પિન કોડ - 101
પ્રકરણ-90
આશુ પટેલ
‘ભાઈ, બેકરીની બહાર ટોળું જમા થઇ ગયું છે.’ હાંફતા હાંફ્તા ધસી આવેલા એક ગુંડાએ ડોન કાણિયાને કહ્યું.
એ શબ્દો સાંભળીને કાણિયાએ ઇશ્તિયાકને કહ્યું: ‘હુ જઈ આવું છું. બધા આપણા જ માણસો છે, પણ તેમની સાથે વાત કરીને તેમને પરિસ્થિતિ સમજાવવી પડશે.’
જોકે ઈશ્તિયાક પણ તેની સાથે જવા ઊભો થયો. ઇમ્તિયાઝે મારેલી ગોળીને કારણે કાણિયાને પગમા ભયંકર દર્દ થતું હતું, પણ તેને અવગણીને તે એક ગુંડાના ખભાનો સહારો લઈને ચાલવા માંડ્યો. સાહિલે મારેલી ગોળીને કારણે ઈશ્તિયાકને પણ અસહ્ય દર્દ થઈ રહ્યું હતું, પણ અત્યારે તેને અવગણવા સિવાય છૂટકો નહોતો.
બેકરીની બહાર એકઠા થઈ ગયેલા લોકોને ઉદ્દેશીને કાણિયાએ કહ્યું, ‘અત્યારે કસોટીની ઘડી આવી પડી છે. આપણો મઝહબ ખતરામાં છે. અમે તો સર પર મોતનું કફન બાંધીને જીવીએ છીએ. પોલીસ આવી ચડે તો અમે તો એક વાર શહીદ થઇ જઇશું, પણ તમારા માટે લડવાવાળું કોઇ નહીં બચે! પોલીસ કોઈ કાળે અંદર ના આવી શકે એ તમારે જોવાનું છે.’
ઈશ્તિયાકે પણ આક્રમક ભાષામાં ટોળાને સંબોધન કરીને પાનો ચડાવ્યો.
બધાએ બૂમો પાડીને ખાતરી આપી કે અમારા શરીરમાં લોહીનું એક પણ ટીપું બચ્યું હશે અમે ત્યાં સુધી કોઈ સુવ્વરને અંદર નહીં પ્રવેશવા દઈએ. અમારા છેલ્લા શ્ર્વાસ સુધી અમે લડી લઈશું.
ટોળાના દોઢ-બે મિનિટના સૂત્રોચ્ચારો પછી કાણિયાએ અને ઈશ્તિયાકે સંતોષના ભાવ સાથે બધાને શુક્રિયા કહ્યું અને તે બન્ને ફરી અંદર તરફ ચાલતા થયા.
‘તાબડતોબ બેકરીની પાછળના બાથરૂમના ગુપ્ત દરવાજાની જગ્યાએ દીવાલ ચણાવી દો અને ટાઇલ્સ લગાવી દો.’ કાણિયાએ તેના એક વિશ્ર્વાસુ માણસને આદેશ આપ્યો.
‘એ બાજુની એન્ટ્રી બંધ થઇ જાય એટલે કોઇ ચિંતા જ નહીં રહે. અને મૌલવીજીના ઘરમાંથી જે એન્ટ્રી છે એને તો વાઘમારેને કારણે જે હોબાળો થયો એ પછી મીડિયાને કારણે ક્લીનચિટ મળી જ ગઇ છે. છતાં એક ચકલું પણ મૌલવીજીના ઘરમાં ન પ્રવેશી શકે એ માટે બધાને સાબદા કરી રાખ્યા છે.’ કાણિયાએ ઇશ્તિયાક સામે જોઈને કહ્યું.
* * *
‘આપણે બંને પોલીસ પાસે જઈ શકીએ એમ નથી. આપણે આ લોકોની કેદમાં હતા એ વખતે મુંબઈમાં આતંકવાદી હુમલા થયા હતા અને એમાં ઉપયોગમાં લેવાયેલી ફ્લાઈંગ કાર્સ બનાવી આપવાના આરોપ હેઠળ પોલીસ તમને અને મને શોધી રહી છે.’ સાહિલ મોહિનીને કહી રહ્યો હતો.
મોહિનીને વધુ એક આંચકો લાગ્યો. એ માણસે પણ ફ્લાઈંગ કાર બનાવી આપી હતી!
