Otalo - 1 in Gujarati Moral Stories by Krunal K Gadhvi books and stories PDF | ઓટલો - ભાગ-1

Featured Books
Categories
Share

ઓટલો - ભાગ-1

"ઓટલો"

(વાસ્તવિકતા ની વાતું)

કૃણાલ ગઢવી

ફાટેલુ પેન્ટ (jeans ), દેહ ના નખ-શીખ વજન થી બમણા વજનનો ખમ્ભા પર લટકતો થેલો, વિખાઈ ગયેલા વાળ, માથાના વાળમાં એકઠી થયેલ ગરમી માંથી સરી ને ગાલ ની વચ્ચો વચ્ચ પહોંચેલ પરસેવા ની ધાર! ધમ-ધમતા સુરજ ની હાજરી નું પ્રમાણ બની, કપાળમાં ફેલાયેલો કોરા કંકુ નો ચાંદલો, મંદ પડી ગયેલી પગ ની ગતિ અને વિસામો શોધતી આંખો સાથે યુવાનની નજર "ઓટલા" પર પડતા વર્ષો થી યાત્રાએ નીકળેલા રાહગીરનેં પોતાની મંઝિલ મળી હોઈ! તેટલા હરખ સાથે દોટ મૂકી, હાશ-કારો અનુભવતા ઘટાદાર વડલા ની છાયા નીચે "ઓટલા" ની શય્યા પર યુવાન નિંદ્રાધીન થયો.... થાકેલા યુવાન નું ઓટલા ને જોતા હાશ કરો અનુભવી નિંદ્રાધીન થવું સહજ છે, કારણ, આ એજ ઓટલો છે.! જે'ણે ૧૦૦એક દિવાળીયું જોઈ છે! ઘણા વટેમાર્ગુ ને આશરો આપ્યો છે, અને હંમેશા પોતાની સાત્વિકતા, મર્યાદા અને મોટપ ની વાતું કરી છે.

***

ગામડા પ્રથામાં મર્યાદા, ન્યાય અને શાષકીયતા નું પ્રમાણ કોઈ કહેવાતું તો એ "ઓટલો" હતો..! "ઓટલા" ની સાત્વિકતા નું પ્રાણ આપતો તેના પર ખડકાયેલો લીલોછમ અને અડીખમ વડલો આજે પણ પોતાની પવિત્ર, મર્યાદા યુક્ત અને શીતળ છાયામાં લોકો ને પરત સમાવિષ્ટ કરવા આતુર છે, પોતાના નિયમ અને મર્યાદા ને આધીન કેટ-કેટલા ને યોગ્ય ન્યાય અપાવતા "ઓટલા" એ અપશબ્દો અને શત્રુતા સામે પણ પીછે હઠ નથી કરી, યોગ્ય-અયોગ્યતા ની સમજણ ના મંથનમાં વીતેલા ૧૦૦ વર્ષ ના અનુભવ થી ઘડાયેલ "ઓટલા" ને આજનો સમય વિસરી જઈ રહ્યો હોય ત્યારે, પોતાના ભાવો ને સંગ્રહિત કરી રાખવા અસમર્થ એવો "ઓટલો", પોતાની વ્યથા ને ઠાલવવા યોગ્ય પાત્ર ની પ્રતીક્ષામા, આવતા જતા દરેક મુસાફર સાથે ભૂત-ભવિષ્ય વચ્ચે ના તફાવતો ની દલીલ કરતો દેખાય છે.

