apurnta in Gujarati Love Stories by Abhishek Parmar books and stories PDF | અપૂર્ણતાં

Featured Books
Categories
Share

અપૂર્ણતાં

અપૂર્ણતાં...

ઇ.સ.૧૯૭૪.

એ વખતે મોરબી શહેરનો ચહેરો આજથી ઘણો જુદો હતો. રાજા-શાહીની ઠાઠ-માઠમાંથી છૂટું થૈ તાજેતરમાં જ આઝાદ-હિંદની હવામાં શ્વાસ લેતું થયું 'તું. એવાં જ જૂનવાણી બાંધકામ,સંસ્કારોના રસ્તા પર ચાલતું જગ-જીવન,ઉદ્યોગોનાં ખોળે વિકસતું નગર, પોતાની જીવન-શૈલીથી ટાઢું થૈ એની ગેલમાં જીવતું 'તું.

આજે એકતાલીશ વરસ પછીય મને એની સાથેની એ પેલી મુલાકાત એવી જ તરોતાજા છે.

મારી વય તા'રે ઓગણીસેક વરહની હશે. બારમું ધોરણ પૂરું કર્યાને બે વરસ થ્યા 'તાં. બાપુએ આગળ ભણવાની ના પાડી એટલે ઘરે રહી માંને કામમાં હાથ દેતી હતી.

બાપુને નળિયાં બનાવવાની ફૅક્ટરી હતી. એમની ફૅક્ટરીના નળિયાં દૂર-દૂર સુધી દેશ-પરદેશ મોકલવામાં આવતાં.

દ'રોજ બપોરે ઘરે રસોઈ થાય એટલે હું ટીફિન ભરી બાપુની ફૅક્ટરીએ પહોંચાડતી.

એ દા'ડેય હું ખરાં તડકમાં ટીફિન લઈ ફૅક્ટરીએ પહોંચી. ને બાપુની કેબિનની માલિપા ગઈ.

બાપુના ટેબલની સામે ખુરશીમાં એ બેઠો 'તો.

વાને ગોરો હતો. દેખાવ સીધો-સાદો. આંખો કાળી ભમ્મર. ફુલેલા ગાલ. એણે રાતાં રંગનો બુસ્કોટ પેયરો 'તો. જે ઘસાઇન આછો પડી ગ્યો 'તો.

હું અંદર પેઠી એટલે બાપુએ વાતચીત અટકાવી. બાપુને મારું કોઈ પર-પુરુષ સામે આવવું ગમતું નઈ. એટલે હું કશુંય બોયલા વગર ટીફિન દિવાલ અડતું મૂકી બહાર નીકળી ગઈ. ને ઘર બાજુ પાછી ફરી.

રસ્તામાં પળે-પળે એ જ મોઢું સામે આવતું 'તું. મન એનાં તરફ ખેંચાયેલું રે'તું. હદયમાં પેલીવાર કોઈ જગા બનાવવાની કોશિશ કરતું હતું. પંકમાં જાણે કમળ ન ખૂંચી ગ્યું હોય!

*

સાંજ પડે હું ને માં ઘરની બહાર ઓટલે પાડોશી જોડે બેઠાં 'તાં.

દૂર શેરીના નાકે બાપુની બગી વળતી દેખાઈ. એટલે માં ઉભી થઇ અંદર ગઈ ને હું વેટ જો'તી ઉભી રઇ.

અને એને ફરીથી બાપુની બગીમાં બેઠેલો જોઈ અંદર ને અંદર રાજી થવા લાગી.

બગી મારી સામે જ ખડી રહી. બાપુની વાંહે એ નીચે ઉતર્યો ને મને નમસ્તે કઇ અંદર ગયો.

બાપુ હોય તાં સુધી એની હાયરે વધુ વાત ન કરી શકાય.

પણ ભિત્તરમાં ઘણાં પ્રશ્નો હતાં. એ કોણ છે? એનું નામ શું છે? બાપુ એને અહીં શુ કામ લાયવા? ને ખરો પ્રશ્ન તો એ કે એને જોઈને મને શું થઈ જાય છે?

