21 mi sadi nu ver - 17 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | 21મી સદીનું વેર - 17

Featured Books
Categories
Share

21મી સદીનું વેર - 17

21મી સદીનું વેર

પ્રસ્તાવના

મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેરમાંથી શરુ થયેલી લડાઇમાં એક સામાન્ય માણસ કેટલો વીર અને વિચારશીલ અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.

***

ઇશિતા સાથે વાત કર્યા પછી કિશન એ વાત નક્કી કરી નાખે છે કે નુરીનો કેસ તે પોતે જ લડશે. બીજા દિવસે કિશન નુરીને મળે છે. અને તેને કહે છે કે તારો કેસ હવે હું જ લડીશ. આ સાંભળી નુરી કિશનનો આભાર માને છે. ત્યાર બાદ કિશન નુરીને કહે છે કે, આમ તો મે તારી વાત સાંભળી છે, પણ તું આજે ફરીથી મને તારી બધીજ વાત કોઇ પણ જાતના ખચકાટ વગર કર. અને હા, નાનામાં નાની વાત પણ મને કહેજે કેમકે, ક્યારેક નાની લાગતી વાત જ કેસમાં મોટો વળાંક લાવી દેતી હોય છે. આમ કહી કિશને તેના મોબાઇલમાં રેકોર્ડીંગનું બટન દબાવી દીધુ. અને નુરીએ પોતાની કથની કહેવાની શરૂઆત કરી.

હું બાંગ્લાદેશની વતની છું. ત્યાં હું પુરતુ કમાઇ શકતી નહી. તેથી હુ ભારત આવી. મારા એક દુરના ઓળખીતાએ મને જુનાગઢમાં મોહન યાદવ નામના બીઝનેસમેનને ત્યાં ઘરકામની નોકરી અપાવી. ત્યાં શરુઆતમાંતો કંઇ વાંધો નહોતો. પણ ધીમે ધીમે મને ખબર પડી કે મોહન યાદવના દીકરા દીપેશની નજર મારી પર બગડી છે. તે મારી સાથે ધીમે ધીમે છુટછાટ લેવા લાગ્યો હતો. મે તેને બે ત્રણવાર રોકવાની કોશિષ કરી અને ઘરમા બીજા બધાને જાણ કરી દેવાની ધમકી આપી. તેથી તે ઉશ્કેરાઇ ગયો. પછી થોડા દિવસ તેણે મારી સાથે કંઇ કર્યુ નહી તેથી મને લાગ્યુ કે તેને પોતાની ભુલ સમજાઇ ગઇ છે પણ તે મારી ભુલ હતી. તે મોકાની રાહ જોઇને બેઠો હતો. આજથી ત્રણ વર્ષ પહેલા 22મી મેના દિવસે ઘરના બધા લગ્ન પ્રસંગ માટે બહાર ગયા હતા. અને હું અંદરના રૂમમાં કામ કરતી હતી. ત્યાં એકદમ ટીવીનો ફુલ અવાજ આવવા માંડ્યો મે બહારના રૂમમાં જઇને જોયુ તો દીપેશ હતો. તેણે અંદરથી ઘરનો દરવાજો બંધ કરી દીધો. અને મારી પાસે આવીને છેડતી કરવા લાગ્યો મે તેને મારે જવું છે તેવુ કહ્યુ તો તેણે મને જવા ન દીધી. અને મને બળજબરીથી પકડી અને અંદરના રૂમમાં લઇ ગયો. મે તેને કેટલીય આજીજી કરી પણ તેણે મને ના છોડી. મે ઘણી બુમો પાડી પણ ટીવી ના અવાજમાં કોઇને સંભળાઇ નહી અને તેણે મારા પર. . . . . આટલુ બોલી નુરી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. કિશને થોડીવાર તેને રડવા દીધી. પછી કિશને તેને પાણી લાવીને આપ્યુ. પાણી પીને તે થોડી શાંત પડી પછી તેણે બધી આગળની વાત કરી. કિશને થોડા સવાલો પુછ્યા અને નુરીએ કિશનને બે ત્રણ કાગળ આપ્યા. જે જોઇને કિશનના મોં પર વિજયી સ્મિત આવી ગયું. ત્યારબાદ કિશન ત્યાંથી નિકળી ગયો. ત્યાંથી નિકળી તે એક બે સિનિયર વકીલને મળ્યો. અને ત્યાંથી જરૂરી કાગળો લઇને તેણે એ બધા કાગળો રૂમ પર જઇને તૈયાર કર્યા. બીજે દિવસે જઇ તેણે બધા જરૂરી કાગળ પર નુરી ની સહી કરાવી. અને કોર્ટમાં કેસ દાખલ કર્યો. ત્યાર બાદ કિશન કેસની તૈયારીમાં લાગી પડ્યો. તે નુરીની મોબાઇલમાં રેકોર્ડ કરેલી વાત સાંભળીને નાની નાની બાબતો અને નુરીને પુછવાનાં સવાલોની નોંધ બનાવતો. નુરી ને મળીને ફરીથી પ્રશ્નો પુછતો અને ફરીથી નોંધ બનાવતો. અને રેફરંન્સ માટે લો ની બુકો વાંચતો આમને આમ તેણે કેસ પાછળ રાત દિવસ મહેનત કરી. ને આખરે કોર્ટની કેસની તારીખ પણ આવી ગઇ. તે દીવસે કિશન વહેલો ઉઠી ગયો. અને બીલનાથ મહાદેવના મંદીરે દર્શન કરવા ગયો. ત્યાં જઇ તેણે ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ મારૂ જે થવાનું હોય તે થાય, પણ આ ગરીબ અને લાચાર છોકરીને ન્યાય અપાવજે. ત્યાર બાદ તે સ્મૃતિ મેડમના ઘરે ગયો. અને તેના આશિર્વાદ લીધા. ત્યાંથી તે નુરીના ઘરે ગયો. અને નુરીને લઇને કોર્ટ પર પહોચ્યો. તે કોર્ટના સમય કરતા એક કલાક વહેલો આવી ગયો હતો. કોર્ટ પર જઇ તેણે નુરીને કહ્યુ તું જરા પણ ગભરાતી નહી. જે પણ પુછે તેનો શાંતિથી અને સાચો જવાબ આપજે. અને હા સામેવાળો વકીલ તને ઉપસાવવાનો પ્રયત્ન કરે તો પણ સહેજ પણ મગજ પરનો કાબુ ગુમાવ્યા વગર જે સાચી વાત હોય તેજ કહેવી અને તેને વળગી રહેવુ. બાકી બધુ હું સંભાળી લઇશ. તે હજુ નુરીને સમજાવતો હતો ત્યાં તેના મોબાઇલની રીંગ વાગી જોયુતો ઇશિતાનો કોલ હતો કિશને સહેજ દૂર જઇ કોલ ઉપાડ્યો.