***

પચાસેક ગાયું અને ભેશુંના પગલાંનો નજીક પહોચી રહેલો અવાજ અને ધીમા ધીમા પણ સતત સંભળાતા મંદિરના ઘંટ-નગારા ના અવાજો સંધ્યા કાળ ની ખાતરી આપી રહ્યા હતા, કલાકો ની નિંદ્રા બાદ થાક મુક્ત અને તાજગી યુક્ત ભાવો પ્રગટ કરી રહેલ યુવાન ની આંખો સમક્ષ…

"મણ એક બાજરો ભરાય એવી માથા ઉપર પાઘડી, હાથમાં પંદરેક કિલો નો બડો (લાકડી), પગમાં અસલ ચામડા ની આભલા ટાંકેલી મોજડી, પૂળો પૂળો મૂછ, ચોખ્ખા ઘી દૂધ થી વણાયેલ કાયા અને શરીરમાં દસેક બળદ જેટલું બળ હોવાની ખાતરી આપતા મજબૂત બાંધા વાળા આધેડ વય ના માણસે, માવઠા ની હૃદય થંભી ગર્જના સમાન પડછંદ અવાજે કહ્યું "મેમાન....ઉઠી ગ્યા ?", સાંભળતા આળસ મુક્ત યુવાન એક-એક ઓટલા પર બેઠો થયો, ગભરાયેલા સ્વરમાં હા.. કહી નીકળવાની તૈયારી એ લાગ્યો.

કઈ બાજુ જુવાન.....? પેલા માણસે પૂછ્યું.

મારુ નામ જુવાન નથી(અકળાઈ ને). યુવાન બોલ્યો.

તો, મારુ નામ જીવો છે તમારું શું? પેલા માણસે કહ્યું. (તોછડો સ્વર હતો, પણ ભાવ બિલકુલ ભોળો)

કઈ જવાબ આપ્યા વગર યુવાન પોતાનો માંડ-માંડ ઉપડતો થેલો ખંભે નાખી સામે તરફ ના બસ-પાટિયા તરફ ચાલતો થયો.

આયા બેસીજાઓ જુવાન અત્યારે એ'કોઈ બસ નઈ મળે, આ ગામમાં દી-આથમ્યા પછી બસ નથી આવતી, છેલ્લી બસ તમે ઉઠ્યા એની પાંચ મિનિટ પે'લાજ ગઈ, જીવાએ આદર પૂર્વક કહ્યું.

જીવા સામે છછુન્દર લગતા યુવાનમાં કોણ જાણે કઈ વાતનું અભિમાન હશે કે જીવા ના આદર ને ફરી અવગણ્યો, પણ આ'તો ભોળપણ ભરેલી માટીમાં ઉછરેલો જીવો, માન-અપમાન, કટાક્ષ, તોછડાઈ જેવા શબ્દો અને સ્વર થી એને ક્યાં કઈ લાગે વળગે? એણે તો યુવાન ના હાથેથી ફટક થેલો લઇ અને ઓટલે બેસી ગયો.

શાબ્દિક યુદ્ધ જીવા સાથે યોગ્ય નો'તું અને શારીરિક યુદ્ધનો તો કોઈ સવાલ જ નો'તો! એટલે નબળા સ્વરમાં યુવાને કહ્યું મારે ત્યાં નથી બેસવું, બસ-પાટિયે બેઠો છુ, જયારે બસ આવે ત્યારે હું નીકળી જઈશ તમે ચીન્તા ન કરો.

જીવો: આવા ફાટેલા પાટલૂને ન્યાં નો બે'હાય જુવાન! અંધારામા કાળીયો કયડી જાશે. (જીવો હવે ટીખળીએ ચડ્યો હતો)

સમ-સમી ગયેલા પણ લાચાર યુવાને જીવા સામે અભણ ઠેરવતી નજર કર્યા થી વિશેષ કઈ કરવાનું નહોતું.

અમાસ ની રાતે કાળા ડિબાંગ આકાશ નીચે, દૂર-દૂર થી આવતા તમરાનું તમ-તમ, ખેતરમાં ચાલતા પાણી ના પમ્પનો અવાજ, વળતી જતી ઠંડી અને શરીર ને બને તેટલું સંકોચી ને બસ-સ્ટેન્ડ ના બાકડા નીચે સુતેલા ૨-૩ કુતરા ની સાક્ષી પૂરનાર, ગામમાં જાણે જીવો અને યુવાન જ રહ્યા હોય તેમ સોપો પડી ગયેલો.