બધા ઘટનાક્રમથી અજાણ મોહિનીને લાગ્યું કે જેમ મારું અપહરણ કરીને અને મારા માતા-પિતાને બાનમાં રાખીને ઈશ્તિયાકે ફ્લાઈંગ કાર બનાવડાવી એ જ રીતે આ માણસનું અપહરણ કરીને અને તેની પ્રિયતમાને બાનમાં રાખીને ઈશ્તિયાકે તેનો પણ ઉપયોગ કર્યો હશે.
‘મારી પ્રેમિકા નતાશા આ લોકોના કબજામાં ન હોત તો હું પોલીસ પાસે સામે ચાલીને જાત, પણ અત્યારે મારી પાસે બીજી કોઈ પસંદગી નથી. ઈશ્તિયાકે તમને પણ સાથે લઈ આવવાનું કહ્યું છે, પણ તમારે જે નિર્ણય લેવો હોય એ લઈ શકો છો. તમારે પોલીસના શરણે જવું હોય તો અહીંથી થોડા મીટર દૂર જ પોલીસ સ્ટેશન છે.’
‘નહીં, હું પણ તમારી સાથે પાછી આવીશ.’ મોહિનીએ કહ્યું.
તે બંને વાત કરી રહ્યા હતા એ વખતે તેમને ખબર નહોતી કે તે બંને ઈકબાલ કાણિયાના અડ્ડા સુધી પહોંચતા પહેલા ફરી એક વાર રોલર કોસ્ટર રાઈડ જેવી સ્થિતિમાં મુકાઈ જવાના હતા.
માણસ ઘણીવાર ધારતો હોય છે કે હવે હું આમ જ કરીશ. એ જ રીતે ઘણી વાર માણસ એવું માની લેતો હોય છે કે આ સ્થિતિમાં હવે ચોક્કસ રીતે વર્તવા સિવાય મારી પાસે કોઈ છૂટકો જ નથી. એ વખતે ભલે મજબૂરીથી તે વર્તતો હોય પરંતુ તેનામાં કર્તાભાવ આવી જતો હોય છે કે હવે હું આમ કરીશ. પણ ત્યારે તેની હાલત શકટનો ભાર તાણતા શ્ર્વાન જેવી હોય છે. ગાડા નીચે ચાલ્યા જતા કૂતરાને લાગે કે આ ગાડાનો બોજ મારા પર જ છે અને હું જ આ ગાડાનું વહન કરી રહ્યો છું. પણ હકીકતમાં તો બળદો જ ગાડાને ખેંચી રહ્યા હોય છે. એ રીતે માણસ જ્યારે સારી કે ખરાબ સ્થિતિમાં એમ માની લે છે કે હવે હું આમ કરીશ કે હું તેમ કરીશ ત્યારે તેની દશા શકટનો ભાર તાણતા શ્ર્વાન જેવી જ હોય છે. તેનામાં કર્તાભાવ આવી જતો હોય છે ત્યારે હકીકતમાં તેના જીવનરૂપી ગાડાનું ઈશ્ર્વર જ વહન કરતો હોય છે. સાહિલ બાળપણમાં રોજ સવારે તેના પિતાના કંઠે સાંભળતો: ‘હરિ તું ગાડું મારું ક્યાં લઈ જાય કંઈ ન જાણું, ધરમ કરમના જોડા બળદિયા, ધીરજની લગામ તાણું...’ બાળપણમાં તે દરરોજ સાંજે તેના મોટા બાપા એટલે કે તેના પિતાના મોટા ભાઈ સાથે ગામના એકમાત્ર મહાદેવના મંદિરે જતો અને ભક્તિપૂર્વક આરતી કર્યા પછી બિલિપત્રો લાવીને ફળિયામાં અને આજુ-બાજુના પડોશના ફળિયાઓમાં પણ જઈને પાડોશીઓના કપાળે-આંખે બિલિપત્રો લગાવતા બોલતો: ‘ઓમ નમ: શિવાય.’ સામે તેને ઓમ નમ: શિવાય પ્રતિસાદ સાંભળવા મળતો.
