રિસેસમાં અમે ટોળું કરીને ઉભા હતા. આવી જ રીતે અમે ડિસીપ્લીનની MBA કરતા. આનાથી વધુ શિષ્ટ બનીને શિસ્તમાં રહેતા ફાવ્યું કે આવડ્યું જ નહિ. ક્લાસની સામેની લોબીમાં ઉભા હતા. ત્યાં ફિઝીક્સની લેબ હતી. તેની બરાબર સામે ૧૦ – c મારો ક્લાસ હતો. ગર્લ્સ બધી રિસેસ દરમિયાન ક્લાસમાં જ નાસ્તો કરતી. અમે બધા હોલસેલના ભાવે પેટમાં સમોસા અને પફ વડે બટેટા નાખીને એકબીજાના ખભામાં હાથ નાખીને ઉપર આવતા. ક્લાસના ડોર પાસે ગર્લ્સ ઉભી રહેતી. એમાં પણ ‘ઈર્ષ્યાળુને આશીર્વાદ’ જેવી ગર્લ્સ અલગ સર્કલ કરીને ઉભી રહેતી. અલગ-અલગ ગ્રુપ રહેતા. એક ગ્રુપમાં બધી જ ‘કરંટ’ આપે તેવી ‘અફેર્સ’ ધરાવતી ગર્લ્સ હોય. અમુક દાઝેલી ડામ દઈને ઉભી હોય, જે આખો દિવસ બીજાને જોઇને પોતે બળ્યા કરતી હોય. અમુક હોશિયાર હોય, જે આ બધા લટકણથી દૂર હોય. એ રિસેસમાં પણ ક્લાસમાં બેસીને સેવ-મમરા ખાતી હોય, ‘ને સાથે-સાથે દાખલા ગણતી હોય તે અલગ ! અમે અમારી ધૂનમાં અલમસ્ત રહેતા. બોયઝનું કદી કોઈ ગ્રુપ્સ નથી હોતા. તેઓ હંમેશા ટોળામાં જ સુરેખ ગતિ કરે છે. કોઈ જ પ્રકારની ઈર્ષ્યા નો ભાવ તેમના મગજમાં હોતો નથી. ત્યાં જ કપિલ દોડતો - દોડતો આવ્યો ! પ્રપોઝલનું પડીકું લઈને ...