ઘુંઘવતાં મહાસાગર જેવા પડછંદ ખોંખારા સાથે, સુમેરુ પર્વત પરથી સરી પડતી શીલાના ગડગડાટ સમાન પગલાં ભરતા જીવા ને ઓટલે થી અળગો થતો જોઈ, પેહલા ક્યારેય ન અનુભવેલા આ પ્રચંડ અવાજ થી ક્ષણ વાર ધબકારો ચુકી ગયેલા યુવાન ને થયું, મેં માન-મોહ ન આપ્યા એટલે જીવો ત્યાંથી ચાલ્યો ગયો! પોતાને બંધન મુક્ત સમજતો યુવાન એકલતા ને પામી ખુશ-ખુશાલ હતો. ક્ષણો વીતી, વીતતી ક્ષણો સાથે હરખમા ઘટાડો થયો અને સહવાસ ની ઝંખના પ્રબળ બની, એકલતા વિવશતામાં પરિવર્તી અને શહેરી યુવાન શહેરની મોડી પણ દિવસ નો અનુભવ કરવાનરી ચમક-દમક થી ભરપૂર રાત્રી ના અસાંગળામા ડૂબ્યો, જીવા ના વ્યવહાર ને તોછડાઈ સમજતો, આ ઘડીએ તોછડા વ્યવહાર ને પરત પમવા તત્પર થયો.

(માણસ સ્વભાવ આ જ છે..! માણસ ખોરાક વગર રહી જશે પણ સહવાસ વગર નહિ, અહંકાર, જરૂરિયાત અને એકલતા ની ઉણપ માણસ-માણસ માંથી મેળવી લ્યે છે.)

ઘડિયાળનો કાંટે કાટો મળ્યો નહોતો અને ગામ સુદ-બુધ ખોઈ બેઠું હોઈ તેમ ઘરમાં લપાઈ ગયું હતું, હજી તો નવ પણ નથી વાગ્યા અને આ શું?, કોઈ એક ક્ષણે મંઝિલ સમ લાગનાર વડલો અને ઓટલો અત્યારે બંધન રૂપ લાગતા હતા, ચો તરફ અંધાર, તેમા, વિલાયતી કપડે ઢંકાયેલ કુમળી માટીની કાયામાં, વધતી જતી ઠંડી સામે ધાક જીલવાની ક્ષમતા નહોતી.

દૂર નાનકડી સરખી શેરી (ગલી) ને ઢાંકી ને ચાલતી તોતિંગ કાયા (જીવો) પોતા તરફ આવતા જોઈ હૈયામાં ઉત્પન્ન થયેલ હરખ ને હૈયા સુધી જ રહેવા દઈ, યુવાને ચેહરા પર નિશ્ચિન્તતા ભર્યો ભાવ પ્રગટ કર્યો!,

ડાબે ખંભે થી સૂકા લાકડા નો ભારો ઉતારતા જીવો બોલ્યો, શું મેમાન બી ગ્યા...?

લાકડા લેવા ગ્યો તો, ઠંડી છે તો તાપણું કરી દઉં! તમે શહેરી આવા ફાટેલા કપડે નઈ રહી શકો.

અકળામણ અને અણગમા સામે જરૂરિયાત નું પલડું ભારે થયું, કોઈ એક સમય ની હૃદય થંભી ગર્જનામાં મૈત્રી નો ભાવ મળ્યો, હળવા હાંસ્યના સ્વર ને સંવાદમાં ભેળવતા યુવાન બોલ્યો, અમે શહેરી ન રહી શકીએ ? અમારે ત્યાં ઠંડી નહી પડતી હોય શું?

સંવાદમાં સંવેદના ઉમેરતા જીવા એ કહ્યું, ઠંડી તો પડે પણ જુવાન તમને બાર રે'વા ની આદત નો હોય ને..!

મિત્રતા ને સ્વીકારતા નિઃસ્વાર્થ સ્વરે યુવાને કહ્યું, અમારે રાતે ૧૨ વાગ્યા પછી તો દિવસ ઉગે છે, અમે લગભગ મોડે સુધી બાર હોઈએ એટલે આદત પડીગઈ છે! પણ અહીં ઠંડી થોડી વધુ લાગે છે, કદાચ ખુલ્લા વિસ્તાર ને કારણે.