રસોઈનું કામ પત્યે માંએ બાપુ ને એનાં માટે વાળું કરવાં પાટલા ગોયઠવા. પછી બાપુએ એને સાદ પાયડો ને એ આવી ઓસરીમાં બાપુ હારે બેઠો.

મારાથી રેવાયું નઈ એટલે મેં માંને પૂછ્યું, 'કોણ છે આ?'

માંએ જવાબ દીધો, 'એ અશોક છે. તારા બાપુનાં નાનપણના ભાઈબંધ શાંતિલાલનો છોકરો.'

અશોક, અશોક...બે-તૈણ વખત તો હું મનમાં બોલી જ ગઈ.

મેં ફરી પૂછ્યું, 'તો અહીં કેમ? મેં બપોરે એને બાપુની ફૅક્ટરીએ જોયેલો.'

'શાંતિલાલે તારા બાપુની જેમ રાજકોટમાં બેરિંગનું કારખાનું નાખેલું. બે વરસ પેલાં શાંતિલાલ ગુજરી ગયાં ને પછી અશોક એ કારખાનું સાંભળતો. ધંધો ખોટમાં જવાં લાયગો ને દેવું માથે ચડી ગ્યું. અને કારખાનાને તાળા લાગી ગ્યા.' ,માં એ કીધું.

હું વચ્ચે બોલી ઉઠી, 'તો બાપુએ કાંઈ મદદ ન કરી?'

માંએ કીધું , 'હાંસતો , બાપુએ મદદ માટે હાથ લંબાવેલો પણ છોરો સાભિમાની છે. કે છે હાથ-પગ સાજા છે તાં સુધી જાતે કામ કરીશ ને અડધો રોટલો ભલે ઓછો ખાવાં મળે પણ દેવું જાત-મહેનતે છૂટું કરીશ. એટલે એ તારાં બાપુની ફેકટરીમાં કામે ચઢવા આયવો છે.'

હું એનાં પર નજર માંડીને સાંભળી રહી. મારાં સંધાય પ્રશ્નોનાં જવાબ તો મળ્યા. પણ એક હજુય બાકી હતો. એને જોઈને મને શું થૈ જય છે?

વાળું કરીને એ બાપુ સાથે લટાર મારવાં નીકળ્યો.

કંઈક તો હતું એનામાં જે મને એના વિચારોમાં બાંધી રાખતું.

અંધારું જામી ગ્યું 'તું. માં એ મને ફળિયામાં ખાટલા પર એની પથારી કરવાં કીધું.

એટલામાં બાપુને અશોક પાછા ફર્યા. બાપુ અંદર ગ્યા ને અશોક મારી પડખે આવી ઉભો રહ્યો.

'આ મારી પથારી થાય છે?' ,એણે હળવાં અવાજે કીધું.

મેં એના તરફ જોયું ને ખાલી હોકારાથી જવાબ આયપો. પણ પછી એનાથી હું દૂર ન જોઈ શકી.

અર્જુન જેટલી ધ્યાનમગ્નતાથી પક્ષીની આંખમાં જોતો, એમ જ હું એની આંખમાં ડૂબી જઇ પથારી કરતી હતી.

એણે ખોંખારો ખાઈને કીધું, 'તમારું નામ શું છે?'

હું હેબતાઈ ગઈ. મને બાપુથી ડર લાગતો. મારે એની જોડે વધુ વખત વાત ન કરવી જોઈએ.

'ર...મા... રમા.' ,મેં ઉતાવળે કીધું ને પથારી અડધી છોડી હું ઘરમાં દોડી ગઈ.

*

આવુતો ઘણી વખત થતું. ઘરમાં એકલદા અમે સામસામે આવી ચઢતાં. પણ મારાથી એનો સામનો થતો નઈ. એક ધ્રુજારી ફરી વળતી તનમાં, આંખો પલકારો ચુકી જતી, ઉત્તેજના વાસ કરીને બેસી જતી, સમય શાંત થઈ જતો ને હૃદય તો જાણે આગથી સળગી જ ઉઠતું.

