Description
મિત્રો,
તો ગયા અઠવાડિયે આપ સહુએ શ્રીમતી રીટાબહેન ઠક્કર દ્વારા લિખિત પ્રકરણ-૭ વાંચ્યું. બેધડક શૈલીમાં લખાયેલ આ પ્રકરણ જયારે મારી સમક્ષ સમીક્ષા માટે આવ્યું હતું, ત્યારે તેમાંનું એક વાક્ય ‘એનકેશ કરી લે તારું માતૃત્વ’ વાંચીને એક પળ તો હું ચોંકી જ ગયો. આવું..આવું લખાય કેવું લાગશે આ વાક્ય વાંચકો પર કેવી ઇમ્પ્રેશન પડશે પણ બીજી જ પળે મને ખ્યાલ આવ્યો, કે વાર્તાની શરૂઆતમાં જ સમગ્ર ટીમે નક્કી કર્યું હતું, કે કોઈ પણ રીઝેર્વેશન રાખ્યા વિના જ લખવું..બોલ્ડ લખવું. તો બોલ્ડ કોને કહેવાય ફક્ત ગલીપચી કરાવી જાય તેવું કામુક વર્ણન જ લખીને શેખી ન મરાય કે અમે બોલ્ડ છીએ. આ તો ફક્ત વાંચકોને આકર્ષવાની એક પોકળ રીત કહેવાય. જે વસ્તુ સમાજમાં સ્વીકાર્ય ન હોય, જે વાત વાંચકોને ગળે ઉતારતાં મુશ્કેલી પડે, વાંચકોને જે વાત હજમ થતા વાર લાગે, તે વાત તેમની સમક્ષ એક વાર્તાનાં સ્વરૂપમાં મૂકી એક ઉદાહરણ પૂરું પાડી ધીરે ધીરે તેમને આ બાબતે તૈયાર કરીએ, તેને કદાચ ‘બોલ્ડ’ કહી શકાય.
તો આ વાક્ય..આ સંવાદ..આ શિખામણ..આ આદેશ..કે જે ડો.અનીલ તેમની પત્ની મીનાબેનને આપે છે, ‘એનકેશ કરી લે તારું માતૃત્વ’ [કોઈક બેરર ચેક હોય તેમ તારું માતૃત્વ વટાવી લે..તેનો ફાયદો ઉઠાવી લે.]
માતૃત્વ જેવા દિવ્ય અહેસાસનું આવું નિમ્ન પ્રકારનું વ્યાપારીકરણ કરવાની સલાહ..આવી વાત..ભલે એક પુરુષ કહેતો હોય તેની પત્નીને, પણ આ છે તો ઉપજ, એક લેખિકાના દિમાગની જ ને. આવી વાત જયારે એક સ્ત્રી વિચારે, ફક્ત વિચારે નહીં, વાંચકોની સમક્ષ લખીને મુકવાની હિમ્મત કરે ત્યારે ખરેખર બેધડક લખ્યું કહેવાય..સાચા અર્થમાં બોલ્ડ. -આવો વિચાર આવતા જ અમુક ટીમ-મેમ્બર્સના વિરોધની ઉપરવટ જઈને પણ મેં આ વાક્ય ‘સેન્સર-પાસ’ કરી દીધું. તે ઉપરાંત રીટાબહેને અંત ભાગમાં વાર્તાને એક અણધાર્યો વળાંક આપીને આપણને એક સુખદ આંચકો પણ દઈ દીધો, અને પોતાનું પ્રકરણ ત્યાં પૂરું કર્યું.
તો તે પછીનું આ પ્રકરણ મેં આપ્યું અમારી ટીમના એક ધીર-ગંભીર વ્યક્તિત્વ ધરાવતા RJ ગુજરાતીને. RJ એટલે રેડીઓ જોકી નહીં પણ સરકારી નોકરી માટે ગાંધીનગર ખાતે રહેતા રીઝ્વાનભાઈ ઘાંચી. સ્વભાવે એકદમ શાંત, નમ્રતા ભારોભાર, અને એકદમ સોફ્ટ-સ્પોકન વાણી. અમારા આ ધીરગંભીર, સભ્ય અને શાંત સાહેબ માટે એટલું જ કહીશ કે, શાંત પાણી કેટલા ઊંડા હોય છે, એ તો એમનું આ પ્રકરણ જ સાબિત કરી આપશે. આમેય એમનો લખેલ એપિસોડ હોય, એટલે મારે કંઈ ઝાઝું કહેવાનું રહેતું જ નથી. શુધ્ધ ગુજરાતી ભાષા, અને સડસડાટ વહેતા શબ્દો. એકવાર વાંચવાનું શરુ કરીએ એટલે પૂરું થઇ જ જાય. એનું એક કારણ એ પણ છે, કે રીઝ્વાનભાઈ વાર્તાની સાથે સાથે કવિતાની અભિવ્યક્તિ પણ ખુબ જ સુંદર રીતે કરે છે. નામ રીઝ્વન, તો હૃદય એકદમ ઋજુ, હા, કવિ-હ્રદય હોય જ ઋજુ તેમાં કોઈ જ બેમત ન હોય.
હા, અમારા આ ઋજુ-હ્રદયના રીઝુભાઈએ આ એપિસોડમાં પણ પોતાની આ કળાનો આપણને સુંદર આસ્વાદ કરાવ્યો છે. તેમના શબ્દોમાં અભિવ્યક્ત એવી પ્રણાલીની મનોગત, તેમ જ અનિકેત અને અશ્ફાકના વિચાર-મંથનને આપ ચોક્કસપણે માણશો જ એની મને ખાતરી છે.
તો, રીઝ્વાનભાઈના આ હપ્તાનાં ઊંડાણ ભરેલા વહેણને તમારી સમક્ષ રજુ કરતા મને અનહદ આનંદ થાય છે.
.
શબ્દાવકાશ ટીમ વતી,
અશ્વિન મજીઠિયા..