ઇશિતાઃ- હાય ,પહેલો કેસ લડવા માટે કેવુ ફીલ કરે છે?

કિશન;- ખુબજ નર્વસ છું. એક તો પહેલોજ કેસ લડુ છું, અને એ પણ ગુજરાતના નામી વકીલ સામે કે જે હજુ સુધી એકપણ કેસ હાર્યો નથી. મને મારી કોઇ ફીકર નથી પણ મને નુરીની ચિંતા થાય છે.

આ સાંભળી ઇશિતાએ થોડા ગુસ્સાથી કહ્યુ, તારો આજ એક મોટો પ્રોબ્લેમ છે કે તને તારી જાત પર ભરોસો નથી. તું પહેલેથીજ આવો છે પેલી કોલેજની વકૃત્વ સ્પર્ધામા ભાગ લેતી વખતે પણ તું આવુજ કહેતો હતો યાદ છે? તારે સ્પર્ધામા ભાગજ નહોતો લેવો. અને પછી તે આખી કોલેજને ધ્રુજાવી દીધી હતી. કિશુ, યાર તારામાં ટેલેન્ટનો ખજાનો છે. બસ થોડી ખામી છેતો આત્મવિશ્વાસની. બાકી મને તો પુરો વિશ્વાસ છે કે તુ જ આ કેસ જીતવાનો છે. ચાલ હું તો તને એડવાન્સમાંજ કોંગ્રેચ્યુલેશન કહી દવ છું. અને એડવોકેટ કિશન પંડ્યા કેશ જીત્યા પછી પાર્ટીતો આપવી જ પડશે હો. ત્યાર બાદ ઇશિતા ફોન મુકી દે છે.

