મારા ખભ્ભાઓને એક ઝટકો દઈને, મારી વાતો પર ધ્યાન દીધાં વિના તે ચાલતી થઇ. હું તેની પાછળ પાછળ ગયો. . નિકી.. -તેને મારી આશ્લેષમાં લેતાં મેં કહ્યું- અહીં આવ..! . મારે વિકીને જોવા જવું છે.. -મારા ખભ્ભામાં ડૂબતું તેનું એક ડૂસકું મેં સાંભળ્યું, એટલે મેં તેને જોરથી જકડી લીધી..તેની પીડામાંથી તેને થોડી રાહત મળે, તે આશયથી. . જસ્ટ રિલેક્ષ નિકી..તારી પાસે હું છું ને..! -હું હળવેક થી બોલ્યો. હું ઈચ્છતો હતો કે હું તેનામાં એ જ આત્મવિશ્વાસ ફરીથી પરોવી શકું, જે એક સમયે તેનામાં હમેશ રહ્યા જ કરતો. . આ સાંભળીને તે અચાનક રડી પડી. મેં વધુ સખ્તાઈથી જકડી..કે તરત જ એકદમ જોરથી તે મારાથી અળગી થઇ ગઈ, અને એક ઝાપટ મારા ગાલ પર મારી દીધી. . હું હેબતાઈ ગયો. કોઈ જોરદાર થપ્પડ ન હતી તે, પણ આ એવી હરકત હતી જે તેણે આજ પહેલાં કોઈ દિવસ કરી નથી. બકવાસ નહીં કર, નિખિલેશ નાણાવટી, -તે રડતાં રડતાં બોલી- તું મારી પાસે નથી, અરે..તું મારી પાસે ક્યારે ય હતો જ નહીં. . અને મને એવી જ...અવાચક અવસ્થામાં છોડીને તે પોતાનાં પાપાના ઘર તરફ ભાગી નીકળી.