નસીબ
સસ્પેન્સ થ્રીલર નવલકથા
પ્રવિણ પીઠડીયા
પ્રકરણ - ૪
ભુપત ઘીસ ખાઈ ગયો હતો. ખીસ્સામાંથી જ્યારે તેણે મોબાઈલ કાઢ્યો ત્યારે તેના બન્ને હાથે કંપવા થયો હોય તેમ ધ્રુજી રહ્યા હતા. ધ્રુજતા હાથે જ તેણે એક નંબર ડાયલ કર્યો અને ફોનને કાને મુક્યો. એક જોરદાર સણકો તેના કાનમાં છેક અંદર સુધી ઉતરી ગયો અને તે આખે આખો હલબલી ગયો. તેના કાનની બરાબર નીચે જ એ અજાણ્યા છોકરાના ડાબાહાથની કુહાડા જેવી કરાટે ચોપ વાગી હતી જેના કારણે એ બાજુનો આખો ભાગ અને ગળાની નસો સુઝીને લાલચટ્ટક થઈ ઉપસી આવી હતી. મહા-મુસીબતે ભુપતે તેના ગળા નીચે મોંમા આવેલુ થુંક ઉતાર્યું અને સામેથી ફોન ઉંચકાય એની રાહ જોવા લાગ્યો... તેને ગંભીર આઘાત લાગ્યો હતો. તેને હજુ સુધી એ વાતનું અચરજ શમ્યુ નહોતુ કે એક નાનકડો, બાળક જેવો છોકરો એ બન્ને ધંધાદારી માણસો ઉપર ભારે પડ્યો હતો. તેને કોઈએ માર્યો એ વાતનું દુઃખ નહોતુ. તેઓ જે ધંધો કરતા હતા એમાં ક્યારેક તો માર ખાવો પડે એવા દિવસો આવવાના જ હતા પરંતુ અત્યારે સૌથી વધારે ક્રોધ એ વાતનો આવતો હતો કે એક તેનાથી ઘણી નાની ઉંમરનો અને નાજુક-નમણો બે બદામનો છોકરો એને બરાબરનો ઠમઠોરીને તેમનો રીતસરનો ઉપહાસ કરીને ગયો હતો... અને જતા જતા એ જે શબ્દો બોલ્યો હતો એ શબ્દો તો પડેલા ઘા ઉપર મીઠું ભભરાવવા એ મતલબના શબ્દો તે બોલ્યો હતો જાણે કે છોકરાએ તને ફક્ત ગાડી રોડ પર ગલત પાર્ક કરવાના ગુનાસર જ માર્યા ન હોય... ભયંકર ગુસ્સામાં ધ્રુજતા એ સામેથી ફોન ઉપડે એની રાહ જોઈ રહ્યો હતો અને જ્યારે આખી રીંગ વાગીને પુરી થઈ ગઈ છતા કોઈએ ફોન ન ઉપાડ્યો ત્યારે એનું મગજ ફાટીને સાતમા આસમાને પહોંચી ગયુ અને તેના મોઢામાંથી ગાળોનો વરસાદ વરસવા લાગ્યો.
કુદરતે કંઈક અજીબ રીતે આખુ ચક્ર ફેરવ્યુ હતુ. જેના કારણે અત્યારે એક એવી બાજી ગોઠવાઈ ચૂકી હતી કે આ ઘટનામાં સંડોવાયેલા તમામ વ્યક્તિઓની જીંદગી કંઈક વિચિત્ર રીતે અથવાતો એમ કહી શકાય કે ભયાનક રીતે પલટાઈ જવાની હતી. જેનો થોડો-થોડો અણસાર તો તે તમામને અત્યારથી જ આવવા લાગ્યો હતો. ઘટનાઓની એક હારમાળા શરૂ થઈ હતી જેનો છેડો કદાચ કુદરતના હાથમાં હતો.
