Mitrata in Gujarati Philosophy by Kunalsinh Chauhan Kamal books and stories PDF | મિત્રતા

Featured Books
Categories
Share

મિત્રતા

મિત્રતા

“મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય,

સુખમાં પાછળ પડી રહે, દુખમાં આગળ હોય”

ઉપરોક્ત બે પંક્તિઓ શૈશવકાળમાં શાળામાં ભણતી વખતે લખવામાં આવેલી. મતલબ કે એનો વિચારવિસ્તાર કરવાનો રહેતો અને પરીક્ષામાં પૂછાય તો ગુણ મેળવવાનાં રહેતા. શાળામાં ભણતા સહાધ્યાયીઓ તો ગોખણપટ્ટી કરી ગુણ મેળવી લાવ્યા પણ મને ન ફાવ્યુ. મારી સમજણ મુજબ વિચારવિસ્તાર કરેલો અને થોડાક ગુણ મેળવી શકેલો. આજે એક કવિતા લખી છે.

“મિત્રતા”

આ અવ્યાખ્યાયિત પદને સમજાવવા લખું છું એ વ્યાખ્યા એટલે મિત્રતા...

લોહીની સગાઇને શરમાવે તે સબંધ એટલે મિત્રતા...

જેના માટે સર્વ વચનો ભંગ કરી શકાય તે વચન એટલે મિત્રતા...

જેમાં હરક્ષણ એકમેકને આપવાની હોડ લાગે તે હરીફાઈ એટલે મિત્રતા...

માયાવી દુનિયામાં સ્પષ્ટ ચહેરો બતાવે તે દર્પણ એટલે મિત્રતા...

આનંદની અમથી પળને અમર બનાવી દે તે ઓસડ એટલે મિત્રતા...

પડછાયો જ્યાં સાથ છોડી દે તે અંધારામાંય વળગી રહે તે વળગણ એટલે મિત્રતા...

જીવનની સફર કાપવાનો સૌથી સુગમ રસ્તો એટલે મિત્રતા...

મુશ્કેલીઓનાં મારથી પીછો છોડાવે તે વાહન એટલે મિત્રતા...

અરે! જેના વળગણને વ્યાખ્યામાં ના કંડારી શકાય તેવા કાંટાળા રસ્તા પર લાગણીરૂપી વાહનથી હરિફાઇ જીતીને મળે છે તેવા જગતના સૌથી શ્રેષ્ઠ સબંધ, વચન, દર્પણ, અને ઓસડ એવા “પ્રેમ” નામની ઈમારતનો પાયો છે...

... આ મિત્રતા...

આ કવિતા લખી એક ખરી દોસ્તી, ભાઈબંધી, મિત્રતા વાંચીને. એ વાત હતી કૃષ્ણ – સુદામાની મિત્રતાની. કૃષ્ણને ભગવાન અને ભાઈબંધ એમ બેય રીતે માનતા સુદામાને એની ભક્તિનું ફળ કૃષ્ણ એમની ભાઈબંધીમા આપે છે. મિત્ર પાસે મદદ માંગવા નીકળેલો સુદામા ચુસ્ત બ્રાહ્મણ છે. ચાર ઘરથી વધારે ભિક્ષા નથી માંગતો, રાજાની ખોટી ખુશામત નથી કરતો. મિત્ર પાસે મદદ માંગવા નીકળે છે ત્યારે મિત્રની મૂર્તિને જ પોતાની પત્ની અને સંતાનોની રખેવાળી સોંપે છે!

દોસ્તનું ઘર જોજનો દૂર છે, દિવસો વીતી જવાના છે તો રસ્તો કાપવો સહેલો પડે એટલે દોસ્ત જ ગોવાળિયો થઈ રસ્તામાં સાથ આપે છે અને પોતાના જ ઘર સુધી મૂકી જાય છે. પોતાની પત્ની અને બાળકો ભૂખ્યા છે એ વાતની જાણ હોવાથી, ગોવાલીયાનું ભાથું નથી ખાતો ત્યારે એ ગોવાળિયાની ગમ્મત તો જુઓ કે એના ઘરે નગરશેઠ... બ્રાહ્મણ હોવાથી દાનમાં ૫૬ પકવાન પહોંચાડે છે. હવે, નગરશેઠ તો સમજી જ શકાય છે કે કોણ હશે?

