કૌતુક કથા
- લેખક -
હર્ષ પંડ્યા
READ MORE BOOKS ON
www.matrubharti.com
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
અનુક્રમણિકા
1 - એક્સ્પેક્ટો પેટ્રોનમ- હેરી અને હમ
2 - યે બર્કે તજલ્લી અંધેરો કો ચીરતી..
3 - યુદ્ધ અને શાંતિ અને આતંકવાદ-મૈ સમય હું
4 - કૌતુક કાઇટ્સ - ઉત્તરાયણ સ્પેશિયલ
5 - તેરે સંગ ના જો બીતે, ઉસ પર ઐતરાઝ હૈ...!!
6 - કુન ફાયા કુન
7 - અનોખું વિયેતનામ યુદ્ધ-જેમાં કોઈ જીત્યું નહીં
8 - ઈ-વાંચક થી હું ગુજરાતી-આઓ ઉસ લમ્હે કી બાત કરે
9 - મધર્સ ડે અને સૌરાષ્ટ્રની એ માં
10 - ફિલ્ડ માર્શલ સામ માણેકશા- આઈ એમ ઓકે !!
11 - ફાધર્સ ડે-મેરે બાપ, પેહલે આપ
12 - સર્જન અને અનુસર્જન- બાપ સે અચ્છા બેટા
13 - ઓપરેશન બર્નહાર્ડ- જાણીતો મુદ્દો, અજાણી વાતો
14 - ગુલશન કુમાર- કેસેટ ક્રાંતિનો સર્જક
15 - અનન્ય બક્ષી- કલ,આજ ઔર કલ
16 - ઈન્ડી-પોપ સોંગ્સ-સો ગયા યે જહાં
17 - બર્બરતાનો આજે ય યાદ રહેતો ચહેરો - 1
18 - બર્બરતાનો આજે ય યાદ રહેતો ચહેરો - 2
19 - દિવાળી ટાણે યાદોની સાફસૂફી
20 - જેને વિરોધપક્ષો ય સાંભળતા એવા વક્તા-અટલ બિહારી વાજપેયી
1 - ‘એક્સ્પેક્ટો પેટ્રોનમ - હેરી અને હમ’
મિત્રો, આ વખતે જરા જુદા પ્રકારની વાત કરવી છે. આ અંક જયારે આપના હાથમાં આવશે ત્યારે લગ્નની સીઝન શરુ થઇ ચુકી હશે. નવયુગલ થવા થનગનતા મિત્રોને ખુબ ખુબ શુભેચ્છાઓ આપીને આપણી વાત શરુ કરીએ. ઉપર લખ્યું એ ટાઈટલ હેરી પોટર ફિલ્મ અને નવલકથામાં આવતો એક સ્પેલ (બોલે તો મંત્ર !!) છે. એમ તો હેરી પોટર નવલકથામાં એવા અઢળક મંત્રો છે પણ આ મંત્ર જરા વિશિષ્ટ છે. આ મંત્ર પાછળની કહાની અને એની આપણી સૌની લાઈફ પર પડતી અસર વિષે જાણવું છે? વેઇટ એન્ડ રીડ.
મૂળ વાત તો એમ હતી કે જોઆન કેથરીન રોલિંગ એટલે કે જે.કે. રોલિંગે એક કોફીહાઉસમાં લખવાની શરુ કરેલી અજાયબ સૃષ્ટિવાળી નવલકથા નામે હેરી પોટરના સાતેય ભાગમાં અઢળક સ્પેલ્સ મુક્યા છે. હેરીને આપણા કૃષ્ણની જેમ કંસનુમા વિલન વોલ્ડેમોર્ટ સામે લડવાનું છે. એના માટે અનેક કોઠાઓ પાર કરતા જવાના છે. એક ભલો પ્રોફેસર છે જેને વેરવુલ્ફ થવાનો શ્રાપ છે. એ પ્રોફેસર ડાર્ક મેજિકથી બચાવવાનો વિષય ભણાવે છે. આવા જ ક્રિસમસના શિયાળામાં હોગવર્ટઝ સ્કુલના બધા બાળકોને ઘેરથી પેરેન્ટ્સના લેટર આવે છે પરંતુ હેરીને ઘેરથી કોઈ લેટર આવતો નથી કેમકે એના મમ્મી પપ્પા તો એને વોલ્ડેમોર્ટથી બચાવતા બચાવતા મૃત્યુ પામી ચુક્યા છે અને માસી-માસાને તો હેરી દીઠો ય ગમતો હોતો નથી. આવામાં એ પ્રોફેસર એને એક સ્પેલ શીખવે છે જે ભૂતાવળ જેવા દેખાતા ડેમેન્ટર્સ થી એને બચાવે છે. આ ડેમેન્ટર્સ આઝ્કાબાન નામના ટાપુ પર ભયાનક ગુનાની સજા ભોગવતા કેદીઓની જેલના રખેવાળ હોય છે જેને એ ખબર નથી હોતી કે કોણ અપરાધી છે ને કોણ નિર્દોષ. એમનું કામ એક જ. વ્યક્તિના મનમાંથી ખુશી-હેપીનેસની યાદો ચૂસી લેવાની. એટલે વધે માત્ર દર્દનાક-પીડાની યાદો જે માણસનું જીવવું ઝેર જેવું કરી મુકે. કેવી અફલાતૂન પોએટિક વાત છે, નહીં?
હવે સ્પેલની વાત. પેટ્રોનસ ચાર્મ એટલે તમારે તમારી જીંદગીની સૌથી વધુ ખુશીપ્રદ યાદને યાદ કરી, પેલો મંત્ર બોલી, જાદુની લાકડી ધરી, એ ડેમેન્ટર્સ ની આંખમાં જોવાનું. એનાથી પોઝીટીવ ફોર્સ પેદા થાય જે એમને ભગાડી દે. જેટલી વધુ ખુશીપ્રદ યાદ, એટલી જ એ સ્પેલની અસર વધુ. આપણી જીંદગીમાં ય આપણે ઘણીવાર પીડાની યાદોને કુરેદ કુરેદ કરતા રહેતા હોઈએ છીએ. એટલા માટે નહીં કે આપણને એ ગમે છે, પરંતુ કમબખ્ત દિલ એમાંથી બહાર આવવા માંગતું જ નથી હોતું. લગ્નગાળો માથા પર છે. નવા યુગલો પહેલા દિલતામાં અને પછી પ્રભુતામાં પગલા પાડવા જઈ રહ્યા હોય ત્યારે તો ખાસ આ વાત ધ્યાનમાં રાખવા જેવી છે. ભલે હેરી પોટર બાળકો માટેની નોવેલ છે, પરંતુ એડલ્ટ મિત્રો માટે ય એ એટલી જ ઉપયોગી છે. નોવેલમાં કેટલીય કસોટીઓમાં હેરી તરફડે છે. એક વખત તો ખુદ વોલ્ડેમોર્ટ સાથે એની મુઠભેડ થાય છે. પણ વોલ્ડેમોર્ટ ફાવતો નથી કેમકે હેરી એને કહે છે. “ તું મારા કરતા શક્તિશાળી હોઈશ, પણ તારી પાસે એ નથી જે મારી પાસે છે. એ છે ફ્રેન્ડસ અને લવ.” વોલ્ડેમોર્ટનું બાળપણ પણ હેરીની જેમ જ અનાથ અવસ્થામાં પસાર થયું હોય છે. એની બેક સ્ટોરી એવી છે કે વોલ્ડેમોર્ટની મમ્મી ટોમ રીડલ નામના છોકરાને ચાહતી હતી. પણ પેલાને એવી લાગણી જન્મી નહોતી. એટલે પેલીએ લવ પોશન નામનું દ્રવ્ય બનાવ્યું જેની અસર હેઠળ વ્યક્તિ સામેવાળાને ચાહવા લાગે. જે વસ્તુ આપમેળે થાય/થવી જોઈએ એની અસર વોલ્ડેમોર્ટની મમ્મી એ જાદુથી પેદા કરી. આમ ને આમ એની મમ્મી સગર્ભા થઇ. પછી એમ થયું કે ટોમ ને સાચું કહી દઉં. સાચું કહ્યું, પણ ટોમે એને દગાખોર કહીને તરછોડી દીધી. એક સમયની સાલાઝાર કુળની વંશજ એવી વોલ્ડેમોર્ટની મમ્મી દર દર ભટકવા માંડી. એક દિવસે બાળકને જન્મ આપ્યો. એને અનાથાશ્રમમાં મુક્યો અને કહ્યું, આનું નામ ટોમ માર્વોલો રીડલ રાખજો. એ પછી બાળકને ઉછેરવાને બદલે એણે આપઘાત કર્યો. એકલો ટોમ અતડો રહીને ઉછર્યો. જન્મજાત જીનીયસ એવા ટોમે હોગવર્ટઝમાં પ્રવેશ મેળવ્યો અને અનેક જાદુ વિદ્યાર્થીકાળમાં જ સિદ્ધ કર્યા. પણ, મૂળમાં તો એને પ્રેમ નહોતો મળ્યો એટલે કુણી લાગણીઓ એમ પણ મરી પરવારી હતી જે ડાર્ક સાઈડ તરફ જવા માટેના રસ્તાના પહેલા પગથીયા જેવી હતી.
જમ્પ ટુ હેરી. હેરીને મારવા માટે આવેલા વોલ્ડેમોર્ટને એની મમ્મીએ પડકાર્યો. વોલ્ડેમોર્ટ એ ઓફર આપી, આને મારવા દે તો હું તારા પતિ જેમ્સને જીવતો કરીશ (કંસ સ્ટાઈલ). હેરીની મમ્મી લીલી એ હેરીને મારવા માટેનો અવાડા કેવાડ્રાનો ડેથ સ્પેલ પોતાના પર ઝીલી લીધો. લીલીના જીવ સાટે બનેલા એ બલિદાને હેરીને અન-કન્ડીશનલ લવનું અભેદ્ય કવચ આપ્યું જે કાયમ વોલ્ડેમોર્ટને હેરીથી દુર રાખતું રહ્યું.
અહીં સુધીની કથા વાંચ્યા પછી અન-કન્ડીશનલ લવની તાકાત સમજાય છે માય લોર્ડ? મુદ્દો માતા-પુત્રના પ્રેમનો નથી. મુદ્દો છે તમે જેની સાથે જીવન ગાળવાના છો એના પ્રત્યેના પ્રેમનો. આપણે સૌ જાણીએ છીએ કે તમામ પસંદગીઓમાંથી આપણે આપણા પતિ/પત્ની તરીકે જે-તે વ્યક્તિને પસંદ કર્યા છે. એ પછી લવ મેરેજ હોય કે એરેન્જ મેરેજ. પ્રારંભિક તબક્કો જુદો હોવા સિવાય પછી તો સરખી જ સફર અને એના પડાવ હોવાના. એટલે જીંદગીમાં પણ, કડવી યાદો હશે જ, પરંતુ આપણા સૌના પેટ્રોનસ ચાર્મ આપણી પાસે જ છે યાદ રહે એટલે ભયો ભયો. લાઈફમાં તકલીફ આવે ત્યારે બોલને કા...
એક્સ્પેકટો પેટ્રોનમ.
***
2 - “યે બર્કે તજલ્લી અંધેરો કો ચીરતી...”
‘આપ કાનુન કે બારે મેં કિતના જાનતે હૈ?’
‘ઉતના હી યોર ઓનર, જીતના આપ કલા કે બારે મેં’
ઉપરનો તાળીમાર ડાયલોગ એવી જ અફલાતૂન ફિલ્મ ‘રંગરસિયા’ નો છે જે ઘણા બની બેઠેલા કહેવાતા કલાપારખુંઓના સુંદર વદન પર કચકચાવીને થતો હસ્તપ્રહાર છે (ટૂંકમાં, તમાચો છે !!). આખરે કલા અને એનું સર્જન શું સમાજના ચોક્કસ ચોકઠામાં જ થઇ શકે? જેને ભગવો અને કેસરી રંગ સરખા લાગે છે એ નામુરાદ બુડથલ કોઈ કલા સમાજને ઉપયોગી છે કે કેમ એના વિષેનો નિર્ણય લઇ લેશે? કલામાં ઉપયોગીતા શોધવી જ શું કામ જોઈએ? એ કલા છે એટલું એના માટે પુરતું છે. એનું અસ્તિત્વ, એનું હોવાપણું જ કલાકાર માટે સાર્થક છે. પછી એની વેલ્યુ શોધવી એ બીઝનેસનો મુદ્દો થયો. લાહોલ્વુલ્લાકુવ્વત !!
‘યે કૌન લોગ હૈ ફૈસલા કરને વાલે મેરી કલા કે બારે મેં?’
કમનસીબે એમ.એફ.હુસૈન સાહેબ ઉપરનો પ્રશ્ન પૂછી નહોતા શક્યા કેમકે એમને આ ઘેટાના ધણ કરતાય વધુ અશિસ્તપ્રિય પબ્લિકની ઓળખ હતી. અને એટલે જ એ મહાન ચિત્રકારને અંજલિ આપવા અને આપણે જે એની અને રાજા રવિ વર્મા સાથે કર્યું છે એનું તર્પણ કરવા કેતન મહેતા એ ઉપરનો ડાયલોગ મુક્યો હશે. દરેક આઇકોન સમય કરતા વહેલો જન્મે છે, અને એટલે જ આઇકોન બને છે. ૧૧ ડીસેમ્બર એવા જ એક આઇકોનની જન્મ જયંતી છે. આચાર્ય રજનીશની. ઓશો તો ભક્તસમુદાયે બનાવેલા કેરેક્ટરનું નામ છે જે રજનીશ જેવા કોઈ રીતે નહોતા. કૃષ્ણ, મહાવીર વગેરેને આપણે જોયા નથી, પણ રજનીશ તો હજીય ડીજીટલ દુનિયામાં જીવે છે. એના જ એક વિડીઓ અનુસાર એની પાસે દોઢ લાખ પુસ્તકો હતા. જેમાંના બધા જ એમણે વાંચી લીધેલા.એમની પાસે તત્વજ્ઞાન થી લઈને સાયકોલોજી, ધર્મથી લઈને અધ્યાત્મ અને પુરાણો સુધીનું બહુ જ વેરાયટીવાળું કલેક્શન હતું. આપણે ત્યાં પુસ્તકો વસાવીને લેખકની સામે ફાંકો મારીને ભાવક બની જનારાઓનો તોટો નથી. પ્રવચનમાં લોજીક અને હ્યુમરની ગોળી ભેળવી તમને શીરાની જેમ ગળે ઉતરી જાય એવી રીતે સબ્જેક્ટની છણાવટ કરતા. રજનીશની સાથે ય એજ થયું જે રાજા રવિ વર્મા સાથે થયું. એની કલાને લોકોએ પહેલા અચંબા થી જોઈ અને પછી સ્થાપિત હિતોને ન ગમ્યા એટલે એની વિરુદ્ધ કારસો ઘડાઈ ગયો અને ચારેબાજુથી દબાવી દેવાના પ્રયાસો થયા. પણ આઇકોન એ જ દબાવી દેવાના પ્રયત્નોમાંથી જન્મી જતો હોય છે.
ભારત ઉત્સવોનો અને રંગોનો દેશ છે. અહિયાં કોઈ પત્થરને સિંદુરથી રંગી નાંખો તો કોઈને એ સમજાવવાની જરૂર નથી કે એ હનુમાનજીનું પ્રતિક છે. (કર્ટસી- જય વસાવડાના પ્લેનેટજેવી બ્લોગનો મર્હુમ એમ. એફ. હુસૈન સાહેબ પરનો આર્ટીકલ). ફિલ્મમાં એક જગ્યાએ રાજા રવિ વર્મા કહે છે કે ભારત વાર્તાઓનો બહુ મોટો ખજાનો છે. એને ક્યારેય ચિત્રસ્થ કરવાનો પ્રયત્ન થયો નથી. અને એટલે જ એ આખા ભારતના પ્રવાસો કરે છે. ફિલ્મ જો કે એમના પર લખાયેલ નોવેલ પર આધારિત છે પરંતુ ફિલ્મનો અન્ડરકરંટ કલાની સમાજ દ્વારા થતી ઠેકડી છે. કેવી રીતે સામ,દામ,દંડ,ભેદ દ્વારા કોઈ એક ક્રાંતિકારી કલાકારને હેરાનગતિ થતી હોય છે એ કેતન મહેતા એ સરસ ઉપસાવ્યું છે.
આપણે વાત થાય છે આઇકોનની. બહુ દૂરનું જોઈ શકતો વ્યક્તિ અકળાય છે, પીડાય છે કેમકે એને જે દેખાઈ રહ્યું હોય છે એ બીજા જોઈ શકતા નથી. તમે કોઈ પણ તમને ખબર હોય એવા આઇકોનને પકડો. એની વાર્તા પીડાની, સ્વજનોથી વિખુટા પડ્યાની, ભીતર બહારના સંઘર્ષની જ હશે. ટેલેન્ટ હોય પણ બીઝનેસ માઈન્ડ ન હોય ત્યારે સ્ટીવ જોબ્સને પણ એપલ છોડવી પડેલી. કૃષ્ણને ય આ જ વસ્તુઓ સહન કરવી પડેલી. નહીંતર જે માણસે ધર્મ સંસ્થાપના કરી હોય એ પોતાના યાદવ સમાજમાં શાંતિ અને એકતા નહોતા સ્થાપી શકતા? પણ એમણે જોઈ લીધું હતું કે હવે એમનો નાશ નિશ્ચિત છે, એટલે જ અંદરના સંઘર્ષોથી થાકીને એમણે એમાં રસ ન લીધો અને સાવ ગુપચુપ રીતે પોતાની જીવનલીલા સંકેલી લીધી. આઇકોન બનવાની સફરમાં બધા છુટા પડતા જાય છે. અને એકલો પીડાતો કલાકાર એના જ સ્વાનસોંગથી વલોવાતો જાય છે. પહેલા એ પોતાની કલાને મશાલ બનાવીને સમાજ માટે પેટ્રોનસ ચાર્મ ધરે છે, લોકોને ઝકઝોરી નાંખે છે, અને લોકો એને પસંદ કરે એ પહેલા જ...
બસ.
પાપીની કાગવાણી:
થેંક્યું રાજા રવિ વર્મા, કૃષ્ણ, એમ.એફ., રજનીશ...લીસ્ટ અનંત છે. પણ બધાનું સરનામું એક જ છે.
નિર્વિવાદ રીતે- મારો ભારત.
ટાઈટલ ક્રેડીટ: એમ.એફ. હુસૈનનું લખેલું ગીત, ફિલ્મ: મીનાક્ષી- અ ટેલ ઓફ થ્રી સીટીસ
***
3 - યુદ્ધ અને શાંતિ અને આતંકવાદ-મૈ સમય હું
યુદ્ધ અને શાંતિને નાળસંબંધ છે. યુદ્ધ શાંતિ સ્થાપવા અને જાળવવા કરવું પડે. જયારે શાંતિની હાજરી યુદ્ધ થવાની ચિનગારીની શરૂઆત માટેનું વાતાવરણ પૂરું પાડે. જગતની કોઈ પણ ક્રાંતિ જોઈ લો. તમને એમાં પારાવાર વેદના, હતાશાઓ અને ભારેખમ શાંતિ દેખાશે. અને પછી એના પરિણામે યુદ્ધ આકાર લે છે. યુદ્ધની એક તાસીર છે. એ ધીમે ધીમે ચોતરફથી જે-તે પ્રદેશનો એનાકોન્ડા અજગર જેવો ભરડો લે છે. અને પછી લાગ આવે એટલે એકદમ સંજોગોને ૧૮૦* ની પલટી ખવડાવે એટલે આખો પ્રદેશ સ્તબ્ધ બનીને એનો હિસ્સો લાગવા માંડે. પાકિસ્તાનના પેશાવરની ઘટનાએ આતંકવાદના વરવા ચહેરાને જે રીતે જગત સમક્ષ દેખાડ્યો છે એ માત્ર આગાઝ છે. ભૂતકાળની ઘટનાઓ આવા કંઈ-કેટલાય પ્રસંગોથી અને લાશોના ઢેરથી રીતસર ખદબદે છે. જયારે જયારે આવું બને છે ત્યારે સમય લોહીના આંસુઓએ રડે છે અને ચંદ પ્યાદાઓ રાજરમતના શિકાર બનીને પાગલોની જેમ એકબીજાને મારવા ધસે છે એમ માનીને કે એનાથી શાંતિ મળશે. પણ એ ખુદ ઝોમ્બી જેવા બનેલા હોય તો શાંતિ બહાર ભટક્યે કે કોઈના ઢીમ ઢાળી દેવાથી થોડી મળે? એ તો કબીર ની જેમ માંહ્યલામાં ઝાંખવું પડે કે જેને હું શોધતો હતો એતો મારી અંદર જ બેઠો છે. પેશાવરના એ ભુલકાઓની ચીસોની જેમ જ લોહીના-લાચારીના-હતાશાના આંસુઓ ઇતિહાસમાં ઠેર ઠેર કોતરાયેલા પડેલા છે.
બાકાયદા હસીન કહી શકાય એવો દેશ જોર્ડન. એના રાજા હુસૈન. ઇઝરાયેલ-પેલેસ્ટાઇનના છમકલા અને ખાસ તો ઐતિહાસિક સિક્સ ડે વોર પછી કંઈ-કેટલાય પેલેસ્ટાઇનિયન નિરાશ્રીતોના ધાડા જોર્ડનમાં આશરો લેવા આવ્યા. એમની રાહત છાવણીઓમાં પારાવાર ગંદકી, રોગચાળો અને આર્થિક પ્રશ્નો હતા. એટલે એમણે જાતે જ પોતાના હક માટે લડવાનું નક્કી કર્યું. ‘પેલેસ્ટાઇન લીબરેશન ઓર્ગેનાઈઝેશન’ નામથી જોર્ડન અને બીજા આરબ દેશો પાસે વિવિધ રૂપે સહાય મેળવવાની શરુ કરી અને જોર્ડનમાં વ્યવસ્થિત જાસુસી નેટવર્ક પાથરવાનું શરુ કર્યું. રાજા હુસૈનને આની ગંધ આવેલી એટલે જોર્ડનના લશ્કરમાં રણમાં વિચરતી ખડતલ અને આક્રમક મિજાજની બેદુઇન પ્રજાના નાગરિકોને ભરતી કર્યા હતા. જાણીતા પેલેસ્ટાઇનિયન નેતા યાસીર અરાફાતના પેલેસ્ટાઇન લીબરેશન ઓર્ગેનાઈઝેશનની ત્રાસવાદી પ્રવૃત્તિઓ વધતા સમગ્ર દુનિયાએ એ ગતિવિધિઓ રોકવાનું પ્રેશર વધાર્યું પણ એ સંસ્થા જોર્ડનને હેરાન કરતી નથી એમ માનીને એમણે એ ચાલવા દીધું. હદ તો ત્યારે થઇ જયારે પી.એલ.ઓ. એ ખુદ જોર્ડનની એરલાઈન્સનું પ્લેન હાઈજેક કરી ખંડણી માંગી. બસ, રાજા હુસૈને આર્મીને સફાઈ અભિયાનનો ઓર્ડર આપી દીધો. બેદુઇન જાતિના સૈનિકોએ કુશળતાપૂર્વક બર્બરતા આચરીને કંઈ-કેટલાય ત્રાસવાદીઓનો સફાયો બોલાવ્યો. નતીજા, વધુ ખુન્નસે ભરાયેલા કેટલાંક યુવાનો એ જુલાઈ,૧૯૭૧ ના એ હત્યાકાંડની યાદમાં સપ્ટેમ્બર મહિનો શોકનો ગણ્યો અને વધુ એક ત્રાસવાદી સંગઠન સ્થાપ્યું. ‘બ્લેક સપ્ટેમ્બર’. આ એ જ બ્લેક સપ્ટેમ્બર; જેણે ૧૯૭૨ ના જર્મનીના મ્યુનિક ખાતેના ઓલિમ્પિક ગેમ્સમાં નવ ઈઝરાયેલી ખેલાડીઓને બંધક બનાવી એમને મૌતને ઘાટ ઉતારી નાંખ્યા હતા માત્ર એટલા માટે કેમકે ઈઝરાયેલે એમના સાથીઓને જેલમાંથી છોડવાની માંગણી સ્વીકારી નહોતી.