સાહિલ અત્યંત ધાર્મિક પ્રકૃતિનો હતો, પણ નાની ઉંમરમાં માતા-પિતાને ગુમાવ્યા પછી તેને ઈશ્ર્વર પ્રત્યે અભાવ થઈ ગયો હતો. પરંતુ તે એસ. એસ. સી.માં ભણતો હતો ત્યારે તે તેની સહાધ્યાયી છોકરીના પ્રેમમાં પડ્યો હતો એના કારણે તેની ઈશ્ર્વર પ્રત્યેની ફરિયાદો ઓછી થઈ ગઈ હતી. મોટા ભાગના માણસો મનગમતી સ્થિતિમાં હોય ત્યારે તેમને ઉપરવાળા પ્રત્યે બહુ ફરિયાદ કે ઉપરવાળા પાસેથી બહુ અપેક્ષા હોતી નથી, પણ અણગમતી સ્થિતિમા તેઓ ભગવાનને ફરિયાદ કરી બેસતા હોય છે ક્યા તો ઉપરવાળા પાસેથી તેમની અપેક્ષા બહુ વધી જતી હોય છે. સાહિલ નાની ઉંમરે પ્રેમમાં પડ્યો એટલે તેની ઈશ્ર્વર પ્રત્યેની ફરિયાદો ઘટવા લાગી હતી, પણ બે વર્ષ બાદ તે છોકરીએ ડિપ્રેશનને કારણે આત્મહત્યા કરી લીધી હતી. એ પછી ફરી વાર તે નાસ્તિકની જેમ વિચારતો થઈ ગયો હતો. જીવનના એ તબક્કા દરમિયાન તેને લાગતું હતું કે સમગ્ર સૃષ્ટિમાં તેનાથી વધુ દુ:ખી કોઈ નહીં હોય. તેને રાતે સૂતી વખતે તેના માતા-પિતાની કે પ્રિયતમાની યાદ આવી જતી તો તે ઘણીવાર પથારીમાં પડખાં ઘસતા ઘસતા અને તારાઓ ગણતા આખી રાત જાગતો રહેતો. તે કોલેજમાં ગયો ત્યાં સુધીમાં તો તે સંપૂર્ણ નાસ્તિક બની ચૂક્યો હતો. તેણે ઉપરવાળાને ફરિયાદ કરવાનું કે તેની પાસેથી અપેક્ષા રાખવાનું છોડી દીધું હતું. નતાશા તેને સમજાવવાની કોશિશ કરતી ત્યારે તે કહેતો કે જેનું અસ્તિત્વ જ ના હોય તેને ફરિયાદ કરીને કે તેની પાસે અપેક્ષા રાખીને શું ફાયદો?
જોકે અઢાર વર્ષની ઉંમરે મનગમતી છોકરીને કારણે નાસ્તિક થયેલો સાહિલ તેના જીવનમા આવેલી બીજી પ્રેમિકાને કારણે, નતાશાને કારણે વર્ષો પછી અચાનક આસ્તિક બની ગયો હતો. ગાઢ મિત્રના વિચારોની, તેના વર્તનની, તેની જીવનશૈલીની વહેલીમોડી અને થોડીઘણી અસર તો દરેક વ્યક્તિ પર થતી જ હોય છે. નતાશાનું અપહરણ થયું છે એવી ખબર પડી એટલે સાહિલે સિદ્ધિવિનાયકની માનતા માની લીધી હતી.. અત્યારે તેણે ફરી વાર મનોમન સિદ્ધિવિનાયકને કરેલી માનતા દોહરાવી લીધી.
સાહિલે મક્કમતાથી નક્કી કરી લીધું કે પોતે ઈકબાલ કાણિયાના અડ્ડામાં જશે. જોકે ત્યારે સાહિલને અંદાજ નહોતો કે તેણે ફરી એક વાર અણધારી ક્ષણોનો સામનો કરવો પડશે. નતાશા સાહિલને દરરોજ સવારે એક પ્રેરણાદાયી મેસેજ ફોરવર્ડ કરતી જે તેને તેની મમ્મી મોકલતી હતી. એમાં ઘણાખરા મેસેજીસ તો ઈશ્ર્વરની પ્રશસ્તિ અને ઈશ્ર્વરની સર્વોપરિતાને લગતા જ રહેતા હતા. એવા મેસેજને કારણે સાહિલ ઘણીવાર ચિડાઈ જતો. એક વાર નતાશાએ તેને મેસેજ મોકલ્યો હતો: ‘માણસને હસાવવો હોય તો તેને જોક કહો અને ઈશ્ર્વરને હસાવવો હોય તો તેને તમે તમારા ભવિષ્ય વિશે ઘડેલી યોજનાઓ કહો!’
એ મેસેજ વાંચીને અકળાઈ ઉઠેલા સાહિલે નતાશાને ટપારી હતી કે મહેરબાની કરીને હવે પછી આવા હાસ્યાસ્પદ મેસેજ મને ના મોકલતી. તારા ઈશ્ર્વરનું નામ સાંભળું છું ત્યારે મને હસવું આવી જાય છે! પણ અત્યારે તો તેણે ફરી એક વાર નતાશાના માનીતા સિદ્ધિવિનાયકના શરણે જવાનો વારો આવ્યો હતો. અને એ પણ નતાશાને કારણે જ!
(ક્રમશ:)