કિશન વિચારે છે ગજબની છે આ છોકરી. કેટલો વિશ્વાસ છે તેને મારા પર! કે પછી બધીજ સ્ત્રીઓ આવી હશે? કે જેના પર વિશ્વાસ મુકે તેનો કોઇ પણ પરિસ્થિતિમાં સાથ નિભાવે છે. અને અમે પુરૂષો બહારથી બહાદુરીની મોટી મોટી વાતો કરીએ પણ અંદરથી એકદમ બીકણ. કોઇના વિશ્વાસ પર આખી જિંદગી જીવવાની હિંમત પુરૂષોમાં છે ખરી? અચાનક ઘડિયાળ પર નજર પડતા તેની વિચારધારા અટકી જાય છે. કોર્ટ શરૂ થવામાં માત્ર દશજ મિનીટ બાકી હતી. તેથી કિશન નુરીને લઇને કોર્ટરૂમ તરફ જાય છે.

***

જજ સાહેબ કોર્ટરૂમમાં દાખલ થતાની સાથેજ બધા પોતપોતાની જગ્યા પર ઉભા થઇ જાય છે. જજ સાહેબ સ્થાન ગ્રહણ કરે છે અને કોર્ટની કાર્યવાહી ચાલુ કરવાનો આદેશ આપે છે. એટલે કિશને ઉભા થઇ પોતાની રજુઆત શરુ કરી.

