Description
અઢી અક્ષરનો પ્રેમ હોય છે, પરંતુ જ્યારે તેમાં સમય અને સંજોગોની થપાટોથી સમસ્યાઓ સર્જાય છે, ત્યારે એ પ્રેમ મટીને અઢી અક્ષરનો વ્હેમ બની જાય છે. એઇડ્સ, હોમો-સેક્સ્યુઆલીટી, બાય-સેક્સ્યુઆલીટી, ડેમી-સેક્સ્યુઆલીટી, જેવા બોલ્ડ ટોપિક પર લખાયેલી એક અદભૂત વાર્તા, જે તમને અંત સુધી જકડી રાખશે. લાગણીઓને વેરવિખેર કરી નાખતી રોમાંસ, થ્રીલ અને સંબંધોના તાણાવાણાથી સુરેખ રીતે ગુંથાયેલ એક વાર્તા. પ્રણાલી, અનિકેત અને અશ્ફાક જેવા યુવાન હૈયાઓની લાગણીને પ્રતિબિંબીત કરતી આ વાર્તામાં વાત છે, એક છોકરીની મુંઝવણની, તેનાં માબાપની ચિંતાની. કઇ છોકરી એ સહન કરી શકે કે એનો બોયફ્રેન્ડ એક ગે સબંધ પણ રાખે છે HIV+ એવો તેનાં બોયફ્રેન્ડનો એઇડ્સનો રોગ કોનો અને કેટલાનો ભોગ લેશે પ્રણાલીના લગ્ન માટે એના પિતા ડો. અનીલ રાજી થશે શું એની માતા તેને આ નર્કમાં જવા દેશે જાણવા માટે વાંચો રોલર કોસ્ટર રાઈડ જેવી અદભૂત વાર્તા અઢી અક્ષરનો વ્હેમ
.
‘શબ્દાવકાશ’ના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘વાર્તા એક, વહેણ બે’ના અંતર્ગતનું, ભાઈશ્રી હેમલ વૈષ્ણવ દ્વારા લિખિત પ્રથમ પ્રકરણ આપે વાંચ્યું. પ્રકરણનો છેડો આવતા આવતા હેમલભાઈ, ડો.અનીલ સરૈયાની સાથે સાથે વાંચકોના મનમાં વ્હેમના બીયારોપણ કરીને અટકી ગયા છે.
વાર્તા-નાયક અનિકેતના બ્લડ-રીપોર્ટમાં તે HIV પોઝીટીવ જણાય છે, અને અધૂરામાં પૂરું તેને તેના પરમ-મિત્ર અશ્ફાકની સાથે વાંધાજનક હરકત કરતો જોઇને ડો. અનીલ તો શું, કોઈના પણ મનમાં ‘બે ને બે ચાર’ કરવાની લાલચ જાગી આવે, કે આ બંને મિત્રો સમલિંગી સેક્સ-સંબંધોથી જોડાયેલ હોઈ શકે.
આવો વ્હેમ કોઈ પણ દીકરીના બાપ માટે ચોક્કસ જ ચિંતાનો વિષય ગણાય, કારણ અઢી અક્ષરનો આ વ્હેમ, આવા જ અઢી અક્ષરના પ્રેમને પરાભૂત કરવા માટે ઘણીવાર સક્ષમ પુરવાર થતો હોય છે, અને તેનાં અનેક દાખલાઓ પણ નોંધાયા છે. તો હવે શું કરવું જોઈએ ડો. અનીલ સરૈયાએ
‘વાર્તા એક, વહેણ બે’ની સમજુતી મુજબ હવે, હેમલભાઈ અને તેમની ટીમBના, અને મારા અને મારી ટીમAના રસ્તા અહીંથી અલગ અલગ પડી જાય છે. તેમણે લખેલ આ પ્રકરણ-૧ને જોડતી વાર્તા આગળ વધારવાની જવાબદારી હવે મારી અને મારી ટીમ-Aની છે.
આવી જ રીતે તેઓ પણ તેમની ટીમ-Bને સાથે લઈને અહીંથી જ આ વાર્તાને ‘તિમિર મધ્યે તેજ કિરણ’ના નામે પોતાની આગવી શૈલી અને કલ્પના-શક્તિથી આગળ વધારશે જ.
પણ હાલ તો આપ આ વાર્તાને ‘અઢી અક્ષરનો વ્હેમ’ના સ્વરૂપે જ માણો.
આ વાર્તા પૂરી થયા બાદ તુરંત જ તે બીજી વાર્તા પણ અહી રજુ થશે કે જે આપ સહુને એક નવતર અનુભવ દઈ જશે.
તો અત્યારે, આ વાર્તાને આગળ વધારવા માટે મેં અમારા ટીમના શ્રીમતી અનસુયા દેસાઈને જ પસંદ કર્યા છે, કારણ આ એક એવો તબક્કો છે, કે જ્યાં દીકરીના માબાપની મૂંઝવણભરી પરિસ્થિતિને બખૂબી વર્ણવવી પડે તેમ છે, અને અનસુયાબેન જેવા કાબેલ અને અનુભવી લેખિકા જ આ કામ સુપેરે પાર પાડી શકે, તેવી મને ભીતરમાં લાગણી થઇ આવી છે. અને તેઓ પણ આ કામમાં જરાય ઉણા નથી ઉતર્યા તે વાતની ખાતરી આપને પણ આ પ્રકરણ વાંચ્યા બાદ ચોક્કસ થઇ જશે.
તેઓ અમારી ટીમના એક અતિ સિદ્ધહસ્ત લેખિકા છે. વ્યવસાયે તેઓ રેલ્વેના રીટાયર્ડ કર્મચારી અને મુંબઈના રહેવાસી છે. તેમનું ગુજરાતીનું ભાષાકીય જ્ઞાન અતિ સમૃદ્ધ ગણાય, તો જોડણી અને શબ્દો માટેની સજ્જતા પણ અતિ ચોક્કસ છે. બીજા શબ્દોમાં એમને ‘અમારી ટીમનો શબ્દકોશ’ કહીએ તો તેમાં જરાય અતિશયોક્તિ નથી. પ્રકરણની માંગ અનુસાર તેમણે HIV+ અને એઇડ્સ, આ બંને બાબતોને લગતી જરૂરી અને કીમતી જાણકારી અત્રે આવરી લીધી છે, કે જેનાથી આપણે અને આપણો સમાજ ખાસ્સો અજાણ છે.
તો આવા અમારા અનસુયાબેનનો આ એપિસોડઅત્રે રજુ કરતા હું ગર્વની લાગણી અનુભવું છું.
.
શબ્દાવકાશ ગૃપ વતી,
અશ્વિન મજીઠિયા..