જે સરળતાથી ભુપતે અજયને સેન્ટ્રલ જેલના દરવાજાની થોડે દુરથી ઉઠાવ્યો હતો તેટલી જ સરળતાથી કોઈક અજાણ્યો છોકરો અજયને ભુપત પાસેથી છોડાવીને ઉડી ગયો હતો. જાણે કોઈ નાનું બાળક મીઠાઈની દુકાનમાંથી લલચાઈને ચોરી છુપીથી મિઠાઈનો ટુકડો ઉઠાવી લે એવી જ રીતે અજયને એ છોકરો છોડાવી ગયો હતો અને એ ફક્ત અજયને જ છોડાવી નહોતો ગયો પરંતુ સાથે સાથે ભુપત અને તેના સાથીદાર મંગાના હાડકા પણ ખોખરા કરતો ગયો હતો. જેની કડવાશ હજુ પણ ભુપતના મોઢામાં વર્તાતી હતી. મંગો કે જે ભુપતનો સાથીદાર હતો એ જ્યા પડ્યો હતો ત્યાં જ ઉભડક પલાઢીવાળીને બેસી રહ્યો હતો. તેનો એક હાથ કંઈક વિચિત્ર રીતે લબડી રહ્યો હતો. એ હાથમાં ઉઠતા સણકાના કારણે તે ઉભો થવા જતો ત્યારે પારાવાર દર્દનું ઘોડાપુર ઉઠતુ હતુ એટલે તેણે એની એ જ પોજીશનમાં બેસી રહેવાનું મુનાસીબ માન્યુ હતુ. ભુપત કે મંગો એ બેમાંથી એકેય ગાડી ચલવી શકે એવી સ્થિતીમાં નહોતા અને એટલે જ ભુપત ક્યારનો તેના ત્રીજા સાગરીત વેલજીને ફોન કરતો હતો. આખરે આઠ દસ વખતની કોશીષ પછી ફોન ઉપડ્યો. ફોન લેવાતા જ ભુપતે વેલજીને બરાબરની ખરી ખોટી સુણાવી અને પછી તેને એ લોકો જ્યા હતા ત્યાં બોલાવ્યો. હવે વેલજી રાઠોડના આવતા સુધી તે બન્નેએ એની રાહ જોયા સીવાય બીજુ કંઈ કરવાનું નહોતુ... ભુપત બરાબર જાણતો હતો કે તેણએ આ ઘટનાની જાણકારી તેના બોસને આપવી જરૂરી હતી છતા અત્યારે તેનામાં એટલી હિંમત નહોતી બચી કે તે ફોન કરીને આ વાત બોસને કહી શકે.
તેના મનમાં ડર હતો કે જો આ ઘટનાના ખબર તેના બોસને થશે અને તે જાણશે કે એક સાવ મગતરા જેવડો મામુલી છોકરો ભુપત અને મંગા જેવા જમાનાના ખાધેલ પહાડ જેવા પહેલવાનો ઉપર ભારે પડ્યો છે તો બોસ તેની ધુળ કાઢી નાખશે... એટલે જ ભુપત શું અને કેમ કહેવું એ શબ્દો ગોઠવીને પછી જ બોસને ફોન કરવા માંગતો હતો.