છેલ્લે દ્વારકામાં તો હાહાકાર મચી જાય છે, જયારે વર્ષો જૂના મિત્રનું સ્વાગત કરવા દ્વારકાધીશ પોતાનું ભાણું છોડી, ખભે ખેસ, માથે મુગટ, પગમાં પાદુકા, એ સૌનું ભાન ભૂલીને ભાઈબંધને ખુલ્લા પગે, અર્ધવસ્ત્રોમા, મુગટ વગર આવકારવા માટે મહેલની બહાર દોડી જાય છે! મહેલની બહાર નીકળતા પોતાને પગમાં કાંટો વાગે છે તેનું ભાન નથી રહ્યું કૃષ્ણને કારણ કે એનો મિત્ર તો જીવન જ કાંટાળી કેડી પર જીવી રહ્યો છે અને એને મળવા માટે ખુલ્લા પગે હજારો કાંટાઓ પર ચાલીને લોહી નીતરતા પગે આવ્યો છે. આવા ગરીબ બ્રાહ્મણ મિત્રને જે મેલોઘેલો છે એને છાતી – સરસો ચાંપે છે કૃષ્ણ. દ્વારકાની જનતા પોતાના નાથને બસ જોતી રહે છે અને કૃષ્ણ – સુદામા તો જાણે એક યુગ પછી મળ્યા હોય તેમ અશ્રુભીની આંખોએ બસ એકબીજાને જ નીરખી રહ્યા છે.

દોસ્તીની પરાકાષ્ઠા તો ત્યારે આવે છે જયારે કૃષ્ણ પોતાના મિત્રના પગ પ્રક્ષાલન પોતાના આંસુથી કરે છે અને તેના પગમાંથી કાંટા નીકાળે છે. આઠ પટરાણીઓ તો પોતાના ભરથારનું આવું રૂપ જોઇને તો આભી જ બની ગઈ છે. તેમને પ્રતીતિ થઇ ચૂકી છે કે આ મિત્રતા તો કૃષ્ણ – અર્જુનની મિત્રતા કરતાય સવાઈ છે.

અને છેલ્લે ત્રણ મુઠ્ઠી તાન્દુલ. શું કહેવું જગતનાથને??? એક મુઠ્ઠીમાં સ્વર્ગ, બીજીમાં પૃથ્વી અને ત્રીજામાં તો પોતાનું વૈકુંઠ આપવા નીકળી પડ્યા હતા. રુકમણી રોકે છે, “સઘળું દીધું નાથ સુદામાને, મારૂ ઘર નહિ દઉ...” ભગવાન ત્રણ મુઠ્ઠી તાંદુલમાં બધું જ સુદામાને દઈ દેશો તો તે બ્રહ્માંડનો સ્વામી અને તમે તેના દાસ થઇ જશો.

કૃષ્ણનો પ્રતિભાવ જેમાં આવી ગઈ મિત્રતાની ખરી વ્યાખ્યા. “જે તેનું છે એ મારૂ છે અને જે મારૂ છે એ તેનું છે. મિત્રતામાં કોઈ ઊંચનીચ ન હોય, બેય મિત્રો સમાન હોય.”

વાહ! માનવું પડે ને, કૃષ્ણની મિત્રતાને?! હવે, એરટેલની “મેરા – તેરા” વાળી જાહેરાત તો આપણને ખબર જ છે, પણ તેમાં મિત્રતાનો મર્મ ઓછો છે. વિચાર કરીએ કે કૃષ્ણ જેવો મિત્ર આપણને મળે જે હંમેશા આપની સાથે રહે અને કઈ જ કીધાં વગર આપણા મનને વાંચી જાય તો જીવન સાર્થક થઇ જાય ને? હવે, આપણા મિત્રવર્તુળ પર નજર નાખીએ તો ઉપરના ધારા – ધોરણવાળો એક પણ મિત્ર નજરે ન ચડે. કોઈ નસીબદારને જ આમાંના આંશિક ગુણોવાળો મિત્ર સાંપડે. આનો બીજો અર્થ એ કરી શકાય કે આપણે ખરેખર તો એકલા જ છીએ. આપણી પાસે ‘કહેવાતા મિત્રો’ તો ઘણા છે. તો પછી? આપણે કૃષ્ણ જેવી મિત્રતા ન નિભાવી શકીએ પરંતુ તેમના જેવા મિત્ર બનાવાનો પ્રયત્ન તો કરી શકીએ ને...?

