અમારા પ્રોજેક્ટની સફળ રીલીઝથી ખુશ થઈને અમારા ડીરેક્ટર સાહેબે અમારી આખીયે ટીમનાં ભરપેટ વખાણ કરીને સહુને તે બદલ શિરપાવ આપવાની વાત કરી, ત્યારે બધા જ ખુશ થઇ ગયા કે હવે પ્રોમોશન મળશે કે પછી પગાર-વધારો અથવા તો બોનસ. બધાની સાથે હું પણ તેટલો જ એકસાઈટેડ હતો. પણ જયારે સાહેબે ડીકલેર કર્યું કે તેઓ અમને એક વિક માટે કોઈ સુમસામ જગ્યાએ આવેલ રિસોર્ટમાં પીકનીક માટે લઇ જવાના છે, તો હું થોડો ડીસઅપોઈન્ટેડ થઇ ગયો અને હું ખુબ જ નિરાશ થઇ ગયો, કે જયારે તેમણે ત્યાંના રહેઠાણ દરમ્યાન પાળવા પડનારા કાયદાઓ અમને બધાને સમજાવ્યા. સાવ જ નિર્જન ઇલાકામાં આવેલ આ રિસોર્ટમાં કોઈ પણ મોબાઈલ-ઓપરેટરની રેન્જ નથી પહોંચતી એટલે કોઈના ય ફોન કે મેસેજ રીસીવ નહીં કરી શકાય. આવી જગ્યાએ લઇ જવાનો ઈરાદો તો તેમનો શુભ જ હતો કે અમારા ત્યાનાં રહેવાસ દરમ્યાન ઑફીસ, કે ક્લાયન્ટ કે પછી કોઈ પણ આલતુ-ફાલતું બિન જરૂરી ફોન-કૉલ્સ અમારી ત્યાંની શાંતિભરી સહેલમાં ખલેલ ન પહોંચાડી શકે. જોકે રિસોર્ટનો એક લેન્ડ-લાઈન નમ્બર તો હતો જ, કે જે અમારે બધાએ ફક્ત અમારા ઘરવાળાઓને જ આપવાનો હતો કે જેનો તેઓએ કોઈ ઈમરજન્સી અને ફક્ત ઈમરજન્સીમાં જ ઉપયોગ કરવાનો હતો. પણ મને તો આ બધું ડીંડવાણું એક સજા જેવું જ લાગ્યું, કારણ મને હાલમાં જ નવો નવો પ્રેમ થયો હતો મારી માનીતી પ્રેયસી ધડકન સાથે. બસ.. થોડા દિવસ પહેલા જ અમે એકમેક પાસે અમારા પ્રેમની ઓફીશીયલ જાહેરાત કરી હતી. અને એવામાં સાવ અચાનક જ એકમેકથી સદંતર દુર રહેવાનું તદુપરાંત ફોન કે ચૅટીંગ પણ નહીં કરવાની જુલમ જ હતો આ તો, મારા માસુમ પ્રેમ-ઘેલા હૃદય પર.