આ પ્રકરણમાં પ્રિટોરિયામાં દાદા અબ્દુલ્લાના કેસમાં મદદ કરવા ગયેલા ગાંધીજીના અનુભવોનું વર્ણન છે. પ્રિટોરિયામાં એક હબસીએ ગાંધીજીને જોન્સનની નાનકડી ફેમિલી હોટલમાં લઇ ગયો. મિ.જોન્સનને ગાંધીજીને એક રાત માટે રહેવા માટે રૂમ આપી અને કહ્યું કે તેમના ગ્રાહકો ગોરાઓ છે તેથી ખાવાનું તેઓ રૂમમાં જ ખાય. જો કે પછીથી હોટલ માલિકે બધા ઉતારુઓની સંમત્તિથી ગાંધીજીને રેસ્ટોરન્ટમાં જમવા માટે હા પાડી. અબ્દુલ્લા શેઠના કહેવાથી ગાંધીજી તેમના વકીલ મિ.બેકરને મળ્યા. બેકરે કેસ ગૂંચવાડા ભરેલો હોવાથી ગાંધીજીને ફક્ત પત્રવ્યવહારમાં મદદ કરવા કહ્યું. બેકરે ગાંધીજીને પ્રિટોરિયામાં ભાડેથી ઘર અપાવવામાં મદદ કરી. બેકર એક વકીલ હોવાની સાથે ધર્મચુસ્ત પાદરી પણ હતા. તેઓ ગાંધીજી સમક્ષ વારંવાર ખ્રિસ્તી ધર્મની મહાનતાનું વર્ણન કરતા. બેકરે ગાંધીજીને ખાસ બાઇબલ વાંચવાની સલાહ આપી. ગાંધીજીનું માનવું હતું કે હિન્દુ ધર્મને સંપૂર્ણ રીતે જાણ્યા વગર ખ્રિસ્તી ધર્મનું સ્વરૂપ તેમનાથી કેવી રીતે જાણી શકાય.ગાંધીજીએ નક્કી કર્યું કે જેનો અભ્યાસ કરવો હોય તે નિષ્પક્ષ રીતે કરવો.