બાપુની સાથે એનું પણ ટીફિન હું પોંચડતી. પરોઢે ચા-પાણી-નાસ્તો મળી રહે, એને ભાવતું ભાણું તૈયાર થાય, એનાં ઓરડામાં સાફ-સફાઈ, રાતની પથારી - હું સંધુય સંભાળ રાખીને કરતી.

પ્રેમની શરૂઆત હંમેશા એક જ ગફલતમાં અટકી જાય છે કે આપણે એકલાં જ તો નથી ને! સામેવાળાનેય શું આવી જ લાગણી હયશે? આ પ્રશ્ન તાં સુધી ન ઉકેલાય જાં સુધી કોઈ એક પહેલ ન કરે. બરાબર?

પહેલ તો થૈ. ને એ પણ એણે કરી.

હું ફૅક્ટરીથી ટીફિન દઈ પાછી ફરતી 'તી. મેં પાછળ ડોકિયું કરીયું તો એ ફૅક્ટરીના દરવાજેથી જ મારી પાછળ આવતો 'તો.

તે ઝડપ કરીને મારી પડખે હાલવાં લાયગો. 'જરાં ઉભા રઇ વાત તો સાંભળો.' ,એ બોયલો.

મેં ઉંચૂંય ન જોયું ને એમ જ હાલતી રઇ.

'પ્રેમ કરું છું તમને. જ્યારથી અહીંયા આયો છું, નજર તમારાં ઉપર જ રે ' છે.'

'મારે ઘણી વખત તમારી જોડે વાત કરવી હોય છે. પણ તમે તો મારાથી દૂર જ ભાગી જાઓ છો. આજે હું જવાબ સાંભળ્યા વિના નઈ જવાં દવ.' ,એણે મને હાથ પકડી રોકી. બધું જ જાણે સ્તબ્ધ થઈ ગ્યું.

મેં વિચાર્યું કે જો તક સામે જ હોય તો થોડી હિંમત કરી લેવી જોઈએ.

'એવું નથી કે તમે મને પસંદ નથી. પણ પૂરાં ન થઈ શકે એવાં સપનાં ન જોવાય.' ,મેં ઉંચુ જોઈ એની આંખોને કીધું.

'શું મતલબ?' ,તેણે ચોંકીને પૂછ્યું.

'મારાં બાપુ આપણને ક્યારેય સ્વીકારશે નઈ.' ,મેં ઢીલાં ને ભીના અવાજે કીધું.

'તારા બાપુને મારાં પર વિશ્વાસ છે. એ મને સમજે છે. વખત આવતાં આપણે કહીશું તો એ મણિ જશે. તું મને એક તક તો આપી જો.' ,એણે હાથ લંબાયો. જો એને પોતાનાં પર આટલો ભરોસો હોય તો એતો મારો પ્રેમ હતો. મને તો એનાં પર ભરોસો હોય જ ને.

મેં મારો હાથ એનાં હાથમાં મુક્યો.

*

પ્રેમની એવી કોઈ વ્યાખ્યા નથી કે કહીં શકાય હા, મને પ્રેમ થયો છે. એ તો અનુભવ ને લાગણીની વાત છે. પરંતુ એમાં વિશિષ્ટ લક્ષણ એ છે કે એ હંમેશા સાચો જ વર્તાય છે. એ સાચો છે કે ખોટો , તયારે જ સાબિત થાય જાયરે એ વિકટ પરિસ્થિતિમાં ય સાથ આપી દેખાડે. હેં ને?

એ દિ' પછી હું એને વધુ ને વધુ જાણવાં લાગી. અમે રોજ એકાદ કલાક બહાર મળતાં. ઘણીવાર એ કોઈ બહાને મારી સાથે બજારમાંય આવતો.

હવે, મને બાપુનો ડર ઓછો લાગતો. મારા ડર હેઠે એનાં વિશ્વાસે ટેકો આયપો 'તો.

અમે એકબીજાથી ખુશ હતા ને બાપુને અમારા વિશે કે'વાની તક શોધતાં 'તાં.

