“જે મુશ્કેલીમાંથી તકને ખોળે છે, તે પોતાના નસીબનું તાળું ખોલે છે.” – મુર્તઝાચાર્ય. (2015 B.C) – આ વાક્ય આમ જોઈએ તો ૦.૧% જ સાચું માની શકાય. બાકી રહેલાં ૯૯.૯%ની સચ્ચાઈની સફળતાનો આધાર એ તાળાને ખોલવાની નિયતમાં છે એમ કહી શકાય. યેસ ! આપણને જે કાંઈ તકો સાંપડે છે તેનો આધાર દિલથી કઈ રીતે, કેવી ભાવના (ઓબ્જેક્ટિવ) દ્વારા ઉપાડીએ છીએ તેની પર રહેલો છે. આ લેખનમાં એક એવા જ નવયુવાનની વાત છે. જેણે જસ્ટ ચંદ વર્ષ અગાઉ જ તેની મુશ્કેલીઓમાંથી સાહસિક તક ખોળીને તેના દબાયેલા સાહસિક સ્વપ્નને ધક્કો માર્યો છે. આમ તો લાખો યુવાનો કદાચ એવાં પ્રોબ્લેમ્સમાંથી પસાર થાય છે. પછી નસીબને દોષ દઇ ન કરવાનું કામ કરી બેસે છે. આવાં લાખોમાં કેટલાંક એવાં પણ હોય છે જેઓ સંજોગોને બરોબર પકડી, સમજી ધીમે-ધીમે પણ પોતાની આસપાસ સફળતાની લાઈન દોરે છે. ત્યારે દુનિયા તેમને ખોળતી આવે છે. આમ તો કેલિફોર્નિયામાં જન્મીને ઉછરેલા (પણ હાલમાં શિકાગોમાં સ્થાઈ થયેલ) દાનિયાલ સિદ્દીકીએ પણ આવું જ કાંઈ અનોખું દોડવીર સાહસ કરી મીડિયાને તેની પાછળ દોડતી કરી દીધી. પછી તેની નિષ્ફળતાની કહાનીને સફળતામાં ફેરવી પુસ્તક રૂપે બહાર કાઢી છે.: ‘50 Jobs in 50 States’. આમ તો આ લેખ એ વિદેશી પુસ્તકનો નાનકડો રિવ્યુ જ છે. દેશી ભાષામાં હું તેનું ટાઈટલ ‘દાસ્તાન-એ-દાનિયાલ’ રાખી શક્યો હોત. પણ અહીં જ્યારે ફિઝિકલ જોબની વાત આવી ત્યારે મંથન બાદ જોબને દાસ્તાન (કહાની) સાથે જોડી દેવાનું મન થયું. જેમાં નાનકડા રિવ્યુથી મોટિવેશનલનો ચપટી મસાલો જ છાંટ્યો છે. આખી બૂક વાંચીએ ત્યારે આપણે બિન્દાસ્ત જાતે ઘી વાળી મસાલેદાર ખીચડી બનાવવાની માનસિક તાકાત કેળવી શકીએ છીએ. મારી તાજેતરની અમેરિકાની સફર પછી મને ખુદને પણ લાગ્યું છે કે સાહસને સિમાડાં નથી હોતા. એ તો મનમાં જ રચાતા હોય છે. તનથી તો બસ...તેને તોડવાની જરૂર પડે છે. તો હો જ્જ્જાયે? જય હિન્દ, જય વિશ્વ!!!