મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા મારી દીધા હોય એ આગળ જતા કરોડો ચાહકો માટે 'ક્રિકેટના ભગવાન' તરીકે જ પુજાય ને ! સ્કુલે જાય પણ, ભણે નહીં. મન જ ન લાગે એનું. ક્લાસ રૂમમા હોય ત્યારે પણ જીવ તો રમતના મેદાનમાં જ હોય. 4 સંતાનોમાં સૌથી નાના એવા 'બરખુરદાર' ના માતા-પિતાને ખ્યાલ આવી ગયો કે આનો 'ક્લાસ' અલગ છે. જો કે, એ વખતે કોઇને એ ખબર ન હતી કે આ એક અદ્વીતીય સિધ્ધીઓ સર્જવા સર્જાયેલ વ્યક્તિત્વ છે જેને 'ટેક્સ્ટ બૂક્સ' કરતા 'રેકોર્ડ બૂક્સ' ને વધારે મહત્વ હશે. એ પોતે બહુ મોટો શિક્ષક બનશે.