પણ પછી બધું ઝડપથી થવા લાયગું. બાપુ ને માં મારાં વેવિશાળ માટે નાતમાં મુરતિયા ગોતવા લાયગા. બે-તૈણ તો ઘરે આવીને મને જોઈ પણ ગ્યા.

હું ને અશોક મૂંઝાવા લાયગા. અમે નક્કી કરીયું કે જલ્દી જ બાપુને બધું કહીશું.

રાત્રે વાળુ પતાવીને બાપુ ને અશોક ખાટલે બેઠાં 'તાં. હું ને માં ચોકડીમાં વાસણ વિછરતાં 'તાં.

અને અશોકે વાત છંછેડી, 'બાપુ, તમને મારાં પર ભરોસો ખરો?મારે એક વાત કે'વી છે.'

'મને તારાં પર તારાં બાપ જેટલો જ ભરોસો છે. ને તું મારા દીકરા જેવો જ છે. છૂટથી બોલ, મુંજાસ કાં?'

'બાપુ, હું રમાને પસંદ કરું છું. હું એને જોઈતું સુખ આપીશ. મારે રમા સાથે લગ્ન કરવાં છે.'

બાપુએ ઊંડો શ્વાસ લીધો. 'જો અશોક, તારા બાપની લાજ ને લીધે હું તને ધમકાવીશ નઈ. તારી જગાએ કોઈ બીજું હોત તો અહીંયા ને અહીંયા તલવારની ધારે બે ફાડીયા કરી નાયખા હોત.'

બાપુ ખાટલેથી ઉભા થ્યા ને માંને મને અંદર ખેંચી જવાં કીધું.

બાપુનો અવાજ ઓરડાની માલિપા આવતો 'તો.

'પણ બાપુ, એમાં ખોટી વાત શું છે?'

'રમાના લગ્ન નાતના છોરા સાથે જ થશે. જે તું નથી. બીજું તે મારો ભરોસો તોડ્યો છે. માટે રમાના લગ્ન તારી સાથે શક્ય જ નથી.'

અશોકે વચમાં કીધું, 'પણ..'

ને બાપુએ રાડપ પાડીને કીધું, 'બસ અશોક. હવે કાંઈ જ બોલતો નઈ. હું મારો આપો ખોઈ બેસું એ પેલાં નીકળીજા આ ઘરમાંથી ને કાલથી ફેકટરીમાં ય પગ મુગતો નઈ.'

'હું અત્યારે જ નીકળી જઈશ. પણ અહીંથી જવાથી રમાને ભૂલી જઈશ એવો કાચો પ્રેમ નથી મારો.'

પછી થોડો વખત બધું શાંત રહ્યું. ને ખડકી ખટાક થઈને બંધ થવાનો અવાજ આયો.

જો આપણો પ્રેમ એના અધિકાર માટે બધું જ છોડી શકતો હોય, બધા સાથે ઝઘડી શકતો હોય, કાંઈ પણ થાય તોય સામનો કરવાં તૈયાર હોય, તો આપણો પ્રેમ સાચો છે ને એનો સાથ આપવાં આપણે હાથ પકડીને પડખે ઊભાં રે'વું જ પડે.

હું તરત જ ખીડકી તરફ દોડી. બાપુનો ડર વટાવતી, માંનો પ્રેમ ભુલાવતી, સંબંધોનો છેડો ફાડતી, અશ્રુનાં ટીપાં પાડતી, ઝઘડાનું ઝેર પીતી, ફળિયામાંથી કૂદતી-કૂદતી પ્રેમનો સાથ આપતી ખડકી ખોલીને એનો હાથ પકડતી એની સાથે હાલતી થઇ.

ને અંદરથી રાડ આવી. 'ખબરદાર, જો પછી આ ઘર તરફ તેં આંખ માંડી છે તો. બેયની આંખો ત્યાંને ત્યાં જ ફોડી નાખીશ. યાદ, રાખજે આજે તારો બાપ મરી ગ્યો છે.'

