અમદાવાદમાં ચારે તરફ ભડકા શમ્યા નહોતા. લોકો રહી-રહીને પણ બહાર નીકળી પોતાનો હિસાબ પૂરો કરતા હતા. જો કે અમદાવાદ માટે કોમી તોફાનો કંઈ નવા નહોતા. એ વાત સાચી હતી કે આટલા વ્યાપક પ્રમાણમાં તોફાનો ઘણા વર્ષો પછી થયા હતા. ૧૯૬૯માં આ પ્રકારના જ કોમી તોફાનો થયા હતા ત્યારે મારી ઉંમર ચાર વર્ષની હતી. મને બહુ યાદ નથી પણ કેટલાક દ્રશ્યો હજી પણ મારી આંખ સામેથી હટતાં નથી. મારા પિતાજી એ. જી. ઓફીસમાં નોકરી કરતા હોવાને કારણે અમે મેઘાણીનગર એ. જી. ઓફીસના કવાર્ટરમાં રહેતા હતા.