kalpnik vastvikta - 28 in Gujarati Fiction Stories by Bhargav Patel books and stories PDF | કાલ્પનિક વાસ્તવિકતા - ૨૮

Featured Books
Categories
Share

કાલ્પનિક વાસ્તવિકતા - ૨૮

કાલ્પનિક વાસ્તવિકતા – ૨૮

ભાર્ગવ પટેલ

“એક કામ થઇ શકે”, જેનિશે કહ્યું.

“શું?”, સંકેત વિચારમગ્ન હતો.

“એ બંને અનિલ અને પ્રિયંકાથી અંજાઈ જવા જોઈએ એવું થઇ શકે”, જેનિશે કહ્યું.

“એટલે?”, અમીએ પૂછ્યું.

“મારી વાત ધ્યાનથી સાંભળો”, કહીને જેનિશે પોતાના મગજમાં જે ચાલી રહ્યું હતું એ બધું જણાવ્યું.

“પણ જો તમે કહો છો એ રીતે મહેમુદ અને સુધીર કન્વીન્સ ન થયા તો?”, થોડી વાર વિચાર્યા પછી વિશાલે કહ્યું.

“એવું લગભગ તો પોસીબલ નથી. પણ છતાંય આપણે આ ચાન્સ તો લેવો જ રહ્યો”, જેનિશે કહ્યું.

“અમે લોકો ચાન્સ લેવા તૈયાર છીએ, આફ્ટરઓલ આ ગેંગ આપણા શહેરને અને અલ્ટીમેટલી આપણા દેશને જ ફાયનાન્સીયલી માયકાંગલો કરવા મથી રહ્યા છે ને. એમનો પર્દાફાશ તો કરવો જ રહ્યો”, અનિલે કહ્યું.

“એ તો અમે બધા જ ઈચ્છીએ છીએ પણ જેનિશભાઈનો પ્લાન થોડો રિસ્કી તો કહી જ શકાય”, અમીએ કહ્યું.

“વી હેવ ટુ ડુ ધીસ ભાભી! નહિ તો આનાથી બેટર કોઈ ઓપ્શન હોય તો તમે નિસંદેહ જણાવી શકો છો”

“એવું નથી જેનિશભાઈ. પણ મને થોડું ટેન્શન થઇ ગયું એટલે કહ્યું”

“તમે ટેન્શન ના લેશો મેડમ. બધું જ પાકા પાયે પાર પડી જશે”

“ઓકે તો આ નક્કી રહ્યું, ફાઈનલ?”, જેનિશે નિર્ણયાત્મક અવાજમાં પૂછ્યું.

“ફાઈનલ”, બધાએ કહ્યું.

“તો આવતીકાલે સાંજે અનિલ અને પ્રિયંકા એ જ કેફેમાં એ લોકોના સમયથી થોડા મોડા જશે. આપણે લોકો નજીકમાં જ અલગ અલગ જગ્યાએ રહીશું જેથી કોઈ પણ ઈમરજન્સી હોય તો બંને સુધી જલ્દીથી પહોચી શકીએ. ભાભી તમે ઘરે જ રહેજો, મુકેશકાકા અને અસ્મિતામાસી પાસે, ઓકે?”

“ઓકે”

“અનિલ અને પ્રિયંકા તમે આપણા પ્રોટોકોલ મુજબ બંને તમારા ફોનના સ્પીડ ડાયલમાં મારો, સંકેતનો અને વિશાલનો નંબર નાખી દો જેથી કશું આડું અવળું લાગતા તરત તમે અમારામાંથી કોઈ એકને ફોન કરી શકો”

“ઓકે”

બધા છુટા પડ્યા.

જેનિશ, સંકેત, અમી અને વિશાલ સંકેતના ઘરે પહોચ્યા. પ્રવેશતાની સાથે મુકેશભાઈએ છાપું બાજુની ત્રીપાઈ પર મુક્યું અને અસ્મિતાબેનને પાણી લાવવા કહ્યું.

“હું લઇ આવું છું મમ્મી, તમે રહેવા દો”, કહેતી અમી રસોડા તરફ ગઈ.

સંકેત, વિશાલ અને જેનિશ મુકેશભાઈની સામેના સોફામાં ગોઠવાયા.

“તમે લોકો કશાક ટેન્શનમાં છો?”, મુકેશભાઈએ સંકેતને પૂછ્યું.

સવાલ સંભાળતા સંકેત પાણી પીતાં પીતાં અંતરાઇ ગયો.

“હં?ના ના પપ્પા કશું ટેન્શન નથી”, સંકેતે કહ્યું.

