ રહી જવાનો છે... રહી જાય તોયે મને કશો વાંધો નથી, આજ રીતે આપણે કામ કરતા રહીશું."

પણ મેં હસીને કહ્યું હતું કે "જો હું અહીં રહી જાઉં તો બધા આપણા અમેરિકન ક્લાયન્ટો આપણી પાસેથી કામ પાછું લઇ લેશે.. અને નવા કામની તો ન જેવી આશા છે."

"કેમ એવું? તું ગમે ત્યાં રહે, તેમને શું? કામ તો તેમને મળે જ છે ને..."

"ના, એવું નથી, તેઓ આપણને કામ આપે છે, કારણકે આપણે સસ્તા છીએ, લોકલ પ્રોફેશનલ્સ ના ચાર્જીસ કરતા આપણે તેમને ખુબ જ નીચી કિંમતે અને તે જ ક્વોલિટીનું કામ આપીએ છીએ, એટલે આપણને તેઓ કામ આપે છે.."

"આપણને પોસાય છે, તો ભલે ને લોકલ ગમે તેટલો ભાવ લેતા હોય, આપણે આપણા ભાવથી આપતા જ રહીશું ને..."

"ગાંડી, જો હું અહીં રહીને આપણા ભાવે કામ કરું તો મારો ખર્ચ પણ નીકળે નહિ, કદાચ ઘરનું ભાડું તારી પાસે માંગવું પડે.. સમજે છે કે નહિ?"

"સમજી ગઈ, એટલે જ તેઓ બધા કામનું આઉટ સોર્સીંગ કરે છે."

વાણી વિષે તે કોઈ વાત છેડતી નહોતી, કે હું પણ તેને કશું પૂછતો નહોતો. ચાર મહિના થયા, હવે મારે જવું જોઈએ, મુંબઈ યાદ આવી રહ્યું છે. ભાઈ-ભાભીની ઈચ્છા નહોતી, તેઓ મને અહીં જ રહી જવા સમજાવી રહ્યા હતા. પણ હું માન્યો નહિ, તેઓએ સલાહ આપી કે મારે હવે લગન કરી લેવા, અને તે માટે મધુ વિષે વિચારવું. અને સારો, મોટો ફ્લેટ પણ લોન થી લેવાનું કહ્યું, અને કહ્યું કે હપ્તાની ચિંતા કરીશ નહિ, દર મહિને અડધો હપ્તો અમે મોકલીશું.

લગન? મધુ સાથે? તે બધું જાણે છે, તેના લાયક હું છું?

વાણી શું કરતી હશે? ખુશ તો હશે ને? મધુને ખબર હશે... તે કહેશે?

***

"કોલ કર." મધુનો મેસેજ આવ્યો.

"બોલ..."

"તું આવવાનો છે કે નહિ?"

"કેમ? મારી તો ઈચ્છા જ નહોતી, તે જ મને અહીં મોકલ્યો..."

"બે મહિના માટે... ચાર થઇ ગયા..."

"તું કહે તો કાલે જ આવી જાઉં, બોલ? અને સાચું કહું તો મને પણ હવે મુંબઈ યાદ આવે છે."

"તો પછી ક્યારે આવે છે?"

"ભાઈ-ભાભીને વાત કરું, અને જેમ બને તેમ જલ્દી નીકળીશ, તને કહીશ જ ને...અને હા, તને કશું જોઈએ છે? શું લાવું?"

"હેર-પિન.."

હું જોરથી હસ્યો "પછી તું પણ તેના ફોટા મુકીશ અને બધા પાસે મજાક કરાવીશ..કોઈ લખશે સોનાની છે, કોઈ કહેશે હીરા જડેલા છે, કોઈ લખશે પ્લેટિનમ ની લાગે છે, કોઈ લખશે આટલી મોંઘી ગિફ્ટ? કોણ છે નંગ, તેનો ફોટો તો બતાવ..." અને મને વાણીએ કરેલી મશ્કરીઓ યાદ આવી ને હું ચૂપ થઇ ગયો. મધુ પણ ચૂપ હતી, થોડીવારે હું સ્વસ્થ થઈને કહ્યું "બોલ ને.. શું લાવું?"

"કહ્યું તો ખરું, હેર-પિન... પણ એક નહિ બે લાવજે, જોડીમાં હોવી જોઈએ..."