‘‘પરંતુ સાલો એ છોકરો સાવ અચાનક કેવી રીતે અહી આવી ચડ્યો...?’’ વારે વારે આ પ્રશ્ન ભુપતના જહેનમાં ઉઠતો હતો. તેણે પહેલેથી છેલ્લે સુધીનો સમગ્ર ઘટનાક્રમ યાદ કરી જોયો. ના કોઈકે એનો ફીછો કર્યો હોય એવું તો તેને લાગ્યુ જ નહોતુ અને એ છોકરાએ જે વાત કહી હતી તે ભુપતના ગળે ઉતરતી નહોતી. શું કોઈ ફક્ત ખોટી જગ્યાએ ગાડી પાર્ક કરવાના મુદ્દા સબબ આવા લફડામાં પડે...? પ્રશ્ન તો હતો જ... તો પછી એ છોકરો અજયને છોડાવીને શું કામ લઈ ગયો...? તે અહી સુધી આ ખેતરમાં બનાવેલા ખખડધજ માકન સુધી આવ્યો હતો એ વાત જ અચરજ પમાડે એવી હતી. જો એ ઈચ્છતો તો અહીં જ પોલીસને ફોન કરી બોલાવી લેત... પરંતુ એવું કંઈ તેણે કર્યું નહિ એ વાત જ ભુપતના દિમાગમાં લોચે ચડી હતી... ભુપત વિચારી રહ્યો હતો કે આ સમગ્ર ઘટનાક્રમમાં આખરે ખરેખર હકીકત શું હતી...? તેણે સવારથી શું શું બન્યુ હતુ એ શરૂઆતથી વિચાર કરવાનુ શરૂ કર્યું... ઘટનાઓ કંઈક આમ બની હતી...
ભુપત સવારના બરાબર સાડાદશના સમયે સેન્ટ્રલ જેલની સામે પોતાની સ્કોર્પીઓ ગાડીમાં બેસીને આવી પહોંચ્યો હતો. તેની સાથે તે પોતાના સૌથી વફાદાર સાથી મંગાને પણ લેતો આવ્યો હતો. ગઈકાલે રાત્રે જ એકદમ ફુલપ્રુફ પ્લાનીંગ બનાવી રાખ્યુ હતુ કે જેથી સવારે કોઈ ગરબડ ન થાય. ભુપતને તેના લોકો ફોન પર એવી માહિતી આપી હતી કે ૧૬મી ઓગષ્ટે લગભગ અગીયારથી બારના સમયગાળા દરમ્યાન અજય સેન્ટ્રલ જેલના મેઈનગેટથી બહાર આવશે. પંદરમી ઓગષ્ટે જ અજયની રીહાઈના પેપરો જેલર ફતેસીંહ પાસે પહોંચી જવાના હતા એટલે તેને સોળમી ઓગષ્ટની સવારે તમામ ફોર્માલીટી પુરી કરીને છોડવામાં આવવાનો હતો એ વાતની ફુલપ્રુફ ખાત્રી કરી લેવામાં આવી હતી. અને સાથે સાથે એક બીજી બાબતની તપાસ પણ કરવામાં આવી હતી કે અજયના ઘરેથી કોઈ તેને લેવા આવવાનું નહોતુ એટલે ત્યારે અજય એકલો જ હોવાનો... તેનુ કારણ એ હતુ કે અજયે જ ફતેસિંહને વિનંતી કરી હતી કે તેને રીહાઈ મળવાની છે એ વાતની જાણ તેના ઘરવાળાને ન કરવામાં આવે ઘરવાળાને જ નહિ, કોઈને પણ જાણકારી ન મળે એવી તકેદારી અજયે ખુદ રાખી હતી. કારણ કે જો લોકોને તેની રીહાઈની જાણકારી મળે તો ફરીપાછા પ્રેસવાળા તેની પાછળ હાથ ધોઈને પડી જાય અને અજય એવું નહોતો ઈચ્છતો. અજયની એ વિનંતીને ફતેસિંહે માન્ય રાખી હતી.
આ ઉપરાંત પણ અજયના મનમાં બીજો એક ઉચાટ હતો કે જેલમાંથી છુટ્યા બાદ જવું ક્યાં...? સીધો જ પોતાના ઘરે જવાનો તેનો કોઈ ઈરાદો નહોતો. તે ક્યાંક શાંતી થી બેસવા માંગતો હતો. જેલની બહાર ખુલ્લી હવામાં શ્વાસ લેવા માંગતો હતો. આઝાદી શું હોય છે એનો અહેસાસ કરવા માંગતો હતો... અને પછી કદાચ ઈચ્છા થાય તો પોતાના ઘરે પોતાની રીતે જવા માંગતો હતો. મનમાં ઘણા પ્રશ્નો ઉઠતા હતા એ વિશે કંઈક તે વિચારવા માંગતો હતો. બરાબર અગીયારના ટકોરે ફતેસીંહે તેને ‘‘બેસ્ટ ઓફ લક’’ કહીને રજા આપી... સામાનનો થેલો ખભાપર લટકાવી તેણે જેલના તોતીંગ દરવાજા બહાર પગ મુક્યો...
