વલણ

(21)
  • 5.9k
  • 3
  • 1.2k

માનવી જીવનમાં હકારાત્મક અભિગમ રાખીને આગળ વધી શકે. ઊંચ-નીચ કે નાત-જાતના ભેદભાવથી પર રહીને સ્વભાવ બદલવાથી જિંદગી સરળ બને છે. વલણ ડો.કિશોર પંડ્યા આજે મનસુખલાલની મૂંઝવણ ખૂબ જ વધી ગઈ હતી. દીકરી સાસરેથી આવી હતી. મનસુખલાલે એમની દીકરી ગૌરીનાં લગ્ન ધામધૂમથી કર્યાં હતાં. આખી જ્ઞાતિમાં એમણે ડંકો વગાડી દીધો હતો. જાનૈયાઓએ પણ ખૂબ મોજથી લગ્નનો લહાવો લીધો હતો. મોટર અને હેલિકોપ્ટરના જમાનામાં પરંપરાગત રીતે ચાર પૈડાંવાળી દશરથ રાજાના રથ જેવી બે ઘોડાવાળી મઘમઘતા ફૂલહારથી શણગારેલી બગીમાં બેસીને વરરાજા મંડપ સુધી આવ્યા હતા. સાત સાત શરણાઈની સૂરાવલિ સાથે વરરાજાનો મંડપ પ્રવેશ કરાવ્યો હતો. આજ સુધી એમની જ્ઞાતિમાં કોઈએ આ પ્રકારે આટલી ભવ્યતાથી મંડપ શણગાર્યો ન હતો. બબ્બે વિડિયોગ્રાફર અને ફોટોગ્રાફરોની ઝબૂકતી ફ્લેશલાઈટોની ચમક-દમક સાથે ગૌરીના લગ્ન મનસુખલાલના જીવનની ઝળહળતી ફતેહ સમાન હતા. ગૌરીને નાનપણથી જ લાડકોડથી ઉછેરી હતી. બાલમંદિરે મૂકવા પણ તેઓ જાતે જ ગયા હતા. એના બાળપણના તોફાનો અને જિદને મનસુખલાલ હંમેશા વધાવી લેતાં. દીકરીનો અવતાર છે. કાલે પારકે ઘેર જશે અહી અત્યારે બાપાના ઘરમાં લાડ નહીં કરે તો પછી ક્યારે કરશે આ સાંભળીને ગૌરીનો અહમભાવ વધારે ખીલી ઊઠતો હતો. નોકર ચાકર સહેજ પણ ચૂક કરે તો ગૌરી સામે તેમનું આવી બનતું. ગૌરી ક્યારે કઈ ભાષામાં ઉગ્ર સ્વરૂપે વાત કરશે એ કોઈ કળી શકતું નહીં. એના બોલવાના ડરથી નોકર-ચાકરો એની સેવામાં ખાડે પગે તૈયાર રહેતા. ગૌરીને તેમણે એમની રીતે શાળાએ મોકલી હતી. શાળામાં પણ ગૌરી પોતાની રીતે આગળ રહેતી. બીજા બધા કરતાં પોતે ઊંચી છે એવા અહંભાવ સાથે એ રોજ કોઈને કોઈ, પોતાની સાથે ભણનારને ઊતારી પાડતી. એના સ્વભાવને લીધે કોઈ તેની સામે થતું નહીં. એટલે એ વધારે ફૂંગરાતી. ગૌરીએ કહ્યું એટલે મનસુખલાલે તેને કોલેજમાં પણ આગળ ભણવા મોકલી હતી. ગ્રેજ્યુએટ થઈ એટલે પછી પોતાની જ જ્ઞાતિમાં સારું કુટુંબ જોઈને મોટા શહેરમાં પરણાવી હતી. એકાદ-બે વર્ષ તો ગૌરીનો ઘરસંસાર બરાબર ચાલ્યો, પણ આજના મોંઘવારીના જમાનામાં ઘરમાં એક જ વ્યક્તિ જો કમાનાર હોય તો ઘર સારી રીતે ચલાવવું અઘરું થઈ પડે. હવે ઘરમાં આવકનું સાધન વધારવા ગૌરીને નોકરી કરવી પડે તેમ હતું. ઘર સંસારમાં સ્થિર થવા માટે ગૌરીએ નોકરી મેળવવા માટેના પ્રયત્ન શરૂ કર્યા. હાથમાં સર્ટિફિકેટ હતાં એટલે નૌકરી તો તરત મળી ગઈ. પણ બીજાનું કામ સમયસર કરવું એ એના સ્વભાવથી વિરુધ્ધ હોવાને લીધે બહુ લાંબુ ચાલ્યું નહીં. જ્યાં મળી ત્યાં થોડો સમય જેમ-તેમ નોકરી તો કરી, પણ ગૌરીનો સ્વભાવ તેને નોકરીમાં પણ ક્યાંય સ્થિર થવા દેતો નહોતો. આખરે ત્રણ વર્ષ પછી તેના સાસરિયાંએ પણ કંટાળીને ગૌરીને પિયર મોકલી આપી. મનસુખલાલ મૂંઝાતા હતા કે હવે શું કરવું દીકરીની જિંદગીનો સવાલ હતો. બેથી ત્રણ વાર દીકરીને પણ પૂછી જોયું કે હવે શું કરવું છે. હવે એના હાથમાં કાયમી આવકનું સરળ હથિયાર આપવાનું હતું. આખરે ગૌરીને બી.