આ કૃતિમાં લોર્ડ કર્ઝનના દરબાર અને કલકત્તામાં રહેણાંકના અનુભવો ગાંધીજીએ વર્ણવ્યા છે. મહાસભા પૂર્ણ થતાં ગાંધીજી કલક્તામાં રોકાયા. ચેમ્બર ઓફ કોમર્સ વગેરે મંડળોને મળવાનું થયું. હોટલમાં ઉતરવાના બદલે ગાધીજી ઇન્ડિયા ક્લબમાં રોકાયા. આ ક્લબમાં ગોખલે વારંવાર બિલિયર્ડ રમવા આવતા. તેમણે ગાંધીજીને પોતાની સાથે રહેવાનું આમંત્રણ આપ્યું. આ સમયગાળામાં લોર્ડ કર્ઝનનો દરબાર હતો. આ દરબારમાં જવા માટે એક મહારાજા ઇન્ડિયા ક્લબમાં રોકાયા હતા. દરરોજ બંગાળી ધોતી પહેરતા આ મહારાજાને એક દિવસ પાટલૂન, ચમકદાર બૂટ પહેરેલા જોઇને ગાંધીજીએ કારણ પૂછ્યું તો તેમણે કહ્યું કે ‘અમારા પૈસા અને અમારા ઇલકાબો રાખવા માટે અમારે અપમાનો સહન કરવા પડે છે. લોર્ડ કર્ઝન સામે અમારા પોશાકમાં જઇએ તો એ ગુનો ગણાય.’ ગાંધી આને લગતો બીજો એક પ્રસંગ વર્ણવતા લખે છે કે ‘કાશી હિન્દુ વિદ્યાપીઠમાં લોર્ડ હાર્ડિંગનો દરબાર ભરાયો ત્યારે પણ રાજા મહારાજાઓના માત્ર સ્ત્રીઓને શોભે તેવા આભૂષણો પહેરેલા જોઇને હું દુઃખી થયો હતો. પંરતુ આવા મેળાવડાઓમા તેમણે આવું ફરજના ભાગરૂપે કરવું પડતું તેવું મેં સાંભળ્યું હતું.’