ભાભીની તો મને જવા દેવાની ઈચ્છા જ નથી, પણ મેં કહ્યું હતું કે, બસ બહુ થયું, હવે ખરેખર મુંબઈને મિસ કરું છું. ભાભીએ હસીને કહ્યું "મુંબઈને? જો મધુ અહીં રહેતી હોય તો પણ મુંબઈને મિસ કરે?"

હું ગંભીર થઈને વિચારવાનું નાટક કરીને કહ્યું "તમારો પોઇન્ટ વિચારવા જેવો છે, પણ મધુ અહીં નથી, એટલે હું જ મુંબઈ જતો રહું તો બંને લાભ મેળવી શકાય ને??"

"વિચારજે મધુ વિષે, બહુ સારી છે, વધારે ઓળખતી તો નથી પણ એટલું તો ખાતરીપૂર્વક કહી શકું કે તને છેતરશે નહિ, પ્રામાણિક છે."

"હું?"

"તારું તો ગજું જ નથી કે તું કોઈને છેતરી શકે..."

મધુ મને લેવા આવી હતી, અમે ટેક્સીમાં ઘેર આવ્યા. ઘર ચોખ્ખું અને વ્યવસ્થિત મધુએ રાખ્યું હતું. હું મધુ માટે ફોન લાવ્યો હતો તે આપ્યો. જમવાનું પણ મધુએ જ બનાવ્યું.

"કેવી રહી ટુર?" જમતા જમતા મધુ બોલી. "ભાઈ-ભાભી સાથે ફાવ્યું?"

"હા, મજા આવી, બંને જોબ કરે છે અને સુખી છે, અહીંના શું ન્યુઝ છે?"

" બધી તો તને ખબર છે, ચોવીસ માંથી વિસ કલાક તો આપણે ઓનલાઇન રહેતા હતા."

"એ ખરું, પણ વિશેષમાં.. તારા મમ્મી-પપ્પા, વગેરે?"

"બધા જ મજામાં છે, તને શું જાણવું છે તે મને ખબર છે, સાંભળ, વાણીએ નોકરી છોડી દીધી છે, લગન કરી લીધા છે અને વાશી, નવી મુંબઈમાં ક્યાંક રહે છે, બસ તેથી વધારે હું નથી જાણતી."

"ના, ના, મને તેની વાતમાં કોઈ રસ નથી.."

"હું જાણું છું... જાઉં?"

"હું પણ આવું છું, તારે ઘેર."

"કેમ?"

"એમ જ.. તારી મને મળી લઉં.. જો તારી ઈચ્છા હોય તો.."

તે ખુશ થઈને બોલી "ચાલ ચાલ, તું થાક્યો નથી?"

"પછી ઊંઘીશ..."

***

હું ફરીથી મારા રૂટિનમાં ગોઠવાઈ ગયો હતો. થોડા દિવસ પછી ભાઈનો ફોન આવ્યો "મધુ વિષે વિચાર્યું? તેને વાત કરી?"

"ભાઈ, તે મારા અને વાણી વિષે બધું જ જાણે છે, અમારા સબંધ કેવા હતા તે પણ જાણે છે. અને તે મારી દોસ્ત છે, મને તેના સાથની અને દોસ્તીની જરૂર છે, જે હું લગનની વાત કરીને ખોવા માંગતો નથી."

"તને તેની સાથે ફાવે કે નહિ?"

"ફાવે જ છે ને.. તેના વગર મારો બિઝનેસ અધૂરો છે, તે મારી સપોર્ટ સિસ્ટમ છે, તે ઘરમાં હોય તો મને જરાય અસુવિધા થતી નથી, જયારે બીજું કોઈ આવે છે તો થોડીવાર પછી મને એમ થાય છે કે આ હવે જાય તો સારું, જયારે મધુ ઘેર જાય પછી ઘરમાં સન્નાટો અને મારા દિમાગમાં એકલતા છવાઈ જાય છે. ટૂંકમાં હું તેને લગનની વાત કરીને આ જે કઈ મળ્યું છે, તે પણ ખોવા માંગતો નથી, તું સમજે છે ને?"

"મધુ તને કહે તો?"

"મને ગમે.. હમણાં આઠ-દસ કલાક મારે ઘેર રહે છે, પછી ચોવીસે કલાક રહેશે, સારું જ કહેવાય ને.. બસ એટલું જ.."

"બસ એટલું જ?"