તા.૧૩ જુલાઈ, ૧૯૧૯ બૈસાખીનો દિવસ. સ્થળ. અમૃતસર શહેરનો જલીયાંવાલા બાગ. અંદાજે ૨,૦૦૦ જેટલા નિર્દોષ શીખ સ્ત્રીઓ-બાળકો-પુરુષો એ મેદાનમાં એકઠા થયા હતા. પ્રસંગ હતો બ્રિટીશ રાજની નીતિઓનો વિરોધ. શાંતિપૂર્વક પ્રવચન સાંભળી રહેલા એ લોકો ઉપર જનરલ ડાયરે સીધા શૂટના ઓર્ડર દ્વારા ગોળીઓ વરસાવી દીધી. ત્યાંના કુવામાંથી કેટલીય લાશો મળી. બધું પતી ગયા પછી એક નાનો બાળક એ સ્થળની મુલાકાત લે છે અને આંખમાં આંસુ સાથે એ લોહી ભરેલી ધૂળ માથે ચડાવી એને એક નાની શીશીમાં ભરી લે છે. બ્રિટીશરાજની જંગાલિયતનો એ નમુનો હતો. એ બાળક અંગ્રેજો સામે એમની જ સ્ટાઈલમાં લડવાની પ્રતિજ્ઞા લે છે અને યુવાનીમાં તો અંગ્રેજોને દોડાદોડ કરાવીને નાકમાં રીતસરનો દમ લાવી દે છે. એ બાળક ૨૩ વર્ષની ઉંમરે ‘આઝાદી મેરી દુલ્હન હૈ’ કહીને અને રશિયન ક્રાંતિકારી લેનિનને વાંચતો વાંચતો ફાંસીને માંચડે લટકી જાય છે. એ બાળક એટલે શહીદ ભગતસિંગ.
પ્રથમ વિશ્વયુદ્ધ વખતે પાયમાલ થયેલ જર્મની જયારે બેઠું થવા પ્રયત્નો કરી રહ્યું હતું ત્યારે ત્યાંના માલેતુજાર યહૂદી શાહુકારોએ નફાખોરી અને ધીરધાર દ્વારા સમાજની અસમાનતામાં વધુ ઉમેરો કર્યો જેને લીધે આમ જનતામાં છૂપો રોષ ભભૂકી રહ્યો હતો. ઓસ્ટ્રિયાથી મ્યુનિક આવેલા નવાસવા ચિત્રકાર એડોલ્ફને પણ એવું જ લાગતું કે આ યહૂદી પ્રજા દેશનું અને પ્રજાનું ખૂન ચૂસી રહી છે. એ લોકો જર્મનીને બેઠું કરવા નહીં, એને વધુ પાયમાલ કરવામાં ભાગ ભજવે છે. એમણે કાં દેશભક્તિ સાબિત કરવી રહી કાં સમૂળગો દેશ જ છોડી દેવો જોઈએ એવી એની માન્યતા દ્રઢ થવા લાગી હતી. અને એક દિવસ એડોલ્ફે સમસ્ત યહૂદી સમુદાયને નેસ્તનાબુદ કરવાનું શરુ કર્યું જેને પરિણામે અંદાજે ૬૦ લાખ યહૂદી લોકોને મૌતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. પુરા નામ હિટલર, એડોલ્ફ હિટલર. પછીથી બચેલા યહુદીઓ એક દેશ બનાવીને આજે ય આતંકવાદ સામે લડી રહ્યા છે, પોતાની રીતે.
નોર્થ કોરિયા એની સરમુખત્યારશાહી માટે જાણીતું છે. એવામાં એકાદ વર્ષ પહેલા શાંતિપૂર્વક દેખાવ કરી રહેલા લોકો પર કોરિયન આર્મી ચડી વાગી. શાંતિને બદલે ચારેબાજુ ગોળીઓ વછૂટી અને હજી નોર્થ કોરિયા સળગેલું જ છે. એ જ રીતે વર્ષો પહેલા તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ લીન્ડન જોહ્ન્સને વિયેતનામ યુદ્ધ ચાલુ રાખેલું જેના આફ્ટરશૉક્સ હજીય અમેરિકાને આવ્યા કરે છે. હજી હમણાં સુધી આપણે ય L.T.T.E. થી હેરાન થતા જ હતા ને...!!!
પાપીની કાગવાણી:
આતંકવાદ હવે એક વ્યવસ્થિત ઈકોનોમી છે. તમે એને સમૂળગું નાબુદ કરી શકો એ વાતમાં માલ જ નથી કેમકે એની સાથે કંઈ-કેટલાય લોકોના કંઈ-કેટલાય હિતો જોડાયેલા છે.
નીરવ પંચાલ (ધાંસુ રીડરનું રેઝર શાર્પ ઓબ્ઝર્વેશન)
***
4 - “કૌતુક કાઇટ્સ - ઉત્તરાયણ સ્પેશિયલ”
મિત્રો, ઉત્તરાયણ આવી રહી છે. તમને સૌને ‘હું ગુજરાતી’ ના પાપી કાગડાની હેપ્પી પતંગ-ચગાવ અને ખુશીયાં-લૂંટાવ મકરસંક્રાંતિ... ;) :P આપણે સહુએ વર્ષ ૨૦૧૪ માં આપણા ભારત દેશના આકાશમાં બહુ મોટા બદલાવ જોયા. એક નવી જ હવા- નવી જ લહેર જોવા મળી જે છેલ્લા એક દાયકાથી જોવા નહોતી મળી. એટલે આ વખતે થોડા અલગ ટાઇપના પતંગોની વાત માંડીશું...
ટેબ્લેટ પતંગ:
આ પતંગ ટેબ્લેટ જેવડા આકારનો હોય છે અને ઢંઢેરા-બ્યુગલો સાથે તેની ઉડાનની જાહેરાત થાય છે. સામાન્ય રીતે ટેલેન્ટ વગરના અને બાપની પેઢી પર બેસી જનારા નવયુવાનો આ પતંગ ચગાવી મારવા માટે લાયક ગણાય છે...
પ્રભારીપતંગ:
સામાન્ય રીતે આ પતંગ એકદમ ફોકસ્ડ રીતે સ્થિર રહે છે.પણ ક્યારેક ક્યારેક એના પર બીજાના ધાબે લબુકવાની ટેવ હોવાના આક્ષેપો ય થતા રહેતા હોય છે. તેમાં ય ખાસ કરીને ઉત્તર ભારતમાં અનુકુળ હવામાં તો એ બહુ દૂઉઉર સુધી ઉડે છે અને બીજા બધાના પતંગ કાપીને એ અજેય રીતે ચગ્યા કરે છે.
સામાજિક ન્યાય પતંગ:
આ પતંગ આજકાલ બધાને લુંટી લેવો બહુ ગમે છે પણ ચગાવવો કોઈને ગમતો નથી કેમકે એમાં ઠુમકા બહુ મારવા પડે છે અને પોતાની શક્તિ વપરાય છે. આ પતંગ ચગાવવા માટે બહુ ટેકનીકની જરૂર નથી. બસ બે-પાંચ થીગડા મારી દો એટલે આ પતંગ ઉડવા માટે તૈયાર થઇ જાય છે. આ પતંગ ઉડાડવો આજકાલ ફેશન બનતું જાય છે.
ભાવક પતંગ:
આ પતંગ ગમે તે રસ્તે ચાલનાર, કાનમાં ભૂંગળા ભરવેલા અને યોયો હનીસિંગ થી લઈને આપણા હિમ્મેસભાઈ સુધી અને માયાભાઈ આહીર થી લઈને મોરારીબાપુ સુધી અને રાહત ઇન્દોરી થી લઈને ગાલીબ સુધીના સર્જકોના ચાહકો માટેનો પતંગ છે. એને ચગાવવા માટે તમારે તમારા ફેવરીટ સર્જકને યાદ કરી, ઢઢો જરા વધુ ત્રાંસો મરડીને હલકી સી છૂટ આપવી પડે છે. જેમ ચગાવનારનું માથું કોઈ પ્રોગ્રામમાં ઘેનથી ડોલે, એજ રીતે આ પતંગ એની મેળે ડોલે છે અને સ્પાઈરલ આકારમાં ઘૂમરી ખાયા કરે છે.
સેક્યુલર પતંગ:
આ પતંગ જરા વધુ પડતા બેલેન્સથી જ ચગે છે. એને ચગાવનારની તટસ્થતા મપાયા પછી જ એ પતંગ પોતે ઉડવાનું પસંદ કરે છે. તમે આડેધડ રીતે આ પતંગ ચગાવી ન શકો કેમકે સહેજ સરખો ઘસરકો પડતાની સાથે જ ‘પતંગ હક બચાવ એસોસીએશન’ ના હોદ્દેદાર પતંગો તમારી પર કેસો ઠોકી દેશે અને તમારા પર પંચ નીમાશે કે આખિર યે ઘસરકા પડા કૈસે? કહીં યે બદલા લેનેકી કોશિશ તો નહીં? ટાઈપના કોશ્ચન તમને પૂછવામાં આવશે..માટે આ પતંગને જરા સંભલ કે ચગાવવા પડતા હૈ...
પોએટપતંગ:
આજકાલ આ પતંગ ઘડીકમાં મુશાયરાઓમાં તો ઘડીક આંદોલનોમાં જોવા મળે છે. છંદ વગરના જોડકણા સાથે શ્રોતાઓને મજા કરાવતા પોએટ્સ માટે આ પતંગ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ પતંગનું મેન્યુફેક્ચરીંગ કોઇ ચોક્કસ ડીઝાઇનમાં હોતું નથી કેમકે આ ચગાવનાર કવિઓની કવિતાઓનું પણ ચોક્કસ બંધારણ હોતું નથી. બસ આ પતંગને તમારે સહેજ દર્દીલી ઝુબાં માં નિસાસો નાંખવાનો રહે અને પતંગ હિલોળા લેતો ચગવા માંડે છે...
વિવેચકપતંગ:
આ પતંગની પહેલાના સમયમાં સમાજમાં, સાહિત્યમાં અને શિક્ષણમાં બહુ બોલ એવમ બાલા હતી. પરંતુ, આ પતંગે જ્યાં-ત્યાં ઘુસ મારીને પોતાની અણીથી ઘણા નવા પતંગોની અણી તોડી નાંખી હતી. એ પછી ગમતા પતંગોને જ પતંગ તરીકેની માન્યતા આપવા માંડેલા આ પતંગે પછી ઉંચી ઉડાન ભરી જ નહીં. હવે હાલ એ છે કે આ પતંગ હમણાં હમણાં પાછો સક્રીય થયો છે. આજકાલ ફેસબુક અને ટ્વીટર પર આ પતંગ છાશવારે ઉડાઉડ કરે છે. નવી ફિલ્મ હોય કે પુસ્તક, આ પતંગ ચગાવનારા લોકોને આ પતંગને થોડીવાર પુરતો ઉડતો જોઇને પોતાનો પતંગ ચગાવી મારવાની બહુ લાલચ થઇ આવે છે.પણ એ લોકોને એ ખબર નથી હોતી કે આ પતંગને ઉડવા માટે એરકુલરનો ફેન વપરાયો હોય છે, જે થોડીવાર જ હવા આપી શકે છે...સિયાવર રામચંદ્ર કી જે...
વાહ વાહ પતંગ:
આ પતંગ મુખ્યત્વે ફેસબુક અને ઇંસ્ટાગ્રામ માં બહુ જોવા મળે છે. દરેક નવા ગલકા (પોસ્ટ, ફોટું) માટે આ પતંગ તરત ઉડાન ભરે છે અને તરત ઉતરી પણ જાય છે. જનરલી આ પતંગના માલિકોને બહુ ટાઇમ હોતો નથી એટલે થોડીવાર જ ચગે છે. પરંતુ, કોઇ બાલિકા કે કન્યાના કેસમાં એક પતંગમાંથી અનેક પતંગ થતાં વાર લાગતી નથી...
વડીલ પતંગ:
આ પતંગ સાઇઝ માં જરા મોટો હોય છે પણ, એને બીજા બધા પતંગો પોતાનાથી જરા નીચા ચગે એમાં વધુ રસ હોય છે. સામે પક્ષે નાના પતંગો એને બહુ ભાવ આપતા નથી અને એને એડવાઇઝર બનાવીને એક ખુણામાં ચગવા માટે જગ્યા આપી દેતા જોવા મળે છે.
ઓ બા, ઓ મા પતંગ:
આ પતંગ ચગે ત્યારે બહુ મોટા ફડફડાટ કરે છે, પણ પછી એ અલગ અલગ આકાશોમાં ઉડાઉડ કરે રાખે છે અને એના કુળના પતંગોની જેમ જ એ ઉડ્યા કરે છે. એનો દેશ ત્યારે ઓ બા, ઓ મા જેવા અવાજો કર્યા કરે છે.
અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, (લોકલાગણીને માન આપીને)
સાહેબ પતંગ:
આ પતંગ મે મહિનાથી ઉંચે ને ઉંચે ઉડ્યા કરે છે અને આખા ભારતમાં ઉડતો રહ્યો છે. આખી દુનિયા આ પતંગની ઉડાન જોઇ રહી છે જેમાંના એક તમે પણ છો માય લોર્ડ...
***
5 - તેરે સંગ ના જો બીતે, ઉસ પર ઐતરાઝ હૈ...!!
“આ દુનિયા આખી તબાહ થઇ જશે, સૂર્ય પૃથ્વીને ગળી જશે એ પછી પણ હું તને ચાહતો રહીશ.”
“તને એમ છે કે તને લોકો મર્યા પછી પણ યાદ રાખે? શું તને એ નથી દેખાતું કે મારા માટે તું દુનિયાનો સૌથી ફેન્ટાસ્ટિક માણસ છે જેને હું બહુ પ્રેમ કરું છું? શું એટલું પુરતું નથી? ”
“એ જંગલી પ્રેમ નથી કરતી, એના પ્રેમમાં ઊંડાણ છે.”
“હું માણસ સારો પણ લેખક તરીકે નકામો છું જયારે તું માણસ નકામો, પણ લેખક સારો છે એટલે હું તને મારા માટે પત્ર લખવાનું કહું છું.”
“સુનતે હો ચુન્ની બાબુ, એક તવાયફ ઈશ્ક કી બાત કર રહી હૈ. અબ હમે ઇનસે સીખના હોગા કી મહોબ્બત ક્યા હોતી હૈ, પ્યાર ક્યા હોતા હૈ, ઈશ્ક કિસે કેહતે હૈ?”
માય લોર્ડ, પ્રેમ કરતા શિખવનાર ભગવાન શ્રીક્રુષ્ણની વસાવેલી પ્રેમની દુનિયામાં સ્વાગત છે. ફેબ્રુઆરીસ્ય પ્રેમદિવસે સૌ કોઈ પોતાના પ્રિયપાત્રને રીઝવવા અને એ બહાને પોતાના પ્રેમને દર્શાવવાનો મૌકો છોડતા નથી. વેલેન્ટાઈન ડે માથા પર છે ત્યારે ઈશ્ક,પ્યાર અને મહોબ્બત દિલોદિમાગ પર છવાય એ સ્વાભાવિક છે. ઈશ્ક ફરમાવી શકાય છે. પ્યાર કરી શકાય છે, થઇ જાય છે અને થવા દેવો પડે છે. મહોબ્બતનો હિસાબ જુદો છે. એ મેટલ ગાળીને બનેલો કાચો બાંધો છે, રો મટિરિયલ છે. પણ નક્કર છે, પોલાદી છે કેમકે સંજોગોની આગની ભઠ્ઠીએ એને એવો ઘાટ આપ્યો છે. ઉપરના ડાયલોગ્સ અનુક્રમે જમાવટ કરતી ફિલ્મો ‘ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ’ અને ‘દેવદાસ’ ના છે. નવાઈની વાત એ છે કે બેય ફિલ્મો નોવેલ પરથી બની છે જેમાં એકમાં વર્ડ ટુ વર્ડ એડેપ્ટેશન થયું છે અને બીજાએ મૂળ નોવેલને ભવ્યતા બક્ષી છે. ‘દેવદાસ’ માં ચંદ્રમુખીના પ્રેમને સંજય લીલા ભણસાળીએ નવી ઉંચાઇ આપી છે જ્યારે ‘ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ’ માં હેઝલ ગ્રેસના પ્રેમને.
‘યાદ રખો, તવાયફો કી કિસ્મત મેં શોહર નહીં હોતે. ’
‘તવાયફો કી તો કિસ્મત હી નહીં હોતી ઠકુરાઇન.’
ક્યા બાત !! હેઝલ થાયરોઇડ કેન્સરની શિકાર છે જે એના ફેફસામાં ધીમે ધીમે પાણી ભરી રહ્યું છે. એની સાથે એક ઓક્સીજન ટેંક સતત હોય છે જેની નળી એના નાકમાં ભરાવેલી રાખી હોય છે. પ્રેમાળ મમ્મીના કહેવાથી એ કાઉન્સેલિંગ ગૃપ જોઇન કરે છે પણ બેજીકલી ઋજુ અને મક્કમ હેઝલ ગૃપના ‘જિસસ લવ્ઝ યુ’ ટાઇપ નાટકથી અકળાય છે. રીડિંગની શોખીન હેઝલ વાન હોટન નામના લેખકની ફેન હોય છે. એ ગૃપમાં એને ઓગસ્ટસ નામનો ફુટડો જુવાન મળે છે. એય કેન્સરમાં એક પગ ગુમાવી ચુકેલો હોવા છતાં હેપી ગો લકી ટાઇપ બેફીકર રહેતો હોય છે. બંને એકબીજા પ્રત્યે આકર્ષાય છે. પોતાને પુસ્તકો વાંચવા ગમતા ન હોવા છતાં ‘ગસ’ હેઝલના ફેવરીટ લેખકની નોવેલ વાંચે છે અને ચોરીછુપીથી લેખકને પત્ર લખે છે મુલાકાત ફિક્સ કરવા. લેખક એમ્સ્ટરડેમ રહે છે. હેઝલને આટલો લાંબો પ્રવાસ કરવાની ડોક્ટરની પેનલ ના પાડે છે પણ હેઝલનો ઇલાજ કરનાર ડો. મારિયા ‘જિંદગી એની છે તો નિર્ણય પણ એનો જ હોવો જોઇએ.’ ટાઇપ સપોર્ટ આપે છે. બધા સાગમટે એમ્સ્ટરડેમ જાય છે જ્યાં લેખક દ્વારા હેઝલ માટે ડિનરનું આયોજન થયું હોય છે. ત્યાં ગસ હેઝલને પ્રપોઝ કરે છે. બેય ક્ષણિક ઓર્ગેઝમ પણ અનુભવે છે અને બ્લેક એન્ડ વ્હાઇટ હેઝલ રંગીન થઇ જાય છે. અને આતા હૈ કહાની મેં ટ્વીસ્ટ. ગસનું કેન્સર ઉથલો મારી ચુક્યું છે જે હેઝલ નજરોનજર જુએ છે. જે શરીરને પ્રેમ કર્યો હોય એના મળ-મુત્ર પણ સાફ કરવાની તૈયારી રાખવી પડે.(વાક્ય કર્ટસી: જય વસાવડા) આને લીધે હેઝલ-ગસ વધુ ન્જીક આવે છે. ગસ હેઝલને કહે છે, ‘મારી અંતિમક્રિયા વખતે તું જે સ્પીચ આપીશ એ અત્યારે જ બોલી નાંખ.’ હેઝલ પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે. ગસ વહેલો અંધારા અજવાળાની પેલે પાર પહોંચી જાય છે. એના ફ્યુનરલમાં પેલો વાન હોટન હેઝલને એક લેટર આપે છે જે ગસે એને લખવા માટે મુદ્દા પેટે આપ્યો હોય છે. એમાં એ લખે છે કે ‘હેઝલ મારાથી વધુ પ્રગતિ કરે તો હું એનાથી ઇર્ષ્યા ન અનુભવું, ઉલ્ટાનો મને વધુ આનંદ થાય.’
કટ ટુ દેવદાસ.
‘કહાં હૈ દેવ?’
‘ઇસ કમરે કી હરેક ચિઝ મેં દેવબાબુ હૈ. કહાં કહાં સે ઉન્હેં લે જાયેંગી ઠકુરાઇન?’
‘હમ દેખ રહે હૈ, એક તવાયફ દેવ કે પ્યાર મેં જોગન બન ગઇ?’
‘મૈં તો સિર્ફ ઉનકી પૂજા કરતી હું.’
પ્રેમના આ બે સમાન અંતિમો છે માય લોર્ડ. વિશ યુ અ વેરી પ્રેમફુલ વેલેન્ટાઇન ડે...
પાપીની કાગવાણી:
હરી વ્યાપક સર્વત્ર સમાના,
પ્રેમ તે પ્રગટ હો હી મૈં જાના...
- તુલસીદાસ, રામચરિત માનસ.