કેમ, આખરે કેમ પ્રેમમાં મૉટે ભાગે ઘરનાં જ આપણી સામે હોય છે? હા, એ વાત ખરી કે તેઓ અનુભવથી પૂરા ને લાગણીથી આપણી જોડે બંધાયેલા હોય છે. આખુંય બાળપણ જે આપણને સમજે છે. પણ જ્યારે પ્રેમની વાત આવે કે એક પારકો આપણને સાથ આપે છે ને પરિવારનાં સમજ્યા વિના સાથ છોડી જાય છે. ને એટલે જ આપણી પાસે એમને છોડવાં સિવાય રસ્તો નથી હોતો.

એ વાત પણ સાચી કે એમને આપણો પ્રેમ ખોટો પડવાંનો ડર હોય, જીવન ખરાબ થવાનો ભય હોય છે. પણ આ પસંદગી કરવાની ટેવ પણ એમની આપેલી જ છે. બાળપણમાં ખબર હોય કે મેળાનું તકલાદી રમકડું પાંચ જ દિવસમાં તૂટી જવાનું છે. છતાંય મારી જીદ માટે મને એ ખુશીથી અપાવતાં. તૂટી જાયે તોય કે'તાં બેટા, કાલે બીજું લેવાં જશું. તો આજે આ રમકડું માંગુ એમાં ખોટું શું છે?

આપણો પ્રેમ બળવાન હોય છે ને એમનો પ્રેમ સતાણ કરે છે. પ્રેમને પ્રેમથી વેર હોય છે એટલે ન તો જીદ આપણી ખોટી હોય છે, ન તો એમની સમજણ ઓછી હોય છે. ખરેખર, વાંક તો ખાલી એમાં પ્રેમનો જ હોય છે.

*

અશોકે એક મિત્રની મદદથી લાતી બજારમાં લાકડાં છીણવાનું કામ ગોત્યું ને અમે નજીકમાં જ ભાડે ઘર રાખ્યું.

બાપુનાં ઘરને છોડયાં ને તૈણ મહિના પછી ૧૫, મે ૧૯૭૮ના મંદિરમાં અમે લગ્ન કર્યા.

ઘર ખર્ચને પૂરો પાડવા હુંય કામે ચઢી. મચ્છુ-મંદિર પાસે દરબાર-બોર્ડિંગમાં સાફ-સફાઈ કરવાં કામ મળીયું.

હળવે-હળવે સંધુય બરાબર ગોઠવવા લાયગું. અમારા માટે હવે અમે બે સિવાય તિજુ કોઈ સંબંધમાં રહીયું ન્હોતું. સમાજનાં વડીલોએ પણ અમારો અસ્વીકાર કરીયો. અમારે આમેય એકબીજા સિવાય કોઈની જરૂર પણ નોતી. અમે એકલદા ખુશ હતાં.

ને આ ખુશીમાં હજુ વધારો થ્યો જ્યારે અમને ખબર પડી કે મારાં ગર્ભમાં નાજુક કળીએ ખીલવાનું શરૂ કરીયું છે. જે અમારો પ્રેમ અતૂટ, અસામાન્ય, અવર્ણનીય ને અજેય છે એમ સાબિત કરી બતાવશે.

પરંતુ કે'વાય છે ને કે જીવન ઉપર નસીબનું જોર હોય છે.

૧૧, ઓગસ્ટ ૧૯૭૯. મારા ગર્ભનાં બાળકને સાત મહિના થ્યા 'તાં.

મોરબી ગામ ઉપર છેલ્લા દસ દાડાથી કાળું વાદળ પથરાયેલું 'તું. વરસાદ અન્નતતાથી વરસતો રહીયો. સતત દસ દિ'થી વહેતાં જળ-પ્રવાહો મચ્છુમાં ઠલવાતા રહીયા.

દસમે દા'ડે વરસાદે વિસામો લીધો. લોકો હરતાં-ફરતાં થ્યા. ને મને બોર્ડિંગથી હુકમ આયો કે ભરેલાં પાણી નીકાળી બોર્ડિંગ ચોખ્ખી કરવાની છે.