“ના, આ તો તમે લોકો હમણાંથી સાંજે સાથે કશેક જાઓ છો અને મોડેથી પાછા આવો છો એટલે અમસ્તું જ પૂછ્યું”

“અરે એ તો......”, જેનિશ બહાનું કાઢવા જ જતો હતો ત્યાં અમીએ એને રોક્યો.

“આગળ કશું બોલશો નહિ જેનિશભાઈ”

“શું થયું અમી બેટા?”, મુકેશભાઈએ પુછ્યું.

“ખરેખર અમે લોકો છેલ્લા ખાસા સમયથી તમારાથી અને મમ્મીથી અને મારા પપ્પા-મમ્મી બધાયથી એક મોટી વાત છુપાવી રહ્યા છીએ”, કોણ જાણે કેમ અમીએ આજે આખી વાત કરવાનું મન બનાવી લીધું હતું.

સંકેત, જેનિશ અને વિશાલ ત્રણેય ચુપ હતા. એમને ખબર પડી ગઈ હતી કે અમી આજે બધું કહી જ દેવાની છે.

“શું છુપાવો છો? કોઈ ગંભીર વાત છે બેટા?”, અસ્મિતાબેને અમીને પૂછ્યું અને પછી સંકેત તરફ જોઇને કહ્યું, “હે સંકેત? શું કહે છે અમી?”

“હા મમ્મી, અમી સાચું કહે છે. એક ગંભીર વાત અમે લોકોને તમને જણાવી નથી”, સંકેતે કબુલ્યું.

“મહેરબાની કરીને તમે લોકો શાંતિથી માંડીને બધી વાત કરો બેટા! મને ચિંતા થાય છે”

“હા કહું”, કહીને સંકેતે અત્યાર સુધીની તમામ હકીકત જણાવી. અમીના થયેલા પીછાથી માંડીને જેનિશના વડોદરા આવવાના કારણ સુધીની તમામ વાતો કહી.

“આટલું બધું થવા છતાં તમે અમને કીધું કેમ નહિ?”, મુકેશભાઈ થોડા ગુસ્સે થઈને બોલ્યા.

“અમે લોકો તમને કોઈને પણ હેરાન કરવા નહતા માંગતા પપ્પા. અને એટલે જ અત્યાર સુધી વાત તમારાથી અને મારા સાસુ સસરાથી પણ છુપાવી હતી”, સંકેતે કહ્યું.

“પોતાના દીકરાની મુશ્કેલી સાંભળીને કયું ,માવતર હેરાન ના થાય એ વિચાર”

“સાચી વાત છે પપ્પા તમારી પણ તમે મને સારી રીતે સમજી શકો છો કે કેમ હું તમને ન કહી શક્યો”

“હમ્મ્મ્મ! તો હવે તમે લોકો જે નાટકની વાત કરતા હતા એ આ માટે જ હતું બરાબર ને?”, મુકેશભાઈએ પૂછ્યું.

“હા, અમે એ લોકોને બેનકાબ કરવા માટેનો તખ્તો તૈયાર કર્યો છે”

“પોલીસને આ વાતની જાણ કરી છે તમે લોકોએ?”

“ના અંકલ! અમે લોકો છેલ્લા સતેજમાં એમની મદદ લઈશું જેથી એમને સાબિતી પણ મળી રહે કે અમે લોકો શું કહેવા માંગીએ છીએ”

“બરાબર. હું તમને કશી મદદ કરી શકું? કારણ કે તમે જે રીતે ઝડપથી આગળ વધી રહ્યા છો એ જોઇને જરા અતડું લાગે છે. ક્યાંક કશુક અણધાર્યું ના થાય”

“હવે લડતનો રસ્તો પકડી લીધો છે પપ્પા. જોઈએ શું થાય છે. અમે બનતા બધા જ પ્રયત્નો કરી છૂટીશું”

“ભોળાનાથ તમારી મદદ કરે”, કહીને મુકેશભાઈ વિચાર કરતા કરતા પોતાના રૂમમાં ગયા.

***

બીજા દિવસે સાંજે પ્લાન મુજબ અનિલ અને પ્રિયંકા કોઈ મોટા બીઝનેસ ગ્રુપના સભ્ય હોય એવો વેશપલટો કરી, મહેમુદ અને સુધીર કેફેમાં ગયા બાદ એ જ કેફેમાં પ્રવેશ્યા.

કેફેમાં પ્રવેશતાવેંત જાણે એ લોકો મહેમુદ અને સુધીર બંનેને વર્ષોથી જાણતા હોય એવી સહજતાથી એમના જ ટેબલ પાસે પડેલી બે ખાલી ખુરશીઓમાં બેઠા. મહેમુદ અને સુધીર ચોંક્યા પણ પોતાની જગ્યા પરથી ઉઠ્યા નહિ.

