શિવો

(13)
  • 2.2k
  • 3
  • 892

ડંગોરાથી આગને શિવાએ જરાક સંકોરી એટલે તરત જ ચિતા ભડભડ ભડભડ બળવા માંડી. સ્મશાનની બહાર ચોગરદમ અંધારૂં હતું. ઈલેકટ્રીસીટી વહેચતું ટ્રાન્સફોર્મર ભોંય પર આડું પડયું હોવાથી બધેબધ લાઈટ રિસાઈ હતી. સ્મશાનમાં બળતી લાશોની જ્વાળાઓ આજુબાજુ પ્રકાશ પાથરતી જતી હતી. ક્યાંક ક્યાંક નાના ટમટમીયા દીવાઓ દેખાતા હતા. તો વળી ટોર્ચના અને મોટરકારોની લાઈટના તેજલીસોટા ય ક્યાંક ક્યાંક દેખાતા હતા. ગર્ભશ્રીમંતો અને ધંધાદારીઓ પોતાના બચી ગયેલા જનરેટરને ચાલુ કરવાની પેરવીમાં હતા. આવો ભેંકાર અંધકાર હોવા છતાં ધાધલ ધમાલ અને દોડાદોડી બધેબધ હતાં. જ્યાં જુઓ ત્યાં કણસવાના અવાજ, વેદનાભર્યાં ચિત્કાર, ‘બચાવો ...બચાવો ...'ની બૂમો, દોડધામ, નાસભાગ તેમજ કાટમાળ ખસેડવાના જ અવાજો સંભળાતા હતા. તો વળી વચ્ચે વચ્ચે ગેસના સીલીન્ડરો ફાટવાના ધમાકા ભેગી માણસોની ચિચિયારીઓ ય સંભળાઈ જતી હતી.