બપોરનું ભાણું પતાવીને ૧:૦૦ વાગે હું બોર્ડિંગ ગઈ ને અશોક ઘરે રહીયો.

જે થવાનું હતું એ તો વિધાતાને જ ખબર હતી. ને એ વખત આખરે આયવો જ.

બપોરનાં ૩:૦૦ વાગ્યા ને મચ્છુ-૨ ડેમની દિવાલોમાં તિરાડ પડી. એક વિશાળ જળ-સ્તર મોરબીમાં પ્રવેશ્યું.

હું થોડી ભાગ્યશાળી હતી. બોર્ડિંગ પાસે ૧૦ ફૂટનું મોજું પોચેલું ને અમે બોર્ડિંગનાં બીજા માળે બેસી રહેલાં.

તૈણ કલાક પાણી વહેતાં રહીયા. અશોકની ચિંતા મને સૌથી વધુ હતી. એટલે ફટાફટ હું બોર્ડિંગથી નીકળી બજાર તરફ ગઈ.

તાં નું દ્રશ્ય જોઈ લાગ્યું કે બોર્ડિંગનાં વિસ્તાર સિવાય આખાય મોરબી પર તો ૩૨ ફૂટનું મોજું ફરી વળેલું. જે નગર-દરવાજાને આખે-આખો ડુબાડી શકે.

ને આ જળ-સ્તરમાં કેટકેટલાના જીવ દબાયા હશે એ તો સામે જોઇને જ કહી શકાતું 'તું. મડદા રાઈના દાણાની જેમ વેરાયેલા હતાં. કુદરતનાં આ જળ-અંજામમાં દયાનો તો એક છાંટોય ન 'તો.

ચારેય બાજુ અપૂર્ણતા ઉભરાઈ આવી 'તી. આ અપૂર્ણતા મને પણ સ્પર્શી ગઇ જ્યારે હું લાતી બજાર પોંચી. પુરે સૌથી વધારે જોર અહીં જ કરેલું. એકેય મકાન પગ-ભર ખડું ન 'તું. અશોકનો કોઈ પતો ન હતો.

બાપુ ને માંની ખબર જોવા પણ હું ગઈ. ધસમસતા એ પ્રવાહે એમનાય શ્વાસ બંધ કરી દીધા 'તાં. એમનાં શબને મારી નજર સામે જ બાળી દેવાયાં. જ્યારે તૈણ દિ' સુધી હું -અશોક, અશોક પોંકારતી ફરતી રહી પણ એનો શબ પણ મેં ભાળ્યો નઇ.

આવી હું એક ન'તી. હજારો લોકોએ એમનાં આખાયે કુટુંબ ગુમાવ્યાં 'તાં. મોરબી ગામ જાણે એકસાથે સંતાપની બાથ ભીડી રડતું 'તું.

*

બેઘર બનેલાં લોકોને રાજકોટ સ્થળાંતરિત કરવામાં આયવા.

જીવવાં માટે હવે એક જ કારણ બયચુ'તું. મારાથી આવવાની નવી જિંદગી.

એનાં ખાતર હું બધું જ ભિત્તરમાં દબાવી રાજકોટ જઈ રે'તી થઈ.

તૈણ મહિના પછી મેં એક છોકરીને જનમ આયપો. જેનું નામ મેં આશા રાયખું.

આશા ધીમે-ધીમે મોટી થવા લાગી ને હુંય થોડી પગભર થઈ. રાજકોટમાં કામ ગોતી. જીવતી થઇ.

ભાગ્યની એક રેખાને ભૂંસાયાને તૈણ વરસ થઈ ગ્યા 'તાં.

પરંતુ વિધાતાને મારી ખુશીઓથી વેર બંધાયેલું 'તું.

તૈણ વરસની આશા બિમાર પડી. એને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ.

દાક્તરે કીધું કે એ ન્યુમોનિયાની અસરમાં છે. ને બાળકનાં ફેફસાં હજુ અશક્ત હોય છે. એનું જીવવું હવે મુશ્કેલ હતું.

