અમારા બગદાદી-ઈરાકી સમાજમાં મને આ ઉંમરે પણ એ વાતની તો ખબર પડતી હતી કે આવી વાતનો ડંકો મારાથી બધા આગળ ના વગાડાય.. મારા ઘરના લોકોથી પણ મારે મારુ આ સાહસ છુપાવવુ પડશે એની મને એ વખતે પણ સમજ પડતી હતી. અમારા કુટુંબમાં જો આની બધાને ખબર પડે તો મારી તો ધૂળ જ કાઢી નાખે - છોકરી થઈને આમ બરછટ વેડા કરે એ ના ચલાવી લેવાય. પેલા દંગલખોર છોકરા હવે નાસી ગયા છે એની ખાતરી કરવા મેં ફરી એકવાર શેરીમાં નજર માંડી.. અને મારી ખુશીની વચ્ચે મને એ રસ્તે એક ટેક્સી આવતી દેખાઈ. મેં તરત જ આગળ વધીને ટેક્સી ઉભી રખાવી અને બુમ પાડી -- ટેક્સી આવી ગઈ છે.... મોસાળ જવાના ઉત્સાહમાંને ઉત્સાહમાં દોટ મૂકી, ઘરનુ બારણુ આખેઆખુ ખોલી, હતી એટલી બધી તાકાત ભેગી કરીને મેં બરાડો પાડ્યો ચાલો બધા.... ટેક્સી ડ્રાઈવર રાહ જૂએ છે.....