આ પહેલાના દસમા એપિસોડમાં આપણે લેખિકા અનસુયાબેન દેસાઈની કલમનો ફરી એકવાર આસ્વાદ કર્યો અને એકદમ શાયરાના અંદાજમાં લખાયેલ એક સંગીતમય કહેવાય તેવો એપિસોડ વાંચી, આપણને સહુને ચોક્કસ જ એ વાતની ખાતરી થઇ ગઈ, કે તેઓ એક સિદ્ધહસ્ત લેખિકા છે. તેમની આગળના લેખિકા સરલાબેને અશ્ફાકના ભૂતકાળની જે વાત ઉખેડી હતી, તેને જ તેઓ સુપેરે આગળ ધપાવી ગયા. આધેડ પુરુષ ડો.મિતુલ અને નવયુવાન અશ્ફાકના પેચીદા સંબંધોની છણાવટ રૂપે તેઓએ અશ્ફાકની મનોગત વર્ણવી. આ અનાથ, એકલા અટુલા યુવાનને હતાશની ખાઈમાં ગરક કરતી નિરાશાનું તેઓએ હૃદયસ્પર્શી રીતે આલેખન કર્યું. તે પછી વાર્તાને વર્તમાનકાળમાં લાવીને આગળ વધારવા તેઓએ ડો.મિતુલની સામેની અનિકેતની લડાઈમાં, ડો.મિતુલના જુના પ્રેમી અશ્ફાકને જ મુખ્ય પ્યાદું બનાવી દીધો, ને એક વખતના સંગી-સાથી હવે એકમેકની સામસામે લડાઇએ આવી ગયા. આમ અશ્ફાક હવે ધીમે ધીમે ખુબ જ મહત્વનું પાત્ર બનતો જાય છે. અનિકેત ભલે વાર્તાનો નાયક હોય, પણ લેખક લેખિકાઓ અશ્ફાકને પણ તેના જેટલું જ મહત્વ આપી રહ્યા છે. ડો.મિતુલ અત્યારે જે ચાલ રમી રહ્યા છે, તેની સામે એકદમ તેવી જ ચાલ અનુબેને અશ્ફાકને રમવા માટે સોંપી દીધી. લોહે કો લોહા કાટે, કાંટાથી કાંટો નીકળે, તેમ બ્લેકમેઈલનો ઈલાજ બ્લેકમેઈલ. બસ..આવી જ થીયરી સાથે અશ્ફાક, ડો. મિતુલની સામે પડી ગયો. ત્યાર પછીની વાર્તા હવે ફરી એકવાર નિમિષ વોરા આગળ વધારશે. અમારી ટીમના સદા સ્ફૂર્તિલા અને તરવરીયા લેખક, એવા નિમિષ વોરાની કલમનો સ્વાદ આપણે આ વાર્તાના એપિસોડ ક્રમાંક ત્રણમાં માણી જ ચુક્યા છીએ. અનિકેત-અશ્ફાકના પ્રશ્નાર્થ-ચિહ્નવાળા સંબંધો પર, તે સંબંધ સજાતીય હોવાની મક્કમતાપૂર્વક મહોર મારનાર નિમિષભાઈની બીજી એક કલ્પના એટલે ‘રેઈનબો-બાર’ કે જે હવે આ વાર્તાનું એક હેપનિંગ સ્થળ બની ગયું છે, અને છાશવારે વાર્તામાં ડોકિયા દેતું જ હોય છે. આમ વાર્તાની પ્રાથમિક અવસ્થામાં તેને સજ્જડ રીતે મજબુત બનાવનાર નિમિષભાઈ, વાર્તાને કેવી રસદાયક રીતે આગળ વધારે છે, તે હવે તમે જ જોઈ લો. શબ્દાવકાશ ટીમ વતી, અશ્વિન મજીઠિયા..