કાળ ફર્યે જતો, દરરોજ સૂર્ય ઉગતો અને આથમતો. કુષ્ણપક્ષને શુક્લ પક્ષની ઘટમાળ ચાલ્યે જતી. દિવસો ગયા, માસો ગયા, વર્ષો જવા લાગ્યાં તેનું મને ભાન ન રહ્યું. હું તેને વળગી રહેતો. તે મને વહાલ કરી હસતી. જ્યાં જોઉં ત્યાં તેની સત્તા મને દેખાતી, તેથી તે મને વધારે ગમતી. હું પ્રૌઢ થયો છતાં તે યુવાન હતી. મને લાગ્યું કે કાળને હરાવે એવી તે જાદુગરની હતી. મારી સત્તામાં, મારા ધન વૈભવમાં, મારા કુટુંબ કબીલામાં ટુંકમાં જેને મારી કહી સંબોધી શકું એવી દુનિયાની બધી વસ્તુમાં તેને સ્વચ્છદથી ફરતી હું દેખાતો અને રાજી થતો.