***
6 - કુન ફાયા કુન
જરા વિચારો. બેટમેન બિગીન્સ, ડાર્ક નાઈટ, ડાર્ક નાઈટ રાઈઝીસ, ઇન્સેપ્શન અને ઇન્ટરસ્ટેલરમાં કોમન શું છે? હોલીવુડ મુવીઝ ના રહુડીયા મિત્રો તરત કહેશે. ‘અલ્યા, એટલીય ખબર નથી? આ ક્રિસ્ટોફર નોલનની બનાવેલી ફિલ્મો છે.’ એગ્રી, ઉપર કહી એ તમામ ફિલ્મોમાં હજુ ય એક વસ્તુ કોમન છે. કહું? વેલ, એ નામ છે હાન્સ ઝીમર. યેસ્સ, આજે કૌતુક કથામાં આ ધુરંધર કમ્પોઝરની નેવરબિફોર માંડેલી વાત કરીએ.
થ્રી ઈડિયટ્સ ની ભાષામાં કહીએ તો આ ઈડિયટે સંગીતની ફોર્મલ તાલીમ લીધી જ નથી. કોઈ ફેરફાર અનુભવાય છે તાલીમ નથી લીધી તો? આવા સવાલના જવાબમાં બાપુ ફરમાવે છે કે “On one hand, I regret not having formal training, but on the other hand, I think it makes me slightly less didactic about music. I can go from punk guitars to Bach in one swoop. Duke Ellington said it really well: “There are only 2 types of music: good music and bad music.” I don’t have the weapons of formal musical training, so the advantage for me as a film composer that I can really hang on to is that I have the focus and am able stay in-line with the story.” (Source: Answer on Quora.com given by himself)
પુરા નામ હાન્સ ફોર્લિયન ઝીમર. નોલન સાથે તો હમણાં થોડા વર્ષોથી આ જર્મન કમ્પોઝરે કામ શરુ કર્યું છે પણ બાપુ ફિલ્ડના ઘણા જુના ખેલાડી છે. આમ IMDB પર કે Wikipedia પર એમના વિષે વાંચો તો ખબર પડે કે આ માણસ આટલું બધું સર્જન કઈ રીતે કરી શકતો હશે? એ પણ ફોર્મલ ટ્રેનીંગ વગર? પણ ત્યારે આપણને આપડો રહેમાન દેખાય છે. એ ય આવો જ ધૂની સર્જક છે જેને સાંભળી સાંભળીને આપણે સૌ ત્રીસીએ પહોંચવા આવેલા અને એની પહેલાની આપણા મોટા ભાઈ-બહેનોની પેઢી સહીત મોટા થયા છીએ. પહેલા જ સ્પષ્ટતા કરી દઈએ માય લોર્ડ કે આપણે રહેમાન અને ઝીમરને સરખાવવા માંગતા નથી. બેય એમના ફિલ્ડના બાહોશ સંગીતકારો છે. બેય પાસે રીસર્ચનું ઊંડાણ અને અનુભવ છે, તગડો એટલે બહુ તગડો ફેનબેઝ છે અને દુનિયા આખીમાં ભરપુર આદર આપતા એમના જ કલીગ્સ અને સર્જકો છે. એટલે બહરહાલ, આપણે ઝીમરબાપુની મહેફિલ જમાવીશું. રહેમાન માટે તો આપણને ધાંય ધાંય ગર્વ છે, અને એમના બહુ મોટા ઇન્ડસ્ટ્રીયલ બ્લેડવાળા પંખાઓ (એટલે કે ફેન્સ)માં હમોની ગણતરી કરવામાં આવે એવું હમો માનીએ છીએ. વિશ્વાસ ન આવતો હોય તો આ લેખનું આ વખતનું ટાઈટલ જુઓ...
જોઈ લીધું ટાઈટલ? અચ્છા, તો વાત ચાલી છે હાન્સ બહેતરીન ઝીમરની. તમે એમણે બનાવેલો કોઈ પણ ટ્રેક સાંભળો. તમને એનું સંગીત થીમને સજ્જડ રીતે ચોંટેલું લાગશે. એનું કારણ એમનું આખી સ્ટોરી સાથેનું સંધાન હોય છે. કોઈ પણ ટ્રેકમાં શરૂઆતનું મ્યુઝીક ઇન્ટ્રો કહેવાય, વચ્ચેનું ઇન્ટરલ્યુડ કહેવાય અને અંતમાં એન્ડીંગ કહેવાય. ઇન્ટ્રોમાં ધીમી તર્જ લે, ધીમે ધીમે કી-બોર્ડ અને ડ્રમની અસર વધતી જાય અને ઇન્ટરલ્યુડમાં ડ્રમ્સની પકડાપકડી રમતા રમતા છેવટે ટ્રેકનું સંગીત એન્ડમાં ચરમ શિખરે પહોંચે. આમ જુઓ તો એમનું કામ બહુ જ વેરાયટી વાળું છે. એ બેકગ્રાઉન્ડ સ્કોર બનાવે, ગેમ સાઉન્ડમાં પણ સંગીત બનાવે, એડ્સ માટે જિંગલ્સ બનાવે, ‘સર્કલ ઓફ લાઈફ’ જેવું આલાતરીન સોંગ પણ એમની જ ભેટ અને ધીમા પણ મજબુત ટ્રેકસની અંદર માત્ર પર્ક્શન્સ-સ્ટીલ ડ્રમ અને કી-બોર્ડની જુગલબંદી પણ એમનું જ ભેજું. મૂળ તો હાન્સ ઝીમર જર્મનીમાં જન્મી,મોટા થઇને યુ.કે. ભાગી આવેલા યહૂદી માતા-પિતાનું સંતાન. માતા બેઝીકલી મ્યુઝીશિયન, પિતા એન્જીનીયર કમ સંશોધક એટલે બેયના જીન્સનો વારસો એમને કી-બોર્ડમાં પ્રયોગો કરવા પ્રેરતો. યુ.કે.માં ઘણા બધા બેન્ડ્સ સાથે કામ કરીને જુદો જુદો અનુભવ લઈને બાપુ પોતાને નિખારતા ગયા. ક્રાકાટોઆ બેન્ડથી શીખવાની અને નીખરવાની શરૂઆત કરી અને ઇટલી, સ્પેનના બેન્ડ્સ સાથે પણ કામ ચાલુ રાખ્યું. આ પ્રકારનું માઈગ્રેશન હંમેશા આઇકોન બનવામાં મદદરૂપ થતું હોય છે. (‘ફરે તે ચરે’ ઉક્તિ કોને યાદ આવી?) અને પછી ઝીમરે સ્ટેન્લી માયર્સ નામના વિખ્યાત કમ્પોઝર સાથે કામ શરુ કર્યું જેમાં એમનો મુખ્ય રસ હતો-ટ્રેડીશનલ વાદ્યોને ઇલેક્ટ્રોનિક વાદ્યો સાથે ભેળવી સંગીત બનાવવા માટે ઉપયોગમાં કઈ રીતે લેવા? ૧૯૮૭ માં એમણે ફિલ્મ ‘ધ લાસ્ટ એમ્પેરર’ માટેના સ્કોર માટે સ્કોર પ્રોડ્યુસરનું કામ કર્યું. એ ફિલ્મે બેસ્ટ ઓરીજીનલ સ્કોરનો એકેડેમી એવોર્ડ જીત્યો. એ પછી તો બાપુ વધુ નીખર્યા અને એક પછી એક પ્રોજેક્ટ્સ આવતા ગયા. એમની કામ કરવાની સ્ટાઈલ એકદમ સ્પષ્ટ છે. સ્ટોરીની સાથે વળગી રહેવું. તમને યાદ દેવડાવું માય લોર્ડ કે સ્ટોરીને સામે રાખીને કમ્પોઝ કરનારા અનેક સંગીતકારોમાં ઝીમર, રહેમાન અને મર્હુમ નૌશાદસાહેબનો સમાવેશ થાય છે.
હવે વાત કરીએ થોડી એચીવમેન્ટ અને ક્રિસ્ટોફર નોલન સાથેના તાલમેલની. ૧૯૯૪માં એમણે લાયન કિંગના સ્કોર માટે એકેડેમી એવોર્ડ મળ્યો. રસપ્રદ વાત એ છે કે પાયરેટ્સ ઓફ ધ કેરેબિયનના ‘કર્સ ઓફ ધ બ્લેક પર્લ’ ટ્રેક માટે એમને ક્રેડીટ અપાઈ નહોતી. હાલાંકી એમાં એમના જુના કલીગ ક્લાઉસે એમના સજેશનના આધારે જ થીમ બનાવી હતી. એ પછીની ત્રણેય પાયરેટ્સ ફિલ્મોમાં એમણે સંગીત આપ્યું છે. જેક સ્પેરો પેલા મોટ્ટા વ્હીલની અંદર ચાલે છે એ સાથે જે ધડબડાટીવાળું મ્યુઝીક આવે છે એ સિન્થેસાઇઝર અને સ્ટીલ ડ્રમ્સની જ કમાલ છે. નોલન સાથે કામ કઈ રીતે કરો છો? એવા સવાલના જવાબમાં બાપુ ફરમાવે છે કે એ મને બાંધતો નથી. અમારી ચર્ચા જ ઘણાબધા આઈડીયાઝ આપી દે છે જેમાંના કેટલાક અમે ઉપયોગમાં લઈએ છીએ. નોલને સુપરમેનની એક ફિલ્મ બનાવી છે. ‘મેન ઓફ સ્ટીલ’. એમાં પહેલીવાર જયારે સુપરમેનને એના પાવરની ખબર પડે છે અને એને એ અજમાવે છે એ વખતે જે તાન ચડાવી દેતું મ્યુઝીક આવે છે એ ‘ફ્લાઈટ’ ટ્રેક માટે ઝીમરે પાંચ ડ્રમ રાખ્યા. ચાર ચોરસના ચાર ખૂણે અને પાંચમું વચ્ચે. દરેક ડ્રમરને અલગ અલગ ટુકડાઓ આપવામાં આવેલા અને આખો ટ્રેક એ રીતે બન્યો છે. સાંભળીને વિચારજો. તમને જે એક(અથવા વધુમાં વધુ બે) જ ડ્રમ લાગે છે એ વાસ્તવમાં પાંચ ડ્રમની મિલીભગત છે.
ના, પાંચ નહીં, એક જ માણસની કમાલ છે. હાન્સ ટેરીફિક ઝીમરની.
પાપીની કાગવાણી:
ઝીમરે નવો ટ્રેન્ડ શરુ કર્યો છે. ફિલ્મના મ્યુઝીકની ક્રેડીટમાં એ તમામ કલાકારોના નામ લખે છે જેમણે કોઈક રીતે એ મ્યુઝીકમાં પ્રદાન આપેલું હોય છે. એ કહે છે, ‘મારે Music By Hans Zimmer એવું શું કામ લખાવવું જોઈએ? આખો સ્કોર બધાનો સામુહિક પ્રયાસ હોય છે, મારા એકલાનો નહીં.’
***
7 - અનોખું વિયેતનામ યુદ્ધ-જેમાં કોઈ જીત્યું નહીં
બાંગ્લાદેશમાં ચુંટણીઓ આવી રહી છે. કટ્ટરવાદી તત્વો વિરુદ્ધ શેખ હસીનાની અવામી લીગ કમર કસી રહી છે ત્યારે ફિલ્મ ‘બ્યોમકેશ બક્ષી’ એ વખતના કલકત્તાની વાત બયાન કરે છે જયારે બીજું વિશ્વયુદ્ધ એના પુરા ઉફાન પર હતું. ચીન અને જાપાન વાયા રંગુન થઈને ભારતમાં ઘૂસવાની પેરવીમાં હતા. ચીનની બહુ પુરાની આદત મુજબ શત્રુને જીતવા માટે અફીણ-હેરોઈન જેવો ઘાતક પદાર્થ ચોરીછુપે પ્રજામાં ઘુસાડી, પ્રજાને આદત પાડી દેવાની, પછી અચાનક સપ્લાય બંધ કરી દેવાનો; જેથી પ્રજા જ અસ્થિર બને જે સરવાળે સરકાર તરફ વિદ્રોહ કરી બેસે. બસ એજ વખતે મૌકે પે ચૌકા માર દેને કા... ચાયનીઝ વે ઓફ ટેક્ટીક્સ મેં આપકા સ્વાગત હૈ.
આજે એક એવા યુદ્ધની વાત કરીએ જે આમ તો સામ્યવાદ વિરુદ્ધ મૂડીવાદનું હતું, પણ એના અસલ કારણો અત્યારે દેખાતી પરિસ્થિતિ કરતાં ઘણા વધુ ઊંડા મુળિયા ધરાવે છે. અત્યારે ભલે ડાહ્યુંડમરું લાગે, પણ બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાનની તુમાખી અને અભિમાન સાતમાં આસમાન પર હતા. પોતાને ઈશ્વરનો દૂત ગણાવતો જાપાની સમ્રાટ હિરોહિતો અને એની સેના, બેય કોઈના બાપની સાડીબાર રાખે એવા નહોતા. સમગ્ર વિશ્વમાં જાપાનના ઉગતા સૂર્યનો ઝંડો લહેરાય એ જ હિરોહિતોની મહત્વાકાંક્ષી ઈચ્છા હતી. જાપાન ઈ.સ.૧૯૪૧ સુધી ઉદ્દંડ બાળકની જેમ પુરા ઇન્ડોનેશિયાને પોતાની લશ્કરી એડી નીચે લાવી ચુક્યું હતું. ઉપર લખ્યું એમ, છેક રંગુન(બર્મા) સુધી જાપાને આણ વર્તાવી દીધી હતી. બ્રિટીશ રાજને રીતસરનો નાકે દમ લાવી દેનાર જાપાને પ્રકૃતિથી ફાટફાટ થતા અને લાઓસ, કમ્બોડિયા જેવા પાડોશી દેશોથી ઘેરાયેલા સુંદરતમ દેશ એવા વિયેતનામ પર પોતાની આણ વર્તાવવાનું નક્કી કર્યું અને ઘુસપેઠ કરીને સમગ્ર વિસ્તાર કબજે કરી લીધો હતો.
ઈ.સ. ૧૯૪૫. જાપાને પર્લ હાર્બર પર કરેલા સરપ્રાઈઝ હુમલાને લીધે આળસ મરડીને બેઠા થયેલા અમેરિકાએ જાપાનને બે અણુબોમ્બની મદદથી જાપાનની માનસિક અને શારીરિક શક્તિ તોડી નાંખી. આ બાજુ, વિશ્વયુદ્ધથી ખોખરા થયેલા ઇંગ્લેન્ડે વિયેતનામને ફ્રેંચ હકુમતને હેન્ડ ઓવર કરીને ત્યાંથી ચાલતી પકડી. અને ત્યાં એક ક્રાંતિકારી એવા હો ચી મિન્હનો જન્મ થયો. ગાંધીજીની જેમ એક સુનહરા દેશના નિર્માણનું સ્વપ્નું જોઈ રહેલા મિન્હને એક વાત ખૂંચતી હતી. બ્રિટીશ રાજમાંથી છૂટીને ફ્રેંચ રાજમાં શું કામ જીવવું? વિયેતનામ સ્વતંત્ર રીતે દેશ બનવો જોઈએ. આ વિચાર હેઠળ એમણે ઈ.સ. ૧૯૪૪ માં જ ‘નેશનલ લીબરેશન ફ્રન્ટ’ નામના પક્ષની રચના કરી અને આંદોલનો શરુ કર્યા. નજીકના દેશ અને મહાસત્તા બનવાની રેસમાં આગળ ધપી રહેલા ચીનની પાસે જઈને એમણે સશસ્ત્ર ક્રાંતિ માટે મદદ લેવા માંડી. આ વાતથી અમેરિકાના પેટમાં તેલ રેડાયું. સામ્યવાદી ચીની ડ્રેગન જો વિયેતનામ જેવા વિશાળ દેશમાં આવે તો ઇન્ડોનેશિયાના બાકી દેશોને એમાં ભળતા વાર ન લાગે અને તો પછી રશિયા સાથેની ‘શીત યુદ્ધ’ની હોડમાં અમેરિકા કોઈ રીતે જીતી ન શકે. વાત થઇ રહી છે ૬૦ ના દસકાની. કોલ્ડવોર વેગ પકડી રહ્યું હતું ત્યારે પહેલીવાર ઈ.સ.૧૯૫૪ માં વિયેતનામ-ફ્રાંસની ખુલ્લી લડાઈમાં ફ્રાંસ હારી ગયું. વિયેતનામની દુર્ગમ ભૌગોલિક સ્થિતિ અને ગેરીલા વોરફેરના બાહોશ સૈનિકોએ ફ્રાંસની સેનાને પરાસ્ત કરી દીધી. અંતે, બેય દેશો વચ્ચે જીનીવા શહેરમાં સમાધાન થયું જેના ભાગરૂપે ઉત્તર વિયેતનામ અને દક્ષિણ વિયેતનામ એવા બે ભાગ બન્યા જેમાં ઉત્તર વિયેતનામ હજીય સામ્યવાદની અસર નીચે હતું.
પણ, આદત મુજબ સળીબાજ અમેરિકાએ દક્ષિણ વિયેતનામમાં લોકમત લેવાના ઈરાદે ચુંટણીઓ કરાવીને પોતાના કઠપુતલી નેતાને ઉભો કરી દીધો. સત્તા આવ્યા બાદ એ નેતા, નામે ન્હો ડિન્હ ડીએમ, એ ઉત્તર વિયેતનામને દબડાવવાનું શરુ કર્યું. આમેય અમેરિકાના ઘોંચપરોણાથી પહેલેથી કંટાળેલા ઉત્તર વિયેતનામે અમેરિકાની બે પેટ્રોલ બોટને ઉડાડી દીધી અને અમેરિકાને વિયેતનામને ઘમરોળવાનું બહાનું જડી ગયું. ૧૯૬૦ ના દશકમાં અમેરિકી પ્રમુખ જ્હોન કેનેડીને અમેરિકાની આ રીતના ઘોંચપરોણા પસંદ નહોતા. બીજી તરફ શસ્ત્રઉદ્યોગોને વિયેતનામની તકલીફમાં બહુ મોટું બજાર દેખાઈ રહ્યું હતું. એક મનહુસ સવારે કેનેડીની હત્યા થઇ ગઈ અને ઉપરાષ્ટ્રપતિ લીન્ડન જ્હોનસને રાષ્ટ્રપતિપદનો કાર્યભાર સંભાળ્યો અને ઉપર જણાવેલા બનાવની તાત્કાલિક અસરથી યુદ્ધનો નિર્ણય લઇ લીધો. વ્હાઈટ હાઉસની ચેમ્બરમાં મીટીંગરૂમમાં બેઠેલા દરેક આર્મી ઓફિસરને એવું લાગતું હતું કે હવાઈ હુમલા અને કમાન્ડોની બહેતરીન ટીમની મદદથી વિયેતનામ ચપટીમાં મસળી નંખાશે. અને એ ઓવર કોન્ફીડન્સ જ દરેકને શબ્દશ: ભારે પડી જવાનો હતો.
૦૨ માર્ચ, ૧૯૬૫. મુડીવાદી અમેરિકાના સૈન્યો વિયેતનામની ધરતી પર ધબધબાટી બોલાવવા ઉતરી આવ્યા. સામે પક્ષે વિયેતનામની મિન્હની સેનાને સ્થાનિક પ્રજાનો ય સાથ હતો. ગેરીલા યુદ્ધ, વિષમ હવામાન અને વતનથી દુર રહેવાની વધતી જતી લાગણીને લીધે અમેરિકી સૈનિકોમાં જ આંતરિક અસંતોષ વધવા લાગ્યો. એક વર્ષ દરમિયાનમાં તો પરિસ્થિતિએ ૧૮૦* નું ચક્કર મારી દીધું. નેશનલ લીબરેશન ફ્રન્ટ ની સેના એ જરા પણ મચક ન આપી. એક જ શરત રાખી-અમેરિકા પહેલા સૈન્ય ખસેડી લે, પછી જ વિયેતનામ શાંત થશે. આનું એક કારણ રશિયા પણ હતું. કોલ્ડવોરનો સૌથી મોટો દુશ્મન અમેરિકા સામે રશિયા હોવાને લીધે રશિયાએ પણ શસ્ત્રોની મદદ કરવા માંડી હતી. વિયેતનામે અમેરિકી હવાઈ હુમલા સામે રશિયાઈ એન્ટી-એરક્રાફ્ટ ગન્સ અને રડાર સીસ્ટમ ગોઠવી દીધી હતી, જેનો પરચો અમેરિકાને બખૂબી મળી રહ્યો હતો.
આખરે થાકીને ત્રણ વર્ષે નવેમ્બર, ૧૯૬૮માં અમેરિકાએ પેરિસમાં વિયેતનામ સાથે શાંતિ મંત્રણા શરુ કરી. વિયેતનામ અમેરિકી સૈન્ય વિયેતનામની ભૂમિ છોડી દે એ શરતે જ મંત્રણા કરવા તૈયાર થયું અને અમેરિકાએ પારાવાર ખુવારી સાથે વિયેતનામ છોડી દેવું પડ્યું. ખુવારી બેય પક્ષે થઇ હતી. હજીય વિયેતનામમાં ક્યારેક ગેરીલા સૈનીકોએ છુપાવેલી માઈન્સ ધડાકા સાથે છતી થાય છે.પણ એકંદરે વિયેતનામ શાંત છે.
આ એવું યુદ્ધ હતું, જેમાં અમેરિકા કે વિયેતનામ કે રશિયા કે ચીન, કોઈ જીત્યું નહીં…
***
8 - ઈ-વાંચક થી હું ગુજરાતી - આઓ ઉસ લમ્હે કી બાત કરે
સોળે સાન ને વીસે વાન એ કહેવત “હું ગુજરાતી” ના આ વીસમા અંકમાં જરૂર સાચી પડી છે કેમકે તમે એટલે કે વાંચકોએ ધીમે ધીમે આ મેગેઝીનને એ મુજબનો ઘાટ અને રંગરૂપ આપ્યો છે. સાથે સાથે અમે લેખકોએ પણ એને એટલી જ શિદ્દતથી વ્હાલ કરીને એને વિકસાવ્યું છે. આજે જરા થોડા નજીકના ભૂતકાળની વાત કરીએ.
