સોરઠી સંતો- સંત દેવીદાસ: પ્રભાતને પહોર ચડતો હતો ત્યાં જ પાસેના દિયાળ ગામમાંથી બ્રાહ્મણોનાં જૂથ ઊમટવા લાગ્યાં. તેઓની જાડે લીલાગર ઘૂંટવાની ખરલો, છીપરો, ઉપરવટણા, ભાંગનો મસાલો ને મોટાં રંગાડાં પણ આવી પહોંચ્યાં. ભરતી પાછી વળી ત્યારે રત્નાકરે રત્નેશ્વરનું ભોંયરું ખાલી કરી દીધું. ભયાનકતા દૂર ચાલી ગઈ. બ્રાહ્મણો અંદર ઊતરીને ભોંયરામાં પેઠા ને પાણી પાછું કદાપિ ચડવાનું જ નથી એવા પ્રકારની વિશ્વાસભરી લહેર કરતાં સહુએ શિવલિંગ સમક્ષ સુખડ ઘસીને લલાટો પર સુંદર ત્રિપુંડો ખેંચ્યાં.