દર ઉનાળામાં અહીં અમેરિકામાં ગુજરાત મુંબઈથી વડા વડા નટવરો પોતાના રસાલા સાથે કોમેડો કરવા આવે છે, અને પોતપોતાનો ઘોડો આખા દેશની ગુજરાતી છાવણીઓમાં ફેરવી ડોલરના થેલા ભરી જાય છે. એ સૌ પ્રોફેશનલ છે, નાટક કરવું તે એમનો વ્યવસાય છે, એટલે એમની વાત આપણે નહીં કરીએ કેમકે તે સર્વેની ગતિવિધિઓથી આ સામયિકના વાચકો માહિતગાર જ છે. અહીં આખા અમેરિકામાં ગુજરાતી નાટકની અવેતન પ્રવૃત્તિ વિશે વિહંગાવલોકન કરવાનો પણ ઇરાદો પણ નથી કેમકે આ લખનારને આખા અમેરિકામાં શું શું થતું હશે એનું ભાન નથી.