યાદ કરો વો દિન માય લોર્ડ, ત્યારે ગુજરાતી સાહિત્યમાં ઓરકુટના શરુ શરૂના દિવસો હતા. ફોરમ્સ, કોમ્યુનિટી, ટોપિક્સ, સ્માઈલી કઈ બલા છે એની ગતાગમ નહોતી પડતી. સ્ક્રેપ, ટેસ્ટીમોનીયલ લખી આપવા માટે મિત્રો-દોસ્તો-સગાસંબંધીઓને રીતસરની કાકલુદી કરવી પડતી. લોકો અવનવા ટોપિક બનાવીને મંડી પડતા હતા, શેરી-ગલી-રસ્તાના બાધણા ઓરકુટ પર થવા લાગ્યા હતા. એક અવળચંડાની જરા સરખી સળી, કંઈ-કેટલાય બીજા સભ્યોને કટ્ટરવાદી બનાવી દેતી, મેમ્બર્સના અંદરોઅંદરના ગ્રુપ બની જતા અને કાર્ટલ થતી, કોઈને બહાર મળીને ઘડો-લાડવો કરી નાંખવાના ષડયંત્રો રચાતા, એ જ રીતે સભ્યો જાતે કોમ્યુનિટીમાં ક્રિયેટીવ ચર્ચાઓ કરતા જે સાહિત્ય પરિષદના વિવેચન કરતા ક્યાંય વધુ ઉચ્ચ કક્ષાની હતી, ચંદ્રકાંત બક્ષી શું ચીજ છે એ પણ ખબર નહોતી અને એક સપરમાં દિવસે ‘ગુજરાતી છાપા, મેગેઝીન, કોલમ કોમ્યુનિટી’, ‘જય વસાવડા’ અને ‘ગુજરાતી હાસ્ય લેખન’ અને ‘ચંદ્રકાંત બક્ષી’ જેવી આજ દિન સુધી યાદ રહેલી કોમ્યુનિટીઓ જોઈન કરી. GMCC ના ટૂંકા નામે ઓળખાતી એ કોમ્યુનિટીમાં જય વસાવડા, ધૈવત ત્રિવેદી, દિલીપકુમાર એન. મહેતા, જયપાલ થાનકી, કિન્નર આચાર્ય જેવા બીગ ગન્સ અને જયેશ અધ્યારુ, ભાવિન અધ્યારુ જેવા આજે યુવાવર્ગમાં જાણીતા થયેલા નામોના વાવટા ફરકતા હતા. દર બુધવારે અને રવિવારે દરેક છાપાની પૂર્તિઓની ચીરફાડ શબ્દશ: કરવામાં આવતી અને ઉપર જણાવેલા નામો સામાન્ય સ્તરના આપણી જેવા વાંચકોને ખુલાસા અને જવાબો પણ આપતા. ચંદ્રકાંત બક્ષીના આજીવન પંખા એવા મિત્ર નેહલ મહેતા સાથેનો પરિચય પણ આ જ ઓરકુટથી થયેલો. એડવેન્ચર આરોહક એવા શશીકાંત વાઘેલા, સાયબર એક્સપર્ટ એવા નીરવ પંચાલ, કુણાલ ધામી, નીખીલ શુક્લ, સિદ્ધાર્થ છાયા (એટલે કે આપણા તંત્રીશ્રી), અચ્છા પણ ફ્યુઝ્ડ લેખિકા ભૂમિકા શાહ,અધીર-બધીર અમદાવાદી જેવા અવળચંડા પણ હમખયાલી, હમરીડરી દોસ્તો મળ્યા. ધૈવત ત્રિવેદી અને જય વસાવડા સાથે એક ટીખળી વાંચકની અદામાં ધીંગામસ્તી કરવામાં એમને લેખક તરીકેનો અને આપણને વાંચક તરીકેનો ઈગો ક્યારેય નડ્યો નહોતો. બેય પક્ષે બે સરખા મગજની ફ્રિકવન્સીવાળા વ્યક્તિઓ હતા જેનું જોડાણ શબ્દ સાથે હતું. જય વસાવડા કોમ્યુનિટીમાં અંદાજીત ૪૦૦૦ જેટલા સભ્યોમાંથી કેટલાક ‘અસભ્યો’ આજે નેટીઝનમાંથી મિત્રજન છે જેનો ટેસડો છે..
બીજી જુન, ૨૦૧૦. GMCC નો સ્થાપના દિન. એ નિમિત્તે એક મેગેઝીન પ્રગટ કરવું એવું મોડરેટરશ્રી રજનીભાઈ અગ્રાવતે આહવાન આપ્યું. શું લખવું? ટોપિક તંત્રી સ્થાનેથી સુજાડવામાં આવ્યો.” ”ગુજરાતી અખબારમાં કટારલેખન-માહિતીસભર કે જુનવાણી?” (આ ઈ-મેગેઝીનનું તંત્રીપદ કીન્નરભાઈ અને ધૈવતભાઈએ સ્વયંસેવક તરીકે હાથ પર લીધેલું). એ પહેલા વર્ડપ્રેસ પર થોડા કાલાઘેલા અક્ષરો ‘ટાઈપ્યા’ હતા, પરંતુ આ તો બધા બીગ ગન્સ ચકાસશે-ચીરશે. એવું વિચારીને ડરતા ડરતા જિંદગીનો પહેલો એવો લેખ લખાયો જે કોઈ મેગેઝીનમાં પ્રગટ થવાનો હતો. સલીલ દલાલ જેવા મુરબ્બી પત્રકારે એ મેગેઝીનનું વિમોચન ઠેઠ કેનેડાથી કર્યું. વિમોચન વચન વાંચીને હરખ હરખ થઇ ગયો.
પછીના અંકમાં વિમોચન વચન રા.રા.શ્રી જય વસાવડાએ કર્યું ત્યારે સમજાયું કે અભિવ્યક્તિ અને ફ્લો કઈ ચીજનું નામ છે? દરમિયાન, ‘આકંઠ અશ્વિની’ થી અશ્વિની દાદાની અંતરંગ વાતોથી પ્રેરાઈને એમની ‘ફાંસલો’ વાંચવા મન પ્રેરાયું હતું, જય વસાવડા-ધૈવત ત્રિવેદી-કિન્નર આચાર્ય-શિશિર રામાવત-જયેશ અધ્યારુ-નગીનદાસ સંઘવી વગેરેના અઢળક પુસ્તકો અને કોલમો સતત વંચાતી જતી હતી અને ધીમે ધીમે એક ભાષા ઘડાતી જતી હતી, સિડની શેલ્ડન, મારિયો પુઝો, ચંદ્રકાંત બક્ષી જેવા સર્જકોને વાંચીને કલ્પનાને નવી ઉડાન મળી રહી હતી. એવા સમયે અંગત જીંદગીમાં પણ ઉતાર ચડાવ આવતા રહ્યા હતા. પણ એકધારા વાંચનને લીધે જિંદગીએ નોન-સ્ટ્રાઈકર એન્ડ સતત પકડી રાખ્યો હતો અને ટચુ ટચુ બેટિંગ કરતા કરતા પાવર પ્લે આવ્યો.
આ પાવર પ્લે એટલે ‘હું ગુજરાતી’ માં અમારા કેપ્ટનશ્રી સિદ્ધાર્થભાઈનો ફોન. ‘તમને ક્યા પ્રકારનું લખવું ફાવશે?’
‘આપણે લખવામાં તો બધું ચાલે, પોએમ સિવાય’ (બેય છેડે થી અટ્ટહાસ્ય)
‘તો એક કામ કરો. ઈતિહાસ પર ફાવશે? હું એડિટર છું એટલે શિસ્તથી લખવું પડશે હો..’(ફરીથી અટ્ટહાસ્ય)
‘હોવ રે. ગમતો વિષય છે.’
‘ઓકે ડન.’
અને કૌતુક કથા નો જન્મ થયો. ના, પોતાની જાતનું માર્કેટિંગ કરવા આ હરગીઝ લખ્યું નથી. પણ બકૌલ સૌમ્ય જોશી, “તમે જયારે તમારો પોતાનો અવાજ લઈને આવો છો, એ વસ્તુ પોતે પણ કમર્શિયલ હોય છે.” કૌતુક કથા એ છ કોલમો અને ત્રણ નામો-કે જેને વાંચીને વાંચક તરીકે ક્રમિક ઉત્ક્રાંતિ થઇ છે એને અપાયેલી અંજલિ છે, ઋણસ્વીકાર છે. નગેન્દ્ર વિજય (એક વખત એવું બન્યું..), ધૈવત ત્રિવેદી (અલ્પવિરામ, ન્યુઝ ફોકસ, વિસ્મય, વિવર્તન) અને જય વસાવડા (અનાવૃત્ત, સ્પેકટ્રોમીટર). નગેન્દ્ર દાદાને ઠેઠ ચોથા ધોરણથી વાંચવાનું બનતું રહ્યું છે, યુવાનીમાં ધૈવતભાઈ અને જયભાઈએ વાંચનનો ખોરાક આપ્યો છે-આપી રહ્યા છે. ઈતિહાસ સૌથી વધુ રોમાંચક છે કેમકે એ કંઈ-કેટલીય જગ્યાએ ખાલી જગ્યાઓ છોડે છે, જેને રસાળ શૈલીમાં રજુ કરાય તો રોલરકોસ્ટર રાઈડ વાંચકને મળે એવો વાંચક તરીકેનો જાત અનુભવ છે.
એટલે આપણે સૌએ અહીં સુધીની સહિયારી સફર સાથે કરી છે. ઇન્શાલ્લાહ આ દિલદારી આમ જ ચાલુ રહેશે...આમીન.
પાપીનું કન્ફેશન:
જો નગેન્દ્ર વિજય-ધૈવત ત્રિવેદી-જય વસાવડા લેખક ન હોત, તો કૌતુક કથા પણ ન જ હોત...
***
9 - મધર્સ ડે અને સૌરાષ્ટ્રની એ માં
યે બાત ઉન દિનો કી હૈ માય લોર્ડ, જયારે કદાચ મધર્સ ડે નો કોન્સેપ્ટ સૌરાષ્ટ્રમાં પ્રચલિત નહોતો. એક એવી માં ની વાત કરીએ જેને આ દિન અને એના સેલિબ્રેશનની જરૂર જ નથી. આપ સૌ માંથી ઘણાએ ડાયરાઓમાં સાંભળી હશે. જુનાગઢમાં સોલંકીઓએ કિલ્લો સર કર્યા પછીનો એ સમય છે. અગ્નિકુંડમાં જૌહર માટે પડતા પહેલા રાજપુતાણીએ એની દાસી વાલબાઈ ને બોલાવી. પુરા નામ વાલબાઈ વડારણ. વાલબાઈને કહ્યું,’વાલબાઈ, મારા આ વરસ એક નાના દીકરાને તું કોડીનાર પાસે આલીદર બોલીદર ગામના દેવાયત આહીર ને ત્યાં પહોંચાડી દઈશ? એને મેં મારો ભાઈ માન્યો છે.’ વાલબાઈ આદેશને માથે ચડાવીને મહેલની બહાર નીકળી. આ તો રાજદાસી. બધે સોલંકીઓની ચોકી મુકાઈ ગઈ હતી.તરત ઓળખાઈ જાય, એટલે એક સફાઈ કામદાર એવા ભીમડા રખેહરને સાધ્યો. ‘ભીમડા, તને એમ છે કે મારી માથે સુંડલો છે? આમાં રા ની જ્યોત બળે છે, રા નો વંશ છે ભીમડા. એને તું તારી માથે લઇ લઈશ?એટલે કોઈને શંકા ન જાય?’ ‘લાવ બેન, આમેય અમારી માથે તો સુંડલા જ હોય ને !!’ ‘પણ જે વહેલું આલીદર બોલીદર પહોંચે એ રાહ જુએ.’ ‘હા પાકું’.
વાલબાઈ વહેલી પહોંચી ગઈ. ભીમડો રખેહર પરસેવે રેબઝેબ પહોંચ્યો. ‘લે બેન, હવે આ સુંડલો તારા માથે લઇ લે. ઓલું રહ્યું દેવાયત આહીર નું ખોરડું.પણ એક વચન આપતી જા.’ ‘દીધું વચન’. ‘તારી કમરમાં જે કટાર છે એ આપતી જા.’ ‘કેમ?’ ‘વચન આપ્યા બાદ ખુલાસા ન હોય વાલબાઈ.’ હજી વાલબાઈ પૂંઠ ફેરવે ત્યાં તો કટાર ભીમડાએ પેટમાં નાંખી દીધી. કણસતા અવાજે બોલ્યો,’અમે નાનું વરણ કહેવાઈએ બેન, અમારા નાના પેટ હોય. કાલ ઉઠીને કોઈકને મેં આ વાત કહી દીધી તો રા નો વંશ ઓલવાઈ જાય’. ભારે હૈયે વાલબાઈ દેવાયત બોદરને ખોરડે પહોંચી-બધી વાત કરી. દેવાયતે પત્નીને હાંક મારી,’સાંભળ્યું? જૂનાગઢથી મહેમાન આવ્યો છે.’ પત્ની સોનલબા બેય સંતાનોને ધવરાવતી હતી. નાનો ઉગો અને દીકરી જાહલ. જાહલનું ધાવણ છોડાવીને રા ના એ વંશને ધવરાવ્યો અને મોટો કર્યો. એ વંશનું, એ જ્યોતનું નામ એટલે રા નવઘણ.
અત્યાર સુધી ઇતિહાસે બે સુંડલા આહીરના ખોરડે જતા જોયા છે. એક વસુદેવનો સુંડલો નંદ ને ત્યાં અને બીજો રા નો સુંડલો દેવાયત આહીરને ત્યાં. પાંચ વર્ષે દેવાયતને રાજમાંથી તેડું આવ્યું. ‘સાંભળવા મળ્યું છે કે તમે દુશ્મનને ઉછેરો છો?’ ‘હા, મોટો કરું છું ને !!’ ‘એમ?રાજ સામે વેર બાંધવા?’ ‘ના,રાજની સેવા કરવા.હું સામેથી આપી જાત પણ તમે સામેથી તેડાવ્યો એ મારા માટે તો ધન્ય ઘડી ધન્ય ભાગ્ય. લેતો આવું દુશ્મનને.’ ‘ના, તમે નજરકેદમાં રહો અને ત્યાંથી દુશ્મનને બોલાવો.’ દેવાયતે પત્નીને સંદેશો મોકલાવ્યો, ‘આવેલ માણસો સાથે સારી રીતે વાત કરજો. અત્યાર સુધી દુશ્મનને ઉછેરીને મોટો કર્યો છે એને સાથે મોકલજો. પણ રા રાખતા વાત કરજો.’ પત્ર વાંચીને સોનલબા સમજી ગઈ. દુશ્મનને ઉઠાડ્યો, તૈયાર કર્યો,હેતથી ચૂમી લીધી ત્યાં નવઘણ ઊંઘમાં કહે,’માં, મારે ય ભાઈ સાથે જવું છે.’ ‘બેટા તું મારી સાથે પછી આવજે.’ દુશ્મન પહોંચી ગયો રાજદરબારમાં. દેવાયતને આદેશ થયો-આનું માથું વાઢી નાંખો. આંખના પલકારામાં દુશ્મનનું માથું ધડથી જુદું થઇ ગયું. અને પછી રાજદરબારને ખબર પડી કે આ તો દેવાયત આહીરનો દીકરો ઉગો હતો. નવઘણ નથી. દેવાયતને અનેક રીતે મનાવવાની કોશિશો કરી, પણ દેવાયતે એજ રટણ ચાલુ રાખ્યું કે આ મર્યો એ દુશ્મન જ હતો. અંતે સોનલબા ને બોલાવાયા, એમ માનીને કે માં તો ઓળખી જ જાય ને !! એ પહેલા મૃત્યુ પામેલ શબની બેય આંખો કાઢી લેવામાં આવી હતી. એ આંખો ઉપર ચાલવાની અગ્નિપરીક્ષા કરવાની હતી. અને શરત એ કે જો આંખોમાંથી આંસુનું એક ટીપું પણ પડ્યું તો સાબિત થઇ જાય કે એ ઉગો જ હતો. સોનલબા એ એ બેય પરીક્ષા એકદમ સહેલાઈથી પૂર્ણ કરી. પાંચ વર્ષની વયે નવઘણનું બોદર દંપતીએ પોતાના પેટના જણ્યા દીકરાનું બલિદાન આપીને એનું રક્ષણ કર્યું. પછી તો દેવાયત આહિરે વિદ્રોહ કર્યો અને જૂનાગઢની ગાદી પર રા નવઘણની તાજપોશી થઇ. કોડીનાર આ મામલાના સમાચાર પહોંચ્યા. અને સોનલબા એ આશીર્વચન આપ્યા, ‘બેટા નવઘણ, ગરીબોનો બેલી થજે. તારૂં રાજ સૂર્ય ચંદ્ર જેટલું પ્રકાશે.’ પછી સોનલબાએ દીકરા ઉગાના અવસાનનો સાડલો પંદર વર્ષે પહેર્યો અને મરશીયા ગાયા.
દિલ હચમચાવી દે એવી આ વાર્તાના પાયામાં પાંચ માણસોના સમર્પણ છે. ભીમડો, વાલબાઈ, બોદર દંપતિ અને જાહલ. જાહલના ભાગનું ધાવણ નવઘણને મળ્યું હતું એ વાત નવઘણે બરાબર યાદ રાખી હતી અને કહેવાય છે કે બહેન જાહલને લગ્નસમયે કાપડામાં ‘ક’ અક્ષરથી શરુ થતા ૨૨ ગામ આપ્યા હતા.
પાપીની કાગવાણી:
કિસીકો ઘર મિલા હિસ્સે મેં, યા કોઈ દુકાન આયી,
મેં ઘરમે સબસે છોટા થા, મેરે હિસ્સે મેં માં આઈ..
મુનવ્વર રાણા
***
10 - ફિલ્ડ માર્શલ સામ માણેકશા- આઈ એમ ઓકે !!
‘શું તમે હવેના અઠવાડિયામાં આપણી સેના મોકલી શકો?’
‘જી નહીં મેડમ, આ બરાબર સમય નથી.’
‘કેમ? દુશ્મન આપણી ચુપ્પીને આપણી નિર્બળતા સમજે એવું હું નથી ઈચ્છતી. સમજો છો ને તમે?’
‘બરાબર સમજુ છું મેડમ, પણ આ મહિનામાં ત્યાં બ્રહ્મપુત્રા અને ગંગા ગાંડીતુર હોય છે.આપણા લશ્કરે શું કામ એવા ભયાનક ગરમી અને પૂરમાં ત્રાસ વેઠવો?’
સાચો સંવાદ જરાતરા ફેરફાર સાથે મુક્યો છે. દેખીતી રીતે, આ સંવાદ એક પ્રધાનમંત્રી અને એક આર્મી જનરલ વચ્ચેનો છે. એ પ્રધાનમંત્રી એટલે સ્વ. ઇન્દિરા ગાંધી અને એ જનરલ એટલે જનરલ સામ માણેકશા. અંગત જીવનમાં હસમુખા અને ઝીન્દાદિલ મિજાજી જનરલ હજુ થોડા સમય પહેલા આ દેશની ધરતીને છોડીને હંમેશ માટે ઉપર ડ્યુટી બજાવવા પહોંચી ગયા છે. પ્રધાનમંત્રીને પણ સ્પષ્ટ સત્ય મોઢામોઢ ચોપડાવી દેવાના કારણે ઘણીવાર એમના સાથીદારોને લાગતું કે આ વ્યક્તિ વધુ પડતું સ્પષ્ટ કહેવાના મામલે ભરાઈ પડશે, પણ એવું થતું નહીં કેમકે પ્રધાનમંત્રીને પણ જનરલના મતને સ્વીકારવો પડે એટલો એમનો અનુભવ હતો. શાતીર દિમાગ અને અજોડ વ્યૂહરચના ઘડી કાઢવામાં ઇઝરાયેલના એક સમયના આર્મી ચીફ રહી ચુકેલા જનરલ મોશે દાયાનને પણ યાદ કરવા રહ્યા. આ એજ મોશે દાયાન, જેમને ઓલિમ્પિક ૧૯૭૨ વખતે મૌતને ઘાટ ઉતારી દેવાયેલા ખેલાડીઓના હત્યારાઓને ચુન ચુન કે મારવા માટેની જવાબદારી તત્કાલીન વડાપ્રધાન ગોલ્ડા મીરે આપી હતી જેને એમણે બખૂબી પાર પાડી હતી. મોશે દાયાને જગપ્રસિદ્ધ સિક્સ ડે વોરમાં ય છ દિવસમાં અડધો ડઝન દુશ્મન દેશોને હંફાવી ધૂળ ચાટતા કરી દીધેલા.
ઈ.સ. ૧૯૭૧. યુદ્ધના ભણકારા તો ક્યારના ય વાગતા હતા પરંતુ પલીતો ક્યારે ચંપાય એ જોવાનું હતું. એ સમયે અમેરિકી પ્રમુખ રીચાર્ડ નિકસન અને વિદેશપ્રધાન હેન્રી કિસીન્જર ભારત આ ધગી રહેલા વાતાવરણ પર ઠંડુ પાણી રેડવા આવ્યા હતા. એવામાં જનરલ સામ માણેકશાને એક દિવસ પી,.એમ. હાઉસ જવાનો સંદેશો આગલે દિવસે મળ્યો. એમાં સુચના હતી કે બીજે દિવસે પોતાના લશ્કરના ગણવેશમાં હાજર રહેવું. સમય હતો બ્રેકફાસ્ટનો. સામાન્ય રીતે બ્રેકફાસ્ટ પર યુનિફોર્મની જરૂર ન હોય એવી દુવિધામાં વિચારતા વિચારતા એમણે બીજે દિવસે તૈયાર થઇ પી.એમ. હાઉસ તરફ પ્રયાણ કર્યું. સવારે બ્રેકફાસ્ટના ટેબલ પર નિકસન, શ્રીમતી ઇન્દિરા ગાંધી અને હેન્રી કિસીન્જરે ઔપચારિક વાતો શરુ કરી. શ્રીમતી ઇન્દિરા ગાંધીએ સીધો જ મુદ્દો ઉઠાવતા કહ્યું કે આ રીતે પૂર્વ પાકિસ્તાનમાંથી રોજેરોજ નિરાશ્રીતો આવે એના કરતા આ સમસ્યાઓનો નિવેડો લાવી દેવાય એવું હું દ્રઢપણે માનું છું. અને આ મુદ્દે મારે એ જાણવું છે કે અમેરિકાનો મત શું છે? અમેરિકી રાષ્ટ્રપ્રમુખ નિકસને મીંઢા હાસ્ય સાથે વાત ને ઉડાડવાની શરુ કરી ત્યાં જનરલનો પ્રવેશ થયો. ઈન્દિરાજી એ વાક્ય ઉઠાવ્યું,’જો તમે સહકાર નહીં આપો, તો હું (જનરલ તરફ ઈશારો કરીને) આ માણસને પૂર્વ પાકિસ્તાન પર છુટ્ટો મૂકી દઈશ.’ મીટીંગ ત્યાં જ પતી ગઈ. ચોકેલા જનરલે પ્રશ્નસુચક નજરે પી.એમ. સામે જોયું ત્યારે પી.એમ, એ સસ્મિત જોયું. જેનો અર્થ એ થતો હતો કે યેસ, મને ભરોસો છે મારા નિર્ણય અને પસંદગી પર.
