દરેક વ્યક્તિને પેલો ઈશ્વર હંમેશા પોતાના બ્લેસિંગ્સ આપીને જ આ ધરતી પર મોકલતો હોય છે. દરેક વ્યક્તિને કંઈ ને કંઈ ધ્યેય સાથે, વિચાર સાથે, વ્યક્તિવ સાથે અને વક્તવ્ય સાથે મોકલતો હોય છે. પરંતુ, સમાજ, શિક્ષણ અને વાતાવરણની છડી એવી તે એના પર ફરે છે કે તે પોતે અવ્યક્ત બનીને સમય સાથે મુક બનીને જીવતો હોવા છતાં માત્ર માંસનો એક પિંડો બનીને રહી જાય છે. દરેક વ્યક્તિ પોતે સ્ટુડન્ટ બનીને અલગ-અલગ ક્ષેત્રોમાં પોતાનો સિક્કો જમાવવાની કોશિશ માત્ર કરે છે. બસ, દિલમાં શું છે આ પ્રશ્નનો જવાબ તેની પાસે નથી હોતો. કેટલુંયે બધું ‘ટ્રાયલ મોડ’ પર રહીને નવું શીખવાનો નહિ, પરંતુ એ પૂરું કરીને બીજા પર છલાંગ લગાવવાની કોશિશ કરતો હોય છે. પછડાટ ખાય છે ત્યારે હિંમત હારીને બેસી જાય છે અને ઘેટાશાહી ટોળામાં ધક્કે ચડીને ચાલતો રહે છે.