આ પ્રકરણમાં ગાંધીજીના બ્રહ્મચર્ય વિશેના વિચારો અંગેનું વર્ણન છે. ગાંધીજીને આવા વિચારો પાછળ રાયચંદભાઇની અસરનું પ્રાધાન્ય હતું. ગાંધીજી વિષયવાસનાને કાબૂમાં રાખી બ્રહ્મચર્યનુ પાલન કરવા માંગતા હતા. ગાંધીજી લખે છે કે તેમના અને પત્ની વચ્ચેના સંબંધોમાં ક્યારેય પત્ની તરફથી આક્રમણ થયું નથી. બ્રહ્મચર્યનું પાલન કરવામાં ગાંધીજીનો મુખ્ય હેતુ પ્રજોત્પતિ અટકાવવાનો હતો. ગાંધીજીએ સંયમપાલનની શરૂઆત કરી ત્યારે મુશ્કેલીઓનો પાર નહોતો. જો કે આ અંગેનો નિશ્ચય તો 1906ની સાલમાં જ કરી શક્યા. બોઅરના યુદ્ધ પછી નાતાલમાં ઝૂલુ બળવો થયો. એ વેળા ગાંધીજી જોહાનિસબર્ગમાં વકીલાત કરતા હતા. ગાંધીજીને લાગ્યું કે પ્રજોત્પતિ અને પ્રજાઉછેર જાહેરસેવાના વિરોધી છે. ટાપટીપથી વસાવેલા ઘર અને રાચરચીલાનો માંડ મહિનો થયો હશે તેટલામાં તેનો ત્યાગ કરવો પડ્યો. પત્ની અને બાળકોને ફીનિક્સમાં રાખ્યાં. બળવામાં ગાંધીજીને દોઢ મહિનાથી વધારે રોકાવું પડ્યું.ગાંધીજીનું માનવું હતું કે ત્યાગ વૈરાગ વિના ટકી શકતો નથી, પણ તેઓ કોઇ વ્રત કરવામાં માનતા નહોતા.