૧૬ ડીસેમ્બર, ૧૯૭૧. પાકિસ્તાની જનરલ નિયાઝીએ ભારતના લશ્કર સામે શરણાગતિ દસ્તાવેજ પર સહી કરી આપી ત્યારે જનરલ માણેકશા ત્યાં હાજર ન હતા. હારેલા દુશ્મન પણ આર્મીમાં ચોક્કસ રેન્ક પર છે એ વાત એ ભૂલ્યા ન હતા, એમણે ભારોભાર ખેલદિલી અને સન્માનપૂર્વક પાકિસ્તાની ફૌજીઓના શબોને સુપરત કરવામાં અંગત રસ લીધો હતો. સૌ પહેલા ઉપર નોંધ્યો એ સંવાદ યુદ્ધનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું એ વખતનો છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ ફિલ્મ ‘બોર્ડર’માં જે યુદ્ધના દ્રશ્યો છે, એ બેટલ ઓફ લોંગેવાલામાં પાકિસ્તાની લશ્કરે ધૂળ ચાટતા થઇ જવું પડ્યું હતું. ફિલ્મના ઘણાખરા દ્રશ્યો કાલ્પનિક છે એટલે એની ચર્ચા બાજુ પર રાખીએ,પરંતુ બેટલ ઓફ લોંગેવાલાના કુલદીપસિંહ ચાંદપૂરી તો એ જ છે જે ફિલ્મમાં બતાવે છે. મૂળ તો પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતો પ્રદેશ બાંગ્લાદેશ તરીકે સ્વતંત્ર થવા ઈચ્છુક હતો પરંતુ મૂળ પાકિસ્તાનને એ મંજુર ન હતું. એટલે બાંગ્લાદેશ મુક્તિવાહીની તરીકે ઓળખાતી ક્રાંતિકારી સંસ્થાને મદદ કરવાના કારણોસર પાકિસ્તાને ખુલ્લેઆમ ૩ જી ડીસેમ્બર,૧૯૭૧ એ મોરચો ખોલી દીધો. જેનો જવાબ અને ફૈસલો ફક્ત ૧૩ દિવસમાં આવી ગયો હતો.
સલામ જનરલ....
વી આર નોટ ઓકે વિધાઉટ જનરલ્સ લાઈક યુ.
***
11 - ફાધર્સ ડે—મેરે બાપ, પેહલે આપ
‘તું અસલ તારા બાપ જેવો છે. જીદ્દી અને નાસમજ.’
‘જેમ્સ પોટર. ગ્રીફીનડોરમાં એ જ સોનેરી બોલ પકડવા માટે મશહુર હતો.’
‘એટલે જયારે સમય આવશે ત્યારે આ છોકરો પોતે જ ડાર્ક લોર્ડ સામે એનો જ હોરક્રક્સ બનીને એનો નાશ કરશે એમ?’
‘હા..હા એમ જ થશે સર્વેયસ.’
‘એટલે તમે એને ડાર્ક લોર્ડની સામે એ સુવરની જેમ કતલ થઇ જાય એવું થવા દેશો?’
‘હા. પણ એવું લાગી રહ્યું છે સર્વેયસ, કે તું છોકરા માટે લાગણી કરવા લાગ્યો છે.’
‘હા...કાયમ.’ (એક્સ્પેક્ટો પેટ્રોનમ)
(ફિલ્મ: હેરી પોટર)
***
‘તું શા માટે ન્યુયોર્કમાં જવા માંગે છે?’
(પતરાનો નાનો ડબ્બો કાઢીને કાળજીપૂર્વક એક ફોટો કાઢે છે.)
‘જો, આ ફોટામાં દેખાય એ જોઝ બેન્ડ ૧૯૫૬ માં મારા ગામ ક્રોકોઝીયામાં આવેલું. મારા પપ્પાને આ બેન્ડના ગીતો બહુ ગમ્યા. એટલે એમણે એ આખા બેન્ડના ઓટોગ્રાફ લેવાનું શરુ કર્યું. કેટલાકે આપ્યા, કેટલાકે પત્રથી મોકલાવ્યા. એમ કરતા કરતા ચાલીસ વર્ષ થયા. એક બેન્ડપ્લેયરનો પત્તો ન લાગ્યો. એ ઓટોગ્રાફ ભેગા કરતા કરતા એ ગુજરી ગયા,પણ પેલાનો પત્તો ન જ લાગ્યો. મરતા પહેલા મેં વચન આપેલું. એ પૂરું કરવા જ અહિયાં આવ્યો છું.’
‘પણ આટલે દુર કેમ?’
‘એમાં એવું છે, જો હું આવા કોઈ શોખમાં ગુજરી ગયો હોત તો મારો બાપ પણ અહિયાં આવત.’ (ફિલ્મ: ધ ટર્મિનલ)
***
ફાધર,પપ્પા,બાપા,કાકા,તાતા,બાપુજી,દાજી...અગણિત નામો. લાગણી એક જ. પિતાની. બાપ અને સંતાન- આ એક એવો કોયડો છે જેનો ઉકેલ મૌનમાંથી વધુ મળે છે, જેટલા ડાયલોગ વધુ એટલા ડીફરન્સ વધારે. ડિસ્કવરી ચેનલના એક કાર્યક્રમમાં જન્મથી જ બે શરીર લઈને જન્મેલા ઋષભ નામના બાળક પર જયારે અમેરિકી ડો. સ્ટેઇન ઓપરેશન કરવાનું કહે છે ત્યારે એનો બાપ બહુ ટૂંકા વાક્યોમાં ડોક્ટરને કહી દે છે- એની ખુશીથી વધુ મારે કઈ જોઈતું નથી. પણ મારી આવક ઓછી છે…. રામ સીતા માટે વિલાપ કરે એ દેખાય છે, દશરથનો વિલાપ એટલો ફોકસમાં જ નથી આવતો. સદાય પુરુષપ્રધાન સમાજ હોવાની ફિશીયારીઓ મારતી સ્યુડો-ફેમીનીસ્ટ સ્ત્રીઓને આ વસ્તુ દેખાશે ખરી? દશરથ શું, રામનો દશરથને મિસ કરતા રહેવાનો વિલાપ કેટલો નોંધાયો છે? કૃષ્ણ વસુદેવ માટે કેટલા ચિંતિત હતા એ ક્યાં કોઈને નોંધવાનો ટાઈમ હતો? અને ખાલી હોલીવુડ જ શું કામ? બોલીવુડનું પણ એક સેમ્પલ વાંચો…
“ઈશ્વર (માનવનું સીમ્બોલીક નામ, ઇસે કેહતે હૈ જેબ્બાત !!), તમે એને કહી કેમ દેતા નથી કે તમને લાઈલાજ કેન્સર છે?”
“હું કહી પણ દઉં એને. ઘણીવાર એવા મોકા પણ મળ્યા. પણ પછી જયારે કોઈ એને પૂછશે કે હેં આદિત્ય, તે કેમ એક્ટિંગ કેરિયર છોડી દીધી? ત્યારે એ એવો જવાબ આપશે કે- હું તો જતો જ હતો એક્ટિંગમાં, પણ અચાનક જ મારા પિતાની મૃત્યુ થવાથી મેં આ બિઝનેસ હાથમાં લીધો. ના, હું એને મારે લીધે રોકવા નથી માંગતો. મને એક લાંબી સીડી દેખાય છે. અહીંથી સ્વર્ગ સુધીની. એક તરફથી એનું બાળક આવી રહ્યું છે. બીજી તરફથી હું જઈ રહ્યો છું. બસ એ જોવાનું છે કે અમે ક્યારે ભેગા થઈએ છીએ. આ રમકડું મેં ખાસ એના માટે બનાવ્યું છે. હાહાહા, ગામ આખાના બાળકો માટે રમકડા બનાવતો માણસ, ખુદના પૌત્ર માટે રમકડું ન બનાવે તો કેવું લાગશે?”….( ફિલ્મ: વક્ત-ધ રેસ અગેઇન્સ્ટ ટાઈમ !!)
બાપ ક્યારેય માં જેટલું બોલતો નથી, પણ સંતાનના હૃદયના તાર જયારે બાપના તાર સાથે સિન્ક્રોનાઇઝ થાય ત્યારે સાયલન્ટ કોમ્યુનીકેશન સમગ્ર વાતાવરણમાં પ્રસરી જાય છે. મમ્મી પાસે તો સંતાન અમથુંય વધુ જ રહેલું હોય છે. બાપ સાથે જોડાવું એ અહંને પી જવા જેટલી મુશ્કેલ ક્રિયા છે. દરેક સંતાન બાપને પોતાના કરતા ઓછા જાણકાર માને છે,પણ લાઈફના અમુક તબક્કે તો એ રીઅલાઈઝ થઇ જ જાય છે કે “એ વ્યક્તિ, બાપ શું કામ છે?” સંતાનના દરેક એચિવમેન્ટમાં મમ્મીની શીખ અને પપ્પાની ગીફ્ટ હોય છે. પપ્પા ગીફ્ટ શેની આપે? લેટેસ્ટ ગેજેટ્સ? ડબલ પોકેટમની? મસ્ત હોટલમાં લંચ-ડીનર?ના, એ ગીફ્ટ હોય છે જીત્યા પછી પગ જમીન પર ખોડાયેલા રહે એ માટેની સ્થિર બુદ્ધિની. રીલેશનશીપની ઠેસમાં મમ્મી સધિયારો આપે, તો બાપ વેલ્યુઝ યાદ કરાવે. ખુમારીથી ટટ્ટાર ઉભા રહેતા અને વિનમ્રતા રાખીને નમવામાં. સારું શું ખરાબ શું એ માં સમજાવે. બાપ શીખવાડે સત્યનો પક્ષ લેતા અને માફ કરતા. જીત માટે બલિદાન આપતા બાપ શીખવાડે છે.
‘મને ખબર છે કે હરિલાલે ઇસ્લામ અંગીકાર કર્યો છે. હું એમાં ખોટું જોતો નથી. કેમકે એ હરિલાલ હોય કે અબ્દુલ્લા, અંતે તો એનો અર્થ ઈશ્વરનો બંદો એવો જ થાય છે.’ (ફિલ્મ: ગાંધી માય ફાધર)
બાપ-સંતાનના સંબંધોને આપણે કોણ જાણે કેમ પણ ઉષ્માપૂર્ણ કલ્પી શકવામાં નાનમ અનુભવીએ છીએ. પપ્પા તમને પૂછી શકે, જમ્યો કે નહીં, ઈન્ટરવ્યું કેવો ગયો, તને અપ-ડાઉન થી થાક લાગતો હોય તો તારા સાહેબને વાત કર અહિયાં રાખવા માટે...આવી અગણિત વાતો શું આપણામાંથી કોઈએ માં ના જ મોઢે સાંભળી હોય એવું તો હરગીઝ નથી. અચાનક પપ્પા આંખો ખોલીને બંધ કરીએ એટલા સમયગાળામાં અંધારા અજવાળાની પેલે પાર પહોંચી જાય એ પછી મુશ્કેલીઓમાં એમના વિચારો-વાતો અનાયાસે યાદ આવી જાય તો સમજવું કે એ ક્યાંય ગયા જ નથી. એ ત્યાં જ છે, તમારી નજીક જ...
***
12 - સર્જન અને અનુસર્જન- બાપ સે અચ્છા બેટા
હા, સહી પહેચાના. સર્જન એટલે શું એ બધાને ખબર છે. ઘણા અલગ અલગ ક્ષેત્રના સર્જકો આપણી નજર સામે છે જેમણે ઉત્કૃષ્ટ કક્ષાનું સર્જન કરીને એમના સર્જનો સમાજને અર્પણ કરી દીધા. પરંતુ, એવા સર્જકો પણ છે જેમણે ન સિર્ફ સર્જન કર્યું, પરંતુ કેટલાક સર્જનોને પોતાનો આગવો મિજાજ પહેરાવી, એને પોતાની કલ્પનાથી શણગારી, લોકભોગ્ય બનાવી નાંખ્યું. આજે એમની વાત માંડીએ.
મન મોર બની થનગાટ કરે- અસલમાં ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે રચેલા બંગાળી ગીતનું અનુસર્જન આપણા ઝવેરચંદ મેઘાણીએ કર્યું. અસલ કરતા વધુ સરસ બનેલું આ ગીત અનેક ગાયકોએ ગયું છે જેમાં સ્વ.હેમુ ગઢવી, ખુદ મેઘાણી, ભીખુદાન ગઢવી, અને ઓસમાણ મીરનો સમાવેશ થાય છે. વરસાદની વાદળીઓ ગોરંભાય અને સમગ્ર જીવસૃષ્ટિ જાણે આળસ મરડીને બેઠી થાય એવો લય અને ટહુકો કાનમાં ગુંજે ત્યારે ગુજરાતી હોવા પર વધુ એકવાર ગર્વ થઇ જાય.
હમ બેવફા હરગીઝ ન થે- અસલમાં કિશોર-આર.ડી.ની ફિલ્મ ‘શાલીમાર’ ની રચનાને જેમની તેમ રાખી, એમાં નવા વાદ્યો સાથે ડી.જે.અકીલે સરસ બનાવ્યું. સ્વર છે શાંતનું મુખર્જીનો. શાંતનું મુખર્જી કોણ એવો જો સવાલ થતો હોય તો એક વખત ગીત જરૂર સાંભળજો. ;)
દિલ ક્યા કરે,કબ કિસીસે- વો હી ધૂન, વો હી રફતાર, લેકિન? મૂડ વધુ ઘેરો.. ગાયક-અગેઇન શાંતનું મુખર્જી.
ભીગી ભીગી રાતો મેં, એસી બરસાતો મેં- લેસ્લી લુઇસ (હરીહરનના જોડીદાર) દ્વારા ફિલ્મ ‘અજનબી’ (૧૯૭૪) ના કિશોરદા-આર.ડી. ના ઓરીજીનલ માસ્ટરપીસ ને અપાયેલી આબાદ અંજલી. ગાયક-બાબુલ સુપ્રિયો.
દિલ કે ઝરોખે મેં તુજકો બિઠાકર- અકબર ખાન દ્વારા લંડનમાં યોજાયેલા ‘રફી રીસરેક્ટેડ ’ નામના કોન્સર્ટમાં ગવાયેલા ગીતો પૈકીનું એક ગીત. ગાયક-સોનું નિગમ. પશ્ચિમી વાદ્યોનું સરસ ફ્યુઝન.
હર કિસીકો નહીં મિલતા,યહાં પ્યાર ઝીંદગીમેં- અસલમાં ફિલ્મ ‘જાંબાઝ’નું મનહર ઉધાસના સ્વરમાં ગવાયેલું અને આજ સુધી આપણા સૌના મનમાં ઘૂમતું રહેલું એ મીઠું ગીત આજના સમયમાં (ફિલ્મ: ‘બોસ’) અરિજિત સિંઘ અને નીતિ મોહન ( ફિલ્મ ‘ગુરુ’ ના મૈયા મૈયા ગીતવાળી ગાયિકા) ના અવાજમાં ઔર ખીલીને રેન્જ વિસ્તારે છે.
અપની તો જૈસે તેસે- હીટ ગીતોમાં આજે ય જેનો ડંકો વાગી રહ્યો છે એવા ફિલ્મ ‘લાવારીસ’ ના આ ગીતનું નવું વર્ઝન (ફિલ્મ: ‘હાઉસફુલ’) હિટ ગાયક મીકા સિંઘના અવાજમાં પગ થીરકવા પર મજબુર ન કરે તો જ નવાઈ. વરઘોડા સ્પેશીયલ ગીત.
આજા મેરી જાન આજ- અત્યારે ટીવી ચેનલો પર ફિલ્મ ‘I LOVE NY’ નું આ ગીત ચાલી રહ્યું છે. અફકોર્સ, આ ગીત આર.ડી. એ બનાવ્યું છે એવું ગીતની ટાઈટલ ક્રેડીટમાં બતાવે છે. સિંગર તરીકે આપણા ‘સારેગામાપા’ શો ની ટેલેન્ટેડ મૌલી દવે છે. પરંતુ, આર.ડી.એ આ ગીત એક જૂની ફિલ્મ નામે ‘હીરાલાલ પન્નાલાલ’ માં સ્વ. હેમંતકુમાર પાસે પણ ગવડાવ્યું છે. લિંક-
દિલ વિલ પ્યાર વ્યાર- આ આખું આલ્બમ ફિલ્મ તરીકે રીલીઝ થયું છે જેમાં બોસ(એટલે કે આર.ડી.)ના સરસ ગીતોને ફરીથી બનાવવામાં આવ્યા છે. સંગીતકાર- પ્રીતમ ચક્રબોર્તી.
ઝીંદગી મેં તો સભી પ્યાર કિયા કરતે હેં- અસલમાં આ ગીત મહેંદી હસન સાહેબ દ્વારા ગવાયેલી ગઝલ છે. બહુ પ્રસિદ્ધ ગઝલ. એને ફરીથી ગઈ સોનું નિગમે એના ડેબ્યુ આલ્બમમાં. ‘બેવફા સનમ’ એ આલ્બમનું નામ. કમ્પોઝર-મિલિન્દ સાગર,વિનય અને નીખીલ.
કહીં કરતા હોગા- અન્નામીકા નામની ગાયકે ‘ઇન્તેઝાર’ નામના આલ્બમમાં ગાયેલા ગીતનું ઓરીજીનલ વર્ઝન મેલ વોઈસ માં છે અને એ ફિલ્મ છે ૧૯૭૪ ની ‘ફિર કબ મિલોગી’. ગાયક-મુકેશ,લતાદીદી. સંગીત- આર.ડી.
હવે જરા ગીયર બદલીએ...
સો જા ચંદા રાજા સો જા- આ ગીત ફિલ્મ ‘મિશન કશ્મીર’નું છે. હા એજ ફિલ્મ જેને વિધુ વિનોદ ચોપરા એ બનાવી. ગેસ વ્હોટ, મુન્નાભાઈ ફિલ્મ્સના પહેલા ભાગમાં આ ટયુનનો ઉપયોગ થયો છે. ક્યારે? બાબુજી જયારે મુન્નાભાઈને મળે છે ત્યારે...
હજી એક. અજય દેવગણ,કાજોલ,જુહી ચાવલા, આમીર ખાન અભિનીત ફિલ્મ ’ઈશ્ક’ નું ‘ઈશ્ક હુઆ, કૈસે હુઆ..’ ની કડી ‘ના મેં જાનું,નાં તું જાને..’ ની ટયુન વપરાઈ ફિલ્મ ‘રેફ્યુજી’ ના ગીત ‘ઐસા લગતા હૈ..’માં... સંગીતકાર-બેયમાં અનુ મલિક. ;)
બોમ્બે વાઈકિંગ્સ નું નામ સાંભળ્યું છે? અચ્છા, પેલું ફિલ્મ ‘ભૂલભુલૈયા’ નું ટાઈટલ સોંગ સાંભળ્યું છે? ‘તેરી આંખે ભૂલભુલૈયા બાતેં હૈ ભૂલભુલૈયા..’ એ ગાયક છે નીરજ શ્રીધર. એ ભાઈની તો કારકિર્દી જ આ ધંધા પર ચાલી છે. સરસ રીતે ટ્રાન્સ-ક્રિયેશન કરી જાણે છે. ‘ઝરા નઝરો સે કેહ દો, નિશાના ચૂક ના જાયેં..’ સેલીના જેટલી પર ફિલ્માવાયેલું નીરજ શ્રીધરનું આ ગીત સ્વ.હેમંતકુમારના ગીતનું અનુસર્જન છે. એ સિવાય પણ, આ ભાઈને બેસ્ટ ન્યુકમર તરીકેનો હનીસિંઘને મળેલો એવોર્ડ જીતેલો છે. લતાદીદીના ‘હવા મેં ઉડતા જાયેં, મેરા લાલ દુપટ્ટા મલમલ કા’ નું ય સરસ ફ્યુઝન વર્ઝન બનાવ્યું છે.
હજી ગીયર વધારીએ...
‘૧૯૮૪’ એવું ટાઈટલ ધરાવતી જ્યોર્જ ઓરવેલની ક્લાસિક નોવેલના આધારે યુ.એસ.માં ‘બીગ બ્રધર’ નામનો રીયાલીટી શો બન્યો જેનું ભારતીયકરણ ‘બીગ બોસ’ ના નામે થયું.
સ્પાઈડરમેન તરીકે ટોબી મેગ્વાયરે ત્રણ ફિલ્મો કરી. ક્યુટ દેખાતા ટોબીએ પછી ‘ધ ગ્રેટ ગેટ્સબી’ જેવી સરસ ફિલ્મ પણ કરી. પરંતુ, પછી માર્ક વેબ નામના હોલીવુડ નિર્દેશકે આખી સીરીઝ નવેસરથી બનાવી. નામ આપ્યું ‘અમેઝિંગ સ્પાઈડરમેન’. સ્પાઈડરમેનના મૂળ સર્જક સ્ટેન લી હજી જીવે છે અને એની હાજરીમાં એમના બનાવેલા પાત્રના અનેક વર્ઝન બની ચુક્યા છે. હોલીવુડમાં આ વાતની નવાઈ નથી. સુપરમેન રીટર્ન્સ સુધીની ફિલ્મો પછી ક્રિસ્ટોફર નોલને ‘મેન ઓફ સ્ટીલ’ બનાવીને સીરીઝ રીબુટ કરી. એણે બેટમેન માટે પણ આજ રીતે ટ્રીલોજી બનાવી છે.
સંસ્કૃત સાહિત્યમાં વિલનને પણ સારી રીતે ચીતરીને એમને નવી ઊંચાઈ આપી હોવાના પ્રમાણ છે. નાટકનું નામ ‘ઉરુભંગમ’. દુર્યોધનની બેય જાંઘો ભીમ દ્વારા તોડી નાંખ્યા પછી દુર્યોધન-ધ્રુતરાષ્ટ્ર, દુર્યોધન-કર્ણ અને બીજા લોકો સાથે દુર્યોધન છેલ્લીવાર વાત કરે છે એનું ચિત્રણ કર્યું છે. નાટકકાર છે ભાસ.
છે ને જમાવટ..
