આ ધારાવાહિક લઘુનવલના આગલા પ્રકરણમાં આપણે જોયું કે લાવણ્યાના એકલતાભર્યા દિવસોમાં એને પડખે, બીજું કોઈ નહીં પણ એનું આવનારું બાળક સળવળી રહ્યું હતું. લાવણ્યાને બહુ જલદી ખ્યાલ આવી ગયો કે આ આનંદદાયક સમાચાર, પરિવારમાં સહુ માટે આનંદદાયક નહીં હોય. એણે નક્કી કર્યું કે સત્ય જ્યાં સુધી સામે ચાલીને ન બોલે ત્યાં સુધી એ આ સમાચાર છુપાવશે. તરંગથી પણ! ગર્ભપાત કરાવવાનું દબાણ આવી શકે, એવો સમય એણે પસાર કરી નાખવો હતો. અને એ એમાં સફળ થઈ. જ્યારે આ સમાચારની ખબર મડી ત્યારે, અત્યાર સુધી ઉમળકા વગરનું વર્તન કરવાની કોશીશ કરી રહેલા તરંગે પૂછ્યું, “લાવણ્યા, ફરી ક્યારે મળવા આવશે ” તરંગનું આ રિએક્શન પામી લાવણ્યા માટે પ્રતીક્ષાની ઘડીઓ રમ્ય બની ગઈ. પણ ચંદાબા, ઉમંગ અને પપ્પાજીએ શું પ્રતિભાવ આપ્યો અને લાવણ્યા એનો સામનો કરી શકી એ વાત લઈ પ્રકરણ 11 હાજર છે.