યોર ઓનર ,આ કેસ એક એવી અબળાનો છે કે જે પોતાનો દેશ છોડી સારા ભવિષ્યની આશાએ રોજીરોટી કમાવવા આપણા દેશમા આવે છે અને જુનાગઢમાં આવી વસે છે. અને મહેનત કરી તેનું તથા દેશમાં રહેતી તેની માનું ગુજરાન ચલાવે છે. મારી અસીલ નુરી બિઝનેસમેન મિસ્ટર મોહન યાદવને ત્યાં ઘરકામની નોકરી કરે છે. મોહન યાદવનો જવાન અને વધુ પડતા લાડ પ્યારને કારણે બગડેલા દીકરો દીપેશ કે જે ગરીબોને પગની જુતી સમજે છે તેના ધ્યાનમાં નુરી આવે છે. તેની દાનત નુરી પર બગડે છે. તે નુરીને પોતાની હવસનો શિકાર બનાવવાનું વિચારે છે અને તેની છેડછાડ કરે છે. પણ મારી અસીલ તેને દુર રાખવા પ્રયત્ન કરે છે. દીપેશ ઘણી તરકીબો કરે છે પણ તે કામયાબ થતો નથી. આથી તે ઉશ્કેરાય અને મોકો મળવની રાહ જોતો હોય છે. આ મોકો તેને આજથી ત્રણ વર્ષ પહેલા 22મે ના રોજ મળે છે. તે દિવસે દીપેશનો આખો પરીવાર લગ્ન પ્રસંગ માટે બહાર ગયેલો હોય છે. અને મારી અસીલ ઘરમાં કામ કરતી હોય છે ત્યારે દીપેશ બહારથી આવે છે. તે આવીને અંદરથી દરવાજો લોક કરી દે છે અને ટીવીને ચાલુ કરી ફુલ વોલ્યુમ પર મુકી દે છે. અને પછી મારી અસીલ પર બળાત્કાર કરે છે મારી અસીલ તેને ઘણી આજીજી કરે છે. પણ તે નુરીને છોડતો નથી. મારી અસીલ મદદ માટે બુમો પાડે છે પણ ટીવીના અવાજને કારણે તેની બુમ કોઇ સાંભળતું નથી અને આ નરાધમ મારી અસીલ ને પીંખી નાખે છે. અને જો કોઇને કહ્યુ તો નોકરીમાંથી કાઢી મુકવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. મારી અસીલ તેની ધમકીથી ગભરાય જાય છે અને ચુપ રહે છે. તે પછી તો દીપેશને જાણે છુટ મળી ગઇ હોય તેમ તે નુરી જાણે તેની પ્રોપર્ટી હોય તેમ વારંવાર નુરીની ઇચ્છા વિરૂધ તેની સાથે શરીર સંબધ બાંધે છે. આમને આમ ચાલે છે. થોડા સમય પહેલા નુરીને જાણ થાય છે કે તે આ સંબંધને લીધે ગર્ભવતી બની ગઇ છે. ત્યારે તે દીપેશના ફેમીલીને જાણ કરે છે તો તે ફેમીલી નુરી કે તેના બાળકને સ્વિકારવા તૈયાર થતુ નથી. અને નુરીને નોકરીમાંથી પણ કાઢી મુકે છે. આને લીધે મારી અસીલ આત્મહત્યા નો પ્રયત્ન કરે છે. મારી કોર્ટને અપીલ છે કે મારી અસીલ નુરીને તેનો હક અને પુરતુ કમ્પલ્સેશન મળે. માય લોર્ડ આજના આ જમાનામાં જ્યાં સરકાર અને સમાજ સ્ત્રી સશક્તિકરણની વાતો કરી રહી છે ત્યારે આવા દીપેશ જેવા લોકો પણ છે જે સ્ત્રિ ને માત્ર ઐયાશીનું સાધન સમજે છે. મારી જ્જ સાહેબને અને કોર્ટને વિનંતી છે કે મારી અસીલ નુરીને ન્યાય અપાવી સમાજમાં દાખલો બેસાડે જેથી કરીને બીજુ કોઇ આવુ પગલુ ભરવાની હિંમ્મત કરે નહી. આટલું કહી કિશન પોતાનું સ્થાન પર બેસી જાય છે. કોર્ટ મા બેઠેલા બધા તાલીઓ પાડી કિશનની દલીલ ને વખાણે છે. ત્યારબાદ બચાવ પક્ષના વકીલ જનક દેસાઇ ઉભા થાય છે. એકદમ ગૌર વર્ણ 5. 6 ની હાઇટ, રીમલેશ ચશ્મા, પાણીદાર આંખ, પગમાં ગુચીના શુઝ, અને એકદમ આંજી નાખે તેવી પર્સનાલીટીના માલીક જનક દેસાઇ પોતાની દલીલની શરૂઆત કરતા કહે છે કે મારા નવા નવા બનેલા વકીલ મિત્ર કિશને કોલેજની વકૃત્વ સ્પર્ધાની જેમ એક ખુબ જ સરસ હ્રદય ભરાઇ આવે તેવુ વક્તવ્ય આપ્યું. પણ મારા વકીલ મિત્ર એ ભુલી જાય છે કે આ કોર્ટ રૂમ છે કોલેજનો ઓડીટોરીયમ નહી. અહી વક્તવ્ય નહી સચ્ચાઇ અને સબુતની જરૂર પડે છે. અને સચ્ચાઇ એ છે કે મિસ નુરી મારા અસિલને ત્યાં કામ કરે છે અને તેની નજર દીપેશ પર પડે છે. તે દીપેશની પર્સનાલીટી અને દોલત જોઇને આકર્ષિત થઇ જાય છે. અને તે દીપેશને ફસાવવા માટે પ્રયત્ન કરે છે. તે દીપેશને ઉપસાવી તેની સાથે સંબંધ બાંધે છે અને તેનો ભરપુર લાભ ઉઠાવે છે અને જ્યારે તેની લાલચ એકદમ વધી જાય છે ત્યારે તે પોતે પ્રેગ્નેટ થાય છે અને તેનો ફાયદો ઉઠાવી તે દોલતમાંથી હિસ્સો માંગે છે જે મારા અસીલ અને તેની ફેમીલી મંજુર રાખતા નથી અને તેથી તેની બદનામી કરવા માટે આ કેસ કરે છે. યોર ઓનર એક નિર્દોષ યુવાનને બહેકાવી તેની પાસેથી દોલત મેળવી લેવાની એક વિચારીને અમલમાં મુકેલી સાજીશ છે. જે હું થોડાજ સમયમાં સાબિત કરી દઇશ. આ માટે હું મિસ નુરી ને પ્રશ્ન પુછવા માટે અનુમતિ માંગુ છુ.

