ધોતિયું પહેરનારે એ ખાસ ધ્યાન રાખવું પડે છે કે ધોતિયું ક્યાંય ભરાઈ ન જાય અથવા પોતે ક્યાંય ભેરવાઈ ન જાય. નરવસ્ત્રોની દુનિયામાં ધોતીયાએ વરસો સુધી એકચક્રી શાસન કર્યું છે. કારણ કે ધોતિયું કોઈપણ સંજોગોમાં સાનુકુળ વસ્ત્ર છે. આમ છતાં ધોતિયાની મોનોપોલી તૂટી રહી છે. આપણા દેશમાં વૈદિક યુગથી માંડીને છેકે બ્રિટીશશાસન સુધી ધોતિયાની બોલબાલા રહી છે. કારણ કે ધોતિયાને ખરીદીને ધારણ કારો ત્યાં સુધીમાં વચ્ચે ક્યાંય દરજી આવતો નથી. ધોતિયું ફેક્ટરીથી ડાયરેકટ શરીર સુધી આવી જાય છે. દિવાળી વખતે અન્ય કપડાની ખરીદી બહુ વહેલી કરવી પડે છે પણ ધોતિયું તો તમે દિવાળીની રાતે ખરીદીને પહેરી શકો છો. વળી આજ સુધીમાં રેમન્ડ, દિગ્જામ કે, ઓન્લી વિમલ જેવા બ્રાન્ડેડ ધોતિયા બજારમાં આવ્યા નથી. વળી પાર્ટીવેર ધોતિયું કે, ફોર્મલ ધોતિયું એવા કોઈ પ્રકાર નથી. આમ ધોતિયું ફોર્મલ છે અને નોર્મલ પણ છે.