યુવાન ના કપાળે ફેલાયેલ કંકુ ના ચાંદલા સામે નજર કરતા જીવા એ ભાવ પૂર્વક પૂછ્યું, જુવાન આ'યા માનતા પુરી કરવા આયવા'તા?

રૂમાલ વડે ચાંદલો ભૂંસતા યુવાને, વગર આશ્ચર્યે જવાબ આપ્યો, હા.

યુવાન નો પહેરવેશ અને ભાષા શહેરી હતા પરંતુ શ્રદ્ધા અને સંસ્કાર બંને હોવા ની ખાતરી ચાંદલા પરથી પ્રતીત થતી હતી, માટે જીવા એ યુવાન પાસે પોતાની વાત અને વાસ્તવિકતા નો સ્વીકાર કરાવવા જાજી જહેમત ઉઠાવવાની નહોતી..

રૂમાલ ની ઘડી એ ઘડી મેળવતા યુવાને પણ જીવા ને પરિસ્થિતિ યોગ્ય પ્રશ્ન કર્યો, જીવાભાઈ, ગામડા ગામમા સ્ત્રીઓ બહાર નો નીકળે હું સમજુ છું પણ પુરુષો ને શું મર્યાદા નડતી હશે?,બધા બારણાં બંધ કરી ને ઘરમા બેસી ગયા છે!.

આબરૂ રૂપી પાઘડી માંથી સરી ને હાથે ચડેલ એક છેડા ને કસીને બાંધતા,ગ્રામ્ય જીવન ને પૂર્ણ અનુરૂપ જવાબ આપવાની શરૂઆત જીવા એ કરી, મર્યાદા નઈ જુવાન, જવાબદારી, બધા ખેતરે ગ્યા હશે, આ ઠંડી જાજી લાગે એનું કારણ ઈજ તે.!, બધાઈ પોત-પોતાના ખેતરે પાણી પા'વા ગ્યા છે, "મોટર નો અવાજ નથી આવતો?" અને બૈરાં ઘરે કા'લ સવારના દુજાણા ની તૈયારી કર્ત્યું હશે, અને ગામડું-ગામ છે આ'યા કાઈ તમારી જેમ ફરવા-હરવા નું તો હોઈ નઈ, તો બાર નીકળી ને કરે શું?

પોતાની આધુનિકતા નું પ્રદર્શન કરતા યુવાને પ્રશ્નો ની હારમાળા જીવાને ગળે પહેરાવતા કહ્યું, તો શું આ.. જ જીવન છે જીવાભાઈ..? ઘરમાં બેસી ને કામ જ કરવા નું? અને પુરુષો એ ખેતરમાં કામ કરવા નું?.

સરળતાના શિખર પર બેઠેલા જીવા એ સજ્જનતા થી વળતો જવાબ આપ્યો, આ ...જ જીવન નહિ જુવાન! આવું પણ જીવન? એમ કયો... આં'ય (ગામડા) નું જીવન મર્યાદા અને પવિત્રતા ને ખોળે છે, આ'યા જીવન, જીવન જરૂરિયાત ને આધીન બની જીવવામાં આવે છે.સમય અને સંજોગ બે'ઈ ની સાક્ષી છે, જયારે મર્યાદા થી બા'ર અને જરુરીયા થી વધુ, જીવન ને જીવવા નો પ્રયાસ થ્યો છે, તે'દી પરિણામો કા'યમ અયોગ્ય જ મળ્યા છે અને વ્યક્તિ પોતાની પવિત્રતા ખોઈ બેઠો છે, ઈ પછી શહેર હોય કે ગામડું હોય.

