અનમોલ હમેશા વર્તમાનમાં જીવનાર માણસ હતો. પોતાનું કાર્ય સંપૂર્ણ નિષ્ઠાથી કરવું તે તેમની ખાસિયત હતી. પણ આજે બે કલાક બાદ જાનવીને મળવાની આતુરતા તેમના ઓફીસના કાર્યમાં ખલેલ ઉભી કરી રહી હતી. માટે તે આજનું કામ આવતી કાલ પર છોડી ઓફિસેથી ઘેર જાનવી પાસે જવા નીકળે છે. રસ્તામાં તેમના મનમાં અસંખ્ય વિચારોનું ધમાસાણ યુદ્ધ ચાલી રહ્યું હતું પણ આ યુદ્ધ તેમને ખુશીનો અનુભવ કરાવી રહ્યું હતું. આ તરફ જાનવીના મનમાં પણ વિચારોનું ચક્ર વાયુવેગે ફરી રહ્યું હતું. બંનેની હાલત એક સમાન હતી. બંને ખુલ્લી આખે જ પોતાના બાળકનો ચહેરો નિહાળી રહ્યા હતા કે જેમનું હજુ કોઈ જ અસ્તિત્વ ન હતું. અનમોલનો મનપસંદ કલર રેડ હતો માટે જાનવીએ આજે બેડરૂમને સંપૂર્ણ રેડ લુક આપ્યો હતો બેડરૂમ સ્વચ્છ અને મહેકતો કર્યા બાદ તે બાલ્કનીમા આવી અનમોલના આવવાની રાહ જોઈ રહી હતી. થોડી જ વારમાં અનમોલની કાર દરવાજા પાસે આવીને ઉભી રહે છે. અનમોલની કાર જોતા જ જાનવી બાલ્કની માંથી બહાર આવી ઉતાવળે સીડી ઉતરી દરવાજો ખોલવા દોડી આવે છે. અનમોલ ડોરબેલ વગાડે એ પહેલા જ જાનવી દરવાજો ખોલી નાખે છે. આજે જાનવીને રેડ ડ્રેસ, રેડ બંગડી, રેડ લીપસ્ટીક અને સેથીમાં પુરેલ સિંદુર જોઈ અનમોલ દરવાજા પર જ જાનવીને પોતાની બાહોમાં ભરી લે છે. બંને એકબીજાનો હાથ પકડીને અંદર આવે છે. અનમોલ પોતાના ડાબા પગથી પાછળ દરવાજાને ધક્કો મારી દરવાજો બંધ કરે છે.