કહેવાય છે કે સંબંધો ચાર પ્રકારના હોય છે …સુખના સંબંધો , સુખદુઃખના સંબંધો , જીવતાના સંબંધો અને મરણ પછીના સંબંધો ….પણ કેટલાક વણકહ્યા સંબંધ તો સાવ અલગ અને અનોખા હોય છે . પ્રેમ ક્યારેય નિષ્ફળ નથી હોતો … એના જવાબમાં નકાર હોઈ શકે …પણ બેમાંથી એક જણના નકાર કે મૌનથી પ્રેમ નિષ્ફળ થયો કેવી રીતે ગણાય ? સફળ થવાની જ આશા રાખે એ પ્રેમ હોય ? પ્રત્યુતર ન મળે તો પ્રેમ ખતમ થઇ જાય ? પ્રેમ કદાચ જીવંત ન રહી શકે પણ જીવતો તો રહે જ છે … કદાચ બહુ બોલકો ન રહી શકે પણ ભીતર પલોંઠી વાળીને બેઠેલો હોય છે …દરેકના જીવનમાં એક સંબંધ એવો હોઈ શકે જે અધુરો હોય છતાં મધુરો હોય ….!!! ત્વરા ….વર્ષો સુધી મનનાં એક લીલાછમ ખૂણામાં સુષુપ્ત અવસ્થામાં પડેલો વણકહ્યો સંબંધ ….!!! લગભગ ૨૫ વર્ષો પછી જોયેલો એ ચહેરો જે સમયના એક ખાસ ખંડમાં એના દિલોદિમાગ પર છવાયેલો રહેતો. ત્વરા …. એક શરુ થતા સાથે સ્થગિત થયેલો સંબંધ …. એક આરપાર જોઈ શકાય તેવો પારદર્શક સંબંધ ..!!!