"હાઆઆઆઆ.... બીજું શું? "

ઘર જ હવે ઓફિસ બની ગયું હતું. બે છોકરાઓ પણ રોજ કઈ ને કઈ કામસર આવી જતા અને મધુ તો ખરી જ. અમે બપોરે સાથે જ જમવાનું બનાવતા અને જમતા. ઘણીવાર તે મોડી આવતી તો અમારે બંને માટે ઘેરથી ટિફિન લઈને આવતી. તેની મમ્મી પણ ઘેર કશી નવી વાનગી બનાવતી તો તેના ભાઈ સાથે મોકલતી હતી. રવિવાર કે રજા જેવું અમારે કશું નહોતું, બધા દિવસો કામ અને બીજી રીતે જોઈએ તો બધા દિવસો રવિવાર જેવા જ હતા. અમે મરજી પડે ત્યારે કામ કરતા અને મરજી પડે ત્યારે ફરતા. કશે બહાર ટ્રેનમાં કામસર જતા તો પણ અમે અગિયાર પછી જ નીકળતા, અમને બંનેને ભીડથી સખત ચીડ હતી. ટૂંકમાં અમારે સમયની કોઈ જ પાબંદી નહોતી. કે અમારા કામના કલાકો પણ ફિક્સ નહોતા, ઘણીવાર હું રાતભર ક્લાયન્ટ સાથે વાતો કરતો અને સવારે મોડો ઉઠતો, કે મધુ આવીને ઉઠાડતી.

આજે મધુ જલ્દી જલ્દી કામ કરીને બધું સમેટીને ઉભી થઇ અને બોલી "ચાલ જાઉં છું."

"કામ તો પૂરું કર, કેમ આજે વહેલી?"

જોકે કામ તો થાય છે અને થતું જ રહે, પણ મુખ્ય કારણ તો મધુ મારે ઘર વધારે સમય રહે તે જ હતું, તે જતી પછી હું ખુબ એકલતા અનુભવતો, ગમગીન થઇ જતો, એવું લાગતું કે હું કોઈ જ લક્ષ્ય વગર જીવ્યે જાઉં છું.

"બધું પતિ ગયું છે."

"ભલે પતી ગયું, પણ રોકા ને...ઘણું વહેલું છે, આપણે વાતો કરીએ."

"જરૂરી કામ છે."

"શું?"

"છોકરો અને તેના માં-બાપ ઘેર આવવાના છે."

"એટલે?"

"શું એટલે? લગન, સગાઇ માટે... છવ્વીસની તો થઇ ગઈ છું."

"તું? તું જોયા, જાણ્યા વગર? એક અજાણ્યા સાથે દસ-પંદર મિનિટ વાત કરીને જિંદગીભર સાથે રહેવા તૈયાર થઇ ગઈ?"

તે હસીને બોલી "વાત પણ હવે કરીશ, તે પહેલા જ અમે બંને એક-બીજાના ફોટા જોઈને જ હા પાડી દીધી છે, આજે તો ફક્ત વહેવાર અને ફોર્માલિટી જ પુરી કરવાની છે."

"પણ આટલું મોટું ડિસિઝન, ફક્ત ફોટો જોઈને અને થોડી વાત કરીને? મને આશ્ચર્ય થાય છે, તું કઈ સદીની છે? જિંદગી કાઢવાની છે, કોઈ મજાક છે?"

તે ખીલખીલાટ હસીને બોલી " જોઈ-જાણીને, બે-બે વરસ સાથે રખડીને પણ તેં શું કાંદા કાઢી લીધા? ખાલી વાતો જ છે... હું માનતી નથી..."

"મધુ, મધુ, એક મિનિટ.. તું લગન કર્યા પછી તેને ઘેર જતી રહીશ ને? મારુ કામ પડી ભાંગશે..એવું ના કર..."

"તો? તારા કામ માટે લગન ના કરું? તને બસ તારા ધંધાની જ પડી છે?"

"હું એમ નથી કહેતો, પણ..." હું ગૂંચવાયો, શું બોલવું હતું અને શું બોલી રહ્યો હતો.

"તો? તું શું કહે છે?" તે ટેબલ પર હાથ પછાડીને બોલી.

"કશું નહિ, જવાદે.. પણ તું કામ છોડીને હાઉસવાઈફ બનીને રહીશ?"

"હા, ઘર સંભાળવું, બાળકો સંભાળવા, તે પણ ફુલટાઇમ જોબ જ છે."

"ભલે, પણ મારુ કહેવું છે કે ઉતાવળે નિર્ણય ના કર, મળો, ફરો, ઓળખો એક-બીજાને, પછી લગનનો નિર્ણય લેજે."

"હમણાં જ તો મેં તને કહ્યું હતું કે તું બે વરસમાં પણ ઓળખી શક્યો? સાથે રખડીને તેં શું કાંદા કાઢ્યા?"