***
13 - ઓપરેશન બર્નહાર્ડ- જાણીતો મુદ્દો, અજાણી વાતો
અબ્દુલ કરીમ તેલગીનું નામ સાંભળ્યું છે? હા એ જ જેનું થોડા સમય પહેલા મૃત્યુ થઇ ગયું. આ જનાબ બનાવતી સ્ટેમ્પ પેપર બનાવવાના અને વેચવાના કૌભાંડમાં ઘણા રૂપિયા બનાવી ચુક્યા હતા. મૂળ વાત એવી છે કે આ મહાશયે આપણે મહારાષ્ટ્રમાં નાસિક ખાતે જે ટંકશાળ છે એના જુના બીબા એટલે કે ફર્મા ખરીદી લીધા અને પછી જાતે જ સ્ટેમ્પ પેપર છાપી એને વેચવા માંડ્યા. આ મામલાની ગંભીરતા સમજાય છે? માનો કે તમે તમારા ઘર ખરીદ્યાના દસ્તાવેજ માટે રૂ|. ૧૦૦/- નો સ્ટેમ્પ પેપર ખરીદ્યો. હવે એના પર તમે નોટરી કરાવી મકાન તમારા નામે રજીસ્ટર કરાવ્યું. તમે ખુશી ખુશી પાર્ટી કરી ગૃહપ્રવેશ ઉજવી લીધો અને ચાર-પાંચ વર્ષ પછી તમને છાપા દ્વારા ખબર પડે કે જે સ્ટેમ્પ તમે લીધો હતો એજ બનાવટી હતો, તો શું હાલત થાય? આવી જ રીતે અગત્યના દસ્તાવેજોમાં વપરાતો સ્ટેમ્પ પેપર અનેક રીતે નુકસાન પહોંચાડી શકે છે જેનું કૌભાંડ સદરહુ વ્યક્તિએ આચર્યું હતું.
આટલી પૂર્વભૂમિકા પછી હવે વિચારો કે નકલી નોટો આ રીતે માર્કેટમાં ફરતી હોય તો દેશના અર્થતંત્રને કેવી અસર પડે? જેને આ મુદ્દો ન સમજાય એને માટે ટૂંકી સમજ. સામાન્ય રીતે, દરેક દેશ એના નાણાંકીય એટલે કે ફાયનાન્સીયલ લેવડદેવડ માટે એક ચોક્કસ ચલણ વાપરે છે. એ કેટલું છાપવું એ રીઝર્વ બેંક નક્કી કરે. કેમકે, એના બદલામાં એટલા જ મુલ્યનું સોનું જુદું રાખી દેવામાં આવે છે. કારણ એક જ, ફરતા પૈસાનું નિયમન. એનો દર એટલે કે રેટ રોજેરોજ બદલાયા કરે-માંગ મુજબ. એક અર્થમાં જે-તે દેશની કરન્સી એની વિશ્વસનીયતાનું માપ છે. અત્યારે ડોલર મજબુત છે કેમકે અમેરિકાનું અર્થતંત્ર અનેક કારણોથી મજબુત છે. એજ રીતે દરેક દેશ માટે લાગુ પડે. હવે જો આપણે ડોલર છાપવા માંડીએ અને લેવડદેવડ વધારી દઈએ તો સ્વાભાવિક છે કે ત્યાની રીઝર્વ બેન્કે એ ચકાસવું પડે કે આ કઈ કરન્સી નોટો છે જે ભારતે અમને અમુક વસ્તુ ખરીદવા માટે આપી છે? કેમકે જેટલી નોટો છાપી અને ઇસ્યુ થઇ એનો સામસામો હિસાબ અને સીરીયલ નંબર પણ મળવો જોઈએ ને? માનો કે એવી ખબર ન પડી તો શું થાય? આપણે ખરીદવા માંડીએ અને ભાવ વધવા લાગે કેમકે આપણે ડીમાંડ ઉભી કરી. એટલે ત્યાંના લોકોને એ જ વસ્તુ માટે વધુ ભાવ ચૂકવવો પડે અને સમગ્ર અર્થતંત્ર પર એની માઠી અસર થાય. સરવાળે, અમેરિકાનું અર્થતંત્ર ધબાય નમ: થઇ જાય.
આવી જ ઘટના અને પ્લાન ભૂતકાળમાં અનેકવાર બની ચુક્યા છે. ઉપર લખ્યું એ શીર્ષક એવા જ એક પ્લાનનો હિસ્સો છે.
એક વખત એવું બન્યું કે જર્મન ફ્યુહરર એડોલ્ફ હિટલર બ્રિટનને ધ્વસ્ત કરી દેવા માટે લગાતાર રોજ ૨૦૦૦ ના હિસાબે બોમ્બમારો કરાવતો હતો. હિટલરની ગણતરી એવી કે એક વખત લંડન નાશ પામે પછી ઈંગ્લીશ ચેનલ પાર કરી બ્રિટન પર ચડી બેસવું. જર્મન વાયુસેના લુફ્તવાફના વિમાનોના ધાડા લંડન શહેર પર આફત બનીને રોજ ચડી આવતા હતા. એવામાં ઈતિહાસના વાંચક એવા હિટલરના મનમાં એક જુદો જ વિચાર આકાર લઇ રહ્યો હતો. એ વિચાર હતો નકલી પાઉન્ડની નોટો છપાવી બ્રિટનના મજબુત અર્થતંત્રની કમર તોડી નાંખવાનો. તરત આ વિચાર અમલમાં મુકવામાં આવ્યો. એ વખતે ત્યાં વસવાટ કરતા યહૂદી લોકોમાં એવા કેટલાય કારીગરો હતા જે આ કામ ખુબ સારી રીતે કરી શકતા. પરંતુ, આ જાતનો આદેશ માનવાનો એમણે ઇનકાર કરી દીધો. એટલે બળજબરીથી બંદુકની અણીએ જર્મનીથી દુર એક કોન્સન્ટ્રેશન કેમ્પમાં એમને બંદી બનાવી, આ કામ ગુપચુપ શરુ કરી દેવામાં આવ્યું. અંદાજે ૧૩૪ મિલિયન પાઉન્ડની નકલી નોટો છાપવામાં આવી. આ બાજુ, બ્રિટનમાં ૧૦૦ જેટલા છુપા એજન્ટો પણ હતા જેમણે આ નકલી નોટો લંડનમાં ઘુસાડવા માટેની તૈયારી દાખવેલી. પરંતુ, હિટલરે એવો આદેશ આપ્યો કે જે વિમાનો બોમ્બમારો કરી રહ્યા છે એ વિમાનોમાંથી જ આ નોટો ફેંકી દેવી જેથી શહેરના લોકો એ ફ્રી સમજીને ઉઠાવી લે અને એ રીતે બ્રિટનનું અર્થતંત્ર ભાંગી જાય. કમનસીબે એવું થયું નહીં કેમકે એ આઈડિયા જ તર્ક વગરનો હતો. જો એજન્ટો મારફત ઘુસાડી હોત તો કદાચ હિટલરે કરવા ધરેલી અસર પડી હોત અને તો કૈંક જુદો ઈતિહાસ લખાત. તો ભારત ૧૯૪૨ માં જ આઝાદ થઇ ગયું હોત.
પાપીની કાગવાણી:
આ વાંચીને એમ વિચાર આવ્યો હોય કે આપણે પાડોશી દુશ્મનમાં નકલી નોટો ઘુસાડી એનું અર્થતંત્ર કેમ ભાંગી દેતા નથી? તો જવાબ આ છે- એ પોતાનું અર્થતંત્ર ભાંગવા માટે પુરતું સજ્જ છે, આપણે શું કામ લોડ લેવો? ;)
***
14 - ગુલશન કુમાર- કેસેટ ક્રાંતિનો સર્જક
નામ તો સુના હી હોગા !! તમને બધાને ગ્રામોફોન રેકર્ડની વાતો ખબર હશે. હા એ જ જેને દાદા દાદીઓ ‘ થાળીવાજું ’ કહેતા. એક જમાનામાં એ ગ્રામોફોન રેકર્ડ અને એનું પ્લેયર ઘરમાં હોય એ માણસ રઈસ ગણાતો. લોકો માટે એ લક્ઝરી ગણાતી હતી. અત્યારે ય એનું મહત્વ એન્ટીક તરીકે ગણાય જ છે. આ ગ્રામોફોન કંપનીનો એક સમયે બધાની ભાષામાં કહીએ તો ‘ જમાનો હતો ’.
એક વખત એવું બન્યું કે દિલ્હી શહેરમાં ફ્રુટ જ્યુસની લારી ફેરવતા યુવાન ગુલશન કુમારને કેસેટ વેચવાનો વિચાર આવ્યો. કેસેટ એ વખતે મોંઘી ગણાતી ટેકનોલોજી હતી અને ગ્રામોફોન બનાવતી ગ્રામકો ઇન્ડિયા કંપની પણ કેસેટને એટલું મહત્વ આપી રહી નહોતી. કેસેટના દામ પણ ૬૦-૭૦ ના દશકમાં વધુ હતા. એના બદલે લોકોને ગ્રામોફોન રેકર્ડ ખરીદવી વધુ પોસાતી હતી. ૭૦ ના દાયકામાં જો કે બદલાતા સમયને પારખીને ગ્રામકો ઇન્ડિયાએ કેસેટ બનાવતું યુનિટ સ્થાપી દીધું હતું, પરંતુ ગ્રામોફોન જેવી લોકજીભે ચડી ગયેલી પ્રોડક્ટને અને ખાસ તો HMV (હીઝ માસ્ટર્સ વોઈસ) ના જગવિખ્યાત સિમ્બોલ પર મદાર રાખીને ગ્રામકોએ કેસેટને વધુ મહત્વ આપ્યું નહીં. એ વખતે જુનો કોપીરાઈટ એક્ટ પણ બદલાયો નહોતો. ૧૯૮૪ માં ગુલશન કુમારે એ વસ્તુનો ફાયદો લીધો. એમાં એવી શરત હતી કે તમે ઓરીજીનલ ગીત કે સંગીત રચી શકો પરંતુ અલગ ગાયકો હોય તો તમારી પર કોઈ આંગળી ઉઠાવે નહીં. પત્યું, ગુલશન કુમારે બે કામ કર્યા. એક, નવા નવા ગાયકો સાથે જુના ગીતો રેકોર્ડ કરી કેસેટ બનાવીને વેચવાનું શરુ કર્યું. બે, દુનિયામાં કોઈએ ક્યાંય ન ભાળી હોય એ પ્રકારની ડીસ્ટ્રીબ્યુશન એટલે કે વિતરણ ચેનલ શોધી કાઢી. એ ચેનલ એટલે કિરાણા સ્ટોર અને પાનના ગલ્લા.
જી હા, ગુલશન કુમારે સ્થાપેલી એ કંપની નામે ટી-સીરીઝે કેસેટ વેચાણના અને નવા નવા ગાયકો આપવાના વિક્રમ તોડી પાડ્યા. એક જમાનામાં જુજ કંપનીઓ (અને કલાકારો) ની જ ચાલતી મોનોપોલીમાં ગુલશન કુમારે ખલબલી મચાવી દીધી. અંગ્રેજોએ ઈ.સ. ૧૯૦૧ માં લંડનમાં સ્થાપેલી કંપનીની ભારતની પહેલી બ્રાંચ નામે ગ્રામકોએ પણ પછી કેસેટ વેચાણમાં ઝંપલાવ્યું અને બરાબરની ટક્કર આપવાનું શરુ કર્યું. પણ ગુલશન કુમારે વાવાઝોડાની ઝડપે કેસેટોના ભાવ નીચા રાખીને દરેક ભારતીયને ગીતોનો મોહતાજ બનાવવાને બદલે માલિક બનાવી નાંખ્યો. એને પ્રતાપે મ્યુઝીક ઇન્ડસ્ટ્રીને અનુરાધા પોડવાલ, સોનુ નિગમ જેવા બહેતરીન ગાયકો મળ્યા. અને પછી પ્રાઈસ વોર શરુ થઇ. ગુલશન કુમારના આઈડિયા પર ઉભી થયેલી બીજી કંપનીઓ જેવી કે રમેશ તૌરાનીની ટીપ્સ, સોની કેસેટ્સ અને એવા બીજા પ્લેયર્સ પણ કેસેટની કિંમતો ના મામલે ટી-સીરીઝ સાથે સ્પર્ધામાં ઉતર્યા. એક તબક્કે ટી-સિરીઝે કેસેટની કિંમત ફક્ત રૂ|. ૧૫/- કરી નાંખી હતી જેને જોઇને બધાના જડબા વ્હેંત જેવડા ખુલ્લા રહી જવા પામ્યા હતા. કેમકે ગ્રામકો જેવી ગંજાવર કંપનીને કેસેટ બનાવવાની(રોયલ્ટી અને એક્સાઈઝ ડ્યુટી વગેરે ન ગણતા) પડતર કિંમત જ રૂ|. ૮/- થતી હતી, જયારે ટી-સીરીઝ તો રૂ|. ૧૫/- માં તો કેસેટ વેચી રહી હતી. એય તરત મળી જાય એવી જગ્યાઓએથી. આ મુદ્દે ગજગ્રાહ આ સ્તર પર શક્ય જ ન હતો. આખરે ઈ.સ.૧૯૯૧ માં એક્સપોર્ટના નિયમો હળવા થયા એ પછી બધું શાંત પડ્યું.
પરંતુ, ગુલશન કુમારે આ રીતે ઇન્ડસ્ટ્રીમાં ઘણા દુશ્મનો ઉભા કરી દીધા હતા. ટી-સિરીઝે ભજનો, રીમીક્સ, પોપ ગીતો, ફિલ્મી સંગીત વગેરેમાં પોતાની રેન્જ વધારતા રહીને ભારતમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. નવાઈની વાત તો એ છે કે ઈ.સ.૧૯૮૮ માં આમીર ખાનની પહેલી ફિલ્મ ‘ કયામત સે કયામત તક ‘ ના તમામ ગીતો ટી-સિરીઝમાંથી વિતરણ પામ્યા હતા અને વીસ વર્ષ બાદ ફિલ્મ ‘ ગજીની ’નું સંગીત પણ ટી-સિરીઝે જ વિતરણમાં લીધું હતું.
પાપીની કાગવાણી:
...અને ૧૨/૦૮/૧૯૯૭ ની સવારે મહાદેવની આરતી કરવા જતા ગુલશન કુમારની ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવી.
***
15 - અનન્ય બક્ષી- કલ,આજ ઔર કલ
આ અંક તમારા હાથમાં આવ્યો હશે ત્યારે વીસમી ઓગસ્ટ વીતી ચુકી હશે. જગતભરમાં ઓગસ્ટ મહિનો લગભગ ક્રાંતિનો રહ્યો છે. કદાચ સૂર્ય સાયન રીતે સિંહ રાશિમાં પ્રવેશ કરે છે એટલે !! બળવાખોરી, પ્રસ્થાપિત હિતોની પરવા ન કરવી અને તેમ છતાંય પોતાની તેજસ્વી પ્રતિભાનું આભામંડળ હોવું એ આ મહિનામાં જન્મેલા અનેક વિભૂતિઓ માટે સરખું રહ્યું છે. ઝવેરચંદ મેઘાણી થી શરૂ કરીને મહર્ષિ અરવિંદ સુધીના લોકો આ વાતને સાર્થક કરી રહ્યા છે. એવામાં એક અદની ગુજરાતી ભાષાનો સાહિત્યકાર પોતાની યાત્રા આ જ મહિનામાં શરુ કરીને ગુજરાતી સાહિત્યની ચીરફાડ કરવા માટે જન્મ્યો હતો. હા, આપણે વાત કરી રહ્યા છીએ ચંદ્રકાંત બક્ષીની.
વીસમી ઓગસ્ટ. એમનો બર્થડે. સામાન્ય રીતે જોઈએ તો જે ઝડપે ગુજરાતી વાંચકનું સ્તર અને પસંદગી બદલાઈ રહી છે એ પ્રમાણે લેખક જો સતત પોતાની જાતને સુધાર્યા, મઠાર્યા ન કરે તો ચોક્કસપણે ફેંકાઈ જાય કેમકે વાંચકોને ગુણવત્તાસભર વાંચનની સાથે સાથે રસાળ શૈલી પણ એટલી જ આકર્ષે છે. હવેનો યુગ કન્ટેન્ટ વીર્યવાન હશે એનો રહેવાનો છે. આમ તો કાયમથી આ ટ્રેન્ડ ચાલ્યો જ છે પરંતુ નબળું સાહિત્ય પણ સમાજના એક વર્ગ માટે રહેતું હોય છે. બક્ષી પાસે ઉપર કહ્યા એ ત્રણેય મુદ્દાઓનું ખતરનાક સંયોજન એટલે કે મિક્સ હતું. સંશોધિત માહિતી, રસાળ પ્રસ્તુતિ અને ધારદાર ઈન્સાઈટ એટલે કે આંતરદ્રષ્ટિ એમની પુષ્કળ મહેનત દ્વારા અને સઘન વાંચનની ટેવને કારણે સહજસાધ્ય હતા.
ગુજરાતી સાહિત્યમાં બક્ષીની એન્ટ્રી એવે વખતે થઇ જયારે ગુજરાતી ભાષા હજુ ‘સરસ્વતીચંદ્ર’ કે ‘જય સોમનાથ’ ની ગહેરી અસરમાં હતું. બક્ષીની અંગત જિંદગી સતત માયગ્રેશનને લીધે અનેક અનુભવોથી ઘડાઈ હતી. એ સાથે જ કલકત્તા ખાતેના લોકાલ એટલે કે સ્થાનિક માહોલમાં વેશ્યાઓના પ્રખ્યાત વિસ્તાર સોનાગાછી માં રહેતા રહેતા એમણે એમની કારકિર્દીની પહેલી ગુજરાતી વાર્તા લખવાની શરુ કરી. અને પછી જે થયું એ આજે ય ગુજરાતના સાહિત્ય સમારંભોમાં જુદા જુદા સંદર્ભે પ્રગટ થયા કરે છે.
બક્ષીએ સૌથી પહેલું કામ ગુજરાતી સાહિત્યના પ્રચલિત વ્યાકરણ પ્રયોગોને તોડીફોડી એક નવી જ ભાષા વાપરવાનું શરુ કર્યું. એ ભાષા, જે આજના અખબારો અને કોલમો વાપરે છે. એંગ્લો-ગુજરાતી ભાષા. ઉર્દુમિશ્રિત ગુજરાતીમાં એમની વાર્તાઓ,નાયકો-નાયિકાઓ અને લોકાલ પેશ થયા. અને ગુજરાતી સાહિત્યએ એક નવી કરવટ બદલી. બક્ષીને જે વાંચકો ઓળખતા જ નથી એમને માટે નીચે થોડા ક્વોટસ આપ્યા છે, જેનાથી બક્ષીની કલમનો પરિચય મળશે. આપણે ત્યાં આજે ય ‘સારા’ કહી શકાય એવા પુસ્તકો વાંચકોને મળતા નથી. માં-બાપને સંતાનો માટે સારું પુસ્તક બુક ફેરમાં સસ્તા ભાવે ડિસ્કાઉન્ટમાં મળતું નથી, ગૃહિણીને ડોરેમોન તરફ વળેલા બાળક માટે સારું પુસ્તક મળતું નથી...એવે વખતે દરેક ગુજરાતી વાંચક માટે બક્ષીના લખાણો એટલીસ્ટ સ્પ્રિંગબોર્ડ જેવું કામ કરશે.
જવાની અને બુઢાપાની મારી વ્યાખ્યા સ્પષ્ટ છે : જ્યારે દવા કરતાં દારૂનો ખર્ચ વધારે હોય ત્યારે જવાની સમજવી અને જ્યારે દારૂ કરતાં દવાનો ખર્ચ વધી જાય ત્યારે સમજવું કે બુઢાપો આવી ગયો છે...!
દરેક ધાર્મિક ગુરુ કે ગોડમેન મહાન વક્તા હોય છે. એ એના ધંધા માટે જરૂરી છે, જેમ હાઈકોર્ટના વકીલ પાસે સરસ અંગ્રેજી હોવું જરૂરી છે એમ !
સુજ્ઞ વાચક અને અજ્ઞ લેખક વચ્ચે પણ ગુજરાતી સાહિત્યમાં મૈત્રી જામતી નથી, કારણ? ઘણા ઈનામ-વિજેતા ગુજરાતી લેખકોને વાચકો બુદ્ધિશાળી બની રહ્યાનો ભય રહી રહીને સતાવી રહ્યો છે !
જે ભાષા નવાનવા શબ્દપ્રયોગો સ્વીકારતી રહે છે એ સંવૃદ્ધ થતી રહે છે, અને જે ભાષા વાડામાં ઘૂસીને શુદ્ધિની જિદ્દ કરતી રહે છે એ અસમય વૃદ્ધ થઇ જાય છે.
કોલમલેખક ધર્મગુરુ કે ઉપદેશક નથી, સૌદાગર કે તાબેદાર નથી, શિક્ષક કે સર્કસનો જોકર નથી, સરકાર સાથે વેવાઈ જેવું વહાલ રાખીને ખભા ઉછાળતા રહેવાનો એનો ધર્મ નથી. અઢી અક્ષરનો શબ્દ ‘સત્ય’, એ એનું નિશાન હોવું જોઈએ અને આ નિશાનની દિશામાં વાચક જ એનો બિરાદર છે, કોમરેડ છે, હમદમ છે અને દોસ્ત છે.
સ્ત્રીના નિતંબો જોઇને આધ્યાત્મિક આનંદ થવો કે શરાબનો ગ્લાસ જોઇને બ્રહ્મની કલ્પના કરવી મારે માટે શક્ય નથી.
જીવન અને મૃત્યુ વિશેની મારી સમજ બહુ સરળ છે. વહેતું પાણી છે. પાણીમાં બરફનો ટુકડો તરી રહ્યો છે. બરફની અંદર બંધ પાણી છે. એક દિવસ બરફનું બંધન ઓગળશે કે તૂટશે. એક દિવસ બરફની કેદમાંથી પાણી મુક્ત થશે. એક દિવસ અંદરનું બંધ પાણી બહારના વહેતા પાણીમાં ડૂબી જશે. કદાચ એને જ મૃત્યુ કહેતા હશે. મુક્તિનું બીજું નામ.
પાપીની કાગવાણી:
જીવવું એ કળા છે, બીઝનેસ નથી. - બક્ષી
***
16 - ઈન્ડી-પોપ સોંગ્સ—સો ગયા યે જહાં
જી હા, આજે આપણે અમારી એટલે કે જેઓ અત્યારે પચીસ વર્ષની વય વટાવી ગયા છે એમના તરુણાઈના વર્ષોની વાત માંડવાના છીએ. સંગીત રસિયાઓ માટે કાનમાં અને દિલમાં મોરપીંછ ફરવાની લાગણીઓ ઘુઘવાટા નાંખતી હોય એવા એ દિવસો હતા. યાદ કરો મિત્રો, આજથી પંદરેક વર્ષ પહેલા, વાયટુકે બગની વાર હતી. ૧૯૯૮ થી શરુ કરીને અનેક નવા નવા ગીતો આવતા ગયા જે ભારતીય સંગીતની ભગવાન શિવથી શરુ થયેલી આ યાત્રામાં યુવાન સંગીતરસિયાઓ માટે વિસામા જેવા હતા. એ પહેલા ૧૯૭૦-૮૦ ના દશકથી જ બપ્પી લહેરી અને આપણા બોસ એટલે કે પંચમ દા એ પોપ મ્યુઝીકના પાયા ખોદી દીધા હતા. હવે ઈમારતો ચણાવાની જ વાર હતી. એક આખી જનરેશન જેમ કિશોરદા-રફી-મુકેશ-નૌશાદ અને એવા દિગ્ગજોના ગીતો ગણગણતી મોટી થઇ છે એમ જ આ પેઢી એના પોતાના અવાજ, પોતાના ગીતો સાથે મોટી થવાની હતી.