“હેલ્લો મિસ્ટર મહેમુદ, હેલ્લો મિસ્ટર સુધીર”, પ્રિયંકાએ કહ્યું.

“હેલ્લો, પણ તમે કોણ અને તમે અમને કેવી રીતે ઓળખો. આઈ મીન..”, મહેમુદ હજીયે ખાસો અચંબામાં હતો.

“અમને ખબર છે કે તમારો નકલી પાર્ટ્સ બનાવીને વેચવાનો ધંધો છે. ધંધો નહિ એક્ચ્યુલી ગોરખધંધો. તમે પોર ગામની નજીકમાં એક ખંડેર કહી શકાય એવી બિલ્ડીંગમાં તમે તમારા કામને અંજામ આપો છો. લાલચુ માણસોને શોધી એમને વધારે લાલચ આપીને પોતાની જાળમાં ફસાવવાનું તમને ખૂબીથી આવડે છે મિસ્ટર મહેમુદ અને વેશપલટો કરીને લોકોને બેવકૂફ બનાવવા તમારા માટે ડાબા હાથનો ખેલ છે મિસ્ટર સુધીર. મિસ્ટર સુધીર શર્મા ટુ બી પ્રિસાઈઝ.”, આટલું કહ્યા પછી પ્રિયંકાએ અનિલ તરફ આંગળી ચીંધીને કહ્યું, “તમારા બંનેના સદનસીબે અમારા સરની નજર તમારા પર પડી અને તમને નકલી વસ્તુઓની ભારત અને ખાસ કરીને ગુજરાતમાં ઘુસણખોરી વધારવા માટે એમણે તમારા બંને પર પસંદગી ઉતારી છે”, પ્રિયંકા એટલી સફાઈથી એક્ટિંગ કરી રહી હતી કે સુધીર અને મહેમુદ અંજાઈ ગયા હતા.

“તમે એકઝેટલી શું કહેવા માંગો છો મેડમ?”, સુધીરના અવાજમાં પ્રિયંકા પ્રત્યે માનવાચક શબ્દો હતા.

“એટલે એમ જ કે અમે લોકો તમારી સાથે એક ડીલ કરવા માંગીએ છીએ, એ માટે હું અને સર તમને આજે અહીં મળવા આવ્યા છીએ. અમને તમારા વિષે આટલી બધી માહિતી કેમ કેમ મળી અને કેવી રીતે મળી એ તો અમારા સર જ જાણે. પણ હા તમે બંને નસીબદાર છો. આ ડીલ તમે પૂરી કરશો પછી તમે લાખો કરોડોમાં રમશો એની ખાતરી હું તમને આપું છું. જો હવે તમે બંને ‘ઇન’ હોય તો સર તમારી સાથે ડીલ વિષે વાત કરશે. અને જો તમે ઇન્ટરસ્ટેડ નથી તો લીસ્ટમાં જે બીજા નંબરે છે એ ટીમને અમે મળવા જઈએ”

“પણ મેડમ આટલું જલ્દી કેવી રીતે નક્કી થઇ શકે?”

“અમે લોકો આમ જ ડીલ કરતા હોઈએ છીએ, જો તમને નફો દેખાતો હોય તો યુ કેન કમ વિથ અસ, નહીતર અમારી પાસે તમારા જેવા ઘણા માણસોનું લીસ્ટ તૈયાર જ છે”, પ્રિયંકા બખુબી એકદમ જબરદસ્ત રીતે કન્વીન્સ કરી રહી હતી.

“અમને થોડો સમય ડિસ્કશન માટે આપશો મેડમ?”, સુધીરે પૂછ્યું.

“તમે ગમે તેટલો સમય લઇ શકો છો પણ હા એક વાતનું ધ્યાન રહે કે અમારા સર પાસે વીસ મિનીટથી વધારે સમય નથી. બેલાશક, તમે બહાર જઈને ડિસ્કસ કરીને અમને ફીડબેક આપી શકો છો.”

અનિલ હજીયે ગંભીર મુદ્રામાં હતો. આવ્યા પછી એ એકેય શબ્દ બોલ્યો નહતો. એક રીતે એ મહેમુદ અને સુધીર પર પોતાની ધાક જમાવવામાં કામિયાબ રહ્યો હતો.

સુધીર અને મહેમુદ કેફેની બહાર ગયા અને વાત કરવાની ચાલુ કરી.

“આ બંને પર મને વિશ્વાસ નથી બેસતો”, મહેમુદે કહ્યું.

“આપણા વિષે આટલી સચોટ માહિતી અને એ પણ સાચા નામ સાથે આ લોકો પાસે છે એ જોઇને મને લાગે છે કે આપણે જે ધંધામાં હમણાંથી છીએ એમાં આ લોકો વર્ષોથી હશે”, સુધીરે કહ્યું

“તો અહી આપણને એમની કોઈ બાતમી કેમ ના મળી?” મહેમુદ હજી શંકાશીલ હતો.