જાણે પોતાની આઝાદીની હવા શરીરના અણુએ અણુમાં ભરી લેવા માંગતો હોય એમ તેણે એક ઉંડો શ્વાસ પોતાના ફેફસામાં ભર્યો. જેલની બહાર જીંદગી એની પુરપાટ રફતારે વહી રહી હતી. બહાર સામે દેખાતા રસ્તા ઉપર વાહનોની જબરદસ્ત આવજાહી અવીરતપણે ચાલુ હતી. કોઈની પાસે ઓટલો સમય નહોતો કે હમણા થોડીવાર પેહલા જ લાંબી સજા કાપીને જેલમાંથી બહાર નિકળેલા અજયને તેના ખબર અંતર પુછે... અને પુછે પણ શું કામ ? પાણીની જેમ વહી રહેલો માનવ સમુદાય અજયને ક્યાં ઓળખતો હતો... અને જે લોકો ખરેખર તેને ઓળખતા હતા, કે જેમની સાથે અજયનો લોહીનો સંબંધ હતો એ માણસો પણ ક્યાં એને પાછલા સાત વર્ષોમાં મળવા આવ્યા હતા ? બધાએ અજયથી મોઢુ ફેરવી લીધુ હતુ. અજયના હ્ય્દયમાં એ કડવી યાદોનો ડુમો ભરાઈ આવ્યો. તે વધુ કંઈ વિચારવા માંગતો ન હોય એમ રોડની જમણી બાજુ વળ્યો. હજુ તો માંડ પચાસેક કદમ જ તે ચાલ્યો હશે કે ઓચીંતા જ તેની સામેની બાજુએથી એક બ્લેક કલરની ગાડી સીધી જ તેની ઉપર ઘસી આવી. અજય બરાબર પાછળના દરવજા પાસે આવે એ રીતે ગાડી ઉભી રહી. અજય ગભરાઈને બે ડગલા પાછળ હટ્યો અને તે કંઈ સમજે એ પહેલા પાછળનું બારણુ ખૂલ્યુ અને તેમાંથી એક કદાવર બાંધાનો શખ્સ નીચે કુદી પડ્યો. અજય કોઈપણ જાતનું રીએક્શન કરે એ પહેલા તો એ પહેલવાને તેને કોઈ નાના બાળકની જેમ ઉંચકીને સ્કોર્પીઓ ગાડીની પાછળની સીટમાં ફંગોળ્યો. તે સાથે એ પણ અંદર ઘુસી ગયો અને એક જોરદાર આંચકા સાથે ગાડીએ પળવારમાં તેજગતી પકડી લીધી. સમગ્ર ઘટના સેકન્ડના ત્રીસમાં ભાગમાં એટલી ભયાનક ઝડપે બની ગઈ હતી કે આસપાસમાં ચાલતા રાહદારીઓમાંથી કોઈને પણ જરાસુધ્ધા અણસાર ન આવ્યો કે કોઈકનું અપહરણ થઈ ચૂક્યુ હતુ...અરે... બીજો તો ઠીક ખુદ અજયને પણ ઘડીભરતો સમજાયુ નહિ કે તેની સાથે શું બની રહ્યું છે. અને જ્યારે થોડીવાર બાદ તેને ખ્યાલ આવ્યો કે તેનું અપહરણ કરવામાં આવ્યું છે ત્યારે અચાનક તેના ચહેરા પર એક હળવી મુસ્કાન ઉભરી આવી... અને તેણે કોઈ જ પ્રતીકાર વગર એ અપહરણકારોની શરણાગતી સ્વિકારી લીધી હોય એમ સીટના એક ખૂણામાં બેસી ગયો... ‘‘તો... હજુ સુધી આ લોકો મને ભુલ્યા નથી જ... જે લોકોએ મને ખોટી રીતે ડ્રગ્સ અને જાલીનોટોની હેરાફેરીના કેસમાં ફીટ કરાવ્યો હતો. આ માણસો તેના જ સાગરીતો હોવા જોઈએ... અને હજુ પણ આ લોકો મને ભુલ્યા નથી...’’ અજયે મનમાં વિચાર્યું.