"તું વારેઘડી મારી વાત વચ્ચે ના લાવ, બધા કઈ વાણી જેવા હોતા નથી, અને બધા મારા જેવા બેવકૂફ પણ નથી હોતા કે બે વર્ષે પણ ન ઓળખી શકે."

તેણે ફક્ત મારી સામે જોયું, કશું બોલી નહિ અને ઉભી થઈને જવા લાગી. ના, તેને એમ જવા દેવાય નહિ, મારો સ્વાર્થ છે, મને ટકી રહેવા માટે મધુ જરૂરી છે.. મધુને કારણે જ હું ટક્યો છું, જો તે ના હોતી તો વાણીના ગયા પછી જ હું વેર-વિખેર અને તૂટી ચુક્યો હોતો...હવે પણ હું તૂટી પડીશ.. જેવો તેને ઉંબરાથી બહાર પગ મુક્યો કે મેં તેને હાથ પકડીને ફરી રૂમમાં ખેંચી, ને કહ્યું "ચાલને આપણે લગન કરી લઈએ..."

તેણે હાથ છોડાવ્યો અને ખુરશી પર બેસી ગઈ, તે મને જ જોઈ રહી હતી. મારા દિલમાં ડર ભરાયો,મધુને ખોઈ બેસવાનો... "સોરી મધુ, લગન તો એક બહાનું છે, મારો આશય ફક્ત આપણા બિઝનેસ પર અસર ના પડે તેટલો જ છે. આપણું ટ્યુનીંગ સારું છે, ખુબ બિઝનેસ વધશે, હમણાં હું જેમ ઘરનું કામ કરું છું તેમ જ કરતો રહીશ, તું પણ એમ જ કરતી રહેજે..."

"બસ એટલું જ? તું તો બહુ મોટો બિઝનેસમેન બની ગયો."

"ના, સાચું કહું તો બિઝનેસ તો ખરો જ, પણ સાથે સાથે આપણે મજા પણ કરીશું... હમણાં જેમ રહીએ છીએ તેમ જ રહીશું, સાથે ખરા પણ દોસ્તોની જેમ જ.. કોઈ જ બંધન નહિ... તારા નિર્ણય તું કરજે, હું ફક્ત સલાહ આપીશ, એ પણ તું માંગીશ તો જ..."

"મારો શેર?"

"એ તો ખરો જ ને.. એ પૈસા ફક્ત તારા જ રહેશે, એમાંથી હું એક પૈસો પણ નહિ વાપરું, કે હું માંગુ તો પણ તું ના આપજે."

તે ઉભી થઇ અને ખુરશી પર બેસીને કોમ્પ્યુટર પર પત્તા રમવા લાગી. મને આશ્ચર્ય થયું, તેના મનમાં શું છે તે હું સમજી શકતો નહોતો. થોડીવારે બોલ્યો "મધુ, ઘેર નથી જવું? તે લોકો આવતા હશે..."

"ના" કહીને તેને ફોન કાઢ્યો અને ફોનમાં બોલી "મમ્મી ફોન કરીને કહી દે કે આવે નહિ, ફરી કહેવડાવીશું." કહીને ફોન મૂકી દીધો. અને ઊંચે મારી સામે જોયું, મને શું થતું હતું તે મને સમજાતું નહોતું, મને ફક્ત એટલી ખબર પડતી હતી કે હવે મધુ ક્યાંય નહિ જાય... હું ઝૂક્યો અને બિલકુલ ધીરેથી તેના હોંઠ ચુમ્યા. તેણે મારા વાળ પકડીને મને ફરી ઝુકાવ્યો અને મારા હોંઠ પર કિસ કરીને બોલી "ઘણી વાર કરી દીધી તેં તો... હજુયે ના બોલતો, જો નાટક ના કરતી તો..."

"એટલે???"

"કશું નહિ, તારી ભાભીનો ફોન આવ્યો હતો, પણ મેં જ ના પાડી કે તારી ઈચ્છા હશે અને તું કહીશ તો જ... તારા જ બોલવાની રાહ જોતી હતી."

કહીને તે કિચનમાં કોફી બનાવવા ગઈ. હું પણ તેની પાસે જઈને ઉભો રહ્યો, અને સિગરેટ કાઢી. તે બોલી "પછી ફુંકજે ને... નહિ તો હમણાં બ્રશ કરવા જવું પડશે.."

"કેમ?"

