શશાંકની વાતો, તેનો વ્યવહાર તથા લાગણીસભર ચહેરાથી હું પણ પ્રભાવિત થઈ ગઈ હતી. તે હંમેશા પ્રેમ અંગેના વિવાદમાં મારાથી જીતી જતો. તેમ છતાં મેં સ્પષ્ટ તો નહોતું જ કહેલું કે હું પણ તેને ખૂબ ચાહતી હતી, પણ તેને વિશ્વાસ હતો કે હું તેને ચાહું છું. " શશાંક..! એક વાત પૂછું..? તું સ્વભાવે કુલ, દેખાવે ડેશિંગ અને પૈસેટકે અમીર છે. તો તને મારા જેવી શાંત,સરળ અને સામાન્ય ઘરની છોકરી કેવીરીતે પસંદ આવી..?" એક દિવસ મેં તેને પૂછી જ લીધું. " બેટા...! એમાં એવું છે ને કે જ્યારે માણસને પ્રેમ થાય ને ત્યારે બાકીની બધી વસ્તુ કે બાબતો ગૌણ બની જાય છે.