તેને હસવુ એ વાતનું પણ આવ્યું કે... ‘‘તે અત્યાર સુધી નહોતો જાણી શક્યો કે તેને ફસાવનાર કોણ વ્યક્તિઓ છે...? પરંતુ હવે અત્યારે તેની સામે આ બે વ્યક્તિઓ હતા. એક ગાડી ચલાવી રહ્યો હતો અને બીજો તેની બાજુમાં બેસીને તેની સામે ઘુરકી રહ્યો હતો... અને ત્રીજી બાબત એ પણ હતી કે આ બન્ને જરૂર કોઈ ત્રીજા વ્યક્તિ સાથે તેનો મેળાપ કરાવશે. બની શકે કે એ ત્રીજી વ્યક્તિ જ મુખ્ય સુત્રધાર હોય...? એટલે જ એ સાવ ખામોશ બનીને બેસી રહ્યો...’’
સ્કોર્પીઓ ગાડી તેની પુરી રફતારથી દમણની દિશામાં ભાગતી હતી. અજયની આંખો ઉપર કાળી પટ્ટી બાંધવામાં આવી જેથી તે કઈ દિશામાં જઈ રહ્યા છે તે ખ્યાલ ન આવે... આમ પણ અજયને હવે ક્યાં કશી ફીકર હતી. જે વ્યક્તિએ પોતાની યુવાનીના સાત-સાત અમૂલ્ય વર્ષ જેલની કાળમીંઢ પથ્થરોની અંધારી કોટડીમાં વિતાવ્યા હોય એ વ્યક્તિને આ નાનકડી બ્લેક કલરની કાળી પટ્ટીનો અંધકાર સાવ મામુલી લાગતો હતો. અત્યારે તો અજય મનમાં ખુશી અનુભવી રહ્યો હતો કારણ કે આ અપહરણકર્તાઓ સામે ચાલીને તેને એ કાવતરાખોરોને મળવા લઈ જઈ રહ્યા હતા કે જેના વિશે વિચારી-વિચારીને અજયે રાતોની રાતો ઉજાગરામાં ગાળી હતી...
પરંતુ... અજયની મંઝીલ હજુ ઘણી દુર હતી. તેના નસીબમાં વિધાતાએ કંઈક અલગ જ લખ્યુ હતુ. આ તો હજુ શરૂઆત માત્ર હતી. સાવ અકલ્પનીય, વિસ્મયકારક, અદ્વિતિય અને અવિસ્મરણીય ઘટનાઓ તેના જીવનમાં બનવાની હતી જે તેની જીંદગીની રુખ બદલાવી નાખવાની હતી... એ ઘટનાઓના કારણે મોટા-મોટા ભુકંપો સર્જાવાના હતા જેની ગુંજમાં સમગ્ર ગુજરાત જ નહિ આખો ભારત દેશ ખળભળી ઉઠવાનો હતો... જેના કારણે ફક્ત વિમલરાય જ નહિ તેના જેવા કેટલાય લુચ્ચા લંપટ, ખંધા રાજકારણીઓનો સંપૂર્ણ ઈતિહાસ-ભુગોળ બદલાઈ જવાનો હતો... આ ઘટનાઓનું મંડાણ તો આજથી બરાબર સાત વર્ષ પહેલા જ્યારે અજયની આંખો સામે જ તેની પ્રેમિકા તુલસીનું મોત થયું હતુ ત્યારનું થઈ ચૂક્યુ હતુ...