તાપણી પર ફરતા બન્ને હાથ અટક્યા, ડાબા અને જમણા નેણ નું તત્કાળ મિલન આશ્ચર્ય નું પ્રતીક બન્યું, વળી એક પ્રશ્ને જીવા ને યોગ્ય જવાબ આપવા પ્રેર્યો, જીવાભાઈ.. એવું તે કેવું?, જીવન જરૂરિયાતો ને આધીન જીવન ? કામ કરી ને તૂટી જાઓ પણ જીવન ની જરૂરિયાતો પુરી નથી થતી.! એક થી બીજી અને બીજે થી ત્રીજી આમ આગળ ને આગળ વધતી જ જાય, અને આવું જીવન શીખવે કોણ? સરકાર? વડીલ? જીવન જરૂરિયાત ને આધીન જીવન ઘરડા થાઓ ત્યારે હોય એવી માન્યતા છે અમારી!

અનુભવો થી છલોછલ જીવા એ પૂર્ણ શ્રદ્ધા સાથે જવાબ ની શરૂઆત કરી, "ઓટલો"..! ઓટલો જ આ બધું શીખવે જુવાન, "સરકાર થી નો'ખો (અલગ), કારણ, એ'માં રાજકારણ નથી", "વડીલ થી વૃદ્ધ, કારણ, આ વર્ષો થી અડીખમ છે". "ઓટલો" એ મારી અને તમારી જેમ કોઈ માણસ નથી, જ્યાં સમજુ અને પીઢ જ'ણા (લોકો) નું ટોળું ભેગું થાય અને હિત સિવાય બીજું કાંઈ નો વિચારે ઈ જગ્યા એટલે "ઓટલો", જુવાન અમે ઈશ્વર ને માનીયે પણ રા'વ (ફરિયાદ) લઈ ને તો "ઓટલા" પાસે જ જાયી, ઓટલો અમારો વડીલ છે, ઓટલો કાયદો છે, જે અમને કોય'દી ભટકવા નથી દે'તો, ઓટલે ચિંધ્યા મારગે અમને કાયમ સુખ મળ્યું છે.

ઓટલા એ અમને જીવનનું મહત્વ અને જવાબદારી શીખવ્યા છે, એટલે જ! અમારું જીવન, જીવન ની લાગતી વળગતી જરૂરિયાત ને આધીન છે, ગામ મા"બસ"વે'લી આવે કે મોડી અમને દુઃખ નથી, અમારે તો "બસ" નું આ'ય સુધી આવવું ઈ મહત્વ નું છે, જુવાન અમારે ખાવા ધાન (અનાજ) છે, પીવા જળ છે, માથે છાપરું છે, નજર હા'મે બધા અમારા છે.

એક તરફ "જીવા એ પેટાવેલી આગ" અને બીજી તરફ ગ્રામ્ય અવ્યવસ્થા જોતા યુવાન ના હૈયે ઉપડેલી આગ સામે કાતિલ ઠંડી એ નમતું ઝોખ્યું હતું, અને સુરજ નારાયણનું ઊગવું હજી ઘણું છેટું હતું, જીવો અને યુવાન અહીં કોઈ પાત્ર ન રહી અલગ અલગ સમય બની ને ઉભા રહી ગયા, હંમેશા ની જેમ "અનુભવ સામે શિક્ષણ આજે પણ દલીલમા ઉતર્યું " અને યુવાનના મોઢે બોલ્યું, જીવાભાઈ પણ..!! પણ બૈરાંઓ ને બાર ન નીકળવા દેવું, સદાઈ સાડી પહેરવી, ઘર કામ માં વ્યસ્ત રેહવું, બાળકો ને પૂરતું શિક્ષણ ન આપવું, આ બધું જડતા થી વિશેષ બીજું શું કહી શકાય? અને આ થકી તો મર્યાદા જળવાયેલી રહે.. ખરું કે નહીં..?

પગમાં ડંખતી મોજડી ને "બે ઘડી" પગના તળિયે થી નો'ખી કરતા જીવો બોલ્યો, જુવાન એવું છે ને કે..!! "ઘાંસ" ચરવા નીકળેલા માલ-ઢોર કંટાળી ને પાછા પોતાના ઠેકાણે જ આ'વે છે, માણસ સ્વભાવ નું પણ એવુજ છે, જીવન ની છેલ્લી ઘડી પરિવાર ને ઝંખતો હોય છે, હું જાણું છું આજ! સમય ને ઝડપી(પ્રગતિશીલ) અને નવીન (આધુનિક) સમજનાર માણસ સમય ની હા'રે હાલ'તો થ્યો છે, પણ મર્યાદા, પવિત્રતા તેની ધરોહર છે અને એની પાસે પાછા ફર્યા વગર બીજો કોઈ આ'રો(વિકલ્પ)નથી.