એડ્. કરાવવાનો નિર્ણય મનસુખલાલે લઈ લીધો. ગૌરીને પણ એ માટે રાજી કરી લીધી. બી.એડ્.ના પ્રવેશનો પત્ર જાણે કે મનસુખલાલ માટે હિમાલયમાંથી ઊતરેલી ગંગા બનીને આવ્યો. ભણવાનું સ્થળ દૂર હતું, પણ તેથી શું થઈ ગયું આજે પ્રવેશ ક્યાં મળે છે ગૌરી પણ પ્રવેશનો પત્ર મળતાં આનંદિત થઈ ગઈ. પિતાનું હૃદય પુત્રીના ઉત્સાહને વાંચી શકતું હતું. ગૌરીને તેની નવી કોલેજ અને નવી હોસ્ટેલ પર મૂકવા જવા માટે મનસુખલાલ સાથે ગયા. રેલવે સ્ટેશને ઊતરીને ગૌરી રિક્ષાની રાહ જોવા લાગી. કોલેજ કઈ તરફ હતી એ તે જાણતી નહોતી. પ્રાથમિક જે માહિતી મળી હતી તેના પરથી એટલી જ ખબર હતી કે કોલેજ સ્ટેશનથી દૂર હતી. ઉપરાંત સાથે સામાન પણ હતો. એવામાં એક તેના જેવડી જ પણ પ્રભાવશાળી સ્ત્રી તેની પાસે આવી તે ધ્યાનથી ગૌરીને જોવા લાગી. ક્ષણભરમાં જ તે બોલી ઊઠી, તું ગૌરી છેને અરે હા!... તું... તો રૂપા. ગૌરી પણ તરત જ તેને ઓળખી ગઈ. રૂપાનું જાણે કે રૂપ બદલાઈ ગયું હતું. વ્યવસ્થિત રીતે પહેરેલાં મોંઘાં વસ્ત્રોમાં તેનું વ્યક્તિત્વ સવારના સૂરજના સોનેરી કિરણોની સાથે ખીલતા સૂર્યમુખીની જેમ ખીલી ઊઠયું હતું. હા, હું રૂપા, પણ તું અહીંયાં આ શહેરમાં ક્યાંથી રૂપાએ પૂછયું. મને અહીંની બી.એડ્. કોલેજમાં એડમિશન મળી ગયું છે, એટલે આજથી હવે આ શહેરમાં જ રહેવાનું ! પણ તું શું કાંઈ નોકરી કરે છે અહીંયાં હા, હવે ચાલો મારા ઘરે, નાહી-ધોઈ, જમીને પછી નિરાંતે એડમિશનની વિધિ પતાવજે. રૂપાએ આગ્રહ કરતાં કહ્યું. ના, હમણાં નહીં, હમણાં તારે ત્યાં આવું તો મારે પછી કોલેજ પહોંચવામાં મોડું થાય ને મારે તો હજી મારા મામાને ત્યાં પણ જવાનું છે. ગૌરીએ બહાનું આગળ ધરતાં કહ્યું. તારા એડમિશનનું તો તું આ શહેરમાં આજે આવી એટલે થઈ જ જશે. તું નકામી ચિંતા કરે છે. આપણે કેટલા સમય બાદ મળ્યા! ચાલને મારા ઘરે. હું હમણાં રિક્ષા લઈને આવું છું. રૂપા રિક્ષા લેવા ગઈ એટલે ગૌરીના પિતાએ પૂછયું: આ તારી કઈ બહેનપણી છે “અમે ભણવામાં સાથે હતાં. એ સાવ નકામી છે. હવે તે આ શહેરમાં નોકરી કરે છે. કોને ખબર ક્યાં નોકરી કરતી હશે એને પૂરો પગાર આપતા હશે કે કેમ જો આપણે તેના ઘેર જઈએ તો આપણને સરખી રીતે બેસાડવાની પણ તેની પાસે જગ્યા હશે કે નહીં એટલે મેં મામાને ત્યાં જવાનું છે એમ બહાનું કાઢયું. ચાલો