અમે ઝડપથી બાજુના રૂમમાં પ્રવેશ્યા અને... ત્યાં જ જડાઈ ગયા. આ એ જ રૂમ હતો કે જ્યાંથી આ બધો બખેડો શરૂ થયો હતો. બરાબર સામે પડતી બારી પાસે કાળો ઓવરકોટ પહેરેલી એક વ્યક્તિ અમારી તરફ પીઠ રહે એમ બારી તરફ ફરીને ઊભી હતી ! બારીમાંથી આવતા સૂર્યપ્રકાશને કારણે એ વ્યક્તિનો પડછાયો પાછળ તરફ રેલાતો હતો. કોણ હશે આ માણસ અહીં શા માટે આવ્યો હશે પેલા બદમાશોનો સરદાર તો નહીં હોય ને – એક સાથે આવા કેટલાય સવાલ હથોડાની માફક ઝીંકાવા લાગ્યા. - આખરે આ રહસ્યમય માનવી છે કોણ ‘ઓહ ! તો તમે લોકો આવી પહોંચ્યા...’ એ માણસ ઘોઘરા અવાજે બોલ્યો. એનો આવો ઘુરકાટ અમને ડરાવી ગયો. કદાચ એ માણસ અવાજ બદલીને વાત કરતો હતો. મારો હાથ સીધો જ પેન્ટના ખિસ્સામાં પડેલી રિવોલ્વર પર જઈ પહોંચ્યો.