"આજના સમયે બૈરાં ને બાર નીકળવા દઈ શું પ્રાપ્ત કર્યું છે?, શંકા?, વ્યાકુળતા?,વ્યથા?, અને સાડી નો ત્યાગ કરનાર સ્ત્રી એ શું નવીન મેળવી લીધું છે?" સમાજની કુદ્રષ્ટિ? ટીકા?, સ્ત્રી થકી આ'ખો સંસાર હાલ'તો આય'વો છે, અને, એના વગર સંસાર ને આગળ ધકેલવો શક્ય પણ નથી વિચારવા જેવું ખરું કે તો આ સ્ત્રી નું અધ્યાત્મ ની નજરે, ઇતિહાસ ની નજરે કેટલું મહત્વ હશે..! બાળકોને શિક્ષિત કરતા ગામડું ક્યારેય પીછે હઠ નથી કરતું, હા! સ્ત્રી ને શિક્ષિત કરતા અમે થોડા અચકાઈએ છીએ...પે'લા ના સમયે, કોય'દી સ્ત્રી ને શિક્ષિત કરવા ની જરૂર દેખાવા ન દીધી, અને હવે નો સમય સ્ત્રી ને શિક્ષણ જાણતા-અજાણતા પણ આબરૂ ને બલિદાને મળતું થ્યું છે, હું શિક્ષણ વિરોધી નથી જુવાન! હું સમાજ ની નજર(દ્રષ્ટિ) વિરોધી છું.

જાણો છો જુવાન..! પરિવાર ની જવાબદારી જેટલી પુરુષ પક્ષે છે, એટલી જ સ્ત્રી પક્ષે પણ છે, "અમારી સ્ત્રીઓ પગભર નહિ પણ કંધોતરછે", જીવન માં એની ખરી ભૂમિકા હમ'જી,પુરુષ ના "ખભે-ખભો" મેળવી આગળ વધે છે, આ'યા પુરુષ ખેતર કામમાં કે મૂડી કમવામાં જોડાયેલો છે તો સ્ત્રીએ પુરુષ ની ગેરહાજરી મા પરિવાર ને એકજૂથતા ના દોરડે વીંટી રાખવાની જવાબદારી ને મહત્વ આપ્યું છે, આ ગામડામાં સ્ત્રી કે પુરુષે પોતાના કુટુંબ પ્રત્યે કે જવાબદારીઓ સાથે સમાધાન નથી કર્યું, જવાબદારીઓ થી ભા'ગી છૂટનાર પુરુષ ને પણ મોળું વરહ (વરસ) (ખેતી માં નુકશાન) વેઠવું પડે છે, સ્ત્રી અને પુરુષ પક્ષ અલગ છે, પણ મહત્વ આ'યા જવાબદારી નું છે અને જે પરિવાર (પુરુષ અને સ્ત્રી) પોતાની જવાબદારીઓ ને સારી રીતે હમ'જી લ્યે છે, ઈ ક્યારેય મર્યાદા થી બા'ર ડગલું નથી માંડી શકતો.

જેને તમારી વાચા જડતા કે'છે ઈ ખરા અર્થ માં મર્યાદા છે, જુવાન, જે'ને આપણો સ્વભાવ સ્વીકારી શકે બધું જડ, આપણો સ્વભાવ છે.

જીવાના વિસ્તૃત જવાબ ને એક ધ્યાને સાંભળ્યા ની ખાતરી આપતા, યુવાને કહ્યું, જીવા ભાઈ તમેં વાત કરી કે મનુષ્ય અંતિમ ક્ષણોમાં પરિવાર ને ઝંખતો હોય છે, હું અન્ય પરિવાર ની વાત નથી કરતો, પણ મારો પરિવાર સંયુક્ત છે અને અંતિમ ક્ષણોમાં તે એક બીજા ની સાથે રહેશે તેની મને પૂર્ણ ખાતરી છે.

