ધક ધક ગર્લ -ભાગ ૧૬

(76)
  • 6k
  • 4
  • 2k

ધડકને આજુબાજુ જોયું. પછી મારી બાજુમાં આવી મારા હાથમાંથી લસ્સીનો ગ્લાસ લઇ લીધો અને એક જ ઘૂંટડામાં તેને અડધો ખાલી કરી, પટકન સામે ટેબલ પર મૂકી દીધો ને ડાહીડમરી છોકરીની જેમ પોતાની જગા પર જઈને બેસી ગઈ. ગ્લાસના કિનારે ચોંટેલી લસ્સી ધીમે ધીમે નીચે તળિયા તરફ સરકતી ચાલી અને ધડકનની લીપ્સ્ટીકના આછા આછા નિશાનો ગ્લાસના કાંઠા પર ઉમટી આવ્યા. મેં મારા હોઠ ગ્લાસની તે જગા પર લગાવ્યા. ધડકન પોતાના કપાળ પર હાથ મુકીને માથું ધૂણાવતા ના પાડતી રહી, પણ તેને ગણકાર્યા વગર એક જ દમમાં મેં બધી લસ્સી પૂરી કરી નાખી. ફોન પત્યો એટલે આંટી પાછા બહાર આવ્યા. આંટી, લસ્સી બહુ મસ્ત હતી. -મેં ધડકન તરફ અર્થપૂર્ણ કટાક્ષ કરતાં કહ્યું. ભાવી ને તને -તેમણે ખુશ થતાં પુછ્યું. હા ભાવી ને. અને મીઠી મીઠી વસ્તુઓ તો મને આમેય બહુ ફાવે. અરે લેકિન પુત્તર.. આ તો મેં સૉલ્ટવાળી લસ્સી બનાવી હતી. મીઠી ક્યાંથી લાગી તને - આંટી કન્ફયુઝ્ડ થઇ ગયા. જો કે તેમનાથી વધુ કન્ફ્યુઝ્ડ તો હું થઇ ગયો, કે આનો જવાબ શું આપવો. તેમને એમ તો ન જ કહી શકું કે તેમની દીકરીના હોઠના સ્પર્શથી તે મીઠાવળી લસ્સી પણ મને ગુલાબપાક જેવી મીઠી મીઠી લાગી હતી. આ દરમ્યાન ધડકન પોતાનું હસવું રોકી શકતી નહોતી.