Description
પાછલા પ્રકરણમાં લેખક શ્રી નિમિષ વોરાએ, લાગણીઓના નવા જ સ્વરૂપોની આપણને ઓળખાણ કરાવી. ડો. મિતુલનાં અંતરમાં ડોકિયું કરાવી લેખકશ્રીએ તે કપટી, અદેખા માનવીની ભીતર બેઠેલા એક ભાવનાશીલ માનવીની પિતાતુલ્ય લાગણીઓનાં રંગોની એક સુરેખ રંગોળી પૂરી.
કોઈક નવલોહિયા નવજુવાનને ગુસ્સામાં, ભલે તેનાં ભલા માટે પણ, કેટલી હદ સુધી જ ટોકી શકાય તેની એક લાલબત્તી પણ તેમણે આપણી સમક્ષ ધરી. ડો. મિતુલ ચોક્કસ જ અશ્ફાકનાં હિતચિંતક હતા પણ તે છતાંય, ગુસ્સામાં તેઓ તેને જાકારો દઈ બેઠા. અને તે વાતની આ યુવા-માનસ પર એટલી અવળી અસર થઇ, કે તે બંને સમસુખીયા-સમદુઃખીયાના સંબંધોનો સાવ અંત જ આવી ગયો. તો સામે પક્ષે, અશ્ફાકની માનસિક-સ્થિતિ ભલે ગમે એટલી સહાનુભૂતિ માંગી લે તેવી હોય, પણ તો ય જો થોડું ખામી ખાવાની વૃત્તિ તેણે દાખવી હોત, તો આવી વિષમ પરિસ્થિતિનો સામનો બંને પક્ષે ટાળી શકાયો હોત, કારણ તે રાતની દસ-પંદર મીનીટની બોલાચાલી, બંને માટે વર્ષોની યાતના મૂકી ગઈ. દૈહિક વાસનાની સાથે જન્મ પામેલો આ વિચિત્ર અને ઉપરછલ્લો સંબંધ, રહેતા રહેતા લાગણીઓના રંગે એટલો રંગાઈ ગયો, કે વાસના તો તેમાંથી ચુપકીદીપૂર્વક પાછલા બારણેથી પગ કરી ગઈ, અને બચી રહ્યો એક એવો ગાઢ અતુટ સ્નેહનો સંબંધ, કે જેનાં તૂટવાની પીડા બંને પાત્રો માટે અસહ્ય બની રહી.
ત્યારપછી લેખકે ફરી એકવાર વાર્તાને એક મક્કમ મુકામ આપ્યો. આ પહેલા તેમણે લખેલ પ્રકરણ-૩માં લેખકે બંને દોસ્તોનાં રહસ્યમય સંબંધ પર સજાતીયતાની સજ્જડ મહોર મારી, તો અત્યાર સુધી મૂંઝાયેલ મન:સ્થિતિમાં રહેનાર અનિકેત પાસે, પ્રણાલી આગળ પોતાની જાતીયતા જાહેર કરી દેવાનો એક બ્રેવ-નિર્ણય, તેમણે આ પ્રકરણમાં લેવડાવ્યો, અને ‘હવે શું થશે ’ની આતુરતાભરી પરિસ્થિતિમાં વાંચકોને મૂકી તેમણે પોતાનું પ્રકરણ અહીં પૂરું કર્યું.
તો હવે પછી વાર્તાની સુકાન ફરી એકવાર મેં કવિ-હૃદયના લેખક રીઝ્વાનભાઈને સોંપવાનું નક્કી કર્યું, કારણ આવી અસમંજસભરી પરિસ્થિતિમાં પહોચેલ વાર્તાને સચોટ ન્યાય તો તેમના સિવાય કોઈ જ ન આપી શકે તેવું મને લાગ્યું, તો હવે તમને પણ ચોક્કસ લાગશે જ, કે અનિકેત-પ્રણાલી વચ્ચેની જોશીલી આર્ગ્યુમેન્ટને જે વેધકતાપૂર્વક તેમણે રજુ કરી, તે સાચે જ દાદને લાયક છે. તે ઉપરાંત વાર્તામાં એક સાવ જ નવો ફણગો ફોડી, તેમણે વાર્તાને આગળ વધવા માટે એક નવી જ કેડી કંડારી આપી છે.
તો આપ સહુ પણ વાંચો આ પ્રકરણ, અને આપના અમુલ્ય પ્રતિભાવો ચોક્કસ આપજો.
.
શબ્દાવકાશ ટીમ વતી,
અશ્વિન મજીઠિયા..