થાકી ગઈ 'તી હું. હવે વધારે હિંમત નો'તી મારામાં. ને હિંમત વગરનો વ્યક્તિ રડવા સિવાય શું કરી શકે? બે દિ' ને બે રાતથી હું આશાની પડખે બેઠી-બેઠી સતત રડતી રઇ. એક પળ પણ હું એનાથી દૂર ન ગઈ.

હોસ્પિટલની કોલાહલમાં આશા શૂન્યતાનાં શ્વાસ લેતી 'તી. ને આ કોલાહલ ને શૂન્યતા વચ્ચે એક અવાજ સંભળાયો. હા, એ જ અવાજ. જેમાં હું ક્યારેય થાપ ન ખાઈ શકું.

હું તરત જ એ અવાજ પાછળ દોડી.

હા, એ જ હતો. હા, એ જ. મેં જોશથી, રાડ પાડી. ,'અશોક' ,ને તે પાછળ ફરિયો.

હા, એ જ.

હું દોડી, આંસુ ટપકાવતી, ભૂતકાળ સંભારતી, વિધાતાનો આભાર માનતી, કૂદતી-કૂદતી એની પાસે જઈ એને ભેટી પડી.

આખરે એ મળળીયો જ. હું ખુશ હતી. એ અપૂર્ણતામાં ય અમારો પ્રેમ શ્વાસ લેતો રહીયો. કુદરતને થાપ દઈ જીવતો રહીયો.

*

હું ને અશોક આશા પડખે બેઠાં' તાં.

મેં પૂછ્યું : 'અશોક, તો તું મને ગોતવા કેમ ન આયો?'

અશોક : 'પણ પરિસ્થિતિ જ એવી હતી. એ દિ' મને તો એમ જ હતું કે હું નઈ બચું. પણ તયારે મને એટલું જ યાદ હતું જયારે પાણી મને ગળું દાબવા આવેલું.'

મેં વચ્ચે કીધું, 'ને પછી.'

અશોક : 'મેં જયારે આંખ ખોલી તયારે હું આ જ હોસ્પિટલમાં, સામેના ખાટલે હતો. અંગેઅંગમાં દુખાવો હતો. પંદરેક દિ' મને દાખલ રખાયો. અહીં થી નીકળી હું સીધો જ મોરબી આવેલો ને તને બધે જ ગોતેલી. બાપુનાં ઘરે પણ ગયેલો. ક્યાંય કોઇ જ જવાબ મળિયો નઈ.'

મેં પૂછ્યું : 'તું આજે અહીં શું કરતો 'તો?'

અશોક : 'તમને ગોતવામાં અસફળ રહીયો એટલે જીવવાનું કોઈ કારણ બચ્યું ન'તું. છતાં વિધાતાએ આવીને મને બચાવેલો એટલે પછી હું રાજકોટમાં આવી રે'વાં લાયગો ને અહીં રે'તા દર્દીઓની સેવામાં જીવતો રહીયો.'

એટલામાં ઓરડામાં દાક્તર રાઉન્ડ પર આવીયા ને પાસે આવી આશાને તપાસી.

મેં તો આંખો જ મીંચી દીધી. બે ધારે ઝાકળ બની ટકેલાં આંસુ સરી પડ્યાં.હું હવે કોઈ ધ્રાસકો સહન કરવાં તૈયાર ન'તી.

'રમાબેન, ચિંતા ન કરો. આશાનું સ્વાસ્થ્ય હવે મજબૂત છે. બસ, થોડાં દિવસની સારવાર જરૂરી છે.' ,દાક્તરે કીધું.

ને મેં આંખો ખોલી. હોઠ હળવેથી હસતાં 'તાં ને અશ્રુ ટપટપ પડતાં 'તાં. આવી પળ જીવનમાં બહુ ઓછી વખત આવે છે.

સાચે જ , વિધાતાનું વ્યાકરણ સમજ બહારનું છે. એણે અપૂર્ણતાને ટાળવા અલ્પવિરામ મૂકેલું ને હું એને પૂર્ણવિરામ માની લઇ બેઠી રઇ 'તી.

***

- અભિષેક પરમાર