આપણે અહીંથી જલદી જતાં રહીએ, નહીંતર એ લપ પાછી આપણને જ વળગશે.” બંને જણાં રૂપા રિક્ષા લઈને આવે એ પહેલાં તરત જ ત્યાંથી રવાના થઈ ગયાં. ગૌરી મનમાં રૂપાનો ચેહરો જોઈ રહી. પહેલાં કેવી લાગતી હતી સાવ બોચિયા જેવી અને હવે કેવી પ્રભાવશાળી લાગી રહી છે. પહેલા તો સાવ સૂકલકડી હતી. હવે શહેરમાં આવી એની તબિયત પણ બની હતી, એ વખતે એના કપડાં પણ કેવા લઘર-વઘર રહેતા. આજે કેવી અપ-ટુ-ડેટ લાગે છે. પણ આંખ પરનાં ચશ્માં તો હજી એવાં ને એવાં જ હતાં. હા, નજરમાં થોડો ફરક હતો. કાળી પ્લાસ્ટિકની ફ્રેમની જગ્યાએ સોનેરી ફ્રેમ આવી ગઈ હતી. ગૌરીની દૃષ્ટિએ તો રૂપા હજી પણ- મનથી તો અરૂપા જ લાગતી હતી. ગૌરી અને રૂપા હાઈસ્કૂલમાં સાથે ભણતાં હતાં. રૂપા આમ તો હોશિયાર હતી, પરંતુ પછાત જાતિની હોવાને લીધે પોતાની બહેનપણીઓ સાથે પોતે પણ તેની ઉપેક્ષા જ કરતી હતી. ડુંગરા તો દૂરથી જ રળિયામણા કરીને તેણે ક્યારેય રૂપાની નજીક જવાનો પ્રયત્ન કર્યો ન હતો. બીજું કોઈ એમ કરતું હોય તો તેને પણ તે રોકતી. એક વખત શાળામાં વાર્તા હરીફાઈ હતી. એમાં બોચિયા જેવી રૂપાએ કબૂતરની વાર્તા કહી હતી. જંગલમાં રહેતા કબૂતરોને રોજ પારધી આવીને જાળમાં ફસાવીને લઈ જતો હતો. એટલે બધા કબૂતરો ફફડતાં હતાં. પછી એક દિવસ બધાએ સાથે રહેવાનુ નક્કી કર્યું. કોઈ આગળ પણ નહીં અને કોઈ પાછળ પણ નહીં. પારધીએ તો જંગલમાં આવીને જાળ બિછાવી. દાણાં નાખ્યા. ને કબૂતર આવે અને જાળમાં ફસાય તેની રાહ જોવા લાગ્યો. પણ આજે કોઈ કબૂતર આવતું નહોતું. આ બાજુ કબૂતરોની નજર પારધીએ નાખેલા પણ જાળ અને ચણ ઉપર હતી. અચાનક એક સામટા ઘણાબધાં કબૂતર એક સાથે જાળ ઉપર ઉતરી આવ્યા. અને પારધી હજી જાળ સંકેલે એ પહેલા તો કબૂતરો જાળ સાથે લઈને આકાશમાં ઉડવા લાગ્યા. આ વાર્તાનો સાર એ છે કે આપણે સાથે રહીને જિંદગીમાં આગળ વધી શકીએ. બધાએ વાર્તાને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી. ગૌરીને પણ પરાણે તાળીઓ પાડવી પડી. ત્યારથી એ રૂપાને વધારેને વધારે તિરસ્કાર કરવા લાગી. છેક બારમા ધોરણ સુધી બંને સાથે હતાં. હાઈસ્કૂલની પરીક્ષાઓમાં તો સાહેબો તેને એક-બે માર્ક ઓછા આપતા, પણ હાયર સેકન્ડરી બોર્ડની પરીક્ષામાં એ સમગ્ર તાલુકામાં પહેલો નંબર લઈ આવી હતી. ગૌરી પણ સારા માર્ક સાથે પાસ થઈ હતી એટલે બંને જણાં કોલેજમાં પણ સાથે જ દાખલ થયાં હતાં. કોલેજનો અભ્યાસ પૂરો થતાં જ ગૌરીનાં લગ્ન થઈ ગયાં અને તે સાસરે ગઈ. ત્યાર પછી ગૌરી ને રૂપાની કોઈ ખાસ ખબર ન હતી. હા, એટલી ખબર હતી કે રૂપા શહેરમાં કોઈ જગ્યાએ નોકરી કરે છે. પાંચેક વર્ષ બાદ આજે ફરી રૂપા આમ અચાનક મળી ગઈ. તેને પોતાની સાથે આવવાનું