સાત-સાત વર્ષોની ખામોશી બાદ ફરીથી એ સુષુપ્ત અવસ્થામાં સુતેલો જ્વાળામુખી પર્વત એના પુરા જોશ સાથે ફાટવાનો હતો જેમાંથી નીકળતો ધગધગતો લાવારસ ભલભલા ચમરબંધીઓને એની લપેટમાં લઈ સળગાવીને રાખ બનાવી ઉડાડી મુકવાનો હતો...
એકધારી ગતીએ ફુલસ્પીડમાં ભાગતી સ્કોર્પીઓ ગાડી જ્યારે ઉભી રહી ત્યારે અજયની તાલાવેલી વધી ચૂકી હતી. તેને એમ જ લાગતુ હતુ કે હમણા જ ખબર પડી જશે કે તેને જેલની પાછળ ધકેલનાર કોણ હતુ, અને કયા કારણોસર તેની વિરૂદ્ધ કાવતરુ રચવામાં આવ્યુ હતુ. ગાડીનો દરવાજો ખોલીને તેને નીચે ઉતારવામાં આવ્યો. આંખે પટ્ટીબાંધેલી હાલતમાં જ એક વ્યક્તિ તેને કંઈક ઢળાવવાળી જગ્યામાંથી ઉતારી સમથળ રસ્તે લઈ આવ્યો. પગ નીચે કચરાના સુક્કા પાંદડા અને આડી અવળી ઝાડીઓ વચ્ચે ચાલતો અજય જગ્યાનું અનુમાન લગાવી રહ્યો હતો. તેને એટલો તો ખ્યાલ આવી જ ગયો હતો કે જરૂર કોઈ અવાવરુ જગ્યામાં તેને લાવવામાં આવ્યો છે. એવી જ દશામાં લગભગ દસેક મીનીટ ચલાવતા... અથવા તો એમ કહો ને કે ઢસડતા જ કોઈક જગ્યાએ લઈ જવામાં આવ્યો. આખરે ખાડા ટેકરાવાળી જમીન પર ચાલતા-ચાલતા એ લોકો અટક્યા. સાવ બિસ્માર હાલતમાં હોય એવા ખખડધજ દરવાજો ખુલવાનો અવાજ આવ્યો. આખરે ખાડા ટેકરાવાળી જમીન પર ચાલતા ચાલતા એ લોકો અટક્યા. સાવ બિસ્માર હાલતમાં હોય એવા ખખડધજ દરવાજો ખુલવાનો અવાજ અજયના કાનમાં ગુંજ્યો એટલે તેણે અનુમાન લગાવ્યું કે તે જરૂર કોઈ લાંબા સમયથી બંધ પડેલુ મકાન હશે.