તો, પેશે ખિદમત હૈ, દો લફ્ઝો કી હૈ દિલ કી કહાની…
આર્યન્સ- આંખો મેં તેરા હી ચહેરા....જી, એમાં સુકલકડી (હવે !!)શહીદ(શાહીદ) કપૂરનું આ ગીત એની કારકિર્દીમાં ટર્નીંગ બિંદુ સાબિત થયું.
અબ કે સાવન ઐસે બરસે-શુભા મુદગલ. સારેગામાપા માં આવતા અભિજિત ઘોષાલ અને આમના ગુરુ એક જ. આ ગીત શ્રોતાઓને આજ સુધી ભીંજવી રહ્યું છે. લેટેસ્ટમાં પ્રસુન જોશીએ લખેલા બાબુલ મોરા..ગીતમાં એમણે પોતાનો શાસ્ત્રીય સંગીતથી કેળવાયેલો અવાજ આપ્યો હતો. અબ કે સાવન ઐસે બરસે..ગીતના વિડીયોમાં રાગેશ્વરી દેખાઈ હતી.
ધૂમ પીચક ધૂમ, કભી આના તું મેરી ગલી(વિદ્યા બાલન આમાં દેખાઈ હતી), માએરી(રીમી સેન) - ડોકટરી પડતી મુકીને સંગીતના મરીઝ થઇ ગયેલા ડો. પલાશ સેનનું પહેલું આલ્બમ અને એમાંય આ ગીત દિલમાં ય ધૂમ મચાવી દે છે.બેન્ડનું નામ ‘યુફોરિયા’ એટલે કે નેડો-ઉલ્લાસથી ઉદભવેલી ઘેલછા.
મેરે મેહબૂબ ચલ,ઔર કહીં, યે દુનિયા બડી નશીલી – રાગેશ્વરી. જી, આ કલાકાર ‘મેં ખિલાડી,તુ અનાડી’ માં અક્ષય કુમારની બહેન બનેલી. હા, એ પોતે ગાયક છે.
પરી હું મેં, કેસરિયા હૈ રૂપ મ્હારો - સુનીથા રાવ અને લેસ્લી લુઇસ. ઓરીજીનલ ગીત અને કમ્પોઝીશન એમના એમ રાખીને વાદ્યો એટલે કે ઈન્સ્ટ્રુમેન્ટ બદલાવીને બનાવેલું.
નીગોડી કૈસી જવાની હૈ- આલ્બમનું નામ મેલા. ગાયક ઈલા અરુણ. ‘જોધા અકબર’ ફિલ્મ માં મહામંગાનો રોલ કરેલો એ ગાયક. એ વખતે આ ગીતમાં આવતા ઊંહકારા એ ત્યારે ય હસવું પ્રેરતા અને આજે ય હસવું પ્રેરે છે. વિડીઓ જોશો તો સમજાશે...
ઓ મેરી મુન્ની- રેમો ફર્નાન્ડીઝ. એમને આ ગીત માટે પદ્મશ્રી મળ્યો છે.
વો કૌન થી- કમ્પોઝર જોજો, સંગીત- તબુન સુત્રધાર. આ ગીતના વિડીયોમાં આપણો ઇન્સ્પેક્ટર આરીફ એટલે કે જીમ્મી શેરગીલ છે.
દિવાના- આપના વિશ્વાસુ અને બીજા ઘણા બધા આ વાંચવાવાળાના ફેવરીટ ગાયક સોનું નિગમનું હજી ય હિટ રહેલું આલ્બમ. એમાં ગીત ‘તુ, કબ યે જાનેગી’માં બિપાશા બાસુ જોવા મળી હતી. આ સિવાય કિસ્મત, કલાસિકલી માઈલ્ડ વગેરે જેવા આલ્બમ પણ છે.
ધુઆઁ ધુઆઁ- વિકાસ ભલ્લા, સંગીત બી.એમ.જી. ક્રેસેન્ડો. આ ભાઈ પહેલા અભિનય કરવા લાગ્યા. વળી સંગીતના રવાડે ચડ્યા અને હવે ફ્રી પાછા અભિનય કરવા માંડ્યા છે. આ ગીતના વિડીયોમાં અદિતિ ગોવિત્રીકર પણ જોવા મળેલી.
ગોરી તેરી આંખે- હજી ય ઘણા દિલ કે દર્દના ચરસીઓના પ્લે લીસ્ટમાં વાગતું ગીત. ગાયક: લકી અલી, કવિતા કૃષ્ણમૂર્તિ. લકી અલી નું જે-તે વખતે ‘સિફર’ (એટલે કે શૂન્ય)નામનું આલ્બમ સોની મ્યુઝિકે બહાર પડેલી. વોકમેન અને કેસેટના જમાનામાં એવું જ એનું બીજું ગીત હિટ થયું હતું. ‘નહીં રાખતા દિલ મેં કુછ ઝુબાન પર.’ આ લકી અલીને જોઇને ચહેરો જાણીતો લાગતો હોય તો જાણી લો કે સ્વ. મહેમુદ એમના પિતા હતા.
ઓ દિલવાલે, બાબુ ભોલેભાલે, સુનતા જા દિલ કી સદા, ડોલે ડોલે, દિલ યે ડોલે- સુચિત્રા કૃષ્ણમૂર્તિ. શેખર કપૂર સાથે લગ્ન કર્યા બાદ આ ગાયકે ૨૦૦૭ માં ડિવોર્સ લીધા હતા. આ ગીતમાં જે ભણેશરી છોકરા પર સુચિત્રા લાઈન મારે છે એ સ્ટાર પ્લસ પર આવતી નવી મહાભારત સિરિયલમાં ભીષ્મ પિતામહ બન્યો. એનું નામ આરવ ચૌધરી.
મેઈડ ઇન ઇન્ડિયા- હજી ય જેનો અવાજ એવો ને એવો છે એ ગાયક એટલે અલીશા ચિનોય. નામ હી કાફી હૈ.
ભીગી ભીગી રાતો મેં- બાબુલ સુપ્રિયો ના સરસ અવાજમાં લેસ્લી લુઇસ અને હરિહરન (જે ‘કોલોનિયલ કઝીન્સ’ના આલ્બમમાં સાથે ગાતા)નું મસ્ત અનુસર્જન જેના વિષે આપણે અહીં જ લખી-વાંચી ચુક્યા છીએ. આ વિડીયોમાં બીગ-બોસમાં ચમકેલી (આર્યન વૈદ્ય વાળી) અનુપમા વર્મા છે.
પુરાની જીન્સ-અલી હૈદર. આજે ય ઘણાને આંખો ભીંજવવા મજબુર કરતુ કોલેજ લાઈફનું ગીત.
પલ- કે.કે. આ ગીત આજે પણ દરેક યુવામિત્રો માટે ફેવરીટ છે.
છુઇમુઇ સી તુમ લગતી હો- મિલિન્દ ઈંગ્લે. વિડીયોમાં ચમકેલી પ્રીતિ જાંગિયાની આ ગીતથી ગર્લ નેક્સ્ટ ડોરની ઈમેજમાં ફીટ થઇ ગઈ. ‘છુઇમુઇ ગર્લ’ તરીકે જાણીતી થઇ ગયેલી પ્રીતિ પછી જીમ્મી શેરગીલ સામે ફિલ્મ ‘મહોબ્બતે’માં દેખાઈ હતી.
મેરી ચુનર ઉડ ઉડ જાયે (આયેશા ટાકિયા), ઓ પિયા, ચૂડી જો ખનકી (રિયા સેન) અને બીજા અનેક ગીતો- આપણી ગુજરાતી ગરબા ગર્લ ફાલ્ગુની પાઠકના આ સમયના બધા જ ગીતો કર્ણપ્રિય છે.
ગોરી નાલ ઈશ્ક મીઠા-બાલી સાગુ. આ ગીતમાં યશ અરોરા (ફિલ્મ ‘દુશ્મન’માં કાજોલ સામે દેખાયેલો એક્ટર) અને મલાઈકા અરોરા ખાન દેખાયા હતા. આજે ય વરઘોડામાં ફેવરીટ.
બોમ્બે વાઈકિંગ- જી, આમનું મૂળ નામ નીરજ શ્રીધર. જુના ગીતોને સરસ અંદાજમાં આધુનિક બનાવવાનો ટ્રેન્ડ જાણતા નીરજે સેલીના જેટલી પર ફિલ્માવાયેલા ‘ઝરા નઝરો સે કેહ દો નિશાના ચૂક ના જાયે’ બનાવીને આપના વિશ્વાસુના ગમતા ગીતોમાં સ્થાન જમાવ્યું હતું.
તન્હા દિલ, લવોલોજી, ભૂલ જા- ગાયકનું નામ શાન્તનું મુખર્જી ઉર્ફ શાન.
મિત્રો, લીસ્ટ તો લાંબુ છે. દલેર મહેંદી થી શરુ કરીને બાબા સહેગલ અને ઇવન શ્યામક દાવર સુધી. તમે આમાં તમારા ગમતા અને દિલની નજીક રહેતા ગીતો ઉમેરી શકો છો..આખરે, દિલની નજીક રહે એ જ તો આપણને આનંદ આપે છે ને?
***
17 - બર્બરતાનો આજે ય યાદ રહેતો ચહેરો: અત્તિલા—ધ હૂણ
એક ચોખવટ પહેલા જ કરી લઈએ. જગતે નાના-મોટા અનેક યુદ્ધો જોયા છે. માણસ-માણસ વચ્ચેના ધર્મ-જાતિ-સંપ્રદાય-શ્રદ્ધા-આર્થિક વૈભિન્ય વગેરેને ચલતે અનેક પ્રકારના સંઘર્ષો આ મધર અર્થ પર જોવાયા છે. અનેક પ્રજાતિઓએ અન્ય પ્રદેશો પર આક્રમણ કર્યું છે. એક યા બીજી રીતે અનેક સંસ્કૃતિઓ પાંગરી, અન્ય સંસ્કૃતિઓ સાથે ભળતી ગઈ, અને અનેક સંસ્કૃતિઓ તહસનહસ પણ થઈ ગઈ. જે પ્રજાતિ વધુ બળવાન અને વધુ બુદ્ધિ ધરાવતી હતી એ ડાર્વિનદાદાના નિયમ મુજબ ટકી ગઈ. બાકીની પ્રજાએ હાર અને મૃત્યુ સ્વીકારીને ઉત્ક્રાંતિના એ મહાચક્રની અંદર પીસાઈ જવાનું મુનાસિબ માન્યું. સમજણ આવ્યા પછી માનવજાતે અનેક મોટા યુદ્ધો નિહાળ્યા છે. બે મોટા વિશ્વયુદ્ધો, ધર્મયુદ્ધો(ક્રૂઝેડ્સ) અને અન્ય લડાયક પ્રજાએ બીજી પ્રજાઓ અને એમના વસવાટના પ્રદેશો પર કરેલા હુમલાઓ બધુ ચાલતું રહ્યું છે. બીજા વિશ્વયુદ્ધમાં જાપાને આચરેલી બર્બરતા કે અમેરિકાએ વિયેતનામમાં કરેલી હિંસા, કોલંબસે મૂળ અમેરિકન સંસ્કૃતિ પર કરેલું દમન આજે ય ચર્ચાઓ જન્માવે છે.
પરંતુ, અત્તિલા એ બર્બરતાનો પર્યાય ગણાતું નામ છે. એના જેટલી હિંસા કદાચ કોઈએ આચરી નથી એવું લખાયેલ ઇતિહાસ કહી સંભળાવે છે. સાથોસાથ એ પણ નોંધવું પડે કે હિંસા આચરવાનો એનો એકલાનો શોખ નહોતો. ચંગેઝ ખાન પણ આવી મારકાપ માટે નામચીન હતો. બાર્બેરિયન તરીકે ઓળખાતા હૂણો મૂળ હંગેરીના મેદાની પ્રદેશોમાં વસવાટ કરતાં અચ્છા ઘોડેસવાર અને તીરંદાજ હતા. ઘોડા પર બેસીને જ બેફામ તીરો ચલાવવામાં એમને મહારથ હાંસલ હતી. ઘોડાઓ પર બેસવા માટેની ખાસ ગાદીને લીધે એ ફાવે તે દિશામાં તીરો ચલાવી શકતા હતા. ઇ.સ. ૪૦૬ માં ડાન્યૂબ નદીને કિનારે પેન્નોનિયા વિસ્તારમાં અત્તિલાનો જન્મ થયો. આ વિસ્તારની માલિકી માટે પણ સળંગ ત્રણ વર્ષ યુદ્ધો ભૂતકાળમાં થયા હતા. એટ્લે કદાચ અહીં રહેવાવાળા અત્તિલામાં ય આ ગુણો ફૂટવાના હતા. નાનપણથી જ હૂણ પ્રજામાં એક અજીબોગરીબ પ્રથા હતી. બાળકોના માથામાં એક પટ્ટો કસીને બાંધી દેવામાં આવતો. આને લીધે એમની ખોપરીનો આકાર વિચિત્ર થઈ જતો. આ જ આકાર ભવિષ્યમાં નજરે ચડીને ગ્રંથસ્થ થવાનો હતો. અત્તિલા અને એનો મોટો ભાઈ બ્લેડા ઠંડે કલેજે ખુનામરકી ચલાવતા. ઇ.સ. ૪૩૪. અત્તિલાને મોટા ભાઈની સાથે હૂણોના રાજા પદે નીમવામાં આવ્યો. સહિયારા રાજા બનેલા અત્તિલાએ લોહિયાળ મારકાટ વર્તાવી અને પોતાના નામનો ડંકો વગાડયો. અત્તિલાની યોજના સાવ સાદી હતી. નગરની દીવાલો તોડો. નગરમાં પ્રવેશો, લૂંટો, જેટલા લોકો સામનો કરે એને ભૂંડે હાલ મારો, પાછા ફરતા દરેક ઘરને સળગાવી નાંખો અને જેટલા માણસો ઊભા હોય એની કતલ કરી દો. અત્તિલાનું નામ જ એવું થરથરાવી દેતું કે જે સ્થળે હુમલો કરવાનો થાય ત્યાં પ્રજા આપોઆપ હટી જતી.
એવામાં એ સમયના સૌથી શક્તિશાળી સામ્રાજ્યે એમનો સાથ લેવાનો નિર્ણય કર્યો. રોમન સામ્રાજ્ય. રોમનોને અત્તિલાનો ભય હતો. એવી કહેવત છે કે દોસ્તો કરતાં દુશ્મનોને વધુ નજીક રાખવા જોઈએ. એ હિસાબે રોમનોએ પોતાના દુશ્મનો એટલે કે બ્રુગંડીયન્સ (આજનું ફ્રાંસ) સામે ઇ.સ. ૪૩૭ માં ફૂલ સ્કેલ આક્રમણ કરે તો હૂણોને અઢળક સંપત્તિની ઓફર કરી. મૌત નીપજાવવાના પૈસા મળે એ જોતાં બ્લેડા અને અત્તિલા એ રીતસરનો હાહાકાર મચાવ્યો. આ આક્રમણ સામે લડનારાઓને અત્તિલા અને એની સેનાએ બેરેહમીપૂર્વક કતલ કર્યા. એ પછી અત્તિલાએ કરીબન ૨૦,૦૦૦ જેટલા સ્ત્રી-બાળકોને મૌતને ઘાટ ઉતાર્યા. આટલા જંગી સ્કેલ પર હત્યાઓ Ethnic Cleansing તરીકે ઓળખાઈ અને એ પછીથી એને લોકો ‘ઈશ્વરીય પ્રકોપ’ (Scourge of God) તરીકે ઓળખવા લાગ્યા. આ હુમલાના બદલામાં હૂણોને વાયદા મુજબ અઢળક સંપત્તિ અને સોનું મળ્યા. પરંતુ, મહમુદ ગઝનીની જેમ અત્તિલાને થયું, જો આટલી સંપત્તિ માત્ર આટલા લોકોને મારવાથી મળી શકતી હોય, તો ઓરિજીનલ ખજાનો કેવો હશે? અને રોમન સામ્રાજ્ય, કે જેણે પોતાના દુશ્મનોને સાફ કરવા માટે હૂણોને ‘હાયર’ કર્યા હતા એમના જ તરફ હૂણોના હુમલાની શક્યતાના પાયા નંખાઈ ગયા.
ઇ.સ.૪૪૧. રોમન સામ્રાજ્ય માટે મહત્વના ગણાતા શહેર નાયસસ (આજનું સર્બિયા) પર અત્તિલાનો ડોળો મંડાયો. હાલાંકી, ત્યાં રોમન લશ્કરનું થાણું અને અભેદ્ય કિલ્લો પણ હતો એટલે સીધો હુમલો શક્ય ન હતો. અત્તિલાની જુદા આકારની ખોપરીમાં એક અફલાતૂન વિચાર આવ્યો. જાડા થડવાળા વૃક્ષને કાપી, એના થડના એક છેડે લોખંડની પટ્ટીઓ ચીપકાવી દઈ, એને કિલ્લાની દીવાલો પર વેગપૂર્વક મારવામાં આવે તો ગમે તેવી દીવાલો ય તૂટી જાય. એમ નાયસસના કિલ્લાનું પતન થયું. અને પછી તો એજ દોર ચાલ્યો. હત્યાઓ,બળાત્કાર,લૂંટ. પછીનો ટાર્ગેટ હતો લક્ષ્મીના ડુંગર પર બેઠેલું વૈભવશાળી નગર, કોન્સ્ટેન્ટીનોપલ (આજનું ઇસ્તંબુલ). અભેદ્ય બબ્બે દિવાલોથી ઘેરાયેલ આવા નગરને લૂંટવું સહેલું ન હતું. પરંતુ, અત્તિલાની પ્રસિદ્ધિ એની પહેલા જ ત્યાં પહોંચી ગઈ હતી અને અત્તિલા ત્યાં આવી પહોંચ્યો. રોમનોએ રીતસરનો સોનાનો વરસાદ કર્યો. અત્તિલા બધું ભેગું કરીને ચાલતો થયો, પણ પાછા આવવાના વચન સાથે. એક રીતે માફિયા સ્ટાઈલનું કલ્ચર ઊભું થયું જે અમુક સમયે તમારી પાસેથી પૈસા લેવા આવે છે. ૧૨ વર્ષ, બ્લેડા અને અત્તિલાએ હૂણોને એક ઓળખ આપી અને સામ્રાજ્ય બનાવ્યું. એક દિવસ બ્લેડા શિકાર કરવા જંગલમાં ગયો. અને પાછો આવ્યો જ નહીં. ઘણા ઇતિહાસકારોના મત મુજબ ખુદ અત્તિલાએ જ બ્લેડાને મૌતને ઘાટ ઉતારી દીધો હતો.
જેની ખુદની જિંદગીમાં સતત મારકાટ, રક્તપાત હોય, એનો અંત કેવી રીતે કલ્પી શકો છો?
એ જાણવા માટે અહીંયા જ જોતાં રહો.
***
18 - બર્બરતાનો આજે ય યાદ રહેતો ચહેરો: અત્તિલા—ધ હૂણ
ભાગ-2
‘હું ગુજરાતી’ ના દિવાળી પહેલાના અંક-41 માં આપણે જોયું,
“અત્તિલા એ રોમનો પાસેથી અઢળક સંપત્તિના બદલામાં ઠંડે કલેજે કત્લેઆમ ચલાવી. વિરોધીઓને ભૂંડે હાલ માર્યા અને એના નામની દહેશત અને ખૌફ, ભડકે બળતા શહેરો સાથે લબકારા મારવા લાગી.”
કોન્સ્ટેન્ટિનોપલના પતન પછી રોમનોએ હૂણો સાથે શાંતિ સંધિ કરી. ત્યાંથી હંગેરીના ઘાસના મેદાનોમાં રહેતા અત્તિલાને ત્યાં રોમન પ્રતિનિધિમંડળ ગયું જેમાં એમના રિપોર્ટર તરીકે પ્રિસકસ નામનો એક ઈતિહાસકાર પણ સાથે હતો. પ્રિસકસના લખાણો અત્તિલાને સમજવા માટે મદદરૂપ થાય છે. હંગેરી પહોંચવાના રસ્તે અત્તિલાએ તબાહ કરેલા શહેરો ય ખંડેર ભાસતા હતા. અગાઉ વાત કરેલી એ નાયસસ શહેરમાં રસ્તા પર અને નદીકિનારે મૌતને ઘાટ ઉતારી દેવાયેલા લોકોની ખોપરીઓ અને હાડપિંજરો દેખાતા હતા. વાતાવરણમાં કોઈ પ્રલય આવી ગયા પછીની શાંતિ ડૂસકાં લેતી હતી. અત્તિલા સાથે પ્રથમ પહેલી વાર રૂ-બ-રૂ થનાર પ્રિસકસ નોંધે છે કે અત્તિલાને ત્યાં પથ્થરથી બનાવેલા હમામની સગવડ હતી, જે સામાન્ય રીતે રોમન શહેરોમાં વધુ જોવા મળતી. હૂણોએ રોમન સંસ્કૃતિને બહુ ઝડપથી અપનાવી લીધી હતી એવું પ્રિસકસ નોંધે છે. એક ખૂંખાર સેનાપતિના ચહેરા ઉપર જોવા મળે એવી કરડાકી મિજબાનીમાં સામેલ થયેલા પ્રિસકસને ક્યાંય જોવા મળી નહીં. ઊલટાનું એ એક પ્રેમાળ પિતા અને સજ્જન વ્યક્તિ તરીકે દેખાઈ આવતો હતો. પણ તેમ છતાંય, એ એક સાયકોપેથ(મનોરોગીની કક્ષાનો) ખૂની હતો એ નિર્વિવાદ હકીકત છે. પ્રિસકસના લખાણો અત્તિલાની માનવીય બાજુ રજૂ કરે છે. એમાં અત્તિલા એક નંબરનો દારૂડિયો હતો એવો પણ ઉલ્લેખ છે. સતત નશામાં ચૂર એવો હૂણોનો સરદાર, અપરાધીને એવી સજા દેતો કે લોકોમાં એનો ખૌફ સાંગોપાંગ ઉતરી જતો. અત્તિલાનું એ રૂપ જોઈને લોકોને થતું, સાક્ષાત મૃત્યુને જો કોઈ ચહેરો હોય, તો એ ચહેરો એનો જ હોય.