નુરી આવે છે અને જનક દેસાઇ પ્રશ્ન પુછવાની શરૂઆત કરે છે.

જ. દેઃ- હા તો મિસ નુરી તમે કેટલા સમયથી મી. દીપેશનાં ઘરે કામ કરો છો?

નુરીઃ- લગભગ ચારેક વર્ષથી.

જ. દેસાઇ ;- તમને ક્યારે એવું લાગ્યુ કે દીપેશની નજર તમારા પર બગડી છે?

નુરી;- તે મારી સાથે કોઇને કોઇ રીતે છેડછાડ કરવાનો પ્રયત્ન કરતો તેથી.

જ. દે;- છેડછાડ એટલે કેવી છેડછાડ? ખુલીને કહો.

કિશન;- ઓબ્જેક્શન યોર ઓનર, એક છોકરી આવી વાતો બધાની સામે કઇ રીતે કહી શકે?

જ. દે;- માય લોર્ડ આ એક પ્રતિષ્ઠીત ઘરના છોકરાની ઇજજ્ત અને જીંદગીનો પ્રશ્ન છે તો મારે થોડી આવી પુછતાછ તો કરવીજ પડશે.

જજ સાહેબ;- ઓબ્જેક્શન ઓવરરૂલ્ડ.

કિશન નિરાશ થઇને જગ્યા પર બેસી જાય છે.

જનક દેસાઇ ;- હા તો મીસ નુરી, દીપેશ તમારી સાથે કેવી છેડછાડ કરતો?

નુરી ;- તે મારી પાસે પાણી મંગાવે અને પછી હું પાણી નો ગ્લાસ આપુ તો તે મારો હાથ પકડી લે અને ગંદા ઇશારો કરે. કયારેક મને પાછળથી પકડી લે.

જ. દે;- તો તમે તેનો વિરોધ ના કર્યો?

નુરી;- વિરોધતો ઘણો કર્યો હતો. તેને મે ચોખ્ખુ કહેલું કે આ બધુ મને પસંદ નથી. પણ છતા તેણે છેડછાડ ચાલુજ રાખી.

જ. દે;- જો તમને ખબર હતી કે દીપેશની નજર તમારા પર ખરાબ છે અને તે તમારી સાથે આવુ કરે છે તો તમે નોકરી કેમ છોડી ન દીધી?

નુરી;- હું આ શહેરમાં બીજા કોઇને ઓળખતી નહોતી અને નોકરીની મારે સખત જરૂર હતી.

જ. દે;- એનો મતલબ એમ કે તમને તમારા ચારિત્ર્ય કરતાં નોકરી વધારે કિંમતી લાગતી હતી?

કિશન ઉભો થઇને કહે છે ઓબ્જેક્શન માય લોર્ડ વકીલ સાહેબ એક સ્ત્રીના ચારિત્ર્યનું ખુલ્લે આમ મુલ્ય લગાવી રહ્યા છે.

જજ સાહેબ;- ઓબ્જેક્શન સસ્ટેઇન્ડ. મિ દેસાઇ તમે કેસ ને લગતાજ વાક્યો ઉચારો આ રીતે તમે વાત કરી શકો નહી.

જ. દે;- સોરી યોર ઓનર

એમ કહી તે ફરી થી સવાલ પુછવા નુરી તરફ ફરે છે.

જ. દે;- હા તો મિસ નુરી, તમારી સાથે પહેલી વાર કયારે દીપેશે રેપ કર્યો.

નુરી;- આજ થી ત્રણ વર્ષ પહેલા 22મી મે ના રોજ.

જ. દે;- ત્યારે ઘરમાં કોણ કોણ હતું?

નુરી;- કોઇ નહી માત્ર અમે બન્ને.

જ. દે;- કેમ? દીપેશના ઘરમાં તો તેના પપ્પા મમ્મી પપ્પા અને તેનો ભાઇ પણ છે. તો તમે બન્ને એકલા કેમ હતા?

નુરી;- તે દિવસે ઘરના બીજા બધા સભ્યો એક લગ્ન પ્રસંગમાં બહાર ગયા હતા.

જ. દે;- તો પછી તમને કોઇએ કહ્યુ નહોતુ કે ઘરે કોઇ નથી?