અજયને અંદર ધકેલવામાં આવ્યો અને એક જુની ધુળખાતી ખુરશી પર બેસાડવામાં આવ્યો. તેના હાથને ખુરશીની પાછળ વાળીને બાંધવામાં આવ્યા. એવી જ રીતે તેના પગ ખુરશીના પાયા સાથે બંધાયા. પડતર, અવાવરુ જગ્યાની વાસ અજયના નાકમાં ઘુસી. એ વાસ સડેલા, પલળેલા ઘાસ સાથે ગાય-ભેંસના ગોબર-મુત્ર મિશ્રિત ભારે દુર્ગંધયુક્ત હતી. થોડી વારમાં જ અજય એ ભયાનક દુર્ગન્ધથી ઉબાઈ ગયો. તેના હાથ-પગને એટલા મુશ્કેરાટ બાંધવામાં આવ્યા હતા કે જરા-સરખા હલન-ચલનથી એ દોરડુ તેની ચામડીમાં ઘુસી તેના હડકા સુધી પહોંચી ભારે દર્દ કરાવતુ હતું. થોડીવાર પછી જ્યારે તેની આંખો ઉપરથી પટ્ટી હટાવવામાં આવી ત્યારે તેને સાચી પરીસ્થીતીનો ખ્યાલ આવ્યો. જુના જમાનામાં સૂકા ઘાસ ભરવાના ગોદામ જેવું ખખડધજ લાકડાનું એ બે માળવાળુ મકાન હતુ. અજયે તેનું નિરીક્ષણ કર્યું અને પછી તેની આંખો સામે ઉભેલા બે વ્યક્તિઓ પર મંડાઈ. એમાંના એકને તો એ ઓળખતો હતો કારણ કે તેણે જ એને બાવડેથી પકડી ઉંચકીને ગાડીની પાછલી સીટમાં ફંગોળ્યો હતો. તેની આંખો કંઈક ચુંચી હતી અને તે જાણે પરાણે આંખો ખોલીને અજયને જોઈ રહ્યો હોય એવું લાગતું હતું. એ થોડો બેઠીદડીનો ભરાવદાર પહોળા ખભાવાળો શશક્ત આદમી હતો. તેના ચોરસ આકારના મોઢા ઉપર મુળાજેવી મોટી મુંછો, ભોલર મરચા જેવું ગોળ મોટુ નાક અને એ નાક ઉપર બે ચુંચી આંખોમાં એ કંઈક વિચિત્ર દેખાતો હતો. જ્યારે તેની બાજુમાં ઉભો હતો એ આદમી તો જાણે અસ્સલ પહાજ જ હતો. છ ફૂટ ઊંચી હાઈટ, મોટુ તગારા જેવુ ભરાવદાર માથુ, પહોળી વિશાળ છાતી અને મસલદાર ખભા, લાંબા ઘુંટણ સુધી પહોંચતા હાથમાંથી નીતરતી અસીમ તાકાતમાં તે કોઈ દેશી પહેલવાન જેવો લાગતો હતો. તે ભુપત હતો. જેના નામની અજયને જાણ નહોતી અને બીજો તેનો સાથીદાર મંગો હતો. અજય તો જો કે તેઓ હવે શું કરશે તેની રાહ જોઈ રહ્યો હતો કે... સાવ અચાનક જ અણધારી ઘટના બની... ક્યાંકથી ભુતની જમે એક રૂપકડો છોકરો પ્રગટ થયો અને કોઈ કંઈ સમજે એ પહેલા તો એ છોકરાએ તેની સામે ઉભેલા આખલા જેવી શક્તિ ધરાવતા એ બન્ને માણસોને બેરહમીથી મારવાનું ચાલુ કર્યું હતું. જ્યારે પેલા બન્ને ધુળ ચાટવા માંડ્યા ત્યારે તેણે અજયને છોડાવી પોતાની સાથે લઈ લીધો...
અને અત્યારે તે એ છોકરાની બાઈક પાછળ બેઠો હતો. થોડી જ વારમાં તેઓ એક આલીશાન, ભવ્ય હોટેલના ગેટ પાસે આવી પહોંચ્યા. હોટેલના ગેટ ઉપર નિયોન શાઈન બોર્ડ લગાવેલું હતું જે દિવસે પણ ચાલુ હતુ જેના ઉપર ‘‘બ્લ્યુ હેવન’’ લખેલું હતું. પ્રેમની બાઈક સીધી ગેટની અંદર ઘુસી ત્યાં ઉભેલા દરવાને પ્રેમને જોઈને સેલ્યુટ મારી...
