નવા શહેરમાં આવ્યા બાદ અહી ફાજલ સમયમાં મને બહુ કંટાળો આવતો. એકલતા સતાવતી હતી. ક્યારેક આઈ બાબા યાદ આવી જાય તો એકાંતમાં રડી પણ લેતી. ત્રણ ચાર દિવસે તેમને ફોન કરી લેતી. રોજ-રોજ ફોન કરવાનું પોસાય એમ નહતું. કોલ રેટ ત્યારે ખુબ ઊંચા હતા. મને પણ કોઈકના સથવારાની, કોઈની હૂંફની જરૂર હતી. આવા સમયે જ રણજીત અને સુભાષ બંને મારી સાથે મિત્રતા કરવા માંગતા હતા. આમ તો સીધી વાત હતી કે બંને મારા તરફ આકર્ષિત થયા હતા. અજાણ્યા શહેરમાં સમય પસાર કરવા મારે પણ મિત્રોની જરૂર હતી એટલે ટૂંક સમયમાં અમારા ત્રણેનું ગ્રુપ બની ગયું.