આગળ ભાગ ૯ માં આપે જોયું કે. જાનવી પાસેથી બીજા બાળક વિશેની વાત સાંભળતા અનમોલ ત્યાંથી ગુસ્સામાં બહાર જતો રહે છે. જાનવી અનમોલને મનાવવા તેમની પાછળ જતા કહે છે, “એન્જલને હવે એક ભાઈની જરૂર છે. અને સમય જતા એન્જલ મોટી થતા એમને સાસરે વળાવ્યા બાદ આપણું કોણ ” જાનવીને આગળ બોલતી અટકાવતા અનમોલે ખુબ જ ગુસ્સામાં કહ્યું, “બસ... જાનવી... બહુ થયું હવે. આજ પછી બીજા બાળક વિશે કદી કઈ જ નહિ વિચારતી સમજી ! મારી દુનિયા તારાથી જ શરુ થઇ હતી અને તારા અને એન્જલના સથવારે જ પૂર્ણ થશે. મારા જીવનમાં તમારા બે સિવાય ત્રીજી કોઈ પણ વ્યક્તિ માટે કોઈ જ સ્થાન નથી” “હું મારા અને એન્જલ પ્રત્યેના તમારા પ્રેમની કદર કરું છું. પણ આવનાર વ્યક્તિ પણ તમારું અને મારું જ અંશ હશે ને! “પણ એ શક્ય નથી” જાનવીએ ગુસ્સા સાથે જીદ કરતા કહ્યું, “પણ કેમ શક્ય નથી! મારે હજુ એક બીજું બાળક જોઈએ છે બસ..” જાનવીના મોઢે વારંવાર એક જ વાત સાંભળતા અનમોલની આંખમાં આંસુ આવી જાય છે. તેમના હાથ અને પગ ધ્રુજવા લાગે છે. આજે પહેલીવાર અનમોલની આંખ માંથી અવિરત વહી રહેલ આંસુ જોઈ જાનવી ખુબ ગભરાય જાય છે. તે અનમોલના આંસુ લુછતા પૂછે છે, “શું વાત છે અનમોલ તમે જરૂર મારાથી કઈક છુપાવી રહ્યા છો” હવે આગળ