નુરી;- મેડમે મને આગલા દિવસે કહ્યુ હતુ કે કાલે સવારે 9 વાગે અમે બહાર જવાના છીએ. તું સાંજે આવી ઘરની સાફ સફાઇ કરી જજે. પણ મે વિચાર્યુ કે હુ મેડમને એ લોકો જાય તે પહેલા જ સફાઇ કરતી આવુ જેથી સાંજે જવુ ના પડે. પણ હુ પહોંચી ત્યાં મેડમને એ લોકો જવા માટે નિકળતાજ હતા તેથી તેણે મને કહ્યુ કે કંઇ વાંધો નહી તુ સફાઇ કરીને બાજુમાં ચાવી આપીને જતી રહેજે.

જ. દે;- તમને ખબર હતી કે દીપેશ લગ્નમાં નથી જવાનો?

નુરી;- હા, મેડમે મને કહ્યુ હતુ.

જ. દે;- પોઇન્ટ ટુ બી નોટેડ માય લોર્ડ મીસ નુરીને પહેલેથીજ જાણ હતી કે બીજે દીવસે ઘરમાં કોઇ નથી અને દીપેશ એકલોજ ઘરમાં હશે અને દીપેશના મમ્મી એ ના પાડી હોવા છતા તે તેના ઘરે જાય છે.

ત્યાર બાદ થોડુ રોકાઇને જનક દેસાઇ બધા સામે જોઇને કહેછે જજ સાહેબ કેસ એકદમ સાફ છે મિસ નુરીને ખબર હતી કે કાલે ઘરમાં કોઇ નથી અને દીપેશ એકલો છે તેથી તેણે તેને ફસાવવાનો પ્લાન બનાવ્યો અને તેના ઘરે ગઇ. અને પછી મારા અસીલ સેક્સ્યુઅલી એક્સોપ્લોઇટ કરવાની કોશિષ કરી અને તેમાં તે સફળ પણ થઇ. અને ત્યાર બાદ તેણે વારંવાર આવુ કર્યુ જેને લીધે તે પ્રેગ્નેટ થઇ. ત્યાર બાદ તેણે મારા અસીલ અને તેના ફેમીલી પર તમે મને વારસો આપો એવુ કહીને બ્લેકમેઇલીંગ ચાલુ કર્યુ. જે મારા અસીલ અને તેના ફેમીલી એ કબુલ ના રાખતા,મીસ નુરીએ મી. દીપેશ અને તેના ફેમીલીને માત્રને માત્ર બદનામ કરવાના ઇરાદાથી આ કેસ દાખલ કર્યો.

આ કેસ એકદમ કાચ જેવો ચોખ્ખો છે કે મી. દીપેશનું ફેમીલી એક ગરીબ ને નોકરી પર રાખે છે. પણ મીસ નુરી તેની દોલત જોઇ અને અંજાઇ જાય છે અને તે દોલત મેળવવા માટે મી. દીપેશનો ઉપયોગ કરે છે. મારો અસીલ મી. દીપેશ એકદમ બેકસુર છે તેને ફસાવીને દોલત મેળવવાની મિસ નુરીની આ એક સાજીસ છે. આથી વધારે મારે કાઇ કહેવાનુ નથી.

એમ કહી જનક દેસાઇ બેસી જાય છે.

નહી આ એકદમ ખોટુ છે એમ કહી નુરી રડવા લાગે છે.

કોર્ટનો સમય પુરો થતા કિશનની દલીલ માટે બીજી તારીખ પડે છે અને જજ સાહેબ કોર્ટ રૂમ છોડીને જતા રહે છે.

ક્ર્મશ:

હવે શુ થશે નુરીના કેસનુ ? કિશન અને ઇશિતાની વાત કોણે રેકોર્ડ કરી હતી? હવે કિશન અને ઇશિતા ની લવ સ્ટોરીનું શું થશે? શા માટે કિશનની માએ કિશનને ઇશિતાથી દુર રહેવા કહ્યુ ? કિશન કઇ રીતે વેર ના વમળ મા ફસાય છે? આ બધુ જાણવા માટે આગળના પ્રકરણ વાંચતા રહો

***