પણ જીવા ભાઈ તમેં કહ્યું "આજના સમયે બૈરાં ને બાર નીકળવા દઈ શું પ્રાપ્ત કર્યું છે?" તો અહીં તો સ્ત્રી ની સ્વતંત્રતા છીનવી લેવા ની વાત આવી આ સ્થિતિમાં સ્ત્રી વિકસિત કેવી રીતે થશે? સ્ત્રી ના સ્વપ્નાઓ નું શું? શોખ નું શું?

યુવાન ની સમજણ શક્તિ ની પીઠે હાથ ફેરવતા જીવા એ કહ્યું, જુવાન તમારા સંયુક્ત પરિવાર માં જ તામરા પ્રશ્ન નો જવાબ છે, તમારા મા'થે આ ચાંદલો મને સમજાવી ગ્યો કે તમારા ઘરમાં પણ એક વડીલ રૂપી 'ઓટલો" છે જે'ણે આ માનતા માટે તમને પ્રેર્યાં હશે.

જુવાન, જે પરિવાર ના સભ્યો નું કેન્દ્ર સુખ હોય, ન્યાં (ત્યાં) પુરુષ અને સ્ત્રી સમાન હોય છે, દરેક ને પોતાના વિચારો મુકવાની છૂટ હોય એ સ્વતંત્રતા, સુખી અને સમજુ પરિવારમાં મુકાયેલા વિચાર અને મંતવ્યો ઉપર સારા અને ખરાબ પાસાઓ ની ચર્ચા થાય છે જે થકી સ્ત્રી અને પુરુષ નો માનસિક વિકાસ થાય છે, જે'દી માણસ (સ્ત્રી અને પુરુષ) ને જીવન નું કેન્દ્ર મળી જાય છે, તે'દી થી સપના અને શોખ ગૌણ બની જાય છે, પછી શું ગામડા પ્રથા? અને શું શહેરી જીવન?, મર્યાદા ની સમજણ આપતો "ઓટલો" જે ઘરમાં બેઠો હોય ન્યાં નિયમ ના ચોપડા બનાવવા ની જરૂર કોય'દી નો પડે.

જીવા એ કહેલી વાસ્તવિકતાઓ ની સાક્ષી પુરવા પૂર્વ દિશાએ થી સુવર્ણ સુરજ નારાયણે ગતિ પકડી, દૂર પશ્ચિમ દિશા એ દેખાતી બે ડીમ બત્તી(બસ) પોતાના ધુંધળા પડીગેલા પ્રકાશ સમાન સમાજ માં, વાસ્તવિકતા થી મધ-મધી ઉઠેલ પરોઢ (યુવાન) ને પરત લઇ જવા આગળ વધી રહી હતી, સુરજ નારાયણ નું પહેલું કિરણ ઓટલા પર પડ્યું બીજી તરફ પ્રથમ આરતી ની ઝાલર નો જાણકાર પડ્યો,યુવાને ડીમ બત્તી (બસ) તરફ થી પોતાની નજર જીવા તરફ ફેરવી જ્યાં સુરજ નારાયણ ના કિરણ થી સુવર્ણ રંગ પકડેલા ઘટાદાર વડલો અને ઓટલો હતા, જીવાભાઈ..... જીવાભાઈ.... શબ્દો જીવા સુધી પહોઁચે તે પેહલા "ઓટલા"ની પડખે થઈને નીકળતી નાનકડી સરખી શેરી(ગલી) જે તરફ થી જીવો આવે'લો તેમાં જ અદ્રશ્ય થતો નજરે પડ્યો.

***

વાંચકો ની પ્રતિક્રિયા ને ધ્યાનમાં રાખીને વાર્તા નો બીજો ભાગ રજુ કરવામાં આવશે.

આભાર.

કૃણાલ ગઢવી.