"કેમ શું? તું બ્રશ નહિ કરે ત્યાં સુધી હું તને કિસ કરવા દઈશ??"

મેં સિગરેટ મૂકી દીધી, અને ચૂલો બંધ કરી દીધો, ને બોલ્યો " બરાબર છે, કોફીથી પણ મોં ગંધાશે, એટલે કોફી પણ હમણાં રહેવા જ દે.." કહીને હું મધુને બેડ પર લાવીને પટકી.

ભાભીને ફોન કર્યો, તે પણ ખુબ ખુશ હતી, "ક્યારે લગન કરવા છે? મને કહે તો પછી અહીં અમારી રજાઓ વગેરે સેટ કરવાની સમજ પડે."

"ના, અમારો વિચાર પહેલા બે બેડરૂમનો ફ્લેટ લેવાનો છે, પછી લગન કરીશું."

"લોન લઇ લે ને..."

"લોન જ લેવી પડશે, પણ ડાઉન પેમેન્ટ જેટલા પૈસા તો ભેગા થવા જોઈએને... હતા તે તો વપરાઈ ગયા."

"હા, મને ખબર છે, હપ્તાની ચિંતા કરીશ નહિ, જે કઈ કરો તે વિચારીને કરજો."

***

મધુ હવે મારે ઘેર વધારે રોકાતી હતી. હવે હું બધું જ જાણે ભૂલી ગયો હતો, બસ, થોડા પૈસા ભેગા થાય એટલે ઘર લેવું છે. અને તે પછી જ લગન કરીશું. મધુ સાથે લગન કાર્ય પછી હું આ ઘરમાં રહેવા માંગતો નથી, આ ઘર સાથે મારો ભૂતકાળ જોડાયેલો છે, અને તેને ભૂલવા માટે જ ઘર છોડવું જરૂરી હતું.

મધુ મને તેના મમ્મી-પપ્પા સાથે વાત કરી લેવા કહેતી રહેતી હતી, પણ હું ટાળતો રહેતો હતો. કરીશું, શું ઉતાવળ છે? કે ક્યાં તને એ લોકો બીજે પરણાવે છે?

વાણીના શરૂઆતમાં ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટના મેસેજ આવતા હતા, હું જવાબ આપતો નહોતો, અને કંટાળીને તેને બ્લોક કરી હતી. મધુ જ ખબર લાવી હતી કે તે હવે પુના શિફ્ટ થઇ છે. ગમે ત્યાં રહે ખુશ રહેવી જોઈએ, જાણે કેમ મને તેને માટે જરાય ગુસ્સો કે બીજું કશું પણ નથી.

મધુ કામ કરી રહી હતી, હું કોફી લાવીને તેની સામે મૂકી, અને હું પણ બેઠો. તેણે મારી તરફ ખુરશી ફેરવી, અને મને જોયા કરી. "શું છે? કેમ તાકે છે?"

"એક વાત કહું?"

"ના"

"કેમ?"

"એક વાત કહું, એક વાત કહું કરીને તું હજાર વાતો કરી નાખે છે, એટલે પહેલો નન્નો જ સારો.." કહીને હું હસ્યો. તે કશું બોલી નહિ, ને કામ કરવા લાગી ગઈ. થોડીવારે મેં તેની ખુરશી ફેરવી ને કહ્યું "બોલ ને.. શું કહેતી હતી?"

"હું પ્રેગ્નન્ટ છું."

"શું? કેવી રીતે? તું તો કહેતી હતી કે તું બધા પ્રિકોશન લે છે."

"હા, લેતી હતી, પછી બંધ કર્યા..."

"કેમ?"

"મને માં બનવું છે..."

"તને ખબર છે, અને આપણે જ નક્કી કર્યું હતું કે પહેલા નવું ઘર લઈશું, પછી લગન કરીશું. મને જણાવવું તો જોઈએ..."

"આપણે નહિ, તું એ...જણાવીને શું ફાયદો થતો? તું ઘર પાછળ જ મરી જવાનો છે."

"તારે માટે.. ફાયદો નથી તો હમણાં પણ કેમ કહ્યું? કે હવે તો લગન વગર છૂટકો જ નહિ રહે, એમ માનીને પ્રેગ્નન્ટ થઇ છે?"

"તને ફક્ત જાણ કરી, તારી મરજી પડે અને તું કહીશ ત્યારે લગન કરીશું.. અને નહિ કરે તો પણ વાંધો નથી, મેં તને કશું કહ્યું કે કશું માંગ્યું ??"

-------- બાકી છે.