10.પોલીસસ્ટેશનથી છૂટીને કાંતા પહેલાં તો હોટેલ ટુરિસ્ટ હેવન ગઈ. તેને અંદર ઊંડેઊંડે એ આશા હતી કે રાધાક્રિષ્નન સર તેને આજથી જ, કોઈ બ્રેક વગર ડ્યુટી પર ગણી લેશે. તેની માત્ર પૂછપરછ થઈ હતી અને તે ખૂન માટે શંકાસ્પદ આરોપી નથી એટલે. તેનો મોબાઈલ તો કસ્ટડીમાં લઈ લેવાયેલો. તે નીકળતા પહેલાં તેને પાછો આપવામાં આવ્યો.તેણે તરત જ સરને ફોન લગાવ્યો. સરનો ફોન ઉપડે જ નહીં. સ્વીચ ઓફ. તેણે રિસેપ્શન ડાયલ કર્યું. એંગેજ. તેને થયું કે સીધી હોટેલ પર પહોંચું.હોટેલ આવતાં જ તેણે જોયું કે બહાર મોટું ટોળું હતું. કેમેરા સાથે ચેનલો વાળા ઊભેલા. કોઈ 'પત્રકાર' હાથો પહોળા કરી બૂમો પાડતો હતો.