અઢી અક્ષરનો વહેમ - ભાગ ૫

(76)
  • 5.1k
  • 5
  • 1.5k

તો મિત્રો, આ વાર્તાના પ્રકરણ-૪માં આપે ભાઈશ્રી રવિ યાદવની કલમની રંગત માણી. ત્રીજા પ્રકરણમાં શ્રી નિમિષ વોરા, ગોવામાં રહેતા એક અજાણ્યા પાત્રને વાર્તામાં ઉમેરીને ત્યાં જ અટકી ગયા. ને બસ..ત્યાંથી જ રવિ યાદવે વાર્તા ઉપાડી. તે નવા પાત્રનું નામ તેમણે ટોની રાખ્યું, અને વાર્તાના વાતાવરણને અનુરૂપ ટોનીને તેમણે એક સમલિંગી ટાઈપનો પુરુષ-વેશ્યા ચીતર્યો. તદુપરાંત ડો.મિતુલનાં પાત્રનો પણ તેવો જ ઘેરો રંગ કાયમ રાખી, આ બંને પાત્રોની સાંઠગાંઠ બતાવીને વાર્તાને ચોક્કસ દિશામાં વહેતી કરી દીધી. તેમણે એક પ્રણય ત્રિકોણ પણ ઉભું કર્યું, અને મોટેભાગે થાય છે તેમ તેમનાં પ્રકરણમાં એક સ્ત્રીને કારણે બે મિત્રોમાં ફૂટ પડતી તેમણે દેખાડી. જો કે અન્ય વાર્તા અને મૂવીઝમાં દેખાતા પ્રણય-ત્રિકોણ કરતા આ સાવ ભિન્ન પ્રકારનું ત્રિકોણ છે, કારણ એક યુવતીને બે યુવક પ્રેમ કરતા હોવાની જગ્યા પર અહીંયા તો એક યુવકને અન્ય બે પાત્ર પ્રેમ કરે છે. તો છે ને આ વાર્તામાં એક અજબની નવીનતા  તે ઉપરાંત રવિ યાદવે વાર્તા-નાયક અને નાયિકાની અંતરંગી પળોનું પણ બોલ્ડ કહેવાય તેવું વર્ણન કરી વાંચકોને પ્રણય-રસમાં તરબોળ કરી પોતાનું પ્રકરણ પૂરું કર્યું. હા, પ્રકરણની લંબાઈને ધ્યાનમાં રાખીને રવિભાઈ અધવચ્ચે જ અટકી ગયા, એટલે તેમનું અધૂરું કાર્ય પૂરું કરવા, મારે ફરી એક રંગીન-મિજાજ લેખકની જરૂર પડી, અને મને ખ્યાલ આવ્યો અમારી ટીમના રંગીલા સભ્ય અજય પંચાલનો. અજયભાઈ રહે છે યુ.એસ.એમાં અને ત્યાં જ ‘બ્લૂમબર્ગ’ કમ્પનીમાં સીનીઅર પ્રોડક્ટ-પ્લાનર તરીકે જોબ કરે છે, પણ એમનું મૂળ વતન તો બરોડા પાસેનું ધર્મજ-વિદ્યાનગર છે. મિજાજે એકદમ મસ્તરામ, અને બેફીકર. જીંદગી કેમ જીવવી તે તો તેમની લાઈફ-સ્ટાઈલ જોઇને જ શીખી શકાય. સ્વભાવમાં રહેલી રંગીનતાએ તેમને અમારી ટીમમાં સહુના લાડીલા બનાવી મુક્યા છે. એક ખાસ વાત એ, કે આ ચરોતરી માણસ યુ.એસ.માં રહીને પણ ગુજરાતી ભાષા પ્રત્યે અખૂટ પ્રેમ ધરાવે છે. આવા વ્યક્તિ દેશની બહાર રહીને પણ ગુજરાતી ભાષા પ્રત્યે જે પ્રેમ, ચોક્સાઈ અને સજાગતા બતાવે છે, ત્યારે થાય છે કે, કોણ કહે છે ગુજરાતી ભાષાની આવરદા ઘટી રહી છે.. કોઈને પણ ગુજરાતીમાં લખતી વેળાએ ભૂલ કરતા તેઓ જુએ, ત્યારે હમેશા તેઓ કહેતા આવ્યા છે કે, ગુજરાતી ભાષા તો મારી પ્રેયસી છે, અને તેની સાથે કોઈ છેડછાડ કરે તે મને બિલકુલ પસંદ નથી. તો મસ્ત, મોજીલા અને અંગ્રેજીમાં ‘લાઈવ’ કહેવાય એવા અજયભાઈના ગુજરાતી ભાષા પ્રત્યેના આદરને વધાવતા ‘અઢી અક્ષરનો વ્હેમ’નું આ ‘એન.આર.આઈ’ પ્રકરણ તમારા સહુ સમક્ષ પ્રસ્તુત કરતા મને એક અનોખો રોમાંચ થાય છે. . શબ્દાવકાશ ટીમ વતી, અશ્વિન મજીઠિયા..