કહ્યું. પોતાના ઘરે જમી લેવાનું કહ્યું, પણ રૂપા પ્રત્યેના ગૌરીના અહમ્ ભાવે તેને તેની સાથે જતાં રોકી. આમ પણ ગૌરી પોતાના હુંપણાના ડુંગર પરથી ક્યાં જલદી ઊતરી શકતી હતી. રૂપા રિક્ષા લઈને આવી ત્યારે ગૌરી ત્યાં નહોતી. હશે, તેને ઉતાવળ હશે એટલે નીકળી ગઈ હશે એમ વિચાર કરીને રૂપા પોતાનું મન મનાવીને નીકળી ગઈ. ગૌરી અને તેના પિતા શહેરમાં આમતેમ ફરીને સમય પસાર કરી બરાબર અગિયાર વાગતાં એડમિશનની વિધિ પૂરી કરવા કોલેજ પર પહોંચી ગયાં. કોલેજના પટ્ટાવાળાને પૂછયું: ફી કઈ જગ્યાએ ભરવાની છે હોસ્ટેલની ફી પણ ભરવાની છે. પટ્ટાવાળાએ બંને જણાં તરફ ધ્યાનથી જોયું. પછી એડમિશનનો કાગળ માગ્યો. કાગળ ગૌરીના હાથમાં જ હતો. પટ્ટાવાળાએ માત્ર કવર ઉપરનું નામ જ વાંચી લીધું. તમે મોડા કેમ આવ્યા મેડમ તો સાડા દસ વાગ્યાના આવીને તમારી રાહ જોઈ રહ્યાં છે. કોણ મેડમ કયા મેડમ કોલેજ એડમિશન અને હોસ્ટેલના એડમિશનની કામગીરી કરે છે એ મેડમ. ત્યાં બત્રીસ નંબરના રૂમમાં તમારે જવાનું છે. પટ્ટાવાળાએ બત્રીસ નંબર તરફ હાથ લંબાવતાં કહ્યું. બંને જણાં એ તરફ આગળ વધ્યાં. ગૌરી રજા લઈને અંદર દાખલ થઈ, સાથે સાથે મનસુખલાલ પણ તેની પાછળ દોરવાયા. અંદર દાખલ થતાં જ બંને જણાં દિગ્મૂઢ થઈ ગયાં. સામે ખુરશી ઉપર રૂપા બેઠી હતી. આવ ગૌરી આવ ! સાડા દસની હું તારી જ રાહ જોઈ રહી છું. છેલ્લાં બે વર્ષથી હું અહીંયાં સહાયક અધ્યાપિકા તરીકે જોડાઈ છું. સાથોસાથ હોસ્ટેલનાં ગૃહમાતા તરીકેની કામગીરી સંભાળું છું. સવારે તમે લોકો ક્યાં જતાં રહ્યાં હતાં મારી સાથે જ આવી ગયાં હોત તો સરળતા રહેત. અજાણ્યા ગામમાં કોઈ જગ્યા શોધવામાં કેવી મુશ્કેલી પડે, એ હું જાણું છું. તારું એડમિશન તો હવે પાકું થઈ ગયું. હવે બોલ, મામાને ત્યાં રહીને ભણવાની છે કે પછી મારી સાથે હોસ્ટેલમાં રહીને ગૌરી શું બોલે એ ચૂપચાપ નીચું જોઈ રહી. પગના અંગૂઠાથી જમીન ખોતરવા લાગી પણ નીચે સ્પારટેકની લિસી લાદી પર અંગૂઠો લસર્યા જ કરતો હતો. દીકરી મનસુખલાલે આગળ આવી કહ્યું. તું જ એને સમજાવજે તું જ એને સમાજના અને જિંદગીના- વ્યવહારના પાઠ ભણાવજે. આજથી એ હવે તારી સાથે જ હોસ્ટેલમાં રહેશે. એનો સ્વભાવ તારી જેવો મળતાવડો અને લોકોમાં ભળવાડતો થાય એવો કારહો તારે કરવાનો છે. જીવનમાં હકારાત્મક વલણ કેમ આવે તે તું એને શીખવજે. તારે માત્ર એના ભણતર જ નહીં એને જિંદગીના રસ્તે આગળ વધવાનું પણ શીખવવાનું છે. તારી બહેનપણીને તારે જીવનનો માર્ગ બતાવવાનો છે. એનો સ્વભાવ સરળ બનાવવાનો છે. ડો.કિશોર પંડ્યા એ-101, નિર્મલ , રેસિડેન્સી, રજવાડું પાસે, જીવરાજ પાર્ક, વેજલપુર, અમદાવાદ-380051. Mobile No. 9825759666