‘મારે જવું જ જોઈએ...આવી તક બીજી વાર મળે ન મળે.... જિંદગીમાં પહેલી વાર કોઈ મનગમતી છોકરીને એકાંતમાં મળવાનો, એને મારા મનની વાત કહેવા નો મોકો પછી ક્યારેય ન પણ મળે...’ મનમાં ઉઠતા વિચારોના ઘોડાપૂરને નાથવાનો પ્રયાસ કરતા મેં ઊંડો શ્વાસ ભર્યો. હાથમાં મીઠાઈ અને ચોકલેટના બોક્સ ની થેલી લઈને મેં ચાલવા માંડ્યું. કૈંક વિચાર આવતા મારા પગ ફરી થંભી ગયા. થોડું પાછળ ચાલીને એક હેર કટિંગ સલૂન માં હું ચઢ્યો. હજુ ગયા અઠવાડિયે જ વાળ કપાવેલા ત્યારે મારા હજામે મને ફેસિયલ કરાવવા આગ્રહ કર્યો હતો. એ દિવસે તો મારા કરકસરિયા જીવે ફેસિયલના પૈસા ખરચવા દીધા ન હતા. પણ આજે ચાલે એમ ન હતું! સલૂન ની આરામદાયક ખુરશીની પીઠ પર માથું ઢાળીને હું બેસી ગયો. વીસેક મિનિટ મારા ચહેરા પર પોતાની આંગળી નું કૌશલ્ય અજમાવીને એણે મને સીધો બેસાડીને બંને તરફ ઝગારા મારતી લાઈટ ના અજવાળામાં અરીસામાં ચમકતો મારો ચહેરો બતાવ્યો ત્યારે મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. ‘બત્રીસ નો લાગુ છું...!’ હું અસ્ફૂટ જ બબડ્યો પણ પેલા ચાલાક કસબીએ મારા શબ્દો મારા ચહેરા પર વાંચી લીધા હોય એમ એ મારા કાનમાં બોલતો હોય એ રીતે મારી નજીક મોં લાવી ને બોલ્યો. ‘બાવીસના દેખાશો, સાહેબ... નિરાંતે આવો!’