Description
અઢી અક્ષરનો પ્રેમ હોય છે, પરંતુ જ્યારે તેમાં સમય અને સંજોગોની થપાટોથી સમસ્યાઓ સર્જાય છે, ત્યારે એ પ્રેમ મટીને અઢી અક્ષરનો વ્હેમ બની જાય છે. એઇડ્સ, હોમો-સેક્સ્યુઆલીટી, બાય-સેક્સ્યુઆલીટી, ડેમી-સેક્સ્યુઆલીટી, જેવા બોલ્ડ ટોપિક પર લખાયેલી એક અદભૂત વાર્તા, જે તમને અંત સુધી જકડી રાખશે. લાગણીઓને વેરવિખેર કરી નાખતી રોમાંસ, થ્રીલ અને સંબંધોના તાણાવાણાથી સુરેખ રીતે ગુંથાયેલ એક વાર્તા. પ્રણાલી, અનિકેત અને અશ્ફાક જેવા યુવાન હૈયાઓની લાગણીને પ્રતિબિંબીત કરતી આ વાર્તામાં વાત છે, એક છોકરીની મુંઝવણની, તેનાં માબાપની ચિંતાની. કઇ છોકરી એ સહન કરી શકે કે એનો બોયફ્રેન્ડ એક ગે સબંધ પણ રાખે છે HIV+ એવો તેનાં બોયફ્રેન્ડનો એઇડ્સનો રોગ કોનો અને કેટલાનો ભોગ લેશે પ્રણાલીના લગ્ન માટે એના પિતા ડો. અનીલ રાજી થશે શું એની માતા તેને આ નર્કમાં જવા દેશે જાણવા માટે વાંચો રોલર કોસ્ટર રાઈડ જેવી અદભૂત વાર્તા અઢી અક્ષરનો વ્હેમ
.
તો વાંચકમિત્રો, આ વાર્તાના ત્રીજા પ્રકરણમાં આપે શ્રી નિમિષ વોરાની કલમનો આસ્વાદ લીધો. ધાર્યા કરતા પણ સુરેખ રીતે, એક અનુભવી લેખકની જેમ જ તેઓએ વાર્તાને રસમય રીતે આગળ વધારી. ગોવામાંના કોઈક નવા પાત્રનો તેમણે ઉમેરો કર્યો, તો પ્રણાલી અને અનિકેતની અમુક આત્મીય ક્ષણોનો થોડાક શાયરાના અંદાજમાં તેમણે આસ્વાદ પણ કરાવ્યો. તે ઉપરાંત, ખુબ જ બેધડક રીતે અનિકેતની ‘ગે’ હોવાની..સમલિંગી હોવાની વાતને તેમણે તેમના એપિસોડમાં બેધાકપણે પુષ્ટિ આપી, મોટે ભાગે નર્યા કામુકતાસભર ગણાતા આવા સંબંધોને એક ઈમોશનલ-ટચ પણ આપ્યો.
હા, અમારો આ પ્રકલ્પ ‘વાર્તા એક, વહેણ બે’ શરુ કરતી વેળાએ જ અમે સોળે-સોળ સભ્યોએ નક્કી કર્યું છે, કે વાર્તાનો વિષય બોલ્ડ રાખીશું. તો આ વાત ધ્યાનમાં રાખીને નિમિષભાઈએ અનિકેત અને તેના મિત્ર અશ્ફાકના સંબંધોને ‘ખાસ’ દર્શાવ્યા છે.
ગુજરાતી સાહિત્યમાં ભાગ્યે જ કદાચ કોઈ લેખકે તેની વાર્તાના નાયકને સમલિંગી માનસિકતાવાળો બતાવ્યો હશે, પણ અહીં અમે વાર્તા-નાયકને સમલિંગી માનસિકતાવાળો જ નહીં, પરંતુ તેવી લાઈફ-સ્ટાઈલ જીવતો પણ બતાવ્યો છે.
વાંચકોને આ બધું થોડું અજુગતું લાગતું હશે, પણ સજાતીય સંબંધો એ આપણા સમાજની એક નક્કર હકીકત છે, કે જેને આપણે વહેલેમોડે સ્વીકારવી જ રહી. આપણા સમાજમાં આને એક માનસિક-વિકૃતિ ગણવામાં આવે છે, તો અમેરિકા અને યુરોપના પાશ્ચાત્ય દેશોમાં આને એક જીવન-શૈલી, એક જુદા પ્રકારની લાઈફ-સ્ટાઈલ ગણવામાં આવે છે. અમુક દાયકાઓ પહેલા, ત્યાં પણ આ એક વિકૃત-માનસિકતા જ ગણવામાં આવતી હતી, પરંતુ હવે તેનાથી આગળ વધી, આવી જીવન-શૈલીને ત્યાં સામાજિક સ્વીકૃતિ પણ આપવામાં આવી છે. સજાતીય સંબધોથી જોડેલ પુખ્ત વયના બે પુરુષોને ત્યાં લગ્ન કરવાની પણ કાયદાકીય છૂટ આપવામાં આવી છે, કારણ કેટલાયે સર્વેક્ષણોના તારણમાં એ જણાઈ આવ્યું છે, કે દર દસ પુરુષે એક પુરુષની, ભલે છાની, પરંતુ આવી માનસિકતા હોય જ છે.
આવે તબક્કે આ વાતને ધ્યાનમાં રાખીને અમારી ટીમ પણ આ વાર્તા-નાયકની આવી મનો-વૃતિને સહજ રીતે રજુ કરવા હિંમતભેર તૈયાર થઇ છે. આશા છે કે આપ વાંચક-ગણ પણ મનમાં કોઈ પૂર્વગ્રહ, કે એવી કોઈ જૂની સૂગ રાખ્યા વિના આ વાર્તાને માણશો.
તે પછીના આ પ્રકરણમાં વાર્તા-નાયક અનિકેતને સજાતીય અને વિજાતીય એવા બંને સંબધોમાં અટવાતો અને પછી, મુંઝાતો પણ દર્શાવવાનો હોઈ, ફરી એકવાર મારે એક નવયુવાન લેખકને આ એપીસોડની લગામ આપવાની હતી, તો અમારા ટીમના આરબ શેખ, એવા દુબઈના રહેવાસી રવિ યાદવ પર મારી નજર ઠરી.
રવિ યાદવ ૨૨-૨૩ વર્ષનો એક તરવરીયો નવયુવાન લેખક છે, કે જેની કલમનો આસ્વાદ તમે સૌ ‘માતૃભારતી’ પર માણી જ ચુક્યા છો. ‘ગોઠવાયેલા લગ્ન’ અને ‘બીજો પ્રેમ’ જેવી જબરદસ્ત હીટ વાર્તાઓ આપણને આપી રવિએ ટોપ-મોસ્ટ લેખકની શ્રેણીમાં પોતાનું સ્થાન જમાવી લીધું છે. કાયમ મસ્તી, મજાક અને હાસ્યના ફુવારા છોડવાની સાથે સાથે હમેશા પ્રફુલ્લિત રહેનાર અમારી ટીમનો આ તરવરીયો લેખક ક્યારેક રમતરમતમાં પણ એક સાદી સીધી વાત બહુ સુંદર રીતે સમજાવી જાય છે.
તો હવે તેની પાસે એક પ્રણયરંગી-પ્રકરણ લખાવી, તેની કલમનો કસબ આપ સૌની સમક્ષ રજુ કરતા મને ફરી એકવાર આનંદની લાગણી થાય છે.
.
શબ્દાવકાશ ટીમ વતી,
અશ્વિન મજીઠિયા..