રોમન સામ્રાજ્યના પૂર્વીય ભૂ-ભાગ પર તબાહી મચાવ્યા પછી ૪૫ વર્ષીય અત્તિલાએ પશ્ચિમી રોમન સામ્રાજ્ય પર ડોળો માંડ્યો. એ પોતાની સેનાની તાકાત પર મુસ્તાક હતો. ફરીથી એ પશ્ચિમી રોમને ઘમરોળવા સજ્જ હતો. દરમિયાનમાં રોમન સામ્રાજ્ય બે ભાગમાં વહેંચાઈ ચૂક્યું હતું. નવાઈની વાત એ હતી કે અત્તિલાએ મધ્ય યુરોપ સુધી પહોંચવા માટે અવનવા આઇડિયા વાપર્યા હતા. સેનાને ખોરાક મળી રહે એ માટે ઘોડા પર જ એક ખાસ ચાદર બનાવવાં આવી હતી જેની અંદર કાચું માંસ રાખી દેવામાં આવતું. ચાદર પર ઘોડાનું જીન ગોઠવવામાં આવતું જેથી મુસાફરી દરમિયાન લાગતાં થડકારાને લીધે એ માંસ સોફ્ટ બની જતું. ચાદરની અંદરની દીવાલો પર મીઠું લગાવેલું હતું જેથી એ પ્રિઝર્વેટીવ તરીકે કામ કરતું.
યુરોપમાં રહાઇન નદી પાર કરીને મેટ્ઝ નામનું ગામ અત્તિલાએ ધ્વસ્ત કર્યું અને વધુ ઊંડે પગપેસારો કર્યો. ફરીથી ફ્રાંસ પાસે કેટેલોનિયનના મેદાનો પર થનારા જંગનો સમય આવ્યો. આ વખતે રોમન સેનાપતિ એટીયસે જંગી માત્રામાં સૈન્ય એકઠું કર્યું હતું. એટલું જ નહીં, અત્તિલાથી ત્રાસેલા લોકો પણ ત્યાં એકત્ર થયા હતા. રોમન સેનાએ પ્રથમ હુમલો કર્યો. પરંતુ, ગેરીલા હુમલાને બદલે અત્તિલાએ ખુલ્લેઆમ લડવું પડ્યું. હુમલો કરવા માટે એક પછી એક માનવ મોજાઓ આવતા ગયા અને આ સામસામે લડાઈમાં અત્તિલા અને સામેના પક્ષે ખુવારી પણ થઈ. આ એનું પહેલું એવું યુદ્ધ હતું જેમાં એણે હારનો બિહામણો ચહેરો જોયો હતો. અત્તિલા આ યુદ્ધ હારી ગયો.
એકહથ્થું સત્તામાં માનનારો અત્તિલા બદલાની ભાવનાથી રાતોપીળો થઈ ગયો. એણે નક્કી કર્યું કે રોમને આ યુદ્ધનો બદલો ચૂકવવો પડશે. કાર્થેજના સેનાપતિ હનિબાલની જેમ એણે પણ આલ્પ્સની વિષમ પહાડીઓ ઓળંગી અને ઈટાલી તરફ કૂચ કરી. કથા એવું કહે છે કે એ વખતે પોપે દરમિયાનગીરી કરીને એને પાછો વાળ્યો. પરંતુ, ચાલક અત્તિલાએ એ વખતે યુરોપમાં ફાટી નીકળેલા પ્લેગના રોગચાળાને લીધે પાછા ફરવાનો નિર્ણય લઈ લીધો. યુરોપનો આ પ્રવાસ અઢળક સંપત્તિ લાવનારો સાબિત થયો. ૪૭ વર્ષની ઉંમરમાં કુલ ૧૯ યુદ્ધોમાં એ જીવતો રહ્યો હતો.
ઇ.સ. ૪૫૩. અત્તિલાને હવે થોડો આરામ કરવો હતો. એના લગ્ન કમનીય અને મોહક યુવતી સાથે કરવામાં આવ્યા. લગ્નની રાત્રે દારૂની છોળો વચ્ચે અત્તિલા શાંતિ ચાહતો હતો. આટલી રઝળપાટ અને યુદ્ધોએ એને ઘણી હાડમારી આપી હતી. ચિક્કાર દારૂ પી ને એ એની નવવિવાહિતા પત્ની સાથે એની ઝૂંપડીમાં ગયો જેથી આટલા વર્ષોનો થાક ઉતરી જાય.
પ્રિસકસ નોંધે છે, બીજે દિવસે સવારે અત્તિલાનો મૃતદેહ નાકમાંથી લોહી નીંગળતી હાલતમાં મળી આવ્યો હતો. ચિક્કાર દારૂ, ભયાનક તાણ અને હાડમારીભર્યા જીવને અત્તિલાના લીવરને બહુ નુકસાન પહોંચાડ્યું હતું. લીવર ફાટી જતાં થયેલા આંતરિક રક્તસ્રાવને લીધે એની શ્વાસનળીના પોલાણમાં જ લોહીનો ભરાવો થયો અને ઉધરસને લીધે બહાર આવેલા લોહીને જોઈને જે આઘાત લાગ્યો; એનાથી એને વધુ તકલીફ પડી અને છેવટે એનું મૃત્યુ થયું. આ એવું જ મૌત હતું, જે એને કાયમ ગમ્યું હતું. લોહીથી છલોછલ.
***
19 - દિવાળી ટાણે યાદોની સાફસૂફી
દિવાળીનો પ્રકાશ ઉત્સવ નજીકમાં છે. ઘણા ઘરોમાં સાફસફાઈ થઇ ગઈ હશે. ઘણા ઘરોમાં પૂરી થવામાં હશે. આપણે અહીંયા ઘણી બધી વાતો કરી. યુદ્ધોની, વ્યક્તિગત ક્રાંતિની, સાહિત્યની, ફિલ્મોની, સૌરાષ્ટ્રની દિલધડક દાસ્તાનોની, ગાંધીજી, દક્ષિણ આફ્રિકા વગેરે વગેરે. દિવાળીના સમયે ઘરમાં સફાઈ થતી વખતે કેટકેટલી વસ્તુઓ આપણે ફેંકી દઈએ છીએ અને કેટકેટલી વસ્તુઓ ‘આ હજુ રહેવા દઈએ હોં, કામની છે.’ એમ કહીને રહેવા દઈએ છીએ એનું લીસ્ટ તપાસ્યું છે? ચાલો આજે એ વસ્તુની વાત માંડીએ જેને કાયમ ફેંકવાની આપણે પોતાની જાતને ના પાડી દેતા હોઈએ છીએ. એ વસ્તુ સ્વયં એક કૌતુક કથા થી કમ નથી.
એ ચીજ છે બચપણની યાદો. પોતાનું એ ઘર, એ ફળિયું, એ ડેલી, એ સ્કુલ જ્યાંથી આપણે ઉગ્યા હતા, જ્યાં બ્રેડનો ભૂકો કે બ્રેડની કિનાર કાપીને બનાવેલી ચટણીવાળી ‘કટકી’ નો સ્વાદ એટલો મજાનો હતો કે હવે સબવેની બ્રેડ ખાતા ખાતા ય કોણ જાણે એ ટેસ્ટ ભૂલાતો જ નથી. ના જી, નોસ્ટાલ્જિક થવાની વાત જ નથી. હા, યાદોના સરોવર પાસે બેસીને એકાદ-બે છાંટા જરૂર ઉડાડી લેવાય અને જીવનમાં આગળ વધતા જવાય. એ જ તો નવું વર્ષ લઈને આવતા સમયની વાત છે. જૂની યાદોમાં સારી યાદો, મિત્રો, સંબંધો વગેરે યાદ રહે છે. થોડા કડવા પ્રસંગો, કહાસુની એવું બધું ય આપણે યાદ રાખીએ છીએ. પણ હા, ખુશી તો એ યાદો જ આપે છે જેમાં આપણે ‘જીવ્યા’ હોઈએ છીએ. આજે એવી જ યાદો વહેંચીએ અને એ બહાને બચપણ પાસે જઈને એની સાથે થોડું રમીએ, જેથી આપણી અંદરનો એ બાળક મોટો ન થઇ જાય.
સાવ નાના એવા હતા ને ઘરના આંગણામાં ફરતા હતા ત્યારે મોરને હાથેથી રોટલી ખવડાવી હતી અને ‘કબુ કબુ’ (કબુતર) ને દાણા નાંખ્યા હતા. દાદાની સાથે નાહ્યા વિના ય પૂજામાં બેસી જઈને ટંકોરી વગાડી હતી. ઘર મોટું હોય તો બહાર કપડા ધોવાની કુંડીમાંથી ડબલે ડબલે લીંબુડી/બોરડીને અને નાનું ઘર હોય તો મીઠા લીમડાને કે ગુલાબ કે તુલસીના છોડને પાણી પીવડાવ્યું હોય. ત્યાં પસાર થતા મંકોડા,લાલ કાળી કીડીઓની દોડમદોડ જોઈ હોય. આ બધું કરતાં કરતાં પાછું ધૂળનો ઢગલો કરી-એમાં પાણી રેડી અવનવા આકારો બનાવ્યા હોય. ખાલી બાકસની ટ્રેઈન બનાવી એને આમતેમ દોડાવી હોય. રમતા રમતા એકાદો નાનો શંખ મળી જાય તો તો એ અંગત મ્યુઝીયમમાં સ્થાન પામે. લખોટા રમતા રમતા દાણીયો લખોટો પોતે જ રાખવાનો હોય. રવિવારે સવારે પહેલા રામાયણ અને પછી શ્રીક્રિશ્ના જોવાનું. વળી, શક્તિમાન, અંકલ સ્ક્રુજ અને ટેલસ્પીનવાળા બલુને અને મોગલીને ય જોવાના. સ્કુલમાં આપણા નાસ્તાના ડબ્બા કરતા કરતાં પેલો/પેલી જે ખાતા હોય એમાં વધુ રસ હોય. માસીના ભૂંગળા-બટેટા, આંબલી, બરફની પાટ પર રાખેલી લીંબુ-મીઠાવાળી ગંડેરી, ચણીબોર, પેપ્સીકોલા એ બધું ઘરના ભાખરી-ગોળ કરતાંય વધુ આકર્ષે.
થોડા મોટા થયા, કાર્ટૂન નેટવર્કનું આગમન થયું અને સ્વોટ કેટ્સ, ટોમ એન્ડ જેરી, જ્હોની બ્રાવો જેવા મિત્રો જીવનમાં પ્રવેશ્યા. ફ્લિન્ટસ્ટોન્સ અને જેટ્સન્સ જેવા બે યુગના પરિવારો પણ જોયા. દરમિયાનમાં મિત્રો સાથે ક્રિકેટ રમાતી થઇ, બહેનપણીઓ સાથે આઈસ્ક્રીમ ખવાતી થઇ. ‘યમ્સ’ના પાંચ જ રૂપિયાના વાનમાં ફરતા આઈસ્ક્રીમના એ દિવસો હતા. આબુમાં ખવાતી એ સોફ્ટી, નખી લેક પાસે પડાવાતા ફોટા, ત્યાં થતું બોટિંગ, તુલસીશ્યામના ઝરા, બદ્રીનાથના ગરમ પાણીના કુંડ, પિતા સાથે અને પછી પિતા વગર કરેલી હરદ્વારની ગંગા આરતી, ખોટી સોબતમાં થયેલા મિત્રોને લીધે અને ખોટું બોલવાને લીધે મળેલો મમ્મી/પપ્પા ના હાથનો માર/વઢ....આ બધું ય આવ્યું.
સ્કુલમાં ય રીસેસમાં ક્રિકેટ રમતી વખતે સ્ટાફરૂમની બારીઓના એક પણ કાચ સાજા ન રાખ્યા હોય, રક્ષાબંધન ઉજવાઈ હોય એ વખતે બાજુમાં બેઠા હોય એ જ છોકરા છોકરી પાસે રાખડી બંધાવવાનું/બાંધવાનું મન ન હોવા છતાંય કમને એ કરવું પડ્યું હોય, દર બુધવારે થતા સંમેલનમાં પોતાના વર્ગમાંથી સાવ વાહિયાત નાટક રજુ કર્યું હોય તો ય એનો ગર્વ હોય... અખંડ આનંદ, જનકલ્યાણ, અમર ચિત્રકથા, ચંપક, જીવરામ જોશી, સ્કોપ, સફારી, ડીઝની કોમિક્સ જેવા બાળપણથી સાથે રહેલા મેગેઝીન્સ, બા ની રામાયણ-મહાભારતની વાર્તાઓ, છુપાવીને રાખેલી ડાયરીઓના પીળા પાનાની વચ્ચે હાઉકલી કરતી આપણી ગાંડી ઘેલી લાગણીઓ, પસ્તીની દુકાને ગમતી ચોપડીઓ શોધ્યા કરતી નજર અને પાકીટ તરફ જોઇને વિચાર માંડી વાળવો પડે ત્યારે આવતો ગુસ્સો.....
મિત્રો, તમારી આવી કંઈ કેટલીય યાદો સાફસફાઈમાં મળી આવે છે. આ યાદો આપણી પીડા,આનંદ,સંઘર્ષ, હતાશા એ બધા સાથે બનેલી હોય છે. એ આપણા જીવનનો અભિન્ન હિસ્સો છે એટલે ખરાબ યાદોથી ત્રાસીને ભાગવાને બદલે એનું સ્થાન સદાયને માટે હૃદયના એક ચોક્કસ ખૂણામાં આપી દેવાથી એ ઓછી પીડા આપશે. સમયાંતરે જાત સાથે વાત કરતી વખતે અને નવા વર્ષને વધાવતી વખતે પગ જમીન પર ખોડાયેલા રહે એ માટે એને પટારામાંથી કાઢીને નીરખવાથી ચોક્કસ રીતે આવનાર વર્ષને વધુ સારી રીતે માણવાનું મન થશે...
હેપ્પી દિવાળી, હેપ્પી ન્યુ યર...
From: ઉપર લખી એ બધી ક્ષણોમાં કા-કા કરનાર આપનો વિશ્વાસુ પાપી કાગડો...
***
20 - જેને વિરોધપક્ષો ય સાંભળતા એવા વક્તા-અટલ બિહારી વાજપેયી
“એક ચહેરા તો દેશમે હો. મૈં યે કેહ રહા હું કી અગર મોદીજી પ્રાઇમ મિનિસ્ટર કેન્ડીડેટ હૈં, તો ઉનકો ઐસે નહીં દિખાના ચાહીએ કી વો કિસી રાજ્ય કે ચીફ મિનિસ્ટર હૈં ઇસલીયે પ્રાઇમ મિનિસ્ટર બનેંગે. પ્રાઇમ મિનિસ્ટર પૂરે દેશ કે હોતે હૈં. આજ હમે માલૂમ હૈં કી નેહરૂજી કીસ રાજ્ય સે થે? ઇન્દિરાજીને કીસ રાજ્ય સે નાતા જોડા થા? અટલજી કો લે લીજીએ. વો પૂરે દેશ કે નેતા હૈં.”
ફાયરબ્રાન્ડ નેતા શ્રી ઉદ્ધવ ઠાકરેનું આ વિધાન છે. ‘તમે એવું કહ્યું કે જો મોદીજીએ પ્રધાનમંત્રી થવું હોય તો એમણે ચીફ મિનિસ્ટર પદેથી રાજીનામું આપી દેવું જોઈએ. કેમ એવું કહ્યું?’ ના જવાબમાં શ્રી ઠાકરે એ ઉપર લખ્યું એ જવાબ આપ્યો હતો. ૨૫ ડિસેમ્બરે આખી દુનિયા જેનો જન્મ દિવસ ઉજવે છે એ જિસસ ક્રાઇસ્ટની સાથે ભારતના ચુનંદા વક્તાઓની હરોળમાં બેસી શકે એવા; અને વિદેશનીતિના ગ્રંથ સમા આપણા વાજપેયીજીનો ય જન્મદિવસ છે. ૯૦ વર્ષના વાજપેયીજી નાદુરસ્ત તબિયતને લીધે જાહેરમાં આવતા લગભગ બંધ થઈ ગયા છે, પરંતુ વાજપેયીજી ભારતના રાજકારણ સાથે નહેરુજી વખતથી જોડાયેલા છે. આ વખતે આપણે એમની અફલાતૂન અને વિદ્વતાનો પરિચય આપતી વાણીનો પરિચય કરીએ. જુનવાણી વૃક્ષનું જતન કરવાનું આપણે એટલા માટે ય યાદ રાખવું જોઈએ કેમકે વર્ષો સુધી એ વૃક્ષની નીચે બેસીને આપણે જીવતા શીખ્યા હોઈએ છીએ. એટલે હવે આવા વૃક્ષોની ઉપયોગિતા જોવાને બદલે એણે આપેલા છાંયડા જોઈએ. ગ્રેગરીયન કેલેન્ડર મુજબ નવું વર્ષ હાથવ્હેંત છેટું છે ત્યારે પરંપરા અને આધુનિકતાના સમન્વયવાળી અસલ ‘સહિષ્ણુ’ ભારતીય સંસ્કૃતિના વારસદારો થઈએ. બસ એટલું જ.
ઓવર ટુ વાજપેયીજી.
‘કુછ લોગોં કે લીયે યે દેશ ૧૯૪૭ મેં હી જન્મા થા. ઉન્હે યે પતા નહીં હૈં કી યે દેશ ૫૦૦૦ સાલ પુરાની સભ્યતા કો લેકર ચલ રહા હૈં. લોગ પુરાને આદર્શો કો ફિરસે કસૌટી પર કસ રહે હૈં. સમય બદલ રહા હૈં. શીતયુદ્ધ સમાપ્ત હોને પર અબ યે સંક્રાંતિ કા સમય હૈં. મૈંને ભારત કી વિદેશ નીતિ કો ભી દેખા હૈં. ઔર નેહરૂજી કો ઉસ વક્ત બતાયા થા કી અગર આપ પ્રધાનમંત્રી નહીં હોતે, તબ ભી હમારી નીતિ નિષ્પક્ષ ગુઠ મેં રહેના હી હોતી. ઇતને સાલો સે હમારી ઉસ નીતિ કો લેકર ભારત ચલ રહા હૈં.’ (નિષ્પક્ષ ગુઠ એટલે અમેરિકા-રશિયા વચ્ચે શીત-બોલે તો-કોલ્ડ વોર ચાલતું હતું, ત્યારે અનેક દેશો એ એક અથવા બીજી સાઈડ લઈ લીધી હતી. ભારતે એ વખતે એક પણ ગૃપમાં જોડાવાનું પસંદ કર્યું નહોતું. આપણે જે સમાજવિદ્યામાં અને ઈતિહાસમાં ભણ્યા એ બિન-જોડાણવાદી સંગઠન)
‘૧૯૯૭ મે જબ પરમાણુ પરીક્ષણ કિયા ગયા, તબ દેશ કે સામને હમસે પૂછા ગયા. ક્યા ખતરા થા? સન ૧૯૭૪ મેં મૈં સદન મેં થા. તબ કૌનસા ખતરા થા? લેકિન હમને ઉસકા સ્વાગત કિયા. વિપક્ષ મેં થે ફિરભી સ્વાગત કિયા. ક્યુંકી વો દેશ કી રક્ષા કે લિયે કિયા ગયા થા. ક્યા આત્મરક્ષા કી તૈયારી તબ હી હોગી જબ ખતરા હોગા? પચાસ સાલ મેં ક્યા હમે રક્ષા કે વિષય મેં આત્મનિર્ભર નહીં હોના ચાહીએ? ઇસ સમય યુરોપ મેં જો હો રહા હૈં, વો એક ચેતાવની હૈં.’
‘સંવિધાન કે નિર્માતાઓને સંવિધાન મે સેક્યુલર શબ્દ નહીં લીખા. જબ ઇમરજન્સી આઇઇ તબ સરકાર ને એસા આદેશ જારી કિયા કી સંવિધાન કી વિભાવનાઓમેં ભી સંશોધન કિયા જા સકતા હૈં. તબ, સંવિધાન મેં ભારત એક સોશિયલિસ્ટ સેક્યુલર દેશ હૈં એસા લીખા ગયા. લેકિન, ઉસ પર જો બેહેસ હુઈ થી ઉસકો મૈંને ધ્યાન સે પઢા હૈં. કોંગ્રેસ કે હર વક્તાને અપને વિચાર ઇસ પર વ્યક્ત કિયે થે. ખાસ કર સરદાર સ્વર્ણ સિંહને ભારપૂર્વક કહા થા કી, હમારા સેક્યુલરિઝમ પશ્ચિમ કે સેક્યુલરિઝમ સે ભિન્ન હોગા. ઉન્હોને કહા કી યે બહુ ધર્મો કા દેશ હૈં. સેક્યુલર કા અર્થ યે હૈં કી કિસી ભી ધર્મ મેં માનને વાલો મે કિસીભી પ્રકાર કા ભેદભાવ ન હો. હમ ઇસ વ્યાખ્યા કો હ્રદય સે સ્વીકાર કરતે હૈં.’
‘યે (સેક્યુલરિઝમ) હિન્દુ ચિંતન કા નિચોડ હૈં. યે હમારી અસ્મિતા હૈં. ક્યોંકિ ભારત મેં અનેક મત અનેક મતાંતર હૈં. કેવલ એક પુસ્તક નહીં હૈ, એક પયગંબર નહીં હૈં. યહાં ઈશ્વર કો માનને વાલે ભી હૈં ઔર ઈશ્વર કી સત્તા કો નકારને વાલે ભી હૈં. કિસિકો સુલી પર ચઢાયા નહીં ગયા, કિસિકો પથ્થર મારકર દુનિયા સે ઉઠાયા નહીં ગયા. યે સહિષ્ણુતા ઇસ દેશ કી મિટ્ટી મેં હૈં. ’
‘યે અનેકાન્તવાદ કા દેશ હૈં. યે પ્રાચીન દેશ હૈં. ઇસકી જીવનધારા સંપ્રદાય સે જુડી નહીં હૈં. સાંપ્રદાયિક્તા એક તરહ કી નહીં હો સકતી. અગર એક તરહ કી સાંપ્રદાયિક્તા કો ઉત્તેજન દિયા જાયેગા તો દૂસરી તરહ કી સાંપ્રદાયિક્તા પનપેગી. ’
પાપીની કાગવાણી:
યુ-ટ્યુબ પર: બેંગ બાજા બારાત નામનો બે જુદા પરિવારોની સંમતિથી સંતાનો પ્રેમ લગ્ન કરે છે એ વખતેનો જબ્બર માહોલ દર્શાવતો શો, હિન્દી કવિતા નામની ચેનલ, જેમાં અફલાતૂન કવિતાઓ સરસ એક્ટર્સ દ્વારા લાજવાબ પઠન દ્વારા સાંભળવા મળે છે.
***