“એમનો પાવર જોઇને તને લાગે છે કે કોઈને એમના વિષે કશી જાણ હોય એમ? આ એક સોનેરી તક છે મહેમુદ. મને તો એવું જ લાગે છે”

“તો શું વિચારે છે તું?”

“એકવાર એમની ડીલ સાંભળીએ પછી નક્કી કરીએ. અને જો આપણો ફાયદો જણાય તો ડીલની શરતોમાં થોડી બાંધછોડ પણ કરીશું”

“ઓકે ચલ તો”

બંને ફરીથી કેફેમાં પ્રવેશ્યા. પ્રિયંકા અને અનિલ હજીયે કેરેક્ટરમાં જ હતા.

“હા તો શું નક્કી કર્યું?”, પ્રિયંકાએ રુક્ષતાથી પૂછ્યું.

“અમે લોકો તૈયાર છીએ પણ એક શરત પર”, સુધીરે કહ્યું.

“તમે વધારે સમજુ લાગો છો. બોલો”, અનિલે અંતે વાતમાં ઝંપલાવ્યું.

“ડીલ શું છે એ જાણ્યા પછી શરતોમાં અમે અમને લાગે તો સુધારા કરી શકીએ?”, સુધીરે પૂછ્યું.

“હન્ડ્રેડ પરસેન્ટ કરી શકો છો, પણ એ સુધારા અમને પણ સુધારા જેવા લાગવા જોઈએ તો જ”, અનિલે કહ્યું.

“ઓકે, તો બધું ડીલીંગ અમે તમારી કામ કરવાની રીત અને જગ્યા જોઇને કરીશું. એના માટે તમારી પોર ગામવાળી બિલ્ડીંગમાં આવતીકાલે મળીએ”, અનિલ નિર્ણયાત્મક થઈને બોલ્યો.

“સ્યોર સર. એડ્રેસ છે...”

“અમને ખ્યાલ છે. કહેવાની જરૂર નથી”, કહીને પ્રિયંકાએ સુધીરને અટકાવ્યો.

“નાઈસ, ચાલો તો કાલે અમારી જગ્યાએ મળીએ”, કહીને સુધીરે રજા માંગી. મહેમુદ ચુપ જ રહ્યો.

***

પ્રિયંકા અને અનિલે એ લોકોના ગયાની ખાતરી કર્યા બાદ જેનિશને ફોન કરીને મળવા આવવાનું કહ્યું. જેનિશ, વિશાલ અને સંકેત નજીક નજીકમાં જ હોઈ એક જગ્યાએ ભેગા થયા અને સંકેતની કારમાં કેફે તરફ ગયા.

કેફે આગળ કાર પાર્ક કરીને જેનિશ આગળની સીટમાંથી ફટાફટ ઉતર્યો અને પોતાના પ્લાનની સ્થિતિ જાણવા કેફેની અંદર તરફ ઝડપભેર ચાલવા લાગ્યો. વિશાલ પણ પાછળના દરવાજેથી ઉતરી એની પાછળ ગયો. જેનિશ ઉતાવળમાં પોતાનો ફોન કારમાં જ ભૂલી ગયો હતો.

સંજોગોવસાત દિવ્યાએ આ જ સમયે જેનિશને ફોન કર્યો.સ્ક્રીન પર સ્વીટહાર્ટ લખેલું જોઈ સંકેત સમજી ગયો કે જેનિશની ગર્લફ્રેન્ડનો જ ફોન છે પણ ઉપાડવો કે ના ઉપાડવોની અસમંજસમાં રીંગ પૂરી થઇ ગઈ. સંકેત કેફેની અંદર જવા આગળ વધ્યો એટલામાં ફરીથી રીંગ વાગી. એણે વિચાર્યું કે આજે થનાર ભાભી સાથે પહેલી વાર વાત પણ કરી લઉં અને પછી અંદર જઈને જેનિશને ફોન આપું.

“હા બોલો ભાભી!”

“કોણ?”

“સંકેત બોલું છું જેનિશનો ફ્રેન્ડ”

પરિચિત નામ સાથે થોડો જ બદલાયેલો અવાજ દિવ્યા તરત ઓળખી ગઈ.

“હેલ્લો, ભાભી?”, સંકેત દિવ્યાનો અવાજ કદાચ ઓળખી જ ના શક્યો.

“દિવ્યા. દિવ્યા બોલું છું”

આ સાંભળતાની સાથે સંકેતના પગ થંભ્યા.

“વ્હોટ?”, સંકેત લગભગ બરાડ્યો.

(ક્રમશઃ)