ગાંધીજીની શરમાળ પ્રકૃતિ વિશે આ પ્રકરણમાં જાણવા મળે છે. અન્નાહારી (શાકાહારી) મંડળની કાર્યવાહક સમિતિમાં ચૂંટવા છતાં સમિતિની બેઠકમાં ગાંધીજીની જીભ બોલવા માટે ઉપડતી જ નહોતી. ઘણીવાર ગાંધીજી અન્નાહારી મંડળની બેઠકમાં લખીને પોતાના વિચારો રજૂ કરતાં હતાં. જો કે, પોતાનું લખેલું વાંચવામાં પણ તેમને સંકોચ થતો હતો, પરિણામે તેમનું લખાણ બીજા વાંચતા હતા. પોતાનું લખેલું વાંચવા ઉભા થાય તો પણ ગાંધીજીના પગ ધ્રુજતા હતાં. વિલાયત છોડતાં પહેલાં ગાંધીજીએ મિત્રોને હાર્બન ભોજનગૃહમાં જમવા માટે બોલાવ્યા હતા ત્યારે માંસાહારી ભોજનગૃહમાં શાકાહારીનો પ્રવેશ થાય તેવી વ્યવસ્થા તેમણે ગોઠવી હતી. ગાંધીજીનો આ અખતરો વ્યર્થ ગયો અને તેમની ફજેતી થઇ. ગાધીજીનો ભાષણ આપવાનો સમય આવ્યો ત્યારે બોલવા ટૂંકું વિનોદી ભાષણ કરવાં જતાં પોતે વિનોદનું પાત્ર બન્યા હતા. જો કે, ગાંધીજી માનતા હતા કે શરમાળ પ્રકૃતિથી તેમને નુકસાન ઓછું ને ફાયદો વધુ થયો છે. ફાયદો એ થયો કે, તેઓ શબ્દોની કરકસર કરીને વિચારો પર કાબૂ મેળવતાં શીખ્યા. ગાંધીજીનું માનવું હતું કે સત્યના પૂજારીએ મૌનનું સેવન કરવું જોઇએ.