જો આપણે આપણા ‘કહેવાતા મિત્રો’ માટે કૃષ્ણ જેવા મિત્ર બનીએ તો પછી એવી મિત્રતા કોણ નહિ ઝંખે? જો ખરી આત્મીયતાથી મિત્રતા નિભાવો તો એ ચિરકાળ સુધી ઉરમાં ધરબાઈ રહે છે અને જો મિત્રથી વિખૂટા પડી જાઓ તો પણ નિસ્વાર્થ નિષ્ઠાથી નિભાવેલી મિત્રતાના વાસંતી ફૂલો જેવા સંસ્મરણો સદાય મનમાં મઘમઘતા રહે છે.

આજે આપણે કેવી દોસ્તી, કેવી મિત્રતા નિભાવી રહ્યા છીએ એના વિશે વધારે નથી કહેવું. જ્યાં સુધી આપણું તરભાણું ભરાય કે એકબીજીની બધી જ વાતો સાંભળે ત્યાં સુધી એ આપણો ભાઈબંધ કે આપણી બહેનપણી. પણ, જ્યાં એને એનો પ્રેમ મળ્યો કે તરત જ તું તો તારી સગલીનો થઇ ગયો... તને તો તારો આશિક મળી ગયો ને! હવે તને ક્યા અમારી પડી છે કે ક્યા અમારી વાત સાંભળવામાં રસ છે? તારી પાસે ક્યા અમારા માટે સમય જ છે? આને શું કહેવું?

સાચો મિત્ર તો પોતાના સખાનાં નવા સંબંધના વિકાસ માટે પોતાના સમયનું ખાતર – પાણી આપે છે. તેને પૂરતી જગ્યા આપે છે પોતાનામાંથી એના નવા સંબંધનાં બીજાંકુરણ માટે.

થોડા સમય પહેલા આવેલા ચલચિત્ર “અજબ પ્રેમકી ગજબ કહાની”મા એક સરસ વાત છે કે પુસ્તકો આપણા શ્રેષ્ઠ મિત્રો છે, કારણ કે એ ક્યારેય ફરિયાદ પણ નથી કરતા કે નથી કોઈ જરૂરીયાત ઉભી કરતા. (કેટરિના – Books are my best friends; રણબીર – કયું?; કેટરિના – because they have no complains – no demands. પ્રત્યુત્તરમાં રણબીર – તો મેં ભી તુમ્હારા બેસ્ટ ફ્રેન્ડ બનુંગા; કેટરિના – કૈસે?; રણબીર – no complains, no demands)

કાશ, આપણને પણ રણબીર જેવો મિત્ર મળે. શું કામ? ચાલોને આપણે જ રણબીર જેવા થઈએ. અહી બીજી આંખે ઉડીને આવતી વાત છે, છોકરા – છોકરીની મિત્રતાની. જગ આખું કહે છે કે, છોકરો – છોકરી ક્યારેય સારા મિત્રો રહી જ ન શકે, ખોટી વાત. છોકરો – છોકરી પણ જીવનભર સારા મિત્રો રહી શકે જો એમની મિત્રતામા હોય સમજણની સારપ.

ક્યાં, ક્યારે – કેટલું અટકવું, કેવી રીતે વર્તવું અને જિંદગીના દરેક પડાવે, જિંદગીના દરેક તબક્કે એકબીજાની વચ્ચે કેટલું અંતર અને કેટલી આત્મીયતા રાખવી તે જો ખબર પડી જાય તો જગતની મજાલ છે કે મિત્રતા ઉપર કોઈ સવાલ કે આંગળી ઉઠાવી શકે? જિંદગીની કટોકટીની પળોમાં પડછાયાની જેમ જેનો સાથ મળી રહે તેનું નામ મિત્રતા.

સાચા મિત્રો ક્યારેય એકબીજાને સવાલો નથી કરતા કે નથી માંગતા જવાબો. તેઓ હંમેશા સૌ પ્રથમ એકબીજાને સાંભળે છે.

“સમયની ધરતીમાં વિશ્વાસનાં મૂળ જ્યારે ઊંડા ઉતારે છે, ત્યારે તેમાંથી મૈત્રીનો પહાડ ઉગી નીકળે છે...”

કુણાલ ચૌહાણ – કમળ