આ પ્રકરણમાં ગાંધીજીના કારકૂની અને નોકરના કામનું વર્ણન છે. મહાસભામાં એક-બે દિવસની વાર હતી. ગાંધીજી જે દિવસે આવ્યા હતા તે દિવસે મહાસભાની ઓફિસમાં ગયા. ત્યાં ભૂપેન્દ્રનાથ બસુ અને ઘોષળબાબુ મંત્રી હતા. ગાંધીજીએ તેમની પાસે કામ માંગ્યું. ધોષળબાબુએ ગાંધીજીને કારકુનની કામ સોંપ્યું. કાગળો લખવા અને પહોંચો આપવા જેવા કામ ગાંધીજીએ કર્યા. ગાંધીજીના કામથી ધોષળબાબુ ખુશ થયા જોકે ગાંધીજી વિશે વધુ જાણ્યા પછી તેમને શરમ લાગી. બપોરે જમવાનું પણ ગાંધીજી તેમની સાથે જ લેતા. ઘોષળબાબુના બટન પણ ‘બેરા’ (નોકર) જ ભીડતો. ગાંધીજીએ આ નોકરનું કામ પણ ઉપાડી લીધું. ગાંધીજીનો વડીલો પ્રત્યેનો આદર જોઇને તેઓ આવું કામ ગાંધીજીને કરવા દેતા. મહાસભામાં ગાંધીજીની મુલાકાત સુરેન્દ્રનાથ, ગોખલે જેવા લોકો સાથે થઇ. ગાંધીજીએ જોયું કે મહાસભામાં સમયની બરબાદી બહુ થતી. એક વ્યક્તિથી જે કામ થઇ શકે તેમાં એકથી વધુ માણસો રોકાતા જ્યારે કોઇ અગત્યના કામ માટે કોઇ માણસ ઉપલબ્ધ નહોતા.