અજયનું આશ્ચર્ય હજુ પણ ઓસર્યુ નહોતુ. જે રીતે પ્રેમે અચાનક આવીને તેને છોડાવ્યો હતો તે એક ચમત્કારથી કમ નહોતુ. તેના માટે તો તે પેલા લોકોની ચૂંગલમાંથી છુટી ગયો એ આશીર્વાદ સમાન હતુ. છતા તેના મનમાં થોડો રંજ પણ હતો કે તેને પોતાના અપહરણકર્તાઓ વીશી જાણવાની જે ઉત્કંઠા હતી તે અધુરી જ રહી ગઈ હતી. જો કે ત્યાંથી તે હેમખેમ બચીને આવ્યો એ આનંદની વાત હતી. અજયે પોતાનું મન મનાવી લીધુ કે આજે નહિતો આવતીકાલે, ગમે ત્યારે ભવિષ્યમાં તે પોતાના વિરૂધ્ધ થયેલા કાવતરાનો પર્દાફાશ અવશ્ય કરસે જ... અને જ્યારે તેને એ લોકો વીશે જાણવા મળશે કે તેઓ કોણ છે ત્યારે તે એને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેશે.
‘‘બલ્યુ હેવન’’ તેના નામ પ્રમાણે ખુબ વિશાળ જગ્યામાં પથરાયેલી સુંદરતમ્ અને તમામ આધુનિક સગવડો ધરાવતી ખ્યાતનામ ફાઈવસ્ટાર હોટેલ હતી. તેનો અંદાજ અજયને હોટેલના ગેટમાં પ્રવેશતા જ આવી ગયો. લોખંડના કલાત્મક રેલીંગવાળા દરવાજાને વટાવતા દરવાજાથી હોટેલના કોરીડોર સુધી લઈ જતો આછા ગુલાબી રંગની ટાઈલ્સો જડેલો ટુ-વે રસ્તો હતો જેની બન્ને બાજુ ઉચા ઉચા પામના વૃક્ષો વાવેલા હતા. એ વૃક્ષોની બન્ને બાજુ એટલે કે ડાબી એ જમણી તરફ લીલુઘાસ ઉગાડીને ગોલ્ફના મેદાનમાં હોય એવી લોન ઉગાડવામાં આવી હતી. હોટેલના ગેટથી તેની બિલ્ડિંગ લગભગ પચાસેક મીટર અંદરની બાજુ બનાવવામાં આવી હતી. એ બિલ્ડિંગ સુધી પહોંચતા સુધીમાં મન આનંદથી તરબતર થઈ જાય એવુ દૃશ્ય અને એવું વાતાવરણ ગેટમાં પેસતા જ બનાવ્યુ હતુ. એટલે જ ‘‘બ્લ્યુ હેવન’’માં આવ્યા બાદ ખરેખર કોઈ ‘‘હેવન’’માં આવી પહોંચ્યા હોઈએ એવી અનુભુતી થયા વગર ન રહે. ‘‘બ્લ્યુ હેવન’’ મોટા ગજાના ઉદ્યોગપતીઓ, ફીલ્મસ્ટારો, ઈન્ડસ્ટ્રીયાલીસ્ટો, રાજકારણીઓ અને ખ્યાતનામ વ્યક્તિઓમાં દમણમાં રોકાવા અને પાર્ટીઓ, મીટીંગો કરવા માટે ફેમસ હતી. અહીં તમામ અત્યાધુનિક સગવડતાઓ, અદભુત લોકેશન, પબ, પુલ, ડાન્સ, થીયેટર જે વિચારી શકો એવી સેવાઓ હાજર હતી.
પ્રેમે પાર્કીંગ લોટમાં બાઈક ઉભી રાખી. અહીં આવનારા લોકો મોટે ભાગે પોતાની ઈમ્પોર્ટેડ અને મોંઘીદાટ કારમાં જ આવતા હોય છે. પરંતુ પ્રેમનું કંઈ નક્કી નહોતુ હોતુ કે તે શું લઈને આવે. આ બાબત ત્યાં પાર્કીંગ લોટમાં ઉભેલા દરવાનને ધ્યાનમાં હતી કે આ સાહેબ તેમની મોડમ બોસના ખાસ મહેમાન છે અને થોડા ધુની પણ છે એટલે તેણે ઝડપથી આવીને પ્રેમની બાઈક સંભાળી તેને વ્યવસ્થીત જગ્યાએ પાર્ક કરવા લઈ ગયો.
***